ચપટી ઉજાસ..61

માસી ચાલ્યા સાસરિયે…

અમે બધા મોટાઓની પાછળ પાછળ….ત્યાં તો… ‘ અરે, આ શું ? અહીં તો આગ છે ! સ્વરામાસી અને તેની સાથે કોઇક અંકલ આગ ફરતે ગોળ ગોળ ફરે છે. બધા જુએ છે..મને તો બીક લાગે છે..કયાંક મારા માસી દાઝી જશે તો ? એકવાર મારા હાથમાં બાકસ આવી હતી. હું પણ દાદીમાની જેમ જ ભગવાન પાસે બેસીને દીવો કરવા જતી હતી..ત્યાં ફૈબા દોડી આવ્યા હતા અને મને સમજાવ્યું હતું કે એનાથી કેવું “ ઊ “ થાય…!

આજે આટલા બધા ઉભા હતા પણ કોઇએ સ્વરામાસીને રોકયા નહીં. ઉલટા બધા તાળી પાડતા હતા…અને તેમની ઉપર ફૂલ નાખતા હતા. મેં પણ ત્યાં નીચે પડેલ ફૂલ હાથમાં લીધા અને માસી ઉપર નાખ્યા..સાગરભાઇ અને પલક તો જોશ જોશથી માસી ઉપર ફૂલો ઉડાડતા હતા..મોટાઓને આમ ફૂલો ફેંકતા જોઇ મને નવાઇ લાગી.

ત્યાં પલક કહે, ચાલ, માસા ઉપર પણ ફેંકીએ.. માસા..? હું ચારે તરફ પલકમાસાને શોધવા લાગી. ત્યાં પલક કહે. આ સ્વરામાસી સાથે છે ને એ આપણા નવા માસા છે.

ઓત્તારી..આ તો પલકમાસાની જેમ સ્વરામાસા ? એને તો મેં આટલા દિવસ સુધી જોયા પણ નહોતા. હવે સ્વરામાસીના “માસા” ને હું ધ્યાનથી જોવા લાગી.

સ્વરામાસીના માસા માસીના વાળમાં ચાંદલો કરતા હતા. સાવ બુધ્ધુ ! ચાંદલો કપાળમાં કરાય..અને આજે માસીએ તો કપાળમાં કેટલા બધા ચાંદલા કર્યા હતા.

મેં મારા કપાળે હાથ ફેરવ્યો. મને તો મમ્મી એક જ ચાંદલો કરી આપતી હતી. કંઇ વાંધો નહીં..હું ઘેર જઇને ઉમંગી ફૈબાને કહીશ..મને જાજા બધા ચાંદલા કરી આપે. સ્વરામાસી કરતા પણ વધારે. પણ આમ વાળમાં કંઇ મારે નથી કરવું. માસીના વાળ માસાએ બગાડી નાખ્યા એ મને ન ગમ્યું. પણ માસી અને બધા ખુશ થતા હતા એવું કેમ લાગ્યું ?

ખબર નહીં..આ મોટાઓની વાતુ બધી ન્યારી… પછી તો કેટલી બધી ધમાલ ચાલતી રહી..જેમાં મને કંઇ સમજ નહોતી પડતી કે કંઇ મજા નહોતી પડતી..હા, નીચે ફૂલોનો ઢગલો પડયો હતો. હવે હું, પલક, આર્ય, સાગર અને બીજા કેટલાયે છોકરાઓ એકબીજા પર ફૂલ ઉડાડવાની રમત રમતા હતા. જયભાઇ ઉપર તો મેં કેટલા બધા ફૂલ ઉડાડયા..જયભાઇ પણ નીચો નમીને એકાદ ફૂલ ઉપાડી મારી ઉપર ઘા કરતો હતો. આમ પણ જયભાઇને તો ઘા કરવો બહું ગમે. મારે સ્વરામાસી પાસે જવું હતું. પણ કોઇએ જવા ન દીધી. મેં સ્વરામાસી સામે જોયું પણ તેનું ધ્યાન મારી સામે નહોતું. એ તો બસ નવા માસા સામે જોઇને હસતા હતા.બધા તેમની સાથે હસતા હતા. બધા નવા માસાના ચમચા હતા કે શું ? મને કેમ એવું લાગ્યું ?

ત્યાં કોઇએ આવીને અમને બધાને જમવા બોલાવ્યા. મારે તો સ્વરામાસી પાસે ઉભીને બધું જોવું હતું. પરંતુ સાગરભાઇ મારો હાથ ખેંચીને મને ઉપાડી ગયા

.’ જૂઇ, ચાલ, પહેલા આપણે બધા જમી લઇએ. જમવામાં તો આજે કેટલું બધું હતું. મેં થોડું ખાધું..પણ મારો જીવ તો સ્વરામાસીમાં હતો. સાગરભાઇનું ધ્યાન નહોતું ત્યાં હું ને પલક હાથ પકડીને દોડી ગયા.

