નિસર્ગોપચાર..એક સ્વાનુભવ…

નિસર્ગોપચાર વિશે ઘણું વાંચેલ અને સાંભળેલ..તેથી મનમાં આછો ખ્યાલ હતો જ કે નિસર્ગોપચાર એટલે ઉપવાસ, રસાહાર, ફળાહાર કે સાદું ભોજન, માલિશ, શેક કે માટી વિગેરે દ્વારા થતો ઉપચાર…..આટલો પ્રાથમિક ખ્યાલ મારી માફક લગભગ બધાના મનમાં હોય જ એ સ્વાભાવિક છે. જોકે સાવ પ્રામાણિકપણે કહું તો મારા મનમાં એવી કોઇ ખાસ શ્રધ્ધા નહોતી. છતાં ફાયદો થાય કે નહીં..નુકશાન તો નહીં જ થાય..અને કંઇ નહીં તો એક નવો અનુભવ તો મળશે જ…અને દસ દિવસમાં બે ચાર ટકા પણ ફરક પડે તો કશું ખોટું નહીં..એવી ગણતરીથી મનમાં થોડું કૂતુહલ,થોડી શ્રધ્ધા,થોડી અશ્રધ્ધા એવા અનેક તર્ક, વિતર્ક સાથે હું બરોડા..ગોત્રીમાં અવેલ વિનોબા નેચર કયોર આશ્રમમાં દાખલ થઇ. જતાની સાથે જ શારીરિક સ્થિતિની જાણકારી માટે..રોગ વિશેની માહિતિ માટે ત્રણ, ચાર પાનાનું એક ફોર્મ ભરવાનું આવ્યું. જાણે પરીક્ષાનું પેપર હાથમાં આવ્યું. એક પછી એક પ્રશ્નો ભરતી ગઇ. બે ચાર અઘરા લાગતાં પ્રશ્નો ઓપ્શનમાં છોડી પણ દીધા..( પરંતુ માર્કસ ન કપાયા ) આપણા પોતાના શરીર વિશે આપણી પાસે કેટલી અધૂરી જાણકારી છે તેનો અહેસાસ આ પ્રશ્નપત્રે કરાવ્યો. હવે ફોર્મ હાથમાં લઇ અંદર જવાનું હતું. ત્યાં પહેલી મુલાકાત અહીંના ડોકટર કમલેશભાઇ સોલંકી સાથે થઇ.શાંત, સરળ, લગભગ પાંત્રીસની આસપાસની ઉમર…અને ચહેરા પર સતત રમતું સ્મિત..દર્દીના મનમાં થોડો વિશ્વાસ જરૂર જગાવી જાય. ભરેલું ફોર્મ કમલેશભાઇના હાથમાં આપ્યું. કમલેશભાઇ એક પછી એક પ્રશ્ન પર..હકીકતે જવાબ પર નજર નાખતા જાય અને જરૂર લાગે ત્યાં પૂછપરછ કરતા જાય.ચહેરા પરનું સ્મિત આછું કે ઘેરું થતું જાય..પણ ગેરહાજર તો ન જ થાય તેથી મનમાં જાગેલી ધરપત અકબંધ રહે.
તેમણે જરૂરી ઉપચાર સૂચવ્યા. ફોર્મમાં લખ્યા અને પછી અંદર બીજી કેબિનમાં મોકલ્યા. હવે પ્રાથમિક ડર ઓછો થઇ ગયો હતો. હાથમાં આંસરશીટ લઇ અંદર ગયા .( સાથે મારી ખાસ બહેનપણી મીનાક્ષીબહેન ચન્દારાણા હતા. જેમના સ્વાનુભવની વાત સાંભળીને જ હું અહીં આવવા પ્રેરાઇ હતી. ) અહીં બેઠા હતા…ડોકટર ભરતભાઇ..એકદમ શાંત ગંભીર મુખમુદ્રા..ધીરગંભીર ઋષિ જેવા વ્યકતિત્વનો અનુભવ થાય. કવિ શ્રી રાજેન્દ્ર શુકલની યાદ આવી ગઇ. અહીં શાંત, ગંભીર બનીને ડાહી ડાહી વાતો જ કરાય એવું પ્રથમ દર્શને લાગ્યું. તેમણે બહું સરળતાથી પ્રશ્નો પૂછયા. સૂઝયા તેવા જવાબ આપ્યા. પાસ તો થવાશે ને ? એવી આશંકા સાથે… ત્યાં ધીમેથી પ્રશ્ન આવ્યો,’ ફળાહાર પર રહી શકશો ? ‘ એવી જ શાંતિથી જવાબ આપ્યો,’ હા જી, ચોક્કસ..’ ભરતભાઇએ ફોર્મમાં જરૂરી ઉપચારો લખ્યા. પાછળથી જાણ થઇ કે શ્રી ભરતભાઇ એલોપેથીમાં જ ભણેલ છે. અને પીડીયાટ્રીશીયન છે. એમ.બી.બી. એસ. અને ડી.સી.એચ. કરેલ છે. આ જાણકારી મનને મોટી રાહત આપી ગઇ કે હાશ અહીં કોઇ ઉંટવૈદુ તો નહીં જ થાય..એલોપેથીનો કોઇ વિરોધ અહીં નથી. જરૂર લાગે ત્યાં લોહીના રીપોર્ટ, કે એમ.આર.આઇ..વિગેરે બધી તપાસ કરવામાં આવે જ છે. જોકે સામાન્ય રીતે અહીં બધેથી થાકી, હારીને મેડીકલ રીપોર્ટોની ફાઇલો સાથે લઇને જ લોકો આવતા હોય છે. તેથી એવી ખાસ જરૂર પડતી નથી. પરંતુ ગમે તે વ્યક્તિ નહીં.પરંતુ એક કવોલીફાઇડ ડોકટર બધા રીપોર્ટ ચેક કરે છે તે વાત દર્દીના મનમાં એક હાશકરો જરૂર જગાવી જાય છે.
હવે હું પ્રવેશી રૂમ નંબર બે માં. વાતાવરણ શાંત, ચોખ્ખું..સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી. જરૂરી બધી જ સગવડ રૂમમાં હતી.રૂમમાં ભક્તિસંગીતના ધીમા, મીઠા સ્વરો રેલાઇ રહ્યા હતાં. ગૂગળના ધૂપની સુવાસ પ્રસરી રહી હતી. સામે નિયમો, સૂચનો અને ટાઇમટેબલ લખેલ ચાર્ટ પર નજર નાખી.
આમ નેચર કયોર આશ્રમની દસ દિવસ માટેની હું સદસ્ય બની. હવે એક નજર અહીંની દિનચર્યા પર…. સવારે બરાબર પોણા છ વાગ્યે ઉઠવાના એલાર્મ તરીકે ધીમું સંગીત રૂમના સ્પીકરમાંથી રેલાયું. ઉઠીને ફ્રેશ થયા. ત્યાં સવા છ વાગ્યે આશ્રમનો બેલ વાગ્યો. અમારે ઉષ:પાન માટે ડાઇનીંગ હોલમાં જવાનું હતું. કોઇને ભાગે લીંબુ પાણી અને મધ હતા. કોઇને પલાળેલી મેથી અને ગરમ પાણી તો કોઇને ભાગે ખાલી ગરમ પાણી..જેવી જેની શારીરિક જરૂરિયાત. રસોડાના અનિતાબહેન જેશ્રીકૃષ્ણ કહી એક મન્દ હાસ્ય સાથે સૌને આવકારતા જાય અને પોતાની પાસે રહેલ ચાર્ટમાં જોઇ જે લખેલ હોય તે સૌને આપતા જાય. મારા ભાગમાં આવેલી પલાળેલી મેથી થોડું કટાણું મોં કરીને હું ખાઇ ગઇ. અહીં કંઇ ફરવા કે મોજમજા કરવા થોડી આવી છું ? એમ કહી મનને મક્કમ કર્યા પછી કોઇ વાન્ધો નથી આવતો.
મેથી ખાઇ લીધા પછી સાડા છ વાગ્યે યોગાસન હોલમાં પ્રવેશી.યોગની સૂકક્ષ્મ ક્રિયાઓ, પ્રાણાયામ, આસનો વિગેરે સમૂહમાં ચાલુ થયા. કસરત અને યોગ વિશેના તફાવતની સાચી સમજ નિમેશભાઇએ આપી. યોગના આસનો એ ફકત શારીરિક ક્રિયા જ નહીં..મનથી ફી
લ કરવાની..અહેસાસ કરવાની એક અનુભૂતિ છે એ ખૂબ સરસ રીતે યોગશિક્ષક શ્રી નિમેશભાઇએ સમજાવ્યું. સૂક્ષ્મ સ્તરે તેનાથી કઇ રીતે શું ફેરફાર થાય છે તે કદાચ પહેલીવાર આટલી સરસ રીતે જાણવા મળ્યું. અને પરિણામે મને હમેશા કંટાળાજનક અને વેઠ લાગતા આસનો આજે હળવાશભર્યા અનુભવાયા. અને બધી ક્રિયાઓ દિલથી થઇ. આઠ વાગ્યે ફરી બેલ થયો. અને અમે સૌ ફરીથી ડાઇનીંગ હોલમાં ગોઠવાયા. ત્યાં સરસ મજાનો ઉકાળો અમારી રાહ જોતો