ચપટી ઉજાસ…49

દોડતા ઝાડ

હું આજે પહેલી વાર ટ્રેનમાં બેઠી. પહેલી પાંચ મિનિટ તો થોડું નવું નવું લાગ્યું તેથી ચૂપચાપ જોતી બેસી રહી. ઉમંગી ફૈબા મને બારી પાસે બેસાડી ગયા હતા. અને કહી ગયા હતા કે જો શાંતિથી બેસજે હોં. મમ્મીને હેરાન નહીં કરતી. મેં ડાહી છોકરીની માફક માથું ધૂણાવ્યું. અને ફૈબા નીચે ઉતરી ગયા. ભાભી, સંભાળીને જજો..અમદાવાદથી વલસાડ કયાં દૂર છે ? હમણાં પહોંચી જશો.
ફૈબાએ મારા હાથમાં ચોકલેટ અને બિસ્કીટના પેકેટ આપ્યા હતા. તે પકડીને હું ફૈબાને જતા જોઇ રહી. જરા વાર તો મજા ન આવી. ફૈબા ગયા તે ગમ્યું નહોતું. તેથી ડાહી ડમરી થઇને બારીમાંથી બહાર જોઇ રહી.

આજે એક નવી દુનિયા હું જોતી હતી. કેટલા બધા માણસો.. પણ વધારે વાર કંઇ એમ બેસી રહેવું મને થોડું ગમે ? કયાં કયાં શું છે એ બધું જોવાનું મને મન તો થાય ને ? હું તો આમાં પહેલી જ વાર બેઠી હતી. હું હળવેથી ઉભી થઇ. મમ્મીના ખોળામાં ભાઇલો હતો અને તે કોઇની સાથે વાતો કરતી હતી. મને ઉભી થયેલી જોતા જ મમ્મી બોલી,

’જૂઇ, ઉભું નહીં થવાનું. પડી જવાય. જો ગાડી ચાલે છે ને ? ઉભી થવા જઇશ તો પડી જઇશ..લાગી જશે..બેસી જા. ’

મમ્મીએ મારો હાથ પકડયો.પણ એમ કંઇ થોડું ચાલે ? હાથ છોડાવીને હું ઉભી થઇ. મમ્મી મને ખીજાતી હતી. ત્યાં બાજુમાં બેસેલ કોઇ બહેન બોલ્યા,

’ ભલેને ઉભી થતી. જઇ જઇને જશે કયાં ? દરવાજા પાસે ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું..બીજું શું ? છોકરું કંઇ થોડું આપણી જેમ બેસી રહેવાનું છે ? ‘ ’ના..મારી બેબી તો એટલી ડાહી છે..એકવાર ના પાડીએ એ કામ કરે જ નહીં. ‘ બીજા કોઇ બહેને કહ્યું.

અરે, આ આજકાલની જનરેશન ચૂપ બેસી રહે તેવી છે નહીં. આ નવી પેઢી આખી એટલી એકટીવ બની ગઇ છે ને કે…. અરે, એકટીવ શાની ? તોફાની કહો તોફાની…તોબા પોકારાવી દે છે. પહેલાના જમાનામાં પાંચ સાત છોકરાઓ મા જણતી હતી..પણ કયાં મોટા થઇ જતા ખબર નહોતી પડતી. આજે તો એક છોકરું તોબા પોકારાવી દે છે. મારી વહુને એક જ દીકરી છે..પણ આખો દિ એમાંથી નવરી જ ન થાય ને ? ‘ દાદીમા જેવા કોઇ બહેને ઉભરો ઠાલવ્યો.

