“परित्राळाय साधूनाम् ,विनाशाय च दुष्कृताम्
धर्म संस्थापनाय् संभवामि युगे युगे “
શું આ મુજબ આપણે કોઇ યુગપુરૂષની પ્રતીક્ષા કરી રહ્યા છીએ ?કોઇ આવી ને આપણને સ્વામી વિવેકાનંદનો “ઉઠો,જાગો….” નો મહામંત્ર ફરી એકવાર સંભળાવે..તેની રાહ જોઇ રહ્યા છીએ ? ભારતીય સંસ્કૃતિની મહાનતાનો મુખવટો પહેરી કયાં સુધી અતીત ની એ ગૌરવગાથા વાગોળ્યા કરીશું ? શું અતીત ને સહારે જ આપણે વર્તમાનમાં આગળ વધવાનું છે ?
દરેક મહાપુરુષ સદીઓ સુધી ચાલે તેવું ભાથુ…કાર્ય આપી જ ગયા છે.સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ યુગપ્રુરુષે પોતાની જિંદગીના ફકત ચાલીસ વરસોમાં સદીઓ સુધી ચાલે તેવું ને તેટલું જીવનપાથેય આપ્યું છે.શું આપણે એમની એ સિંહ ગર્જના વિસરી ગયા છીએ ?ફરી એકવાર આપણને… નવી પેઢીને કોઇ યુગપુરુષની હાકલની જરૂર પડી છે ? તેમણે કહેલ વાતોને ફરીથી દસ્તક દઇ..આપણી ચેતના ને ઢંઢોળે તેવી વ્યકતિની આપણને ખોટ સાલે છે ? અને જવાબ હા હોય તો શા માટે ? કયાં સુધી ?આખરે કયાં સુધી આપણે કોઇની પ્રતીક્ષા કરતા રહીશું ? આપણી પોતાની પાસે..આપણી અંદર કોઇ આંતરિક સમૃધ્ધિ બચી જ નથી ?
”પંડની પેટીમાં પારસ છે પડિયો, વાવરી જાણે બડભાગિયો..”
શ્રી રાજેન્દ્ર શાહ જેવા કવિ કહેતા રહે છે.એ પારસની ખોજ આપણે અંદર કયારેય નહીં કરીએ? આપણે આપણી ચેતનાને જાતે સંકોરી નહીં શકીએ ?આપણો દીપ આપણે જાતે ન પ્રગટાવી શકીએ ?પોતાનું આંગણું ..પોતાનું મન સાફ કરવાની જવાબદારી આપણી પોતાની ખરી કે નહીં ? પોતાની જાતને શુધ્ધ કરવા માટે પણ આપણને અન્યની જરૂર પડે તેટલા આપણે નિર્માલ્ય બની ગયા છીએ ? ”તું તારા દીલનો દીવો થા ને…ઓ રે…ઓ ભાય…” કવિઓ ગાઇ વગાડીને પોતાનું કવિકર્મ કરતા રહે છે.માનવી શું પોતાની આગવી વિચારશક્તિ,નીર ક્ષીર પારખવાની વૃતિ..શક્તિ ખોઇ બેઠો છે ? તે ખરેખર દિશા શૂન્ય, વિચાર શૂન્ય થઇ ગયો છે ? એને સતત કોઇની દોરવણીની..માર્ગદર્શનની જરૂર કેમ પડે છે ? પોતે પોતાની જાતે પોતાને ટકોરો મારી ને જગાડી કેમ ન શકે ? કોઇ દીવો કરીને અજવાળુ કરી દે તો જ એ અજવાશને સહારે આપણે ચાલીએ..ચાલી શકીએ એવું શા માટે ? અને કયાં સુધી? કોઇ દીપ પ્રગટાવે એની પ્રતીક્ષા કરવાને બદલે જાતે દીપ પ્રગટાવી ન શકાય ? જેથી આપણે તો એ અજવાસમાં ચાલી શકીએ..સાથે અન્યને પણ રસ્તો બતાવી શકીએ.કોઇની પ્રતીક્ષા કરવાને બદલે ખુમારીથી કોઇના પથદર્શક કેમ ન બની રહીએ ?આપણે આપણી જાતને જ એ ઉંચાઇએ કેમ ન પહોંચાડી શકીએ ?