હતો. ગોળના ઉકાળેલ પાણીમાં આદુ, ફુદીનો અને લીલી ચાની મહેક આવતી હતી. દૂધમાં એ મીક્ષ કરીને મોટો ગ્લાસ ભરીને આપ્યો. મને તો મજા આવી ગઇ. ગરમાગરમ ઉકાળો પીને તાજગી આવી ગઇ. બરાબર નવ વાગ્યે ઉપચાર ગૃહ તરફ પ્રયાણ કર્યું. અમારો ચાર્ટ બધી જગ્યાએ અમારી પહેલાં જ પહોંચી જતો હતો. એનિમા, નગોડના પાંદડાનો શેક, તલના તેલથી આખા શરીરે અનુભવી હાથોથી સરસ માલિશ, કટિ સ્નાન, મડ બાથ, નસ્ય, અને સૌથી છેલ્લે સ્ટીમ બાથ અને પછી તુરત ઠંડા પાણીથી શાવર…. સૌની જરૂરિયાત મુજબ અલગ અલગ રીતે ઉપચાર ચાલુ હતા. 11 વાગ્યાની આસપાસ ઉપચાર ગૃહમાંથી બહાર નીકળી ત્યારે શરીમાં સ્ફૂર્તિ, તાજગી સ્પષ્ટ અનુભવાતા હતા. બોડી રીલેક્ષ એટલે શું એનો અનુભવ કદાચ જિન્દગીમાં પ્રથમ વાર થયો. ખૂબ સારું ફીલ થયું. બાર વાગ્યાની આસપાસ ડોકટર કમલેશભાઇ હાથમાં ફાઇલ લઇને પ્રવેશ્યા.અને પૂછપરછ કરી. કેવું લાગ્યું.. બીજી કોઇ જરૂરિયાત તો નથી ને ? આહાર અંગેની જાણકારી આપી. બરાબર લાગે છે કે કેમ તે પણ પૂછયું. એ જ સ્મિત સાથે. હવે તો મનમાં રહેલી પેલી શંકા અદ્રશ્ય થવા લાગી હતી. સવા બારે ફરીથી બેલ..અને અમે સીધા ડાઇનીંગ હોલમાં..કોઇને ફળ, કોઇને બાફેલો ખોરાક, કોઇ જયુસ,..તો કોઇને ખાલી ગરમ પાણી પણ હતું. બધાને બીજાને શું મળ્યું છે તે જોવામાં રસ પડતો હતો.એક બીજા સાથે થોડો પરિચય થયો. હળવા વાતાવરણ વચ્ચે મેં મારા ભાગે આવેલ ફળ..જેમાં પપૈયુ, તરબૂચ અને દ્રાક્ષ હતા..એ પૂરા કર્યા. કવોંટીટી પૂરતી હતી તેથી કોઇ તકલીફ પડે તેમ નહોતું.
જમીને રૂમમાં આવી. થોડીવાર સૂતી. મારી સાથે મારા રૂમમાં બારમા ધોરણની પરીક્ષા આપીને આવેલ આરોહી હતી. જે વજન ઉતારવા માટે આવેલ હતી. દીકરી જેવો ભાવ અનુભવાયો. સરસ મજાની હસમુખી છોકરી હતી. મને તો પરદેશમાં રહેતી મારી દીકરીની યાદ આપી ગઇ. થોડી વાર સૂતી ત્યાં બે વાગ્યે રૂમમાં જ બે માટી પટી આપી ગયા. જે અમારે પેટ અને આંખ ઉપર લગાડીને સૂવાનું હતું. સરસ મજાની ઠંડક અનુભવાઇ. મને ગાન્ધીજી યાદ આવી ગયા. બરાબર પોણા ત્રણ વાગ્યે એક બહેન રૂમમાં આવ્યા. અને પેટ અને કમર ઉપર એક ઠંડા પાણીમાં ભીંજવેલ કપડું અને તેની ઉપર ગરમ કપડું વીંટી ગયા. જેને અહીંની ભાષામાં “ લપેટ “ કહે છે. પોણૉ કલાક એ રાખીને સૂવાનું હતું. પછી ફરીથી ઉપચાર ગૃહમાં પહોંચ્યા. હવે અહીં સ્થાનિક જે ભાગમાં દુખાવો હોય ત્યાં વરાળ લેવાની હતી. કોઇને એકયુપ્રેશરની સારવાર અપાતી હતી. કોઇને શિરોધારાની સારવાર અપાતી હતી. કોઇ આખા માટીથી ઢંકાઇને ઉભા હતા. મારે ભાગે આવેલ સ્થાનિક વરાળ લીધી. હવે વારો હતો જિમમાં જવાનો. ત્યાં બધાને પોતાની શારીરિક જરૂરિયાત મુજબ શિક્ષકની મદદ સાથે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરી કસરત કરવાની હતી. મારે ફકત કમર અને ગરદનની હળવી કસરત કરવાની હતી.જે મને બતાવવામાં આવી.
