સંબંધસેતુ….

લખો સંબંધનો ઇતિહાસ તો લખજો,

અમારાએ જ અંતરિયાળ છોડયા છે…

જીવનમાં ઘણીવાર અણધાર્યા વળાંકો આવતાં હોય છે. એનો અનુભભવ વત્તે ઓછે અંશે દરેકને થતો જ રહે છે. એમાંથી કેટલાંક વળાંકો સુખદ હોય છે તો કેટલાંક દુખદ,… કેટલાંક રોમાંચક. અને એ મુજબ જીવનની રફતાર બદલાતી રહે છે. કેટલાંયે સંબંધો અધવચ્ચેથી ખરી પડે છે… તો નવા સંબંધો બંધાતા પણ રહે છે. જીવન કે સમય કદી કોઈની હાજરી કે કોઈની ગેરહાજરીથી અટકતા નથી.

આજે એક થોડી અલગ વાત કરવી છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. સમગ્ર સ્ત્રી જાતિને માથે લાગેલું આ કલંક કદી ભૂંસાઈ શકશે ખરું? એ તો સમય સિવાય કોણ કહી શકે? ભાવિના ગર્ભમાં શું છૂપાયેલું છે એ કોણ કહી શકે છે?

તે દિવસે અલ્પા ઘેર પાછી ફરતી હતી ત્યાં…

અલ્પા, તું?

ઉતાવળે દોડી જતી અલ્પાએ જાણીતો અવાજ લાગતાં ચમકીને પાછળ જોયું.
અરે, અનુ… તું?”
બંને બહેનપણીઓ ભેટી પડી… કેટલા વરસે બંને આમ અચાનક મળી હતી.
વચ્ચેના વરસો જાણે ખરી ગયા હતા.
પ્રથમ મિલનનો ઊભરો શમ્યા બાદ હવે અનુરાધાની નજર અલ્પાનો છેડો પકડીને ઊભેલ છ સાત વર્ષની છોકરી પર પડી.
તેની નજરનો પ્રશ્નાર્થ અલ્પાએ પારખ્યો.
અનુ, આ મારી વહાલી દીકરી શર્વરી… બેટા આંટીને નમસ્તે કરો.

શર્વરીએ હસીને નમસ્તે કર્યું.

અનુરાધાની આંખોમાં અચરજ ઊભરી આવ્યું.

અલ્પાએ ધીમેથી કહ્યું, “અનુ , ઉતાવળ ન હોય તો ચાલ મારે ઘેર… નિરાંતે બેસીને વાતો કરીશું.

મારું ઘર અહીંથી બહુ દૂર નથી. તારા મનમાં ઊઠી રહેલ પ્રશ્નોનાં જવાબ પણ મળી જશે.”

“ઓ. કે આમ તો ખાસ કોઈ ઉતાવળ નથી શાલીન આજે બહારગામ ગયો છે. અને દીકરાની સ્કૂલેથી છૂટવાને હજુ વાર છે. ચાલ. ઘણાં વરસે સાથે બેસીને નિરાંતે ગપ્પા મારીશું.

બંને બહેનપણીઓ અલ્પાને ઘેર ગઈ. ચા- નાસ્તાને ન્યાય આપ્યા પછી શર્વરી તેનું હોમવર્ક કરવા અંદર ગઈ. બંને બહેનપણીઓએ હીંચકા પર જમાવ્યું.

અનુ, તને આમ તો મારા વિશે ઘણી ખબર છે જ. અલ્પેશની જિંદગીમાં શાશ્વતીના પ્રવેશ પછી હું અલ્પેશથી છૂટી પડી હતી. કોઈ અન્ય સ્ત્રી સાથેના પતિના સંબંધો હું કોઈ પણ સ્ત્રીની માફક આસાનીથી સ્વીકારી શકું નહીં. તે સ્વાભાવિક જ હતું ને? એ બધી વાતની તો તને ખબર છે.

અલબત્ત અમે છૂટાછેડા લીધા હતા કે એવી કોઈ કાનૂની વિધિ નહોતી કરી. એવી કોઈ જરૃર નહોતી લાગી. અમે શાંતિથી જ છૂટા થયા હતાં. કોઇના મન ઉપર… કોઈની લાગણી ઉપર આપણો કાબુ થોડો જ હોય છે? મનમાં કોઈ કડવાશ વિના જ અમે છૂટા થયા હતાં. સંતાન નહોતું તેથી બીજી કોઈ સમસ્યા નહોતી.

