પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

બાબુભાઇએ પુસ્તક લખ્યું… July 4, 2008

બાબુભાઇ ખૂબ મહત્વાકાંક્ષી માણસ.અને મહેનતુ પણ ભારે. અને પાછા નીકળ્યા નશીબના બળિયા. પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનો જયારે સંગમ થાય ત્યારે વિધાત્રી નવેસરથી લેખ લખવા આવી જ પહોંચે ને ? અને નવેસરથી લખાયેલ એ લેખમાં બાબુભાઇના ચરણમાં લક્ષ્મી નો ભંડાર ભર્યો હતો..આમ તો તેમના ચરણમાં અને મસ્તકમાં એવા બીજા પણ ઘણાં ભંડાર ભર્યા હતા. જેની વિગતવાર વાત કરવી મને કયારેક જરૂર ગમશે. તમને વાંચવી પણ ગમશે જ…એમ દલા તરવાડીની જેમ માની લેવાનું આમે ય મને બહું ગમે. મનને ગમે તે કર્યે જવાનું, ફળની ચિંતા કર્યા સિવાય. ગીતામાં ભગવાને કહ્યું જ છે ને…ફળની આશા રાખ્યા સિવાય નિષ્કામ કર્મ કરવાનું…ગીતા એટલે અહીં ભગવદગીતા જ સમજવાનું હોં ! ( ગીતા નામની કોઇ છોકરીની વાત નથી.) જોકે આમ તો મને આપ જેવા સમર્થ વાચકોની બુધ્ધિ પર પૂરો વિશ્વાસ છે. છતાં સ્પષ્ટતા કરી લેવી સારી.

શ્રીમંત બનવાની બાબુભાઇની એક મહત્વાકાંક્ષા તો પૂરી થઇ. પણ માનવીની ઇચ્છાઓનો કયાં કદી અંત હોય છે ?

‘ એક પછી બીજી, ઇચ્છાઓ રોજ નવી અહીં ઠલવાય છે..’

ની જેમ. સમુદ્રમાં એક પછી એક મોજા જેમ ઉછળતા રહે તેમ માનવમનમાં પણ એક પછી એક ઇચ્છારૂપી મોજાઓ સતત ઊછળતા જ રહે છે. કોઇ આરા કે ઓવારા વિના ચારે તરફ પરથારા કરતાં રહે છે. જોકે એ ઇચ્છાઓ જ માનવી ને દોડતો રાખે છે..જીવંત રાખે છે એની ના પાડી શકાય ખરી ?

તો આપણા બાબુભાઇ પણ આ સામાન્ય નિયમમાંથી કેમ બાકાત રહે ? માનવી પાસે પૈસા આવી જાય પછી પૈસા તેને બહુ કામના નથી લાગતા. પૈસા તો હાથનો મેલ છે એ વિશે હવે તે આરામથી ભાષણ આપી શકવાની ક્ષમતા મેળવી લે છે. ( આ સર્વસામાન્ય નિયમ માંથી બાબુભાઇ બાકાત કેમ રહી શકે ? )

બાબુભાઇને પણ થયું કે પૈસા તો ઠીક મારા ભાઇ, પણ માનવી માં સંસ્કારિતા આવવી જોઇએ..આવે નહીં તો ચાલે પરંતુ દેખાવી તો જરૂર જોઇએ. નાનપણમાં ગોખેલ એક સંસ્કૃત શ્લોક તેમની સ્મૃતિમાં ઝબકી ગયો
“સાહિત્ય,સંગીત કલા વિહિન: સાક્ષાત પશુ: પુચ્છ વિષાન્હીન:” એટલેકે સાહિત્ય, કે સંગીત વિનાનો માનવી સાક્ષાત પશુ સમાન છે. અને બાબુભાઇને પશુ થવું કેમે ય ગમ્યું કે ફાવ્યું નહીં. તો હવે ? હવે તેમના ફળદ્રૂપ ભેજામાં તરત વિચાર આવ્યો….પુસ્તકો…યસ..પુસ્તકો…! ઘરમાં સારા પુસ્તકોનો કબાટ ભર્યા હોય તો પહેલી દ્રષ્ટિએ જ પ્રથમ દ્રષ્ટિના પ્રેમની જેમ ખ્યાલ આવી જાય કે આ કોઇ સંસ્કારી વ્યક્તિનું ઘર છે. શંકાને કોઇ સ્થાન જ નહીં ને ! પુસ્તકો ઘરમાં હોવા એ સંસ્કારિતાની પ્રથમ નિશાની છે. તો હવે ?

હવે પ્રથમ પગલું ભરવું કયાં અઘરું હતું ? પુસ્તકો વસાવવા એટલું જ ને ? વાંચવા કે નહીં એ તો અલગ વાત છે. અને એની કોને ખબર પડવાની છે ?બસ… ફટાફટ પુસ્તકો ખરીદાઇ ગયા. એમાં બાળઉછેરથી…કે પાકશાસ્ત્રથી માંડીને શ્રી ટાગોર, વિવેકાનન્દ, ગાંધીજી, કે રજનીશ સુધ્ધાં સરસ મજાના કબાટમાં શોભી ઉઠયા. ફેશન, ફિલ્મ, ફિલોસોફી.., રાજકારણ કોઇ વિષય બાકાત ન રહ્યા. ઓફિસના માણસો એ જે જે પુસ્તકોના લીસ્ટ આપ્યા તે બધા જ પોતપોતાની જગ્યા શોધી શો કેસમાં ગોઠવાઇ ને શોભી ઉઠયા..અને હવે બાબુભાઇ પૂરેપૂરા સંસ્કારી બની ગયા.!

હવે ? હવે સ્ટેપ બે….આટલું બધું ને આટલી બધી ભાષાઓના પુસ્તકો વાંચ્યા પછી અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી, તામિલ…આટઆટલી ભાષાઓનું સમૃધ્ધ સાહિત્ય વાંચ્યા કે વસાવ્યા પછી ? ( વાંચવું કે વસાવવું..બંને એક જ ને ? શો ફરક પડે છે ? ) આમેય બાબુભાઇને ગુજરાતી સિવાય બીજી ભાષા ન જ આવડતી હોય એ તો સામાન્ય બુધ્ધિની જ વાત છે ને ?
અને હવે બીજા પગલાં તરીકે બાબુભાઇ ને થયું કે ખાલી વાંચવાથી કંઇ ન વળે. લોકોને ખબર કેમ પડે ? એ માટે તો લખવું જ રહ્યું. લેખક બનીએ તો સમાજમાં કંઇક માન..સ્થાન મળે..(લેખકના માનપાન કેવા ને કેટલા હોય છે એ વિષે આપણે બાબુભાઇનો ભ્રમ શા માટે ભાંગવો ? )અને તેમને થયું કે લખવામાં વળી શું મોટી ધાડ મારી છે ? આટલા બધા પુસ્તકો કયારે કામ આવશે ?

અને તરત દાન અને મહાપુણ્ય ! ની જેમ શુભ વિચારને અમલમાં મૂકતાં બાબુભાઇને વાર કેટલી ? અહીંતો વિચાર આવે ને કલમ ચાલુ..બાબુભાઇની કંઇ વાત થાય ? બાબુભાઇ એ તો સાત આઠ પુસ્તકોમાંથી જે હાથ ચડયું..એ થોડું થોડું લઇને ઢસડી માર્યું એક દળદાર પુસ્તક.! લખવામાં વળી કંજૂસાઇ કેવી ?

પુસ્તક તૈયાર થઇ ગયું.અને બાબુભાઇ જીવનની પરમ કૃતાર્થતા અનુભવી.ધન્ય ધન્ય થઇ ગયા. આજની ઘડી રળિયામણી..ખુશખુશાલ થઇને હરખથી છલકતા હૈયે બાબુભાઇ પુસ્તક સામે જોઇ જોઇને ગાતા રહ્યા. બચીબહેન ડર લાગ્યો કે આમ જ કયાંક…..

પણ પુસ્તક લખવાથી શું વળે ? એ છપાવું પણ જોઇએને ? નહીંતર લોકોને બાબુભાઇ જેવા મહાન લેખકની જાણ કેમ થાય ? જોકે છપાવવું એ તેમને મોટી વાત કયાં હતી ? પૈસા દેખી મુનિવર ચળે એ કંઇ અમસ્તુ કોઇએ થોડું કહ્યું હશે ? તો પ્રકાશક વળી કઇ વાડીનો મૂળો ? શેઠ બાબુભાઇને કોણ ના પાડે ? શા માટે ના પાડે ?

પણ ના, બાબુભાઇને થયું કે એમ ઉતાવળે આંબા ન પાકે.. એમ તો બાબુભાઇ વિચાર્યા સિવાય કંઇ ન કરે.તેમને થયું એમ તરત ન છપાવાય.દરેક મહાન લેખક કેટલા વરસોની મહેનત બાદ..સુધારીને ..વારંવાર મઠારીને પછી જ પુસ્તક બહાર પાડે છે.( આ બાબુભાઇએ કયાંક ભૂલથી વાંચી લીધું હતું ) તેથી તેમને થયું કે મારાથી ભલે ગમે તેટલી ઝડપે મહાન કૃતિ સર્જાઇ ગઇ હોય..પણ્ એમ ઉતાવળ ન કરાય.પહેલાં તેને બરાબર મેચ્યોર થવા દેવી જોઇએ.

બાબુભાઇએ તો પુસ્તકને મેચ્યોર થવા માટે , પરિપકવ કરવા માટે તાળા ચાવીમાં..મોટા કબાટમાં રાખી દીધું.

જોકે તેમનો જીવ થોડો અધૂરિયો ખરો..બહું ધીરજ રહે નહીં. થોડા દિવસો માંડ માંડ કાઢયા. રોજ કબાટ ખોલીને જોઇ લે.પાંચ સાત દિવસ તો કાઢયા..પછી થયું કે આ ફાસ્ટ જમાનામાં એક પુસ્તકને પરિપકવ થતાં આટલો બધો સમય થૉડો લાગે ?તેથી પોતાનું પુસ્તક હવે છપાવવાને લાયક થઇ ગયું છે એમ જાતે જ સ્વીકારી લઇ..(દલા તરવાડીએ બધાને સારી સગવડ કરી આપી છે ને ? ) તેમણે હોંશે હોંશે પ્રકાશક ને આપ્યું. પુસ્તક વાંચી તે બેભાન થઇ ઢળી પડવાની તૈયારીમાં જ હતા. પણ ત્યાં બાબુભાઇની પૈસાની મસમૉટી કોથળીની મધમીઠી સુવાસે તે બેહોશ થવાને બદલે જાતે જ પુસ્તક છાપવા બેસી ગયો !

બાબુભાઇ તો છુટે હાથે..પરમ ઉદારતાથી ..પોતાના પુસ્તકની લહાણી કરવા માંડી. એટલે એ અદભૂત પુસ્તકની એક મહિનામાં જ બીજી આવૃતિ છાપવી પડી. બધા પસ્તીવાળા સુધ્ધાં પાસે આ પુસ્તકની એક એક નકલ પહોંચી ગઇ.અને સીંગ દાળિયાના પડીકામાંથી પણ દરેકને બાબુભાઇની પ્રતિભાનો લાભ મળવા લાગ્યો કોઇ સગા સ્નેહીઓ તેને ઘેર આવતાં પણ ગભરાતા હતાં. વળી પુસ્તકની એકાદ નકલ લઇ જવી પડશે ને ખોટા વખાણ કરી કરી ને થાકી જવાશે..જોકે કોઇ ન જાય એથી કંઇ ફરક નહોતો પડવાનો એ અલગ વાત હતી. કેમકે બાબુભાઇને પોતાને ઘેર આવતાં તો રોકી શકાય નહીં.

