આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?

તમારા બાળકો તમારા નથી

એ તો જીવનના, પ્રકૃતિના, સૃષ્ટિના સંતાનો છે. – ખલીલ જિબ્રાન.

ખલીલ જિબ્રાન વરસો અગાઉ આ સુંદર વાત કરી ગયો, પણ આપણે રેસમાં દોડીએ છીએ અને રેસમાં દોડતી વખતે લક્ષ્ય દેખાય, દોડવાના તોર તરીકા તરફ દુર્લક્ષ્યજ સેવાય. આવા સુંદર વિચારો વાંચીએ ન વાંચીએ ત્યાં તો તમારા ચિરાગે રોશનની શાળાથી ફોન આવે છે:

‘તમારા બાબાને સમજાવો કે તોફાન ન કરે…બિલકુલ લખતો નથી… કંઈક કહેવા જઈએ તો સામે દલીલો કરે છે…’ હવે ખલીલ જિબ્રાન જાય છે કચરાપેટીમાં અને શરુ થાય છે તમારા દેવના દીધેલને સીધો કરવાના અખતરા-પેંતરા. હોસ્ટેલમાં મુકી દેવાની ધમકી જેટલી વાર બોર્નવીટા પીવરાવો છો એના કરતા વધારે વાર તો તમે આપી જ ચુક્યા છો, અને એક દિવસ ટેંણિયુ સંભળાવી દે છે:

મુકી દે હોસ્ટેલમાં …તારી કચકચથી તો છુટકારો મળશે…!વરસો વરસથી બાળ ઉછેરના પુસ્તકો ધાર્મિક પુસ્તકોની જેમ લખાય છે, વંચાય છે. ઉપરથી બાળ ઉછેરના પુસ્તકો વાંચ્યા પછી બાળકોનું તો આવી જ બન્યુ છે.

એક બાળક રડતું હતું એટલે બીજાએ કારણ પુછ્યું તો કહે, ‘આજે મારી મમ્મી બાળ ઉછેરનું નવું પુસ્તક લાવી છે…અને મને વિશ્વાસ છે કે અખતરા મારી ઉપર જ થવાના છે.’

મિત્રો, તમને નથી લાગતું કે બાળ ઉછેરના પુસ્તકોનું સાચુ ટાઈટલ તો ‘માતા-પિતા ઉછેરના પુસ્તકો’ એવું હોવું જોઈએ? જે કરવાનું છે તે સભાનપણે આપણે કરવાનું છે, આપણી અજાણપણે થઈ ગયેલી ભુલોના પરીણામો એ નહીં! એક તો મા-બાપ બનવા માટે કોઈ ખાસ આવડત/ લાયકાતની જરુર નથી. કલેક્ટર ઓફિસના ક્લાર્ક બનવું હોય તો સ્ટેનો, ટાઈપ, કમ્પ્યુટર…અને બીજું ઘણું બધુ આવડવું જોઈએ, પણ મા-બાપ તો કોઈ પણ એરો ગેરો નથ્થુરામ બની શકે છે! વાત વિચારવા જેવી તો ખરી જ કે આખરે બાળકોને શા માટે ભણાવીએ છીએ? કિંતુ આ પ્રશ્ન પહેલા પણ એક પ્રશ્ન ઉદભવવો જોઈએ: આખરે આપણે બાળકોને પેદા શા માટે કરીએ છીએ?

લગ્ન કર્યાને ઠરીઠામ થયા ન થયા હોઈએ, પ્રોબેશન પિરિઅડ માંડ માંડ પતવા આવ્યો હોય ત્યાં તો શાંતાબેનો અને કાન્તાબેનો કોરસરુપે ગણગણવાનુ શરુ કરી દેશે: હવે ઘોડીયું ક્યારે બાંધો છો મારા લાલ?

