પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

નેટ ફ્રેંડ.. July 19, 2008

તારીખ 1/1/08

પ્રિય પુરુ……

“ રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.”

પુરુ આપણો સંબંધ પણ આ રસ્તાઓ જેવો જ નથી ? જોકે જવા દે, આજે તો નવા વરસની વધાઇ !
આ નવું વરસ પોતાની પાંખમાં શું ભરીને આવશે કોણ કહી શકે ? કાલે રાત્રે ઇ મેઇલમાં શુભેચ્છાનું
કાર્ડ મોકલ્યું અને આજે પહેલીવાર તેં અંગત સવાલ કર્યો છે. કદાચ નવા વરસની આ શરૂઆત…!
કે પછી વધુ નિકટ આવવાનો પ્રયાસ ? આપણી નેટમૈત્રી પાંગરીને એક વરસની થઇ ચૂકી છે. આ એક વરસમાં આપણે કેટકેટલી વાતો કરી..! કયારેક બે લીટીમાં તો કયારેક બે પાનામાં છલકતા રહ્યા છીએ.. જોકે બને ત્યાં સુધી અંગત વાતો કરવાનું આપણે બંનેએ ટાળ્યું છે. આજે તારા તરફથી અંગત કહી શકાય તેવો સવાલ આવ્યો છે. એવી જરૂર આજે અચાનક કેમ ઉભી થઇ ? કોઇ ખાસ કારણ ? તારી સાથે ..એક અજાણ્યા પુરુષ સાથે આટલા સમય સુધી વાતો કરી છે..ચાલુ રાખી છે. શા માટે ? સામાન્ય રીતે બને છે તેમ કોઇ પણ વિજાતીય મૈત્રીમાં એક તબક્કે કોઇ અપેક્ષા..કોઇ અંગત સવાલ જવાબ આપોઆપ આવી જતા હોય છે. પરંતુ આજ સુધી તેં કયારેય પરોક્ષ રીતે પણ એવા કોઇ સવાલો કર્યા નથી..અને કદાચ તેથી જ આપણી મૈત્રીની સફર અવિરત ચાલુ રહી શકી છે. આજે અચાનક આવી વાત તારા મનમાં કેમ ઊગી ? પરિચય..મૈત્રી અને પછી પ્રેમ..? એવી કોઇ વાતની આ શરૂઆત તો નથી ને ?
લિ. પિયુ..
તારીખ..2/1/08
પ્રિય પિયુ
રસ્તાઓ ભલે છૂટા પડી જાય પણ આ જ કાવ્યની આગળની પંક્તિમાં તો એ જ કવિ ઝરણાઓને ભેગા પણ કરી દે છે હોં..

” ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં ”

ખેર ! બાકી તને આશ્ર્વર્ય થાય એ સ્વાભાવિક છે કે અચાનક આજે…? આખરે તો પુરુષ જાત ને ? સ્ત્રીનો પરિચય થાય…મૈત્રીથી આગળ વધાય અને પ્રેમની માગણી થાય. અને પુરુષની પ્રેમની માગણી એટલે સ્ત્રીનું શરીર માત્ર…! આવું કશું તેં મારા માટે પણ ધારી લીધું હોય તો તારો દોષ નહીં કાઢું… પુરુષની તો મથરાવટી જ મેલી..! ત્યાં શું થાય ? અને ચાલીસીએ પહોંચેલ પુરુષ બીજી ઇનીંગ્સ શરૂ કરવા હમેશાં આતુર હોય એ સામાન્ય ગણાય છે. અને હું તો ચાલીસીએ નહીં જીવનના પાંચ દાયકા વીતાવી ચૂકયો છું. તારી ઉંમરની ખબર નથી. અને તારા લખાણ પરથી તારી ઉમરનો કોઇ અન્દાજ પણ લગાવી શકયો નથી. કેમકે કયારેક તારા શબ્દોમાં શૈશવની વિસ્મયતા છલકી છે..તો કદી વીસ વરસની તરુણીની મુગ્ધતા માણી છે..કયારેક ચાલીસીએ પહોંચેલ ઠરેલ સ્ત્રીની ડાહી વાતો દેખાણી છે. તો ઘણીવાર એક પ્રૌઢાનું અનુભવભાથુ પણ ઝલકયું છે. વિસ્મય..ચંચળતા..મુગ્ધતા…શાંતિ..અવઢવ.. એકલતા..એકાંત.. અફસોસ આશા.. નિરાશા…અનેક રંગોની ભરતી ઓટ તારા શબ્દોમાં છલકતી રહી છે. અને તેથી અચાનક એક અંગત સવાલ મારાથી પૂછાઇ ગયો છે. જેનો જવાબ આપવો બિલકુલ જરૂરી નથી. અને એ જવાબનો મારે માટે એવો કોઇ ખાસ અર્થ પણ નથી. તો ચિંતા કરીશ નહીં. તારી સ્વતંત્રતા અને આપણી મૈત્રી અક્ષુણ્ણ રહો..ફરગેટ ઇટ…
લિ…પુરુ..
તારીખ 3/1/08
પુરુ..
“અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! “


પુરુ રસ્તા હોય તો છૂટા પડે કે ઝરણા હોય તો ભળી પણ શકે..પણ આપણે તો ન રસ્તો કે ન ઝરણા…તેનું શું ?
જવાબ આપવો જરૂરી નથી..એમ કહી તેં મારી દ્વિધા વધારી દીધી છે એમ કહું તો ? ફરજિયાત હોત તો જવાબ ન જ આપત..માણસનું મન પણ કેટલું વિચિત્ર છે નહીં ? હવે તારે જવાબ જોઇતો નથી અને મને જવાબ આપવાની તાલાવેલી જાગી છે. જોકે એક શબ્દમાં એ જવાબ મારાથી આપી શકાય તેમ નથી…અને જીવનકિતાબના પાછલા પાનાઓ ઉઘાડવાની હિમત કયાંથી લાવું ?

“કોક વીજ કે આગિયાની રાહમાં

આયખું વીત્યું છે ઝબકારા વગર “

જીવનના પાંચ દાયકા વીતાવી ચૂકેલ એકલવાયી સ્ત્રીની જિંદગીમાં કોઇ શું આશા રાખી શકે ? ભીતરના દરવાજા જાતે જ બંધ કરી દીધા પછી એ ખોલવાની ઇચ્છા કે હિંમત કશું નહોતું. પરંતુ આજે પૂરા વીસ વરસ પછી કોઇએ દ્વાર ખટખટાવ્યા છે. હું ખોલી શકીશ ખરી ?