હવે બાબુભાઇને થયું કે આટલા ઓછા સમયમાં જે પુસ્તકની બીજી આવૃતિ છાપવી પડે તેને એકાદ એવોર્ડ ન મળે એ કેમ ચાલે ? આવું મહાન પુસ્તક એકાદ ઇનામમાંથી યે જાય ? તો હવે બાબુભાઇ એવોર્ડની વ્યવસ્થામાં પડયા. બહુ તપાસ કર્યા બાદ તેમને જાણ થઇ કે એવોર્ડ કયાંય વેચાતો મળશે નહીં..પણ બાબુભાઇને એથી બહુ ફરક કયાં પડ્વાનો હતો ? તેમના ફળદ્રૂપ ભેજામાં મૌલિક આઇડીયાઓની કયાં કમી હતી ?તેમને તરત સ્ફૂર્યું..આડીઅવળી મહેનત કરવને બદલે પોતે જ એકાદ એવોર્ડની વ્યવસ્થા કરી નાખવી સારી. માથાકૂટ જ નહીં. ‘અપના હાથ જગન્નાથ..’ કોઇને મસકા મારવાની લાચારી કરતાં પોતાનું કામ જાતે કરી લેવું સારું. બાબુભાઇમાં ખુદનો ભરોસો એટલો બધો કે તેમને ખુદાના ભરોસાની જરૂર જ ન પડે ને ? એકલો જાને રે આપણે તો ખાલી વાંચેલ કે સાંભળેલ ..બાબુભાઇ તો બધી વાતનો અમલ કરવાવાળા. ફટાફટ તેમણે “ બાબુભાઇ સુવર્ણચન્દ્રક ‘ટ્રસ્ટની સ્થાપના કરી નાખી. જેના અન્વયે દર વરસે એક શ્રેષ્ઠ પુસ્તકને આ એવોર્ડ એનાયત કરવામાં આવવાનો હતો. શ્રેષ્ઠ પુસ્તકના નિર્ણય માટે એક કમિટિની પણ વિધિવત રચના કરવામાં આવી. બાબુભાઇનું કામ બધું પરફેકટ હોં. ગમે તેમ ચલાવી ન જ લેવાય ને ?આ કમિટિમાં બાબુભાઇ, તેમના ધર્મપત્ની બચી બહેન ,( તેમને ગુજરાતી વાંચતા બરાબર નહોતું આવડતું એ અલગ વાત છે ) અને બાબુભાઇની ઓફિસનો મેનેજર,એમ ત્રણ જણા નિર્ણાયકો હતાં. અને ઘણાં બધા પુસ્તકોની આકરી સમીક્ષા કર્યા બાદ કમિટિએ સર્વાનુમતે જાહેર કર્યું કે એકમાત્ર બાબુભાઇ જ આ ઇનામને પાત્ર ઠરે છે. આ જાહેરાતને બાબુભાઇએ પરમ વિનમ્રતાથી સ્વીકારી લીધી. હવે આ માટે તો બાબુભાઇનું સન્માન થવું જ જોઇએ ને ? તેમની ઓફિસનો આખો સ્ટાફ આ મહોત્સવની તૈયારીમાં લાગી ગયો.

બાબુભાઇને શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું.તેથી સૌ પ્રથમ શાલની પસંદગી ચાલી. કાશ્મીરી વણાટની મુલાયમ ,રેશમી શાલ આવી ગઇ.અને બાબુભાઇએ ખભ્ભે નાખી ને જોઇ પણ લીધી કે પોતાને કેવી શોભે છે !

અને દબદબાભર્યા સમારંભમાં જયારે એ શાલ બાબુભાઇને ઓઢાડવામાં આવી ત્યારે ખબર નહીં કેમ પણ જેટલી થવી જોઇએ તેટલી પ્રસન્નતાનો અનુભવ તેમને થયો નહીં.!! છતાં બાબુભાઇ તો મનના મોટા. શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ લઇ વિજયી મુદ્રા સાથે બાબુભાઇ ઘરે આવ્યા..અને હવે આગળ શું કરવુ જોઇએની વિચારણા તેમના મગજમાં ન ચાલે એવું તો બને જ નહી ને ? તેમને થયું ..દેશમાં તો ઠીક પણ વિદેશમાં કોઇ સાહિત્યસભાનું કે એવું કોઇ આમંત્રણ મળી જાય તો …! વાહ કયા કહેના !

અને પૈસો હોય તો શું નથી થઇ શકતું ? પછી બાબુભાઇ કેવી રીતે વિદેશમાં પહોંચ્યા..અને ત્યાં શું કર્યું..એ બધી વાતો અત્યારે કહેવાની ફુરસદ બાબુભાઇ પાસે નથી જ. કેમકે હમણાં તેઓ બીજા એક પ્રોજેકટમાં વ્યસ્ત છે. તેમણે સાંભળ્યુ છે કે સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મળે છે. હવે એ ગુજરાતી પુસ્તકને મળી શકે કે કેમ ? અને એ માટે શું કરવું જોઇએ..કયા કયા પગલા લેવા જોઇએ..એના સંશોધનમાં બાબુભાઇ વ્યસ્ત છે.

કોઇ મદદ કરી શકો તેમ છો ? ?

 

શરતનો ભંગ…. June 26, 2008

એક શમણું સાકાર થયાની ધન્ય પળ…! જે શમણાની પ્રતીક્ષા કાગડૉળે વીસ વીસ વરસથી કરી રહી હતી તે આજે સાકાર થયું હોવાની સાબિતિ આપતો રજીસ્ટર્ડ પત્ર અને સુંદર મેડલ પુનિતાના હાથમાં હતો. અને પુનિતા મૂઢની માફક તે હાથમાં લઇ ને બેઠી હતી..ખોલવાની દરકાર સુધ્ધાં કર્યા સિવાય..કદાચ પરમ આનંદ કે પરમ વિષાદની ક્ષણોમાં માનવી આમ જ…! જોકે એકાદ ક્ષણ તો પુનિતાને થયું..પોતે દોડીને પુત્રીના રૂમનું બારણું જોશથી ખખડાવે..ઢંઢોળીને, હલબલાવીને ઉંઘણશી પુત્રીને બૂમો પાડી ને જગાડે. અને મા દીકરીના હર્ષના સ્વરો દિગંતમાં રેલાઇ રહે.. તે સોફા પરથી ઉભી થવા ગઇ.પણ…

’ના,ના, બિચારી ભલે સૂતી.વરસોથી તેને ઉઠાડતી જ આવી છું ને ?વીસ વરસોથી એ જ કામ કર્યું છે ને ? આજે ભલે નિરાંતે સૂઇ ને થાક ઉતારે..આમ પણ તેની હમેશની ફરિયાદ હતી… ’મમ્મા, તું મને કયારેય નિરાંતે સૂવા નથી દેતી…પ્લીઝ…આજે છુટ્ટી…’ જો કે એ છુટ્ટી મમ્માની કોર્ટમાં કયારેય મંજૂર નહોતી થતી…પણ બધે કંઇ મમ્માની કોર્ટ થોડી જ હોય છે ? અને પુત્રી એ માટે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચશે એવી તો કલ્પના યે અશકય હતી ને ?

જોકે એમાં પુત્રીનો બહુ દોષ કાઢી શકાય તેમ હતું નહી.પાંચ વરસની પ્રાચીએ સ્કૂલમાં પ્રથમવાર ડાન્સ કરેલ..ત્યારે લયમાં થિરકતા તેના પગનેજોઇ તેના ડાન્સ ટીચરે કહેલ, ’ આ છોકરીમાં ભવિષ્યની મહાન નૃત્યાંગના થવાના બીજ પડયા છે. જો એને અનુકૂળ ખાતર પાણી મળશે તો તે એક દિવસ જરૂર નામ કાઢશે..એને કોઇ રોકી નહીં શકે..’ કેટલી સાચી વાત કહી હતી..કોઇ એને કયાં રોકી શકયું હતું ? અને એ દિવસે સ્કૂલના હોલમાં તાળીઓના ગડગડાટ અને અભિનંદનની હેલીઓની વચ્ચે પુનિતા અને સંકેતની આંખોમાં વહાલી પુત્રીના ભાવિના શમણા અંજાયા હતા. પહેલું ઇનામ લેવા જતી નાનકડી પુત્રી વિશ્વની સર્વશ્રેષ્ઠ નૃત્યાંગનાનો એવોર્ડ લેતી હોય એ દ્રશ્ય જ તેમની નજર સામે તો તરવર્યું હતું. જોકે નાનકડી પ્રાચીને તો શમણુ એટલે શું એ પણ કયાં જાણ હતી ? પરંતુ એ પછી પ્રાચીને એટલી જાણ જરૂર થવા પામી હતી કે હવે તેણે રોજ સવારે વહેલા ઉઠીને ડાન્સ ટીચર પાસે નૃત્યો શીખવાના છે. સ્કૂલેથી આવી જલદી જલદી જમી ને ડાન્સીંગ કલાસમાં જવાનું છે. અને સૂતા પહેલા ફરી એકવાર નેટ પ્રેકટીસ..રિયાઝ કરવાનો છે. શરૂઆતમાં પ્રાચી થોડી આનાકાની કરતી..પણ પપ્પા, મમ્મી કયાં માને તેમ હતા ? અને પછી પ્રાચીએ પોતાની ઇચ્છા છોડી મમ્મીની ઇચ્છાને સ્વીકારી લીધી હતી. મમ્મી, પપ્પા કહે તેમ કરવાનુ.

અને જીવનમાં કશું પામવા માટે કશું ગુમાવવું પણ પડે જ છે ને ? એ સત્ય ત્યારે માતા અણસમજુ પુત્રીને સમજાવતી હતી. અને આજે…? શું ગુમાવવું વ્યાજબી ગણાય એની કોઇ વ્યાખ્યા ખરી કે નહીં ? એ કોણ નક્કી કરી શકે ?

સપના સાકાર કરવા સખત મહેનત, શિસ્ત જરૂરી છે ..એ સત્યથી પુનિતા કે સંકેત થોડા અજાણ્યા હતા ? પ્રાચી તો નાની હતી..તેને થોડી સમજણ પડે ?તેને તો નિરાંતે ઉંઘવું હોય..રમવું હોય..બહેનપણીઓ સાથે તોફાન મસ્તી કરવા હોય..પણ એ તો અબૂધ હતી…જેને કશું કરવું છે તેને સમય વેડફવો થોડો પાલવે ?અને તેથી જ તો પુનિતા કયારેય પુત્રીને સમય વેડફવા નહોતી દેતી. બાળકને પોતાના ભવિષ્યની સમજ ન હોય એ સ્વાભાવિક છે. એ જવાબદારી તો જાગૃત માતા પિતાની જ હોય ને ? અને પુનિતા અને સંકેત પોતાની એકની એક વહાલસોયી પુત્રી માટે પૂરા જાગૃત હતા જ. તેઓ થોડા અભણ..અશિક્ષિત હતા ? અને મહેનત વિના કોઇ શમણા કયારેય સાકાર થયા છે ખરા ? અને પ્રાચીની સાધના અવિરત ચાલુ રહેતી.અને થોડી સમજણી થતાં માતા પિતાએ પુત્રીની આંખોમાં પણ એ શમણા ઉછેરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.જોકે ખાસ સફળતા મળી નહોતી.. પરંતુ વિરોધ પ્રાચીની પ્રકૃતિમાં જ નહોતો. તેથી મમ્મીની ઇચ્છા મુજબ પ્રાચી ઘૂંઘરું પહેરી આખો દિવસ થિરકતી રહેતી. આ ક્ષણે પણ એ થિરકાટ ચાલુ છે કે શું ?

