ચપટી ઉજાસ..46..

મોટા થવું છે..

આજે હું રાજાપાઠમાં હતી. આજે ફૈબાને કોલેજમાં રજા હતી. અને ફૈબાની રજા..એ મારી મજા.. પણ સવારે જ દાદીમાએ ફૈબાને કહી દીધું હતું. તું તારો રૂમ બંધ કરીને વાંચવા બેસી જજે. વાંચવાની રજા પડી છે. કંઇ જૂઇને રમાડવાની રજા નથી પડી એ યાદ રાખજે. નહીંતર એ તારી ચમચી તને એક અક્ષર વાંચવા દે તેમ નથી.’ મમ્મી, મને મારી જવાબદારીની ખબર છે. તું મારી ચિંતા ન કર. હું મારું વાંચી લઇશ. ‘ ફૈબાએ આજે મમ્મીને ઘણી બધી નાનકડી બુકસ આપી. અને કહ્યું,

’ જુઓ ભાભી, આજથી તમારે આમાંથી રોજ એક વાર્તા જૂઇને કરવાની છે. હમણાં મને બહું સમય નહીં મળે. પણ તમારે ખાલી જય પાછળ જ નથી ફરવાનું. રાત્રે કે બપોરે ગમે ત્યારે રોજ ઓછામાં ઓછી એક વાર્તા જૂઇને કરવાની. કરશોને ? મમ્મીએ હસીને હા પાડી.

‘ હું બપોરે સૂતા સૂતા જૂઇને વાર્તા કરીશ.’ પલંગમાં પડયા ભેગા સૂઇ ન જતા.

મમ્મીની આદતની ફૈબાને ખબર હોય જ ને ?

‘ જોકે મને ખબર છે.. ઘરના કામ અને જયની પાછળથી તમને વધારે સમય નથી મળતો. પરંતુ દીકરી માટે તમે સમય નહીં કાઢો તો કોણ કાઢશે ? અને સમીરભાઇને પણ હું કહેવાની છું..એણે પણ છોકરાઓ માટે સમય રાખવો પડશે.એની સાથે રમવું પડશે. આજે રાતે આવે એટલે વાત. તમારા વરજીને ખીજાવાની છૂટ છે ને ભાભી ? ફૈબાએ હસતા હસતા પૂછયું. મમ્મીએ પણ હસીને જવાબ આપ્યો, તમારો ભાઇ છે.. તમારા ભાઇ બહેન વચ્ચે હું કયારેય આવી છું ?

‘ મમ્મી અને ફૈબા બંને હસતા હોય પછી હું વાતમાં સમજું કે ન સમજું પણ હસું નહી એ કેમ ચાલે ? હસવામાં તો ચોક્કસ સમજું છું.

મમ્મી મને વાર્તા કરવાની હતી એટલી સમજ તો મને પડી હતી. તે દિવસે દાદીમા બપોરે રોજની જેમ મને અને જયભાઇને જમાડવા બેઠા. મમ્મી રોટલી કરતી હતી. ફૈબા વાંચવા બેસી ગયા હતા તે હજુ ઉભા નહોતા થયા. પણ આજે મને શાક જરાયે ન ભાવ્યું. દાદીમા રોટલીમાં શાક લઇને મને ખવડાવવા ગયા પણ મેં મોઢુ ખોલ્યું જ નહીં. આ નહીં..દાદીમા ખીજાણા,

’ હવે ચાળા કર્યા વિના જમી લે..પણ મને જે ન ભાવતું હોય એ કેમ ખાઉં ? દાદીમા પણ ઘણીવાર બોલતા હોય છે..આ ભાવે છે અને આ નથી ભાવતું..મોટાઓને પોતાની મરજી પડે એ ખાવાની છૂટ અને અમને નહીં ? દાદીમા કહે, ’ હજુ તો ઉગીને ઉભા થાય છે ત્યાં ભાવવા..ન ભાવવાના ચાગ..જાણે બહું બધી ખબર પડતી હોય..ચાલ, હવે મોં ખોલ. ‘ પણ મેં તો હોઠ જોશથી બંધ કરી દીધા.

નિશા, જરાક ગોળ લાવ..આજે આ છોકરી જીદે ચડી છે..નહીં ખાય. લાવ ગોળ ને રોટલી ખવડાવી દઉં. તો માંડશે ખાવા.
મમ્મીએ ચૂપચાપ રસોડામાંથી ગોળ આપ્યો. મને મજા પડી ગઇ. ગરમ ગરમ રોટલી અને ગોળ મને બહું ભાવે. મેં તો શાકની વાટકીને ધક્કો માર્યો. અને હોંશે હોંશે ગોળ અને રોટલી ઝાપટવાનું શરૂ કર્યું. દાદીમા કહે,

લુચ્ચીએ જો હવે લાડવા જેવડું મોં ફાડવા માંડયું.

ત્યાં ફૈબા આવ્યા..દાદીમાએ તેને પણ કહ્યું, જો..આ બેનબાને ગોળ મળ્યો તો મોઢું ખોલ્યું. શાક ખાવાની તો સાવ ચોર છે. ‘ જૂઇ, શાક નથી ખાવું ?

મેં જોશથી નકારમાં માથું ધૂણાવ્યું.

કંઇ વાંધો નહીં. મમ્મી, જય ભાઇને બધું શાક ખવડાવી દો..જૂઇ ખાલી ગોળ ખાશે. જય ભાઇ જલદી જલદી મોટો થશે. જૂઇને જલદી મોટા નથી થવું. હેં ને જૂઇ ?

હવે હું મૂંઝાણી. મોટા તો મારે થવું હતું. અને તે પણ જલદી જલદી..ફૈબા આમ કહે એ મને કેમ પોસાય ?
ફૈબાએ ફરીથી પૂછયું, જૂઇ તારે મોટા થવું છે. જો જય ભાઇએ આજે શાક ખાધું..કેટલો મોટો થઇ ગયો ?
ફૈબાએ જયને ઉભો કર્યો.

મને થયું જય તો સાચ્ચે જ મોટો થઇ ગયો હોય એવું મને લાગ્યું. મેં શાક તરફ આંગળી બતાવી. ફૈબાએ હસીને પૂછયું, ’શાક ખાવું છે ? ના, ના..જય ભલે ખાય.તું ગોળ ખા. ‘ પણ હવે હું ગોળ કેમ ખાઉં ?

ફૈબાએ શાક અને રોટલી હાથમાં લીધા. મેં લાડવા જેવડું મોં ખોલ્યું. અને ફૈબાએ હબૂક કહીને મારા મોંમાં શાક, રોટલી ખોસી દીધા.
જૂઇ, હવે ઉભી થા જોઉં..આપણે માપીએ તું કેટલી મોટી થઇ ? હું ખુરશી પર ઉભી થઇ. ફૈબાએ મને માપી અને પછી તાળી પાડી…
’ વાહ..જૂઇ તો આટલી મોટી થઇ ગઇ..?

મેં પણ હરખાઇને તાળી પાડી.

અને દાદીમા, મમ્મી હસી પડયા….

શા માટે ? એ મને ખબર ન પડી.

( દર રવિવારે જનસત્તા..લોકસત્તામાં પ્રકાશિત થતી કોલમ )

3 thoughts on “ચપટી ઉજાસ..46..

  1. સરસ! ફૈબાને ચાઈલ્ડસાયકોલોજીનો સારો એવો અભ્યાસ હોય તેમ લાગે છે. પણ આ દરેકને માટે જરૂરી છે ખરુંને? નિલમબહેન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s