લિ. પિયુ…
તારીખ…4.1.08
પિયુ
બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે. ?

મારા એક પ્રશ્નથી તારી અંદર આટલો ખળભળાટ મચી જશે એવો ખ્યાલ હોત તો કયારેય આવો કોઇ પ્રશ્ન ન કરત…પિયુ , ઘણું ગુમાવ્યા બાદ હું પ્રેમનો અર્થ પામ્યો છું. જીવન કેવું વિચિત્ર છે નહીં ? પ્રેમને ગુમાવી બેસો ત્યારે જ તેની કિંમત કેમ સમજાતી હશે ? હોય ત્યારે તેની કદર ન કરી શકનારને આવી સજા મળે તેમાં નવાઇ નથી… તું જીવનના પાંચ દાયકા વીતાવી ચૂકી છે એ જાણી આશ્ર્વર્ય નથી થયું..તેં બે દાયકા કહ્યા હોત તો પણ આશ્ર્વર્ય ન જ થાત..તારી દરેક વાત કોઇ વિરોધ..કોઇ શંકા..કોઇ દલીલ વિના સ્વીકારી શકું છું. અવિશ્વાસ રાખીને જે ગુમાવ્યું છે તેના પરથી હવે એટલું તો જરૂર શીખ્યો છું કે હવે ગુમાવીશ તો પણ વિશ્વાસ રાખીને જ…
પિયુ…અતીતના આયનામાં કોઇ તિરાડ હોય અને એ તિરાડ દુ:ખ સિવાય ક્શું આપી શકે તેમ ન હોય તો એ તિરાડને ભૂલી જવી બહેતર છે. એ આયનામાં ઝાંકવાની કોઇ જરૂર નથી..મારે કશું જ જાણવું નથી… પિયુ…તું જે છે..જેવી છે, મારી મિત્ર છે એટલું મારે માટે પૂરતું છે. આ એક વરસમાં મિત્રતાની વ્યાખ્યાઓ આપણે ઘણી કરી…હવે એ મિત્રતા જીવીશુંને ? બસ..એ મૈત્રીથી વિશેષ કોઇ અપેક્ષા નહીં. પિયુ..પાંચ દાયકા તો હું પણ વીતાવી ચૂકયો છું. જીવનનો આ આખરી પડાવ બરાબરને ? શા માટે આ બધી પળૉજણ..વ્યથાઓ ? પિયુ..ભૂલી જા.. બધું ભૂલી જા…
લિ. પુરુ..
તારીખ…12/1/08
પુરુ
” એ ભલે લાગે છે અક્ષર મોકલુ છું

ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું. “

તું પ્રતીક્ષા કરતો હોઇશ એ ખ્યાલ છે. આ આખું અઠવાડિયું મેં મારા અતીત સાથે વીતાવ્યું છે..વરસો બાદ..જાતની ઉલટતપાસ આદરી હતી. કેટલાક ચોંકાવનારા સત્યો..અને મારામાં એક ખળભળાટ…! જે હકીકતોથી હું ભાગતી હતી..જાણવા છતાં સ્વીકારવા તૈયાર નહોતી થતી…એ આજે…! હું ઉઘાડી પડી ગઇ ? કોઇએ અચાનક મારી સમક્ષ આયનો ધરી દીધો..!

દ્રષ્ટિ બદલાય ત્યારે ભલભલા સમીકરણૉ બદલાતા સમય નથી લાગતો. અમારી પણ દ્રષ્ટિ બદલાઇ અને બદલાયા સમીકરણૉ… સંબંધોની કરચ..અસ્તિત્વ લોહીલૂહાણ…અંદર અહમ..” સમાધાન શા માટે કરું ? મારી કોઇ ભૂલ નથી..(પોતાની ભૂલ જોવી સહેલી થોડી છે ? ) એને મારી પડી નથી તો મને…? બસ..હવે તેને મારે માટે પ્રેમ રહ્યો જ નથી.આમ હોય…”
આમ થાય તો જ પ્રેમ કહેવાય ને ? એ માન્યતાના સકંજામાંથી નીકળવું આસાન થોડું હતું ? અપેક્ષાઓનું આકાશ વિસ્તરતુ જતું હતું અને પરિણામે સ્નેહનું આકાશ સીમિત બનતુ જતુ હતુ…નાની નાની વાતોના મનગમતા અર્થો શોધાતા હતા..દલીલો થતી રહેતી હતી..અને બૂમરેંગ બનીને પાછી આવતી હતી.. સાવ ક્ષુલ્લ્ક વાતો…બચકાની વાતો…હકીકતે શું બની ગયું..કયારે..કેમ બની ગયું…અને અમે કેમ છૂટા પડયા એ જાણ પણ પૂરી કયાં થઇ શકી છે ? અને અંતે…અમે છૂટા પડયા..એ એક માત્ર સત્ય..મિટાવી ન શકાય તેવું સત્ય…હું પિયર પાછી આવી. પણ..એક વ્યક્તિ સાથે સમાધાન કે જતું કરવાની વૃતિ હું દાખવી નહોતી શકી..તે અહીં કોની સાથે…?
પરિણામ ? આ એકલતા..જેને એકાંતનું નામ આપી સ્વતંત્રતાના વાઘા પહેરાવતી રહું છું. જીવનનું સત્ય સમજાયું કે જીવનમાં ગમે ત્યાં જાવ સમાધાન એક કે બીજી રીતે..એક કે બીજી વ્યક્તિ પાસે કરવું જ પડે છે.
પોતાની એક વ્યક્તિ સાથે સમાધાન ન કરી શકેલ હું આજે અનેક પારકા લોકો સાથે સમાધાન કરી રહી છું.. એનો સ્નેહ જરાયે ઓછો નહોતો થયો..એ આજે અનુભવી શકુ છું.. એમ તો મારો સ્નેહ પણ કયાં ઓછો થયો છે ? આજે પણ મારી અંદર એ એવો જ જીવંત છે..બીજી કોઇ વ્યક્તિ એ સ્થાન આજ સુધી લઇ શક્યું નથી. પ્રયત્નો તો ઘણાં થયા..પણ..
આજે પણ એનો એક સાદ આવે તો…? પરંતુ હજુ કદાચ અહંકારની સીમાઓ પૂરી તૂટી નથી..કે પછી સંકોચ..શરમ..કયા મોં એ તેની પાસે..કયા હક્કથી..હવે એ મારો શું રહ્યો છે ? દુનિયાની દ્રષ્ટિએ તો અમે… ખેર..! આજે આ ક્ષણે એક ઝળહળતું આસમાન મારી સમક્ષ..અને કોઇ સંકોચ સિવાય આજે તારી સમક્ષ પણ….?
પણ ના, આજે નહીં ભાગુ..આજે એક સહ્રદયી મિત્રે મને આયનો ધર્યો છે તો હું ….. ..બસ લાગે છે ધૂન્ધળી બનેલ આંખો સાથે આજે હવે આગળ નહીં લખાય…બની શકે કાલે ફરી એકવાર અતીતની ગલીમાં એકાદ લટાર …..
લિ. પિયુ..

