ચપટી ઉજાસ…52

જૂઇબેન મામાને ઘેર..

મામા સાથે હું સ્ટેશનની બહાર નીકળી. બે મિનિટ હું ને મામા ત્યાં ઉભા રહ્યા. મમ્મીની રાહ જોતા હતા. મામાએ પેલા મજૂર નામના માણસને પૈસા આપ્યા. ત્યાં મમ્મી આવી. અમે બધા રીક્ષામાં બેઠા…અને રીક્ષા અમને લઇને ઉપડી..બહારથી આવતા ઠંડા પવનને લીધે મારી આંખો ઘેરાતી હતી.ગાડીમાં હું સૂતી નહોતી..જોકે મારે તો હજુ પણ સૂવું નહોતું. પરંતુ છતાં મારી આંખો વારેવારે બંધ થઇ જતી હતી.

‘ ભાઇ, જૂઇને પકડજે..એ ઝોલા ખાય છે. આજે આખા દિવસમાં સૂતી નથી. હવે બેન થાકયા લાગે છે. ‘

નિશા, તું ચિંતા ન કર..મારું ધ્યાન છે જ..જૂઇને મેં પકડી જ છે. ‘

થોડીવારમાં મામાનું ઘર આવી ગયું. રીક્ષા ઉભી રહી..મારી ઉંઘ ઉડી ગઇ.. અમે બધા નીચે ઉતર્યા. હું જરા અચકાઇ..મામાને ઘેર પહેલીવાર આવી હતી. મને ઉભી રહી ગયેલી જોઇને મામા અને મમ્મી બંનેએ કહ્યું,

’ જૂઇ, ચાલ..જો સામે નાનીમા ઉભા છે. હજુ એટલું બોલે તે પહેલાં તો સામેથી ફૈબા જેવડી એક છોકરી આવીને મમ્મીને ભેટી પડી… ’ફૈબા કહે,

‘ વાહ…મારી નાનીબેનના ચહેરા ઉપર તો તેજ આવી ગયું. કયા રાઝ હૈ ? ‘

‘ બસ..બસ….દીદી..તેં તો આવતાની સાથે જ મારી ખેંચાઇ શરૂ કરી દીધી… ચાલ, જલ્દી મમ્મી કયારના તારી રાહ જોઇ રહ્યા છે. તેના સ્વભાવ મુજબ કયારના આંટા માર્યા કરે છે.

‘ નિશા, હજુ ન આવી. ગાડી તો સમયસર છે ને ? ‘ હા..મમ્મીને હું ઓળખું ને ? એ ચિંતા કર્યા સિવાય રહી જ ન શકે.

પછી મમ્મી મને કહે..જૂઇ, આ તારા માસી છે..સ્વરા માસી..તારા ઉમંગી ફૈબા છે ને ? બરાબર એવા જ..’

માસીએ હસીને મને સીધી ઉંચકી જ લીધી..હું કંઇ આનાકાની કરું એ પહેલા તો એ દોડીને મને ઘરમાં ઉપાડી ગયા.

મમ્મી પણ જયભાઇને તેડીને અંદર આવી. મામા અમારો સામાન અંદર લેવામાં મશગૂલ હતા. મેં પાછળ ફરીને જોઇ લીધું હતું કે મામા મારો થેલો ભૂલી તો નથી જતા ને ? ફૈબાએ મને મારી વસ્તુનું ધ્યાન મારે જ રાખવાનું છે એવું સમજાવ્યું હતું. એ હું કેમ ભૂલું ?

‘નિશા, બેટા આવી ગઇ ? ગાડી લેઇટ હતી ? ‘

અરે. મમ્મી..લેઇટ કયાં છું ? સમયસર તો છું..તું કયારની ઉતાવળી થતી હશે એટલે તને એવું લાગે.’

કહેતી મમ્મી તેમને ભેટી પડી. એ મારા નાનીમા હતા..એમ મને માસીએ તુરત કહ્યું. હું તો જોઇ જ રહી.
નાનીમા અને મમ્મી બંને કેમ રડી પડયા ?

મમ્મી, તારી તબિયત કેમ છે ? ‘ આંસુ લૂછતાં મમ્મીએ પૂછયું. પણ મમ્મીને રડતી જોઇને ભાઇએ ભેંકડો તાણ્યો…

નિશા, તને રડતી જોઇને આ જય ગભરાઇ ગયો લાગે છે..એને કેમ સમજાય કે આતો માને મળ્યાની ખુશીના આંસુ છે. ત્યાં વળી બીજું કોઇ આવ્યું.

‘દીદી, આવી ગયા ? મમ્મી કયારના તમારી રાહ જોતા હતા. આવો..ઓહ..અને આ અમારા જૂઇબેન..બાપ રે..જૂઇ તો કેવડી મોટી થઇ ગઇ નહીં ?

હા..અઢી વરસની થવા આવી..

નાનીમા બોલ્યા, ’દિવસોને જતા વાર લાગે છે ? મને તો હજુ બે ચોટલા ઝૂલાવતી, નિશાળે જતી નિશા દેખાય છે..ત્યાં તો નિશાના છોકરા પણ નિશાળે જવા જેવડા થઇ ગયા..

માસીએ મને કહ્યું, જૂઇ, આ તારા મામી છે. મામીને અને નાનીને જે જે કરો.

મેં નીચા નમીને બંનેને જે જે કર્યા. ફૈબાએ શીખડાવ્યું હતું એમ જ. નાનીમા અને મામી કહે,

’ વાહ..જૂઇ તો ઘણી હોંશિયાર અને ડાહી છે.’

એના ફૈબાની કેળવણી છે. ‘ મમ્મીએ કહ્યું.

તારા સાસુ અને નણંદ અને અમારા જમાઇરાજ બધા મજામાં ? એ લોકો કયારે આવે છે ? નાનીમાએ પૂછયું. હવે અમે બધા ઘરમાં અંદર સોફા પર ગોઠવાઇ ચૂકયા હતા.

મમ્મી, ઉમંગીબેનને કંઇક પરીક્ષા છે તેથી એ આવી શકે તેમ નથી.અને મારા સાસુ તો હવે કયાંય બહારગામ જતા જ નથી. હા. તારા જમાઇ સમયસર આવી જશે.

ઉમંગીબેન તો મને સમજાયું..પણ આ જમાઇ, અને સાસુ એ વળી કોણ ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ…52

  1. જમાઈ અને સાસુ કોણ? જૂઈની સમજણ વધતી જાય છે. સાંસારિક સંબંધોના તાણાવાણાની સમજણના મૂળીયા કેટલાં ઊંડા હોય છે! અહીંથી જ અપેક્ષાઓ શરૂ થતી હોય છે. જે ચિત્રો બાળકો જીલે છે તેના આધાર પર જ સ્વપ્નાઓ રચાય છે. કેટલીક રીતોના વિરોધની શરૂઆત પણ અહીંથી જ થતી હોય છે ને? પછી મોડેથી પ્રગટપણે દેખાય ત્યારે પણ એના ઊંડા મૂળીયા તો અગોચર જ રહે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s