પાત્રો: મમ્મી(સ્મિતાબેન..પલાશ ની મમ્મી)
પપ્પા(અનિલભાઇ..પલાશ ના પપ્પા)
પુત્ર(શુભમ ..લગભગ 12 વરસ નો)
પલાશ(મિત્ર બધા મિત્રો લગભગ એ જ ઉમર ના)
પલક(પલાશ ની બહેન 14 વરસ ની ઉમર)
મિત્રો(5 થી 7 મિત્રો..ગમે તેટલી સંખ્યા ,અનુકૂળતા મુજબ રાખી શકાય.)
બાળકો(ગરીબ ,સ્ટેશન પર રખડતા હોય તેવા ,,,5 થી 7 અનુકૂળતા મુજબ ,8થી 10 વરસ ના)
સ્થળ: શ્રીમંત વર્ગ નો હોય તેવો ડ્રોઇંગરૂમ…વચ્ચે ટેબલ પર કેક છે.જન્મદિવસ જેવું ડેકોરેશન કરેલ છે.એક પછી એક મિત્રો હાથ માં ભેટ લઇ ને આવે છે.ધમાલિયું સંગીત વાગે છે.
પહેલો મિત્ર: અરે,શુભમ,કેટલી વાર?હવે તો બધા આવી ગયા લાગે
છે.કોની રાહ જુએ છે?કેક નથી કાપવાની?
શુભમ: પ્લીઝ…પલાશ આવતો જ હશે.
બીજો મિત્ર: કોણ? પેલો વેદિયો?એની રાહ જોવાની હોય?
શુભમ: હા,મિત્ર છે તો રાહ તો જોવી જ જોઇએ ને?
મિત્ર: ઓહો! શુભમ,તું યે ખરો છે! એના જેવાની શું રાહ જોવાની?એને
આવી બધી પાર્ટીઓમાં શું ગતાગમ પડે?
(ત્યાં પલાશ આવે છે.હાથ માં ભેટ આપવા માટે નું પુસ્તક છે.
મિત્ર:; લો,આવી ગયા…(ધીમેથી)વેદિયાકુમાર!!
શુભમ: અરે, પલાશ,આવ ..આવ..તારી જ રાહ જોતા હતા.
પલાશ: (પુસ્તક આપે છે અને ભેટે છે.)જન્મદિવસ મુબારક.
શુભમ: થેંકયુ,પલાશ.
મિત્રો: અરે હવે કોઇની રાહ જોવાની બાકી છે કે?
શુભમ: ના,ના,ચાલો,આપણે કેક કાપીએ.પલાશ,ચાલ.(પલાશ ને મળતું
વધારે માન મિત્રોને ગમતું નથી,બધા એક્બીજા સામે જોઇ ને
કટાક્ષ માં હસે છે,,,ચાળા પાડે છે ને અંદરઅંદર ગુસપુસ કરે છે.
આવી પાર્ટી આ વેદિયા એ કયાંથી જોઇ હોય?
શુભમ: અરે,અત્યાર સુધી ઉતાવળ કરતા હતા …ને હવે શું છે?
(બધા સાથે ઉભે છે .શુભમ કેક કાપે છે.મીણબત્તી ઓલવે
છે,બધા તાળી પાડે છે .”happay birthday to you” નું ગીત
ગવાય છે.બધા ને વારાફરતી કેક ખવડાવે છે…ધમાલ મસ્તી
કરે છે.મોટેથી ટેપ વાગે છે..બધા ગમેતેમ નાચે છે.ટેબલ ઉપર
નાસ્તા ની ડીશો,,,વિ…. બધું જ છે.બધા નાસ્તો કરે છે.
નોકર થમ્સ અપ ની બોટલ લાવે છે.બધા પીવે છે ..ત્યાં શુભમ
નું ધ્યાન જાય છે.પલાશ નાસ્તો કરે છે પણ થમ્સ અપ ની ના
પાડે છે.
શુભમ: કેમ પલાશ,થમ્સ અપ ન લીધી?
પલાશ: ના, હું નાસ્તો લઉં છું ને!!
શુભમ: અરે,પણ…….
મિત્ર: (કટાક્ષથી)આ થમ્સ અપ છે કંઇ દારુ નથી!!
પલાશ: હા,મને ખબર છે…પણ મારે નથી પીવી.
મિત્ર: એટીકેટ કે મેનર્સ નું કંઇ ભાન હોય તો પીવે ને?
મિત્ર 2: વેદિયો અમથો કહ્યો છે?
મિત્ર3: ઘર માં તો કોઇ દિ’નહીં મળે…અરે ,મૂરખ,અહીં મફત મળે છે તો
પી લે ને!!
શુભમ: શું તમે બધા એની પાછળ પડયા છો?એને નહીં ભાવતી
હોય તો ન પીવે ..એમાં શું?
