ઓકે..માય સન…?

‘ અલય, ચાલ, જલદી બહાર…સીકયોરીટી ચેક પહેલા એક વાર પાંચ મિનિટ બહાર જવા દે છે. મમ્મી, પપ્પાને મળી આવીએ..મમ્મીએ ખાસ કહ્યું છે. લગેજ અંદર જાય એટલે બહાર આવીને એકવાર મોઢુ બતાવી જજે. પછી જ તેને શાંતિ થશે. ત્યાં સુધી તે બહાર રાહ જોતી ઉભી જ રહેશે. તેને પગનો દુ:ખાવો છે છતાં માનશે નહીં. હું ઓળખું ને તેને ? ચાલ, યાર ‘ કહી નિશાંતે અલયને લગભગ ધક્કો માર્યો. અલયને બહાર જવાનું મન ન થયું. તેની રાહ જોવાવાળુ કોઇ કયાં હતું ? બહાર જઇને શું કરે ? પરંતુ અંતર્મુખી સ્વભાવને લીધે મનની વાત આ વીસ વરસોમાં કયારેય કોઇને કહી નહોતો શકયો…આજે કેમ કહે ?

નિશાંત તો પોતાની ધૂનમાં મશગૂલ હતો. બહાર મમ્મી, પપ્પા અને બધા પોતાની પ્રતીક્ષા કરતા હશે.. અત્યારે એ એક વિચાર સિવાય બીજું કશું તેને સ્પર્શી શકે તેમ નહોતું. પહેલીવાર ઘરથી આટલે દૂર જઇ રહ્યો હતો. તેનો ઓથાર ભીતરમાં છવાયેલ હતો.
અલયનો હાથ ખેંચી નિશાંત બહાર નીકળ્યો. અને બહાર આતુરતાથી ઉભેલ મમ્મી, પપ્પાને સબ સલામતના સમાચાર આપવા લાગ્યો.

અલય ત્યાંથી થોડે દૂર ખસી ગયો. જાણે સામે પોતા માટે કોઇ ઉભું હોય અને પોતે તેમને ‘ બાય’ કરતો હોય તેમ હસીને હાથ હલાવવા લાગ્યો. તેની આંખોમાં જળજળિયા ઉભરાતાં હતાં. માંડ માંડ અંદર છલકતાં પૂરને ખાળી રાખ્યાં હતાં. હજુ કયાં સુધી આ દંભનું મહોરું ઓઢીને ઘૂમવાનું હતું ?

આંખો કોઇને જોઇ રહ્યાનો ડોળ કરતી હતી પરંતુ તેના કાન નિશાંતની વાત સાંભળી રહ્યા હતા.

’ બેટા, બરાબર ધ્યાન રાખજે હોં. અને જો થેપલા અને બધો નાસ્તો બેગની અંદર નીચે મૂકયો છે. આટલે દૂર તને મોકલતા જીવ તો જરાયે નથી ચાલતો. પણ તારી બહું ઇચ્છા હતી તેથી ના નથી પાડી શકયા. બેટા, પરદેશમાં તબિયત સંભાળજે અને કોઇ વાતની ચિંતા કરતો નહીં. પૈસાની ખેંચ રાખતો નહીં. પપ્પાએ બધી વ્યવસ્થા કરી જ લીધી છે. જરાયે મૂંઝાતો નહીં. રોજ દૂધ બરાબર પી લેવાનું ભૂલતો નહીં. તું દૂધ પીવાનો બહું ચોર છે. ત્યાં મમ્મી નહીં હોય. બેટા, હવેથી તારું ધ્યાન તારે જ રાખવું પડશે. તારા વિના ઘર સૂનુ સાવ સૂનું થઇ જશે. અમને કોઇને ગમશે નહીં. તું તારું ધ્યાન રાખજે હોં.. રાખીશ ને ? નહીંતર અમને કેટલી ચિંતા થાય એ તને ખબર છે ને ? ’

કહેતાં નિશાંતની મમ્મીએ આંસુ લૂછયા અને પુત્રને માથે સ્નેહથી હાથ ફેરવી રહી. સૂચનાઓનો સ્નેહભર્યો વરસાદ વરસી રહ્યો.

‘ અને બેટા, નોકરી જલદી ન મળે તો ચિંતા ન કરીશ. તારો બાપ હજુ બેઠો છે. બધે પહોંચી વળશે. પરદેશમાં પહેલું ધ્યાન તબિયતનું રાખવાનું. પછી બીજું બધું. ત્યાં માંદા પડવું પોસાય નહીં. તેથી ભણવાનું, નોકરી બધું પછી. પહેલી તબિયત…’ નિશાંતના પપ્પાએ સ્નેહથી પુત્રને સલાહ આપી.

