સંબંધસેતુ..

આપમેળે ઉઘડે છે બારણા, કોઇ આવી લઇ જતું ઓવારણા.

એટલે ભીનાશ આ અકબંધ છે, સાવ તાજા છે હજુ સંભારણા.

સાંપ્રત સમયમાં માનવી ઘડિયાળને કાંટે દોડતો રહ્યો છે. આજે કોઇને કોઇ માટે સમય નથી. અને એમાં પણ જયારે કોઇ વહેવાર માટે કયાંય જવાની ફરજ થઇ પડે છે ત્યારે ઇચ્છાએ કે અનિચ્છાએ પણ જવું પડે છે. વહેવાર નિભાવવા પડે છે. સારે માઠે પ્રસંગે હાજર થવું પડે છે. મોટે ભાગે તો ત્યારે મનમાં એવા જ વિચારો હોય છે કે આજે આપણે નહીં જઇએ તો આવતી કાલે આપણે ઘેર એવો કોઇ સારો, નરસો પ્રસંગ આવે તો આપણે ઘેર પણ કોણ આવે ? મોટે ભાગે આવા કોઇ વિચારોથી આપણે મને, કમને વહેવાર નિભાવતા હોઇએ છીએ. પરંતુ આજના સમયમાં અલગ લાગે એવો એક સરસ મજાનો કિસ્સો હમણાં જાણમાં આવ્યો ત્યારે બહું સારું લાગ્યું. ભલે કદાચ અપવાદરૂપ ગણાય..પરંતુ આવા કિસ્સા પ્રકાશમાં આવે તો કયારેક કોઇને એમાંથી પ્રેરણા અચૂક મળે. ફકત નામ બદલીને એ વાત આજે અહી કરવી ગમશે.

અનેરીના લગનને છ મહિના થયા હતા. ઘરમાં સાસુ, સસરા અને પોતે બે એમ ચાર જ સભ્યો હતા. એક નણંદ હતા જે સાસરે હતા.અનેરીના સાસુ પહેલા નોકરી કરતા હતા તેથી સમયના અભાવે કયારેય કુટુંબમાં બહું ભળી શકયા નહોતા.અને આમ પણ સગાઓમાં થતી એકબીજાની પંચાત, વિખવાદ..એ બધાથી તે પોતાની જાતને અળગી જ રાખતા…એમનાથી દૂર રહેવું જ સારું..એમ માની બધા સાથે ફકત નામનો જ વહેવાર રાખ્યો હતો. કદીક સારે ,માઠે પ્રસંગે હાજરી આપી આવે..એટલું જ.

હવે ઘરમાં વહુ આવી..સાસુ જ જયારે સગાઓ સાથે બહું વહેવાર ન રાખતા હોય કે એ બધામાં માનતા ન હોય ત્યારે વહુને કશું રાખવાનું હોય જ કયાંથી ? સાસુએ સામેથી જ કહી દીધું હતું કે આપણે એ બધા જમેલામાં પડવાની બહું જરૂર નથી. એ લોકો એને ઘેર સુખી અને આપણે આપણે ઘેર.

પરંતુ અનેરીનો સ્વભાવ અલગ હતો. તે માણસવલ્લી હતી..તેને માણસો ખૂબ ગમે.પિયરમાં પણ વિભકત કુટુંબમાં ફકત માતા, પિતા સાથે જ રહી હતી.પરંતુ તેની એક બહેનપણી સંયુકત કુટુંબમાં રહેતી હતી..અને અનેરી અવારનવાર તેને ઘેર આવતી જતી હતી..તેને ત્યાં ખૂબ ગમતું..ઘેર આવીને મમ્મીને કહેતી પણ ખરી કે

‘ મમ્મી, ઘરમાં આટલા બધા માણસો હોય તો કેવી મજા આવે. તહેવારમાં કયારેય એકલા ન લાગીએ કે કોઇની જરૂર ન પડે. ‘

અનેરીના દાદા, દાદી તો વરસો પહેલા જ સંસારને અલવિદા કરી ગયા હતા. તેથી કોઇ ઉપાય નહોતો. પરંતુ તેને ઘેર કોઇ પણ મહેમાન આવે તો અનેરી અચૂક આગ્રહ કરીને તેને રોકે જ. તેની મમ્મી હસીને કહેતી

’તારા લગ્ન સન્યુકત કુટુંબમાં જ કરીશ..બસ ? પછી જ ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે ? ‘