હા.. અને એટલે જ તારી દીકરીને જોઈને આશ્ચર્ય થયું. તું અલ્પેશથી અલગ થઈ ત્યારે તારે કોઈ સંતાન નહોતું એની મને જાણ છે જ તો પછી આ પુત્રી? તેં બીજા લગ્ન કર્યા? અને આવડી મોટી વાતની મને જાણ પણ ન કરી?

પણ બીજા લગ્ન કર્યા હોય તો જાણ કરું ને?

તો પછી આ દીકરી……

એ વાત હવે આવે છે.

અલ્પેશથી અલગ થયા બાદ મેં જુદું ઘર લીધું. મારી નોકરી તો ચાલુ હતી જ. તેથી ખાસ કોઈ પ્રશ્નો ન આવ્યા. ધારું તો બીજા લગ્ન સહેલાઇથી કરી શકું તેમ હતી. પરંતુ મારું મન ઊઠી ગયું હતું. બીજીવાર કોઈ કડવા અનુભવ માટે હવે હું તૈયાર નહોતી. જીવનને જેમ છે એમ સ્વીકારી લીધું હતું… કોઈ ફરિયાદ વિના. પરંતુ વરસો પછી એક દિવસ અચાનક અલ્પેશ મને મળવા આવ્યો.
અલ્પા, એક વિનંતી કરી શકું?

હું તેની સામે જોઈ રહી. આટલા વરસો બાદ હવે શું છે? કોઈ કાનૂની ગૂંચવણ છે કે શું? કાયદાની દૃષ્ટિએ હજું હું તેની પત્ની હતી જ. કશું બોલ્યા સિવાય એની સામે જોઈ રહી.

આમ તો મને કોઈ હક્ક નથી. મેં તને અન્યાય કર્યો છે. એ હું જાણું છું.

પણ છતાં હું મૌન રહી. શું બોલું?

બે મિનિટ પછી અલ્પેશે ધીમેથી કહ્યું, શાશ્વતીને તને એકવાર મળવાની ખૂબ ઇચ્છા છે.

પણ મને એને મળવાની કોઈ તમન્ના નથી. મારો સંસાર બગાડનારનું મોઢું જોવા હું નથી માગતી.

તારી વાત સાચી છે. તને અમે બંનેએ અન્યાય કર્યો છે. શાશ્વતી એ માટે તારી માફી માગવા ઇચ્છે છે.

માફી? આટલા વરસે? એવી શી જરૃર પડી? આજે હું કેમ યાદ આવી? અને સાંભળ્યું છે તમારે એક દીકરી પણ છે..

હા… ચાર વરસની.

અભિનંદન…

અલ્પા… પ્લીઝ… એકવાર શાશ્વતીને તું મળી લઈશ તો એને શાંતિ થશે

જેણે મારા જીવનમાં અશાંતિ ફેલાવી એને મારા મળવાથી શાંતિ થશે? નવાઈની વાત છે.

મેં થોડા કટાક્ષથી કહ્યું.

તને કંઈ પણ કહેવાનો હક્ક છે. પણ મરનારની આખરી ઇચ્છા પૂરી કરવી એ તો પુણ્યનું કામ કહેવાય પછી મરનાર ભલે દુશ્મન હોય.

મરનાર…? કોણ મરવાનું છે?

શાશ્વતી… કેન્સરના લાસ્ટ સ્ટેજમાં બે મહિનાથી છે. હવે બે દિવસ પણ કાઢશે કે કેમ એ ખબર નથી.

બે મહિનાથી સતત એક જ વલોપાત કરે છે. તેને લીધે તારી જિંદગી બગડી. તેથી ઈશ્વરે તેને સજા કરી. એવું કહ્યા કરે છે. તું આવીને એકવાર તેને માફી આપીશ તો કદાચ શાંતિથી…

કહેતાં અલ્પેશનો અવાજ ગળગળો બની ગયો.

તે કહે છે અલ્પા જરૃર આવશે. મને વિશ્વાસ છે.
હું હતપ્રભ બની ગઈ.

