કેટલા બધા માણસો…
અહીં મામાને ઘેર તો બાપ રે..! એક જ ઘરમાં કેટલા બધા માણસો છે.. મારે તો મામી છે, મામા છે..માસી છે. નાનીમા છે, નાનાજી છે, મમ્મી કહે છે મારે બીજા પણ એક માસી છે. જે કાલે આવશે. મામીને જયભાઇ જેવો દીકરો છે..જોકે એ તો મોટો છે.સ્કૂલે જાય છે. સાત વરસનો થઇ ગયો છે. એમ મામીએ કહ્યું. એનું નામ સાગર છે. એ સ્વરામાસીએ કહ્યું,
’જૂઇ, આ તારો મોટો ભાઇ છે..સાગર..એની સાથે રમવાની તને મજા આવશે. અને સાગર, આ તારી નાની બેન છે..જૂઇ બેન..એને તારી સાથે રમાડીશ ને ? અને સાગર, આ નિશા ફૈબા છે. મમ્મીને બતાવતા સ્વરામાસીએ સાગરને કહ્યું,
મને સમજાયું નહીં..માસી આમ કેમ કહે છે ? મમ્મી કંઇ ફૈબા થોડી હોય ? ફૈબાનું નામ તો ઉમંગી ફૈબા છે. આ તો મારી મમ્મી છે. આ માસીને કંઇ ખબર નથી પડતી લાગતી. ‘ ’ બેટા, જો ફૈબા તારા માટે શું લાવ્યા છે ? ‘ કહેતા મમ્મીએ બેગમાંથી એક પેન્ટ અને ટીશર્ટ કાઢીને સાગરને આપ્યા. મમ્મી પણ ફૈબા જ બોલી..ને મારી ઉલઝનનો પાર ન રહ્યો.
સાગર કહે,’થેંકયુ ફૂઇ…’ સાગરભાઇએ મમ્મીને કહ્યું. હું તો ચૂપચાપ સાંભળતી જ રહી ગઇ..કંઇક તો એવું હતું..જે મને હજુ સમજાયું નહોતું.
ભાઇલો તો અહીં મમ્મીના ખોળામાંથી નીચે જ નથી ઉતરતો. એ કદાચ ગભરાઇ ગયો છે. બધા એને લેવાનો પ્રયત્ન કરતા હતા અને એ મમ્મીના ખોળામાં વધારે ને વધારે ભરાતો જતો હતો.
‘ બે દિવસ એવું કરશે..બધા બહું બોલાવ બોલાવ કરે એટલે છોકરું ગભરાઇ જાય. ‘ નાનીમાએ કહ્યું.
‘ હા..એને જરાક વિશ્વાસ બેસશે..પછી વાંધો નહીં આવે. ત્યાં આટલા બધા માણસો ઘરમાં જોયા ન હોય ને ? ‘
હા..અને આ તો લગનવાળું ઘર છે.કાલથી માણસો તો વધતા જવાના.
‘ આ વળી નવું..લગનવાળું ઘર..એટલે વળી કેવું ઘર ? અમારું ઘર તો લગનવાળું નથી. કદાચ મામાના ઘરને લગનવાળું ઘર કહેવાતું હશે.
મારા મનમાં આવતા વિચારો હું બોલી નથી શકતી અને તેથી કોઇ જાણી નથી શકતું. હા..મારા ફૈબાને મારી ઘણી બધી ખબર પડી જાય છે. પણ અહીં ફૈબા કયાં ? જોકે મારા સ્વરા માસી મને બહું ગમ્યા..બરાબર ફૈબા જેવા જ છે.
સાગર, જૂઇને તારી સાથે રમાડીશ ને ? એને તારું બધું બતાવીશ ને ? એ તારી નાની બેન છે ને ?
સાગરભાઇ કહે,
‘ફૂઇ, હું જૂઇને મારી વીડિયો ગેઇમ બતાવું ? તેણે સ્વરામાસી સામે જોઇને પૂછયું.
પણ સ્વરામાસી ને સ્વરાફૂઇ કેમ કહ્યું ? હમણાં મમ્મીએ તો મને કહ્યું કે આ સ્વરામાસી છે. ઘડીકમાં માસી અને ઘડીકમાં ફૈબા..? ફૂઇ ? મને તો આ મોટાઓની વાત બધી અટપટી જ લાગે છે. હવે મારે માસી કહેવું કે ફૈબા ? વળી ગૂંચવાડો….. ત્યાં સાગરભાઇ મને કહે..’
