ચપટી ઉજાસ…50

પંખીનો મેળો

વાહ..ગાડીમાં તો મને મજા આવી ગઇ. બે છોકરાઓ કંઇક વગાડતા હતા અને મોટેથી ગાતા હતા. મને એ જોવાની મજા આવી ગઇ.મને થયું હું પણ મોટી થઇને આમ વગાડતી વગાડતી ગાઇશ..કેવી મજા..અને પાછા બધા તેને પૈસા આપતા હતા. મમ્મીએ પણ આપ્યા. પૈસાથી તો આઇસક્રીમ લઇ શકાય એની મને ખબર હતી. ફૈબા કે કોઇ મને રોજ આઇસ્ક્રીમ નહોતા લઇ દેતા.કયારેક જ અપાવતા. બસ હું મોટી થઇશ પછી આમ જ ગીત ગાઇશ અને પૈસા આવશે એટલે આટલો બધો આઇસ્ક્રીમ લઇશ. ફૈબાને કે કોઇને પૂછવું યે નહીં પડે..!

મારી કલ્પનાથી મરક મરક થતી હું એકલી એકલી હસી રહી.

ત્યાં ફૈબાનો ફોન આવ્યો

’ ભાભી, કંઇ તકલીફ તો નથી ને ? જૂઇ અને જય બરાબર છે ને ? ‘

મેં મમ્મીના હાથમાંથી ફોન પડાવી લીધો..મને ખબર પડી ગઇ કે મારા ફૈબાનો ફોન છે. હવે તો ફોનમાં વાત કરતા મને બરાબર આવડી ગઇ છે. બરાબર ફૈબાની જેમ જ મેં હેલ્લો એમ કહ્યું. દાદીમા તો ફોનમાં બોલે
‘ એલાવ..કોણ બોલો છો ? ‘

ફૈબા તેમની ઉપર ઘણી વાર હસતા હોય તેથી મને ખબર પડી ગઇ છે કે ફોનમાં એલાવ ન બોલાય..હેલ્લો..એમ બોલાય.
ફૈબા કહે,

‘ જૂઇ,મમ્મીને હેરાન નથી કરતી ને ? ‘ મેં માથું ધૂણાવ્યું. મમ્મી હસી પડી.

.’ બોલીને જવાબ દે..તારું માથું ધૂણાવવાનું એ કંઇ અત્યારે જોઇ શકવાના નથી. ‘

મેં ફૈબાને મમ્મીની ફરિયાદ કરી..મમ્મીએ ફુગ્ગો ન લઇ આપ્યો..એમ સમજાવ્યું. ‘ ફૈબા કહે,

’ મામા ફુગ્ગો લઇ આપશે હોં..’

પછી હું તો કયાંય સુધી મોબાઇલમાં વાત કરતી રહી. સામે ફૈબા બોલતા હતા કે નહીં એની કંઇ ખબર નહોતી પડતી.મમ્મી કહે, ’ ફોન પૂરો થઇ ગયો. લાવ, હવે મોબાઇલ…આમાં મૂકી દઉં.’

પણ મેં જોશથી ડોકું ધૂણાવ્યું..અને ઉંધી ફરીને બેસી ગઇ..નાક ઉપર હાથ રાખીને મમ્મીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.અને ફૈબા સાથે એકલી એકલી વાત કરતી રહી. મમ્મી તો મારી વાત સાંભળતી જાય અને હસતી જાય..મમ્મી જ નહીં..બાજુવાળા આંટી પણ હસતા હતા..હું કંઇ હસવા જેવું બોલતી હતી ? હું મારી વાત ફૈબાને કરતી હતી..ઝાડ કેવા દોડે છે..અને આપણે પણ એવા ઝાડ લાવીશું..એ બધું ફોનમાં ફૈબાને કહેતી હતી..એમાં હસવા જેવું શું હતું એ મને ન સમજાયું. એ લોકો કોઇ બારીમાંથી બહાર કયાં જોતા હતા ? તે એમને દોડતા ઝાડની ખબર કયાંથી પડે..? એ બધા તો ન જાણે કેવી કેવી વાતો કરતા હતા…મારી ચાંચ કંઇ એમાં ડૂબે તેમ નહોતી..તેથી મને એમાં મજા નહોતી આવતી. હું તો બસ મારા વહાલા ફૈબા સાથે વાત કરતી રહી.

