સંબંધસેતુ…

<strong

” કોઇ શર્ત હોતી નહીં પ્યારમેં…”

શરતો ઉપર કયારેય જિંદગી જીવાતી નથી. જિંદગીમાં અનેક વાર ન ધારેલા વળાંકો આવતા રહે છે. જેની કયારેય કલ્પના સુધ્ધાં ન આવી હોય તેવા પ્રસંગો જીવનમાં બનતા રહે છે. એટલે તો કહેવાયું છે કે ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. કાળના અનંત પ્રવાહમાં માનવી તો રંગમંચનું એક પાત્ર માત્ર છે. સૂત્રધારના આદેશ મુજબ તેણે પોતાનું પાત્ર ભજવવાનું છે. સારું ભજવી શકે તો વાહ વાહ જરૂર મળશે…અને નહીં ભજવી શકે તો તેના પરિણામ પણ તેણે જ ભોગવવાના રહ્યા. આજે આવી જ એક શરતની વાત કરવાની છે.

નીરાના લગ્ન નીરજ સાથે ખૂબ ધામધૂમથી થયા હતા. નીરા દેખાવે ખૂબ સુંદર હતી. તેના ઘરમાં તે એક માત્ર સંતાન હતીં. તેથી તેને હતું કે કાલે સવારે મારા માતા પિતાને કોઇ જરૂર પડે તો મારી ફરજ છે કે હું તેને મારી સાથે રાખી શકું..ભાઇ નથી તો દીકરી તરીકે મારી ફરજ છે. તેથી તેણે લગ્ન પહેલાં જ નીરજ સાથે શરત કરેલી કે ભવિષ્યમાં મારા મમ્મી પપ્પાને જરૂર પડે તો તેઓ હમેશ માટે આપણી સાથે રહેશે. અને નીરજ નીરાને ગુમાવવા નહોતો માગતો તેથી તેણે શરત કબૂલ કરી હતી.

અને નીરા સાસરે આવી. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું. ઘરમાં ખાસ કોઇ મોટા પ્રશ્નો આવ્યા નહીં. સાસુ વહુ વચ્ચે આત્મીયતાના સંબંધો બંધાયા નહીં. જોકે ખાસ એવા કોઇ વેર ઝેર કે રોજના ઝગડા પણ નહોતા. સાસુ વહુ બંને પોતપોતાની રીતે સ્વતંત્ર હતા. કયારેક નાની મોટી કચકચ થતી રહેતી અને જીવન વહેતુ રહેતું. ટૂંકમાં એક સામાન્ય કુટુંબમાં જે વાતાવરણ હોય તે જ વાતાવરણ અહીં હતું..

