હાઇકુની સંગતે…. September 16, 2007
એક શહેર
પસાર ટ્રેનમાંથી
સ્થિર મનમાં
નાતો અતૂટ
વરસાદી સાંજનો
સ્મરણો ભીના
તન મંદિરે
મન સંસારમાં
હ્રદય કયાં?
છે તેનું સુખ
માણી શકે કેમ ન
માનવી કોઇ?
એક શહેર
પસાર ટ્રેનમાંથી
સ્થિર મનમાં
નાતો અતૂટ
વરસાદી સાંજનો
સ્મરણો ભીના
તન મંદિરે
મન સંસારમાં
હ્રદય કયાં?
છે તેનું સુખ
માણી શકે કેમ ન
માનવી કોઇ?
યાદમાં તારી
આંખે ગુલમહોર
લાલચટ્ટાક.
તારી વિદાય
પડઘાય અહીંયા
સુગંધ બની.
વાદળી જન્મે,
સાગરના ગર્ભમાં
પ્રસવે વર્ષા.
સન્ધ્યા ચાલી,
બચકીમાં બાંધી
સૂરાજ રાતો.
કેલેન્ડરનું
ફાટે પાનુ, કેટલું
લઇ સંગાથે ?
હાથની રેખા
કયાં છે કયારેય
નિજ હાથમાં ?
દીવા નીચે આ
સંતાયો અંધકાર
શોધે જયોત.
મીણબત્તીએ
રહ્યું પીગળવું જ
પ્રકાશ માટે.
આ વરસે છે
વરસાદ કે ભીની
કોઇની યાદ ?
તારું આવવું
ફૂટયા અંકુર આ
રેતીને હૈયે.
છેતરી શકો
ન કદી આયનાને
બોલે એ સત્ય.
તમારું મૌન,
ચૂપ આ મહેફિલ
જીવન કેરી.
દૂધમાં ભળી
સાકર જીવે,બની
મીઠાશ રૂપે.
આંગણુ વાળો
નિજનું,થાય વિશ્વ
ચોખ્ખું ચણાક.
ભાવ પૂછયૉ
ન ,જીવતાં ,લો થઇ
ઊભા પાળિયા.
લહેર નાની,
કરે ચૂરા,કઠણ
ખડક કેરા.
ચાલો, બાંધીએ
ભાથુ સ્નેહનું,બની
વિશ્વપ્રવાસી.
કુટિર નાની,
સામાન છલોછલ
કરીશું ખાલી ?
દરિયો તારો,
ઉછળે મોજા મારા,
નાખુદા કોણ ?
મનના તેજ
મબલખ,તમસ
આ શરમાય.
ઉઘાડ બારી,
લંબાવ હાથ,પળ
પારિજાતની.
નવો નક્કોર
આવ્યો કયાંથી હૈયે
આ કલરવ ?
સળવળે કૈં
ભીતરે ભીનું ભીનું
ઝળહળ હું.
રક્ત ગંઠાયું
કે ગંઠાઇ લાગણી ?
થીજતું હૈયુ.
હાર પે’રેલ
છબી અવતરે, થૈ
ગર્ભસ્થ શિશુ.
સમય સર્યો,
અવસર વીત્યો,આ
પડઘા એના
કાને ટ્કોરા,
અંતરે અજવાસ
પ્રતીક્ષાપળ.
લહેરખી આ
લાવી પૈગામ,ભીની
એક યાદનો.
ઝૂરતી રહી
હું ઘરની અંદર
ને તું બહાર ?
શબ્દના તીર
છૂટયા,અકબંધ
કેમ રે હૈયુ?
કાલે બનીશ
હું યે છબી રંગીન
ટાંગશો કયાં ?
કોઇ ની જીત
બે ધારી તલવાર
કોઇ ની હાર
તારી સ્મૃતિ, ને
મૌન ના એકાંતમાં
પાંપણે મોતી
ઝાલર ટાણુ
તારા પગનો રવ
મન ભીંજાણુ
સફર અહીં,
રસ્તો તો આ આટલો
પણ હું ક્યાં ?
કાળ અકળ
જાણી શકે ન કોઇ
મંઝિલ કયાં ?
વધે અપેક્ષા
સ્નેહ લાગતો ઓછો
કારણ મન.
બદલે દ્રષ્ટિ,
વિશ્વ સુંદર દીસે
ભરેલ પ્યાલે.
મનમર્કટ,
સાવ અકારણ એ
રડે ને હસે.