અલ્પેશ સાથે હૉસ્પિટલ પહોંચી. શાશ્વતીની હાલત જોઈ હું ગભરાઈ ગઈ. ભૂતકાળની બધી વાત ભૂલી ગઈ. મને જોઈ શાશ્વતીના ચહેરા પર મંદ હાસ્ય ફરક્યું. ધીમા અવાજે તે બોલી.

મને માફ કરી શકીશ? માફી માગવાને લાયક તો નથી… પણ

મેં મૌન રહીને તેનો હાથ દબાવ્યો. શું બોલું હું? બત્રીસ વર્ષની ઉંમરે દુનિયામાંથી આખરી વિદાય લેતી એક સ્ત્રીને શું કહું હું?
મને ખબર હતી. હું ખરાબ છું. તું નહીં જ.

મારી નાનકડી દીકરીની ભલામણ તને કરવી હતી. તારા સિવાય મને કોઈ પર વિશ્વાસ આવે તેમ નથી. પરંતુ કયા મોંએ કરું?
કહેતી શાશ્વતી રડી પડી હતી. હું ચૂપચાપ તેને માથે હાથ ફેરવતી રહી.

આટલું બોલતા તેને હાંફ ચડી હતી. તેના ધબકારા ઓછાં થતાં જતાં હતા. ન જાણે કઇ શક્તિ પર તે આટલું પણ બોલી હતી. એમ ડોક્ટર કહેતા હતા.

વળી થોડીવારે તેણે આંખ ખોલી. તૂટતા સાદે માંડ માંડ બોલી.

અલ્પા, હું ખરાબ હતી… છું. પણ મારી નાનકડી દીકરી ખરાબ નથી. એનો કોઈ વાંક નથી. એને…એને પણ વાક્ય પૂરું ન થયું. શ્વાસ ખૂટી ગયા. અને નાની દીકરી તરફ એકીટશે જોઈ રહેલી. એક માના શ્વાસ અટકી ગયા.
એક દીકરી પાસેથી મા છીનવાઈ ગઈ. હું હતપ્રભ બની રહી. અલ્પેશની આંખો વરસતી હતી.

બસ… પછી તો ઘણી વાતો થઈ. ચર્ચાઓ થઈ. હું કોઈ રીતે અલ્પેશને માફ કરી શકું એમ નહોતી. પરંતુ શાશ્વતી સામે હવે ફરિયાદનો કોઈ અર્થ ક્યાં રહ્યો હતો? મરેલ માનવીની અદબ આમ આપણે જાળવતા હોઈએ છીએ ને?

પણ મારા મનમાં શાશ્વતીના આખરી શબ્દો પડઘાઈ રહ્યા હતાં. એક માનવીની આખરી ઇચ્છાને અવગણવાની તાકાત મારામાં નહોતી. જતાં જતાં એક માએ મારામાં વિશ્વાસ મૂક્યો હતો. એ મારાથી વિસરાતું નહોતું. અને આમ પણ જે કંઈ બન્યું એમાં આ બાળકીનો કોઈ દોષ ક્યાં હતો? એક નિર્દોષ બાળકીને તેની કઈ ભૂલની સજા હું આપું? કેમ આપું? અલ્પેશને તો હું મારી જિંદગીમાં ફરીથી સ્થાન આપી શકી નહીં. પરંતુ શર્વરીને હું હંમેશ માટે મારી સાથે લાવી. મારી દીકરી બનાવીને… મા-બાપની ભૂલની સજા એક માસૂમ કેમ ભોગવે?

બસ… હવે હું બધું ભૂલી ચૂકી છું. શર્વરી મારા જીવવાનું પ્રેરક બળ બની રહી છે. નહીંતર કદાચ ક્યારેક હું એકાંકી બની રહેત અને ઉદાસીની ગર્તામાં ધકેલાઈ જાય. પરંતુ હવે તો મારે એક મજાની દીકરી છે. એને ઉછેરવાની છે… હું પત્ની છું કે કેમ એ ખબર નથી. પરંતુ એક દીકરીની મા અવશ્ય છું.

કહેતા અલ્પાની આંખો ભીની બની રહી. તો અનુરાધાની આંખ પણ ક્યાં કોરી રહી શકી હતી?

ત્યાં નાનકડી શર્વરી દોડીને આવી અને મમ્મીના આંસુ લૂછીને તેને વળગી રહી.