પુનિતાએ ધીમેથી કાન મંડયા.. ઘૂંઘરુનો અવાજ પ્રાચીના રૂમમાંથી આવી રહ્યો હતો કે શું ? એ ભ્રમ પણ કેટલો મીઠો…! જોકે પ્રાચીને ઉઠાડવામાં તેને બહુ મહેનત કરવી પડતી. વહેલી સવારે ઉઠવું તેને જરા પણ ગમતું નહીં..’મમ્મા, પ્લીઝ..સૂવા દે ને…બહુ ઉંઘ આવે છે..રજાઇ માથા સુધી ખેંચી પ્રાચી અંદરથી બોલતી… અને રજાઇ ખેંચી લેતા મમ્મી બોલતી, ‘બેટા, અત્યારે મહેનત કરીશ તો જ ભવિષ્યમાં શાંતિથી સૂવા મળશે…’ માનવી ઘણીવાર અજાણતા પણ જીવનના કેટલાક સત્યો બોલી જતો હોય છે.. ’બેટા, એક દિવસ તું મહાન નૃત્યાંગના બનીશ..વિશ્વમાં તારું એક નામ અને સ્થાન થશે..અમે તારા મમ્મી, પપ્પા તરીકે ઓળખાવાનું ગૌરવ લેશું…આપણું ઘર મેડલોથી ભરાઇ રહેશે…પુનિતાની નજર ઘરમા ફરી વળી..ઘર ખરેખર મેડલોથી ભરાઇ ગયું હતું…પણ….

’બેટા, અત્યારે તને થોડી તકલીફ પડશે પણ પછી જીવનભરની નિરાંત..’ ’જીવનભરની નિરાંત..! ‘ આ શબ્દો પુનિતાના અસ્તિત્વમાં અટ્ટહાસ્ય કરી ઉઠયા કે શું ?

આજ્ઞાંકિત, ડાહી પુત્રી માતા, પિતાની આંખોના શમણા સાકાર કરવા પગમાં ઘૂંઘરુ બાંધી થિરકતી રહી…એક અવિરત સાધના ચાલુ રહી. પુનિતા પણ તેની પાછળ બધું ભૂલી ગઇ હતી. પુત્રીની તપસ્યામાં તે સતત સાથે રહી હતી. એક માત્ર લક્ષ્ય..જ તેને સામે દેખાતું હતું. જો કે સંકેત કયારેક કહેતો,’તું એને થોડો થાક તો ઉતારવા દે..એક પછી એક કાર્યક્રમ ગોઠવ્યા જ કરે છે…’ અને પુનિતા કહેતી,’અત્યારે મહેનત નહીં કરેતો બુઢ્ઢા થયા પછી કરશે ? અને કેટલાયે ઉદાહરણોના શ્રોતા પુત્રી અને પિતા બની રહેતા.જો કે ન જાણે કેમ પણ પ્રાચીને કયારેય એવી કોઇ મહાત્વાકાન્ક્ષા જાગી જ નહીં. કયારેક ડાન્સ કરવો તેને ગમતો..પણ તેનું સપનુ તો હતું ગળામાં સ્ટેથેસ્કોપ લટકાવી ડોકટર બની દર્દીઓને તપાસી તેમની સેવા કરવાનું. નાની હતી ત્યારે એકવાર તેને ખૂબ તાવ આવેલ અને ડોકટરને ઘેર બોલાવેલ તેને જોઇ ત્યારથી નાનકડી પ્રાચીની આંખોમાં ડોકટર થવાના ઓરતા ઉછરતા હતા..તેને ખૂબ ભણવું હતું.. ’ મમ્મા, કાલે મારી પરીક્ષા છે.આજે પ્રેકટીસ નહીં કરું તો નહીં ચાલે ? આજે ડાન્સ ટીચરને ના પાડી દે ને..પ્લીઝ..’ ’અરે, બેટા, તું તો હોંશિયાર છે..તું પાસ થવાની જ છે એમાં મને કોઇ શંકા નથી..પહેલો નંબર ન આવે તો આપણે કયાં એવી કોઇ કેરીયર બનાવવી છે ? તારી કેરિયર માટે જે જરૂરી છે એનું જ ધ્યાન તારે તો રાખવાનું.. અર્જુનને જેમ પક્ષીની એક આંખ જ દેખાતી હતી તેમ તને પણ ડાન્સ સિવાય કશું દેખાવું જ ન જોઇએ..’ અને પુનિતાને તો કયારેય એ સિવાય કશું દેખાતુ જ કયાં હતું ? અને પ્રાચી બોલી ન શકી કે તેને તો..ડોકટર થવું છે…લોકોની સેવા કરવી છે. તેણે પોતાના શમણાઓ મમ્મીની ઇચ્છામાં ઓગાળી નાખ્યા હતા.

દિલ્હીમાં યોજાયેલી નૃત્યની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રાચીનું નોમીમેશન થયું ત્યારે પુનિતાને મંઝિલ સામે આવતી દેખાઇ.તેની હોંશ…ખુશાલી ચરમ સીમાએ પહોંચી હતી. પુત્રી માટે ગૌરવ અનુભવી તે સાતમા આસમાને વિહરતી હતી. બસ..હવે તો એક પછી એક દરવાજા આપોઆપ ખૂલતા જશે..આમ તો પતિ,પત્ની બંને પુત્રીની સાથે દિલ્હી જવાના હતા. પરંતુ આગલે દિવસે અચાનક લપસી જવાથી પુનિતાના પગમાં પ્લાસ્ટર આવ્યું. અને તેથી પુત્રી પપ્પા સાથે જ ગઇ. જોકે મમ્મીને મૂકી ને જવાની તેને જરાયે ઇચ્છા નહોતી. મમ્મીને મૂકીને જવા માટે તેનું મન માનતું નહોતું. પણ…મમ્મીના આગ્રહને હમેશની માફક આજે પણ તે ટાળી શકી નહીં. અગણિત સૂચનાઓ આપી..પતિને બધી વાતની સંભાળ રાખવાનું કહી, તે મન મનાવી રહી.આમ તો હમેશા કોઇ પણ સ્પર્ધા વખતે પુનિતા પુત્રીની સાથે જ રહેતી. શહેરમાં..જીલ્લા કક્ષાએ, રાજય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ જયાં પણ પ્રાચી જાય ત્યાં તે પડછાયાની જેમ પુત્રી સાથે રહેતી. જેથી તેનો આત્મવિશ્વાસ ડગે નહીં. અને હમેશા ઇનામો લઇ આવતી પુત્રીને જોઇ એક મા હરખી રહેતી. અને આજે આવડી મોટી સ્પર્ધા છે ત્યારે…? પણ શું થાય ? કોઇ ઉપાય નહોતો.

પુત્રીને કપાળે કુમકુમ ચાંદલો કરી, દહીં,સાકર ખવડાવતા તેની આંખોમાંથી વહેતા શ્રાવણ ભાદરવાને જોઇ સંકેત બોલ્યો,’તારી પુત્રી કંઇ સાસરે નથી જતી..’ પુત્રીને વળગી..સ્નેહથી તેને માથે હાથ ફેરવી, મન કઠણ કરી પુનિતાએ દીકરીને વિદાય આપી, રડતી મા ને જોઇ પ્રાચીને ફરી એકવાર થયું કે મમ્મીને કહી દઉં..’ મમ્મી, જવા દે ને..બીજી વખત કયારેક સ્પર્ધામાં જશું. તારા વિના મને પણ મજા નહીં આવે. પરંતુ બોલવાનો કોઇ અર્થ નહોતો..એ પોતે કયાં નહોતી જાણતી. ’મમ્મી, ત્યાંથી આવીને બે દિવસ સુધી ખાલી સૂવાની છું હોં ! નિરાંતે વરસોનો થાક હું ઉતારવાની છું. બે મહિના કોઇ પ્રોગ્રામ નહીં. બસ..તારી સાથે નિરાંતે વાતો કરવી છે. અને તે પણ સૂતા સૂતા હોં..અને તારે બિલકુલ ઉઠાડવાની નહીં. પ્રોમીસ ?

પુનિતા એ હસતાં હસતાં પ્રોમીસ અપ્યું.’બેટા, તેં જીતી લાવેલ મેડલ હું ગર્વથી જોતી રહીશ અને તું નિરાંતે સૂજે બસ…? તારી ઇચ્છા થાય ત્યારે ઉઠવાનું ખુશ ? આટલા વરસો તને રોજ પરાણે ઉઠાડી છે ને ? હવે તારી જાતે તને ઇચ્છા થાય ત્યારે ઉઠજે. મમ્મી તારા પલંગ પાસે બેસીને તારા ઉઠવાની પ્રતીક્ષા કરશે..’ પુનિતા લાગણીશીલ બની ઉઠી. પુત્રીને પોતે કયારેય નિરાંતે સૂવા નથી દીધી..એ ખ્યાલ કદાચ આજે પુત્રીની વાત સાંભળી ને આવ્યો હતો કે શું ?

અને ત્રણેની આંખો ધૂંધળી બની.

બાપ દીકરી નજરથી અદ્ર્શ્ય થયા ત્યાં સુધી પુનિતાની આંખો તેને સ્નેહથી નીરખી રહી.

પુત્રી વિનાનું એ અઠવાડિયું હતું કે એક આખો યુગ..?

પુત્રીની ગેરહાજરીમાં તેનો રૂમ સાફ કરાવતાં અચાનક તેના રૂમમાંથી તેની એક નોટમાં થોડું લખાણ પુનિતાની નજરે ચડયું. એ શબ્દો આ ક્ષણે પણ તે અક્ષરશ: બોલી શકે તેમ છે. કયારેય ભૂલી શકે તેમ નથી..કયારેય નહીં… ” મમ્મી હમણાં આવશે મને ઉઠાડવા..પણ મને જરા પણ ઇચ્છા નથી થતી આજે ઉઠવાની..કયારેય નથી થતી.. પણ મારું ચાલવાનું નથી એની પણ મને ખબર છે જ ને ? મારે તો ભણવું છે..ખૂબ ભણવુ છે..પણ મમ્મી, પપ્પા મને કેટલો પ્રેમ કરે છે..હું તેમની એક માત્ર દીકરી..તેમના શમણા પૂરા કરવા એ મારી ફરજ ખરી કે નહીં ?મમ્મી, હુ તારી..તમારી ઇચ્છા જરૂર પૂરી કરીશ. એક દિવસ મહાન નૃત્યાંગના બનીશ..ખૂબ બધા એવોર્ડો જીતીશ..તારે મારા નામથી ઓળખાવું છે ને મમ્મી ? તું જરૂર ઓળખાઇશ..પણ પછી મારી એક શરત…મને નિરાંતે સૂવા દેવાની હોં..મારે ખૂબ ઊંઘવું છે.. તે દિવસે મારી રજાઇ ખેંચીશ નહીં ને ?..

બસ આટલું જ લખેલ હતુ..કયારે..કઇ પળે લખાયેલ હતું આ બધું..કદાચ દિલ્હી ની સ્પર્ધામાં જવાને આગલે દિવસે..
અને તે વાંચી પુનિતાની આંખો અનરાધાર વરસી રહી.

‘બેટા, કયારેય તારી રજાઇ…નહી ખેંચુ..કયારેય નહી..પણ બેટા,સામે મારી પણ એક શરત છે.. તું મારી ડાહી પુત્રી છે..હમેશા તેં મારી વાત સ્વીકારી છે.. માની છે. આજે પણ માનીશ ને?હું રજાઇ ન ખેંચુ તો પણ તારે પછી તારી જાતે ઉઠવાનું તો ખરું હોં…
ઉઠીશ ને ? ઉઠીશ ને ?

પુનિતાની આંખો બહાવરી ચકળવકળ બની રૂમમાં ઘૂમી રહી. દોડીને તે પુત્રીના રૂમમાં ગઇ. પુત્રી શરતનો ભંગ કરે તે કેમ ચાલે ? તેણે જોશથી ફરી એકવાર પુત્રીની રજાઇ ખેંચી… અને તેના ડૂસકાના સ્વર દિગંતમાં રેલાઇ રહ્યા..