ત્યારબાદ સવાચારે ફરીથી બેલ..અને ડાઇનીંગ હોલમાં જઇ દૂધીનો રસ ધીમે ધીમે પીધો. સારો લાગ્યો. એ પીને ફરીથી યોગાસન રૂમમાં…ત્યાં હવે સવારની જેમ સમૂહમાં નહીં..પરંતુ અલગ અલગ ગ્રુપમાં પોતાની જરૂરિયાત મુજબ યોગની સૂક્ષ્મ ક્રિયાઓ કરવાની હતી. જે નીચે ન બેસી શકે તેમના માટે ખુરશીની વ્યવસ્થા હતી. અડધા કલાકે એ પૂરું થયું અને બરાબર સવા છ વાગ્યે ફરીથી બેલ અને અમે આતુરતાથી ડાઇનીંગ હોલમાં.. મારે ભાગે બાફેલ સરગવાની શિંગો, ફળો અને ગરમાગરમ સૂપ હતો. સૂપ ખૂબ સરસ હતો. શાંતિથી બધાએ પોતપોતાને ભાગે આવેલ ભોજન કર્યુ.કોઇ બિચારા ચૂપચાપ બીજાની સામે જોતાં જોતાં ખાલી ગરમ પાણીનો જગ લઇ ચાલતા થયા!
હવે નિરાંતનો સમય હતો. મુલાકાતીઓને મળવાનો સમય કે બગીચામાં લીલીછમ્મ લોનમાં બેસવાનો સમય. કોઇ નિરાંતે વાતો કરતા હતા. કોઇ લોનમાં ટહેલતા હતા. તો કોઇએ બગીચાના ઝૂલા પર જમાવ્યું હતું. સૌ એકબીજાને મળી..તેમની શારીરિક તકલીફો, ઉપચારના અનુભવ અને કૌટુબિંક માહિતિની આપ લે કરી રહ્યા હતા. કોઇ બીજી ત્રીજી વાર આવેલ લોકો પાસેથી માર્ગદર્શન લઇ રહ્યા હતા. કોઇ તો અહીં ત્રણ મહિનાથી રહ્યા હતા. વ્હીલચેરમાં બેસીને આવેલ લોકો હાથમાં ફકત એક લાકડી લઇને પગે ચાલીને જાય એ વાત કોને ન આકર્ષે ? આવા અનેક અનુભવોની આપ લે થતી હતી. 7-30 વાગ્યે પ્રાર્થનાનો બેલ વાગ્યો. અલબત્ત એ ફરજિયાત નહોતી. પ્રાર્થના પછી કોઇ હોલમાં રહેલ ટી.વી. જોવામાં પ્રવૃત થયા. કોઇ ત્યાંની લાઇબ્રેરીમાંથી લાવેલ પુસ્તક જોતા હતા.કોઇ લોનમાં ચાલતા હતા. કોઇ નિરાંતે બેસીને વાતો કરી રહ્યા હતા. મને બાળકોમાં રસ હોવાથી હું ત્યાંના ઉત્સાહથી છલોછલ બાળકો સાથે વાતો કરી રહી હતી.
બરાબર દસ વાગ્યે નિદ્રાદેવીની આગોશમાં ગઇ . ઘસઘસાટ ઉંઘ..અને આશ્રમનો પહેલો દિવસ પૂરો થયો. હવે અહીંની ખાસ બે ચાર વિશિષ્ટતાઓ જે મને આકર્ષી ગઇ…
અહીં જનરલ વોર્ડ, સ્પેશ્યલ રૂમ અને ડીલક્ષ રૂમ એમ રહેવાની ત્રણ જાતની વ્યવસ્થા છે. પરંતુ ખાસ વાત એ કે જનરલ વોર્ડમાં રહો કે ડીલક્ષ રૂમમાં.. તમારી સારવાર, આહાર કે કોઇના વર્તનમાં કોઇ જ તફાવત નથી થતો. એ વાત ખૂબ સ્પર્શી ગઇ.
કોઇ કર્મચારીને કોઇ ભેટ કે કોઇ બક્ષિસ આપવાની ચોખ્ખી મનાઇ છે. જેથી આશ્રમનું વાતાવરણ કલુષિત થાય નહીં. કોઇને કશું આપવાની ઇચ્છા થાય તો ત્યાં રાખેલી પેટીમાં ચૂપચાપ નાખી શકે છે. જે પછીથી અમુક સમયાંતરે કર્મચારીઓને વહેંચી દેવામાં આવે છે. અહીં સવારે ડોકટર ભરતભાઇને જાતે આશ્રમની સફાઇ કરતા જોયા. કોઇ કામ પ્રોફેશનલી નહીં..પરંતુ દિલથી થતું જોયું..અનુભવ્યું.
