દીકરો મારો લાડકવાયો..

શોધવા હેત હૂંફના અવસરો..
બેટા ઓમ,

તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,

ચલો આંગણામાં મનાવીએ, હવે હેત–હૂંફનાં અવસરો.

યસ..જીવનમાં હેત, હૂંફના અવસરો શોધતા અને માણતા શીખવું જોઇએ. એવા અવસરો જીવનને વિવિધતા બક્ષે છે.ઉત્સાહ જાળવી રાખે છે.અને જીવનને લીલુંછમ્મ બનાવી રહે છે. જીવનમાં રોજ રોજ કોઇ મોટી વાત નથી બનતી હોતી. પરંતુ નાની નાની વાતમાંથી પણ ખુશી અવશ્ય મેળવી શકાય. આજે છોડ ઉપર ફૂલ કેવું સરસ ખીલ્યું છે..કે આજે બગીચામાં નાના ભૂલકાઓને દોડાદૉડી કરતા જોઇને કેવી મજા પડી ગઇ…કે આજે સવારે ચાલવા જતી વખતે પંખીઓના ટહુકાએ મનને આનંદિત કરી દીધું. કોઇ નાનકડું સુન્દર મજાનું ચિત્ર…..નભને ઝરૂખે રોજ સવાર સાંજ પ્રગટતી વિવિધ રંગલીલા, કે અંધારી રાત્રિએ ટમટમતા તારલિયા……ખુશ થવાના આવા તો અનેક કારણો આપણી આસપાસ પથરાયેલ હોય જ છે.જરૂર હોય છે એને જોતા શીખવાની…એને માણતા શીખવાની. વૃક્ષ પર ફૂટતી એક નાનકડી કૂંપળ પણ મનને રાજી કરી શકે.

રોજ સૂરજ તો એક જ ઉગે છે.પણ છતાં દરેક સવાર અલગ હોય છે. અંધકારને હડસેલો મારીને હળુ હળુ પગલે ક્ષિતિજે અજવાસના ટશિયા ફૂટે છે. એ અજવાસને રોજ નવા સ્મિત સાથે આવકારી આજે મળેલ એક વધુ દિવસને ઇશ્વરની સોગાદ માનીને શકય તેટલી સરસ રીતે પસાર કરવાનો સંકલ્પ કરી ભીતરને પણ એ અજવાસથી ભરી શકીએ તો ?

બેટા, યાદ છે તું નાનો હતો ત્યારે રવિવારે વહેલી સવારે પપ્પા સાથે દરિયે જતા.. દૂર દૂર જઇ ભાતભાતના છીપલા, રંગીન શંખલા અને નાનકડા પ્રાણીઓની છાપના પગલા શોધતા રહેતા. અને કેવા ખુશ થઇ જતા. દરેક ખુશી કંઇ પૈસાથી જ મળે છે એવું નથી જ.
રોજ સાંજ પડે એટલે હાથમાં રેકેટ ઝૂલાવતો તું કલબમાં ઉપડી જાય… એ દોડી જતો પુત્ર આ ક્ષણે મારી નજર સમક્ષ…..આજે તો તું કયાંથી કયાં દોડી..ઉડી ગયો છે…

મોટો થતાં સુધી નખ પણ મારી પાસે જ કપાવતો તું..હાથ લાંબા કરી મારી સામે ઉભો રહી, મારા હાથમાં નેઇલ કટર પકડાવી દેતો. કયારેક કૃત્રિમ ગુસ્સાથી હું કહું કે હવે તો જાતે કાપતા શીખ. હોસ્ટેલમાં જઇશ ત્યારે કોણ કાપી આપશે ? પણ તું એવું બધું સાંભળે શેનો ? આપણે બધા સાથે ટેબલ પર..( ટેબલ પર થોડું બેસાય ? બેસાય તો ખુરશી પર..પણ કહેવાય તો ટેબલ પર..) જમવા બેઠા હોઇએ અને તારે કશું જોઇતું હોય..એ પપ્પાની બાજુમાં હોય અને પપ્પા આપે તો પણ તું લેતો નહીં. એની પાછળ કોઇ એવું કારણ નહોતું. છતાં મમ્મી જ પીરસે એવો તારો આગ્રહ ઘણાં વરસો સુધી રહ્યો. પપ્પા હસતા કે…

‘ હું આપું એમાં કંઇ શાક કડવું થઇ જાય છે ? મમ્મી પણ એમાંથી જ આપે છે. તું કશું બોલ્યા સિવાય ચૂપચાપ હસતો રહેતો. અને હું તારી થાળીમાં મૂકું ત્યારે જ તને મજા આવતી. “હવે બરાબર ” એવો ભાવ તારી આંખોમાં હું વાંચી શકતી..

