હડતાલ….

હડતાલ….
બે દિવસથી શહેરમાં રીક્ષા અને ટેક્ષીની સંપૂર્ણ હડતાલ હતી. લગભગ બંધ જેવું જ વાતાવરણ હતું. શહેરમાં અશાંતિ ફેલાયેલ હતી.કયાંક પથ્થરમારો ચાલુ થયો હતો. કોઇ બહાર નીકળવાની હિંમત કરતુ નહોતું.પોલીસ કમીસ્નર હોવાને નાતે તેમના પર જવાબદારી નો બોજ હતો. વાટાઘાટો ચાલુ હતી.પરંતુ યુનિયનનો લીડર માથાભારે હતો અને વ્યાજબી માગણીઓ સ્વીકાર્યા પછી યે તેણે હડતાલ જારી રખાવી હતી. હવે શું કરવું તેની અસમંજસમાં તેઓ હતા. અને જીપમાં બેસી શહેરમાં શું ચાલી રહ્યું છે તે જોવા નીકળ્યા હતા.

ત્યાં રસ્તામાં એક યુવાન ગાંડાની જેમ દોડતો જતો હતો.કોઇ રીક્ષા ..ટેક્ષી આવે તેમ નહોતી.કોણ પોતાના જીવનું જોખમ લે? તેને આમ દોડતો જોઇ શાહ સાહેબે જીપ ઉભી રખાવી અને તેને બોલાવી પૂછતાં ખબર પડી કે તેની પત્ની હોસ્પિટલમાં હતી અને તેને તાત્કાલિક બોલાવ્યો હતો. પણ કોઇ સાધન હાથવગુ નહોતુ. તરત શાહ સાહેબે તેને પોતાની જીપ માં બેસાડયો ને હોસ્પિટલ પહોંચાડયો. જરૂરી બધી મદદ પણ કરી અને સમયસર બધી મદદ મળી જતા તેની પત્ની બચી ગઇ. યુવાન ગળગળો થઇ ગયો અને શાહસાહેબનો આભાર માન્યો.શાહ સાહેબે પણ એક સારું કામ કર્યાનો સંતોષ માણ્યો.

બસ…આજની વાત તો આટલી જ હતી પણ આ બનાવે તેમને ઉંચકીને અતીતમાં લાવી મૂકયા.તેમનું સમગ્ર માનસ ખળભળી રહ્યું.શુંકરવું એ એક જ વિચાર તેમના મનમાં રમતો રહ્યો. સામે દિવાલ પર રહેલ પત્ની અને નાનકડા દીકરાની તસ્વીર સામે એકીટશે જોતા રહ્યા.

બીજા દિવસે સવારે તે ઉઠયા ત્યારે મન શાંત હતુ. રોજની જેમ બધું પતાવી તે ઓફિસે ગયા.પહેલુ કામ તેણે ઓફિસમાં જઇ પેલા યુનિયન ના લીડરને અને તેના બીજા સાથીદારો ને વાટાઘાટ માટે બોલાવ્યા.એ લોકો આવે ત્યાં સુધીમાં આગલે દિવસે મળેલ પેલા યુવકને જેની પત્ની સમયસર મદદ મળતા બચી ગઇ હતી તેને પણ બોલાવ્યો.

થોડીવારમાં તો આખું ટોળું આવી પહોંચ્યું. .યુનિયનનો લીડર મોખરે હતો.ઘણી બધી વાર મંત્રણા ચાલી પણ ….પરિણામ શૂન્ય.શાહ સાહેબે હવે પેલા યુવાનને પોતાની વાત કરવા કહ્યું. તે યુવકે બધી વાત કહી.પણ જાણે પથ્થર પર પાણી……પોતાના અંગત સ્વાર્થ આગળ માનવતા ગૌણ બની ગઇ હતી.

અંતે શાહ સાહેબે જાણે છેલ્લો પ્રયત્ન કરતા કહ્યુ.’ ઓકે,તમે બધા સાચા.તમારી બધી વાત નો વિચાર જરૂર કરીશું અને તમને નુકશાન નહીં થાય એ પણ જોઇશું. પણ આજે મારે તમને બધાને એક પર્સનલ વાત કરવી છે. તમે સાંભળશો ? જવાબ હકારમાં આવતા તેમણે શરું કર્યું. આ પળે હવે તેઓ એક પોલીસ અફસર નહોતા .એક આમ આદમી બની ગયા હતા.

‘ દોસ્તો. આજે તમારી આગળ એક પોલીસ કમીષ્નર વાત નથી કરતો. એક સામાન્ય માણસ..તમારી જેવો જ…એક અદનો માણસ વાત કરે છે. આજ્થી ઘણાં વરસો પહેલા હું યુનીયનનો લીડર હતો. અને તમારા આ લીડરની જેમ જ ઉત્સાહી ને આગળ પડતો હતો. બધાના હિત અને હક્ક નો જાણે મેં ઠેકો લીધો હતો. હું મારી જાતને બધા કામદારોનો નેતા માનતો હતો. શાહ સાહેબ જાણે નજર સામે તે દિવસો જોઇ રહ્યા હોય તેમ ભાવાવેશ અને દિલની પૂરી સચ્ચાઇથી બોલતા હતા અને તેથી મોં પર આપોઆપ એક ઓજસ અને શબ્દોમાં ઇમાનદારી છલકતી હતી. આમ પણ સચ્ચાઇ અને પ્રામાણિકતાથી બોલાતા શબ્દોમાં વજન આપમેળે આવી જ જતુ હોય છે. આજે તેમનો એક એક શબ્દ જાણે આત્માની ગહેરાઇમાંથી આવતો હતો.

