ચપટી ઉજાસ..43

હાર નહીં હોતી..

મેં તો રસોડામાં નીચે કબાટ પાસે પલાંઠી મારીને જમાવ્યું હતું. આટલા બધા નવા રમકડાં..મમ્મી રોજ એકલી એકલી આ બધાથી રમે છે ! મને કોઇ દિવસ અડકવા નથી દેતી..આવું કેમ ચાલે ? હવે હું કંઇ ભાઇ જેવી નાની થોડી છું ? હું તો હવે મોટી બધી થઇ ગઇ છું.. હવે તો હું પૂરા બે વરસની થઇ ચૂકી છું.

મેં ધીમેથી એક બરણી હાથમાં લીધી..ખોલવાની ઘણી મહેનત કરી. પણ મમ્મીએ ન જાણે કેવી સખત બંધ કરી હતી..મારાથી ખૂલી જ નહી. મેં તેને પડતી મૂકી..અહીં મમ્મીના રમકડાઓનો કયાં પાર હતો ? એક નહીં તો બીજું..

આમ બે ચાર વસ્તુઓ તો મારે નિરાશ થઇને મૂકી દેવી પડી. પરંતુ એમ કંઇ જૂઇબેન હિંમત શેના હારે ? મેં તો મારી કોશિશ ચાલુ રાખી..ઉમંગી ફૈબાને મેં ઘણી વાર મોટેથી ગાતા સાંભળ્યા છે..

” કોશિષ કરનેવાલોંકી હાર નહીં હોતી…. “

અંતે એક બરણી ખૂલી. અંદર કશુંક હતું. શું ? એ ન સમજાયું. પણ મને તો મજા આવી. મેં બરણી ઉંધી કરી. આ કયો કલર કહેવાય..હા..ફૈબાએ શીખડાવ્યું હતું..આ વાઇટ કલર..મને યાદ આવી ગયું. મને તો મજા આવી ગઇ..બીજી બે ચાર બરણી પણ ખૂલી. બધી એક પછી એક હું ઉંધી કરતી ગઇ..હાથેથી બધાને અડીને જોતી ગઇ. એકાદને મોઢામાં પણ નાખી જોયું. પણ કંઇ મજા ન આવી. ખાવાની મજા તો ન આવી.પણ રમવાની મજા આવી ગઇ. એક ને એક રમકડાઓથી રમીને હું કંટાળી જતી હતી.

ત્યાં નીચે જ એક કપડું પડયું હતું. હા..મમ્મી આનાથી આ બધું સાફ કરતી હોય છે. મને થયું હું પણ મમ્મીને મદદ કરાવું. મેં તો કપડું લીધું..ને મમ્મીની જેમ જ એ લૂછવા લાગી. પછી યાદ આવ્યું. મમ્મીને મેં આમાં પાણી નાખતા પણ ઘણી વાર જોઇ છે. મારી પાણીની નાનકડી માટલી તો ફૈબાએ મારાથી પહોંચાય તેમ જ રાખી હતી. હું ઉભી થઇને પાણી લેવા જતી હતી..ત્યાં અચાનક દાદીમા આવી ચડયા..હું આખી વાઇટ કલરની થઇ ગઇ હતી. દાદીમાએ તો ચીસાચીસ કરી મૂકી…અને મારા વાંસામાં એક ધબ્બો મારી લીધો. હું મોટેથી રડી ઉઠી.

મમ્મી દોડીને આવી..

હે ભગવાન..આ છોકરીથી તોબા…આનું શું કરવું ? લોટ, ખાંડ, મીઠું બધું ભેગુ કરી નાખ્યું. કેટલું રમખાણ કરી નાખ્યું. કેટલું નુકશાન કરી નાખ્યું ? બેનબા કબાટ ખોલીને બેઠાં હતા. માંડ જરાક આંખ મીંચાણી હતી..મને તો સમજાતું નથી કે આ છોકરીનું શું કરવું ? નિશાને કેટલીવાર કહ્યું છે કે બાપા..આનું ધ્યાન રાખતી જા…હવે કરો સાફ..

દાદીમા બબડતાં રહ્યાં. દાદીમાનો અવાજ સાંભળીને દોડી આવેલી મમ્મી બધું ઉપાડવા લાગી. હું રડતાં રડતાં સોફા પર ચડવા ગઇ.ત્યાં ફરીથી દાદીમાની બૂમ આવી,

’ એ મારી મા..નીચે ઉતર…આખી લોટવાળી ભરી છે. હમણાં બધું બગાડશે. નિશા, પહેલા આને સાફ કર…

મમ્મી ચૂપચાપ મને લઇને બાથરૂમ તરફ ચાલી. આજે મમ્મી પણ મારી ઉપર ગુસ્સે થઇ હતી એ તો મને યે સમજાઇ ગયું. ખબર નહીં હું જે કરવા જાઉં છું..બધુ ઉંધું જ કેમ થાય છે ? હું તો મમ્મીને મદદ કરાવવા ગઇ હતી..આ મોટાઓ પણ ખરા છે.પોતે આખો દિવસ રમે એનો વાંધો નહીં. અમારે કંઇ અડવાનું નહીં..અમને બધી મનાઇ.

મમ્મી મને નવડાવીને આવી ત્યારે દાદીમા કોઇ સાથે ફોનમાં વાતો કરતા હતા અને ભાઇલો ડગુમગુ ચાલતો મમ્મીને શોધવા રસોડામાં પહોંચી ગયો હતો. અને ત્યાં નીચે પડેલી બરણીઓ જોઇને તે નીચે બેસી પડયો. કદાચ તેને પણ મારી જેમ મજા આવી હશે. દાદીમા જેને લોટ કહેતા હતા તે ઉપાડી ઉપાડીને ભાઇલો તો બધે ઉડાડવા લાગ્યો.ખિલખિલ હસતો જાય અને રમતો જાય.
એનું હસવાનું સાંભળી દાદીમા ફોન મૂકીને રસોડામાં આવ્યા..મમ્મી પણ બરાબર ત્યારે જ રસોડામાં આવી. દાદીમા કહે,

’ નિશા, લે આ લાલો પણ કેમ પાછળ રહી જાય ? બેનનું જોઇને એ પણ શીખવાનો જ ને ? છોકરું તો જે જુએ એમ કરવા જાય..એને બિચારાને શું ખબર પડે ? ‘

ભાઇલો બિચારો…અને હું તોફાની….!

મારે તો કંઇ બોલવાનું હતું જ નહીં ને ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

3 thoughts on “ચપટી ઉજાસ..43

  1. Wah…Aaj na article ma to khub maja avi gayi. Bahu saras rite lakhyu chhe. Ek baalake nirdosh bhave je tofan karyu chhe e manavani khub maja avi.Thank u so much for such a good writing.

    Like

  2. નાનકડી જૂઈબેનના નાનકડાં કારસ્તાન, વાંચવાની તો ભાઈ મઝા પડી ગઈ….બચ્ચે મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે…કાશ! દાદીમાને પણ પોતાનું બાળપણ યાદ હોત તો જૂઈબેનને તોફાનીનું બિરૂદ ના મળત..ખરુંને? ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s