એ બધા દિવસો આજે તો પાંખો વીંઝીને કયાં ઉડી ગયા ? સમયપંખીની ઉડાન તો સદાની અવિરત….

દરેક માતા પિતા પાસે પોતાના પુત્રના શૈશવની આવી કેટકેટલી જાતજાતની…નાની નાની વાતોનો ખજાનો હોય છે. જેનું આમ તો કોઇ મહત્વ નથી હોતું. અને છતાં એ વાતોની ખુશી કંઇક અલગ જ હોય છે.

એકવાર આપણે બધા હોટેલમાં ગયા હતા. કીર્તિમાસીનો આદિત્ય પણ સાથે હતો. તે ત્યારે ખૂબ નાનો હતો. તેણે ઢોંસા મંગાવેલ અને મેં પણ ઢોંસાનું કહ્યું ત્યારે એ રડવા લાગ્યો,’ ના, માસી, ઢોસા તો મેં મગાવ્યા છે. પહેલાં મેં કહ્યું હતું..! ‘
તેને એમ હતું કે મેં પણ એ જ વસ્તુ મગાવી તેથી હવે તેને એ નહીં મળે…બાળક કેવું કેવું વિચારતો હોય છે. એવી જ રીતે નિહારીકા આંટી અને આપણે બધા સાથે ઇન્દોર જતા હતા. ત્યારે તેની નાનકડી દીકરી ફોરમને મેં હસતાં હસતાં કહ્યું કે ઇન્દોર..પીથમપુર તો અમે જઇએ છીએ..અને તેણે ભેંકડો ચાલુ કરેલ કે ના, પીંથમપુર તો હું જાઉં છું. મારા પપ્પા ત્યાં છે. અને કયાંય સુધી તેને સમજાવવી પડેલી અને અંતે કહેવું પડયું હતું કે ના, તું જ પીંથમપુર જાય છે. બધા સાથે ત્યાં જઇ શકાય એવું તે માની જ નહોતી શકતી. પોતાના પપ્પા પાસે તો પોતે જ જાય ને ? બીજું કોઇ જાય તે તેના બાળમનને સ્વીકાર્ય નહોતું જ.

કયાંય પણ લાંબા અંતરે જઇએ ત્યારે આપણે શબ્દોની અંતાક્ષરી રમતા. એ બહાને તમારા સ્પેલીંગ પાકા થાય એવી ગણતરી અમારા મનમાં રહેતી. કે પછી રોજ સવારે………

‘ મારો દીકરો તો પહેલા ધોરણમાં ભણે છે. હજુ સાવ નાનો છે. એને કંઇ સેવનટીનનું ટેબલ હજુ થોડું આવડે ? અને તને એ આવડે છે એ બતાવવા તું મોટેથી ટેબલ બોલી જતો. હું ટેબલ બોલું ..એમાં જાણીજોઇને ભૂલો કરું અને મારી ભૂલો તું હસીને સુધારતો રહે. આખું ટેબલ ફરીથી બોલીને મારી ભૂલ બતાવતો અને કેવો યે ખુશખુશાલ થતો. મમ્મીને નથી આવડતું અને પોતાને આવડે છે. એ ખ્યાલ દરેક બાળકની માફક તને કેવો આનંદ આપી જતો.

બેટા, આજે તો સાચ્ચે જ એવું છે કે જે તને આવડે છે એ અમને કશું નથી આવડતું. તમારી પ્રગતિ જોઇ દૂર રહીને હરખાતા રહીએ છીએ. બાળક નાનું હોય ત્યારે એને જલદી જલદી મોટા થવાનું કેવું મન થતું હોય છે. આટલું દૂધ પી લે..કે આટલી રોટલી ખાઇ લે તો જલદી મોટા થવાય..એમ કયા માબાપે પોતાના સંતાનને નાનપણમાં નહીં કહ્યું હોય ? ત્યારે મોટા થવાની હોંશ હોય અને મોટા થયા પછી..? શૈશવની ગલીઓને શોધવાની ઝંખના…

માનવીની ઘેલછાઓનો..શમણાઓનો..ઇચ્છાઓનો કોઇ પાર કયાં છે ? સમુદ્રના મોજાની જેમ એક પછી એક ઠલવાયા જ કરવાની.