અને કોઇ પણ કાર્ય કરવાનો ઉત્તમ સમય..કયો ? અભી..” અર્થાત્ અત્યારે જ…આ ક્ષણે જ…કોઇ પણ સારું કાર્ય કરવાનો ઉત્તમ સમય છે…”અભી.”આ ક્ષણ…એક નાની શરૂઆત કેવી સુંદર પરિણામ લાવી શકે છે. તે ઇતિહાસથી શું આપણે અજાણ છીએ ? ઇતિહાસમાં એવા ઉદાહરણોની કયાં ખોટ છે ? આજે યે ગાંધી કથા આપણને આકર્ષી શકે છે..કે લગે રહો મુન્નાભાઇ..આપણ ને ખેંચી શકે છે..કારણ..? કારણ ફકત એટલું જ કે આપણે કંઇક સારું કરવું તો છે જ..એ ભાવના તો આપણી અંદર છે જ…પણ શું કરવું ? કેમ કરવું ? કયાંથી શરૂઆત કરવી ?એના માર્ગદર્શન માટે કદાચ આપણે ફાંફા મારીએ છીએ.ચારે તરફ નજર દોડાવીએ છીએ.ચાલવા માટે ઘણાં તત્પર છે..કંઇક કરી છૂટવાની ભાવના પણ છે જ..પણ…કોઇ પગદંડી બનાવે તો એના પર આપણે ચાલવું છે.જાતે કેડી કંડારવાની ધગશ, જાતે મશાલ લઇ શરૂઆત કરવાની હિંમત કે દ્રષ્ટિનો કદાચ આપણામાં અભાવ છે.કોઇ સાથ નહીં આપે તો ? કોઇ નહીં અનુસરે તો.? પોતે એકલો થઇ જશે તો.? હાસ્યાસ્પદ બની જશે તો .?
આવા અનેક વિચારો એને રોકે છે. પણ કોઇ યુગપુરુષ એવો વિચાર કરવા થોભેલ ? એ બધા જન્મથી મહાન નહોતા. એમની હિંમતે..એમના કાર્યે એમને મહાન બનાવ્યા. દરેક મહાન વ્યક્તિએ કયાંકથી પ્રેરણા લીધી જ છે.ગાંધીજી ને રસ્કિન ના “અન ટુ ધ લાસ્ટ” પુસ્તક પરથી પ્રેરણા મળેલ.અને પછી અમલ તો વ્યકતિના પોતાના હાથની જ વાત છે ને ? શરૂઆતમાં વિરોધ થાય..કે કોઇ હસે..પણ એની પરવા શા માટે ? ”નવો પંથ શોધી જવો એ જ ઝંખના, અમારે શી પરવા કે સફર કોણ કરશે ?” આપણે આપણી જાતના ઉદ્દારક બનતા કયારે શીખીશું ?કોઇકે તો શરૂઆત કરવી જ પડશે ને? શરૂઆત ન કરવાની આ તામસ હરિફાઇ કયાં સુધી ?કોઇના સાદની પ્રતીક્ષા કયાં સુધી?