જનરલ વોર્ડમાં ખાવા, પીવા , રહેવા અને સારવાર બધું મળીને ફકત 175 રૂપિયા…જેમાંથી કદાચ તેમનો પોતાનો ખર્ચ પણ ન જ નીકળી શકે. પરંતુ અહીં કમાવાની દ્રષ્ટિ નથી જ. એમ હું મારા પોતાના અનુભવ પરથી દાવા સાથે કહી શકું. કોઇ ગરીબ વ્યક્તિ પૈસાના અભાવે સારવાર વિના ન જાય તેનો ખ્યાલ પણ રાખવામાં આવે છે. આખા સ્ટાફનું વર્તન ખૂબ વિનમ્ર, સાલસ સહકારભર્યું અને ગરીબ, અમીર સૌ પ્રત્યે એકસરખું અને ખૂબ માયાળુ અનુભવાયું. બધા દિલથી સારવાર કરતા હતા. કયાંય વેઠ કે જલદી જ્લદી પતાવી દેવાની વૃતિ નહોતી. ખૂબ સારું લાગ્યું. પૂરી નિષ્ઠાથી કામ થતું હતું. ઉપરી લોકો સારા હોય ત્યાં સ્ટાફમાં આપોઆપ આ ભાવના આવી જતી હશે તેવું લાગ્યું. પ્રોફેશનલ ટચ ને બદલે પર્સનલ ટચ અનુભવાયો.
કોઇ દર્દીને કોઇ પણ જાતની તકલીફ ન પડે તેનો ખાસ ખ્યાલ રહેતો. નિયમો જરૂર હતા અને હોવા જ જોઇએ..પરંતુ નિયમોમાં કયાંય જડતા નહોતી.
અહીંથી જતી વખતે પણ ડોકટર દરેક દર્દી સાથે પર્સનલ વાત કરીને હવે પછી ભવિષ્યમાં પોતાના આરોગ્ય માટે કેવો ખ્યાલ રાખવો, કયો આહાર લેવો વિગેરે માહિતિ પણ સૌની ફાઇલમાં લખીને આપવામાં આવે છે.
ભરતભાઇના પત્ની માધવીબહેન અને કમલેશભાઇના પત્ની કિરણબહેન પણ આશ્રમની પ્રવૃતિઓનું એક અવિભાજય અંગ બની ગયા છે. તેમના માયાળુ સ્વભાવ દરેક દર્દીને એક હૂંફ પૂરી પાડે છે.
જતી વખતે મારી માફક કદાચ દરેકને થતું જ હશે કે વધારે નહીં તો પણ વરસમાં એક વાર તો અહીં આવવું જ જોઇએ.અરે, કોઇ રોગ ન હોય તો પણ આવવું જોઇએ. ગાડી જેવા યંત્રને પણ વરસમાં એકાદવાર તો સર્વીસમાં મૂકવી જ પડે છે ને ? તો પછી શરીર જેવા અણમોલ મશીનને વરસમાં એક વાર તો તો ચાર્જીંગમાં, સર્વીસમાં મૂકવું જ જોઇએ ને ? અને અહીં એ પૂરેપૂરું ચાર્જ થશે જ..એટલી ખાત્રી તો જરૂર આપી શકાય.
લોકો સુધી, દર્દીઓ સુધી આ માહિતિ પહોંચે..અને લાભ લઇ શકે.. ફકત એ જ હેતુથી..લેખક તરીકેની એક ફરજ સમજીને… ગમતાનો ગુલાલ કરવાની ભાવનાથી આ લેખ લખાયો છે. બાકી અહીં કોઇને જાહેરખબરની જરૂર જ નથી. કેમકે વિના જાહેરખબર પણ આ આશ્રમ બારેમાસ ભરચક્ક જ રહે છે. અગાઉથી નામ લખાવેલ ન હોય તો અહીં જગ્યા મળવી અઘરી થાય છે.
આશા છે આ માહિતિ લોકોને ઉપયોગી નીવડશે અને સૌ કોઇ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે એ આશા અને શ્રધ્ધા સાથે અસ્તુ…
सर्वे संतु निरामया:….
સરનામુ… નિસર્ગોપચાર કેન્દ્ર વિનોબા આશ્રમ,ગોત્રી વડોદરા.390021