પલાશ: દોસ્ત,ભાવવા-ન ભાવવા ની વાત નથી..તારા જેવા મિત્ર ની
દોસ્તી માટે ..થમ્સ અપ તો શું …ન ભાવતી કોઇ પણ વસ્તુ
ખાઇ કે પી શકું.
શુભમ: તો પછી?
પલાશ: વાત એમ છે કે…….
મિત્ર: એ…….થયું પાછું લેક્ચર ચાલુ….(બગાસા ખાય છે ..આ શુભમ
પણ જો ને લપ મૂકતો નથી.
શુભમ: (મિત્રો નું સાંભળતો ન હોય તેમ..)હા,તો પલાશ,શું વાત છે?
પલાશ: (જરા અચકાતા)ખાસ કંઇ નહી…આ તો મેં એક વરસ સુધી
કોલ્ડ્રીંક ન પીવા એવો નિયમ લીધો છે
શુભમ: નિયમ? કેમ?
પલાશ: હા.મારા ગયા જન્મદિવસે મેં એ નિયમ લીધો હતો.સંકલ્પ
કર્યો હતો.
શુભમ: જન્મદિવસે સંકલ્પ?એ વળી શું?
પલાશ: (અચકાતા અચકાતા ધીમેથી)શુભમ, એ બધી વાત પછી
કયારેક કરીશ તને.અત્યારે આપણે તારાજન્મદિવસ ની ખુશી
માણીએ.(વાત બદલતા)અરે,હા,શુભમ,તારા મમ્મી,પપ્પા
કયાં?
શુભમ: (થોડો ઉદાસ થઇ ને)મમ્મી…પપ્પા..?.ઓહ!મમ્મી કંઇક પાર્ટી માં
ગઇ છે ને પપ્પા હમેશ ની જેમ મીટીંગ માં બીઝી છે.
પલાશ: પણ આજે તો તારો જન્મ્દિવસ છે ને?
શુભમ: (ઉદાસ થઇ ને ધીમેથી)તેથી તેમને શું ફરક પડે છે?
મિત્રો: અને આવી સરસ પાર્ટી ની તૈયારી તો કરી દીધી..બધી સગવડ
કરી દીધી…પછી શું?
શુભમ: હા,પછી શું?(ઉદાસ બની ને)
(પલાશ તેની ઉદાસી સમજે છે .તેનો હાથ પકડી તેને મૌન
આશ્વાસન આપે છે.
મિત્રો: અરે,પલાશ,તારો જન્મદિવસ કયારે છે?તું તો કયારેય
અમને કોઇને બોલાવતો જ નથી.
પલાશ: પણ… અમે આમ પાર્ટી કરતા જ નથી..તો કેમ બોલાવું?
શુભમ: હા,પલાશ,આવું ન ચાલે હોં!!તારે અમને બોલાવવા તો
જોઇએ.તમે જેમ કરતા હો તેમ.પણ કહે પણ નહીં એ ન ચાલે.
મિત્ર: અરે,બધાને બોલાવવા ન પોષાય બિચારાને.
મિત્ર:2 એટલા પૈસા કયાંથી કાઢે?એના પપ્પા થોડા બીઝનેસમેન છે?
એ તો સ્ટેશન માસ્ટર છે .. સ્ટેશન માસ્ટર.!!!!
મિત્ર:3 અરે,બધા ને ન બોલાવે તો યે શુભમ તો એનો ખાસ મિત્ર!એને
પણ કયાં બોલાવે છે?
શુભમ: પલાશ,શું તું તારો જન્મદિવસ ઉજવતો જ નથી?
પલાશ: સાવ,એવું તો નહીં પણ આ રીતે તો નહીં જ.
શુભમ: જન્મદિવસ વળી બીજી કઇ રીતે ઉજવાય?
મિત્રો: હા,હા, અમે તો બીજી કોઇ રીતે ઉજવાતો જોયો નથી કે સાંભળ્યો
નથી.મિત્રો ને બોલાવવા.કેક કાપવી,રમવું.ખાવું-પીવું,મોજ મસ્તી
કરવી …એના સિવાય બીજું શું હોય?
શુભમ: પલાશ,તું કેમ કંઇ બોલતો નથી?
પલાશ: શું બોલુ?બોલી ને હાંસીપાત્ર જ થવાનું છે એ મને ખબર
છે.અમારા ઘર ના રિતરિવાજો…વિચારો જુદા છે…(ઉદાસીથી)
આમેય હું રહ્યો વેદિયો!!!!!!
શુભમ: ના,ના,પલાશ,ખોટું ન લગાડ.એ તો બધા મસ્તી કરે …તું તો
મારો ખાસ મિત્ર છે.
પલાશ: હા,તારા પૂરતી આ વાત સાચી છે.
મિત્રો: એટલે અમે બધા શું મિત્રો નથી?