દિલ્હીમાં શ્રેષ્ઠ નૃત્યાંગનાનો એવોર્ડ જીતી પાછા ફરતા થયેલ એક અક્સ્માતમાં ….

 

સંબંધસેતુ..15 June 24, 2008

સંબંધોના અર્થ કદી બદલાયા કરે
ઉઘડે જો આંખ મર્મ સમજાયા કરે

કયારેક કોઇ પળે અમુક સંબંધો અર્થહીન લાગે છે. દ્રષ્ટિ બદલાતી રહે છે.સન્દર્ભો બદલાતા રહે છે. સમયની સાથે સાથે જીવનમાં પરિવર્તન આવતા રહે છે. એક જ વ્યક્તિ માટે દરેકના અભિપ્રાયો અલગ અલગ હોઇ શકે છે. મા તરીકે ખૂબ પ્રેમાળ સ્ત્રી સાસુ તરીકે એટલી પ્રેમાળ રહે જ એ જરૂરી નથી હોતું. કોઇ પણ સંબંધ માટે આ એક હકીકત છે. એક જ વ્યક્તિના કેટલાયે અલગ રૂપો હોય છે. અને એ સ્વાભાવિક પણ છે. એક વ્યક્તિ મા તરીકે અલગ,બહેન તરીકે અલગ..પત્ની તરીકે અલગ.. પુત્રી તરીકે અલગ , વહુ તરીકે અલગ..પિતા તરીકે..ભાઇ તરીકે..પુત્ર તરીકે..દરેકનો રોલ અલગ જ રહેવાનો..એ સમજી શકાય તેવી વાત છે.

આજે કંઇક આવી જ એક વાત નજર સામે તરવરી રહી છે. દરેક સ્ત્રીની જેમ કેતાબહેને ખૂબ હોંશથી..ધામધૂમથી દીકરાના લગ્ન કરી પૂત્રવધૂ ઇશાને હોંશથી ઘરમાં આવકારી. આટલા વરસો સુધી પોતે જવાબદારી સંભાળી હવે વહુ જાણે અને તેનું ઘર જાણે..કહી બધું વહુને સોંપી પોતે પોતાના વાંચવા લખવાના શોખમાં પ્રવૃત થઇ ગયા. આમ તો વહુ ઉપર ખાસ કોઇ કચકચ કરતા નહીં. વહુ પણ નોકરી કરતી હતી. ઘરની અને બહારની બંને જવાબદારી તેણે સારી રીતે સંભાળી લીધી હતી. સવારે દસ વાગ્યે તેને નીકળી જવું પડે…સવારના ચા નાસ્તાનું પતાવી જલદી જલદીથી રસોઇના કામમાં લાગી જાય…ઓફિસ નજીક હતી તેથી બપોરે લંચ અવરમાં ઘેર આવી રોટલી બનાવી સાસુ વહુ જમવા બેસે. કેતાબહેન રાહ જોઇને જ બેઠા હોય. બાપ દીકરો બંને તો ટિફિન લઇને નીકળી ગયા હોય તે છેક સાંજે આવે. તેથી બપોરે તો સાસુ વહુ બે જ હોય. કયારેક આવવામાં ઇશાને મોડું થાય ત્યારે તે માંડ માંડ પહોંચી શકે..ત્યારે તેને થાય કે મમ્મી ચારપાંચ રોટલી ન બનાવી શકે ?..તેમને શારીરિક કોઇ તકલીફ હતી નહી..તેથી ધારે તો જરૂર બનાવી શકે તેમ હતા..પરંતુ સાસુ હતાને…? પહેલેથી એવી આદત પાડીશ તો હમેશ માટે બધું મારી ઉપર જ આવી જશે.એમ વિચારી કેતાબહેન કયારેય કોઇ કામ હાથમાં લે નહીં.અન્યના સાંભળેલા…જોયેલા અનેક અનુભવો પરથી તેમણે કદાચ આ નક્કી કરેલું હતું. જોકે ઇશાથી પહોંચી ન શકાય તો ઇશાને કહી દે કે રોટલી વિના ચાલશે..પણ બનાવે તો નહીં જ.. કોઇ કચકચ વિના ચલાવી જરૂર લે…પણ કરાવવાની વાત નહીં જ. સગા સંબંધીઓની વણમાગી સલાહો નો અમલ તો કરવો રહ્યો ને..?

..રાત્રે ઇશાને સૂવામાં હમેશા મોડું થાય કેમકે તેના પતિ સાગરને આવવામાં મોટે ભાગે લેઇટ થાય એટલે તેને જમાડી..બધું પતાવી ઇશા સૂવા જાય ત્યારે હમેશા રાતના 11 વાગી જ ગયા હોય. અને સવારે કેતાબહેનને વહેલા ઉઠવાની આદત..અને ઉઠીને ચા પણ પહેલા જોઇએ..પર્ંતુ જાતે બનાવીને પી લે તો સાસુ કેમ કહેવાય? એટલે ઇશાને જલદી જલદી ઉઠી જ જવું પડે. ઇશા સંસ્કારી હતી તેથી કશું બોલ્યા સિવાય કરતી તો ખરી..પણ કયારેક મનમાં અકળાતી પણ ખરી જ. પરંતુ કોને કહે…? પતિને કહી ઘરની શાંતિ ભંગ થાય તેવું તે ઇચ્છતી નહીં..થોડું કામ જ વધારે કરવું પડે છે ને..બીજી કોઇ તકલીફ તો નથી ને? એમ વિચારી..મન મોટું રાખી તે મૌન રહેતી. જોકે નીરવભાઇ ઘણીવાર પત્નીને કહેતા સવારે થોડી વાર વહુને મદદ કરાવતી હો તો ઇશાને થોડી રાહત રહે.

’ પણ બૈરાની વાતમા તમને સમજ ન પડે ‘ કહી કેતાબહેન તેમને ચૂપ કરી દેતા..અને ઘરનું ગાડુ ગબડયા કરતું..

હમણાં કેતાબહેન પુત્રીને ઘેર આવ્યા હતા.પુત્રી પણ નોકરી કરતી હતી. તેના ઘરમાં સાસુ કે કોઇ નહોતું. પતિ, પત્ની બે જ હતા. અહી કેતાબહેન સવારે જાતે પોતાની ચા બનાવી લેતા. પુત્રી હક્કથી કહી શકતી ‘ મમ્મી મારે પણ તારા હાથની ચા પીવી છે હોં..તું આવી છે તો મને કેવી નિરાંત છે તૈયાર ચા નાસ્તા મળે છે. ‘ કેતાબહેન દીકરી જમાઇ માટે રોજ સવારે ગરમ નાસ્તો હોંશે હોંશે બનાવતા. પુત્રી કૂકર કરીને જતી.રોટલી કેતાબહેન બનાવી નાખતા. અને સાંજે પણ પુત્રીને રસોઇમાં હોંશે હોંશે મદદ કરતા કે કયારેક તો પોતે જ બધું કરી રાખતા.

એક દિવસ રાત્રે કોઇ વાત નીકળતા તેમના જમાઇ કહે.. ‘ તમે છો તો કેવુ સારું લાગે છે. રોજ નવું નવું જમવા મળે છે. અમે બને તો નોકરી પરથી આવીને થાકયા હોઇએ તેથી જે હોય તેનાથી ચલાવી લેતા હોઇએ કે પછી એકાદ વસ્તુ ફટાફટ બનાવી લેતા હોઇએ..તમારી વહુ ઇશા નશીબદાર છે. નોકરી પરથી આવે ત્યારે કોઇ ગરમાગરમ જમાડવાળુ કે મદદ કરાવવા વાળુ હોય તો કેવું સારું લાગે..’

પુત્રીએ પણ પતિની વાતમાં સૂર પૂરાવ્યો તેણે કહ્યું ‘ ભાભી તો નશીબદાર છે. મમ્મીને તો કામ સિવાય ગમે જ નહીં…હું તેને ઓળખું ને ..સાચી વાતને મમ્મી…..?

કેતાબહેન વિચારમાં પડી ગયા. કશું બોલ્યા નહીં પોતે ઇશાને કશું કરાવતા નથી એવું કેમ બોલે? તે મૌન થઇ ગયા. પણ પુત્રીના વાકયે અને અહી એક મહિનો રહ્યા પછી તેની નજર સમક્ષ કશુંક ઉઘડતું જરૂર જણાયું.

અને આ વખતે કેતાબહેન પોતાને ઘેર ગયા ત્યારે એકાદ દિવસ પછી ઇશા સવારે ઉઠી ત્યારે તેના આશ્ર્વર્ય વચ્ચે તેમણે જોયું કે મમ્મીએ તો પોતાની ચા બનાવીને પી લીધી છે. અને બધા માટે નસ્તાની તૈયારી કરી રહ્યા છે. ઇશાએ થોડો ક્ષોભ અનુભવતા તુરત કહ્યું. ‘ મમ્મી હું બનાવું છું..આજે જરા…..’ તેને કોઇ ખુલાસો આપતા રોકી વચ્ચે જ કેતાબહેને હસીને કહ્યું..’ એ તો તું આવી તેથી થોડો સમય આરામ કરી લીધો….બાકી હું કંઇ અપંગ થોડી છું કે મારી ચા પણ ન બનાવી શકું ?’

અને તે દિવસે બપોરે ઇશા આવી ત્યારે ગરમાગરમ રોટલી બનાવી કેતાબહેન તેની રાહ જોઇ રહ્યા હતા. અને સાસુ વહુ નિરાંતે વાતોના તડાકા મારતા સાથે બેસીને જમ્યા…રોજ તો વાતો કરવાનો સમય કયાં રહેતો હતો… હવે તો ઇશા રોજ આવીને ઓફિસની કેટલીયે વાતો કેતાબહેન સાથે કરે છે. ઇશા ઘણીવાર તેમને કામ કરવાની ના પાડે છે.પણ કેતાબહેન હસીને કહે છે રવિવારે તારા હાથની રોટલી..બાકી રોજ બીજું બધું તો તું કરે જ છે ને? આ તો મારે જીમમાં જવાનો કે ચાલવાનો ધક્કો બચે..થોડી કસરત ઘરમાં જ થઇ જાય ને કામ પણ લાગે..એક કાંકરે બે પક્ષી….

વાત તો સાવ જ નાની..નજીવી..! પણ પરિણામ ? કેટલું મોટું ! કેવું સરસ….!

અને હવે આવા ઘરમાં સંબંધોનું સૌન્દર્ય છલક્યા સિવાય રહે ખરું ?

સાસુ વહુ વચ્ચે હેતપ્રીતના નવા સંબંધોથી ઘરની દીવાલો પણ હસી ઉઠી.. વહુને દીકરી કહેવી કેટલી આસાન છે.. પરંતુ સાચા અર્થમાં તેને દીકરી માની શકાય તેની તકલીફ પણ પુત્રીની માફક જ જો સમજી..સ્વીકારી શકાય તો સાસુ વહુના બહુ વગોવાયેલા સંબંધોની વચ્ચે દીવાલ બનવાને બદલે સેતુ રચાઇ શકે…અને એકવાર સંબંધોનો સેતુ રચાય પછી તો એ સેતુ પરથી પસાર થવાનું કેટલું આસાન ? પછી જીવન રળિયામણું બનતા વાર ન જ લાગે ને? સાવ નાની વાત પણ સંબંધોને એક નવી ઉંચાઇ અર્પી શકે છે.. અને ઘરમાં હેતના અને હાસ્યના ફુવારા ઉડતા રહે છે…સંબંધોના મર્મ પમાઇ જાય ત્યારે તેના અર્થ આપોઆપ બદલાઇ જાય છે..અને બદલાય જાય છે એક ઘર…ઘરનું વાતાવરણ હસી ઉઠે છે..અને ખુશહાલીના આ સામ્રાજયમાં જીવન મહોરી રહે છે.