આજે આપણને રાજકીય નેતાઓ વામણા લાગે છે..પણ આપણને એની ટીકા કરવાનો પણ હક્ક છે ખરો ?એને નેતા બનાવ્યા છે કોણે ?આપણે જ ને ? આપણામાં જ જાગૃતિ કે સંગઠન નો અભાવ હોવાથી જ તેઓ નેતા બની શકયા છે. સારા માણસોને આજે રાજકારણથી દૂર રહેવું છે.અને પછી ટીકા પણ કરવી છે.નાયક પિક્ચરમાં પરેશ રાવલના સંવાદ ફરી એકવાર જરૂરથી સાંભળવા જેવા, સમજવા જેવા અને અમલ કરવા જેવા છે. નેતાઓ ,રાજકારણીઓ,પ્રધાનો,ઓફિસરો બધા વિષે ખૂબ બોલ્યા..ટીકા કરી..અને તે સાચી પણ છે જ..એની ના નહીં…અને વારંવાર થતાં ખરાબ અનુભવોથી મન કયારેક ચલિત થઇ જાય એ બધું સાચું. અને લખવું ..કહેવું..બોલવું..બધુ આસાન છે.અઘરો છે ફકત અમલ….પણ અઘરો છે એટલે તો કરવા જેવો છે.શહીદી વહોરવાની તૈયારી પણ કયારેક રાખવી પડે…ગાંધીજી ની એક હાકલે કેટલા દૂધમલિયા જવાનો એ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.!
બાકી ફકત ટીકા કરવાથી..ચર્ચા કરવાથી કે અફસોસ કરી બેસી રહેવાથી શું થઇ શકશે? આપણો આક્રોશ શું વાંઝિયો જ બની રહેશે ?ટીકા ને બદલે જેનાથી જે થઇ શકે તે સક્રિય, નક્કર , રચનાત્મક કાર્યની નાનકડી પણ શરૂઆત કેમ ન થઇ શકે ? કોઇની પ્રતીક્ષા કરવાને બદલે..કોઇની સામે નજર નાખ્યા કરવાને બદલે કોઇ ઉદ્દારકની… કોઇ જગાડનારની રાહ જોવાને બદલે આપણે આપણી જાતને ન જગાડી શકીએ ? આપણા મનને ચેતનાના એલાર્મથી જગાડી ન શકીએ ?
ભવ્ય ભૂતકાળની વાતો બહુ કરી..એ વાગોળવાને બદલે વર્તમાનને ભવ્ય બનાવવાનો એક નાનકડો પ્રયાસ..નાનકડી શરૂઆત ન કરી શકીએ ? ભૂતકાળના ભવ્ય પ્રસંગો અને મહાપુરુષોની વાતમાંથી પ્રેરણા ન લઇ શકીએ ? જરૂર પડયે ઉત્તમ પુસ્તકો વાંચી ને જાતે જ આપણી જાતના માર્ગદર્શક ન બને શકીએ ?નરકેસરી ની જેમ જાતે જ ગર્જના કેમ ન કરી શકીએ ? બસ..બહુ થયું હવે……
વિચારવલોણું માં પ્રકાશિત મારો લેખ..
our gujarati blog aggregator Otalo is back with new avatar
http://www.tarakash.com/toran/
LikeLike
“परित्राळाय साधूनाम् ,विनाशाय च दुष्कृताम्
धर्म संस्थापनाय् संभवामि युगे युगे “
શું આ મુજબ આપણે કોઇ યુગપુરૂષની પ્રતીક્ષા કરી રહ્યા છીએ ?
વાંચેલું, શીખેલું, લખેલું, સમજેલું – બધું કરી ચૂક્યા બાદ
બધી બાજુથી જ્યારે થાકી , હારી જઈએ ત્યારે ચોક્કસ ‘હા”
અને ત્યારે હું પરમાત્માને કહું પણ ખરી કે
‘તું’ હજુ શેની ‘પ્રતિક્ષા’ કરી રહ્યો છું અમે તારામાંથી
વિશ્વાસ ગુમાવી દઈએ એ પહેલાં તો આવી જા માનવદેહે…….
હા મારામાં શોધી શોધી થાકી હવે
મળી ગયો પામી લીધો તને હવે તો આંખોને તૃપ્તિ આપ…..!!
LikeLike
અરે ક્યારેક પ્લેટ્ફોર્મ પર ઉભા હોઈએ અને જો ટ્રેન મોડી પડૅ તો ત્યા સાંભળવા જેવુ હોય
“આપણી સરકારમાં જ ઠેકાણા નથી.કેમ આવા લોકો ને ખુરશી મલી જાતી હોય છે ખબર નહી.”
