રુકિમણી કે રાધા?

                            ‘’ રુકિમણી કે રાધા?’’ 

            નેહા ને યુ.એસ. આવ્યે આજે એક મહિનો થયો હતો.અને આ એક મહિના માંતો તેની જિંદગી બદલાઇ ગઇ હતી.3 મહિના પહેલા તે પોતાની જાત ને એકલી,નિરાધારમાનતી હતી.અને આજે?આજે તે કેટલા બાળકો નો આધાર બની ચૂકી હતી.જિંદગી ને એક નવું પરિમાણ,નવી દિશા મળી હતી..જેમાં એક સંતોષ હતો,આનંદ હતો,કંઇક કરી શકયા નીભાવના હતી.જીવનને અક અર્થ મળ્યો હતો.નાનકડા બાળકો સાથે રહી ને તેને જિંદગી ની સાર્થકતા સમજાઇ હતી.3 મહિના પહેલા બોજ લાગતું જીવન આજે એક મહિનામાં સભર બની ગયુ હતું.શું પરિવર્તન આવ્યુ હતું આ થોડા સમય માં?

 યુ.એસ.આવી ત્યારે જેના ઉપર કેટલો ગુસ્સો હતો,મન માંએક પરિતાપ.ઉદ્વેગ હતો.જેના ને જોઇ લેવાની ભાવના હતી.પણ ….પણ જેના ના પરિચયે તેનાવિચાર ની દિશા જાણે બદલાવી નાખી હતી.મન ના બધા સંતાપ ઓગળી ગયા હતાં.પ્રેમ તો ભારતીય નારી જ કરી શકે એ ખ્યાલ કેટલો ખોટો હતો.એ જેનાને મળ્યા બાદ તે સમજી ચૂકી હતી.પ્રેમ ને કોઇ સીમાડા નથી તે અનુભવી ચૂકી હતી.પરદેશ માં ફકત છીછરાપણું જ હોય છે,,સંબંધો માં કોઇ ઉંડાણ નથી હોતું,કે ભાવનાઓને સ્થાન નથી હોતુ આવુ ઘણુ બધું સાંભળ્યુ હતું….પણ એ બધુ જેના જાણે ખોટું પાડી રહી હતી.

 ફરી એકવાર તેની આંખમાં અનાયાસે આસું છલકાઇ આવ્યા.ને એ આંસુ થી ધૂંધળી બનેલી નજર માં છેલ્લા ત્રણ મહિનાની એક એક ક્ષણ નજર સામે તરવરી રહી. કેટકેટ્લું બની ગયું હતું .જિંદગી માં ઉથલપાથલ મચી ગઇ હતી.આ વમળો માંથી એ કયારેય બહાર નહી આવી શકે એવું તેને લાગતુ હતું અને લાગે જ તે સ્વાભાવિક પણ હતું જ ને?ત્રણ મહિના પહેલાં એક કાર અક્સ્માતે તેનું સર્વસ્વ છીનવી લીધું હતું.22 વર્ષ નું તેનું સુખદ દામ્પત્ય એક ક્ષણ માં નંદવાઇ ગયું હતું.નિશીથ હવે આ દુનિયામાં નથી એ કડવું સત્ય તેને સ્વીકારવું પડયુ હતું.મિત્રવર્તુળ માં તેમના પ્રેમ ના ઉદાહરણ  અપાતા. મિત્રો ના શબ્દો માં તેઓ ‘’made for each other’’ હતા.બને ના પ્રેમ ને જાણે વિધાતા ની નજર લાગી ગઇ.

