દીપોત્સવી…

                                                 

“દીપક ના અજવાળે દિલને પાવન કરતી આવી દિવાળી,
અંતરમાં અજવાળા કરતી,જયોત જગવતી આવી દિવાળી;
અંધારા ઉલેચી,ઉરમાં આનંદ આનંદ કરતી આવી દિવાળી,
બાળ વ્રુધ્ધ સૌને ખેલવતી,હસતી –રમતી આવી દિવાળી!
નીરસ થયેલ માનવ હ્રદયે રસ ભરતી આવી દિવાળી!!”

 દીપોત્સવી એટલે આનંદ,ઉલ્લાસ,પ્રસન્નતાઅને પ્રકાશનો ઉત્સવ!!દીપોત્સવી એ એક જ ઉત્સવ નથી પણ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે.ધનતેરસ,કાળીચૌદસ,દિવાળી,નવું વર્ષ,અને ભાઇબીજા આ પાંચ ઉત્સવો પાંચ ભિન્ન સાસ્ક્રુતિક વિચારધારાઓ લઇ ને આ ઉત્સવમાં સંમિલિત થયા છે.જાગ્રુત સમજપૂર્વક રીતે જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવને સમગ્ર જીવનનું દર્શન એમાંથી મળી શકે.

મહિના અગાઉથી ઘર,ઓફિસ કે દુકાન ની સાફસૂફી શરૂ થઇ જાય છે.(સાથે સાથે દિલની સાફસૂફી ની શરૂઆત પણ કરવી જોઇએ એ જરૂરી નથી લાગતું?)જાણે તહેવારોની મહારાણી નું સ્વાગત કરવાની શરૂઆત .ખરેખર આસો મહિનાની અમાસના અગિયારસથી જ આ તહેવાર ની ઉજવણી શરૂ થઇ જાય છે.

અગિયારસ એટલે આ ઉત્સવને આવકારવા,સ્વાગત કરવા સામે જવાનો દિવસ.આટ્લા મોટા ઉત્સવ..તહેવારની મહારાણી જેવી દિવાળીનું સ્વાગત તો થવું જ જોઇએ ને?

એ પછીનો બીજો દિવસ એટલે વાઘબારસ. હકીકતે એ વાગ્ બારસ,અર્થાત..વાણીની દેવી મા સરસ્વતીની પુજાનો દિવસ છે.(સાથે સાથે વાઘનું ચિત્ર દોરીને તેની પુજા પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવે છે.)મા સરસ્વતી ની પુજા વિના બીજે દિવસે લક્ષ્મીજી કેમ પ્રસન્ન થાય?અને સરસ્વતી વિના ની એકલી લક્ષ્મીની કિંમત નથી જ..એનું એ સૂચન કરે છે.

 ત્રીજો દિવસ એટલે ધનતેરસ લક્ષ્મીપુજનનો દિવસ..આ દિવસે લક્ષ્મીજીની પુજા ઘેર ઘેર થાય છે. ઘેર ઘેર રંગોળી પૂરાય છે..ભારતીય સંસ્ક્રુતિએ લક્ષ્મીને કયારેય તુચ્છ કે ત્યાજય નથી માની પણ લક્ષ્મીને મા ગણી ને પૂજય માની છે.આપણે સામાન્ય રીતે સાંભળતા આવ્યા છીએ કે લક્ષ્મી એ ચંચળ છે.હકીકતે લક્ષ્મી એ ચંચળ નથી પણ લક્ષ્મીવાન મનુષ્યની મનોવ્રુતિ ચંચળ બને છે.વિત્ત અર્થાત લક્ષ્મી એ એક શક્તિ છે.તેનાથી માનવ દેવ પણ બની શકે અને દાનવ પણ બની શકે.લક્ષ્મીનું પૂજન કરી તેને પ્રભુની પ્રસાદી ગણી તેનો સદુપયોગ કરનાર માણસ પોત પણ પવિત્ર બને અને વિશ્વને પણ પવિત્ર અને પ્રસન્ન કરી શકે.આમ ધનતેરસ એ લક્ષ્મીનો સાચો અને સારો ઉપયોગ કરવાનો સંદેશ આપે છે.,તો જ લક્ષ્મીપુજા સાચી અને સાર્થક ગણાય.