પણ નસીબજોગે સંયુકત કુટુંબને બદલે અહીં પણ વિભકત કુટુંબમાં જ તે આવી.પરંતુ અહીં સાસરાનું કુટુંબ મોટું હતું. પરંતુ બધા અલગ હતા…પ્રસંગ સિવાય કોઇ કુટુંબીજનો ભેગા થતા નહીં. અંક્તિના ચાર કાકાઓ હતા..મામા, માસી, ફૈબા ઘણાં બધા હતા.અને તેમાંથી ઘણાં તો આ જ શહેરમાં જ હતા.પરંતુ કોઇ ખાસ કારણકે પ્રસંગ સિવાય કોઇને એકબીજાને ઘેર આવવા જવાનો વહેવાર નહોતો. એવો ફાલતુ સમય કોઇ પાસે નહોતો.

તેથી ગામમાં જ આટલા સગાવહાલાઓ હોવા છતાં કોઇને ઘેર જવાનું..હળવા મળવાનું ભાગ્યે જ બની શકતું. પણ, અનેરી તો માણસવલ્લી…એને તો બધાને ત્યાં જવું કે કોઇને પોતાને ત્યાં બોલાવવા એવું બધું બહું ગમે.શકય હોય ત્યાં કોઇને મદદરૂપ થવું કેટલું સારું લાગે. એકબીજાની નિકટ આવીએ તો તહેવાર સાથે ઉજવવાની કેવી મજા આવે. તેણે સાસુને વાત કરી..

‘ મમ્મી, આ રવિવારે આપણે બધાને આપણે ઘેર જમવા બોલાવીએ તો ? કેમ , કંઇ છે આ રવિવારે ? ‘સાસુએ નવાઇથી પૂછયું. ’ના, મમ્મી, હોય તો શું ? પણ એ બહાને બધાને મળાશે…મજા આવશે.’ કોણ કરશે આટલા બધાનું ? મારામાં હવે બધું કરવાની હોંશ કે શક્તિ કંઇ નથી. ’મમ્મી એની ચિંતા ન કરો..એ બધી મારી જવાબદારી..મમ્મી,મને તો બહું મજા આવશે.આપણે તો કેટલા બધા સગાઓ છે..મારે પિયરમાં તો બહું નાનું કુટુંબ છે..એટલે શું થાય ? અનેરીને જે કરવું હોય તે કરે..મારે કયાં કંઇ કરવું છે ? એમ વિચારી સાસુએ હા પાડી. અનેરીએ ઉત્સાહથી આગ્રહ કરીને બધાને રવિવારે ઘેર જમવા બોલાવ્યા. અનેરીના આગ્રહને લીધે કોઇએ ના ન પાડી. અનેરીએ સરસ મજાનું મેનુ બનાવ્યું હતું. બધાને ખૂબ મજા આવી. બાળકો માટે તેણે થોડી ગેઇમ પણ રાખી હતી. આખો દિવસ બધાએ સાથે મળીને ખૂબ ધમાલ કરી. ઘણાં સમય બાદ બધા એકઠા થયા હતા..તેથી ભાઇઓ, ભાભીઓ બધા વચ્ચે વાતોના વણખૂટયા વડા થતા રહ્યા. સાંજે બધા સાથે બાજુના પાર્કમાં ફરવા ગયા. અનેરીએ કેટલા કાર્યક્રમો ગોઠવી કાઢયા હતા. આખો દિવસ હસી મજાક, મસ્તીમાં કયાં પસાર થઇ ગયો કોઇને ખબર ન પડી.

જતા જતા બીજા ભાઇએ તુરત કહ્યું..મજા આવી ગઇ..હવે આવતે રવિવારે મારે ત્યાં બધા મળીએ… અને પછી તો આ સિલસિલો ચાલુ થયો. બધા કંઇક અલગ કાર્યક્રમ બનાવવા લાગ્યા..જેને જયારે અનુકૂળ હોય ત્યારે એકબીજાને ઘેર જતા આવતા થયા. વચ્ચે એક ભાભી બીમાર પડયા ત્યારે અનેરીએ તેના ઘરની બધી જવાબદારી હોંશે હોંશે ઉપાડી લીધી.
મમ્મી, આપણે બીમારની સેવા કરવા માટે કયાંય બહાર તો નથી જઇ શકતા…ઘર આંગણે તો સેવા કરી શકીએ ને ? અને કરેલું કદી નકામું જાય ખરું ? ધીમે ધીમે બધા વચ્ચે એક આત્મીયતા સ્થપાતી ગઇ. બધા તહેવાર સાથે મળીને ઉજવાવા લાગ્યા.

