ચપટી ઉજાસ..51

મમ્મી કેમ બદલાઇ ?

ગાડી ઉભી અને મમ્મીએ જલદી જલદી મારો હાથ પકડયો. અને ભાઇલાને તેડયો.

‘જૂઇ ચાલ..જલદી..જો મામાનું ઘર આવી ગયું ..આપણે ઉતરવાનું છે. ચાલ, જલદી..’

હું તો ફટાફટ ચાલતી થઇ. સામેવાળા અંકલે મમ્મીને અમારો સામાન ઉતારવામાં મદદ કરી. અંકલે મને તેડીને નીચે ઉતારી..મમ્મી પણ ધીમેથી ઉતરી.અને આસપાસ જોયું. ત્યાં તો સામેથી કોઇ દોડતું આવ્યું. મમ્મી કહે, ’ જૂઇ, જો મામા આવ્યા… ’ મારું ધ્યાન તો બધું જોવામાં જ હતું. બાપ રે..! કેટલા બધા માણસો દોડતા હતા. કોઇ ગાડીમાં ચડતું હતું અને કોઇ ઉતરતું હતું. હું તો બસ..જોઇ રહી. આટલા બધા માણસો કયાં જતા હશે ? હું તો ગાડીને ધ્યાનથી જોઇ રહી.કેવી લાંબી લાંબી ગાડી છે. ચડતી વખતે તો ફૈબાએ ઝટપટ ચડાવી દીધી હતી..તેથી નિરાંતે જોવા નહોતી પામી..તેથી હવે ધ્યાનથી જોઇ રહી.ત્યાં જોશથી વ્હીસલ વાગી.હું જરાક ડરી ગઇ..આ શું થયું ?

ત્યાં તો મામા મને કહે,’

બેન, જૂઇ પહેલી વાર આવીને ?

હું મામા સામે જોઇ રહી..ફૈબા કહેતા હતા એ જ આ મામા ? આમનું નામ “મામા “ કેમ હશે ? મામા એટલે શું ?

મમ્મી કહે,’ તમે બધા કેટલા દૂર હતા.સારું થયું હવે નજીક આવી ગયા..તો આવવા જવા તો થાય..ભાઇ, તને કેટલા સમયે જોયો..’
કહેતા મમ્મીનો અવાજ ઢીલો પડી ગયો હોય એવું લાગ્યું.

’નિશા, હવે તો આપણે સાવ નજીક આવી ગયા છીએ..અમદાવાદ અને વલસાડ..એક પથરો ફેંકો એટલી જ વાર..ચાલ, હવે ઘેર બધા રાહ જોતા હશે. હું જૂઇને તેડી લઉં ? ‘

પણ મેં અને મમ્મીએ બંનેએ ના પાડી.

’મને તો ચાલતા આવડે છે..હું મારી જાતે ચાલીશ.’

મારું જોઇને ભાઇલો પણ નીચે ઉતરવા ધમપછાડા કરવા લાગ્યો. તેને પણ ચાલવું હતું. સાવ કોપીકેટ..

પણ મમ્મીએ તેને ઉતાર્યો નહીં.ભાઇને તો ચાલતા કેટલી બધી વાર લાગે ? એ કંઇ મારી જેમ ફાસ્ટ ફાસ્ટ થોડો ચાલી શકે છે ? હું તો દોડી પણ શકું છું. મામાએ ભાઇલાને તેડવા માટે હાથ લંબાવ્યો..પણ ભાઇલો તો મોઢું ફેરવી ગયો અને મમ્મીને ચોંટી ગયો.
’ભાઇ, હજુ એને અજાણ્યું લાગે છે..હમણાં નહીં આવે. એકવાર ઓળખતો થશે પછી તમને કોઇને નહીં છોડે.’

જૂઇ, તું તો મામાનો હાથ પકડીશ ને ? ચાલ..

મેં એકાદ મિનિટ અચકાઇને મમ્મી સામે જોયું.

મમ્મી કહે..જૂઇ, તારા મામા છે. એમનો હાથ પકડી લે..’

