ચપટી ઉજાસ..41

માલામાસી સાથે…

હવે તો મને કેટલી બધી સમજ પડતી જાય છે. ફૈબા મને ઘણી વાર્તા કહે છે. ચકી,ચકાની વાર્તા તો મને બહું ગમે છે. મેં એ વાર્તા ઘણીવાર સાંભળી છે. વારંવાર એ જ વાર્તા કરવાનું કહું એટલે ફૈબાએ હમણાં તો મારું નામ જ ચકીબેન પાડી દીધું છે.

ફૈબા ગમે તે કહે મને ખરાબ નથી લાગતું. મને ખબર છે ફૈબા મને પ્રેમ પણ એટલો જ કરે છે. તેથી કયારેક એ ભૂલથી પણ ખીજાય કે કોઇ વાતની ના પાડે તો પણ હું વારે વારે એમની પાસે જ દોડી જાઉં છું. કોણ કોણ મને પ્રેમ કરે છે અને કોણ નથી કરતું..કોને હું ગમું છું અને કોને નથી ગમતી..એની સમજણ તો મને તુરત પડી જ જાય. ઘરમાં કોઇ બહારનું આવે અને મને ખોટે ખોટે..બોલાવે..બધાને સારું લગાડવા માટે..તો એની પણ મને સમજ પડી જ જાય. પછી હું એની પાસે ફરકું જ નહીં ને ? ત્યારે બધા કહે.. જૂઇ શરમાળ છે..’ પણ સાચી વાતની તો મને જ ખબર હોય છે. પણ કહેવું કેમ ?

જે સમજાય તે પણ કહી ન શકાય એવું મોટાઓને પણ કયારેય થતું હશે ખરું ?

આજે સવારે હું માલા માસીને ઘેર ગઇ હતી. એ માસીને હું બહું વહાલી છું એની મને ખબર છે. માસી મને પણ બહું જ ગમે. તેમના ઘરમાં હું કંઇ તોફાન કરું તો યે બિન્દાસ.. દાદીમાની જેમ મને તોફાની, કજિયાળી કે એવું કંઇ ન કહે. કેવી મીઠી દીકરી છે મારી..’ હું એને વહાલ કરું ત્યારે તો એ કેવા યે ખુશ થઇ જાય. હા, માસા ઘણીવાર તેમને કહે, પારકા છોકરા પર બહું માયા રાખવી સારી નહીં. કયારેક દુ:ખી થવાનો વારો આવે.

‘ પણ આ છોકરી મને પારકી લાગતી જ નથી એનું શું ?
તારા લાગવા..ન લાગવાથી કંઇ હકીકત નથી બદલાવાની.

મને કયારેક થાય છે..આપણે આના જેવી કોઇ છોકરી અનાથાશ્રમમાંથી દત્તક ન લઇ શકીએ ? આપણને જાણ છે કે આપણે આમ માબાપ બની શકીએ તેમ નથી તો….’

મને વહાલ કરતા માસી ગળગળા બની ગયા. માસા થોડી વાર મૌન રહ્યા. માસીએ એ જ સવાલ ફરીથી દોહરાવ્યો. હું તો માલામાસીના ખોળામાં બેઠી બેઠી ટી.વી.માં કાર્ટુન જોવામાં મશગૂલ હતી. તેમાં નાનકડી બિલ્લીને દોડતી જોઇ મને મજા આવી જતી.
માસીની વાતો પણ વચ્ચે વચ્ચે સાંભળતી હતી. પરંતુ કશું ન સમજાવાથી ફરી પાછી ટી.વી.માં કાર્ટૂન જોવામાં મશગૂલ બની જતી.

માસા કહે,’ પારકાના છોકરાને પોતાનું કરવું ધારીએ છીએ તેટલું સહેલું નથી. ‘ એકવાર આપણે કાયદેસર દત્તક લઇએ પછી એ પારકું કયાંથી રહે ?
એનામાં કોનું લોહી હોય ? કોઇના પાપનું ફળ હોય એવાને ઘરમાં લાવીને કાયમની ઉપાધિ શા માટે વહોરવી ? એના કરતાં આપણે જેમ છીએ..એમ શું ખોટા છીએ ? તમે સ્ત્રીના મનની ભાવનાને નહીં સમજી શકો.

પણ પાછી તારી જીદ કંઇ ઓછી છે ? મેં તને આ પહેલાં પણ કહ્યું હતું કે દત્તક જ જો લેવાનો હોય તો છોકરી શા માટે લેવી ? છોકરો જ લેવાય ને ?

ના.ના મારે તો આ જૂઇ જેવી છોકરી જ જોઇએ. દીકરો હોય તો મોટા થઇએ ત્યારે કામ લાગે. ’ મારે એવી કોઇ ગણતરીથી કંઇ નથી કરવું. અને કોણે ખાત્રી આપી છે કે આ જમાનામાં દીકરો કામ લાગવાનો જ ? ‘

’ માલા, એ બધી દલીલો આપણે ઘણીવાર કરી ચૂકયા છીએ. સો વાતની એક વાત..દત્તક લેવો જ હોય તો દીકરો જ આવશે. અને નહીંતર એવી કોઇ જરૂર નથી. ‘

માસા ગુસ્સે થઇને બહાર નીકળી ગયા.

માસી ભીની આંખે ચૂપચાપ બેસી રહ્યા.

હું ટી.વી. જોવાનું પડતું મૂકીને દોડીને માસીના ખોળામાં જઇને ભરાઇ ગઇ. માસીએ મને વહાલથી ઉંચકી લીધી.હું માસીનો હાથ ખેંચી તેને રસોડામાં લઇ ગઇ. આજે માસીએ રોજની જેમ હજુ મને વાટકીમાં કશું આપ્યું નહોતું એ કેમ ચાલે ?

માસીને ન ગમતી કોઇ વાત માસાએ કરી હતી એટલું મને સમજાઇ ચૂકયું હતું. માસીએ મારા હાથમાં તલની ચીકી મૂકી. તેમને ખબર હતી કે મને તે બહું ભાવે છે. મેં તેમાંથી એક ટુકડો પરાણે માસીના મોઢામાં મૂકયો.” હબૂક..”

હું ને માસી બંને હસી પડયા. માસી હસ્યા એ મને બહું જ ગમ્યું.

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

6 thoughts on “ચપટી ઉજાસ..41

 1. કહેવાય છે કે માણસ ગમે એટલો મોટો થઈ જાય પણ એના હ્રદયના એક ખૂણામાં ક્યાંક એનું બાળપણ સંતાઈને (કે ધરબાઈને..!)બેઠું હોય છે.
  બાળકોની સંવેદનાને વાચા આપીને અભિવ્યક્ત કરતી કલમમાંથી શબ્દદેહે વહેતી બાળકોના મનની વાત એટલે જ કદાચ આટલી સહજતાથી કહી પણ શકાતી હશે અને સમજી પણ શકાતી હશે…!
  સુંદર વાત લાવ્યા છો નિલમબેન,
  -ગમ્યું.

  Like

 2. પિંગબેક: ચપટી ઉજાસ..41 | indiarrs.net Featured blogs from INDIA.

 3. નાનબાળકોની પરખશક્તિ ખરેખર દાદ માંગીલે તેવી હોય છે! જૂઈ બેન તોય હજી ચૂપ રહે છે. પરંતુ હવે હાજરજવાબી બાળકો પણ એમ કહેતા સાંભળ્યા છે કે..”છોટા બચ્ચા સમજકે મુઝકો ના સમજાના રે..”
  ઉષા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s