આજે તો અનેરીને ત્યાં બે સંતાન છે. બધાના ઘરમાં બાળકો છે..બધા બાળકો વચ્ચે નાનપણથી જ આત્મીયતા કેળવાઇ છે..આ પણ આપણા ભાઇ બહેન છે એવી સભાનતા આવી છે. અને બાળકોને તો એકબીજાને ત્યાં રહેવા જવાને એવી તો મજા આવે છે. જુદા રહે છે છતાં સાથે છે. એક સાવ નાનકડી શરૂઆતે સગાઓને નજીક લાવી દીધા..પોતાનાપણાની ભાવના ઉજાગર થતી રહી…

આજે નાના કુટુંબને લીધે મામા, માસી, કાકા, ફૈબા જેવા શબ્દ નવી પેઢી માટે અદ્રશ્ય થતા જાય છે..આ સંબંધો એનું સ્થાન ગુમાવતા જાય છે..આત્મીયતા અદ્રશ્ય થતી જાય છે..ત્યારે આવી કોઇ શરૂઆત આવકાર્ય ન ગણાય ? પોતાનું કોઇ છે..આ મારી બહેન છે કે આ મારો ભાઇ છે..એ ભાવના સુંદર નથી ?

આ વ્યસ્ત જીવનમાં અને એકધારા જીવનમાં વચ્ચે વચ્ચે બધા પરિવર્તન અચૂક ઝંખતા હોય ત્યારે કુટુંબમાં જ જો આવા સંબન્ધો કેળવાઇ શકે..મન થોડું મોટું રાખી શકાય…થોડો…સાવ થોડો સ્વાર્થ ઓછો કરી શકાય તો પરિણામ સુંદર આવવાની સો ટકા ખાત્રી.. જીવનમાં ખરેખર મજા આવશે..એક અખતરો કરી જોશો ? નુકશાન નહીં જવાની ખાત્રી તાંબાના પતરે..

અને સંબંધોના કેવા સરસ મજાના સેતુઓ રચાઇ શકે….

( સ્ત્રીમાં પ્રકાશિત થતી કોલમ )

શીર્ષક પંક્તિ..નીતિન વડગામા..

4 thoughts on “સંબંધસેતુ..

 1. પિંગબેક: સંબંધસેતુ.. | indiarrs.net Featured blogs from INDIA.

 2. ગઈકાલે જ એક આવો અનુભવ થયો. અમેરિકામાં તો બાજુના ઘરમાં કોણ રહે છે તે જાણવાની કોઇને પડી હોતી નથી એવામાં આવી અનેરીએ શરૂ કરેલા સંબંધ જેવી શરૂઆત અમારા ઘર અને સાવ નજીક્માં રહેતા એક પરિવાર સાથે થઈ અને ખરેખર તમારી તાંબાના પતરે લખેલી વાત અતિ સ્નેહાળ રીતે સાવ સાચી પુરવાર થઈ.
  સંબંધનો એક સરસ મઝાનો સેતુ બંધાયો.

  Like

 3. બહુ જ સરસ વાત. સમુહમાં ભળવાથી બાળકોમાં પહેલેથી જ કેટલાક ગુણો ખીલે છે. લોકો સાથે કામ પાડવાની કળા પણ જાણે અજાણે શીખે છે. મનના મોટાં થાય છે. પરંતુ કેટલાક પ્રસંગો સમય જતાં એની ધાર ગુમાવવા લાગ્યા. એમાં એકવિધતા અને વ્યવહારનો ભાર વધતાં ગયાં. એમાં સુધારો કરવાને બદલે આપણે એને બિલકુલ ટાળવા લાગ્યાં. સમયનું બહાનું કાઢીને આપણે પણ એક્લવાયા બનવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. પણ જ્યારે આવું કશુંક બને છે ત્યારે એની કિંમત સમજાય છે.
  વર્ષો પહેલાં અમારા સંબધીઓ વિદેશથી આવતાં ત્યારે વારેવારે એવું કહેતાં કે ત્યાં અમારી પાસે કોઈની સાથે વાત કરવાનો પણ સમય હોતો નથી. આજે એ જ લોકોને અમે પણ્ ગૌરવથી કહી શકીએ છીએ કે: અહીંયાણા અમારી પાસે પણ સમય નથી!!!!
  અમેરિકાની વાત અલગ છે. પણ આપણા દેશમાં પણ આપણે એ પરિસ્થિતિ તરફ ગતિ કરી રહ્યાં છીએ. એકવખત એકલવાયા બન્યા પછી સમુહમાં ભળવાનું જરા આકરું લાગે ખરું પણ લાભ લેવા જેવો ખરો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s