સહિયારી યાત્રા..25

સ્ત્રીઓની સરખામણીએ પત્નીપીડિત પુરૂષોની સંખ્યા બની શકે ઓછી હશે…પરંતુ સાવ નથી જ હોતી એવું પણ નથી જ. અનેક પુરૂષો ઝગડાના ડરથી..રોજરોજના કંકાસથી દૂર રહેવા માટે પત્નીની અણગમતી કે અયોગ્ય વાત પણ ચલાવી લેતા હોય છે. તો કયારેક સ્ત્રીની ધમકીથી..જેમાં મોટે ભાગે મરી જવાની કે પિયર ચાલી જવાની વાત જ મુખ્ય હોય છે. ત્યારે પણ પુરૂષ નમતું જોખી દેતો હોય છે. અને તેથી પત્ની માથાભારે થતી જાય છે. એવું ઘણી જગ્યાએ બનતું જોવા મળે જ છે. દરેક સમયે સ્ત્રી જ સાચી હોય એવું કેમ બની શકે ? પુરૂષોને પણ અનેક ફરિયાદ સ્ત્રી સામે હોય જ છે.અને તે બધી જ ખોટી હોય છે..એમ આપણે કહી શકીએ તેમ નથી જ.

નોકરી કરતી સ્ત્રીનો આ પ્રશ્ન આજે ઘર ઘર કી કહાની જેવો સામાન્ય બની ગયો છે.

સ્ત્રીઓએ વ્હોરી લીધેલા આ વધારાના બોજાની અસર તેના સંસાર પર પડતી અચૂક જોવા મળે છે. સ્ત્રી તરીકે પોતાને શું જોઇએ છે ? એ સ્ત્રીએ પોતે જ નક્કી કરી લેવું રહ્યું.
સમાજ ગમે તેટલો સુધરે..આગળ આવે પરંતુ ઘરની જવાબદારી મહદ અંશે સ્ત્રીની જ રહેવાની…અને એમાં કશું ખોટું છે એમ પણ નહીં જ કહી શકાય. એ સત્ય કોઇ પણ યુગ..કોઇ પણ સમય માટે સાચું જ હોવાનું. એમાં એ ઘરના સભ્યોના સહકારની અપેક્ષા રાખી શકે..પરંતુ એક સ્ત્રી તરીકેની એની જવાબદારીમાંથી એ સદંતર રીતે તો કેમ છટકી શકે ? તો તો સંસારનો રથ આગળ ચાલી જ ન શકે.જેમ સદીઓથી કમાવાની મુખ્ય જવાબદારી પુરૂષની છે અને આજે પણ એની જ રહી છે. તો ઘર ચલાવવાની એની મુખ્ય જવાબદારીમાંથી સ્ત્રી છટકી કેમ શકે ? નોકરી કરવી કે ન કરવી એનો એની પાસે વિકલ્પ છે. કમાવું કે ન કમાવું એનો પુરૂષ પાસે કોઇ વિકલ્પ નથી. નારીવાદને નામે પુરૂષને અન્યાય તો નહીં જ કરી શકાય. હા..ઘણી વખત નોકરી કરવી એ સંજોગોને લીધે સ્ત્રીની ફરજ બની જાય છે. અને જેમ કમાવાની ફરજમાં એ પુરૂષને સાથ આપે છે તો ઘરના કામમાં..જવાબદારીમાં પુરૂષે પણ એને સાથ આપવો જ રહ્યો..એ તો સામાન્ય ગણિતની વાત છે. એમાં કોઇ પ્રશ્ન..કોઇ અહમ શા માટે નડવો જોઇએ ?

