ચપટી ઉજાસ..54

ઠાગાઠૈયા કરું છું..

ઘરમાં આટલા બધા માણસો હોય એ મને તો બહું ગમે છે. પણ જયભાઇને બહું મજા નથી આવતી. બધા તેને બોલાવ્યા કરે છે એ તેને કદાચ નથી ગમતું. એને તો મારી પાસે કે મમ્મી પાસે બે પાસે જ ગમે છે. પણ હું તો સાગરભાઇ સાથે રમતી હોઉં છું.
નાનીમાએ કાલે રાત્રે વાર્તા કરી હતી.કાગડાની ને કાબરની..દાદીમા મને ઘણીવાર કાબર કહેતા હોય છે ને એ કાબર તો કેવી ડાહી હતી..એની વાત મને નાનીમાએ કહી. કાગડો તો કંઇ કામ નહોતો કરતો બધું કામ કાબર જ કરતી હતી ને ? કાગડો તો ખાલી ખાલી…

” ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું.. જાવ..કાબરબેન કાલ સવારે આવું છું..”

એવું ગાતો હતો..નાનીમાએ સરસ ગાયું. હવે તો મને પણ આવડી ગયું છે. હું આખી રાત ઉંઘમાં પણ ઠાગાઠૈયાનું ગીત ગાતી રહી હતી..અને કાબરબેનને મદદ કરતી રહી હતી. ઘેર જઇને ઉમંગી ફૈબાને હું આ વાર્તા કરીશ અને દાદીમાને પણ કરીશ..એટલે એને પણ ખબર પડશે જૂઇને કાબર કહે છે તો કાબર તો કેવી સારી હોય છે..તો દાદીમા મને સારી જ કહેતા હશે ને ?

આજે મારા મોટા માસી આવ્યા છે.નિયતિમાસી..વાહ..મારે તો બે માસી છે. નિયતિમાસી સાથે માસા અને તેની દીકરી પલક છે. પલક મારા કરતા થોડી મોટી અને સાગરભાઇ કરતા નાની છે. એ પાંચ વરસની છે એમ મમ્મીએ કહ્યું. અને મને સમજાવી કે જો આ પલક તારી બેન છે. મને તો એવી મજા આવી ગઇ..વાહ..મારે મોટી બહેન અને મૉટો ભાઇ બંને છે. અને એક નાનો જયભાઇ…
નિયતિમાસીએ મને તેની પાસે બોલાવી અને કહ્યું..

જૂઇ, તું ને પલક બંને રમશોને ? પલક, જૂઇ સાથે તને મજા આવશે. તારા બધા ગીત અને વાર્તા જૂઇને શીખડાવીશ ને ? જૂઇ તારી નાની બેન છે ને ?

પલક તો મારો હાથ પકડીને મને ખેંચી ગઇ. તે તો અહીં બધાને ઓળખે છે. મામાને, મામીને નાનીમાને, નાનાજીને…

પલક મારી મમ્મીને માસી કેમ કહેતી હતી ? મારે એની મમ્મીને માસી કહેવાનું હતું અને એ મારી મમ્મીને માસી કહે..વાહ..આ બરાબર..પણ સાગરભાઇ તો બધાને ફૂઇ જ કહે છે. માસી નથી કહેતા. મેં એને એકવાર શીખડાવ્યું કે માસી કહેવાય.

તો મને કહે ના સ્વરાફૂઇ..તારા માસી અને મારા ફૂઇ..

આ સમજણ મને કેમે ય ન પડી..મારા મગજમાં આ વાત ન ઉતરી. હું અને પલક બંને માસી કહીએ અને સાગર કેમ ફૈબા કહે ? આવું જુદું જુદું કેમ ?

ખેર..ઉમંગી ફૈબાને પૂછીશ. કાલે તેમનો ફોન આવ્યો હતો..પણ હું સૂતી હતી એમ મમ્મીએ કહ્યું.

અને હા..પલકના પપ્પાને મારે માસા કહેવાનું છે..મને માલામાસીના માસા યાદ આવ્યા..

આ માસા મને ખૂબ ગમ્યા. આખો દિવસ મને,સાગરને, પલકને માસા રમાડે છે. બહાર આઇસ્ક્રીમ ખાવા લઇ જાય છે. હવે તો જયભાઇ પણ બધા સાથે જાય છે.

મમ્મી તો બંને માસીઓ સાથે આખો દિવસ ન જાણે કયાં બહાર જતી હોય છે ? આવે ત્યારે કેટલું બધું લાવતી હોય છે. અમારા બધા માટે પણ કંઇક હોય જ. નાનીમા, નાનાજી, મામા, મામી બધા કામમાં હોય છે. ઘરમાં કંઇક ધમાલ ચાલે છે. રોજ રાતે બધા ગીત ગાય છે. કેટલા બધા લોકો ગીત ગાવા આવે છે. સાગર ભાઇએ મને કહ્યું.

સ્વરાફૂઇના લગ્ન છે ને એટલે એમાં આવું બધું હોય..સાગરભાઇને બધી ખબર પડે છે. પછી કહે..લગ્ન થશે એટલે સ્વરાફૂઇ તેને ઘેર રહેવા જશે. પછી અહીં અમારે ઘેર નહીં રહે.

એનું ઘર કયાં છે ? ‘ એમનું ઘર તો બહું દૂર છે..અમેરિકામાં..

ઓહ..આ નામની તો મને ખબર છે..મારા કુંજકાકા પણ અમેરિકામાં જ રહે છે. તો સ્વરામાસી કાકાને ત્યાં રહેશે..તો તો હું કાકાને કહીશ કે મારા સ્વરા માસી પણ તમારી જેમ બહું સરસ છે.

પણ પછી મને મમ્મીએ મને કહ્યું કે સ્વરામાસી કંઇ કુંજકાકાને ઘેર નથી રહેવાના..એનું ઘર તો કાકાના ઘરથી આઘું છે.

મને તો રાત્રે ગીતો સાંભળવાની બહું મજા પડી જાય. ગીતો ગવાઇ જાય પછી મામી, પલક, અને સાગર બધાને કંઇક પેકેટ આપતા હતા.આજે એમાંથી એક પેકેટ ઉપાડીને મેં પણ એક આંટીને આપ્યું. આંટીએ હસીને મને થેંકયુ કહ્યું. મને મજા આવી. પણ એક વાત ન સમજાણી. ગીતો ગવાઇ જાય પછી સ્વરા માસી અને નાનીમા રડી કેમ પડયા ? મમ્મી અને નિયતિમાસીની આંખો પણ ભીની બની હતી..આવું કેમ ?

મને તો કંઇ ખબર ન પડે એટલે હું સાગરભાઇને પકડું..એને પૂછું.

નાનીમા કહેશે..’ સાગર તો જાણે જૂઇનો ગુરૂજી..જૂઇ તો કેવા ભક્તિભાવથી એને સાંભળતી હોય છે. સાગરને પણ માંડ એક શિષ્યા મળી. ‘

સાગર કહે,’ છોકરીઓ મોટી થાય અને લગ્ન થાય પછી અહીં ન રહેવાય..બીજે ઘેર જવાનું.’

બાપ રે.. છોકરી તો હું પણ છું..ના રે…હું તો કયારેય એવા લગ્ન નહીં કરું. મને તો બીજે કયાંય ન ગમે.

મારે મોટા તો થવું છે..પણ લગ્ન નથી કરવા…બીજે જવું પડે..અને રડવું પડે એવું કોને ગમે ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s