‘ હા, ભાઇ, નોકરી ન મળે ને છોકરી મળશે તો પણ ચાલશે. મમ્મી, હવે તારો દીકરો ત્યાંથી કોઇ ગોરી છોકરી ઉપાડી લાવવાનો.’

નિશાંતની બટકબોલી નાનીબહેન લાડથી ભાઇની મસ્તી કરવાનું ચૂકી નહીં.

’ એય ચાંપલી, માર ખાઇશ હોં…ગોરી છોકરી તો નહીં..પણ તારા માટે કોઇ ધોળિયો છોકરો જરૂર શોધી લાવીશ. ‘

કુટુંબમેળાના કંકુછાંટણામાં ભીની ભીની ક્ષણો દોડી રહી. નિશાંતના કાકા,મામા, માસી..બધાનું મોટું ટોળુ હતું ત્યાં હાજર હતું.

દૂર ઉભા રહીને બધી વાત સાંભળતા અલયની આંખો ભીની બની.પોતાને તો આવું કહેવાવાળું કોઇ કયાં હતું? પોતે આવું કયારેય સાંભળવા કયાં પામ્યો હતો ? કુટુંબ એટલે શું એ પૂરું સમજવા કે અનુભવવાની તકથી તે તો હમેશનો વંચિત….

લાખ કોશિષ છતાં અલયની આંખોમાં શ્રાવણી ભીનાશ તગતગી ઉઠી.
સમયનું ભાન થતાં નિશાંત મમ્મી,પપ્પાને પોતાની ચિંતા ન કરવાનું કહી, બધાને પગે લાગી, આશીર્વાદ લઇ અંદર પાછો વળ્યો.તેની બહેને તેના હાથમાં ગુલાબનું ફૂલ અને એક કાર્ડ મૂક્યા. પ્લેનમાં અંદર બેસીને પછી જ ખોલજે. આવજે ભાઇ..’ કહેતા બહેનનો અવાજ રુંધાયો. બહેનને સ્નેહથી ભેટી નિશાંત ભારે પગલે જલદી જલદી પાછો વળ્યો. અલય તો જાણે નાટકનું કોઇ ભાવસભર દ્રશ્ય જોતો હતો…

’ અલય, બહાર ભણવા જવાનું મન બહું હતું તેથી નીકળ્યો તો છું. પરંતુ મમ્મી, પપ્પા વિના…. ગળગળો થઇ ઉઠેલ નિશાંત વાકય પૂરુ ન કરી શકયો. ધીમેથી તેણે ભીની આંખો લૂછી.

અલય નિશાંતના કપાળમાં કરેલ લાલચટ્ટક ચાંદલા સામે જોઇ રહ્યો હતો. કદાચ નિશાંતની મમ્મી કે બહેને શુકનરૂપે કરેલ હશે તે વિચારી રહ્યો. પોતાના કોરાધાકોર કપાળ પર તેનાથી અનાયાસે હાથ ફેરવાઇ ગયો.

‘ અરે, અલય, તેં પણ મળી લીધુંને તારા મમ્મી, પપ્પાને ? ‘

’ હા, હમણાં જ ગયા. ‘
અલયે પોતાની ભીની આંખો ચૂપચાપ લૂછી નાખી.

’ સારું કર્યું. આમ પણ હવે આપણને બહાર નીકળવા નહીં દે. ફલાઇટનો સમય પણ થવા આવ્યો છે. જોકે મારી મમ્મીનો સ્વભાવ તો એવો ટેંશનવાળો છે કે મેં રોકાવાની ના પાડી છે તો પણ મને ખાત્રી છે કે એ હજુ પણ રોકાશે જ. ખબર છે કે હવે હું બહાર આવી શકવાનો નથી. છતાં આપણી ફલાઇટ ઉપડશે પછી જ તેને શાંતિ થશે. ‘

નિશાંત પોતાની ધૂનમાં બોલ્યે જતો હતો. અલય ચૂપચાપ સાંભળતો હતો. ત્યાં તો સીકયોરીટી ચેકની સૂચના આવતા બંને તે તરફ વળ્યા.