પ્રથમ પ્રશ્નેજ આંખ મીંચી દીધી છે એટલે બીજો સવાલ- ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’- ઉત્પન થવાનો સવાલજ નથી. હંજુ કુંવરે માંડ માંડ ગડથોલીયા ખાવાનું બંધ કર્યુ ન કર્યુ હોય ત્યાં તો એને પ્લે ગ્રુપના ગડથોલીયા ખવરાવવાનુ શરુ કરી દઈએ છીએ. હજુ તો માંડ માતૃભાષાનુ ધાવણ હોઠે ચડ્યું ન ચડ્યું ત્યાં તો પરદેશી ભાષાના ઈંજેક્શન મારવાનું શરુ! શાળાઓ એક કામમાં માહેર છે: સપનાઓનો વેપલો કેવી રીતે કરવો…તમારી ગુડિયાને જેક એન્ડ જીલ ગોખાવી ગોખાવી ગવડાવે છે…કારણ કે તમારી ગુડીયા એમના માટે એક પ્રોડક્ટ છે…ચાર જણા વચ્ચે જો એનું ટ્વીંકલ ટ્વીંકલ ઝાંખુ પડી જશે તો તમારી આબરુના લીરેલીરા તો ઉડશે જ પણ તરત પ્રશ્ન પુછાશે કે કઈ શાળામાં ભણે છે? તમારું બાળક સ્કુલની જાહેરખબરનું માધ્યમ છે અને એ પણ એમની જાહેરાત કરવાના પૈસા તગડી ફી રૂપે તમે આપો છો મારા ગિરધારીલાલ… અરે બાળકની નૈસર્ગિક શક્તિની વાતો કરનારાઓ તમને ખબર છે ખરી કે શક્તિ શું ચીજ છે? શાળાઓ માટે તમારો નન્દકિશોર એક રોલ નંબર છે જેને એક રૂમનંબરમાં બેસાડવામાં આવે છે અને ક્વચિત જેમ કેદીને ટ્રાન્સફર વોરંટ ઉપર એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવામાં આવે છે તેમ એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જવાય છે. કવિ રઇશ મનીઆર કહે છે એમ,

“પંખી તો બચ્ચાને ઉડતાં શીખવે અને માણસ…બચ્ચાને આપે પીંજરું…મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ, મૂડમાં રહે ટપોરી…સે સૉરી! માય સન, સે સૉરી!”

જો વાત ખરેખરી કુદરતદત શક્તિઓની જ હોય તો તમે જ કહો હે દામિનીબેન, એવું તો કેવી રીતે બને કે દરેકને આર્ટ એન્ડ ક્રાફ્ટ માં રસ પડવો જ જોઈએ? એવું શક્ય છે કે તમને ચાઈનીઝ બનાવવાની મઝા આવતી હોય તો યામિનીબેનને પણ ચાઈનીઝ બનાવવાની મઝા આવે જ આવે? એક અદભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જયાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વ વિકાસમાં આડખીલી રૂપ બાબત! આ છે અબજો મા-બાપોની ગજબ કહાની! અને હમણાં હમણાં નાક લુંછવા માટે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરતા શીખેલી મમ્મીઓને તાલીબાની ઝનૂન છે એમના બાળકો માટે. ઓબ્સેશન એટલે શું એ ડિક્ષનરીમાં નહીં કોઈ પણ તાજી બનેલી મમ્મીને જોઈએ એટલે વગર ભાષાએ સમજાઈ જાય.

બધાને બધું આવડવું જ જોઈએ એ માનસિકતાને કયું નામ આપીશું? જે મા-બાપો માને છે કે તેમના ટેણિયાને બધુ જ આવડવું જોઈએ એ બધા બુધ્ધુઓને એક લાઈનમાં ઉભા રાખી તમંચાને ધડાકે દોડાવવા જોઈએ અને એ પણ સ્પષ્ટ સુચના સાથે કે રેસમાં બધા પહેલા નંબરે આવવા જોઈએ! જો જો શું હાલત થાય છે…ફાંદ રબ્બરના દડાની જેમ ઉછળતી હશે પ્રવિણભાઈ તમારી અને મણીબેન તમે પંદર ડગલા દોડીને સન્યાસ લઈ લેશો સન્યાસ… આવ્યા મોટા બધું આવડવા વાળા…

‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ – જો આ ધ્રુવ પ્રશ્ન વિશે દરરોજ સવાર, બપોર અને રાત્રે એક એક ચમચી પણ ચિંતન કરવામાં આવે તો એ તમારા ધ્વારા તમારા બાળકને આપવામાં આવતી સુંદરતમ સોગાદ હશે. ડૉ. રઇશ મનીઆરના સાલસ શબ્દોમાં કહીએ તો, “પ્રશ્ન ઉદ્ભવશે તો ઉત્તર આપોઆપ મળશે”. આ લેખનું ટાઈટલ તેમનું પુસ્તક ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ની બેઠ્ઠે બેઠ્ઠી સાભાર કોપી છે.

“બાળકો શરુઆત કરે છે મા-બાપને ચાહવાથી, થોડાક મોટા થાય છે એટલે એમનું મુલ્યાંકન કરવાનુ શરુ કરે છે… અને ભાગ્યે જ, જો કરી શકે તો, એમને માફ કરે છે…”

-ઓસ્કાર વાઈલ્ડ

( મુકેશ મોદી દિવ્ય ભાસ્કરના જાણીતા કટાર લેખક અને વિચારક છે. તેમની કોલમ દિવ્યભાસ્કરની કલશ પૂર્તિમાં ” નાનકડું સત્ય…” small satya ” નિયમિત ચાલુ છે. આ લેખ મોકલવા બદલ મુકેશભાઇનો આભાર…આજે ” કલમ વાચકોની ” વિભાગમાં એક લેખક )

11 thoughts on “આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?

 1. Sat, 18 September, 2010 8:45:57 PM
  Re: [New post] આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?

  From:
  Ushaben Patel [Chat now]

  View Contact
  To: પરમ સમીપે
  Cc: nilam doshi
  આ કોલમ વાંચ્યા પછી વાચકને જરૂર ચિંતન કરવા મજબૂર કરી શકે આમાં આપણી ભૂમિકા એક માબાપ તરીકે કેવી હોવી જોઈએ. વાંચનની સાથેસાથે પોતાનું મનોમંથન કરવું આપણે એટલું જ જરૂરી છે. હવે વ્હેતી ગંગા માંથી મારે કેટલું પાણી લેવું એ ખુદે જ નક્કી કરવું રહ્યું. પણ એક વાત તો એટલી જ સત્ય છે કે આચરણ વગરનું તમામ મિથ્યા છે. આતો કાગળ ઉપર હળ ચલાવવા જેવી બાબત ગણાય. “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોચે કવિ અને જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે અનુભવી.” આ વિધાન એટલું જ સત્ય છે.
  ઉષા

  Like

  • આભાર આપનો મુકેશભાઈ,

   અનુભવમાંથી જ અનેક છુપાયેલાં તથ્યો અને રહસ્યોને ઉકેલી શકાય છે, એટલે જ ગુજરાતીમાં કહેવત છે કે “ઘૈડ્યા(વડીલ,બુઝુર્ગ,અનુભવી) વગર ગાડા ના વળે.” આપણા જ વડીલો તરફ દ્રષ્ટિપાત કરીએ તો તેઓ માંડ ચાર ચોપડી પાસ યા બહુબહુ તો એસ.એસ.સી પાસ તેમાંય સ્ત્રીવર્ગ તો પ્રાયમરી પાસ હોતા, લગભગ ય હશે. તો શું એમણે ઘણા ઓછાં સાધનો વડે આપણી સારી માવજત નથી કરી શું? તેઓ એ બાળઉછેરની ક્યાં તાલિમ લીધી હતી. છતાં આજે આપણે જે કઈં છીએ તે એમની કોઠાસૂઝના પ્રતાપે જને? ખેર! આતો સમય સમયની બલિહારી છે. દરેકનો, આપણ સૌનો, પથદર્શક પરમાત્મા બની રહે…. એ જ શુભકામના…. અસ્તુ..ઉષા.