પછી તો ઘણી ચર્ચા ચાલી..જેમાં મને કોઇ ગતાગમ પડતી નહોતી. પરંતુ ચર્ચા કંઇક અમારા વિશેની જ હતી. મમ્મી પણ વચ્ચે એકાદ વાકય બોલી હતી. શું ? એ મને ખબર ન પડી.કેમકે મારું ધ્યાન અહીંથી છટકવામાં હતું. મને જગ્યાએથી ઉભી થયેલી જોઇને ભાઇલો પણ ઝાલ્યો થોડો રહે ? તેને તો આમ પણ હું કરું એ બધું કરવા જોઇએ..જય તો મારો ચમચો.

હું ધીમે ધીમે નીચે ઉતરી હતી.પણ જયે તો મમ્મીના ખોળામાંથી સીધો જંપ જ માર્યો. મમ્મીએ ખીજાઇને જયને પકડી લીધો.મમ્મીનું ધ્યાન ભાઇલામાં હતું ત્યાં હું ડગુમગુ ચાલતી થઇ. ડગુમગુ એટલા માટે કે ગાડી ચાલતી હતી તેથી મારાથી સરખું નહોતું ચલાતું..પણ મને મજા આવી ગઇ..કંઇક નવું લાગ્યું. સામેની સીટ ઉપર એક અંકલ ખારી સીંગ ખાતા હતા..હું તેમની સામે જઇને ઉભી રહી ગઇ. અને ટગર ટગર જોવા લાગી. એ ભાઇએ મને પણ થોડી સીંગ આપવા માંડી. હું એમની સામે જોતી હતી તેથી તેમને કદાચ એવું લાગ્યું હશે કે મારે સીંગ જોઇએ છે. પણ મારે કંઇ સીંગ નહોતી જોતી..પણ એ અંકલ મારા કુંજ કાકા જેવા મને દેખાયા એટલે હું તેમની સામે જોતી હતી. મેં સીંગ લીધી નહીં..અને પાછળ ફરી ફરીને તેમની સામે જોતી રહી ને ચાલતી રહી. તે અંકલ મને જોઇને હસી પડયા..હું પણ તેમની સામે હસી. અને પછી ઝડપથી મમ્મી પાસે આવી ગઇ.

થોડી વાર મારી ને જયની મસ્તી ચાલી.બારીની બહાર જોવાની મને બહું મજા આવતી હતી. અમારા ઘર પાસે પણ ઝાડ તો મેં ઘણાં જોયા હતા. પરંતુ એ બધા ચૂપચાપ એક જગ્યાએ ઉભા જ રહેતા. જયારે અહીંના તો બધા ઝાડ પણ ચાલતા હતા..દોડતા હતા. વાહ! આવા ઝાડ મારે લેવા છે. હું ઘેર જઇને આ ચાલતા ઝાડની વાત ફૈબાને જરૂર કરીશ. અહીં તો બધું ઉલટું હતું. હું બેઠી હતી અને બહાર બધું દોડતું હતું. મોટી વ્હીસલ સંભળાતી હતી. ત્યાં ગાડી ઉભી રહી. મેં બારીમાંથી જોયું તો એક ફુગ્ગાવાળો હતો.મેં મમ્મીને ફુગ્ગા માટે કહ્યું..મને ફુગ્ગો તો બહું ગમે. પણ મમ્મીએ મને ન લઇ દીધો.

’ ના..અહીં નહીં..ઘેર જઇને મામા, અને માસી તને ઘણાં ફુગ્ગા લઇ દેશે હોં. અત્યારે ડાહી થઇને બેસી જા. તું તો મોટી છે ને ? ભઇલાને ખબર નથી પડતી..જૂઇને તો બધી ખબર પડે છે ને ?લે..આ એપલ ખા..તને એપલ ભાવે છે ને ? ‘

મમ્મી આજે ફૈબા જેવું બોલતી હતી..એવું મને કેમ લાગ્યું ?

( જનસતા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

3 thoughts on “ચપટી ઉજાસ…49

  1. નાનકડી આંખે નવા -જૂના સંબંધો જોવાની મઝા ય માણવા જેવી તો ખરી. જૂઇ એ નાનકડી દુનિયાનુ પ્રતિક છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s