બીજાની દ્રષ્ટિએ થોડું જોવાની આદત કેળવીશું ને ? ગામને મદદરૂપ નહીં થઇ શકીએ તો ચાલશે..પણ આપણા પોતાના ઘરમાં તો મદદરૂપ બની શકીશું ને ?

સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

ઉદાસી…ખુશી…. June 21, 2008

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 3:44 pm

ઉદાસી …ખુશી.. આલોક ઉદાસ બની આ હોટેલમાં બેઠો હતો. આજે તેની પત્નીની પ્રથમ પુણ્યતિથિ હતી. તેની પત્ની આશકાની આ પ્રિય જગ્યા હતી. અવારનવાર બંને અહીં કોફી પીવા આવતા અને કલાકો ગાળતા.આ હોટેલ તેમની અનેક સુંદર સાંજની સાક્ષી હતી. પણ આજે…નિતાંત એકલતા તેને ઘેરી વળી. કોફી તો આવી ગઇ હતી. પરંતુ પીવાનું મન ન થયું. સાથે પીનાર કયાં ? કેન્સરે તેની પ્રિય વ્યક્તિને છીનવી લીધી હતી. તેના પ્રાણમાં એક ઉદાસી છવાઇ રહી.

અચાનક આલોકનું ધ્યાન હોટેલના એક ખૂણામાં..કોઇની નજર ન જાય તે રીતે બેસેલ એક યુવતી પર પડી. તેની આંખોમાં પણ તેને ઉદાસીની એક ઝલક નજરે પડી. પરંતુ કદાચ આ તો પોતાના જ મનનું પ્રતિબિંબ…! પોતાની ઉદાસ દ્રષ્ટિ ને બધે ઉદાસી જ દેખાય છે. છતાં ન જાણે કેમ પણ તેણે તે યુવતીનું નિરીક્ષણ ચાલુ રાખ્યું. ના, ના, આ પોતાની ઉદાસીનું પ્રતિબિંબ નથી જ. ખરેખર તેની આંખોમાં..ચહેરા પર છવાયેલી ઉદાસી..અસ્વસ્થતા તે જોઇ શકતો હતો..કોઇની નજર તેના પર ન પડે તે રીતે તે ચહેરો પાછળ ફેરવી બેઠી હતી. આ તો પોતે એ રીતે બેઠો હતો તેથી તેને જોઇ શકતો હતો.

આલોકે તેના ચહેરાના ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો. ના…ના…કોઇ વાત જરૂર છે જે તેને અસ્વસ્થ બનાવે છે. યુવતીએ માથા પર સુંદર સ્કાર્ફ વીંટેલ હતો. તેનો લંબગોળ ચહેરો,પાણીદાર આંખો, કપાળ પર નાનકડી કાળી બિન્દી, બધું મળીને એક સુંદર વ્યક્તિત્વનો એહસાસ થતો હતો. આ ઉદાસી કયા કારણે ? તેને જાણવાની જિજ્ઞાસા થઇ. પણ એમ અજાણી વ્યક્તિને પૂછાય કેમ ? અને તે પણ સુંદર યુવતીને ? લાફો જ ખાવો પડેને ?

જે હોય તે મારે શું ? એમ વિચારી તેણે અભાનપણે હાથમાં કોફીનો કપ ઉપાડયો. આશકાની ઝિલમિલ આંખોનું પ્રતિબિંબ કોફીમાં ઉપસતું હતું કે શું ?

અચાનક હવાની એક લહેરખી આવી. યુવતીના માથા પરનો સ્કાર્ફ ફરફર્યો. યુવતી જાણે બેબાકળી બની ગઇ. તેણે જોશથી સ્કાર્ફ પકડી રાખ્યો..કોઇ જોઇ તો નથી ગયું ને ? તેની નજર ચારે તરફ ફરી રહી. શું હતું એ નજરમાં ?

આલોકે પોતાના ચહેરા આડે છાપુ ધર્યું. પણ જે જોવાનું હતું તે તો એક ક્ષણમાં જોવાઇ ગયું હતું.

યુવતીના માથા પર વાળ નહોતા..ફકત વાળના અવષેશ જ બચ્યા હતા..નાના નાના વાળ ઊગવાની શરૂઆત થઇ હતી. આશકા પણ આમ જ…કીમોથેરાપી કરાવ્યા બાદ આમ જ સ્ક્રાફ બાંધી રાખતી…! આમ જ વિહવળ રહેતી..કોઇ તેને જોઇ જાય આ રીતે તે તેને જરાયે પસંદ નહોતું પડતું. અહીં કોફી પીવા આવતી ત્યારે આમ જ માથા ઉપર સ્કાર્ફ બાંધી રાખતી અને કોઇ જોઇ ન જાય માતે સતત સચેત કે સાવધાન રહેતી. પોતે ઘણી વખત આશકાને સમજાવતો..’એમા શરમાવા જેવું શું છે ? શા માટે એવો કોઇ ડર રાખે છે ? તું તારે બિન્દાસ રહે ને…હું છું ને તારી સાથે ? ‘

પણ આશકા એ પરિસ્થિતિ કયારેય મનથી સ્વીકારી શકી નહોતી. અને રોજ સવારે ઉઠીને પહેલું કામ અરીસામાં જોવાનું કરતી..હવે કેટલા વાળ આવ્યા ? અને ઇચ્છા મુજબનો ગ્રોથ ન દેખાતા તેની વિશાળ આંખોમાં આમ જ ઉદાસી છવાઇ જતી. અને વાળ પૂરા ઊગે તે પહેલાં તો…..

આજે આ અજાણ યુવતીની આંખોમાં પણ એ જ ભાવ..એ જ વિહવળતા હતા. તેને આશકા યાદ આવી ગઇ. તેની આંખો ભીની બની.
અચાનક આલોકે એક કાગળ લીધો..પેન ઉપાડી અને..

’ તમે ખૂબ સુંદર છૉ..તમારી આંખો ખૂબ સુંદર છે. તમારું વ્યક્તિત્વ એટલું સુંદર છે કે કોઇ કમી તેને સ્પર્શી શકશે નહીં. આ દુનિયા ખૂબ સુન્દર છે..માણવા લાયક છે અને જીવન અણમોલ છે. તેને ઉદાસીની ગર્તામાં ધકેલવાની ભૂલ ન કરશો.. જે ક્ષણો ઇશ્વરે આપી છે તેને સંપૂર્ણપણે સ્વીકારો. તેનાથી ભાગવાને બદલે સામનો કરો. તમારી આંખોમાં મારી આશકાની વિહવળતા મને દેખાય છે. મારી આશકા પરિસ્થિતિનો સ્વીકાર ન કરી શકી..અને મને છોડીને હમેશ માટે…….’

અને આલોકે વેઇટરને બોલાવ્યો..કાગળ આપ્યો. અને તે દૂર ચાલ્યો ગયો. થોડીવાર પછી તેણે દૂરથી યુવતી તરફ નજર નાખી. યુવતીએ કાગળ વાંચ્યો..આસપાસ નજર ફેરવી.. બે પાંચ મિનિટ મૌન બેસી રહી. મનમાં કોઇ વિચારો….કોઇ ગડમથલ ચાલતી હતી કે શું ?

તેની ઉદાસ આંખોમાં એક ચમક ઉપસી આવી. તે ધીમેથી ઊભી થઇ..અને ખૂણાની જગ્યા છોડી વચ્ચે આવીને બેસી. હવે તે બધાને જોઇ શકતી હતી. અને બધા તેને જોઇ શકે તેમ હતા. તેણે માથા પરથી સ્કાર્ફ કાઢી નાખ્યો. તેની આંખોમાંથી પેલી વિહવળતા અદ્ર્શ્ય થઇ ગઇ હતી.

દૂરથી તેને જોતા ઊભેલ આલોકની ઉદાસી અદ્રશ્ય થઇ ગઇ. તે ધીમેથી વ્હીસલ વગાડતો હોટેલની બહાર નીકળી ગયો.

( સ્ત્રીમાં પ્રકાશિત નિયમિત કોલમ જીવનની ખાટીમીઠી.. લઘુકથા )

 

સંબંધસેતુ..14 June 19, 2008

“હૈયુ નર્યુ મુલાયમ,સામે બધા ય પથ્થર,
હળવે રહીને લખજો હૈયાના હસ્તાક્ષર…”

કવિએ આ એક પંક્તિમાં કેટલી સાચી વાત કહી દીધી છે. દરેક વ્યક્તિને પોતે હમેશા લાગણીશીલ અને અંદરથી મુલાયમ છે. અને બીજા પથ્થર જેવા કઠોર છે તેવું લાગતું હોય છે.પણ એ બીજા બધા પણ પોતે એવું જ માનતા હોય છે ને ? તેથી જ કોઇ કવિ આવું ગાઇ ઉઠ્યા હશે..

”હું કહું એ સાચું અને બીજા કહે એ ભૂલ,
એ બીજા બધા પણ “હું “ જ છે..
તો પછી જગતમાં કયાં ભૂલ છે ? “

કહેવાનો મતલબ એટલો જ દરેક વ્યક્તિ પોતા અંગે આવું જ માનતી હોય છે.અને ત્યારે દરેકે કઠોર બન્યા સિવાય જીવનકિતાબના પાના પર હળવે હાથે, મુલાયમ રીતે જ હસ્તાક્ષર કરવા રહ્યા. જેથી કોઇના યે હૈયાને ઠેસ ન પહોંચે.પણ જીવનમાં આવું કેટલા લોકો વિચારી શકે છે ? અને વિચારનાર..લખનાર કે બોલનાર પણ ખરેખર જીવનમાં તેનો અમલ કરી શકે છે ખરા ? જો કરી શકતા હોત તો આજે જે ઝડપથી સંબંધો તૂટી રહ્યા છે… ઝંખવાઇ રહ્યા છે..માનવ માનવ વચ્ચે તિરાડો પડતી જાય છે. અવિશ્વાસ વધતો જાય છે તે પરિસ્થિતિ હળવી ન થઇ શકત ? આજે સૌને અન્ય માટે ફરિયાદ છે..પણ ફકત ફરિયાદથી કોઇ વાતનો ઉકેલ કયારેય મળી શકે ખરો ? આજે કંઇક આવી જ વાત કરવી છે.

રોમિન અને રીનાની સગાઇને એક મહિનો થયો હતો. બંને ખુશખુશાલ હતા. જીવનના આ સોનેરી સમયને…ગોલ્ડન પીરીયડને મન ભરીને માણતા હતા. રીનાની દરેક વાત રોમિન હોંશેહોંશે સ્વીકારતો રહેતો. રીના ની આગળ પાછળ ફરતો રહેતો. તેનો પડયો બોલ ઝિલવા તત્પર રહેતો.બંને એક જ શહેરમાં હોવાથી રોજ સાંજે અચૂક મળતા. દિવસો ને..સમયને જાણે પાંખો આવી હોય તેમ લાગતું હતું.દિવસો સોનેરી તો રાતો અનેક શમણાઓથી રૂપેરી બની રહેતી..રીનાને પણ રોમિનની દરેક વાત અદભૂત લાગતી. સુંદર કપડામાં સજ્જ થઇ ..હાથમાં હાથ પરોવી બંને કલાકો સુધી ગુફતગુ કર્યા કરતા. એકબીજા પર સારી છાપ કેમ પડે..તે જોવા બંને પ્રયત્નશીલ હતા.