13/1/2008
પિયુ ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

પવનની લહેરખી સાથે નહીં પણ કોંપ્યુટરના સ્ક્રીન બોર્ડ પર આવેલ ભીનાશ અહીં મેં પણ અનુભવી. પિયુ…મારી કહાણી પણ કંઇક એવી જ છે. જીવનના અમુક સત્યો ઘણું બધું ગુમાવ્યા પછી જ સમજાતા હશે. પિયુ…ભૂલી જા એ અતીતને..આપણે કશું યાદ નથી કરવું…હા..પાછા ફરવાનો કોઇ દરવાજો ખુલ્લો હોય તો તેની તલાશ જરૂર કરજે. કોઇ તારી પ્રતીક્ષા કરી રહ્યું હોય એવું પણ બની શકે…અશકય કશું નથી જ. તારી તલાશ સાર્થક નીવડે એવી શુભેચ્છાઓ સાથે..
લિ. પુરુ

14/1/2008

પુરુ

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!

એક સાચા મિત્રનો એહસાસ પામવાની મારી આરત તારા દ્વારા પૂર્ણ થવાની છે કે શું ? પતિને મિત્ર.. સખા ગણી એકમેકની સંગાથે..દરેક ડગલું સાથે મૂકવાના ઓરતા તો અધૂરા રહ્યા. જોકે એમાં મારો વાંક કંઇ ઓછો નહોતો જ. પણ એ તો આજે દેખાય છે…સમજાય છે..ત્યારે તો અહમ્ ..માની લીધેલ સ્વમાનની રેખા અવરોધ બનીને….ડગલે ને પગલે નડયા કરી..આમ પણ અહમ્ અને સ્વમાન વચ્ચેની ભેદરેખા એવી તો બારીક હોય છે કે ભલભલા થાપ ખાઇ જતા હોય છે. હું પણ એમાં અપવાદ નહોતી જ. અને પરિણામ…….આજની આ એકલતા…જેને એકાંત માનીને જીવનને શણગારવાના પ્રયાસો કરતી રહું છું….ઉંમરના આ પડાવે આજે ફરી એકવાર અતીતના આયનાને સાફ કરવા બેઠી છું કે શું? તારી શુભેચ્છાઓ સર આંખો પર. પરંતુ પાછા ફરવાના દરવાજા જાતે જ બંધ કરી દીધા પછીના ડહાપણનો કોઇ અર્થ ખરો ? ખેર…તારી વાત કરીશ ? હૈયાના પેટાળમાં તું પણ કંઇક ખજાના ખડકીને જ બેઠો હઇશને ? એ ખૂલી શકે તેમ હોય તો જ…શા માટે આ ઇંતેજારી ? શા માટે આ પ્રશ્નો ? ખબર નથી….

લિ.પિયુ
તારીખ 15/1/08
પિયુ..
“ ગયો કયાં અનાહત નાદ એ ?

મને ઝંખતો હતો સાદ એ ?

હું વિરાટ વિશ્વમાં એકલો,

કોઇ ભાવભીનો સ્વર નથી……”



ભગવતીકુમાર શર્માની આ પંકિત આ ક્ષણે મનમાં ગૂંજી રહી છે.
બાકી મારી કથામાં કે વ્યથામાં પણ કશું નવું કયાં છે ? એજ…. પુરુષનો અહમ્….આશંકા…સતત અવિશ્વાસ…સ્ત્રીને સમજી શકવાની અશક્તિ….પુરુષ દિમાગથી વિચારે અને સ્ત્રી દિલથી..પોતાના માપદંડથી સતત અન્યને માપવાનું..પોતાના ત્રાજવે બધાને તોલવાના કાજી બનીને ન્યાય કરવાના…પછી પરિણામ ભોગવવું જ રહ્યુંને ? આજે મારો વાંક દીવા જેવો દેખાય છે… પણ…તે દિવસે….? ઘણીવાર વરસો સુધી સાથે રહ્યા પછી પણ એકબીજાને સાચી રીતે કયાં જાણી શકાય છે ? જાણીએ છીએ…એવા વહેમમાં જ હોઇએ છીએ આપણે..! ખેર..પિયુ….આજે દિલની પૂરી સચ્ચાઇથી કહું છું…તારી જેમ જ મારી અંદર પણ કોઇ જીવંત છે. એક સામાન્ય કાગળ..એક સહીથી શરીર છૂટા પડી શકે..દિલ નહીં..એ ભાન થાય ત્યાં સુધીમાં બહું મોડું થઇ ગયું હોય છે. બહું મોડું…ખેર! પણ પિયુ..પાછા ફરવાનો દરવાજો મારી જેમ બંધ ન કરી દીધો હોય તો એકવાર જરૂર ખટખટાવી જોજે..
કદાચ કોઇને તારા ટકોરાની પ્રતીક્ષા હજુ પણ હોય….

લિ. પુરુ

તારીખ 16/1/08
પુરુ
વાત તો તારી કયાં ખોટી છે ?