કાળીચૌદસ એ મહાકાલિનું પૂજન છે.મા કાલિની પુજા આ દિવસે થાય છે.કાળિચૌદસની પાછળ એક કથા પ્રચલિત છે.

પ્રાગ્જયોતિષપુરનો રાજા નરકાસુર પોતાની શક્તિથી ખાસ કરીને સ્ત્રીઓને રંજાડતો.તેણે પોતાને ત્યાં 16000 કન્યાઓને કેદ કરી રાખી હતી.ભગવાન શ્રીકૃશ્ણે નરકાસુર નો નાશ કરવાનું નક્કી કર્યું.સ્ત્રી ઉધ્ધારનું કાર્ય હોવાથી સત્યભામાએ આ કામનું બીડું ઝડપ્યું.ભગવાન ક્રુષ્ણ મદદ માં રહ્યાનએ ચૌદશને દિવસે નરકાસુર નો નાશ થયો.તેના ત્રાસથી મુકત થયેલ લોકોએ આ દિવસ ને ઉત્સવ તરીકે મનાવ્યો. અને દીવાઓ પ્રગટાવી તેમણે રોશની કરી. સ્ત્રી શક્તિ ના પ્રતીક તરીકે મા કાલિનું પૂજન આ દિવસે કરવામાં આવે છે. ઘરમાંથી પણ કકળાટ,કંકાસ કાઢવાનો આ દિવસે ખાસ કરીને ગુજરાત માં રિવાજ છે.જેથી દિવાળી નો આનંદ પ્રગટી શકે અને નવા વર્ષની નવી શરૂઆત થઇ શકે.

  અને હવે આવે છે દબદબાપૂર્વક તહેવાર ની મહારાણી દિવાળી ની સવારી. ઘેર ઘેર દીવાઓ પ્રગટી ઉઠે અને અમાસનો અંધકાર દૂર થાય અને સમગ્ર વાતાવરણ પ્રકાશ થી ઝગમગી ઉઠે.મીઠાઇ ની મહેફિલો ઉડે અને આતિશબાજી થી આકાશ પણ રંગીન બની રહે.ચારેતરફ ઉલ્લાસ અને આનંદ ની છોળો ઉડી રહે.

દિવાળી એટલે વેપારીઓ માટે ચોપડાપૂજન નો દિવસ.આખા વરસનું સરવૈયું કાઢવાનો દિવસ.આ દિવસે માનવે પણ જીવનનું સરવૈયુ કાઢવું જોઇએ એવું નથી લાગતું? રાગ,દ્વૈષ,વેર, ઝેર,કે કટુતા દૂર કરી બીજા દિવસે એટલેકે નવા વરસ ને દિવસે પુરાંતમાં પ્રેમ, શ્રધ્ધા અને ઉત્સાહ રહે તેનો ખ્યાલ રાખવો જ રહ્યો. આ દિવસેબહાર તો દીવા આપણે કરીએ જ છીએ.સાથે સાથે દિલમાં પણ દીવા થાય અને પ્રકાશ ફેલાય તો સાચા અર્થમાં દીવાળી ઉજવી ગણાય એવું નથી લાગતું?ફટાકડા જરૂર ફોડીએ…પણ સાથે સાથે બાજુમાં રહેતા કોઇ ગરીબ બાળક ને પણ એમાં સામેલ કરી શકીએ તો?એના ચહેરા પર પણ ખુશીનો દીપ જલાવી શકીએ તો?

“તમસો મા જયોતિર્ગમય”સમજણપૂર્વક અંધકારમાંથી અજવાસ તરફ જવાનો આ ઉત્સવ.