સંબંધનો કેવો મજાનો સેતુ રચાયો હતો નહીં?

શિર્ષક પંક્તિ-ડો. મહેશ રાવલ

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ ” સંબંધસેતુ .તારીખ 3/9/20010 )

8 thoughts on “સંબંધસેતુ….

 1. સબંધોના તાણાવાણા અજીબોગરીબ હોય છે અને સાથેસાથે સમયનું ચક્ર અવિરત ફર્યા જ કરે છે. દુનિયા પણ ગોળ છે, તેમ ભૂતકાળ પાછો વર્તમાન બનીને આપણી સન્મુખ આવીને ઊભો રહે ત્યારે ખાસ કરીને મનમાં એક કેવો ભૂકંપ સર્જાય છે, તેનું તાદૃશ વર્ણન થયું હોય એવી ચોક્કસ પ્રતિતી થાય છે. ઈતિહાસ-ભૂગોળ પુનરાવર્તિત થાય છે, તે બિલકુલ સત્ય છે. સમયની સાથેસાથે મન પણ બદલાતું રહે છે. આથી માનવીએ પણ ઊભયપક્ષે બદલાવું જોઈએ, એજ સમયની માંગ છે. ખરુંને?

  “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે.”
  પરમાત્મા આપના શબ્દોના સેતુ દ્વારા દિલોમાં સાગર જેવી વિશાળતા સૌને બક્ષે એજ અભ્યર્થના.

  Like

 2. ઉષાબેન ખૂબ ખૂબ આભાર.. તમારા પ્રતિભાવ બદલ…
  તમને મેઇલ કરવાનો પ્રયત્ન કરેલ..પણ કદાચ મેઇલ આઇ ડી,આં કોઇ ભૂલ છે..તેથી થઇ ન શકયો…
  એની વે..અહીંમળતા રહીશું એવી અપેક્ષા સાથે….

  Like

 3. નિલમ બહેન, આપનો આભાર વ્યક્ત કરવા મારી પાસેના શબ્દો ખૂટી ગયા છે. આ મારી વેબસાઈટ પરની પહેલી જ આપની સાથેની મુલાકાત ફ્ળી એનો આનંદ હું અનુભવી રહી છું. તે ખરેખર અવર્ણનીય છે. મને તો આપના પ્રથમ લેખ ‘એક રોમાંચક સફર’ વાંચીને જ પ્રીત થઈ ગઈ, આપની સાથેસાથે મેં પણ સફર માણી હોય એવો અનુભવ થયો. ધન્યવાદ.

  કદાચ મનમાં અતિઉત્સાહ ના કારણે હું મારું ઈ-મેલ એડ્રેસ ચેક કરવાનું ભૂલી ગઈ, ચેક કર્યું તો માલૂમ પડ્યું કે એમાં એક ભૂલ છે. જે સુધારી લઉં છું. સોરી ફોર ધેટ. PLEASE NOTE IT: ushapatel933@yahoo.in જોજો મળવાનું ભૂલાય નહીં. વ્યસ્તતામાં પણ મને યાદ કરી તે બદલ ફરીથી આભાર સાથે ધન્યવાદ. લ્યો આવજો શબ્દોની યાત્રાને અચૂક માણતા રહીશું….ઉષા
  એક આદ્યાપક જીવ છું. ઘણું ઘણું આપના તરફથી ઉપયોગી ભાથું મળશે, કુદરત અને પ્રભુની કૃપા આપની પર વર્ષે અને અનેકોનું કલ્યાણ આપના થકી થાય એજ અંતરની અભિલાષા.

  Like

 4. સંબંધસેતુ પર રચાતા અવનવા સંબંધોની મિઠાશ હંમેશા ચગળવી ગમે જ છે કારણકે એ દર વખતે એક નવો જ મધુરો સ્વાદ લઈને આવે છે. આજે પણ અલ્પાની સમજણ-સારપ અને શર્વરીની સ્વીક્રુતિ મનને સ્પર્શી ગઈ.

  Like

 5. નીલમબેન,
  સરસ વાર્તા સ્ત્રી જ સ્ત્રીની લાગણી સમજી શકે બાકી પુરુષતો શિક્ષાને જ પાત્ર,પણ કુદરત સ્ત્રીને
  શિક્ષા આપે છે!
  અન્યાય!
  ઇન્દુ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s