બધી વિધિ પતાવી બંને પ્લેનમાં પોતાની સીટમાં ગોઠવાયા. અલયને બારી પાસે સીટ મળી હતી. નશીબજોગે નિશાંતનો નંબર પણ બાજુમાં જ આવ્યો હતો.

મમ્મી, પપ્પા અને ઘરથી છૂટા પડવાના વિરહની વેદનાથી ભીની બનેલી આંખો નિશાંતે લૂછી. અલયે પણ પોતાની ભીની આંખો લૂછી. એ જોઇ નિશાંતે કહ્યું,

’દોસ્ત, ઘરથી છૂટા પડવું બહું અઘરું છે નહીં ? ‘ અલયે મૌન રહીને ડોકુ ધૂણાવ્યું. શું બોલે તે ?
નિશાંતે બહેને આપેલું કવર ખોલ્યું. અંદર સુન્દર મજાનું કાર્ડ હતું. જેમાં ઘરના બધા સભ્યો તથા સગાઓએ શુભેચ્છાના સંદેશ પોતપોતાના હસ્તાક્ષરમાં લખ્યા હતા. નિશાંત સજળ આંખે વાંચી રહ્યો. અલયની નજર પણ કાર્ડમાં સ્થિર થઇ હતી.

થોડી ક્ષણોમાં પ્લેને પોતાની અંદર બેસેલ અનેક લોકોના વિવિધ શમણાંઓ પોતાની વિશાળ પાંખમાં ભરી અવકાશમાં ઉડાન શરૂ કરી.

અલયની નજર બારીની બહાર દેખાતા નાનકડા બનતા જતાં કીડી જેવડા વાહનો.. માણસો, મકાનો પર પડતી રહી. ધીમે ધીમે હમણાં બધું અદ્ર્શ્ય થઇ જશે..બધું દૂર દૂર થતું જતું હતું. જોકે નજીક હતું પણ શું ? ઘરથી, મા બાપથી, મિત્રોથી, પોતાની જાતથી સુધ્ધાં દૂર જ રહ્યો હતો ને ? પોતે ફરી પાછો કયારેય અહીં આવશે કે નહીં એ કયાં ખબર હતી ? અહીં તેની પ્રતીક્ષા કરવાવાળું કોઇ નહોતું. એક અજાણ ભાવિ તરફ તે જઇ રહ્યો હતો..શા

માટે ? કોના માટે ? આ આખી દુનિયામાં તે એકલો હતો..? સાવ એકલો..કોને પોતાનું કહે ?
આ કયો અભિશાપ લઇને તે જનમ્યો છે ? સામે દેખાતા અનંત અવકાશને શૂન્ય નજરે તે તાકી રહ્યો. થાકીને થોડીવારે તેણે આંખો બંધ કરી. ત્યાં તો યાદોના અઢળક વાદળો…. બહુ નાની વયથી તેને બોર્ડીંગ સ્કૂલમાં મૂકી દેવામાં આવેલ.. વરસમાં એકાદ વાર ફોન આવી જતો. બસ..બે મિનિટ વાત થતી. વધારે સમય મમ્મી, પપ્પા પાસે કયારેય ન હોય.
તેની નજર સમક્ષ નાનકડો અલય…મમ્મી,પપ્પાને કરગરતો..રડતો અલય તરવરી રહ્યો. ’

મમ્મી, પ્લીઝ…મને અહીં નથી રહેવું. મારે ઘેર આવવું છે. હું તમને કોઇને હેરાન નહીં કરું. પપ્પા, પ્લીઝ…મને ઘેર લઇ જાવ…’ તે રડતો રહ્યો હતો. મમ્મી, પપ્પા વોર્ડનને કહી રહ્યા હતા ’ એ તો એની જાતે ટેવાઇ જશે. શરૂઆતમાં થોડું આકરું લાગે. ‘

વોર્ડન તેમની હા માં હા પૂરાવતા રહ્યા હતા. બાળક અહીંથી ન જાય તેમાં જ તેમને રસ હતો. તગડી ફી વસૂલવાની હતી.

અલયની આજીજી…કાલાવાલા, આંસુ કશું કોઇને પીગળાવી ન શકયું.. તેને અહીં શા માટે ધકેલી દેવામાં આવ્યો છે તેની સમજણ પણ કયાં પડી હતી ? ચાર વરસના શિશુને ફકત એટલી જ ખબર હતી કે મમ્મી તેને મૂકીને ચાલી જાય છે. બસ એથી વિશેષ કોઇ ભાન નહોતી. અને એ ભાને એ અબોધ બાળકને ભયભીત કરી મૂકયો હતો.