અને અંતે સપનાઓ સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી, રીના નવવધૂ બની રોમિનના ઘરમાં આવી. ઘરમાં પણ બંને એકલા જ હતા.સાસુ,સસરા બીજા શહેરમાં રહેતા હતા.અને રોમિનને નોકરીને લીધે અલગ જગ્યાએ રહેવાનું હતું.આમ પૂરી મોકળાશ સપનાને પાંગરવા મળી હતી.

અને હમેશા જેમ બનતું આવ્યું છે તેમ શરૂઆતનો થોડો સમય તો ખૂબ સરસ રીતે એકમેકમાં ખોવાઇને….ખૂબ ઝડપથી પસાર થઇ ગયો. પરંતુ શરૂઆતની રોમાંચકતા, ઉન્માદ..ધીમે ધીમે ઓસરવા લાગ્યા..પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ હમેશ વધારે જ હોય છે. હવે તો રોજના થયા..ધીમેધીમે બંને એક બીજા પ્રત્યે થોડા બેદરકાર થવા લાગ્યા.રીના જે રોજ સાંજે સરસ તૈયાર થઇ રોમિનની પ્રતીક્ષા કરતી હતી..તે રોજ ઘરમાં શું તૈયાર થવાનું હોય…માની એમ જ બેસી રહેતી. અને રોમિન પણ પહેલાની માફક ફરીથી મિત્રોમાં ફરવા લાગ્યો. બંનેને એક્બીજા માટે લાગણી નહોતી..એવું નહોતું. પરંતુ કદાચ બંનેએ એકબીજાને “ ટેઇકન ફોર ગ્રાન્ટેડ “ લઇ લીધા હતા. અને સંબંધોમાં બેદરકારી પ્રવેશતા જ ઘરમાં નાની નાની વાતોમાં મતભેદ થવા લાગ્યા..કયારેક બોલાચાલી..તો કયારેક અબોલા..એકબીજા પર આક્ષેપો…તને મારી પડી નથી…એવા રુટિન ડાયલોગો ચાલુ થયા..જે સામાન્ય રીતે અંતહીન અને અર્થહીન હોય છે. જીવનમાં કંટાળો પ્રવેશવા લાગ્યો.. લગ્ન અને સગાઇ વચ્ચેના સમય ગાળામાં સ્વાભાવિક રીતે જ બંને એકબીજાને ખુશ રાખવાના પ્રયત્નો સતત કરતા રહેતા.સરસ તૈયાર થઇને એકબીજાને મળતા રહેતા.ભવિષ્યના સપનાઓ સાથે જોવાતા રહેતા. એકમેકના ગુણો જ દેખાતા..બંને એકબીજા પર સારી છાપ પાડવા સ્વાભાવિક રીતે જ આતુર રહેતા. હવે નજીક આવતા..હમેશ માટે સાથે રહેવાનું થતા…એકબીજાના દોષ..આદતો..વિગેરે થી પરિચિત થવા લાગ્યા. અને જીવનમાં કંઇ ફકત સપનાઓ જ નથી હોતા..અને હકીકત સપનાઓની માફક રંગીન થોડી જ હોય છે ? અને હવે શરૂ થઇ સંબંધોની કસોટી.. રોમિન અને રીના બંને એકબીજા પર આક્ષેપો કરવા લાગ્યા..’તને મારી પડી નથી….’ રોમિન કહેતો..અને બમણા જોશથી રીના કહેતી,’લગ્ન પહેલા તું કેવી મોટી મોટી વાતો કરતો હતો…આવી ખબર હોત તો….’

’તો શું કરત ? લગ્ન ન કરત..એમ જ ને ? તો તારા વિના અહીં કોણ કુવારું રહી જતું હતું. અને હવે તો પડી ને ? તારે જે કરવું હોય તે છૂટ છે. હું તો આમ પણ થાકયો છું હમેશની આ કચકચથી…’’

’એટલે..? તું મારાથી છૂટવા માગે છે ? હું જ ખરાબ છું? બધો દોષ મારો જ છે ? ‘ અને અંતહીન આક્ષેપબાજી ચાલુ રહેતી. અને રીના આંસુ સારતી અને રોમિન ગુસ્સે થઇ બહાર ચાલ્યો જતો. વળી મનામણા થતાં..થોડા દિવસો ફરી બધું સરખુ ચાલતું..અને પડયુ પાનુ નિભાવવાની વૃતિથી બંને છૂટા તો ન પડતા..પરંતુ જીવન રગશિયા ગાડાની જેમ ચાલતુ રહેતુ.ઉત્સાહના અભાવે જીવનની મજા અદ્રશ્ય થવા લાગી.

હકીકતે દરેક યુવક,યુવતીએ સમજવું રહ્યું કે લગ્ન પછી પહેલાની રોમાંચકતા જાળવવી બહું અઘરી છે. લગ્ન પહેલા સંસારની…ઘર ચલાવવાની કોઇ જવાબદારી નથી હોતી. કાંદા..બટાટાના ભાવોની ચર્ચા કે સામાજિક વ્યવહારો જાળવવાની ચર્ચા એ સમયમાં નથી થતી હોતી. એ બધું તો લગ્ન પછી જ શરૂ થાય છે. અને એકમેકની નજીક આવતા જ સામી વ્યક્તિના દોષ દેખાવાની શરૂઆત થાય છે. ત્યારે જો સમજણનો સેતુ વિકસેલ ન હોય તો સેતુમાં તિરાડ પડતા સમય નથી લાગતો.. અને “.stich in time,saves nine..” ની જેમ સમયસર જો એ તિરાડ સંધાય નહીં તો સમય જતાં એ તિરાડોને મોટું સ્વરૂપ ધારણ કરતાં વાર નથી લાગતી. અને સતત સાથે રહેવાનું થાય ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં નાની તિરાડો..નાના નાના મતભેદો તો થતા જ રહેવાના….એમાંથી બહાર કેમ નીકળવું એ કલા જો સાધ્ય ન કરી હોય તો…પરિણામ ખરાબ જ આવવાનું. હકીકતે લગ્ન પહેલા જેટલી શારીરિક તૈયારીઓ.. ફેસિયલ,વેક્સીંગ,બ્લીચીંગ.મહેંદી, વિગેરે થાય છે. વહેવારની તૈયારીઓ થાય છે.તેટલી જ માનસિક તૈયારીઓ થાય..તો ઘણાં પ્રશ્નો ભવિશ્યમાં સોલ્વ થઇ શકે.એકમેકના પ્રેમ વડે સંસારસાગર આસાનીથી તરી શકાય છે. પરંતુ એકમેક પ્રત્યે જો નફરત ઉભી થઇ તો….પરિસ્થિતિ સંભાળવી બહું કઠિન બની જાય છે.
ખલિલ જિબ્રાને એક જગ્યાએ સરસ વાત કહી છે.

તેઓ કહે છે..”પ્રેમને વશ થજો..તેમાં શ્રધ્ધા રાખજો..પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી..અને પોતા સિવાય બીજુ કશું લેતો નથી..”

સ્નેહમાં હમેશા સમર્પણ જ હોય. દામ્પત્યજીવન એ “હું” માંથી “અમે “ તરફ જવાની શરૂઆત છે.વિસ્તારયાત્રા છે. જોકે સદનશીબે રોમા અને રોમિનના જીવનમાં ભંગાણ ન પડયું. શરૂઆતમાં થોડા મતભેદો જરૂર થયા..પણ અંતે એક્બીજાને માટે પ્રેમ હોવાથી ધીમે ધીમે પરિપકવતા આવવાથી એકબીજાનો સ્વીકાર..થવાથી મોટા પ્રશ્નો ઉભા ન થયા. વ્યક્તિ જેવી છે તેવી મારી છે…સંપૂર્ણ કોણ હોય શકે ? “ આ ભાવના જો એકવાર દિલમાં ઉગે તો દોષ રાઇ જેવડા બની જાય છે. અને જીવન વિકસી રહે છે.

નાનીવાતને મોટું સ્વરૂપ આપવાની ભૂલ કયારેય ન થવી જોઇએ. સમાધાન એ જ ઘરના સુખની ચાવી છે. સારા પુસ્તકોનું વાંચન ઘણીવાર ઉપયોગી નીવડે છે..અને જીવનને તૂટતું બચાવી લે છે.દરેક માણસની એક મર્યાદા હોય છે. અન્યની સાથે સરખામણી કરવાની ભૂલ દામ્પત્યજીવનમાં કયારેય કરવી નહીં. તમને બીજાની પત્ની કે બીજાનો પતિ સારો લાગતો હોય તો એ ખરેખર સારો જ છે તેવું માનવાની જરૂર નથી કેમકે ડુંગરા દૂરથી જ રળિયામણા લાગતા હોય છે. અને “ માંહ્યલા ગુણ તો મહાદેવજી જ જાણે..” તે વાત સાચી છે જ. બની શકે તમારી બહેનપણીને તમારો પતિ સારો લાગતો હોય કે તમારા મિત્રને તમારી પત્ની સુંદર લાગતી હોય.પારકે ભાણે હમેશા લાડુ મોટો જ લાગવાનો. માટે એવા કોઇ ભ્રમમાં રહ્યા સિવાય જે આપણી વ્યક્તિ છે તેનો પ્રેમપૂર્વક સ્વીકાર એ જ સુખી થવાની ગુરુચાવી છે. દરેકના જીવનમાં કયારેક તો સંબંધોની કસોટી થતી જ રહે છે. જીવનમાં ચડાવ ઉતરાણ તો આવવાના જ.જીવન કંઇ સપાટ મેદાનમાં વહેતી નદી નથી. એ તો ખડકો વચ્ચેથી રસ્તો કરતું વાંકુચુકુ પણ સતત વહેતું ઝરણુ છે.એ ઝરણાના સંગીતને સાંભળવાની શક્તિ કેળવી શકીએ..તો સંબંધોમાં કયારેય તિરાડ ન પડે..અને સંબંધોનો સેતુ જળવાઇ રહે એનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે ?

સહજીવનને સખ્યજીવન પ્રેમથી જ બનાવી શકાય ને ?

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

સંબંધસેતુ…13 June 16, 2008

સંબંધોનો રસ્તો સહિયારો

મારગ જીવનનો મઝિયારો

સંબંધોનો રસ્તો હમેશા સહિયારો જ રહેતો હોય છે. અને એ રસ્તો કોઇ રાજમાર્ગ નથી..કે સડસડાટ ચાલી જવાય. એ તો સાંક્ડી કેડી છે. જયાં દરેક પગલુ થોડી સાવચેતીથી…થોડી સમજણથી….થોડા સ્નેહથી..થોડા સમાધાનથી અને થોડી ધીરજથી ભરવામાં આવે તો રસ્તામાં અવરોધો નડે નહીં..અને જીવનમાં સંબંધો ખીલી રહે અને જીવન સભર બની શકે.

આજે વાત કરવી છે એક લીલાછમ્મ સંબંધની…વાત સાવ સાચી અને આપણા અમદાવાદની જ છે.

મનોજભાઇ ધ્રુવ અમદાવાદમાં જ રહે છે. મીકેનીકલ એંજીનીયર તરીકે વટવામાં એક ફેકટરીમાં સારી પોસ્ટ પર કાર્યરત હતા. આજથી સાત વરસ પહેલાં એક દિવસ કંપનીના કામે મુંબઇ જવાનું હતું. સ્ટેશને જવા માટે રીક્ષામાં બેસવા જતા હતા…ત્યાં પાછળથી એક મારુતિ કારે આવીને જોરદાર ટક્કર મારી. મનોજભાઇ બેભાન…! બે મહિના હોસ્પેટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા રહ્યા. જાતજાતના ઓપરેશનો થતા રહ્યા..દવાઓ..ઇન્જેકશનો વચ્ચે ઝઝૂમતા રહ્યા. પાણીની માફક પૈસા વેરાતા રહ્યા.

