ચપટી ઉજાસ..44..

મારા ચિતરામણ..

દાદીમાએ મને તોફાનીનું બિરુદ લગાડી દીધું છે. પણ મને તો હું શું તોફાન કરું છું એ જ સમજાતું નથી. આખો દિવસ મારે કંઇક પ્રવૃતિ તો જોઇએ કે નહીં ?

મમ્મી ઘરના કામમાંથી અને ભાઇલામાંથી બહું નવરી થતી નથી. દાદીમા ભાઇલો અને તેની પૂજા અને પડોશીઓ..એમાંથી નવરા થતા નથી. પપ્પા તો ઘરમાં હોય જ બહું ઓછા…ઉમંગી ફૈબાને બિચારાને કોલેજ હોય.વાંચવાનું હોય..તો પણ મારી સાથે તો ગમે તેમ કરીને થોડો સમય કાઢે જ. એને ખબર છે કે ભાઇલાને તો દાદીમા રમાડશે..પણ આ જૂઇની સાથે રમવાવાળું કોઇ નથી.
દાદીમા તો બસ રમકડાનો ઢગલો મારી પાસે ઠાલવી દે..

’ લે બેઠી બેઠી રમ જોઇએ…’

પણ એ ઢગલાથી તો હવે હું થાકી છું. છતાં કયારેક રમી લઉં..પણ થોડી વારમાં કંટાળી જાઉં..ફૈબા કહે છે એક ને એક વસ્તુ આપણને મોટાઓને પણ નથી ગમતી તો ભૂલકાઓ તો અખૂટ શક્તિના ભંડાર…એમને કેમ ગમે ?
મને તો હમેશની જેમ ફૈબાની વાતો બહું ગમે.

આજે મમ્મી હમેશની જેમ રસોડામાં હતી. મનમાં તો ઘણું થયું કે મમ્મીને મદદ કરાવું. પણ હવે તો કોઇ મને રસોડા પાસે ફરકવા પણ શેનું દે ?ભાઇલા સાથે થોડીવાર રમવાની..દોડાદોડી કરવાની મને મજા પડી જાય. પણ ભાઇલો હજુ સૂતો હતો. ત્યાં મારા હાથમાં ફૈબાની એક પેંસિલ આવી ગઇ. એનાથી ફૈબાને કશુંક લખતા મેં ઘણીવાર જોયા છે. લખવા માટે બીજું કશું તો ન મળ્યું. હું વિચારી રહી..આ પેંસિલ તો મળી..હવે કરવું શું ?ત્યાં તો મારી નજર રૂમની સફેદ દીવાલ ઉપર પડી.મેં જોઇ જોયું..ઓહ..આની ઉપર તો સરસ લખાય છે. ફૈબાને ખબર નહીં હોય..તેથી દરેક વખતે બુકમાં લખે છે. હવે હું તેમને બતાવીશ. મેં તો કોઇ મોટી શોધ કરી નાખી.આપણે તો થઇ ગયા ચાલુ. ભીંત ઉપર બ્લેક પેંસીલથી લખવાની મજા આવી. અલબત્ત શું લખ્યું એ મને સમજ ન પડી..કેમકે હજુ મને વાંચતા કયાં આવડે છે ? પણ લખતા આવડી ગયું. હું તો તલ્લીન બનીને લખતી રહી..લખતી રહી. જગ્યાની ખોટ કયાં હતી ?

કેટલી વાર થઇ હશે એ ખબર નથી. હું તો મારા લખવાના કામમાં વ્યસ્ત હતી ને ? પણ..ત્યાં અચાનક મારા વાંસામાં જોરદાર ધબ્બો પડયો. પાછળ ફરીને જોયું તો દાદીમા.. એકી ઝાટકે દાદીમાએ મારા હાથમાંથી પેંસીલ લઇ લીધી. અરે, હવે તો હું તોફાન પણ નહોતી કરતી..બસ ચૂપચાપ લખતી હતી..એમાં પણ દાદીમાને વાંધો આવી ગયો ? દાદીમા તો મેં જાણે કેવડું મોટું નુકશાન કરી નાખ્યું હોય એમ મને કેટલું યે બોલતા રહ્યા. પછી મોટેથી બૂમ પાડી,

’નિશા, અહીં આવ અને જો આ તારી છોકરીના પરાક્રમ…આખી ભીંત ચીતરી મારી.’