દિવસે તો રડવાની હિમત પણ નહોતી. રોજ રાતે નાનકડા અલયની આંખો છલકતી રહેતી. તેને ડર લાગતો. કયારેક પથારી ભીની થઇ જતી..અને સવારે વોર્ડનનો ઠપકો..અને બીજા છોકરાઓનું હસવું..તેની મશ્કરી કરવી…

અલયના હાથ આ ક્ષણે પણ કાન ઉપર ઢંકાયા..નથી સાંભળવા એ અવાજ..બધાથી દૂર..ખૂબ દૂર ભાગી જવું છે. જયાં કોઇ તેને ઓળખતું ન હોય… હોસ્ટેલમાં બધા છોકરાઓના મમ્મી, પપ્પાના ફોન આવતા રહેતા. છોકરાઓ દોડીને ભાગતા વાત કરવા માટે. પોતાને કોઇ કયારેય ફોન કરતું નહીં. એવો સમય જ કયાં હતો મમ્મી, પપ્પા પાસે ? મમ્મી તેની કેરિયરમાં અને પપ્પા પોતાના બીઝનેસમાં….. અલયની સૂની આંખો ઘણીવાર ફોનને તાકી રહેતી. કયારેક એ પોતાને માટે પણ રણકશે ?

પણ…..

હોસ્ટેલનું એ પહેલું વેકેશન હતું. બધા છોકરાઓના મમ્મી, પપ્પા લેવા આવ્યા હતા. હસતા, રમતા, ખુશ થતા છોકરાઓ લાંબી રજાઓ ગાળવા મા બાપ સાથે દોડી રહ્યા હતાં. નાનકડો અલય એક તરફ ઉભો ઉભો બધાને જતા જોઇ રહ્યો હતો..તેની આંખોમાં પણ આશાના વાદળો બંધાયા હતા. તેના મમ્મી, પપ્પા પણ હમણાં આવશે…. તેને લઇ જશે..પછી તે કયારેય અહીં પાછો નહીં આવે. મમ્મી ના પાડશે તો પણ પરાણે તે ઘરમાં જ રહેશે..અહીં તેને જરાયે ગમતું નથી. બધા છોકરાઓ તેની મસ્તી કર્યા કરે છે. તે રડે છે તો છોકરી કહીને ખીજવે છે. પણ અલયને રડવું આવે તો તે શું કરે ?

સાંજ થવા આવી હતી. સૂર્યદેવતાએ પોતાનું છેલ્લું કિરણ સુધ્ધાં સમેટી લીધું હતું. બધા છોકરાઓ ચાલી ગયા હતા. આછા અન્ધકાર વચ્ચે એક બાળક સાવ એકલું..કોઇની પ્રતીક્ષામાં…. બેબાકળી નજર આસપાસ ઘૂમતી હતી.

ત્યાં… વોર્ડનનો અવાજ તેના કાનમાં અથડાયો હતો. કે તેણે તો વેકેશનમાં પણ અહીં જ રહેવાનું છે. શા માટે ? તે તેને કેમે ય સમજાયું નહોતું. એ પળ… એ સમય અલય કયારેય ભૂલી શકે તેમ નથી. વિશાળ મેદાનમાં પાંચ વરસનો એક બેબસ છોકરો એકલો અટૂલો….. ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજું કોઇ તેનું ધણી ધોરી નહોતું. આસપાસના વૃક્ષો પણ ઉદાસ…પંખીઓ ગૂપચૂપ પોતાના માળામાં લપાઇ રહ્યા.

પાછળથી ખબર પડી કે તેના પપ્પા વધારે ફી ભરીને તેને વેકેશનમાં પણ અહીં રાખવાની સગવડ કરી ગયા હતા. કેમકે તેઓ બંને વિદેશમાં હતા. પછી તો એવા અનેક વેકેશનો આવ્યા અને ગયા..દરેક વખતે તેના મમ્મી, પપ્પા બીઝી જ હોય..વિદેશમાં હોય કે પછી બીઝનેસમાં વ્યસ્ત હોય…કયારેક યાદ આવી જાય તો પપ્પા અલયને વરસમાં એકાદ વાર બે મિનિટ માટે ફોન કરી લેતા. અલય ખાસ કશું બોલી શકતો નહીં. “ ઘેર આવવું છે “ એવું પણ નહોતો બોલતો. બોલવાનો કોઇ અર્થ નથી એટલું તે બહું જલદી સમજી ચૂકયો હતો.

