સહિયારી યાત્રા..24

એક ઘરની શોધમાં….

“ ઘરની શોધ લઈ જાય છે નારીને

અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…

સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને

સમાઈ જવું પડે છે ધરતીમાં.

અશ્રુને વળી, ઘર કેવું ?

પૂ. મમ્મી,

નિર્મિશ ઠાકરની આ પંક્તિ હમણાં વાંચી. મારી એક બહેનપણી રીની સાથે કંઇક વાત થતી હતી ત્યારે તે કહે કે એ જમાના ગયા. આજે મારો વર મને ઘરમાંથી ચાલ્યા જવાનું કહે ને તો એને જ ભારે પડી જાય. મેં કહ્યું કંઇ બધા તારા જેવા જબરા ન હોય ને ? તો કહે કેમ ન હોય ? થવું જોઇએ..આ જમાનામાં તો જબરાની પાંચશેરી જ ભારે હોય છે. સ્ત્રીને કોઇ બિચારી..દયાપાત્ર કેમ કહી જાય ? આપણે કંઇ સ્વતંત્રતાની કંઇ ભીખ નથી માગવાની..આપણો અધિકાર છે. કોઇ ન આપે તો છિનવી લેતા પણ આવડવો જોઇએ.

આમ પણ કોલેજમાં યે તે બહું બિન્દાસ ગણાતી. છોકરાઓ પણ તેનાથી ડરતા. તેની મમ્મી કહે.

.’ તારા વિચારો સાંભળીને કોઇ છોકરો વાહ વાહ કદાચ કરી શકે..પણ કોઇ તને ઘરમાં ઘાલવા..પત્ની બનાવવા તૈયાર ન થાય. ‘

’ અરે, હું જ એવા કોઇ આલિયા માલિયાને પતિ બનાવવા તૈયાર નથી. પુરૂષને તો ભણેલી..ને પાછી ઘરખ્ખુ..મૌન રહીને બધું સાંભળી લે..સાચી..ખોટી વાતની કોઇ ચર્ચા ન કરે એવી છોકરી જોઇએ છે..’

આવી કોઇ વાત થાય ત્યારે રીની બરાબરની ઉકળે.

મમ્મી, હમણાં કોઇ મેગેઝિનમાં વાંચવામાં આવેલ..વાત સાચી છે કે ખોટી તે ખબર નથી. કદાચ તમને જાણ હોય એવું પણ બને.

અત્યારે આપણે ત્યાં સરઘસ કે આંદોલન એ કોઇ નવી વાત નથી. ગાંધીચીંધ્યા માર્ગનો આપણે કેવો દુરુપયોગ કરીએ છીએ એ કોઇથી અજાણ્યું નથી.

થોડાં વરસો પહેલાં અમદાવાદમાં એક વિશિષ્ટ સરઘસ નીકળ્યું હતું.પત્નીપીડિત પુરૂષોનું. સૌ સરઘસિયા ગભરાતાં ટાઉનહોલ પહોંચીને સભાના રૂપમાં ફેરવાઇ ગયાં. ત્યાં સૌએ ડરતાં ડરતાં દેખાવો કર્યા, ધીમા અવાજે નારાઓ લગાવ્યા. આ સરઘસમાં બધા પુરુષો જ હતા, માત્ર પુરુષો હતા એટલું જ નહીં પરંતુ તમામ પત્નીપીડિત પુરુષો હતા, અને સૌને અંદરથી ગભરાટ એ વાતનો હતો કે તેમણે પત્નીના વિરોધમાં સરઘસ કાઢયું હતું ! આ સમાચાર સાચા છે કે ખોટા તેની મને તો જાણ નથી. પરંતુ આવું પણ સમાજમાં બને જ છે એનો ઇન્કાર કરી શકાય તેમ નથી. અલબત્ત એનું પ્રમાણ અત્યારે ઓછું છે. પરંતુ હવે પછીના સમયમાં શું થશે તેની જાણ નથી.