મમ્મી દોડતી આવી. મને ધબ્બો પડયો તો યે આજે હું રડી નહોતી. મારું ધ્યાન તો દાદીમાએ ઝૂંટવી લીધેલ પેંસિલ ફરીથી કઇ રીતે લેવી એની તક શોધવામાં હતું. હું લલચાઇ નજરે પેંસિલ તરફ તાકી રહી હતી.

’ અરે, એના હાથમાં પેંસિલ કયાંથી આવી ગઇ ?

મને શું ખબર ? આપણા ઘરમાં કયારેય કોઇ વસ્તુ એની જગ્યાએ હોય છે ખરી ?

દાદીમાને ભાષણ દેવાનો જાણે એક મોકો મળી ગયો. અને પછી તો દાદીમાએ એનો પૂરો ફાયદો ઉઠાવ્યો. મમ્મી હાથમાં ભીનું કપડું લઇ આવી અને મારું લખેલું બધું ભૂંસવા લાગી. મને જરાયે ન ગમ્યું..મારી આટલી મહેનત આમ નકામી જાય એ મને કેમ ગમે ? પણ હમેશની માફક મારું કંઇ ચાલવાનું નહોતું જ..એની મને પાક્કી ખાત્રી હતી. ત્યાં ભાઇલો કયાંથી,કયારે આવી ચડયો તેની કોઇને ખબર ન રહી અને દાદીમાએ મારા હાથમાંથી ઝૂંટવીને લઇ લીધેલી પેંસિલ હજુ ત્યાં ખુરશી પર જ પડી હતી. ભાઇલાએ તે લઇ લીધી હતી અને સામેની ભીંત ઉપર તેણે પણ લખવા માંડયું હતું.દાદીમાનું ધ્યાન મને ખીજાવામાં અને મમ્મીનું ધ્યાન મારું લખાણ ભૂંસવામાં હતું. અને ભાઇલાએ એનું કામ ચાલુ રાખ્યું.જરાયે અવાજ વિના.ખાલી મને એકને જ એની ખબર હતી. જોકે એને બિચારાને કંઇ મારી જેમ બહું લખતા આવડતું નહોતું. છતાં એને પણ લખવાની મજા આવતી હતી એમ મને લાગ્યું. હું ભાઇલાનું લખાણ જોઇને મોટેથી હસી પડી..મેં તો કેવું સરસ લખ્યું હતું ! દાદીમા મને હસતી જોઇને વધારે ગુસ્સે થયા

‘ છે ને સાવ નફ્ફટ..હસે છે..’

ત્યાં પાછળથી ઉમંગી ફૈબા આવ્યા..તે તો ખડખડાટ મોટેથી હસી પડયા. પછી કહે,

’ મમ્મી, જૂઇને પછી ખીજાજે..પહેલા તારા આ નટખટ લાલાના પરાક્રમ જો..’

દાદીમાએ પાછું વળીને જોયું..ભાઇલો તો ભીંત પર લખવામાં મશગૂલ હતો. દાદીમા માથે હાથ દઇ ત્યાં જ બેસી પડયા.

( જનસત્તા..લોકસત્તામાં પ્રકાશિથ થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ..44..

  1. નિલમબહેન,
    ખરેખર જૂઈની વાતો વાંચીને તો મજા જ આવી જાય છે. નાના હોઈએ ત્યારે એવું થતું કે ક્યારે જલ્દીજલ્દી મોટાં થઈ જઈશું? અને અત્યારે શૈશવની ગલીઓમાં ઘૂમવાનું ગમે અને થાય કે ભગવાને આપણને એવા જ રહેવા દીધા હોતતો કેવું સારું? દુનિયાથી ન્યારા અને ખુદને અને સૌને પ્યારાં..એક ગીતની કડીઓ યાદ આવે છે. “હો ઓ ઓ ઓ..બચપનકે દિન ભૂલા ન દેના, આજ હંસે કલ રુલા ન દેના..”
    ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s