 હવે નિશીથ ની યાદ અને એક માત્ર પુત્રી તનુશ્રી ,બે જ તેના જીવનના આધાર રહ્યા.પુત્રી તો અમેરિકા ભણવા ગઇ હતી.વહાલસોયા પપ્પા ના અચાનક અવસાને તેને પણ હચમચાવી મૂકી હતી.એક મહિનો મમ્મી સાથે રહ્યા પછી તેને જીવનની કડવી વાસ્તવિકતા સ્વીકારી પાછુ જવુ જ પડયું.બધી જરુરી વિધિ પુરી કરી .જલ્દી મમ્મી એ પણ અમેરિકા આવી જવું.એવું નક્કી કરી તે ગઇ.

  નેહા અમેરિકા જવું કે નહીં એની દ્વિધા માં હતી.પોતે ત્યાં જઇ ને શું કરશે?તનુ તો તેના ભણવામાં હશે,પોતે એકલી અજાણ્યા દેશ માં જઇ ને શુ કરવું?એવા વિચારો માં તે અટ્વાતી હતી.

 પણ તનુશ્રી એ તેના જેના આંટી નો પરિચય આપ્યો હતો .નેહા એ પણ ફોન માં તેની સાથે વાતો કરી હતી.જેના એ પણ ખૂબ આગ્રહ કર્યો હતો ને જરુરી પેપર્સ પણ વીઝા માટે મોકલી આપ્યા હતા.કે અહીં બધું ગોઠવાઇ જશે.ત્યાં સાવ એકલા રહેવા કરતા અહીં દીકરી પાસે આવી જાવ.

 હજુ તનુ ને તો ત્રણ વર્ષ ભણવાનું હતું તનુશ્રી જેના આંટી ની સાથે જ રહેતી હતી.ને તેઓ તેને દીકરી ની જેમ જ રાખતા હતા.તનુશ્રી તો તેના વખાણ કરતા થાકતી નહોતી.તેમને લીધે જ તનુ યુ.એસ. માં બહુ જલ્દી સારી રીતે સેટલ થઇ ગઇ હતી.જૂદું રહેવાની પણ આંટી એ ના પાડી હતી.જેના નિશીથ ના કોઇ મિત્ર ની બેન હતી ને એકલી જ રહેતી હતી.ત્યાં social worker  તરીકે orphan home  માં સેવા આપતી હતી.તનુશ્રી સાથે તેને દીકરી જેવી માયા બંધાઇ ગઇ હતી.અમેરિકા જેવા ભૌતિકવાદી દેશ માં પુત્રી ને આવું સરસ વાતાવરણ મળી ગયું તેથી નેહા ખુશ હતી.તનુ ની વાત માં ફોન  માં હમેશા જેના આંટી હોય જ.નિશીથ કે નેહા કયારેય જેના ને મળ્યા નહોતા.ફકત ફોનથી જ વાત કરી હતી……

  પણ ના….એ હતો ભ્રમ..ફકત ભ્રમ …નેહા નો ભ્રમ ,નેહા જેના ને કયારેય નહોતી મળી .પણ…પણ નિશીથ તો……

અને એ ભ્રમ તૂટ્યો ,એ સત્ય ની ખબર પડી તો ખરી પણ  કયારે?જ્યારે નિશીથ આ દુનિયા ને અલવિદા કરી ગયો ત્યારે…હવે એ કોની સાથે લડે,કોને ફરિયાદ કરે?એ આંસુ.એ આક્રોશ નો કોઇ અર્થ નહોતો.

 નિશીથ ના મ્રુત્યુ પછી તેની ઓફિસમાંથી બધા પેપર્સ ની બેગ ઘેર આવી ,ત્યારે અચાનક તેના હાથ માં તેમાથી એક ડાયરી આવી.જેમાંનિશીથ ની જિંદગી હતી…નેહા એ ક્યારેય ન જાણેલ જિંદગી ની કિતાબ ના પાના હતાંઅને સાથે સાથે નેહા ઉપર લખાયેલ એક લેટર પણ હતો.નિશીથના મ્રુત્યુ પહેલાના થોડા દિવસો પેલા લખાયેલો .જે કદાચ નિશીથ તેને આપી શકયો ન હતો….કે આપવાની હિંમત કરી શકયો ન હતો.એ એ પત્ર આજે યે તેના મન:ચક્ષુ સમક્ષ અક્ષરશ: તરી રહ્યો.