“ કોઇ મારું ન થયું, કોઇ સંબંધો ન તૂટયા,

ડાળખી સાવ લીલી રહી,અને પર્ણો ન ફૂટયા. “
જે સંબંધોને તોડીને છોડીને આવી હતી તે મારી અંદર આટલા વરસો બાદ પણ જીવંત છે એ અહેસાસ અચાનક થતાં મારી અંદર ખળભળાટ મચે એ સ્વાભાવિક નથી ? એક ડાળખી અંદરથી લીલીછમ્મ જ રહી હતી..પણ તેની ઉપર પર્ણો ફૂટી ન શકયા તેથી પોતાને મૃત માનીને…
સાવ સાચું કહ્યું તેં. એક સહી માત્રથી સંબંધો તૂટતા નથી..અંદર કોઇ ખૂણે એ અકબંધ પડી રહે છે. સંબંધો જોડાય ત્યારે કયારેક એની ભીનાશ ન સ્પર્શે એવું બની શકે પણ એ તૂટે ત્યારે એની કરચ દિલમાં સતત ચૂભતી રહે છે. જાતને ઓળખવી અઘરી અને અળખામણી પણ ખરી જ ને ? એટલે તો આપણે ઘણીવાર જિંદગીભર જાત સાથે છેતરપિંડી કરતા હોઇએ છીએ ને ? કયારેક સ્મશાન વૈરાગ્યની વાતો કરીને થોડી ક્ષણો પછી રાજકારણના આટાપાટા ખેલવામાં મગ્ન…!
શું થયું હતું..કેમ થયું હતું ? આટલા વરસે એ બધાનો કોઇ અર્થ ખરો ? પાછા વળવાની હિંમત કયાંથી લાવવી ? ના..કોઇ અભિમાન નડતું નથી…પણ શું મોં લઇને જાઉં ? એ શરમ જરૂર નડે છે. અને આજ સુધી એનો કોઇ અત્તોપત્તો પણ નથી..બની શકે એની જિંદગીમાં કોઇ અન્યનો પ્રવેશ થઇ ચૂકયો હોય અને તો એને દોષ આપી શકાય તેમ પણ નથી જ. એ કલ્પના ..કે હકીકત જે હોય તે એનો સામનો કરવાની ઇચ્છા કે તાકાત નથી. એણે પણ મારી ભાળ મેળવવાનો કોઇ પ્રયત્ન કયાં કર્યો છે ? બાકી એ કંઇ અઘરું કામ તો નહોતું જ…અને એટલે ….
લિ. પિયુ

તારીખ 17-1-2008

પિયુ
કાલે તને સલાહ આપ્યા બાદ મને થયું ટકોરા તો હું પણ મારી જ શકું ને ? કદાચ દ્વાર ખુલ્લા હોય તો ? આમ પણ હવે વધારે નુકશાન થવાની કોઇ શકયતા કયાં છે ? પિયુ હું જાઉં છું..મારી પત્નીની તલાશમાં ..અમે અમેરિકામાં હતા…એ ભારત આવી ગઇ હતી. ત્યાં જઇને તેને શોધવાનો પ્રયત્ન જરૂર કરીશ. બની શકે…ફરી એકવાર અમે…. અને કશું ન બની શકે તો પણ એકવાર દૂરથી તેને જોઇને કે શકય હોય તો મળીને મારી બે ચાર ક્ષણૉને ફરી એકવાર જીવંત કરી પાછો વળી જઇશ.

લિ. પુરુ

તારીખ 18/1/08
પુરુ
આશ્ર્વર્ય..જે વાત મારા મનમાં ઉગી તે જ વાત તારા મનમાં પણ….તું ભારત આવે છે તારા ખોવાયેલ પ્રેમને શોધવા અને હું અમેરિકા જાઉં છું..મારા સ્નેહની તલાશમાં. તારી વાત સ્વીકારી હું પણ એક વાર તેની તલાશ તો જરૂર કરીશ. બહું આશા રાખ્યા સિવાય જ જાઉં છું.
લિ…પિયુ
તારીખ 19/1/2008
પિયુ
અર્થાત તારો સ્નેહ અહીં છે અને મારો ત્યાં……? તું ભારતમાં છે ? એક કામ ન કરી શકીએ ? હું ત્યાં આવું છું..એક દિવસ..માત્ર એક દિવસ આપણે મળી ન શકીએ ? અહીં અમેરિકામાં તારા સ્નેહને શોધવાની દરેક મદદ હું જરૂર કરી શકીશ. તારો સંપર્ક કેમ કયારે કરવો ? જણાવી શકીશ ? ન જણાવી શકે તો ના પાડવાનો પૂરો હક્ક છે જ.તને મળવાની..જોવાની ઇચ્છા…આતુરતા છે એમ કહું તો ખરાબ તો નહીં લાગેને ? લિ. પુરુ
તારીખ 19/1/08
પુરુ,

મારું સરનામુ…અને નંબર આ સાથે અલગ એટેચમેન્ટમાં મોકલી રહી છું. આજ સુધી મારું સાચું નામ સુધ્ધાં તને કહ્યું નથી એ બદલ સોરી કહું ? આજે મારી પૂરી વિગત આ સાથે સામેલ છે.
લિ.પિયુ
તારીખ 20/1/2008
અનુ….અનુરાધા….

તું …અનુ…મારી અનુ …હૈયુ એક ધબકાર જરૂર ચૂકી ગયું…આ સત્ય ? હું..હું અર્ણવ….તારો અર્ણવ…માની શકે છે તું ? સ્વીકારી શકે છે ? હું આવું છું…અનુ તને લેવા..આવકારવા આવું છું..બસ..હવે કોઇ શબ્દો નહીં….કોઇ ખુલાસાઓ નહીં..હું આવું છું. ફરી એકવાર આપણે.. એટલું પૂરતું નથી ? મારી રાહ જોઇશને ?

લિ.પુરુ નહીં..અર્ણવ.
તારીખ 21/1/2008
અર્ણવ..

સાત જનમ બેસીને વિચારું તો પણ…. ખરેખર ફરી એકવાર આપણે…?
શબ્દકોષમાં કોઇ શબ્દો છે જ કયાં ?