   Like

 2. બધાને બધું આવડવું જ જોઈએ એ માનસિકતાને કયું નામ આપીશું? જે મા-બાપો માને છે કે તેમના ટેણિયાને બધુ જ આવડવું જોઈએ એ બધા બુધ્ધુઓને એક લાઈનમાં ઉભા રાખી તમંચાને ધડાકે દોડાવવા જોઈએ અને એ પણ સ્પષ્ટ સુચના સાથે કે રેસમાં બધા પહેલા નંબરે આવવા જોઈએ!

  આ વાત ખુબ ગમી . કારણકે વર્ગમાં પ્રથમ જ આવવુ જોઇએ એવો આગ્રહ રાખનાર દરેક મા-બાપ પોતાની હેસિયત ક્યારે ચકાસે છે?
  કુવામાં હોય તો હવાડામાં આવવાનુ છે ને!
  અને તેમ છતાં દરેક મા-બાપને પુરો અધિકાર છે પોતાના સંતાનો માટે સ્વપ્ના જોવાનો નહીં કે એમની પર લાદવાનો.

  Like

 3. મને જે લેખ ગમ્યો હોય એ લેખ જ હું અહીં મૂકું એ સ્વાભાવિક જ છે ને ? મને જે ન ગમે એ મારા બ્લોગ પર હું ન જ મૂકું…

  એથી લેખ ગમ્યો એવું કહેવાનો અર્થ જ નથી..
  અહીં કહેવાયેલી વાત સાચી છે એમાં કોઇ બેમત નથી જ…
  અને છાપાની કોલમ માટે લખાયેલી હોય ત્યારે હળવી શૈલી હોય અને શબ્દમર્યાદા પણ નડે જ…એનો મને જાતઅનુભવ છે.
  બાકી આ વિષય એટલો વિશાળ છે કે લખીએ એટલું ઓછું..
  બાળક કોઇ પટારો નથી..જેને જ્ઞાન..માહિતીથી ભરી દેવાનો હોય..
  એ એક ચિનગારી છે..જયોત છે.

  માબાપના અધૂરા સ્વપ્નો પૂરા કરવાનું પાત્ર નથી જ નથી…અને છતાં માબાપને પોતાના સંતાન માટે સપના જોવાનો હક્ક તો ખરો જ..પણ સપના થોપવાનો નહી
  આ અંગે મારી લઘુકથા વિભાગમાં…
  1..” હવે નહીં મારે ને ?
  2..માસી, રોકાવને ?
  3 મૌન…
  બની શકે તો વાંચશો..
  આ વિષય અંગે મારા વિચારો એ ટૂંકી વાર્તા કહેશે.
  શૈશવની માવજત વિભાગ પણ છે જ..જોકે એ શ્રેણી સમયના અભાવે અધૂરી રહી છે..કદીક પૂરી થશે.
  મુકેશભાઇ..
  ” એક અદભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જયાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વ વિકાસમાં આડખીલી રૂપ બાબત! ”

  આ શબ્દો સૌથી વધારે ગમ્યા..
  બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો આપણે સૌ સ્વીકાર કરતા કદાચ શીખ્યા જ નથી…
  આશા છે હવે આપની ફરિયાદ દૂર થઇ હશે…

  Like

  • સ્નેહી નીલમબેન,

   સૌ પ્રથમ તો આપે મારા લેખ અંગે વિશદ અભિપ્રાય આપી ધન્ય બનાવ્યો છે. તમને જે વાકય વધુ ગમ્યું છે એ વાક્ય મને પણ ખુબજ ચોટદાર લાગે છે.

   મુકેશ મોદી

   Like

 4. nilamben,
  thanks again for giving your precious comment. we all are sitting on the same boat. I always give an example to my students in the classroom that “We can take horse to river to drink water, but we can’t force horse to drink water.” this slogan is also applicable to all kind of people, even animals also do according to their wish. So these children are human, so we wish that they fulfill parent’s desire but some how they also their own likings dis likings that we should never forget. usha.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s