   પ્રિય નેહા,                    ‘’ મન નો બોજ હળવો પ્રયત્ન કરી રહ્યો છું આ એકરાર રૂપે..આ પત્ર તને આપવાની હિંમત કરી શકીશ કે નહીં એ ખબર નથી.કદાચ મારા મન નો બોજ હળવો થઇ શકે એ માટે લખી રહ્યો છું.તારો ગુનેગાર જરુર છું.અને આ વાત જાણ્યા પછી પણ તું મને માફ કરી દઇશ એની પણ ખાત્રી છે.પણ મને માફી નહી,સજા જોઇએ છીએ.તારો વિશ્વાસ મેં તોડ્યો છે.ને આ બધું જાણી ને તું દુ:ખી થાય એવું હું નથી ઇચ્છતો.મારી ભૂલ ઘૂટ્નરૂપે હું જ ભોગવીશ.

              તને યાદ છે ..દસ વરસ પેલા કંપની એ મને મેનેજ્મેંટ નો કોર્ષ કરવા અમેરિકા મોકલ્યો હતો એક વરસ માટે.ત્યાં હું જેના ના પરિચય માં આવ્યો.તેના પ્રેમાળ વ્યક્તિત્વ વિષે નહી કહું.પણ હું જાણે બધું ભૂલી ગયો.ને કયારે,,શું થયુ,કેમ થયું ..એની સાવ સાચુ કહું તો મને યે ખબર ન પડી  કે ભાન ન રહી.તું એને પુરૂષની ભ્રમર વ્રુતિ કે જે નામ આપે તે …પણ મારા જીવનમાં અનાયાસે જેના નો પ્રવેશ થયો એ હકીકત નો આજે સ્વીકાર કરવો જ રહ્યો.જેના એ પણ મને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો.(તેં ક્યાં ઓછો આપ્યો છે?)

              મનમાં સતત ગુનાહિત લાગણી હોવા છતાં હું તેનાથી ખેંચાતો રહ્યો…અલબત્ત જેનાથી મેં કોઇ પણ વાત છૂપાવી નથી..કદાચ એની પાસે કોઇ વાત છૂપાવવી શક્ય જ નથી એટ્લી પારદર્શક છે એ.તેણે કહ્યું કે હું નેહા નો પ્રેમ છિનવવા કે એની જિંદગી બરબાદ કરવા નથી માગતી.મારા ભાગ માં જેટલો સમય આવ્યો છે ..એટલા જ સમય ..એટલાજ પ્રેમ ની હું હકદાર છું ને રહીશ.ભારત જઇને તું તારી જિંદગી જીવજે ને હું મારી..મારો ક્યારેય કોઇ હક્ક ,કોઇ દાવો તારીપર નહી હોય.એ તારા વિષે..આપણી નાનકડી તનુ વિષે પૂછતી રહેતી..આનંદથી.કોઇ અપેક્ષા વિના નો એ પ્રેમ હતો.તમારે માટે ત્યાંથી જે કંઇ લાવેલ એ બધુ જ જેના એ જ તો આપેલ.ને તને પહેલીવાર જિંદગી માં મારી પસંદગી ગમી હતી..પણ… ત્યારે તને ક્યાં ખબર હતી કે એ તો…………….     