‘ તમારી દીકરીને ફૈબાની ભારે માયા લાગે છે. ‘

કોઇએ મમ્મીને પૂછયું. હા..અને ફૈબાને પણ એની બહું માયા છે.’

’ નસીબદાર છો..બાકી મારી નણંદને તો એમ જ થાય કે ભાભીની છોકરી છે. ભાઇની હાજરીમાં બોલાવે..બાકી કોઇ માયા નહીં..જાણે કેમ હું મારે પિયરથી તેને લાવી હોઉં..’

’સાવ સાચી વાત..મારા સાસુને પણ એવું જ છે. તારા છોકરા તું સંભાળ..બાળકો વહુના છે એ દ્રષ્ટિથી જ જુએ..પોતાના દીકરાના છે એવું કેમ નથી માનતા ? હા..વાતો મોટી મોટી કરે કે અમને તો મૂડી કરતા વ્યાજ વધારે વહાલું..પણ એ વ્યાજનું કંઇક કરવાનું આવે કે એને સાચવવાનું આવે ત્યારે વહુના છોકરા બની જાય ‘

બીજું કોઇ બોલ્યું.

‘ ઘેર ઘેર માટીના ચૂલા છે બહેન..કોની ફરિયાદ કરવી ? ‘

’ હા..આ તો ઘર ઘરકી કહાની…’ ઓલી એકતા કપૂર એટલે તો આવી સીરિયલો બનાવ્યા કરે છે. ‘

એકતા કપૂરને શા માટે વગોવો છો..? આપણે બધા ટીકા ભલે કરીએ પણ સાથે સાથે સીરિયલના સમયે ટી.વી. સામે ગોઠવાઇ પણ જઇએ છીએ ને ? બાકી આપણે કોઇ જોતા ન હોઇએ તો એકતાકપૂરની હિંમત છે કે એવી સીરિયલ બનાવે…વાંક એનો નથી..આપણો છે.’ હા..એને તો બીઝનેસ કરવાનો છે..જે માલ ખપે એ જ એ બનાવે ને ? ‘

ન જાણે કેવી કેવી વાતો ચાલતી રહી હતી. ફૈબા સાથે મેં મન ભરીને વાત કરી લીધી હતી..અને હવે આ બધા શું બોલે છે તે સાંભળતી હતી. પણ આ મોટા લોકો તો ન જાણે કેવી કેવી વાતો કરતા હોય છે..કંઇ ખબર જ ન પડે…મને જરાયે મજા ન આવી.મમ્મી તો વાત સાંભળતા સાંભળતા ખાલી હસતી રહી હતી.

હું હવે થાકી હતી..કયારે આવશે મામાનું ઘર ?

ત્યાં કોઇ બોલ્યું..લો, તમારું વલસાડ તો આવી ગયું. આ તો પંખીનો મેળો છે. ઘડી બે ઘડી મળ્યા અને છૂટા પડયા…

( જનસતા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

3 thoughts on “ચપટી ઉજાસ…50

  1. “ચપટી ઉજાસ” નિયમિત રીતે ‘લોકસતા-જનસત્તા”માં આવે છે..બ્લોગ પર આવે છે..હવે તો રાહ છે જોવાની છે..પુસ્તકના સ્વરરૂપમાં..
    બેના, તમારી કલમમાં સરસ્વતિની કૃપા છે…ચાર હાથ તમારા પર છે.ગુજરાતી સાહિત્ય આપ જેવી લેખિકાથી પ્રદિપ્ત થતી રહે એજ શુભેચ્છા..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s