અરે ભૈ તને મલે તો તુ બેસ ને .કહેવાની ઇછ્છા તો બહુ થાય. પણ બધી પુરી તો થાય નહી ને.
પાંચ મીનીટ માં ટ્રેન આવે અને જે ચડૅ એને કાંઇ યાદ પણ ન હોય કે એ સરકાર બદલવાની તૈયારી માં જ હતો
LikeLike
“AWAKE.ARISE,AND STOP NOT TILL THE GOAL IS REACHED”.
બહેના ! લેખ બોધદાયક छे.धर्म ‘संस्थापनार्थाय’ મથાળે હોવું જોઇતું હતું.
LikeLike
સ્વામી વિવેકાનંદે આપણ ને એક બહુ સરસ શબ્દ આપ્યો છે.”અભી..” અર્થાત્ અત્યારે જ…આ ક્ષણે જ…કોઇ પણ સારું કાર્ય કરવાનો ઉત્તમ સમય છે…”અભી.”આ ક્ષણ…એક નાની શરૂઆત કેવી સુંદર પરિણામ લાવી શકે છે. તે ઇતિહાસથી શું આપણે અજાણ છીએ ?
શ્રી નિલમબહેન આપે જે અભી શબ્દનો ઉપયોગ કર્યો છે તે હિન્દીના અભી ઍટલે અત્યારે માટે વપરાય છે. પરંતુ સ્વામી વિવવેકાનંદે જે અભી શબ્દનો ઉપયોગ કર્યો છે તે સંસ્કૃતના અભી ઍટલે અભય તરીકે કર્યો છે. અભી શબ્દનો અત્યારે એવો અર્થ આપના લેખ માટે બરાબર જ છે. પરંતુ સ્વામી વિવેકાનંદ તો આપણને ઉપનિષદમાં વપરાયેલા અભી માટે કહી રહ્યાં છે.
આ રહી તેમની જોશીલી વાણીઃ-
ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હો તો તે શબ્દ છે ‘અભીઃ’, ‘અભય’. અને જગતને જો કોઈ એક ધર્મનું શિક્ષણ આપવું જોઇએ તો એ છે અભયના ધર્મનું શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચૂક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્ય આવી પડે છે અને ભયથી જ અનિષ્ટ ઊભું થાય છે. (શક્તિદાયી વિચાર – સ્વામી વિવેકાનંદ)
LikeLike
atulbhai, sorry.. it was my mistake..thanks for drawing my attention. will correct it.
and also thanks for nice response.
LikeLike
યુગ ગમે તે હોય હમેશા યુગ પુરુષ ની જરુર રેહવા ની જ છે.આપણે ભારતીય સંસ્કૃતિની
વાતો કરીએ છે, મહાપુરુષ ની વાતો કરી એ છે પણ એ બધા ને આપણે અનુસરતા નથી. એ આજ ની સચ્ચાઈ છે.આ લેખ થી આ વાતો યાદ આવી જાય છે.
LikeLike
બાકી ફકત ટીકા કરવાથી..ચર્ચા કરવાથી કે અફસોસ કરી બેસી રહેવાથી શું થઇ શકશે? આપણો આક્રોશ શું વાંઝિયો જ બની રહેશે ?ટીકા ને બદલે જેનાથી જે થઇ શકે તે સક્રિય, નક્કર , રચનાત્મક કાર્યની નાનકડી પણ શરૂઆત કેમ ન થઇ શકે ? કોઇની પ્રતીક્ષા કરવાને બદલે..કોઇની સામે નજર નાખ્યા કરવાને બદલે કોઇ ઉદ્દારકની… કોઇ જગાડનારની રાહ જોવાને બદલે આપણે આપણી જાતને ન જગાડી શકીએ ? આપણા મનને ચેતનાના એલાર્મથી જગાડી—–simply fantastic thought-I wish everybody should read and think about it-then act on it.
LikeLike