તો ચીનમાં પત્નીગ્રસ્ત પતિદેવોએ એક દિવસ સમૂહમાં હિંમત કરી. પત્નીઓનાં વિરોધમાં સભા ભરી. એમાં કોઇ સમાચાર લાવ્યું કે આપણાં સૌની પત્નીઓ હાથમાં અહિંસક હથિયારો સાથે સમૂહમાં પધારી રહી છે. ટૂંકા પગ, ચીબા નાક અને ઝીણી આંખોવાળી પીળાશ પડતી પત્નીઓની એન્ટ્રી થાય તે પહેલાં તમામ નમાલા નરબંકાઓ ભાગવા માંડયા, પરંતુ પામર પતિઓનો પ્રમુખ પોતાની ખુરશીમાં જેમનો તેમ બેસી રહ્યો, એની હિંમત જૉઇને એક ત્રાહિત માણસે પ્રમુખની પીઠ થાબડી ત્યારે ખબર પડી કે પ્રમુખ બિચારો બીકનો માર્યો બેભાન થઇ ગયો છે.

જોકે આ જોક છે કે સાચી વાત છે તેની જાણ નથી.

કળિયુગની તમામ મહિલાઓ માથાભારે હોતી નથી તથા જૂના જમાનાની તમામ સ્ત્રીઓ સીતા કે દ્રોપદી જેટલી દુ:ખી પણ નહોતી, જે રીતે વીણાનો તાર વધારે ઢીલો હોય તો સંગીત સર્જાતું નથી અને ખૂબ જ તંગ હોય તો પણ તૂટી જવાથી સંગીત સર્જાતું નથી, એમ પુરુષ સ્ત્રીને પીડે તો પણ દામ્પત્યજીવનની વીણા વાગતી નથી અને સ્ત્રી પુરુષને પીડે તો પણ સંસારનું સંગીત સર્જાતું નથી, માટે નર અને નારી બંને એકબીજાની જરૂરિયાત સમજી, એકમેકના અસ્તિત્વનો આદર કરે એકમેકના પૂરક બની રહે તો આવા કોઇ પ્રશ્નો ન સર્જાય.

મમ્મી, તમને જાણ છે ?અમદાવાદમાં આવું કોઇ સરઘસ નીકળ્યું હોવાની ? એમાં તો લખેલું છે કે આ સત્ય ઘટના છે.

આટલું ભણ્યા પછી નોકરી છોડવી ગમતી નથી. કેરીયર ..બહારની દુનિયા તેને આકર્ષે છે. કશુંક કર્યાનો સંતોષ મળે છે. ઘરકૂકડી થઇને બેસી રહેવા માટે કે ખાલી ચૂલો ફૂંકવા માટે આટલું થોડી ભણી છે ? તો તો ખાલી સામાન્ય ગ્રેજયુએટ થઇને જ ન બેસી જાત ? અને ઘર અને નોકરી બંને સાથે સાચવવા આકરા પડે છે. કયારેક ઓફિસમાં મોડું પણ થાય છે ત્યારે ઘેર જઇને રસોઇ બનાવવાની છે એવું નથી કહી શકાતું. અને ઘેર મોડી જાય છે ત્યારે…..

તમારા પત્રમાં વરનું દાન કરવાની વાત વાંચી. પુત્રદાન શબ્દ પહેલીવાર સાંભળ્યો. હકીકતે આજ સુધી આવો વિચાર તો કયારેય આવ્યો નથી. માતા પુત્ર ઉપરનો અધિકાર રાતોરાત છોડી ન શકે. એક માને પુત્રના કેન્દ્રમાંથી ખસવા માટે થોડો સમય મળવો જોઇએ તેથી વહુએ થોડી ધીરજ રાખવી જોઇએ..એ વાત પણ સાચી. પરંતુ બની શકે કે વહુને પણ શરૂઆતમાં જ પતિની હાજરીની જરૂર વધારે પડતી હોય. નવા વાતાવરણમાં શરૂઆતમાં તો પતિ એક જ પોતાનો છે એવું એને લાગતું હોય. તેથી પતિ પર પોતાનો અધિકાર સાબિત કરવા એ ઉતાવળી બની રહેતી હોય. એ નાજુક સમયે એ બીજા કોઇનો વિચાર ન કરી શકે એવું બનવું સ્વાભાવિક નથી ?