શુભમ: પલાશ નું કહેવું એમ નથી…પણ તમે બધા આખો દિવસ એની
ઉડાડતા હો તો એને ક્યારેક ખોટું ન લાગે?
મિત્રો: એ તો અમે ખાલી મસ્તી કરીએ છીએ.બાકી પલાશ,સો વાત ની
એક વાત…આવતા રવિવારે તારો જન્મદિવસ છે ,એની અમને
ખબર છે .અને આ વખતે તારે અમને બધા ને બોલાવવા જ
પડશે.કોઇ બહાના નહીં ચાલે.
શુભમ: ને હું તો વગર બોલાવ્યે પણ આવીશ જ.
મિત્રો: અને જ્યાં શુભમ હોય ત્યાં અમે તો આવવાના જ.હા,ભેટ માં
પુસ્તક જ લઇ ને આવશું બસ?(હસે છે)
પલાશ: તમે લોકો ભલે હસો ,પણ પુસ્તક જેવી ઉત્તમ ભેટ બીજી કોઇ
નથી જ…એટલું તો હું જરૂર કહીશ જ.
મિત્રો: સારું સારું…હવે નો લેક્ચર હોં.તું તારે વાંચ્યા કર પુસ્તકો.
શુભમ: આવતા રવિવારે આવીએ ને?
મિત્રો: અરે, સામેથી નિમંત્રણ માગીએ છીએ.
પલાશ: ઓકે..સાંજે જરૂર આવજો.
મિત્રો: થેંકયુ.અંતે તું માન્યો ખરો.
પલાશ: પણ તમને મજા નહીં આવે.પછી કહેતા નહીં.
શુભમ: એવી બધી ચિંતા ન કર.તારો બર્થડે હોય તો મજા આવે જ.
(ધીમે ધીમે બધા જાય છે.ઓકે ..બાય..સી યુ…થેંકસ મજા આવી…..વિગેરે ચાલુ છે.)
દ્રશ્ય: 2
(મધ્યમવર્ગ નો ડ્રોઇંગરૂમ…પલાશ,તેના મમ્મી,પપ્પા,બહેન બધા સાથે મળી થોડું ડેકોરેશન કરતા દેખાય છે.ખૂબ ઉત્સાહ માં છે બધા.)
મમ્મી: પલક,અંદર બધું કામ પૂરૂ થઇ ગયું છે ને?
પલક: મમ્મી,તું ચિંતા ન કર.મને ખબર છે ..આજે ભાઇ ના મિત્રો પણ
આવવાના છે.અરે,કેક પણ રેડી છે.
પપ્પા: હા,જોકે તેમના જેવી મજા આપણે નહીં કરાવી શકીએ.પણ….
મમ્મી: પણ આપણે જે કંઇ કરીએ છીએ તેનું મને ગૌરવ છે.
પલાશ: મને યે….
પલક: મને પણ….
પપ્પા: ને મને તમારા જેવા બાળકો નું ગૌરવ છે.ચાલો,તમે લોકો
તૈયારી કરો ત્યાં હું આવું છું.બરાબર ને?
(પપ્પા જાય છે.ત્યાં બધા મિત્રો આવે છે.ભેટ તરીકે બધા ના હાથ માં પુસ્તક છે.)
શુભમ: હેપી બર્થ ડે …પલાશ,(બુક આપે છે.)
પલાશ: ઓહ! થેંકયુ..
મિત્રો: (ભેટ આપે છે)પલાશ,આ તારી બેસ્ટ ગીફટ બરાબર ને?
પલાશ: ઓહ! સ્યોર …થેંકસ.
મિત્રો: અરે કેક કયાં?
પલક: HERE IT IS (કેક લાવે છે,)
પલાશ: આ કેક મારી બહેને જાતે બનાવી છે.
શુભમ: ઓહ! સો નાઇસ!
મિત્રો: તો ચાલો,કેક નથી કાપવાની?
પલાશ: એક મિનિટ ….
શુભમ: કોની રાહ જોવાની છે?
પલાશ: મારા પપ્પા ની.અને………….
શુભમ: અને?
પલાશ: હમણાં સમજાઇ જશે બધું…પ્લીઝ….પપ્પા આવતા જ હશે.
(પપ્પા આવે છે.સાથે 7-8 મેલાઘેલા છોકરાઓ છે.5 થી 10
વરસ ની ઉમર ના.રેલ્વે સ્ટેશન પર ભીખ માગતા કે મજૂરી
કરતા છોકરાઓ.મિત્રો,શુભમ બધા ડઘાઇ ને જોઇ રહે
છે.છોકરાઓ …કોઇ ડરતા,કોઇ આસપાસ બધું જોતા જોતા આવે છે.)