હમણાં જ અમદાવાદ ગયેલી ત્યાં આ જ દ્રશ્ય ફરીથી જોયું. લતા આંટીનો નિસર્ગ તેના નાનકડા દીકરા આર્યનને કહેતો હતો કે જો આ ખાઇ લઇશ ને તો તું મોટો મૉટો થઇ જવાનો. આર્યન જલદી જલદી રોટલી ખાઇ ગયો અને પછી ખુરશી પર ઉભા થઇને કહે

’ જુઓ, હું મોટો થઇ ગયો ને ? અને બધાએ હસીને ટાપસી પૂરાવી’

અરે વાહ..આર્યન તો સાચ્ચે મોટો થઇ ગયો. તેની મમ્મી હીનાએ તો હાથથી માપીને પુત્ર પાસે સાબિત પણ કરી દીધું.
અમે બધા હસતા હતા. અને મનમાં કદાચ એવું પણ વિચારતા હતા..બેટા, નાનો છે ત્યાં સુધી જ મજા છે. રહેવા દે.. જલદી મોટા થવામાં કઇં બહું માલ નથી. પછી નાના થવાની તરકીબો શોધતો રહીશ. અત્યારે એક એક ક્ષણ માણી લો…કોઇ જવાબદારી વિનાની આ પળો જીવનમાં ફરીથી મળવાની નથી.

એક શિશુ આખા ઘરમાં એકચક્રી સામ્રાજય ભોગવતું રહે છે. આખા ઘરનું ટાઇમટેબલ એ મુજબ ગોઠવાતું રહે છે. એ દિવસોની તોલે તો સ્વર્ગનું સુખ પણ ન આવે.

જોકે દરેક અવસ્થાને એનું ગૌરવ હોય છે. એનો કોઇ અફસોસ ન હોય. કોઇ શિશુ કંઇ હમેશ માટે નાનું રહી શકતું નથી. એના ભવિષ્યનો પાયો આવી નાની નાની ક્ષણોમાં જાણ્યે અજાણ્યે નખાતો રહે છે. બાળક પહેલા પાંચ વરસમાં જેટલું શીખે છે એટલું કદાચ આખી જિંદગીમાં નથી શીખતો. પાયા ઉપર ઇમારત ચણી શકાય છે. જો પાયો મજબૂત હોય તો ગમે તેવી મોટી ઇમારત ચણી શકાય છે. પરંતુ પાયો જ જો નબળો રહ્યો હોય તો ?

બસ..એ જ ખ્યાલે અમે અમારાથી બનતો પૂરો સમય તમને આપવાનો પ્રયાસ કર્યો છે. દરેક માતા પિતા પોતાની શક્તિ પ્રમાણે શકય તે બધું સંતાનોને આપવાનો પ્રયત્ન કરતા જ હોય છે. પોતાના સંતાનને તકલીફ ન પડે એવો પ્રયાસ કયા માબાપે નહીં કર્યો હોય ? કયા મા બાપે સંતાનો પાછળ ઉજાગરા, દોડાદોડી નહીં કર્યા હોય ? પોતાની જરૂરિયાતોમાં કાપ મૂકીને પણ સંતાનોની જરૂરિયાત પહેલાં પૂરી કરવા માટે કોઇ માબાપ વિચાર કરવા રોકાતા નથી. અને ત્યારે મનમાં એવો કોઇ વિચાર , એવી કોઇ આશા કયારેય હોતા નથી કે આપણે કરીશું તો જ મોટા થઇને તે આપણું ધ્યાન રાખશે. ના, એવા કોઇ લેખાજોખા માતાપિતાના મનમાં કયારેય હોતા નથી.
આપણે ત્યાં તેથી જ કહેવત છે કે “ છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય .’

સમય બદલાતા કહેવતો બદલવાની જરૂર પડી શકે એવું બને તો નવાઇ નહીં. જાણીતા લેખિકા ધીરુબહેન પટેલ તો હમેશા કહેતા રહ્યા છે..લખતા રહ્યા છે..લોહીનો પ્રવાહ પણ કુદરતે એકમાર્ગી નથી બનાવ્યો..તો પછી સ્નેહનો પ્રવાહ એકતરફી શા માટે ? માતાએ જ બધો ભોગ આપવો જોઇએ એવું શા માટે ? વયસ્ક સંતાનો પોતાની ફરજ ચૂકી કેમ શકે ? અને છતાં ચૂકાતી રહે છે એ હકીકત છે.