નવી જગ્યાએ રોપાવાના સમયે જ છોડને વધારે માવજતની જરૂર હોય ને ? એકવાર ઉછરી ગયા પછી એને પણ એવી બહું જરૂર ન પડે. તેથી તમે કહ્યું છે તેમ શરૂઆતનો સમય જ સૌથી વધારે અગત્યનો છે. કેમકે બંને માટે એ સંક્રાંતિકાળ છે. એ સચવાઇ જવો રહ્યો.અને એ સાચવી લેવાની ફરજ કોની ? એ સવાલ મુદ્દાનો કહેવાય કે નહીં ? કદાચ બંનેની..જ નહીં..ઘરના બધા સભ્યોની.સાસુ, વહુની તો ખરી જ..પણ પતિ, સસરા કે ઘરમાં બીજા જે પણ સભ્ય હોય તે બધાનો વત્તે ઓછે અંશે સહકાર મળી રહે તો એ કંઇ બહું અઘરું ન બની રહે. અઘરું તો ત્યારે બની રહે જયારે બધા સામસામે મોરચા માંડીને બેઠા હોય..કે બધા લડી લેવાના મૂડમાં હોય કે પછી બધા ફકત અધિકારની જ વાતો કરતા હોય. બાકી એક જ કુટુંબમાં જયાં સૌ પોતાના જ હોય ત્યાં વળી અધિકારની લડાઇ કેવી ?

જે ઘરમાં વરસો સુધી કોઇ પ્રશ્નો ન આવ્યા હોય..અધિકારનો કોઇ સવાલ ન ઉઠયો હોય..ત્યાં એક વ્યક્તિના આવવાથી આટલો બધો ફરક કેમ પડી જાય ? કોઇ પારકી વ્યક્તિ ઘરમાં આવી છે એવું લાગે છે ? એકહથ્થુ સત્તા છિનવાઇ જવાનો ભય જાગે છે ? વહુ આવે એટલે બધા તુરત પોતપોતાની અપેક્ષાઓના પોટલા ખોલવામાં લાગી જાય ત્યારે પ્રશ્નો આવવાના જ. જેમ સાસુને છોડવા માટે થોડો સમય જોઇએ તેમ વહુને અપનાવવા માટે પણ થોડો સમય જોઇએ જ ને ?

કયાંક વાંચેલી એક પંક્તિ યાદ આવે છે.

“ Man ! Stop loosing game you cant win
Join hands with her & achieve win –win “

સ્ત્રીને સાથે રાખીને જ સંસાર જીતી શકાય ને ? પછી એ સાસુ સ્વરૂપે હોય કે વહુ સ્વરૂપે કે કોઇ પણ સ્વરૂપે..પરંતુ એની સામે થઇને તો આગળ નહીં જ વધી શકાય એ સત્યનો સ્વીકાર આજના જમાનામાં બધાએ કરવો જોઇએ એવું નથી લાગતું ?

વહુપીડિત સાસુઓના ફોરમ વિશે વાંચ્યું. આ જમાનામાં અશકય તો કયાં કશું રહ્યું છે ? વહુઓનો વાંક પણ હોય જ છે. એનો ઇન્કાર તો કેમ કરી શકાય ? મેં પણ મારી આસપાસ આવા પ્રસંગો જોયા જ છે. વૃધ્ધાશ્રમોની વધતી જતી જરૂરિયાત એ આજના સમાજની વરવી વાસ્તવિકતા છે. શિક્ષિત છોકરી એમાં કારણભૂત બને કરે ત્યારે એના શિક્ષણ, સંસ્કાર અંગે જ મને તો શંકા જાગે. સાસુ, સસરાને ઘરડાઘરમાં મૂકતી વખતે તેમને વિચાર નહીં આવતો હોય કે આવતી કાલે તેમનો પુત્ર પણ તેમની આ સ્થિતિ કરે તો ? વડીલોની આંતરડી કકળાવી તેના નિસાસા લેનારને ઇશ્વર કયારેય માફ ન કરી શકે. વડીલોને વૃધ્ધાશ્રમમાં મૂકીને પછી કરોડોના દાન આપે કે આખો દિવસ ઇશ્વરભજન કરે તો પણ એની ભક્તિ ઇશ્વર કદી કબૂલ કરી શકે ખરો ? આ હદે જનાર સ્ત્રીને માફ કરી શકાય નહીં. અહીંનો બદલો અહીં જ મળે છે..કોઇ પણ સ્વરૂપે..એ ભૂલી જવા જેવું નથી જ. અને ઇશ્વરની લાઠીનો અવાજ નથી સંભળાતો. માબાપને હેરાન કરનાર જીવનમાં કયારેય સાચા અર્થમાં સુખી થઇ શકે નહીં. એ સત્ય હમેશા સત્ય જ રહેવાનું.