              ખેર! અહીં પાછો આવ્યા પછી ..નક્કી થયા મુજબ..મેં ક્યારેય તેની સામે જોયુ નથી..ફોન સુધ્ધાં નથી કર્યો.મને હતુ કે અમેરિકામાં તો આ બધુ સામાન્ય ગણાય છે,તે પણ હવે બધુ ભૂલી ગઇ હશે ને લાઇફ પાર્ટનર શોધી લીધો હશે(.કાશ! એમ થયું હોત તો!)તો મારે તેની ચિંતા કરવાની જરુર નથી.એમ માની હું બિન્દાસ હતો.હા,મારું મન સતત ડંખતુ,તારો પ્રેમ ને વિશ્વાસજોઇ ને.તને કહેવાનો ઘણી વાર પ્રયત્ન કર્યો ..પણ્ હિંમત ન ચાલી.તું આ બધુ સાંભળી ને hurt  થઇશ..ને કદાચ સમજી કે સ્વીકારી ન શકે તો?તો આપણા બને ની સાથે આપણી લાડકી તનુ નું જીવન પણ …??.સતત એ ભય  નો ઓથાર મને મૂંઝવતો રહ્યો.તું કેટલી શ્ર્ધ્ધા,વિશ્વાસ થી  મને સમર્પિત હતી!હું એને લાયક કદાચ ન હતો એને પાપ તો નહીં જ કહું..અને સાવ સાચું કહું તો આજે યે જેના ને દિલથી તો નથી જ ભૂલી શક્યો..કેમકે  એક દિવસ મને ખબર પડી કે………

  જ્યારે તનુ ને યુ.એસ.ભણવા જવાનું થયું ને તે પણ મિશિગન માં જ….જ્યાં જેના રહેતી હતી જો એ ત્યાં હજુ હોય તો તનુ ને મદદરૂપ થઇ શકે એમ વિચારી ને તેના જૂના નંબર પર ફોન કર્યો.તેના મળવાની જોકે કોઇ આશા ન હતી.પણ …..પણ એ ત્યાં જ હતી.એજ નંબર પર વરસો પછી એનો અવાજ સંભળાયો.તે તો ખુશખુશાલ થઇ ગઇ અને ત્યારે મને ખબર પડી કે તે આજે યે એકલી જ છે.મારી યાદો ને તેણે જીવન બનાવી લીધું છે….તનુ ને તો તે પોતાની માનસપુત્રી માનતી હતી.હું હતપ્રભ થઇ ગયો.શું બોલવું એ પણ નહોતું સમજાતું.હું શું માનતો રહ્યો ને એ……..

  ખેર! અને પછી તો તનુ નુ બધુ કામ કેટલું આસાન થઇ ગયું..ને કેટલી ઝડપથી તેણે તનુ નું બધું કામ કર્યું  ને પોતાની સાથે જ રાખી……એ બધી તો તને પણ ખબર જ છે.ત્યારે મારા મિત્ર ની બેન છે એવો તેનો પરિચય આપી મારે તારી પાસે ખોટું બોલવું પડયું.અને એક અસત્ય ને ઢાંકવા તારા બધા પ્રશ્નો ના જવાબરૂપે અનેક અસત્યોની પરંપરા ચાલુ રહી.પણ તેં પૂરી શ્રધ્ધા થી મારી બધી વાત સાચી માની લીધી.કેટલો વિશ્વાસ હતો તને મારા પર!હું તો તને કે જેના ને કોઇ ને લાયક ન હતો.

   જેના વિશે જાણ્યા બાદ હું મારી જાત સામે અપરાધી બની ગયો.તારા વિશ્વાસઘાત નો ડંખ તો હતો જ …જેના ના સમર્પણે મને ગુનેગાર બનાવી દીધો.બેમાથી કોની માફી માગુ?શું પ્રાયશ્વિત કરુ? નેહા, શું કરું?’’