માનવજીવનમાં પણ શ્રધ્ધાનો,વિશ્વાસનો,માનવતાનો દીપ જલાવી શકાય તો?એક નાનકડો પણ પ્રયાસ કરી શકાય તો? અને દિવાળી પછી આવતા નવા વરસનો તો આનંદ જ કૈક અનોખો છે.આ દિવસ એટલે શારદાપૂજન અર્થાત નવા ચોપડા લખવાની શરૂઆત.આ દિવસે નવા કપડા પહેરી આબાલ વ્રુધ્ધ સૌ એકબીજાને શુભેચ્છા આપે છે.”સાલ મુબારક ‘ કે “હેપી ન્યુ યર”ના જાણે ચોતરફ પડઘમ વાગે છે.આ દિવસે ન બોલતા હોય તે બોલતા થઇ જાય છે.મનમાંથી વેર ઝેર ની ભાવના આ દિવસે બને ત્યાં સુધી કાઢી નાખવાનો પ્રયત્ન દરેક કરે છે .

અને આ જો આખું યે વરસ જળવાઇ રહે તો? તો નવું વિશ્વ જરૂર ઝળહળી ઉઠે.શુભેચ્છા દિલના ઉંડાણમાંથી આવવી જોઇએ અને હમેશા જળવાવી જોઇએ.તો જ નવું વરસ સાર્થક બની રહે.શુભ સંકલ્પ કરવાનો આ દિવસ છે.બલિરાજાનો પરાજય કરનાર ભગવાન વિષ્ણુએ દાનવીર બલિરાજાના ગુણના સ્મરણ તરીકે આ ઉત્સવ મનાવવાનું શરૂ કર્યું.

  આના પછી નો દિવસ એટલે ભાઇબીજ.ભાઇ બહેન ના પ્રેમ ના પ્રતીક તરીકે ભારતીય સંસ્ક્રુતિમાં આ દિવસનું પણ અનેરૂ મહત્તવ છે.અને સાથે સમગ્ર સ્ત્રી જાતિ તરફ દ્દ્રષ્ટિ બદલવાનો આ તહેવાર સંકેત આપે છે.અને આજે સાંપ્રત પરિસ્થિતિમાં તો આ તહેવારનું આગવું મહત્વ સ્થપાવું જોઇએ એવું નથી લાગતું? આ દિવસે ભાઇ બહેન ને ઘેર જમવા જાય છે .બહેન સ્નેહથી ભાઇને ભાવતા ભોજન જમાડે છે અને ભાઇ પ્રેમ ના પ્રતીક રૂપે બહેન ને ભેટ આપે છે.આમ સામાન્ય દિવસોમાં સમય ન મેળવી શકતા ભાઇ ને આ દિવસે એક તક આ તહેવાર આપે છે અને ભાઇ બહેન ના સંબંધોમાં એક નિકટતા આ તહેવાર લાવે છે.

આમ પૂરા પાંચ દિવસો સુધી ચાલતો આ તહેવાર આપણી ત્રણ મુખ્ય દેવીઓ..સરસ્વતી,લક્ષ્મી અને મહાકાલિની આરાધના કરવાનું સૂચન આપે છે.અને નીરસ બની ગયેલ માનવજીવન ને નવો ઉત્સાહ,નવી આશા આપી નવી ચેતનાનો પાણવાયુ ફૂંકે છે.અને જીવનને વિવિધતા બક્ષે છે.

”આદર્શો ઉર રાખી ઉંચા,
વીર બનો નીરખીને દિવાળી;
ભેખ ધરી સંસ્ક્રુતિ કાજે,
દીક્ષા લઇ ઉજવો આ દિવાળી”

કે પછી…… ”ફટાકડા ફટફટ ફૂટે ને
દોષ જલાવી નાખે દિવાળી,
જૂનું ઝેર ભુલાવી દઇને ,
નવા વર્ષને લાવે દિવાળી;
રાવણ મરતો,રામ જીતે છે ,
એ સંદેશ સુણાવે દિવાળી,
નરકાસુરને મારનાર,
કાના ના ગીતો ગાતી દીવાળી.

  ચાલો સૌ મિત્રોને દિવાળી ની શુભકામના અને નવા વરસના સાલ મુબારક સાથે .. અસ્તુ…. સર્વે ભવંતુ સુખી.સર્વે સંતુ નિરામયા…દિલની અનેક શુભેચ્છાઓ.

                                             નીલમ દોશી.

આ મારો લેખ ”સાંવરી” મેગેઝીન ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ છે.

3 thoughts on “દીપોત્સવી…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.