જૂઇ, ચાલ, મારી વીડિયો ગેઇમ તને બતાવું. મારા નાનીજીએ મને હમણાં જ મોકલાવી છે. અને મારો હાથ પકડી તે મને અંદર લઇ ગયો.
હું વળી ગૂંચવાણી..નાનીમા તો અહીં રહ્યા…આ વળી બીજા નાનીમા હશે ?
જે હોય તે પણ
સાગર ભાઇ મને બહું ગમ્યો.કેટલી બધી વાતો કરતો હતો મારી સાથે. તેણે મને તેની કેટલીયે બુકસ બતાવી. તેની પાસે તો ઘણું બધું હતું. મારો સાગરભાઇ તો મારા કરતા પણ મોટો છે..એને તો કેટલું બધું આવડે છે..!
અને મને મૂરખીને તો અત્યાર સુધી ખબર પણ નહોતી કે મારે બીજો પણ આવડો મોટો ભાઇ છે. મને તો એક જયભાઇની જ ખબર હતી.
સાગરભાઇ મને એની વીડિયો ગેઇમ બતાવીને કેમ રમાય એ શીખડાવતા હતા..મને મજા આવી ગઇ. મેં મારો હાથ લંબાવ્યો..મારે પણ એનાથી રમવું હતું. હું તો આ ગેઇમ પહેલીવાર જોતી હતી. સાગરભાઇએ મારા હાથમાં ગેઇમ મૂકી અને કહ્યું,
’ જો..પહેલા આ દબાવ..’
હજુ હું એમ કરું એ પહેલા મારા મામી ત્યાં આવ્યા અને મારા હાથમાંથી ગેઇમ લઇ લીધી. પછી સાગરને કહે,
’સાગર..આમ બધાને આપતો ફરીશ તો ગેઇમ બગડી જશે. જૂઇ નાની છે..એને આવી મોંઘી ગેઇમ આમ ન અપાય. એને હજુ થોડું રમતા આવડે છે ? તારા નાનીજીએ તારે માટે મોકલી છે ને ? ચાલ, અત્યારે હમણાં થોડા દિવસ એ બધું અંદર કબાટમાં મૂકી દે..હમણાં અહીં કંઇ ઠેકાણું નહીં રહે. થોડો હોંશિયાર થતા શીખ..બાપની જેમ સાવ ભોળિયા થવાનો આ જમાનો નથી..શું સમજયો ?
સાગરભાઇ શું સમજયા એની તો મને ખબર ન પડી..પણ મને કંઇ મજા ન આવી એટલું હું જરૂર સમજી શકી.
મામીએ તો ગેઇમ લઇને અંદર કબાટમાં મૂકી દીધી. કબાટને તાળું માર્યું અને બહાર ચાલ્યા ગયા.
હું ને સાગરભાઇ એકબીજાની સામે જોતા ઉભા રહી ગયા.
( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )
છોકરાઓ ના મનમાં કેટ્લાય સવાલો ઉઠતા હશે નહીં? અને કેટલાય જવાબો એમની મેળે શોધી કાઢતા હશે ને?
LikeLike
યેસ..રાજુલબેન… કાશ! મોટેરાઓ બાળકોના મનને વાંચી શકતા હોત…!
LikeLike
મનોભાવોની સરસ અભિવ્યક્તિ, નિલમબેન..
LikeLike
બાળકના મનને વાંચવાનું મુશ્કેલ હોય છે. તે માટે અભિનંદન!
LikeLike
સરસ વાર્તા. બાળકના મનને બરાબર સમજ્યા છો તમે. અમારી બાજુમાં બંસરી રહે. તેની સાથે મારે આ બાબતમાં ઘણી લડાઈ થાય. હું તેના દાદાને કાકા કહીને બોલાવું તો તરત મારી સાથે લડે કે એ તો મારા દાદા છે. એના પપ્પાને ભાઈ કહીને બોલાવું તો કહે એ તો મારા પપ્પા છે. પછી એને સમજાવ્યું કે તારા દાદા અને મારા કાકા, તારા પપ્પા અને મારો ભાઈ.
LikeLike