અનુ..તારી અનુ…

 

શરતનો ભંગ…. June 26, 2008

એક શમણું સાકાર થયાની ધન્ય પળ…! જે શમણાની પ્રતીક્ષા કાગડૉળે વીસ વીસ વરસથી કરી રહી હતી તે આજે સાકાર થયું હોવાની સાબિતિ આપતો રજીસ્ટર્ડ પત્ર અને સુંદર મેડલ પુનિતાના હાથમાં હતો. અને પુનિતા મૂઢની માફક તે હાથમાં લઇ ને બેઠી હતી..ખોલવાની દરકાર સુધ્ધાં કર્યા સિવાય..કદાચ પરમ આનંદ કે પરમ વિષાદની ક્ષણોમાં માનવી આમ જ…! જોકે એકાદ ક્ષણ તો પુનિતાને થયું..પોતે દોડીને પુત્રીના રૂમનું બારણું જોશથી ખખડાવે..ઢંઢોળીને, હલબલાવીને ઉંઘણશી પુત્રીને બૂમો પાડી ને જગાડે. અને મા દીકરીના હર્ષના સ્વરો દિગંતમાં રેલાઇ રહે.. તે સોફા પરથી ઉભી થવા ગઇ.પણ…

’ના,ના, બિચારી ભલે સૂતી.વરસોથી તેને ઉઠાડતી જ આવી છું ને ?વીસ વરસોથી એ જ કામ કર્યું છે ને ? આજે ભલે નિરાંતે સૂઇ ને થાક ઉતારે..આમ પણ તેની હમેશની ફરિયાદ હતી… ’મમ્મા, તું મને કયારેય નિરાંતે સૂવા નથી દેતી…પ્લીઝ…આજે છુટ્ટી…’ જો કે એ છુટ્ટી મમ્માની કોર્ટમાં કયારેય મંજૂર નહોતી થતી…પણ બધે કંઇ મમ્માની કોર્ટ થોડી જ હોય છે ? અને પુત્રી એ માટે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચશે એવી તો કલ્પના યે અશકય હતી ને ?

જોકે એમાં પુત્રીનો બહુ દોષ કાઢી શકાય તેમ હતું નહી.પાંચ વરસની પ્રાચીએ સ્કૂલમાં પ્રથમવાર ડાન્સ કરેલ..ત્યારે લયમાં થિરકતા તેના પગનેજોઇ તેના ડાન્સ ટીચરે કહેલ, ’ આ છોકરીમાં ભવિષ્યની મહાન નૃત્યાંગના થવાના બીજ પડયા છે. જો એને અનુકૂળ ખાતર પાણી મળશે તો તે એક દિવસ જરૂર નામ કાઢશે..એને કોઇ રોકી નહીં શકે..’ કેટલી સાચી વાત કહી હતી..કોઇ એને કયાં રોકી શકયું હતું ? અને એ દિવસે સ્કૂલના હોલમાં તાળીઓના ગડગડાટ અને અભિનંદનની હેલીઓની વચ્ચે પુનિતા અને સંકેતની આંખોમાં વહાલી પુત્રીના ભાવિના શમણા અંજાયા હતા. પહેલું ઇનામ લેવા જતી નાનકડી પુત્રી વિશ્વની સર્વશ્રેષ્ઠ નૃત્યાંગનાનો એવોર્ડ લેતી હોય એ દ્રશ્ય જ તેમની નજર સામે તો તરવર્યું હતું. જોકે નાનકડી પ્રાચીને તો શમણુ એટલે શું એ પણ કયાં જાણ હતી ? પરંતુ એ પછી પ્રાચીને એટલી જાણ જરૂર થવા પામી હતી કે હવે તેણે રોજ સવારે વહેલા ઉઠીને ડાન્સ ટીચર પાસે નૃત્યો શીખવાના છે. સ્કૂલેથી આવી જલદી જલદી જમી ને ડાન્સીંગ કલાસમાં જવાનું છે. અને સૂતા પહેલા ફરી એકવાર નેટ પ્રેકટીસ..રિયાઝ કરવાનો છે. શરૂઆતમાં પ્રાચી થોડી આનાકાની કરતી..પણ પપ્પા, મમ્મી કયાં માને તેમ હતા ? અને પછી પ્રાચીએ પોતાની ઇચ્છા છોડી મમ્મીની ઇચ્છાને સ્વીકારી લીધી હતી. મમ્મી, પપ્પા કહે તેમ કરવાનુ.

અને જીવનમાં કશું પામવા માટે કશું ગુમાવવું પણ પડે જ છે ને ? એ સત્ય ત્યારે માતા અણસમજુ પુત્રીને સમજાવતી હતી. અને આજે…? શું ગુમાવવું વ્યાજબી ગણાય એની કોઇ વ્યાખ્યા ખરી કે નહીં ? એ કોણ નક્કી કરી શકે ?

સપના સાકાર કરવા સખત મહેનત, શિસ્ત જરૂરી છે ..એ સત્યથી પુનિતા કે સંકેત થોડા અજાણ્યા હતા ? પ્રાચી તો નાની હતી..તેને થોડી સમજણ પડે ?તેને તો નિરાંતે ઉંઘવું હોય..રમવું હોય..બહેનપણીઓ સાથે તોફાન મસ્તી કરવા હોય..પણ એ તો અબૂધ હતી…જેને કશું કરવું છે તેને સમય વેડફવો થોડો પાલવે ?અને તેથી જ તો પુનિતા કયારેય પુત્રીને સમય વેડફવા નહોતી દેતી. બાળકને પોતાના ભવિષ્યની સમજ ન હોય એ સ્વાભાવિક છે. એ જવાબદારી તો જાગૃત માતા પિતાની જ હોય ને ? અને પુનિતા અને સંકેત પોતાની એકની એક વહાલસોયી પુત્રી માટે પૂરા જાગૃત હતા જ. તેઓ થોડા અભણ..અશિક્ષિત હતા ? અને મહેનત વિના કોઇ શમણા કયારેય સાકાર થયા છે ખરા ? અને પ્રાચીની સાધના અવિરત ચાલુ રહેતી.અને થોડી સમજણી થતાં માતા પિતાએ પુત્રીની આંખોમાં પણ એ શમણા ઉછેરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.જોકે ખાસ સફળતા મળી નહોતી.. પરંતુ વિરોધ પ્રાચીની પ્રકૃતિમાં જ નહોતો. તેથી મમ્મીની ઇચ્છા મુજબ પ્રાચી ઘૂંઘરું પહેરી આખો દિવસ થિરકતી રહેતી. આ ક્ષણે પણ એ થિરકાટ ચાલુ છે કે શું ?

