ચપટી ઉજાસ..48..

મામાનું ઘર કેટલે ?

હવે તો મને ઘણું બધું બોલતા આવડી ગયું છે. ભાઇલો તો ખાલી મમ..બા..એવું બધું જ બોલે છે. મને તો બધી ખબર પડે છે. ને બધું બોલી શકું છું. દાદીમાને તો કહેવું પડે છે, ’માતાજી, હવે થોડીવાર મૂંગા રહો..’

દાદીમા ઘણીવાર ભૂલી કેમ જતા હશે કે મારું નામ કંઇ માતાજી નથી…. હું તો જૂઇ છું.

આજે સવારથી મમ્મી દોડાદોડીમાં છે. પહેલા તો મને સમજાયું નહીં કે આ બધું શું છે ? પણ પછી ખબર પડી કે અમારે નાનાજીને ઘેર જવાનું છે. આમ બહારગામ જવાનું હોવાથી મમ્મી બધી તૈયારી કરતી હતી. અમારા કપડાં બેગમાં ભરતી હતી. ફૈબા કહે,

’જૂઇ અને જય વિના ઘર સાવ સૂનુ થઇ જશે. પણ તમારી બહેનના લગ્ન છે..એટલે જવું તો પડે જ ને ? જૂઇને માસીના લગ્ન બરાબર બતાવજો હોં..ખાલી જયનું ધ્યાન રાખવામાં ને બહેનના લગ્નમાં મશગૂલ ન થઇ જતા.’

કહીને ફૈબા હસવા લાગ્યા. મને તો એમ કે અમારે બધાને જવાનું છે. પણ હવે ખબર પડી કે ફૈબા, દાદીમા કે પપ્પા નથી આવવાના..પપ્પા આવશે તો ખરા પણ પાછળથી આવશે એમ દાદીમા કહેતા હતા. ફૈબા વિના મને કયાંય મજા આવશે કે કેમ ? એ ખબર નથી. દાદીમા કહે, સાચવીને જજો..અને પહોંચીને તુરત ફોન કરી દેવાનું ભૂલતા નહીં.

હું તો બહાર જવાના ઉત્સાહમાં થનગનતી હતી.

આજે તો મેં જમવામાં પણ કંઇ નખરા ન કર્યા. દાદીમા કહે,

‘ ચાલ, જલદી, જમી લે..નહીંતર તમારી ગાડી ઉપડી જશે.મમ્મી ભાઇલાને લઇને જતી રહેશે..તું અહીં રહેજે મારી પાસે. રહીશને ? ‘

પણ મેં તો ફટાફટ જમી લીધું. મમ્મીએ પણ જમી લીધું. બધો સામાન તૈયાર હતો. ’નિશા, બધું યાદ કરીને લીધું છે ને ? પિયર જવાની હોંશમાં કંઇ ભૂલી ન જતા. નહીંતર પાછા રસ્તામાં છોકરાઓ હેરાન થશે. આમ પણ તને ભૂલી જવાની બહું ટેવ છે. ધ્યાન રાખીને જજો. અને પાણી બરાબર લીધું છે ને ? બહારનું પાણી છોકરાઓને પીવડાવવું નહીં.’ દાદીમા તો ન જાણે કેટલી બધી સૂચના આપતા હતા.મમ્મીએ કહ્યું,

’ બા, તમે ચિંતા ન કરો..હું બંનેનું બરાબર ધ્યાન રાખીશ અને પહોંચીને તુરત ફોન કરી દઇશ. ’ ઉમંગી ફૈબાએ મને સરસ તૈયાર કરી.નવું ફ્રોક પહેરાવ્યું. મને ફૈબા જેવા સલવાર કમીઝ પહેરવા બહું ગમે. એમાં તો કેવી મજાની નાનકડી સાડી પણ હોય..ફૈબાની એ નાની સાડી લઇને મેં ઘણીવાર પહેરી જોઇ છે. મમ્મીની સાડી બહું મોટી હોય છે. મને ફૈબાની સાડી જ વધારે ગમે છે. પણ કોઇ મને મને સલવાર, કમીઝ કે એવું કશું લાવી નથી દેતા. બસ બધા ફ્રોક જ.. જોકે હમણાં ફૈબા મારા માટે એક સરસ મજાનું સ્કર્ટ લાવ્યા હતા. એ પહેરવું મને બહું ગમતું હતું. એ પહેરું પછી હું જલદી ઉતારવાનું નામ જ ન લઉં ને ? દાદીમા કહેતા હોય, મહાદેવને ચડયું એ ચડયું..

’ કોણ હશે આ મહાદેવ ? મારા જેવા જ કોઇ હશે.કપડાં બદલાવવાના ચોર.. કે પછી મારી જેમ સ્કર્ટ પહેરીને પછી એને પણ ઉતારવાનું મન નહીં થતું હોય ?

કુંજ કાકા મારે માટે જીંસનું પેન્ટ લાવેલ..પરંતુ મને બહું મોટું થયું હતું તેથી મમ્મીએ સાચવીને રાખી મૂકયું હતું. હું મોટી થઇશ પછી આપશે..હે ભગવાન ..હવે કયારે મૉટી થઇશ ? તે દિવસે બધું શાક ખાઇ લીધું હતું તો યે જુઓને હજુ બહું મોટી નથી થવાયું.

અંતે અમે બધા તૈયાર થયા. પપ્પા આવી ગયા..અમને સ્ટેશને મૂકવા પપ્પા અને ફૈબા બંને આવવાના હતા. મમ્મીએ ભગવાન પાસે દીવો કર્યો. પગે લાગી.એ જોઇને મેં પણ ભગવાનજીને જે જે કર્યું. પછી મમ્મી બાને પગે લાગી. બા ધીમેથી કશુંક બોલ્યા. પણ મને સંભળાયું નહીં.

મમ્મીનું જોઇ મેં પણ બાને જે જે કર્યા. બા રાજી થયા હોય એવું લાગ્યું. કેમકે આજે તો બાએ મને પણ વહાલ કર્યું. અને પછી ભાઇલાને વહાલ કર્યું.

’પપ્પા કહે, ‘ ચાલો જલદી કરો ટાઇમ થઇ ગયો છે. ‘

અમે બધા જલદી જલદી નીકળ્યા. સામાન મોટરમાં ગોઠવાયો અને અમે બાને ટા ટા કરી ઘરની બહાર નીકળ્યા. મમ્મી પણ કેવી ખુશખુશાલ દેખાતી હતી. ફૈબાને બહું મજા નહોતી આવતી પણ મને વહાલ કરતા ચૂપચાપ બેઠા હતા. જયભાઇ તો મમ્મીના ચમચા..અને હું ફૈબાની ચમચી…. ચમચા, ચમચી ઉપડયા નાનાજીને ઘેર..મામાને ઘેર. ફૈબા કહે,

’મામાનું ઘર કેટલે ? દીવા બળે એટલે. ‘…

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

2 thoughts on “ચપટી ઉજાસ..48..

  1. “તે દિવસે બધું શાક ખાઇ લીધું હતું તો યે જુઓને હજુ બહું મોટી નથી થવાયું. ”
    અહીંની જેમ બધે નાના બાળકનું માનસ સરસ રીતે પ્રગટ થાય છે. ધન્યવાદ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s