9 thoughts on “નિસર્ગોપચાર..એક સ્વાનુભવ…

 1. આ લેખે તો અમને ઋણી બનાવ્યા…
  હવે તો આવા ઊપચારો સમાજે સ્વીકાર્યા છે તે આનંદની વાત છે.
  આવા લેખો ખૂબ જરુરી માહિતી પૂરી પાડે છે.
  આપણું ઘર પણ આવું બનાવીએ અને અર્ધી રાત્રે પણ આ અંગે માહિતી લેવા કોઈ આવે તો પ્રસન્નતાથી આપીએ…
  આ જ યજ્ઞ છે
  ફરીથી ધન્યવાદ્

  Like

 2. મુ. નિલમબેન,

  નિસર્ગોપચાર કેન્દ્ર વિષે તમે ઘણું વિગતે લખ્યું. ઉંમરની મર્યાદા વિના બાળકો સાથેની તમારી દોસ્તી, બાળકો માટેનો પ્રેમ અને તમારો ઉત્સાહ સ્પર્શી ગયા. તમે તૈયાર કરાવેલા નાટકો બાળકો ખૂબ યાદ કરે છે. કમસે કમ આશ્રમના બાળકો માટે પણ તમારે દર વર્ષે પંદર-વીસ દિવસ અહીં આવવું પડશે.