મામાએ એક ચોકલેટ કાઢીને મને આપી.પણ મેં તો ચોકલેટ લીધા સિવાય જ મામાનો હાથ પકડી લીધો.

મમ્મી કહે..જૂઇને કોઇ પાસે અજાણ્યું ન લાગે..એ તો બોલકી કાબર છે. ‘
અત્યારે તો મૂંગી ચકલી લાગે છે. ‘
એકવાર ઘેર પહોંચવા દે..જરાક બધા સાથે ઓળખાણ થવા દે..પછી એના ઓરીજીનલ સ્વરૂપની ખબર પડશે. ‘

‘ અમારી જૂઇ તો બહું ડાહી છે..હેં ને જૂઇ ?

મામાએ કહ્યું.

’વખાણી ખીચડી દાઢે ન વળગે એટલે ઘણું..

મમ્મી હસતી હસતી બોલતી હતી.

મને તો મારા વિશેની આ ચર્ચા જરા યે ન ગમી.હું કંઇ કાબર કે ચકલી એવું કંઇ થોડી છું ? હું તો જૂઇ છું..હું કોઇને એવું કંઇ કહું છું ? મારા વિશે તો બધાને જે મન થાય તે બોલવાની જાણે છૂટ જ હોય.

મમ્મી અને મામા ચાલતા ચાલતા કેટલી બધી વાતો કરતા હતા. અમારી બેગ મામાએ કોઇ બીજા માણસને માથે મૂકી હતી.
મામાએ કહ્યું હતું,’મજૂર જ કરી લઇએ ..દાદર ચડવાનો છે ને તેથી.

તો અમારી બેગ કોઇ મજૂર નામના માણસે ઉંચકી હતી. એણે કેમ ઉંચકી હશે ? અમને મદદ કરવા ?પણ એ તો અમને ઓળખતો પણ નહોતો. અમારો સામાન લઇને તે કેવી ઝડપથી ચાલતો હતો. મારો નાનકડો થેલો પણ તેણે ઉંચકયો હતો. ફૈબાએ મારી એકલીનો થેલો જુદો બનાવીને મને કહ્યું હતું,

’ જૂઇ, આમા તારી એકલીના કપડાં છે હોં..સાચવીશ ને ? ‘

મને ફૈબા યાદ આવી ગયા. શું કરતા હશે અત્યારે તે ?

ત્યાં મામા કહે..જરા જલદી ચાલીએ..મજૂર આગળ નીકળી ગયો છે. આમ તો અહીં એવો કોઇ ડર નથી..પણ સાવધાન રહેવું સારું..એમ કર હું ને જૂઇ જરા જલદી ચાલીએ છીએ..તું જય સાથે નિરાંતે આવ.

’ હા..ભાઇ, ચેતતા નર સદા સુખી..તમે બંને આગળ જાવ.’

હું મામાનો હાથ પકડી ફાસ્ટ ફાસ્ટ ચાલવા લાગી.

પણ થોડી થોડી વારે પાછળ ફરીને અચૂક જોઇ લેતી…’ મમ્મી આવે છે ને ? ‘

મને એક વાત ન સમજાણી..મમ્મીને આટલું બધું બોલતી..હસતી તો મેં કયારેય નથી જોઇ..ઘરમાં દાદીમા મને બોલકી કહેતા હોય છે. પણ અહીં તો મારા કરતા પણ મમ્મી વધારે બોલે છે. એવું કેમ ? અહીં તો મમ્મી સાવ બદલાઇ ગયેલી કેમ લાગી ? મારા આશ્ર્વર્યનો પાર ન રહ્યો.

જોકે મને તો આવી હસતી, બોલતી મમ્મી જ વધારે ગમી.

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

4 thoughts on “ચપટી ઉજાસ..51

  1. જૂઈને મામાને ઘરે મમ્મીનું નવું સ્વરૂપ જોઈને સાનંદાશ્ચર્ય થતું જોવાની અને સાસરી અને પિયરના સ્ત્રીના બે અલગ રૂપ જોવાની ઉત્કંઠા છે. આગળના પ્રકરણની રાહમાં……

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s