પુનિતાએ ધીમેથી કાન મંડયા.. ઘૂંઘરુનો અવાજ પ્રાચીના રૂમમાંથી આવી રહ્યો હતો કે શું ? એ ભ્રમ પણ કેટલો મીઠો…! જોકે પ્રાચીને ઉઠાડવામાં તેને બહુ મહેનત કરવી પડતી. વહેલી સવારે ઉઠવું તેને જરા પણ ગમતું નહીં..’મમ્મા, પ્લીઝ..સૂવા દે ને…બહુ ઉંઘ આવે છે..રજાઇ માથા સુધી ખેંચી પ્રાચી અંદરથી બોલતી… અને રજાઇ ખેંચી લેતા મમ્મી બોલતી, ‘બેટા, અત્યારે મહેનત કરીશ તો જ ભવિષ્યમાં શાંતિથી સૂવા મળશે…’ માનવી ઘણીવાર અજાણતા પણ જીવનના કેટલાક સત્યો બોલી જતો હોય છે.. ’બેટા, એક દિવસ તું મહાન નૃત્યાંગના બનીશ..વિશ્વમાં તારું એક નામ અને સ્થાન થશે..અમે તારા મમ્મી, પપ્પા તરીકે ઓળખાવાનું ગૌરવ લેશું…આપણું ઘર મેડલોથી ભરાઇ રહેશે…પુનિતાની નજર ઘરમા ફરી વળી..ઘર ખરેખર મેડલોથી ભરાઇ ગયું હતું…પણ….

’બેટા, અત્યારે તને થોડી તકલીફ પડશે પણ પછી જીવનભરની નિરાંત..’ ’જીવનભરની નિરાંત..! ‘ આ શબ્દો પુનિતાના અસ્તિત્વમાં અટ્ટહાસ્ય કરી ઉઠયા કે શું ?

આજ્ઞાંકિત, ડાહી પુત્રી માતા, પિતાની આંખોના શમણા સાકાર કરવા પગમાં ઘૂંઘરુ બાંધી થિરકતી રહી…એક અવિરત સાધના ચાલુ રહી. પુનિતા પણ તેની પાછળ બધું ભૂલી ગઇ હતી. પુત્રીની તપસ્યામાં તે સતત સાથે રહી હતી. એક માત્ર લક્ષ્ય..જ તેને સામે દેખાતું હતું. જો કે સંકેત કયારેક કહેતો,’તું એને થોડો થાક તો ઉતારવા દે..એક પછી એક કાર્યક્રમ ગોઠવ્યા જ કરે છે…’ અને પુનિતા કહેતી,’અત્યારે મહેનત નહીં કરેતો બુઢ્ઢા થયા પછી કરશે ? અને કેટલાયે ઉદાહરણોના શ્રોતા પુત્રી અને પિતા બની રહેતા.જો કે ન જાણે કેમ પણ પ્રાચીને કયારેય એવી કોઇ મહાત્વાકાન્ક્ષા જાગી જ નહીં. કયારેક ડાન્સ કરવો તેને ગમતો..પણ તેનું સપનુ તો હતું ગળામાં સ્ટેથેસ્કોપ લટકાવી ડોકટર બની દર્દીઓને તપાસી તેમની સેવા કરવાનું. નાની હતી ત્યારે એકવાર તેને ખૂબ તાવ આવેલ અને ડોકટરને ઘેર બોલાવેલ તેને જોઇ ત્યારથી નાનકડી પ્રાચીની આંખોમાં ડોકટર થવાના ઓરતા ઉછરતા હતા..તેને ખૂબ ભણવું હતું.. ’ મમ્મા, કાલે મારી પરીક્ષા છે.આજે પ્રેકટીસ નહીં કરું તો નહીં ચાલે ? આજે ડાન્સ ટીચરને ના પાડી દે ને..પ્લીઝ..’ ’અરે, બેટા, તું તો હોંશિયાર છે..તું પાસ થવાની જ છે એમાં મને કોઇ શંકા નથી..પહેલો નંબર ન આવે તો આપણે કયાં એવી કોઇ કેરીયર બનાવવી છે ? તારી કેરિયર માટે જે જરૂરી છે એનું જ ધ્યાન તારે તો રાખવાનું.. અર્જુનને જેમ પક્ષીની એક આંખ જ દેખાતી હતી તેમ તને પણ ડાન્સ સિવાય કશું દેખાવું જ ન જોઇએ..’ અને પુનિતાને તો કયારેય એ સિવાય કશું દેખાતુ જ કયાં હતું ? અને પ્રાચી બોલી ન શકી કે તેને તો..ડોકટર થવું છે…લોકોની સેવા કરવી છે. તેણે પોતાના શમણાઓ મમ્મીની ઇચ્છામાં ઓગાળી નાખ્યા હતા.

દિલ્હીમાં યોજાયેલી નૃત્યની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રાચીનું નોમીમેશન થયું ત્યારે પુનિતાને મંઝિલ સામે આવતી દેખાઇ.તેની હોંશ…ખુશાલી ચરમ સીમાએ પહોંચી હતી. પુત્રી માટે ગૌરવ અનુભવી તે સાતમા આસમાને વિહરતી હતી. બસ..હવે તો એક પછી એક દરવાજા આપોઆપ ખૂલતા જશે..આમ તો પતિ,પત્ની બંને પુત્રીની સાથે દિલ્હી જવાના હતા. પરંતુ આગલે દિવસે અચાનક લપસી જવાથી પુનિતાના પગમાં પ્લાસ્ટર આવ્યું. અને તેથી પુત્રી પપ્પા સાથે જ ગઇ. જોકે મમ્મીને મૂકી ને જવાની તેને જરાયે ઇચ્છા નહોતી. મમ્મીને મૂકીને જવા માટે તેનું મન માનતું નહોતું. પણ…મમ્મીના આગ્રહને હમેશની માફક આજે પણ તે ટાળી શકી નહીં. અગણિત સૂચનાઓ આપી..પતિને બધી વાતની સંભાળ રાખવાનું કહી, તે મન મનાવી રહી.આમ તો હમેશા કોઇ પણ સ્પર્ધા વખતે પુનિતા પુત્રીની સાથે જ રહેતી. શહેરમાં..જીલ્લા કક્ષાએ, રાજય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ જયાં પણ પ્રાચી જાય ત્યાં તે પડછાયાની જેમ પુત્રી સાથે રહેતી. જેથી તેનો આત્મવિશ્વાસ ડગે નહીં. અને હમેશા ઇનામો લઇ આવતી પુત્રીને જોઇ એક મા હરખી રહેતી. અને આજે આવડી મોટી સ્પર્ધા છે ત્યારે…? પણ શું થાય ? કોઇ ઉપાય નહોતો.