સંતાન નાનું હોય અને માતા-પિતાનું ન સાંભળતું હોય..તોફાન કરતું હોય ત્યારે એ બાળકને માતા-પિતા હક્કથી એક લાફો ઝીંકી દેતા હોય છે પરંતુ સંતાન પુખ્ત થયા પછી એ શકય નથી હોતું. ત્યારે પોતાની મનોવેદના સામે ઝઝૂમતા માતા-પિતા મોટે ભાગે લાગણીવશ થઇને કડવા ઘૂંટ ગળી જતાં હોય છે. બાકી જો તેઓ ઇચ્છે તો તેમના વિલન જેવાં સંતાનોને જરૂર પાઠ ભણાવી શકે.અને ભણાવવો પણ જોઇએ.

આજે સરકારે પણ આ માટે કાયદો કરવો પડયો છે.

જીવનસન્ધ્યાએ મજબૂર, અશકત માતા પિતાને દીકરો પોતાને બે ટંક ખાવા આપે એ માટે કાયદા પાસે ..કોર્ટ સુધી જવું પડે એવી પરિસ્થિતિ શું દર્શાવે છે ? પરંતુ સાંપ્રત સમયની આ કડવી વાસ્તવિકતા છે.

યુવાન સંતાનોનાં વૃદ્ધ માતા-પિતા માટે જીવનની ઢળતી સંધ્યાએ લાચારમાં મૂકવાની સ્થિતિમાં નાક દબાવી તેમની ફરજ પૂરી કરાવ્યા વિના બીજો આરો પણ ન રહેતો હોઇ આજના કોઇ માતાપિતા હવે આવાં સંતાનોને પાઠ ભણાવવા કાયદાનો આશરો લેતા દેખાય છે. એ શું દર્શાવે છે ? કોઇ દીકરાને માબાપ પાસે ભરણપોષણ માગવું પડે છે ? તો પછી…..

ઘરડાઘરમાં લાગેલા લાંબા વેઇટિંગ લિસ્ટમાં નિઃસહાય માતા-પિતાની મજબૂરીનો અહેસાસ દર્પણની જેમ દેખાઇ આવે છે. એકલા અમદાવાદમાં અત્યારે ૧૨ જેટલાં ઘરડાંઘર છે જ્યારે આખા ગુજરાતમાં આશરે ૨૦૦ જેટલાં ઘરડાંઘરો..વૃધ્ધાશ્રમો આવેલાં છે. જેમાંના મોટા ભાગનાં ઘરડાંઘરોમાં બે બે કે ત્રણ ત્રણ સંતાનો ધરાવતાં લાચાર અને નિઃસહાય માતા કે પિતા એન્ટ્રી મેળવવાની રાહ જોઇને બેઠાં હોય છે. કેમ કે તેઓ પોતાના જ ઘરમાં જ અપમાન અને લાચારીભરી જિંદગી જીવી રહ્યાં છે. તેના કારણોની વાત કયારેક આગળ જરૂર કરીશ. પરંતુ કારણો ગમે તે હોય ..કોઇ પણ પક્ષે હોય…. આ પરિસ્થિતિ કોઇ પણ સંજોગોમાં આવકારદાયક તો નથી જ ને ?

વડીલોએ પણ નવી પેઢીને અનુકૂળ બનીને જીવતા શીખવું જોઇએ..આગ્રહો છોડવા જોઇએ..એ બધી જ વાત સાચી. પરંતુ કદાચ તેઓ ન છોડી શકયા..સ્વભાવ ન બદલી શકયા તો એનો ઉકેલ વૃધ્ધાશ્રમ તો હરગિઝ ન હોઇ શકે. બાળક નાનપણમાં તોફાની હોય..ન માનતું હોય તો કોઇ માબાપ તેને બાળાશ્રમમાં મૂકી આવે છે ખરા ? બાળકની પણ ઘણી ન ગમતી વાત માબાપે અનેકવાર સ્વીકારેલી..ચલાવેલી હોય જ છે ને ? તો પછી મા બાપની કોઇ ન ગમતી વાત માટે આટલી હદે કોઇ પુત્ર જાય એ યોગ્ય કેમ ગણાય ?
ખેર..! હકીકતે બે દિવસ પહેલાં અહીં એક ઘરડાઘરની મુલાકાતે ગઇ હતી ત્યારથી આવા કોઇ વિચારો મનમાં ઘૂમરાતા હતા એ આજે ડાયરીના પાનામાં શબ્દો બનીને પથરાયા છે.