‘ મિત્રો, તે દિવસે પણ આવી જ એક ચક્કાજામ હડતાલ હતી.કહો કે મેં જ પડાવી હતી. થોડો મારો અંગત સ્વાર્થ અને થોડા મોટાભા થવાની મહેચ્છા ,,,! યુવાનીના કેફ માં હું મશગૂલ હતો. કોઇ ની તક્લીફ જોવા તે દિવસે મારી પાસે દ્રષ્ટિ કયાં હતી? કોઇ મુશ્કેલી માં ફસાયેલ વ્યક્તિ મને આજીજી કરતી તો થતુ કે મારે શું ? હું શું કરું?

પણ …પણ અચાનક મને સંદેશો મળ્યો મારી પત્ની અને મારો એક માત્ર નાનકડો પુત્ર દાદર ઉપરથી પડી ગયા હતા. સ્થિતિ ગંભીર હતી.પાડોશીઓએ બંનેને હોસ્પિટલ પહોંચાડવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ ત્યારે યે આવી જ હડતાલ હતી. મને સંદેશો મળ્યો ત્યારે હું ઘરથી ઘણો દૂર હતો.હું બેબાકળો બની ગયો. પણ કહ્યું છે ને ‘ખાડો ખોદે તે પડે’ કે પછી કોઇ માસૂમના નિસાસા ની હાય ક્યારેય વ્યર્થ નથી જતી..ગમે તેમ પણ બેકાબૂ બનેલા એ ટોળા એ મારું પણ સાંભળ્યું નહી.કોઇ રીક્ષા કે ટેકસીવાળા આવવા તૈયાર થયા નહીં. હું ગાંડાની માફક .અથડાતો..કૂટાતો દોડતો રહ્યો…ઘર તરફ….પણ હું પહોંચુ એ પહેલા જ મારી પત્ની અને પુત્રે અંતિમ શ્વાસ લીધો હતો. તેમને જો સમયસર મદદ મળી શકી હોત તો તેઓ જરૂર બચી જાત.! હડતાલ મેં જ પડાવી હતી અને મેં જ ચાલુ રખાવી હતી.મારે લીધે કેટલા ગરીબ કામદારો..મજૂરો ના ઘર માં બે ટાઇમ ચૂલો નહોતો સળગ્યો.પણ…પણ.. હું તો મગરૂર હતો, પણ તે દિવસે જ્યારે મારા પોતાના પગ નીચે રેલો આવ્યો ત્યારે……ત્યારે જ મને જીવનની વાસ્તવિકતા સમજાણી,જે સત્યો ક્યારેય નહોતા દેખાણા તે અચાનક સામે આવી ગયા.જે વાર્યો ન વળે ..એ હાર્યો વળે. કુદરત નો તમાચો લાગે ત્યારે અવાજ નથી સંભળાતો.
ત્યારે જીવનનું જે સત્ય હું નહોતો સમજયો તે આજે સમજીને તમને સૌને સમજાવવા આવ્યો છું. બસ..આથી વિશેષ મારે કશું કહેવાનું નથી..તમને જે સાચું લાગે તે કરવાની છૂટ છે.

અને ભીની આંખે શાહ સાહેબ બેસી ગયા. વાતાવરણમાં થોડી વાર સન્નાટો છવાયો. કંઇકના હૈયામાં ઉથલપાથલ..એક ખળભળાટ મચી રહ્યો. યુનીયન લીડરે શાહ સાહેબની આંખોમાં જોયું. ત્યાં નરી સચ્ચાઇ નીતરતી હતી.

બીજે દિવસે કોઇ શરત સિવાય હડતાલ સમેટાઇ ગઇ

( સન્દેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની ” )

5 thoughts on “હડતાલ….

  1. અંગત સ્વાર્થ – મોટાભા થવાની મહેચ્છા-મગરૂરી સંતોષાય તે પહેલા કેટલી ખાના ખરાબી થાય?ને કોના ભોગે? અંતે ખાડો ખોદે એ પડે જ ને?
    સરસ વાત.

    Like

  2. નિલમબહેન, “આમપણ સચ્ચાઈ અને પ્રામાણિકતાથી બોલતા શબ્દો માં વજન આપમેળે આવી જતું હોય છે.” આ શબ્દો ગમ્યા કારણ કે જીવનું બધું જ તથ્ય એમાં આવી જતું હોય છે. આ લઘુકથા વાચકને ઘણુંબધું કહી જાય છે. ‘ સમજનેવાલોં કો ઈશારા હી કાફી હોતા હૈ.”.ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s