 બસ..લેટર કદાચ અધૂરો જ રહ્યો હતો.શાંત પાણી માં પથ્થર પડે ને વમળો ઉઠે એમ નેહા ની જિંદગી માં વમળો તો ઉઠયા પણ…પણ એ વમળો નું કેન્દ્ર જ ક્યાં રહ્યુ હતું? તે કોની પર ગુસ્સો કરે..કોની સાથે ઝગડે..કોને પૂછે..શું કરે?નિશીથે તેના પ્રેમ નો દ્રોહ કર્યો હતો?કેટલો વિશ્વાસ તેણે રાખ્યો હતો?કેટલો પ્રેમ કર્યો હતો?પોતે આવી ભૂલ કરી હોત તો શું નિશીથ તેને માફ કરે ખરો?પુરુષ માટે તે એક ભૂલ માત્ર હતી.જ્યારે સ્ત્રી માટે તે જ ભૂલ જિંદગી નો સૌથી મોટો ગુનો ગણાયો હોત.જેની સજા કદાચ તેને મ્રુત્યુ સુધી ભોગવવી ન પડત? અગ્ની પરીક્ષા તો યુગયુગ થી સ્ત્રીઓ માટે જ સર્જાણી છે ને?પ્રુરુષ નું રામ બનવું જરૂરી નથી.પણ સ્ત્રી એ તો સીતા બનવું જ રહ્યું.પુરુષ માટે પ્રેમ એટલે જિંદગી નો એક પ્રસંગ…કદાચ કોઇ માટે વધારે કે કોઇ માટે ઓછો મહત્વનો હોઇ શકે.પણ સ્ત્રી માટે તો પ્રેમ એ તેની જિદગી સ્વયં છે..એ પુરુષ કયારે ય સમજી શકશે ખરો?????????????

  કેટકેટલા વિચારો થી તે ઉભરાઇ ગઇ હતી.પણ હવે આ બધા આક્રોશ નો પણ અર્થ કયાં રહ્યો હતો?નિશીથ તો અલવિદા અચાનક કરી ગયો હતો.તેનો આક્રોશ બધો વાંઝિયો હતો.

 તનુશ્રી પપ્પા ના સમાચાર સાંભળી ને આવી ત્યાં સુધી કે પાછી ગઇ ત્યાં સુધી પોતાને આ વાત ની ખબર કયાં હતી? જેના નો ફોન ત્યારે આવેલ.તે પણ ખૂબ જ અપસેટ હતી.એ નેહા આટલે દૂરથી પણ અનુભવી શકી હતી.પણ નિશીથે અને તનુશ્રી એ જેના નું જે  સરસ ચિત્ર તેના મનમાં દોરેલુ..તેમાં એ તેને સ્વાભાવિક જ લાગેલું.ઉલટુ નિશીથ માટે ની તેની લાગણી જોઇ તેને સારુ લાગેલ. આમેય તેની પુત્રી ને મદદરૂપ થનાર માટે તેનામાં સ્વાભાવિક રીતે જ એક લાગણી હતી.

 પણ…પણ સાચી વાત ની ખબર તો તનુ ના ગયા પછી જ પડી.નેહા ના મન માં એક પછી એક દ્ર્શ્યો ચલચિત્ર ની જેમ સામે આવવા લાગ્યા.હવે?હવે શુ કરવું? કે શું કરવું જોઇએ?એને કંઇ સુઝતું નહોતું.
  તનુશ્રી અને જેના ના પણ ફોન સતત આવતા હતા.જેના એ સ્પોંસરશીપ ના કાગળો પણ મોકલી દીધા હતા.જવું કે ન જવું એ અસમંજસ માં હતી. પણ આખરે એને થયુ કે એક્વાર જઇ ને જેના ને મળવું તો ખરું જ.એને રૂબરૂ મળી ને જોવું છે કે આખરે એના માં એવું તે શું છે જેણે એના નિશીથ ને ભૂલાવી દીધો.