અત્યારે સામેના મંદિરમાંથી સાંધ્યઆરતીનો ઘંટારવ કાનમાં પડઘાય છે. અહીં ઓરીસ્સામાં લોકો વધારે ધાર્મિક છે એવું મને લાગે છે. આખો વખત અહીં એક કે બીજી પૂજા , ધાર્મિક વિધિઓ થતી રહે છે. શિક્ષિત, સારી નોકરી કરતી સ્ત્રીઓના હાથમાં, ગળામાં પણ કોઇ ને કોઇ લાલ કે કાળા દોરા, જાતજાતના તાવીજ વીંટાળેલા હું જોઉં છું. વૈભવલક્ષ્મીનું વ્રત ન કરતી હોય એવી કોઇ સ્ત્રી અહીં ભાગ્યે જ જોવા મળે.ડોકટર સ્ત્રીઓ પણ અહીં આવા અનેક વ્રત, વરતોલા કરતી દેખાય છે. શિક્ષિત સ્ત્રીઓને પણ રીતિ રિવાજોનું ચુસ્તપણે પાલન કરતી જોઉં છું. ત્યારે થાય છે કે સમયની સાથે આપણા ગુજરાતીઓ જે ઝડપથી પરિવર્તન સ્વીકારી શકે છે..એ કદાચ બીજે કયાંય જોવા નહીં મળે. દસેક ટકા લોકોને બાદ કરતા દહેજનો કુરિવાજ અહીં આજે પણ પ્રચલિત છે જ. આજે પણ અહીંની સ્ત્રી “ આમાર સ્વામી..આમાર ઠાકુરપો “ કહીને પુરૂષના હાથનો માર સહજતાથી ખાઇ લેતી હોય છે.

આવતી કાલે અહીં વિશ્વકર્મા પૂજા છે. દર 17 સપ્ટે.ના રોજ આ પૂજા થાય છે. જેમાં સાવ નાના મશીનથી લઇને મોટા મશીનોની પૂજા કરવામાં આવે છે. આ બહું મૉટી પૂજા ગણાય છે. સાવ નાનકડી સાઇકલો, રેંકડીઓ, રીક્ષાઓ, બધું જ સુંદર રીતે શણગારાય છે. નાનામાં નાનો માણસ પોતાની હાથલારી કે સાઇકલને શણગારે છે. મોટી કંપનીઓમાં પણ દરેક મશીનની વિધિવત્ પૂજા કરાય છે. આ બંગાળ અને ઓરીસ્સાની સંસ્કૃતિ છે. ગુજરાતમાં તો મેં આવી કોઇ પૂજા નથી જોઇ. બીજે કયાંય થતી હોય તો જાણ નથી.

તું આ બધું જુએ તો તુરત મજાક કરવાનો..ટીકા કરવાનો..એની મને જાણ છે. પરંતુ બેટા, શ્રધ્ધાના વિષયમાં તર્ક ન ચાલે. એને દર વખતે બુધ્ધિના ત્રાજવે તોલવા ન બેસાય.

“ બુધ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જયાં અટકી ગયા,

તે પછીના પ્રદેશને શ્રધ્ધા સંતો કહી ગયા…”

આ પંક્તિ યાદ આવે છે ?

માના આશીર્વાદ

( શીર્ષક પંક્તિ..ગૌરાંગ ઠાકર )

5 thoughts on “દીકરો મારો લાડકવાયો..

  1. નિલમબહેન,
    સમયની રેલગાડીમાં અતીતની યાદોમાં કોણ જાણે કંઈ કેટલીય યાદોના વેગનો ભરાયેલ હશે, અને તેની તરફ ક્યારેક ઝાંખી કરવાનું મન થી આવે એ સ્વાભાવિક જ છે. એક માના અંતરની ઉર્મિઓનું સુંદર વર્ણન આલેખ્યું છે.
    ઉષા

    Like

  2. માનવીની ઘેલછાઓનો..શમણાઓનો..ઇચ્છાઓનો કોઇ પાર કયાં છે ? સમુદ્રના મોજાની જેમ એક પછી એક ઠલવાયા જ કરવાની.સરસ વાત અને સાચી વાત કહી દીધી આપે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s