ચપટી ઉજાસ..57

હસતો રમતો કુટુંબમેળો

આજે તો બધાના હાથમાં મહેંદી છે. પણ મારી જેમ કોઇ હાથ ધોતું નથી. હું બધાને મારો હાથ બતાવીને કહેતી ફરું છું કે હાથ જલદી ધોઇ નાખો તો તમારો હાથ પણ મારી જેમ રેડ રેડ દેખાશે.પણ મારી વાત કોઇ સમજતું જ નથી. સ્વરામાસીના તો હાથ અને પગ..બંને મહેંદીવાળા…

હું ને પલક દોડી દોડીને બધાના હાથ જોતા રહીએ છીએ. હું તો મારા ઉમંગી ફૈબાને પણ મહેંદીની વાત કરીશ. તેમના હાથ પણ રેડ થશે.. તે કેવા ખુશ થશે..
સ્વરામાસીની તો ખૂબ મસ્તી થતી હતી. પપ્પા અને પલકમાસા, મામા,નાનાજી, નાનીમા..બધાએ સ્વરામાસીને કોળિયા ભરાવ્યા. ખાતા ખાતા સ્વરામાસી હસતા હતા કે રડતા હતા એ જ મને તો ન સમજાયું. મામાએ તથા પલકમાસાએ મામીને પણ ખવડાવ્યું. હું પણ દોડી. અને મામી પાસે પહોંચી એને પણ હબૂક કરાવ્યું. આજે તો મામી પણ બહું હસતા હતા. બધાને ખૂબ મજા આવી. નાનીમા અને નાનાજી કહે,

કેવો સરસ લાગે છે આ હસતો..રમતો કુટુંબમેળો…

ઘરમાં બીજા પણ ઘણાં બધા હતા..પરંતુ એમને હું કંઇ બહું ઓળખી ન શકી. જાતજાતના શબ્દો મારે કાને પડતા રહ્યા.. જેનો અર્થ મારી સમજની બહાર…

રાત્રે તો આજે બધાએ મોડે સુધી ગીતો ગાયા. નાનાજી અને પલકમાસાએ કહ્યું હતું..જે સૌથી વધારે ગીતો ગાશે એને ઇનામ મળશે..આજે સાંજીનો છેલ્લો દિવસ છે. કાલે તો રાસગરબા છે..અને પરમ દિવસે આપણી સ્વરા ફરરરરર ફૂ….ઉડી જશે…એના આકાશમાં…

સ્વરામાસી કંઇ ચકલી છે તે ઉડી શકે ?

આ સાંજી અને ગરબા..એ વળી શું હશે ?

માસાએ તો બે ટીમ પાડી. અને કહ્યું ચાલો, આપણે બધા અંતાક્ષરી રમીએ..

મને કશું સમજાતું તો નહોતું..પરંતુ મજા બહું આવતી હતી. બધા હસતા હોય ત્યારે મને બહું ગમે છે.

એક બાજુ બધી સ્ત્રીઓ..અને બીજી બાજુ પુરૂષો…

બધાએ સૌથી પહેલું ગીત પરાણે સ્વરામાસી પાસે જ ગવડાવ્યું. માસીએ ધીમેથી ફકત એક લાઇન જ ગાઇ.

’માઇ રે માઇ…. અને કાગા…’

મને તો ગીતમાં આવતા એટલા શબ્દોની જ ખબર પડી.

ગીતો ગવાતા રહ્યા. વચ્ચે બધા માટે આઇસ્ક્રીમ આવ્યો. મને, સાગરભાઇને અને પલકને તો એવી મજા પડી ગઇ..હવે તો અમારી જેવડા ઘણાં છોકરાઓ થઇ ગયા હતા. ઘડીકમાં અમે પકડદાવ રમતા..ઘડીકમાં નાચતા. ઘડીકમાં આમતેમ ઘૂમતા રહેતા..કંઇક ખાતા રહેતા..કોઇને સળી કરતા રહેતા. જયભાઇ મારી પાછળ પાછળ દોડતો રહેતો.પણ આજે મેં તેને કોપી કેટ ન કહ્યો.કેમકે આજે તો હું પોતે જ કોપી કેટ બની ગઇ હતી. આજે બીજા બધા મને કોપી કેટ કહેતા હતા. પલક સાગરભાઇને કહેતી

’ જો આપણે જે કરીશું એ હમણાં જૂઇ કરવાની જ.

પણ તો યે મને તો આવી દોડાદોડી કરવાની..ધમાલ, મસ્તી કરવાની બહું મજા આવી. પરંતુ આ મોટાઓ હજુ સુધી કોઇ હાથ ધોવાની તકલીફ નહોતા લેતા..અને મારો જીવ એમાં જ હતો. મારે બધાના હાથ જોવા હતા..રેડ બન્યા કે ઓરેન્જ…કે પછી કોઇના આવા બ્લેક જ નથી રહી ગયા ને ? આટલી બધી વાર સુધી નથી ધોયા તો આ બધું તેમના હાથમાં ચીપકી તો નહીં જાય ને ? મને એની ચિંતા હતી. પણ આ લોકો કોઇ સમજે તો ને ?

નાનાજીએ અને મામાએ બધાને સરસ મજાના રંગીન કાગળમાં વીંટાળેલ પેકેટ આપ્યા. હું ને પલક પણ દોડયા.નાનીમા પાસે..અમે રહી જઇએ એ કેમ ચાલે ?

નાનીમાએ અમને બધાને પણ નાનકડા પેકેટ આપ્યા. મેં મોટા પેકેટ તરફ આંગળી ચીંધી. નાનીમા હસી પડયા,

’ એ તારી માનું છે. તમારા છોકરાઓ માટે આ છે. તમને તમારા જેવડા પેકેટ…

હું સાગરભાઇ, અને પલક પોતપોતાના પેકેટ લઇને દોડયા.

એક તરફ જઇ..ફટાફટ ખોલ્યા..મારાથી તો જલદી ખૂલ્યું નહીં.

જૂઇ, લાવ તારું પેકેટ હું ખોલી આપું. પણ મેં ના પાડી.મારું હું જાતે જ ખોલીશ. સાગરભાઇ અને પલકે પેકેટ ખોલ્યા..તેમાંથી મોટી મોટી બે કેડબરી નીકળી…અને કિસમીસ, કાજુ, બદામ નીકળ્યા. અંતે મેં પણ મારું પેકેટ જાતે ખોલી લીધું. મારા પેકેટમાં પણ એ જ બધું હતું. અમને તો મજા આવી ગઇ. મેં તો એક કેડબરી જયભાઇ માટે રાખી.પણ પછી જોયું તો જયના હાથમાં પણ પેકેટ હતું અને પપ્પા તેને ખોલી આપતા હતા.

તેથી મેં એક કેડબરી ઉમંગી ફૈબા માટે સાચવીને મારા ફ્રોકના ખિસ્સામાં રાખી દીધી.

ગીતો ગવાતા રહ્યા..અમે બધા થાકીને કયારે ઢળી પડયા..એ કોઇને યાદ ન રહ્યું.

મારી બંધ આંખોમાં સપના અને બંધ મુઠ્ઠીમાં ફૈબા માટે સાચવીને રાખેલ કેડબરી હતી.

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

2 thoughts on “ચપટી ઉજાસ..57

  1. બંધ આંખોમાં સપના અને બંધ મુઠ્ઠીમાં ફૈબા માટે સાચવીને રાખેલ કેડબરી – amazing series… saras chale che 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s