માનવીના જીવનમાં કયારે કેવો સમય..કેવા સંજોગો આવે છે..ભાવિના ગર્ભમાં શું છૂપાયેલું છે તે કોણ જાણી શકે ?
નીરાના પપ્પા અચાનક એક એકસીડેન્ટમાં મૃત્યુ પામ્યા. હવે નીરાની મમ્મી એકલી થઇ ગઇ. જોકે પૈસાનો ખાસ કોઇ પ્રોબ્લેમ નહોતો. પણ માનવીને પૈસા કરતાં યે હૂંફની જરૂર વધારે હોય છે. નીરાએ નીરજને પોતાની શરત યાદ દેવડાવી. અને મમ્મીને આગ્રહ કરીને પોતાને ઘેર લાવી.
નીરાની મમ્મીનો અને નીરાની સાસુનો સ્વભાવ સ્વાભાવિક રીતે જ અલગ હતો. નીરા તેની મમ્મીને ઓછું ન આવે તેવા પ્રયત્નો કરે તે સ્વાભાવિક છે. શરૂઆતમાં તો તેના સાસુ કશું બોલતા નહીં. પણ ધીમે ધીમે નીરાના વર્તનમાં ભેદભાવ દેખાવા લાગ્યો. નીરા તેની મમ્મીનું રાખે તેમાં તેના સાસુને કોઇ વાંધો નહોતો. પરંતુ પોતાના ભોગે તો નહીં જ. સાસુ સસરાની અવગણના થવા લાગી. બધી વાતમાં મમ્મીને પૂછીને જ નીરા કરતી. જોકે તેની મમ્મી સમજદાર હતી. તે નીરાના વર્તનથી સંકોચાતી અને પહેલા તેના સાસુ સસરાનું ધ્યાન રાખવા નીરાને સમજાવતી. પણ નીરાના મનમાં તો એક જ વાત હતી જેટલો હક્ક નીરજના માતા પિતાનો છે તેટલો જ હક્ક મારી મમ્મીનો પણ છે. હું પણ નીરજ જેટલું જ કમાઉં છું. નીરા એ સત્ય ભૂલી ગઇ કે તેની વાત સાચી હોવા છતાં જે સમાજમાં તે રહે છે તેના અમુક સત્યો તેણે સ્વીકારવા જ રહ્યા. અને દરેક વાતમાં તે સતત સમાનતાની વાતો કર્યા કરતી. દલીલો કર્યા કરતી.પણ જીવન દલીલોથી નથી જીવાતું. અને વાતે વાતે તેની સરખામણી કરવાની આદતને લીધે એક દિવસ અંતે નીરજ કંટાળ્યો અને તેણે નીરાને કહી દીધું… તારી વાત સાચી. પણ મારા માતાપિતાને ભોગે તો તારી કોઇ વાત મને સ્વીકાર્ય નહીં જ હોય. પહેલા મારા મમ્મી પપ્પાનું પુરું માન અને ગૌરવ..સગવડ સચવાશે તો તારી બધી વાત મને કબૂલ છે. પરંતુ નીરા તો નાની નાની દરેક વાતમાં અધિકારની વાતો કરવા લાગી. નીરજ તેની મમ્મી માટે કંઇ પણ લે કે ઘરમાં કોઇ પણ વસ્તુ તેમના માટે આવે તો પોતાની મમ્મી માટે પણ એ લેવાનો આગ્રહ નીરા રાખતી. વસ્તુ માટે નીરજને કે તેની મમ્મીને આમ તો વાંધો નહોતો. પણ નીરા સરખામણી કરીને મારી મમ્મીનો પણ હક્ક છે તેમ વારેવારે કહેતી તે નીરજને કબૂલ નહોતુ. અને તેથી વિરોધ સ્વરૂપે નીરજ જાણીજોઇને પોતાના મમ્મી પપ્પા એકલા માટે જ બધું લેતો થયો અને નીરજ જે લે તે જ વસ્તુ નીરા પોતાના મમ્મી માટે લેતી રહેતી. પોતાની મમ્મીનો હક્ક છે એ સાબિત કરવાના પ્રયત્નો નીરા સતત કરતી રહી. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે સમન્વય ન સધાયો. અને વારંવાર આ જ વાતનું પુનરાવર્તન થતું રહેતું. પરિણામે ઘરમાં ઝગડા થવા લાગ્યા. નીરજ અને તેના ઘરના હવે થાકયા હતા. પોતે બધું કરવા તૈયાર હતા. પણ આ રીતે તો નહીં જ.
અને અંતે નીરાની મમ્મીને જ થયું કે આ બધું ખોટું થાય છે. અને આમ તો દીકરીનો સંસાર બગડશે તેથી તેમણે સામેથી અહીં રહેવાની ના પાડી અને નીરાની લાખ મનાઇ છતાં પોતાના જૂના ઘરમાં રહેવા ચાલ્યા ગયા. નીરજે પણ રોકાવાનું તો કહ્યું જ. તેને તેમની સામે કોઇ વાંધો નહોતો. પણ તેની મમ્મી સદનશીબે દીકરીનો દોષ જોઇ શકતા હતા. અને અનેક અનુભવોમાંથી પસાર થઇ ચૂકયા હતા. તેથી તેમણે સમજદારીથી કામ લીધું. પણ નીરાના મનમાં હમેશ માટે એક ખટકો રહી ગયો કે પોતે પોતાની મમ્મીને સાથ આપી શકી નહીં. અને તેની અને નીરજ વચ્ચે એક અંતર સદાને માટે થઇ ગયું. વધુ પડતા અધિકારની વાતોથી નીરાએ અંતે બધું ગુમાવ્યું.

