પહેલી ફરજ…

મધ્યમ વર્ગની રૈના પરણીને શ્રીમંત સાસરામાં આવી. બહેનપણીઓ તેના નસીબની ઇર્ષ્યા કરતી રહી ગઈ. અને હકીકતે ઇર્ષ્યા થાય તેવું જ હતું. ફક્ત પૈસાની શ્રીમંતાઈ જ નહીં. દિલની શ્રીમંતાઈ પણ અહીં મોજુદ હતી. રૈનાના સાસુ, સસરા વહુને દીકરીની માફક જ રાખતા હતાં.

લગ્ન વખતે માએ રાજરાણી થાઓ એવા આશીર્વાદ આપેલ જેને ભગવાને કદાચ તથાસ્તુ કહ્યું હતું.

દિવસો ઝડપથી દોડી રહ્યાં હતાં. દિવસે દિવસે બિઝનેસ વિકસતો જતો હતો. શાંતનું સ્વાભાવિક રીતે જ વધારે વ્યસ્ત બની ગયેલ. આમ પણ ઘરની કોઈ ચિંતા થાય તેમ નહોતી. કે પત્ની રૈના પણ એકલી પડે તેમ નહોતી. સાસુ-સસરા ઘરમાં હોવાથી રૈનાને કોઈ તકલીફ પડે તેમ નહોતી. અને સસરા જ પુત્રને ધમકાવતા રહેતા. રૈનાને થોડો સમય આપવા માટે.

“બેટા, બિઝનેસ આપણા માટે છે. બિઝનેસ માટે આપણે નથી. કોઈ પણ વ્યક્તિ… સ્ત્રી હોય કે પુરુષ… તેની પહેલી પ્રાથમિકતા તેનું ઘર… તેનું કુટુંબ જ હોવું જોઈએ.

અને એ વાત જાણવા- સમજવા છતાં એનો અમલ કરવો શાંતનું માટે બહુ અઘરો બની રહેતો. સવારથી રાતના દસ વાગ્યા સુધી તે ઑફિસમાં… ફાઇલોના ઢગલામાં કે મીટિંગોમાં ખોવાયેલ રહેતો. તે મહત્ત્વાકાંક્ષી હતો. બિઝનેસ વિકસાવવામાં મગ્ન રહેતો. બસ… આટલું થઈ જાય… આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય પછી શાંતિ. એમ મનને મનાવતો રહેતો અને કામમાં ખોવાતો રહેતો રવિવાર પછી શાંતિ… એમ મનને મનાવતો રહેતો. અને કામમાં ખોવાતો રહેતો રવિવાર પણ એમાં જ પૂરો થતો. આ કંઈ નોકરી થોડી જ હતી? રૈના કદીક કંટાળીને ફરિયાદ કરતી. પણ મોટેભાગે તે મૌન રહેતી. પતિને લાગણી છે… પણ સમય નથી આપી શકતો. એ સત્ય તેણે સ્વીકારી લીધું હતું અને સાસુ, સસરા તરફથી કોઈ બંધન નહોતું. પોતાની ઇચ્છા મુજબ તે કરી શકતી હતી. આમ જીવન સરળતાથી ચાલતું હતું.

એવામાં રૈનાના સાસુ, સસરાને વિદેશ જવાનું થયું. તેમની પુત્રી યુ.એસ.માં હતી અને હવે તેને ડિલિવરી આવે તેમ હતી. તેથી ગયા સિવાય છૂટકો નહોતો.

જતાં જતાં પુત્રને સખત તાકીદ કરતાં ગયા હતા. રૈનાનું ધ્યાન રાખવા માટે અને તેને થોડો સમય આપવા માટે. શાંતનું અને રૈનાએ તેમને પોતાની ચિંતા ન કરવા જણાવ્યું. પોતે બધું સંભાળી લેશે…

હવે રૈના આવડા મોટા બંગલામાં એકલી પડી. શાંતનુ ઘર વહેલો આવવાનો પૂરો પ્રયત્ન કરતો… પણ મોટેભાગે સફળ થતો નહીં.
એવામાં રૈનાને તાવ આવ્યો. દવા લેવા છતાં બે-ત્રણ દિવસ સુધી તાવે મચક ન આપી. રૈના પડી પડી કંટાળતી હતી. આખો દિવસ એકલા શું કરે? અલબત્ત ઘરમાં આખા દિવસની બાઈ હતી… ફેમિલી ડોક્ટર રોજ ઘેર આવીને તપાસી જતાં. શાંતનુ ફોન કરીને સમાચાર પૂછી લેતો. જલદી ઘેર આવવાની ઇચ્છા છતાં એક કે બીજા કારણસર આવી શકાતું નહીં. રૈનાને ફરિયાદ કરવાનો કોઈ અર્થ નહોતો દેખાતો.

આજે રવિવાર હતો. રૈનાને તાવ થોડો ઓછો થયો હતો. પણ હજુ સંપૂર્ણ સારુંં નહોતું થયું. આજે શાંતનુએ આમ તો આખો દિવસ પત્ની પાસે રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ હમણાં જ એક અગત્યની પાર્ટી સાથે મીટિંગ ગોઠવાઈ હતી એમ ફોન આવ્યો હતો. શાંતનુ મૂંઝવણમાં હતો. એક તરફ પત્ની તરફની ફરજ સાદ દેતી હતી…. બીજુ બાજુ આ મીટિંગમાં ન જાય તો હાથમાંથી પ્રોજેક્ટ નીકળી જાય તેમ હતો. શું કરવું? રૈના પતિની મૂંઝવણ સમજી ગઈ હતી. ફિક્કું હસીને તેણે ધીમેથી કહ્યું,

તમે તમારે જાવ… મારી ચિંતા ન કરો. આમ પણ….

હજુ વાત ચાલતી હતી ક્યાં જ શાંતનુનો ડ્રાઇવર આવ્યો.

‘સાહેબ, ચાર દિવસની રજા જોઈએ છે.’

સોરી…. આજે રજાનો સવાલ જ નથી.
સાહેબ, મારી પત્ની બીમાર છે.

તો તું એમાં શું કરી શકવાનો? તું ડોક્ટર છે?

ના, પણ સાહેબ. હું એનો પતિ જરૃર છું. અત્યારે એને મારી જરૃર છે.

તારી નોકરી ચાલી જશે. આમ ચાર દિવસની રજા મને પોસાય તેમ નથી.

જેવા મારા નસીબ. સાહેબ, નોકરી તો બીજી યે મળી જશે. મારી પહેલી ફરજ મારી પત્ની… મારું કુટુંબ છે. મારે એ ફરજ ચૂકવી નથી.
અને ડ્રાઇવર સોરી કહીને ચાલ્યો ગયો.

શાંતનુ વિચારમાં પડયો. બે-પાંચ મિનિટ પછી તેણે ફોન જોડયો.

સોરી, આજે મીટિંગમાં નહીં આવી શકું.

( સ્ત્રીમાં પ્રકાશિત થતી કોલમ જીવનની ખાટી મીઠી..)

7 thoughts on “પહેલી ફરજ…

  1. નિલમબહેન,
    સાચું સુખ શેમાં? એનો જો ખ્યાલ આવી જાય તો ધનવૈભવની પાછળ જ રચ્યાપચ્યા રહેનારને એક સામાન્ય ઘરેલુ આમ આદમી ઘણુંબધું કહી જાય છે …પોતાના વિચારો અને વર્તન થકી..
    સમજનાર મટે આ એક ટીપ સમાન છે..બાકી તો શબ્દોનું વૃંદ…ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s