મોટૉ થતાં બીજું પણ ઘણું સમજાયું હતું. પોતાને જન્મ આપીને તુરત મા ઉપર ચાલી ગઇ હતી. અને પોતાને હોસ્ટેલમાં મૂકવાની શરતે આ બીજી મા ઘરમાં આવી હતી. એ સમજથી દુ:ખ, ઉદાસી સિવાય કશું મળ્યું નહોતું. એક બાળક મૌન રહીને પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખી ગયો હતો. તે બીજા બાળકો સાથે ખાસ ભળી શકતો નહીં. તેણે કાચબાની જેમ અંગો સન્કોરી લીધા હતા. બીજું તે કરી પણ શું શકે ? બધા પોતાના મમ્મી, પપ્પાની વાતો કરતા..પોતાની પાસે વાત કરવા માટે કશું હતું જ કયાં ? તે કોની વાત કરે ? શું વાત કરે ? ઘરના કોઇ અનુભવો હતા જ કયાં ? હવે તો ઘરને ભૂલી પણ ગયો હતો. વરસોથી જવા કયાં પામ્યો હતો ? કયારેક રાત્રિના ઘેરા અન્ધકારમાં મોટેથી રડવાનું મન થઇ આવતું. પણ એ યે કયાં શકય હતું ? રૂમમાં તે એકલો થોડો હતો ?

એકલતાના એ વરસો કેવી રીતે વીત્યા એ પોતાના સિવાય કૉણ જાણી શકે ? અને કોઇને જાણવાની ફુરસદ પણ કયાં હતી ? થોડો મોટો થતાં પુસ્તકોને તેણે મિત્ર બનાવ્યા હતા. એ મિત્રો કયારેય કશું પૂછતા નહીં. મશ્કરી કરતા નહીં. તેના સાથી, સંગી બની રહેતા.

એમ જ ભણવાનું પુરૂ થતાં તે ઘેર આવ્યો. પોતાની જાતે આવી ગયો. હવે વધારે પૈસા ભરીને પણ રહી શકાય તેમ નહોતું. નહીંતર….. તે ઘેર પહોંચ્યો ત્યારે મમ્મી, પપ્પા બહાર ગયા હતા. રાત્રે મોડા આવ્યા હતા. તે રાહ જોતો બેઠો હતો. મમ્મી, પપ્પા “ વેલકમ હોમ “નો આવકાર આપી પોતાના બેડરૂમમાં ગયા હતા.

‘ સી યુ લેટર..માઇ સન..વી આર ટુ ટાયર્ડ…’ કાલે નિરાંતે મળીએ… મમ્મી, પપ્પાને જતાં જોઇને પણ અલયની આંખો કોરીક્ટ્ટ…અંતરમાં એક શૂન્યતા….પણ હવે તે બહાદુર બની ગયો હતો. છોકરીની જેમ રડતો નહોતો.

મમ્મી,પપ્પાની એ કાલ…એ નિરાંત કયારેય આવી નહીં. કયારેક મમ્મી, પપ્પાની અલપઝલપ મુલાકાત થઇ જતી..એટલું જ…

જોકે બીજે દિવસે તેના મમ્મી, પપ્પાએ દીકરાના ઘેર આવ્યાની અને પાસ થયાની ખુશાલીમાં શાનદાર પાર્ટી જરૂર રાખી હતી. પરંતુ હકીકતે એ તો એક માત્ર બહાનું હતું..પાર્ટીનું. બાકી એ ફકત બીઝનેસ પાર્ટી હતી..એટલું ન સમજે તેવો અબૂધ હવે અલય કયાં રહ્યો હતો ?

ભણી તો લીધું હવે ? હવે શું કરવું ? કશું સમજાતું નહોતું.

અહીં રહીને શું કરવાનું ? અહીં તેનું કોણ હતું ? હવે તો હોસ્ટેલ પણ નહોતી રહી. ઘર તો વરસો પહેલાં છૂટી ગયું હતું. હવે હોસ્ટેલ પણ ગઇ. હવે ત્યાં પણ કોઇ રાખે તેમ નહોતું..બંગલાની બાલ્કનીમાં વહેલી સવારે ઉભા રહીને તેની નજર સામે દેખાતી ફૂટપાથ પર પડી. માની સોડમાં ભરાઇને સૂતેલ એ અર્ધઉઘાડા છોકરાઓની તેને ઇર્ષ્યા આવી. કેવા નશીબદાર છે..ચપટી વહાલ માટે ઝંખવું તો નથી પડતું.