ભણેલી સ્ત્રી નોકરી ન કરે તો એને પોતાનું ભણતર નકામું ગયું હોય એવું લાગે છે. પણ મને એક પ્રશ્ન થાય છે.. સાચું ભણતર કદી નકામું જાય ખરું ? ખરેખર ભણતરને કામે લગાડવું હોય તો તેના બીજા અનેક રસ્તા, અનેક વિકલ્પો પણ છે જ. તેના માટે નોકરીની લાઇનમાં જ ઉભા રહેવું જરૂરી છે ? પ્રમોશન માટે મથતા રહેવું એ એકમાત્ર ઉપાય છે ? શાંતિથી વિચારીએ તો થાય છે કે શિક્ષણનો ફકત એ એક જ ઉપયોગ છે ? એ એક જ રસ્તો છે ?
હા, આર્થિક જરૂરિયાત હોય ત્યારે એ જ એક માત્ર રસ્તો ખરો..પરંતુ સાચી આર્થિક જરૂરિયાત કોને કહેવી ? એની કોઇ લિમિટ ખરી ? બાળકોને પૈસા..સગવડ ..સાધન આપવા વધારે જરૂરી કે પછી સંસ્કાર, સમજણ, સમય, સ્નેહ વધારે જરૂરી ?

સાચું શિક્ષણ તો જીવવાની સજ્જતા આપે..તમે ભણેલા હો તો વધુ સમજદાર બની શકો.. સમાજને બીજી અનેક રીતે કામ આવી શકો. તમારા બાળકોને કામ આવી શકો. તમે ભણેલ હો તો તમારા બાળકને જાતે કેમ ન ભણાવી શકો ? આજે શિક્ષિત વ્યક્તિના સંતાન માટે પણ ટયુશન સિવાય કોઇ વિકલ્પ નથી. અને પછી ટયુશનમાં સરખું ભણાવતા નથી એની ફરિયાદ,અસંતોષ વ્યક્ત થતાં રહે છે. શિક્ષણને ઉજાળવાના બીજા પણ અનેક રસ્તા..અનેક ઉપાયો છે.જેમાં પૈસા મળે કે ન મળે..પરંતુ અન્યને મદદરૂપ બની શકયાનો સંતોષ, સાચો આનંદ તો જરૂર મળવાનો જ. બીજાને ખુશી આપનાર પોતે કયારેય એનાથી વંચિત રહેતો જ નથી. પૈસાથી ઘણું મળે છે..એની ના નહીં..એ જરૂરી છે એની પણ ના નહીં. પરંતુ પૈસાથી ખુશી મળશે જ એની કોઇ ખાત્રી નથી મળી શકતી. અને આખરે તો માનવીને ખુશી..આનંદ જ જોઇએ છે ને ?

રખે માનતી કે આ કોઇ ફિલોસોફીની મોટી મોટી વાતો છે. અનેક વ્યક્તિઓએ આ સાબિત કરી બતાવ્યું છે.

જોકે અંતે સૌએ પોતાનો રસ્તો જાતે જ પસંદ કરવો રહ્યો. કોઇ આંગળી ચીંધી શકે એટલું જ થઇ શકે.. દરેક રસ્તા પર કંઇક ગુમાવવાનું છે..કંઇક મેળવવાનું છે…શું મેળવવું અને શું ગુમાવવું એની સભાનતા માનવીએ જાતે જ કેળવવી રહી.

ઘરકામ નીચું અને બહારનું કામ ઉંચુ..તો જ ભણતર વસૂલ કહેવાય ? કમનસીબે આજે આપણે સૌ એ જ માન્યતામાં રાચી રહ્યા છીએ. સાચું શિક્ષણ પોતાના કે ઘણીવાર અન્યના સંતાનમાં ફૂલરૂપે મહેકી શકે. અને એને લીધે એક સ્વસ્થ, તન્દુરસ્ત સમાજના નિર્માણમાં સ્ત્રી પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે.એ માટે અલગ દ્રષ્ટિ કેળવવી રહી. સમાજનો દ્રષ્ટિકોણ બદલવો રહ્યો.

( સહિયારી યાત્રા..25નો અંશ )

4 thoughts on “સહિયારી યાત્રા..25

  1. સાચી વાત છે નિલમબેન, શિક્ષણ માત્ર નોકરી માટે નથી હોતું, શિક્ષણ તો જીવન ઘડતર માટે હોય છે. શિક્ષિત વ્યક્તિ ધારે તો કેટલાં ય નાં જીવન ઊજાળી શકે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s