 અને ..અને ..આજે 1 મહિના થી તે જેના સાથે હતી.મનમાં ઘણું વિચારીને આવેલ..પણ……જેના ને મળી ને તેનો બધો ગુસ્સો.બધી ફરિયાદ.બધુ જ ક્યાં અદ્રશ્ય થઇ ગયું એની પોતાને યે ખબર ન પડી.કયાંથી પડે? જેના ના વ્યકતિત્વ માં જાણે એક પવિત્ર સુવાસ હતી.આ મૂર્તિમંત પ્રેમ ની પ્રતિમા આગળ કોઇ પણ પુરુષ ન પીગળે તો જ નવાઇ.તેના માં દિલ ની એક સચ્ચાઇ હતી.પ્રેમ ની ખૂશ્બુ હતી.કોઇ આશા.અપેક્ષા નહીં,,પૂર્ણ સમર્પણ હતું.એક નિ:સ્વાર્થ પ્રેમ ને તેણે યાદો માં જિવંત રાખ્યો હતો.અને એ યાદો ને સહારે જ તે જીવતી હતી.

 અને એ જીવન પણ કેવું હતું તેણે પોતાનું પૂરું જીવન અનાથ બાળકો ને સમર્પિત કરી દીધુ હતું .આખો દિવસ તે orphan home  માં જ વિતાવતી.બાળકો સાથે રમવું.તેમને ભણાવવું .જાતજાત ની પ્રવ્રુતિ ઓ માં  થી તેને સમય પણ ક્યાં મળતો હતો?કંઇ આડુ અવળું જોવાનો.તે તો તેમાં જ ખુશખુશાલ હતી.અને તનુશ્રી ના આવ્યા પછી તો તે તેની મા જ બની ગઇ હતી.

  જ્યારે જેના ને ખબર પડી કે હવે નેહા બધું જાણે છે ત્યારે તે રડી પડી હતી.બને સગી બહેનો ની માફક એક્બીજાને વળગી ને રડી હતી.એ આસું માં દિલની સચ્ચાઇ.પ્રેમ.વેદના ને ન જાણે શું શું હતું.!!નિશીથ ના પ્રેમ ને જેના એ સમસ્ત વિશ્વ માટે જાણે કરૂણા માં બદલી નાખ્યો હતો.અને હવે એ પ્રવાહ માં જોડાવા નું પ્રેમભર્યું આમંત્રણ તેણે નેહા ને પણ આપ્યું અને એક દિવસ જેના ની સાથે જઇ ને ત્યાં બધું જોયા ને અનુભવ્યા પછી નેહા ને પણ જાણે જીવનની નવી ને સાચી દિશા મળી ગઇ.જીવનની સાર્થકતા સમજાઇ ગઇ.અને કઇ ન જાણતી તનુશ્રી  તો બે મા નો પ્રેમ મેળવી ખુશખુશાલ હતી.ત્રણે નું જીવન સાચા અર્થમા જીવંત બની ઉઠયું ને દીપ થી દીપ પ્રગટે એમ કેટલાયે બાળકોના જીવનમાં પણ તેઓ ખુશી ના દીપ પ્રગટાવી શક્યાં.જે પોતે સભર હોય એજ બીજા ને કઇક આપી શકે ને?

  નિશીથ જો આ બધું જોઇ શકતો હોત તો?નિશીથની રુકમણિ તો નેહા હતી પણ રાધા તો જેના જ બની હતી.એ એહસાસ નેહા જાતે કરી રહી અને એ સમર્પણ  આગળ તે સહજતાથી ઝૂકી રહી.  

 

                                           નીલમ દોશી. 

8 thoughts on “રુકિમણી કે રાધા?

  1. આમાં મૂકેલ બધી વાર્તાઓ એક અથવા બીજા મેગેઝીનમાં છપાઇ ગયેલ છે.અને હવે પછી પણ પબ્લીશ થયેલ મારી વાર્તાઓ મૂકતી રહીશ.આપને ગમશે એવી આશા સાથે.આભાર

    Like

  2. પોતે સભર હોય એ જ બીજાને કૈંક આપી શકે..! ખરી વાત કહી.
    બે સ્ત્રીની નિષ્ઠા અને પુરુષનો વિશ્વાસભંગ વિચારણીય છે.
    આભાર.

    Like

Leave a reply to "UrmiSaagar" જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.