મમ્મી: (ઉમળકાથી)આવો આવો બાળકો ,આજે આ તમારા મિત્ર પલાશ
નો જન્મદિવસ છે.આપણે બધા સાથે ખાઇશું ને?
શુભમ: આ બધું શું છે?
પલાશ: વાત એમ છે કે અમારા બધા ના જન્મદિવસે અમે વરસોથી
સ્ટેશન પર ના આ નાના છોકરાઓને અહીં ઘેર બોલાવીએ
છીએ….તેમને જમાડીએ છીએ…ને નાનકડી ભેટ પણ આપીએ
છીએ.
શુભમ: વાહ!!સરસ!
મિત્રો: પણ કેમ?
પલક: આ ગરીબ બાળકો પાસે આપણી જેમ ઘર નથી.જન્મદિવસ શું
એ તેમને ખબર નથી,તેથી આ બહાને અમે એમને અહીં
બોલાવી,જમાડીએ છીએ.અને એમાં અમને જ સાચો આનંદ મળે
છે.
મમ્મી: હા,અમે આડા-અવળા ખર્ચા ન કરતા આ રીતે જન્મદિવસ
ઉજવીએ છીએ.
પપ્પા: કમ સે કમ એક દિવસ એમને થોડો આનંદ આપવાનો અમારી
રીતે પ્રયત્ન કરીએ છીએ જેનાથી કમનશીબે ઇશ્વરે તેમને વંચિત
રાખ્યા છે.
મમ્મી: (બધાને) બેટા,તમે બધા તો નશીબદાર છો,ઇશ્વરે તમને ઘણું
આપ્યું છે.પણ….આ બાળકો……..(ગળગળા અવાજે)આ બાળકો
યે આપણા દેશ ના જ નાગરિકો છે.અમે વધું તો કંઇ નથી કરી
શકતા….જે કંઇ થોડું કરી શકીએ કે થોડી ખુશી આપી શકીએ તેમ
છીએ તે તો આપીએ.
પપ્પા: અને એમાં એમને જે ખુશી મળે છે તેના કરતા વધારે
ખુશી,વધારે આનંદ અમને મળે છે.
પલક: લેવામાં ફકત આનંદ હશે પણ આપવામાં તો આનંદ અને
સંતોષ બંને મળે છે .ને એ તો અનુભવે જ સમજાય.
(શુભમ અને મિત્રો બધા સાંભળી રહે છે.વાત મગજ માં ઉતરતી હોય તેમ માથું હલાવે છે.)
મમ્મી: ચાલો.જાજી વાતે ગાડા ભરાય .પલાશ બેટા,ચાલ,કેક કાપ.
(પલાસ કેક કાપે છે.બધા ની સાથે સ્ટેશન પર ના બાળકો પણ તાળી પાડે છે.તેમના ચહેરા પર ખુશી ચમકે છે.હેપી બર્થ ડે નું ગીત ગવાય છે.પલાશ.તેની બહેન.મમ્મી…બધા ને બેસાડી પ્રેમથી નાસ્તો કરાવે છે.સ્ટેશન પર નો એક છોકરો ગીત ગાય છે.બધા સાંભળી ને ખુશ થાય છે.)
શુભમ: અરે,વાહ!! મજા આવી ગઇ .આવી મજા તો કોઇની પાર્ટી માં
નથી આવી.
મિત્રો: સાચી વાત છે.સાચી મજા કોને કહેવાય એ આજે ખબર પડી.
(તેઓ પણ આગ્રહ કરી ને બધા છોકરાઓને ખવડાવે છે ,ને બધા સાથે રમે છે ,આનંદ કરે છે.પલાશ બધા ને ચોકલેટ-બિસ્કીટ ના પેકેટ આપે છે..પછી તેઓ જાય છે.)
મિત્રો: પલાશ.સોરી….આજ સુધી અમે તને વેદિયો ને એવું બધું કહેતા
હતા.પણ આજે અમને યે તારા જેવા મિત્ર નું ગૌરવ છે.
શુભમ: અને હવેથી અમે પણ અમારો જન્મદિવસ આવી જ કંઇક જુદી
રીતે ઉજ્વીશું.
મિત્રો: ને સાચો આનંદ માણીશું.
પલાશ: દીદી.આજે તારે એક ગીત ગાવું પડશે હોં.શુભમ.,તમને બધા ને
ખબર છે ?મારી બહેન ખૂબ સરસ ગાય છે.
બધા: તો તો આજે સંભળાવવું જ જોઇએને?
પલક: (ગીત ગાય છે.)” બચ્ચે મનકે સચ્ચે,સારે જગકી આંખકે તારે,
યે વો નન્હે ફૂલ હૈ,જો ભગવાન
કો લગતેપ્યારે…”
(ગીતની છેલ્લી લાઇન બધા સાથે મળીને ગાય છે અને પડદો પડે છે.)
નીલમ દોશી.