  જેઓ નિસર્ગોપચાર કેન્દ્ર વિષે વધુ માહિતી મેળવવા ઇચ્છતા હોય તેઓ કેન્દ્રની વેબસાઇટ http://naturecure.cfsites.org વિઝીટ કરી શકે.

  – ડૉ.ભરત

  Like

 3. મુ. નિલમબેન,

  નિસર્ગોપચાર કેન્દ્ર વિષે તમે ઘણું વિગતે લખ્યું. ઉંમરની મર્યાદા વિના બાળકો સાથેની તમારી દોસ્તી, બાળકો માટેનો પ્રેમ અને તમારો ઉત્સાહ સ્પર્શી ગયા. તમે તૈયાર કરાવેલા નાટકો બાળકો ખૂબ યાદ કરે છે. કમસે કમ આશ્રમના બાળકો માટે પણ તમારે દર વર્ષે પંદર-વીસ દિવસ અહીં આવવું પડશે.

  જેઓ નિસર્ગોપચાર કેન્દ્ર વિષે વધુ માહિતી મેળવવા ઇચ્છતા હોય તેઓ કેન્દ્રની વેબસાઇટ http://naturecure.cfsites.org વિઝીટ કરી શકે.

  Like

 4. મને જોઈતી માહિતી સરસ રીતે મળી. ખુબ આનંદ થયો. આ કેન્દ્રની વેબસાઈટ અથવા ફોન નંબર હોય તો જણાવવા વિનંતિ.

  Like

 5. ખુબ માહિતિસભર લેખ મારા મિત્રે મને ભલામણ કરી પણ તે સાઉથ ઈન્ડિયામાં મને તે દૂર લાગ્યો..મિનાક્ષીબેન ચંદારાણા અને ચન્દ્રકાન્તભાઈઅએ પણ મને વોકીન્ગ દરમ્યાન આ વાત કરી હતી પણ તમારી પાસેથી વધુ જાણવા મળ્યું. અભિનંદન

  Like

 6. નીલમબેન,
  કુદરતી ઉપચાર કેન્દ્ર વિશે પ્રકાશ પાડતો સ્વાનુભવનો સુંદર લેખ. અભિનંદન. કદાચ એલોપથીના એક ગોળી ખાઈને બધું દર્દ ભૂલી જાવ ના અભિગમે રોગરહિત થવા માટે ઉત્તમ, સરળ, આડઅસર રહિત અને કિફાયતી એવા કુદરતી ઉપચાર તરફ એટલું ધ્યાન આકર્ષિત કર્યું નથી.
  તમારો આ લેખ વાંચી મને મારા દાદીમા ત્યાં થોડા દિવસ રહેલા અને ત્યાં અવારનવાર મળવા જતો તે યાદ આવી ગયું. મારા પિતાજીને કુદરતી ઉપચારમાં વિશેષ રસ (તેઓ શોખને કારણે અભ્યાસ કરીને નેચરોપથીના ડોક્ટર પણ થયા છે). વાચકોને કદાચ ખબર નહીં હોય પણ હવે(છેલ્લા પંદરેક વરસથી તો ખરું જ) કારેલીબાગ, સંગમ ચાર રસ્તા નજીક, લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલની પાછળ આવું જ પણ જરા વધુ સારી સગવડો ધરાવતું બીજું કુદરતી ઉપચાર કેન્દ્ર થયું છે, જેની મુલાકાત પણ લેવા જેવી છે. નવાઈની વાત છે કે આવા કુદરતી ઉપચાર કેન્દ્રમાં પચાસ ટકાથી વધુ લોકો ગુજરાત બહારથી આવે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.