પોતે આ દુનિયામાં હોય કે ન હોય..કોને ફરક પડે છે ?

ત્યાં તેની સાથે ભણતો નિશાંત અમેરિકા આગળ ભણવા જતો હતો તેવી ખબર પડી. વધુ પડતા અંતર્મુખી સ્વભાવને લીધે મિત્ર તો કોઇ બનાવી શકયો નહોતો. પણ સામાન્ય ઓળખાણ હતી. તેના મનમાં પણ વિચાર આવી ગયો. પોતે પણ અમેરિકા ચાલી જાય. એક અજાણી દુનિયામાં..જયાં તેને કોઇ ઓળખતું ન હોય..પોતાનું કોઇ હોય જ નહીં..જેથી……

આમ્ પણ બધી પીડા પોતીકાઓની જ હોય છે ને ? પારકા તો શું પીડા આપી શકવાના ?

એક દિવસ માંડ માંડ થોડીવાર પપ્પા મળી ગયા.. ’ પપ્પા, મારે અમેરિકા ભણવા જવું છે. ‘ ’ સારું…કયારે જવાનું છે ? ‘ પપ્પા કોઇ સાથે ફોનમાં વાતો કરતા હતા..

બસ…એડમીશન અને વીઝાની વિધિ પતે એટલે તુરત..’

‘ ઓકે..ઓકે..થઇ જાય એટલે કહેજે.

બધી વિધિ પતી. વીઝા આવી ગયા. જવાની ટિકિટ પણ આવી ગઇ. થોડી ખરીદી પણ તેણે એકલાએ જ કરી. મમ્મી, પપ્પા પોતપોતાના કામમાં એવા તો અટવાયા હતા કે તેમની પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી. મંદીનો માહોલ હતો. હરિફાઇ વધી હતી. આખો વખત કંપનીના વિકાસ પાછળ જતો હતો. બાળકના વિકાસની એબીસીડી ન જાણનાર લોકોને કંપનીના વિકાસની પૂરી જવાબદારી અને પૂરી જાણકારી હોય જ છે. પૈસા કમાવા કંઇ રમત વાત થોડી છે ? એમાં ગાફેલ રહેવું જરા યે ન પાલવે. એ સત્ય તેમના જેવા બીઝનેસમેન ન જાણે તો કોણ જાણે ?

જવાને આગલે દિવસે પપ્પા બે ચાર મિનિટ માટે એકલા મળી ગયા.

’ પપ્પા, મારી ફલાઇટ કાલ રાતની છે.

‘ ઓહ..કાલે રાતે ? કાલે સવારે અમારે તો એક અગત્યની મીટીંગ માટે હૈદ્રાબાદ જવાનું છે. અમારી ફલાઇટ તો વહેલી સવારની છે. એની વે..સવારે છૂટા પડીએ કે રાતે..શો ફરક પડે છે ? જવાનું તો છે જ..બરાબર ને ? ‘

અલયનું માથુ હલી ન શકયું. કંઇક અંદર સુધી ખૂંચ્યું. છેલ્લી એક આશા પણ ઠગારી નીવડી. કદાચ આજે તો પપ્પા……. ’ ઓકે..બેટા, સી યુ..ગુડ નાઇટ એન્ડ ટૈક કેર..હેપી જર્ની…ડ્રાઇવર એરપોર્ટ પર છોડી દેશે. ચાલ, હવે સૂવું જ પડશે..કાલે સવારની વહેલી ફલાઇટ છે.
બાય બેટા….’

વરસો પછી કદાચ અલયે બેટા શબ્દ સાંભળ્યો. અલયના મોંમાંથી બાય શબ્દ કેમે ય ન નીકળી શકયો. તેની આંખ ઉભરાણી..

એકાદ ક્ષણ પપ્પાએ તેની સામે જોયું.

’ અરે, બેટા, આમ છોકરીની જેમ ઢીલા થોડું થવાનું હોય ? યુ શુડ બી અ સ્ટ્રોંગ મેન..ત્યાંથી આવીને તારે તો પપ્પાની આખી કંપની સંભાળવાની છે. આટલા વરસો આ બધી મહેનત કોને માટે કરી છે ? યુ આર અવર ઓનલી ચાઇલ્ડ..માય બોય..’ પપ્પા અલયની નજીક આવ્યા. પહેલીવાર કદાચ તેને માથે હાથ ફેરવ્યો.