પુત્રીને કપાળે કુમકુમ ચાંદલો કરી, દહીં,સાકર ખવડાવતા તેની આંખોમાંથી વહેતા શ્રાવણ ભાદરવાને જોઇ સંકેત બોલ્યો,’તારી પુત્રી કંઇ સાસરે નથી જતી..’ પુત્રીને વળગી..સ્નેહથી તેને માથે હાથ ફેરવી, મન કઠણ કરી પુનિતાએ દીકરીને વિદાય આપી, રડતી મા ને જોઇ પ્રાચીને ફરી એકવાર થયું કે મમ્મીને કહી દઉં..’ મમ્મી, જવા દે ને..બીજી વખત કયારેક સ્પર્ધામાં જશું. તારા વિના મને પણ મજા નહીં આવે. પરંતુ બોલવાનો કોઇ અર્થ નહોતો..એ પોતે કયાં નહોતી જાણતી. ’મમ્મી, ત્યાંથી આવીને બે દિવસ સુધી ખાલી સૂવાની છું હોં ! નિરાંતે વરસોનો થાક હું ઉતારવાની છું. બે મહિના કોઇ પ્રોગ્રામ નહીં. બસ..તારી સાથે નિરાંતે વાતો કરવી છે. અને તે પણ સૂતા સૂતા હોં..અને તારે બિલકુલ ઉઠાડવાની નહીં. પ્રોમીસ ?

પુનિતા એ હસતાં હસતાં પ્રોમીસ અપ્યું.’બેટા, તેં જીતી લાવેલ મેડલ હું ગર્વથી જોતી રહીશ અને તું નિરાંતે સૂજે બસ…? તારી ઇચ્છા થાય ત્યારે ઉઠવાનું ખુશ ? આટલા વરસો તને રોજ પરાણે ઉઠાડી છે ને ? હવે તારી જાતે તને ઇચ્છા થાય ત્યારે ઉઠજે. મમ્મી તારા પલંગ પાસે બેસીને તારા ઉઠવાની પ્રતીક્ષા કરશે..’ પુનિતા લાગણીશીલ બની ઉઠી. પુત્રીને પોતે કયારેય નિરાંતે સૂવા નથી દીધી..એ ખ્યાલ કદાચ આજે પુત્રીની વાત સાંભળી ને આવ્યો હતો કે શું ?

અને ત્રણેની આંખો ધૂંધળી બની.

બાપ દીકરી નજરથી અદ્ર્શ્ય થયા ત્યાં સુધી પુનિતાની આંખો તેને સ્નેહથી નીરખી રહી.

પુત્રી વિનાનું એ અઠવાડિયું હતું કે એક આખો યુગ..?

પુત્રીની ગેરહાજરીમાં તેનો રૂમ સાફ કરાવતાં અચાનક તેના રૂમમાંથી તેની એક નોટમાં થોડું લખાણ પુનિતાની નજરે ચડયું. એ શબ્દો આ ક્ષણે પણ તે અક્ષરશ: બોલી શકે તેમ છે. કયારેય ભૂલી શકે તેમ નથી..કયારેય નહીં… ” મમ્મી હમણાં આવશે મને ઉઠાડવા..પણ મને જરા પણ ઇચ્છા નથી થતી આજે ઉઠવાની..કયારેય નથી થતી.. પણ મારું ચાલવાનું નથી એની પણ મને ખબર છે જ ને ? મારે તો ભણવું છે..ખૂબ ભણવુ છે..પણ મમ્મી, પપ્પા મને કેટલો પ્રેમ કરે છે..હું તેમની એક માત્ર દીકરી..તેમના શમણા પૂરા કરવા એ મારી ફરજ ખરી કે નહીં ?મમ્મી, હુ તારી..તમારી ઇચ્છા જરૂર પૂરી કરીશ. એક દિવસ મહાન નૃત્યાંગના બનીશ..ખૂબ બધા એવોર્ડો જીતીશ..તારે મારા નામથી ઓળખાવું છે ને મમ્મી ? તું જરૂર ઓળખાઇશ..પણ પછી મારી એક શરત…મને નિરાંતે સૂવા દેવાની હોં..મારે ખૂબ ઊંઘવું છે.. તે દિવસે મારી રજાઇ ખેંચીશ નહીં ને ?..

બસ આટલું જ લખેલ હતુ..કયારે..કઇ પળે લખાયેલ હતું આ બધું..કદાચ દિલ્હી ની સ્પર્ધામાં જવાને આગલે દિવસે..
અને તે વાંચી પુનિતાની આંખો અનરાધાર વરસી રહી.

‘બેટા, કયારેય તારી રજાઇ…નહી ખેંચુ..કયારેય નહી..પણ બેટા,સામે મારી પણ એક શરત છે.. તું મારી ડાહી પુત્રી છે..હમેશા તેં મારી વાત સ્વીકારી છે.. માની છે. આજે પણ માનીશ ને?હું રજાઇ ન ખેંચુ તો પણ તારે પછી તારી જાતે ઉઠવાનું તો ખરું હોં…
ઉઠીશ ને ? ઉઠીશ ને ?

પુનિતાની આંખો બહાવરી ચકળવકળ બની રૂમમાં ઘૂમી રહી. દોડીને તે પુત્રીના રૂમમાં ગઇ. પુત્રી શરતનો ભંગ કરે તે કેમ ચાલે ? તેણે જોશથી ફરી એકવાર પુત્રીની રજાઇ ખેંચી… અને તેના ડૂસકાના સ્વર દિગંતમાં રેલાઇ રહ્યા..

દિલ્હીમાં શ્રેષ્ઠ નૃત્યાંગનાનો એવોર્ડ જીતી પાછા ફરતા થયેલ એક અક્સ્માતમાં ….