અંતે બે મહિના પછી બચવાની આશા જાગી. ડોકટરોની મહેનત અને ઘરના લોકોની પ્રાર્થના ફળી. મનોજભાઇ સાજા તો થયા..પરંતુ હાથે પગે અને જીભમાં પેરેલીસીસ..!

આજે સાત વરસથી બિલકુલ પથારીવશ. જેને સતત બોલબોલ કરવાની..હસતા અને હસાવતા રહેવાની આદત..એ માણસ આજે સાત વરસથી બિલકુલ મૌન..કશું જોતું હોય ત્યારે ઇશારાથી સમજાવવાનો પ્રયત્ન કરે. શરૂઆતમાં ઘરના કોઇને કયારેક ન સમજાય તો આંખ છલકી રહે..પરંતુ આજે જે ઝિંદાદીલીથી પરિસ્થિતિને સ્વીકારીને હસે છે..તેનુ પુરું શ્રેય જાય છે તેમના ઘરના લીલાછમ્મ સંબંધોને..લીલીછમ્મ લાગણી ને.

પુત્ર ત્યારે બારમા ધોરણમાં ભણતો હતો.પુત્રીએ કોલેજ પૂરી કરી હતી..અને તેના લગ્નની વાતચીત ચાલતી હતી..છોકરાઓ જોવાતા હતા…અને ત્યાં જ..આ અકસ્માત..! ઘરમાં કમાનાર કોઇ નહોતું. પુત્રીએ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો.એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી લીધી.. લગ્નના શમણા જોતી આંખો કોમ્પ્યુટરના સ્ક્રીન પર સ્થિર થતી ગઇ. પત્ની ખૂબ પ્રેમપૂર્વક પતિના સંડાશ પેશાબ સાફ કરતી રહી. ખવડાવતી રહી. સવારે ફીઝીયોથેરાપીસ્ટ અને સ્પીચથેરાપીસ્ટ કસરત કરાવવા આવે અને સાંજે પત્ની કસરત કરાવે.પુત્ર સવારે કોલેજ જતાં પહેલા પપ્પાને નવડાવે..દાઢી કરી આપે…! કયારેક મનોજભાઇ ઇશારાથી ના પાડે..સમજાવે કે રોજ દાઢી કરવાની જરૂર નથી..મારે હવે કયાં બહાર જવાનું છે ? પરંતુ પુત્રને પપ્પાની આદતની જાણ હતી,.પપ્પાને રોજ દાઢી કર્યા સિવાય ગમતું નહોતું. હવે લાચાર છે..જાતે નથી કરી શકતા..તો શું થયું ? પપ્પા ઉપર કૃત્રિમ ગુસ્સો કરી પપ્પાને પ્રેમથી તૈયાર કરે છે. વાર્ષિક પરીક્ષા હોય કે ગમે તે હોય..પપ્પાના કોઇ કામમાં ફરક પડવો જોઇએ નહીં.. આગ્રહ કરી પપ્પાને જમાડે છે. પપ્પાને એક તસુભાર પણ કોઇ વાતે ઓછુ ન આવે..લાચારીનો અનુભવ ન થાય તે માટે ઘરમાં બધા સતત જાગૃત છે અને તે પણ કોઇ જવાબદારી…ફરજના ભાન સાથે નહીં..પૂરી સ્વાભાવિકતાથી..દિલની લાગણીથી..કયારેય કોઇ થાકતું નથી..કંટાળતું નથી.. કે પોતે કશું ખાસ કરે છે તેવો કોઇ વિચાર પણ નથી આવતો.પુત્રી ઓફિસેથી આવીને “પપ્પા આજે શું જમ્યા ? આજે તમને ભાવતી ખાસ વસ્તુ લાવી છું..ચાલો…નિશાનીથી કહો જોઇએ..શું હશે ? “ પપ્પા હસે નહીં ..કે પુત્રીને માથે વહાલથી હાથ ફેરવે નહીં ત્યાં સુધી પુત્રી પિતા પાસેથી ખસે નહીં. પપ્પા હસે.પછી જ પુત્રી રસોડામાં રસોઇ બનાવવા જાય. પત્નીની પોતાની તબિયત નાદુરસ્ત..બી.પી. ની ખૂબ તકલીફ..પરંતુ ગમે તેટલુ હાંફે છતાં પતિને કસરત કરાવ્યા સિવાય એક દિવસ પણ ન રહે. કયારેક તેની તબિયત સારી ન હોય ત્યારે મનોજભાઇ ના પાડે કે આજે એક દિવસ ચાલશે..પરંતુ એમ ચલાવે તો એ તેમના પત્ની નહીં. ઘરમાં મહેમાનની સતત અવરજવર રહે.કેમકે મૂળથી બધાના સ્વભાવ અતિશય લાગણીશીલ..બધાનું કરી છૂટનાર..મહેમાન તો નશીબદારને ઘેર હોય એવું બોલવાવાળા નહીં..પરંતુ સંપૂર્ણપણે આચરનાર. કયારેય કોઇ ફરિયાદ નહીં..કોઇ થાક..કંટાળો નહીં.સવારે છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી અવિરત કામ ચાલુ રહે. આર્થિક રીતે એટલા સધ્ધર નહીં..પરંતુ દરેક માટે એટલા ઉદાર.. તેમાં મનોજભાઇના સાસુનું અવસાન થયું. પતિને મૂકી કયારેય કયાંય ન જનાર પત્નીને મા મરી ગઇ એટલે જવાનું થયું. દીકરી..દીકરાએ તરત કહ્યું,”એમાં મૂંઝાય છે શું ? અમે નથી ? અમારા પર વિશ્વાસ નથી ? અમે પપ્પાનું ધ્યાન નહીં રાખીએ ? “ અને પુત્રની પરીક્ષા ચાલતી હતી. તે કોલેજે પરીક્ષા આપવા જાય ત્યારે મનોજભાઇને સંડાશ પેશાબ બધું કરાવવાની જવાબદારી પુત્રીએ દીકરો બનીને કોઇ સંકોચ વિના સંભાળી લીધી..અને તે પણ પપ્પાને જરાયે ઓછું ન આવે તે રીતે..અમે નાના હતા ત્યારે પપ્પાએ ઘણીવાર અમારું બધું કર્યું જ છે ને ? આજે અમારે માટે એ નાના બાળક જેવા છે.અમે કરીએ તે કંઇ નવાઇ નથી કરતા. પુત્ર,પુત્રી કયારેક બહાર કોઇ સાથે કશું પણ ખાય તો એ વસ્તુ ઘરમાં પપ્પા માટે અચૂક આવે જ.

ભલભલાની લાગણી આ સંજોગોમાં સૂકાઇ જતી જોઇ છે. સંબંધો મૂરઝાઇ જતા જોયા છે..જાણ્યા છે. આટલા લાંબા સમય સુધી કરવું…અને તે પણ આ રીતે ..એ કંઇ આસાન વાત નથી જ.પણ અહીં તો પોતે કશું કરે છે એવી ભાવના પણ કોઇના મનમાં નથી આવતી..સાત સાત વરસ થયા અને હવે જીવનભર આ બધું આમ જ કરવાનું છે તેનો પૂરો ખ્યાલ છે. પરંતુ કોઇને કંટાળો નથી. બિલકુલ સ્વાભાવિકતા છે.અને મનોજભાઇ પોતાની જાતને નશીબદાર માને છે.તેમના ચહેરા પરનું હાસ્ય આજે પણ એવું જ તરોતાજા રહી શકયું છે. જયાં લાગણીના…સંબંધોના આવા અતૂટ તાણાવાણા ગૂંથાયેલ હોય ત્યાં ઉદાસી કેવી રીતે અને કયાં સુધી ટકી શકે ? આવા સંબંધો જીવનના મુશ્કેલ સંજોગોમાં ઉષ્મા પૂરી પાડે છે. અને જીવનને હૂંફાળુ રાખે છે. જીવનની કસોટીમાં આવા સંબંધોની તાવણી જરૂર થાય છે પરંતુ તેમાં તે સુવર્ણની જેમ ચમકી રહે છે. આવા સંબંધો માનવજીવનની મોટી મૂડી છે.અને ગમે તેવા કપરા સંજોગોને સ્વીકારવાની શક્તિ આપે છે.

આજે તો પુત્ર કમાતો થયો છે.તે અમેરિકા જઇ શકે તેવા સંજોગો છે. પણ તે એ વિચાર પણ કરવા નથી માગતો. પુત્ર મહત્વાકાન્ક્ષી છે પરંતુ માતા પિતાને ભોગે પૈસા, અમેરિકા કે ઉજજવળ કારકિર્દી કશુ ન ખપે.

આવા સંબંધો માનવજીવનની સુવાસ સમાન છે એવું નથી લાગતું ?

આની બરાબર વિપરિત કિસ્સો અશોકભાઇનો છે.કમનશીબે એક અકસ્માતમાં છ મહિનાના પથારીવશ તેમને રહેવું પડયું ત્યારે ધોળે દિવસે તેમને તારા દેખાઇ ગયા. મોતનો વિચાર કરતા થઇ ગયા..ઘરમાંથી કોઇ કશું કરવા તૈયાર નહીં. પત્નીને સૂગ ચડતી..પુત્ર,પુત્રી તો પપ્પાની પાસે એકવાર કેમ છો ? એટલું પૂછી જવાબની રાહ જોયા સિવાય ત્યાંથી દૂર ભાગે. રખેને પપ્પા કશું કામ ચીંધશે તો ? એક કામવાળો રાખી દીધો હતો..તે પોતાને ટાઇમે આવતો.અને તે આવે ત્યાં સુધી અશોકભાઇને કુદરતી હાજત પણ દબાવી રાખવી પડતી. અને આખો દિવસ ઘરમાં કકળાટ ચાલુ જ હોય…કશું ન કરવા છતાં થાકી ગયાની…કંટાળાની ફરિયાદો અવિરત ચાલુ રહે..અને ફ્રેશ થવા માટે પત્ની બહાર ફરવા મિત્રો સાથે ચાલી જાય..પુત્ર પુત્રીને તો સમય જ કયાં હોય પિતા પાસે બે મિનિટ બેસવાનો…? લાચાર અશોકભાઇ શું બોલે ? કોને કહે ? પરિસ્થિતિએ તેમને શારીરિક રીતે અને તકલાદી સંબંધોએ તેને માનસિક રીતે પંગુ બનાવી દીધા. તેમની આંખોમાંથી આંસુ વહેતા રહે છે. કોઇ મારું નથી….એ ભાવના મનમાં દ્રઢ થતી રહે છે. સગાઓ અને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

આવા સંબંધો માટે શું કહેવાનું? જીવનમાં કયારે… કોને કેવા સંજોગો આવે તે કેમ કહી શકાય ? આ પછીની ક્ષણે શું બનશે તે કોણ જાણી શકયું છે ? અને ત્યારે સંબંધોની ગાંઠ જો મજબૂત હોય…સંબંધો જળવાયા હોય તો મુશ્કેલીઓ જીરવવાની તાકાત આપોઆપ મળી રહે છે. સંબંધો સારી રીતે જાળવવા ખૂબ અગત્યના છે..તેવું નથી લાગતું ? એ માટે આપણે દિલથી તૈયાર રહીશું ને ?

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ..)

 

નીલપરી…. June 13, 2008

દિનાન્તે ગોખોમાં સાંધ્યદીપ પ્રગટતા રહ્યા. પશ્વિમમાં ખડકાયેલ વાદળોને વીંધીને સૂરજ ક્ષિતિજને પાર અદ્રશ્ય થઇ ગયો હતો. પંખીઓ વિના અણોહરા બની ઉઠેલ વૃક્ષો મૌન રહીને વાયરાની વાતોમાં ટાપસી પૂરાવતા ડોલી રહ્યા હતા. વરણાગી વાયરો ડાળીઓ સાથે અડપલાં કરી રહ્યો હતો. અને ડાળીઓને જાણે રુંવેરુંવે કૂંપળો ફૂટી રહી હતી. રજની ધીમે ધીમે પોતાની ચળકતી ટીપકીવાળી ઓઢણી ઓઢી ને મલકાતી હતી.