પણ ત્યાં જઇને જોયું તો સ્વરામાસી તો રડતા હતા..નક્કી આ નવા માસા ખીજાયા હશે. બીજું કોઇ તો મારા સ્વરામાસીને કયારેય ખીજાતું નથી એની મને ખબર હતી જ. નક્કી આ માસાનું જ કામ. મને માસા ઉપર ગુસ્સો આવ્યો. પણ શું કરું ? માસા તો માસીનો હાથ પકડીને ઉભા હતા. માસી પણ ખરા છે..માસાથી દૂર જતા નથી. અરે, આ શું ? નાનીમા, મમ્મી, નિયતિમાસી..ત્યાં ઉભેલ બધા રડવા લાગ્યા.મારી ને પલકની આંખમાં પણ પાણી આવી ગયા. આ બધું શું થઇ રહ્યું છે એ કેમે ય સમજાયું નહીં. મમ્મી રડે એ મારાથી કેમ સહન થાય ? હું દોડીને મમ્મી પાસે પહોંચી ગઇ. તેની સાડીનો છેડો પકડીને ઉભી રહી ગઇ. પણ મમ્મી મારી સામે જોવાની તકલીફ લે તો ને ?

બધા સ્વરામાસીને વળગીને જ કેમ રડતા હતા ? મામલો કંઇક ગંભીર લાગતો હતો. પણ તો યે નવા માસાને કોઇ ખીજાતું કેમ નથી ? માસીને રડાવે છે તો યે એને કેમ કોઇ કહેતું નથી ? ઉલટું અહીં તો…. પછી કોઇએ આવીને સ્વરામાસીને પાણી પીવડાવ્યું. અને શાંત કર્યા પણ માસાને તો ન જ ખીજાયા. નવા માસા જરૂર ખરાબ છે. એવું મેં નક્કી કરી લીધું. અને ગુસ્સાથી હું તેમની સામે જોઇ રહી. પણ આજે મારી સામે કોઇ નહોતું જોતું.

સ્વરામાસીને પીંક કપડાથી માસા સાથે બાંધી દીધા હતા એ પણ મેં જોયું. પછી તો માસી રડે જ ને ? કોઇ છોડતા પણ નહોતા. અંતે સ્વરામાસી માસા સાથે મોટરમાં બેઠા..વાહ..મોટર તો આખી ફૂલથી શણગારેલી છે. માસી એકલા એકલા માસા સાથે કયાં ગયા તે મને સમજાયું નહીં. સાગરભાઇ પણ રડતા હતા..તેણે ધીમેથી કહ્યું..

સ્વરાફૂઇ ચાલ્યા સાસરે…

શું હશે આ સાસરું ?
( જનસતા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

3 thoughts on “ચપટી ઉજાસ..61

  1. niluben,
    શૈશવની કેટલીક ધૂંધળી યાદોને શબ્દોનાં સુંદર સુંદર વસ્ત્રોથી આભૂષિત કરવાની કળાશૈલી વડે આપની આ એક્સઠમી કડી ઘણું બધું કહી જાય છે, ફૂલોની વેદનાઓની વેદના તો ફૂલો જાણે આજે ય દરેકને જાતજાતના ફૂલો ગમતાં હોય છે, પરંતુ ભાવના અને લાગણીઓ પણ તેન જેટલી જ કોમળ હોય છે. હવે આપ લાગણીને ફૂલ સમજો કે ફૂલ સમજો એ તમારા પર અવલંબે છે. મેં ફૂલને આ
    નજરથીજોઉં છું…….” ફૂલોને જોઈને ગાંડા થનારા, કરો તમે પણ એવું કે તમને જોઈને ફૂલ થાય ગાંડું”….” ફૂલ આહિસ્તા ફેંકો ફૂલ બડે નાજૂક હોતે હૈ”. ” મુઝે જો તોડેંગે, ઉસે તો મેરે કાંટે નહીં છોડેંગે”…..”જો મેરે કાંટોસે ડરકર ચલતે હૈ, વો અક્સર મુજીસે ચોટ ખાતે હૈ”…. ખરુંને ?…… હજીયે ફૂલો વિશે ઘણું બધું કહી શકાય…. ઘણા બધાથી અને જો એમ બનેતો…..” એક મેહફિલ બની જાય શબ્દો કેરી”પરમ સમીપેની”…………ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s