કારણ ગમે તે હોય પરંતુ કોઇ દીકરા, વહુને મા બાપને ઘરમાંથી કાઢી મૂકવાનો, આ હદે જવાનો કોઇ હક્ક નથી ને નથી જ.. કયાં જઇ રહ્યા છીએ આપણે ?

હકીકતે કોઇને પણ આપણાથી દુ:ખ ન પહોંચે એ જ સાચો ધર્મ..બાકી બધું ખોટું..પછી એ સાસુ, વહુ હોય કે કોઇ અજાણી વ્યક્તિ..બરાબરને મમ્મી ?

બાકી જીવનમાં ભૂલ તો કોનાથી નથી થતી ? અને કોઇ પણ ભૂલનું પ્રાયશ્વિત એટલે મારે મતે તો એ જ ભૂલનું ફરી વાર પુનરાવર્તન ન થાય માટે જાગૃત રહેવું એ જ હોઇ શકે.નવી ભૂલો કરવાની છૂટ..પરંતુ ભૂલમાંનો રીપીટેશન અલાઉડ…બરાબરને મમ્મી ? માનવી પોતે જાતે ઉભા કરેલ અનેક કેદખાનાઓમાં જીવતો રહે છે એવું નથી લાગતું ? નાતજાત, ભાષા, ધર્મ, સંપ્રદાયો, જાતજાતના આગ્રહો, માન્યતાઓ, વિચારો, વિગેરે અનેક કેદખાનાઓમાં પૂરાઇને જીવનભર એક કે બીજી ઉલઝનમાં ફસાતો રહે છે. માનવી પોતાની આંતર ચેતનાનો ઉપયોગ કરતા કયારે શીખશે ? જીવન કદી સીમિત રહેતુ નથી.એ બધી સરહદો અતિક્રમી જાય છે અને વહેતું રહે છે… ગઇ કાલે કે સાચું હતું..એ આજે ખોટું હોઇ શકે છે અને આજનું અફર લાગતું સત્ય પણ આવતી કાલે ખોટું લાગી શકે.જે માર્ગ પસાર થઇ ચૂકયો છે..તે પૂરો થયો છે.હવે તેનો બોજ ઉઠાવવાની જરૂર નથી.અતીતના કોઇ બોજને બિનજરૂરી રીતે વેંઢારવાની કોઇ આવશ્યકતા ખરી ?

કોઇ ડ્રાઇવર પાછળના અરીસામાં જોતા રહીને ગાડી આગળ ચલાવવાની ભૂલ કરે તો પરિણામ શું હોઇ શકે ? કોઇ દુર્ઘટના..અકસ્માત જ ને ? જૂનું તેના સન્દર્ભમાં સાચું હતું અને નવું તેના સન્દર્ભમાં સાચું છે. બંનેની સરખામણી હોઇ જ ન શકે.

( સહિયારી યાત્રા 24નો અંશ..)

2 thoughts on “સહિયારી યાત્રા..24

 1. માનનિય નીલમબે,
  આ લેખમાંતો તમે ઘણુ બધુ એક સાથે ચર્ચી નાખ્યું. વિચરતા કરી દીધા. ડ્રાઈવરની વાત ખાસ ગમી ગઈ.
  ‘સાજ’ મેવાડા

  Like

 2. અતીતનો બોજવાળાને ડીપ્રેશન ગણવામાં આવે છે.
  તેમજ ભવિષ્યના બોજવાળાને ધખારો કહે છે
  યાદ
  થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
  લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

  ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
  કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે
  ઉપાય છે વર્તમાનમા રહેવું

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s