સવારથી રોજીરોટીની શોધમાં નીકળેલ પંખીઓ પોતપોતાના ફલેટમાં આવીને પોતાના શિશુને પાંખમાં લઇ ખવડાવવા, વહાલ કરવા લાગી ગયા હતા. અને બચ્ચાઓ સાથે સુખ,દુ:ખની વાતો કરી કલશોર મચાવી રહ્યા હતા.
સૂના માળાઓમાં ચેતન પ્રગટી રહ્યું. વૃક્ષની બખોલમાંથી પોતાની નાનકડી ચાંચ બહાર કાઢી ચકલીનું એક બચ્ચું આસપાસ નજર ફેરવી રહ્યું હતું. કદાચ તેની મા હજુ પાછી ફરી નહોતી તેથી પ્રતીક્ષા કરી રહ્યું હતું. બચ્ચાની પ્રતીક્ષા હજુ પૂરી નહોતી થઇ. મનમાં તો તે ગભરાતું હતું. પણ મા આવશે જ એ શ્રધ્ધામાં કયાંય શંકા નહોતી જ.

આવા સરસ વાતાવરણને માણવાને બદલે ઇશાનું સમગ્ર ધ્યાન આજે બારીમાંથી દેખાતા પેલા ચકલીના બચ્ચામાં હતું. એકીટશે ઇશા બચ્ચાને નીરખી રહી હતી. તેની નાનકડી આંખોની પ્રતીક્ષા આજે તે સ્પષ્ટપણે જોઇ શક્તી હતી… અનુભવી શકતી હતી. હમણાં તેની મા આવશે..બચ્ચાને પાંખમાં સમેટી લેશે..અને વહાલભર્યા ઘૂઘવાટમાં બંને મશગૂલ બની જશે. બચ્ચા કરતાં યે કદાચ વધારે ઉત્સુકતાથી ઇશા તેની મા ની પ્રતીક્ષા કરી રહી હતી. મા અને બાળકના મિલનને જોવા આજે તે કેમ આટલી ઉતાવળી, આટલી અધીરી બની હતી ? બચ્ચાની આંખમાંથી ડોકાતો પ્રશ્ન…..

’ મા, હજુ કેમ ન આવી ? ’ પોતાના મનમાં કેમ પડઘાતો હતો ?

એ પડઘા શમે તે પહેલાં જ અચાનક ઇશાના પેટમાં સખત દર્દ ઉપડયું. બચ્ચાને નીરખી રહેલી ઇશાની આંખો તેના પર જાણે સ્થિર થઇ ગઇ હતી. તેના હોઠ દ્રઢતાથી ભીડાયા.વાતાવરણ બેબાકળું બની ગયું હતું કે પોતાનું મન ? જન્માંતરોનો જાણે થાક લાગ્યો હતો. કે શું ? પોતામાં કંઇક પ્રગટી રહ્યું હતું કે કોઇ આંધીમાં અફાટ રણ વચ્ચે કયાંક અટવાઇ ગઇ હતી ?

‘ ના, ના,..જે વેદના વાંઝણી ન હોય ..એનું દુ:ખ ન હોય. ઇશા, આ તો સર્જનની વેદના છે. તારા અસ્તિત્વના જ એક અંશને પ્રગટવાની પીડા છે. નવજીવનના આ પરમ પ્રકાશની પળ છે. અણમોલ ઘડી છે. આ ક્ષણિક પીડા તને માતૃત્વનું વરદાન અર્પશે. એક નવી જિંદગીને તું વિશ્વમાં આવકારી રહી છે. એક જીવનના પ્રાગટયનું તું નિમિત્ત બની રહી છે. ઇશા, આ વેદના વાંઝણી નથી. ‘

કોણ બોલી રહ્યું હતું ? આ કોણ ઇશા ને અંદરથી ઝકઝોરી રહ્યું હતું ? ઇશાના હાથની મુઠ્ઠીઓ સખતાઇથી વળી ગઇ. ના, તે પીડાનો એક ઉંહકારો પણ નહીં નીકળવા દે. પણ ચારે તરફ અંધકાર કેમ દેખાતો હતો ? પોતાની આસપાસ કેમ કોઇ નથી દેખાતું ? તે એકલી છે ? નિતાન્ત એકલી ? પેટમાંથી આ શું સરી રહ્યું છે ? ઓ મા..1 ઉદગાર પોતાના મોં માંથી સરી રહ્યો છે કે બીજું કોઇ બોલી રહ્યું છે ? આ પળે કયાં કશું સમજાય છે ? અંદર શું વલોવાઇ રહ્યું છે ?

યુગયુગાંતરની તૃષા શમવાના આ સમયે આ શેનો વલોપાત ? અંદર આ શું ચૂંથાઇ રહ્યું છે ? આ પળે તે પોતાની જાતને સાવ એકલી, અસહાય, નિરાધાર કેમ અનુભવી રહી છે. ? કઇ અજ્ઞાત દુનિયામાં તે આવી ગઇ હતી ? સામે જલતો દીપ તો દેખાતો હતો. પણ તેની જયોતિ કેમ અદ્રશ્ય થઇ ગઇ હતી ? રોજનો એ સાન્ધ્ય દીપ આજે તેની અંદર પ્રકાશ કેમ પ્રગટાવી શકતો નહોતો ? અરે, પેલા બચ્ચાની મા પણ હજુ કેમ આવી નહીં ? બિચારું હજુ રાહ જોઇ રહ્યું છે. આવશે તો ખરી ને તેની મા ? પરમ વેદનાની આ પળે પણ તે ચકલીના બચ્ચાને…કેમ વીસરી શકતી નથી ? તેની પ્રતીક્ષા કેમ અંતરમાં પડઘાયા કરે છે ? પોતે પોતા ને પણ સમજવા આજે કેમ અસર્મથતા અનુભવે છે ? આ પળે દરેકને આવી જ કોઇ અનુભૂતિ થતી હશે ?

અચાનક પોતાની અંદરથી કંઇક છૂટું પડયાનો એહસાસ….બંધ આંખો..ઘોર તિમિર..કોઇક ન સમજાતા અસ્ફૂટ અવાજો..તીવ્ર વેદનાની પરાકાષ્ઠા…. અનાયાસે સરી પડતા ઉંહકારા, સખત ભીડાયેલી મુઠ્ઠી…એક ..એક પળ……

એક પરમ શાંતિ. અને…અને એકાએક બધું ઝળાહળા…!! કાનમાં આ કયું સંગીત ગૂંજી ઉઠયું ? આટલી મધુર સરગમ તો કયારેય નથી સાંભળી ? દિગંતમાંથી આવતો આવતો આ કોનો સ્વર તેના અસ્તિત્વને ઝકઝોરી રહ્યો છે ?

આ શું ? બાજુમાં ગોરી ગોરી, નાનકડી નવજાત બાળકી….? આ તેનો સાન્ધ્યદીપ ? આ ઝળાહળા જયોતિ તેની ? આ સૂરીલું સંગીત તેનું હતું ? શૈશવમાં કલ્પેલી..વાંચેલી, શમણામાં જોયેલી તે આ સોનપરી કે નીલપરી ? ઇશાએ આંખો ખોલ બંધ કરી. પરિસ્થિતિને જાણવા, સમજવા તે મથી રહી.

ઓહ…! અર્થાત્ તે..તે મા બની ચૂકી હતી ? “ મા…” .આવડા મોટા શબ્દની તે સ્વામીની બની છે.! અરે, પણ હજુ તો એ કોલેજમાં ભણતી હતી. પોતે મા..મા પોકારતી હતી. અને આજે…? આજે કોઇ તેને મા કહી પોકારી રહ્યું હતું ? તેની ચંચળતા કઇ હવામાં ઓગળી ગઇ ? આજે આ ક્ષણે તે મા છે ! એક પૂર્ણ સ્ત્રી. આ એનું પોતાનું સંતાન છે ? એના અસ્તિત્વનો નાજુક અંશ છે ? આ..આ મારી દીકરી છે ? આ મારો તુલસીકયારો ? ખરેખર ? હ્રદયમાં ઉઠતી લાગણીઓ આજે તેને કેમ સમજાતી નથી ? પૂનમની રાત્રે દરિયામાં ઉઠતી ભરતીના મોજા પોતાની અંદર કેમ ઉછળી રહ્યા છે ? ખડક વીંધીને વહેતા ઝરણાં ઓ પોતાની અંદર કેમ વહી રહ્યા છે ? આ કઇ લાગણીઓના ફુવારા ઉછળીને સંગીતની દિવ્ય સૂરાવલિ રેલાવી રહ્યા છે ? આ કયો ઉજાસ તેનામાં પ્રગટી ગયો ? તેના અંગેઅંગમાં આ કયા સ્પદંનો ઉમટી ને હિલોળા લઇ રહ્યા છે ? આ કઇ અજ્ઞાત અનુભૂતિથી તે છલકી ઉઠી છે ?

અચાનક કોઇ નર્સ આવી ને સૂચના આપી ગઇ. આને દૂધ પીવડાવજો. કહી બેબીને પડખામાં મૂકી ગઇ. અને અચાનક ઇશાને ભાન આવ્યું.પોતાની છાતીમાંથી આ દૂધની ધારા વહી રહી છે કે સ્નેહની અમૃતસરવાણી ફૂટી રહી છે ?

આ સ્પર્શ…!! ઓહ..આ અસહય..અકથ્ય આનંદની અનૂભુતિ અંગેઅંગમાં કયાંથી છલકાઇ ગઇ ? અસહ્ય આનંદથી પોતે કેમ ભીંસાઇ ઉઠી ? પેલી વેદના તો એક ક્ષણમાં કયાં વિસરાઇ ગઇ ? પોતાની વેદના વાંઝણી થૉડી હતી ? આનાથી મધુર..મીઠો સ્પર્શ દુનિયામાં બીજો કોઇ હોઇ શકે ખરો ? આનાથી વધુ સુખ બીજું કોઇ હોઇ શકે ખરું ? સંપૂર્ણ સુખ એટલે શું ? એ પુરુષને કયારેય સમજાઇ ન શકે. ઇશ્વરનો ઉપકાર છે કે તે સ્ત્રી છે. ને તેથી જ આ સ્પર્શની પરમ અનુભૂતિ તેને સાંપડી છે.

અને આ નાનકડી પરી તો જાણે બધું શીખીને આવી છે. મા ને કોઇ તકલીફ ન પડે માટે ? તેને દૂધ પીતા કોણે શીખડાવ્યું ? સુખ અને સંતોષથી..પૂર્ણ પરિતોષથી અસ્તિત્વ છલકાય છે. બે કાંઠે વહેતી નદીની જેમ આજે તે છલોછલ છે. કસ્તુરી મૃગની જેમ આ કેસરની સુગંધી કયારી તેની અંદર જ હતી ? અને પોતાને અણસાર સુધ્ધાં નહોતો ? ઇશાની બંધ આંખોમાં અનંત બ્રહ્માંડ ઉમટી આવ્યું.

જીવનનો આ પ્રથમ અનુભવ આવો આહલાદક હોતો હશે તેની તો કલ્પના યે કયાં હતી ? પોતાને તો કલ્પના હતી ફકત વેદનાની..પીડાની.. જે બધા પાસેથી સાંભળતી આવી હતી. આ રોમાંચની વાત તો કોઇએ કરી જ નહીં. પ્રસૂતિની સઘળ