ઓકે..માય સન….? ’

ઓકે…’

અલયના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે નહીં તેની ખબર તેને પણ ન પડી. પપ્પાનો એ પહેલો ને કદાચ છેલ્લો સ્પર્શ…? અને પપ્પા સૂવા ગયા.

ફરી એકવાર અલય મૌન રહીને પપ્પાને જતા જોઇ રહ્યો. તે કયાંય સુધી ત્યાં જ બેસી રહ્યો. પપ્પાના શબ્દો કાનમાં પડઘાતા રહ્યા.

‘ ઓકે..માય સન? ‘ તેને ચીસો પાડીને કહેવાનું મન થઇ આવ્યું..

’ નો..પાપા…..નથીંગ ઇઝ ઓકે..નથીંગ ઇઝ ઓકે..કયારેય કશું ઓકે નહોતું… કશું નહીં. ‘

પણ શબ્દો ગળામાં જ રૂંધાઇ રહ્યા.

આ ક્ષણે પણ….અંદર જતા પપ્પા …. અને તેના પડઘાતા શબ્દો.

.’ ઓકે માય સન…?’

અલયની આંખે બે બુદ તગતગી રહ્યા. નિશાંતે ધીમેથી અલયનો ખભ્ભો થપથપાવ્યો. ’ મમ્મીની યાદ આવે છે ને ? દોસ્ત, આપણે મક્કમ થવું જ રહ્યું. નહીંતર આપણા મમ્મી, પપ્પાને કેવું દુ:ખ થાય ? મને પણ ઘરની યાદ તો આવે છે. પણ….એક ભવિષ્યની આશામાં નીકળ્યા છીએ..બસ મમ્મી, પપ્પાના સપના પૂરા થાય અને આપણે તેમને ખૂબ સુખી કરી શકીએ એટલે બધું વસૂલ..’

ગળગળા થઇ ગયેલ નિશાંતે પોતાની આંખ લૂછી..

અલયની આંખો ન જાણે કેમ ધોધમાર વરસી પડી.

થોડીવારે અલયે બારીમાંથી નીચે જોયું તો રાત પડી હતી. ઘનઘોર અંધકાર છવાયો હતો. પરંતુ નીચે ટમટમતા લાખો દીવડાઓ પણ દેખાતાં હતાં.

11 thoughts on “ઓકે..માય સન…?

 1. એકલતાના એ વરસો કેવી રીતે વીત્યા એ પોતાના સિવાય કૉણ જાણી શકે ? અને કોઇને જાણવાની ફુરસદ પણ કયાં હતી ? થોડો મોટો થતાં પુસ્તકોને તેણે મિત્ર બનાવ્યા હતા. એ મિત્રો કયારેય કશું પૂછતા નહીં. મશ્કરી કરતા નહીં. તેના સાથી, સંગી બની રહેતા.

  પાછળથી ખબર પડી કે તેના પપ્પા વધારે ફી ભરીને તેને વેકેશનમાં પણ અહીં રાખવાની સગવડ કરી ગયા હતા. કેમકે તેઓ બંને વિદેશમાં હતા. પછી તો એવા અનેક વેકેશનો આવ્યા અને ગયા..દરેક વખતે તેના મમ્મી, પપ્પા બીઝી જ હોય..વિદેશમાં હોય કે પછી બીઝનેસમાં વ્યસ્ત હોય…કયારેક યાદ આવી જાય તો પપ્પા અલયને વરસમાં એકાદ વાર બે મિનિટ માટે ફોન કરી લેતા. અલય ખાસ કશું બોલી શકતો નહીં. “ ઘેર આવવું છે “ એવું પણ નહોતો બોલતો. બોલવાનો કોઇ અર્થ નથી એટલું તે બહું જલદી સમજી ચૂકયો હતો.

  very touchy story…..like it

  Like

 2. આજે દિકરો પહેલી વાર પરદેશ જતો હતો અને એની એરપોર્ટ પરની વસમી વિદાય યાદ આવી ગઈ જેનો ડૂમો એને પહેલી વાર ત્રણ વર્ષે જોઇને બહાર છલકાયો હતો.

  આ અલય બનવાનુ બીજા કોઇના નસીબમાં ન હોજો.