આવી જ વાત અવનીની છે.તેની પરિસ્થિતિ પણ નીરા જેવી જ હતી. એકની એક દીકરી હોવાથી સ્વાભાવિક રીતે જ તેને પોતાના મમ્મી પપ્પાની ચિંતા રહેતી. પણ તે સમજદાર હતી. તેણે લાંબો વિચાર કરીને પોતાના સાસુ સસરા સાથે એવો તો આત્મીયતાનો સંબંધ કેળવી લીધેલો કે સાસુ સસરા તેને સગી દીકરી જ ગણતા. અને તેનો પતિ અરમાન પણ ખુશ હતો. અવની પોતાનાથી પણ વધારે ધ્યાન મમ્મી પપ્પાનું રાખે છે એ વાતે તે ખુશખુશાલ હતો.અને તેથી તેના મનમાં પણ અવની માટે ઉંચુ સ્થાન હતું. અને અવની આ બધું કોઇ દેખાવ કે દંભ માટે નહોતી કરતી. પણ દિલની પૂરી સચ્ચાઇથી તે કરતી. અને અંતરની સાચી વાતનો પડઘો પડયા સિવાય રહી શકતો નથી. તેના સાસુ સસરાને પણ અવની માટે પોતાની દીકરી જેવી જ લાગણી પ્રગટી શકી હતી. અવનીએ તેમને પોતાના સ્નેહથી જીતી લીધા હતા.
અને તેથી અવનીને જયારે એવા સંજોગો આવ્યા અને તેને પણ એકલી થઇ ગયેલ પોતાની મમ્મીને સાથે રાખવા પડે તેમ હતું ત્યારે તેણે ઘરમાં કોઇને કશું કહેવું જ ન પડયું. અવનીની સ્વાભાવિક ચિંતા જોઇને તેના સાસુ સામેથી જ અવનીની મમ્મીને પોતાના ઘરમાં લઇ આવ્યા અને કહ્યું કે આ તમારું પણ ઘર છે. તમે મારા જેટલાજ હક્કથી અહીં રહેશો તો અમને ગમશે. અવનીએ અમને દીકરીનો પ્રેમ આપ્યો છે. તો તે ખુશ રહે તે જોવાની અમારી પણ ફરજ છે. અને જરૂર પડયે દીકરીની પણ એટલી જ ફરજ છે. તમારી દીકરીને ઘેર તમે પૂરા સ્વમાનથી હમેશ માટે રહી શકો છો. અરમાને પણ તેમાં સાથ પૂરાવ્યો.

અને બીજે દિવસે બધા સાથે જઇને અવનીના મમ્મીને પૂરા માનથી પોતાને ઘેર લઇ આવ્યા. તેઓ જલદીથી દીકરીને ઘેર આવવા તૈયાર નહોતા તો અવનીએ કશું બોલવું સુધ્ધાં ન પડયું. તે મૌન હતી અને તેના સાસુએ જ તેમને સમજાવીને સાથે રહેવા માટે મનાવી લીધા.

આ કોઇ કાલ્પનિક વાત નથી. આ હકીકત મે નજરે જોઇ છે.અને આજે આ વાતને દસ વરસ થઇ ગયા છે. આજે પણ અવનીના મમ્મી તેની સાથે પૂરા સ્નેહ અને હક્કથી દીકરી સાથે રહે છે. અને અવની પોતાના સાસુ સસરાને આજે પણ એટલા જ કે કદાચ પહેલાથી પણ વધારે આદર અને સ્નેહ આપે છે.પોતાની મમ્મી માટે તો એને ચિંતા કરવાની રહેતી જ નથી. એ જવાબદારી આપોઆપ તેના સાસુએ પ્રેમથી ઉપાડી લીધી છે. બંનેની મમ્મી બહેનપણીઓ બની ગયા છે. અને હસી ખુશીથી આખુ કુટુંબ સાથે કિલ્લોલ કરે છે. છોકરાઓને દાદા, દાદી અને નાનીમાનો સમાન સ્નેહ મળે છે. હવે અહીં કોઇ એકલવાયું નથી..કોઇ પરાયુ નથી. દરેકે પોતાની જવાબદારી સમજી લીધી છે અને એ મુજબ ગોઠવાઇ ગયા છે. અને ખુશહાલીનું સામ્રાજય ઘરમાં છવાઇ શકયું છે. અવનીની થોડી સમજદારીથી જ આ બધું શકય બન્યું. જો તેણે પણ નીરાની જેમ અધિકારની વાતો કરી હોત તો ? સમાનતાની દલીલો ચાલુ રાખી હોત તો?

માનવી પોતાની ફરજ બરાબર બજાવે તો અધિકાર શોધવા કે માગવા નથી જવું પડતું. એ આપોઆપ મળી રહે છે. પણ એ માટે પહેલા અધિકારની નહીં ફરજની વાત કરવાની છે. તો સિક્કાની બીજી બાજુ આપોઆપ મળી રહેશે. આપણે સૌ પહેલા ફરજની વાત કરતા અને ફરજ બજાવતા શીખીશું તો હક્ક આપોઆપ આવશે અને સંબંધો સુગંધની માફક આસાનીથી જળવાઇ રહેશે. સંબંધના સેતુ પર ચાલવાનો આનંદ માણીશું ને?

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

1 thought on “સંબંધસેતુ…

  1. simple n beautiful story, carrying a good message, one can easily get the essence of the story but the question is of implementation. we hope to get such kind of beautiful informative articles n stories which helps in a good nourishment of the society

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.