  Like

 3. નિલમબહેન,

  એક કહેવત યાદ આવી, રાજપાટ કરતો બાપ કરતો બાપ ન હોય તો કદાચ ચાલે, પણ “છાણાં વિણતી મા ના મરજો”. એક અપરમા પોતાની માનું સ્થાન તો ન જ લઈ શકે અહીં આ વાત ની પુષ્ટિ થાય છે. અપવાદરૂપ કિસ્સા જૂજ હોઈપણ શકે. “અપરમા” એ સ્ત્રી માટે લાંછન સ્વરૂપ ગણાય. વૃક્ષ વિના વેલ સૂકાઈ જાય તેમ અલયની સ્થિતિ થતી ચાલી, જેનું મુખ્ય કારણ માબાપ જ ગણી શકાય. કેટલાક સંજોગ કિસ્મતના આધારે આવી મળે છે? સમાજ માં આવા અનેક અલયો હશે…જે સાંપ્રત સમાજ માટે ખતરેકી ઘંટી સમાન છે.
  ઉષા.

  Like

 4. Infact, many times, i read in your many post, children shows oldage home path to their parents, but can any parents do that?

  Yes, there are such parents (father) too in our society. the only difference is, parents can share their pain.
  but such Alay can’t share their pain with anyone. Even they don’t know, how to share, what to share?
  They are not orphan, that’s good atleast. so, they can study well. GOD’s Blessing. or thanks to such parents atleast.

  Like

 5. In day to day busy life, some time we forget to live.
  We live as if to leave every thing but money, business and career.

  The what is life ?

  The meaning of life constitutes a philosophical question concerning the purpose and significance of life or existence in general. This concept can be expressed through a variety of related questions, such as Why are we here?, What is life all about?, and What is the meaning of it all? It has been the subject of much philosophical, scientific, and theological speculation throughout history. There have been a large number of answers to these questions from many different cultural and ideological backgrounds.

  The meaning of life is deeply mixed with the philosophical and religious conceptions of existence, consciousness, and happiness, and touches on many other issues, such as symbolic meaning, ontology, value, purpose, ethics, good and evil, free will, conceptions of God, the existence of God, the soul, and the afterlife. Scientific contributions are more indirect; by describing the empirical facts about the universe, science provides some context and sets parameters for conversations on related topics. An alternative, human-centric, and not a cosmic/religious approach is the question “What is the meaning of my life?” The value of the question pertaining to the purpose of life may coincide with the achievement of ultimate reality, or a feeling of oneness, or a feeling of sacredness.

  At the end of the day, if I can not touch any soul
  If at the end of the day, if I can not bring a smile on the face of at least one person
  If at the end of the day, if I do not give shoulder to comfort him / her

  Then life has lost the life.

  Like

 6. oh my God…… really really sad yet…have seen such ‘poor’ Alays in my life……
  Nilamben, you are always so very natural and true in your writings…..
  You really inspire……

  વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
  http://piyuninopamrat.wordpress.com/2010/09/10/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E2%80%A6-%E0%AA%9C%E0%AA%B0/

  Like

 7. નિલમ બહેન,

  અલયની એકલતા એ વાચક ના મનમાં એક અમીટ છાપ છોડી જાય તો નવાઈ નહીં? મનોમન મને એવું અનુભવાય છે કે સાંપ્રત સમાજ માટે આ એક મસમોટો સવાલ છે. જ્યારે દુનિયા ભૌતિકવાદમાં સપડાઈ જાય ત્યારે આવું જ પરિણામ હોઈ શકે. આમાંથી છૂટવાનો એક માર્ગ મને દેખાય છે, કે દરેકે( સ્વયં હું પોતે પણ) ડગલેને પગલે જીવનમાં ચેકીંગ કરવું જોઈએ કે હું કયાં ? અલય ની અપરમા જેવું તો મારા સ્વજનો પ્રતિ મારું વર્તન તો નથીને? પિતાઓએ પણ એ વિચારવું જોઈએ હું મારા પોતાના માટે તો નથી જીવતો ને? અલયની શું ઈચ્છા છે? સંપત્તિ કે પ્રેમ? એ તો એમનો એકનો એક દિકરો હતો? પિતા તેની જીવનસંગીનીને ધારત તો સમજાવી શક્યા હોત… ખેર! આ તો કાલ્પનિક હોવા છતાય આપણને કેટ્લું બધું કહી જાય છે? વિદેશી સંસ્કૃતિ હોય કે સ્વદેશી એ અપનાવા યોગ્ય તો નથીજ. બસ છેલ્લે એટલું જ કહીશ ” Life is too short to love, i can’t understand people how find time to hate each other?” “na dhara na gagan sudhee apaNe to jaavu ekmmek naa man suddhee.” ( one slogan ) astu Usha.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s