 

નીલપરી…. June 13, 2008

દિનાન્તે ગોખોમાં સાંધ્યદીપ પ્રગટતા રહ્યા. પશ્વિમમાં ખડકાયેલ વાદળોને વીંધીને સૂરજ ક્ષિતિજને પાર અદ્રશ્ય થઇ ગયો હતો. પંખીઓ વિના અણોહરા બની ઉઠેલ વૃક્ષો મૌન રહીને વાયરાની વાતોમાં ટાપસી પૂરાવતા ડોલી રહ્યા હતા. વરણાગી વાયરો ડાળીઓ સાથે અડપલાં કરી રહ્યો હતો. અને ડાળીઓને જાણે રુંવેરુંવે કૂંપળો ફૂટી રહી હતી. રજની ધીમે ધીમે પોતાની ચળકતી ટીપકીવાળી ઓઢણી ઓઢી ને મલકાતી હતી.

સવારથી રોજીરોટીની શોધમાં નીકળેલ પંખીઓ પોતપોતાના ફલેટમાં આવીને પોતાના શિશુને પાંખમાં લઇ ખવડાવવા, વહાલ કરવા લાગી ગયા હતા. અને બચ્ચાઓ સાથે સુખ,દુ:ખની વાતો કરી કલશોર મચાવી રહ્યા હતા.
સૂના માળાઓમાં ચેતન પ્રગટી રહ્યું. વૃક્ષની બખોલમાંથી પોતાની નાનકડી ચાંચ બહાર કાઢી ચકલીનું એક બચ્ચું આસપાસ નજર ફેરવી રહ્યું હતું. કદાચ તેની મા હજુ પાછી ફરી નહોતી તેથી પ્રતીક્ષા કરી રહ્યું હતું. બચ્ચાની પ્રતીક્ષા હજુ પૂરી નહોતી થઇ. મનમાં તો તે ગભરાતું હતું. પણ મા આવશે જ એ શ્રધ્ધામાં કયાંય શંકા નહોતી જ.

આવા સરસ વાતાવરણને માણવાને બદલે ઇશાનું સમગ્ર ધ્યાન આજે બારીમાંથી દેખાતા પેલા ચકલીના બચ્ચામાં હતું. એકીટશે ઇશા બચ્ચાને નીરખી રહી હતી. તેની નાનકડી આંખોની પ્રતીક્ષા આજે તે સ્પષ્ટપણે જોઇ શક્તી હતી… અનુભવી શકતી હતી. હમણાં તેની મા આવશે..બચ્ચાને પાંખમાં સમેટી લેશે..અને વહાલભર્યા ઘૂઘવાટમાં બંને મશગૂલ બની જશે. બચ્ચા કરતાં યે કદાચ વધારે ઉત્સુકતાથી ઇશા તેની મા ની પ્રતીક્ષા કરી રહી હતી. મા અને બાળકના મિલનને જોવા આજે તે કેમ આટલી ઉતાવળી, આટલી અધીરી બની હતી ? બચ્ચાની આંખમાંથી ડોકાતો પ્રશ્ન…..

’ મા, હજુ કેમ ન આવી ? ’ પોતાના મનમાં કેમ પડઘાતો હતો ?

એ પડઘા શમે તે પહેલાં જ અચાનક ઇશાના પેટમાં સખત દર્દ ઉપડયું. બચ્ચાને નીરખી રહેલી ઇશાની આંખો તેના પર જાણે સ્થિર થઇ ગઇ હતી. તેના હોઠ દ્રઢતાથી ભીડાયા.વાતાવરણ બેબાકળું બની ગયું હતું કે પોતાનું મન ? જન્માંતરોનો જાણે થાક લાગ્યો હતો. કે શું ? પોતામાં કંઇક પ્રગટી રહ્યું હતું કે કોઇ આંધીમાં અફાટ રણ વચ્ચે કયાંક અટવાઇ ગઇ હતી ?

‘ ના, ના,..જે વેદના વાંઝણી ન હોય ..એનું દુ:ખ ન હોય. ઇશા, આ તો સર્જનની વેદના છે. તારા અસ્તિત્વના જ એક અંશને પ્રગટવાની પીડા છે. નવજીવનના આ પરમ પ્રકાશની પળ છે. અણમોલ ઘડી છે. આ ક્ષણિક પીડા તને માતૃત્વનું વરદાન અર્પશે. એક નવી જિંદગીને તું વિશ્વમાં આવકારી રહી છે. એક જીવનના પ્રાગટયનું તું નિમિત્ત બની રહી છે. ઇશા, આ વેદના વાંઝણી નથી. ‘

કોણ બોલી રહ્યું હતું ? આ કોણ ઇશા ને અંદરથી ઝકઝોરી રહ્યું હતું ? ઇશાના હાથની મુઠ્ઠીઓ સખતાઇથી વળી ગઇ. ના, તે પીડાનો એક ઉંહકારો પણ નહીં નીકળવા દે. પણ ચારે તરફ અંધકાર કેમ દેખાતો હતો ? પોતાની આસપાસ કેમ કોઇ નથી દેખાતું ? તે એકલી છે ? નિતાન્ત એકલી ? પેટમાંથી આ શું સરી રહ્યું છે ? ઓ મા..1 ઉદગાર પોતાના મોં માંથી સરી રહ્યો છે કે બીજું કોઇ બોલી રહ્યું છે ? આ પળે કયાં કશું સમજાય છે ? અંદર શું વલોવાઇ રહ્યું છે ?

યુગયુગાંતરની તૃષા શમવાના આ સમયે આ શેનો વલોપાત ? અંદર આ શું ચૂંથાઇ રહ્યું છે ? આ પળે તે પોતાની જાતને સાવ એકલી, અસહાય, નિરાધાર કેમ અનુભવી રહી છે. ? કઇ અજ્ઞાત દુનિયામાં તે આવી ગઇ હતી ? સામે જલતો દીપ તો દેખાતો હતો. પણ તેની જયોતિ કેમ અદ્રશ્ય થઇ ગઇ હતી ? રોજનો એ સાન્ધ્ય દીપ આજે તેની અંદર પ્રકાશ કેમ પ્રગટાવી શકતો નહોતો ? અરે, પેલા બચ્ચાની મા પણ હજુ કેમ આવી નહીં ? બિચારું હજુ રાહ જોઇ રહ્યું છે. આવશે તો ખરી ને તેની મા ? પરમ વેદનાની આ પળે પણ તે ચકલીના બચ્ચાને…કેમ વીસરી શકતી નથી ? તેની પ્રતીક્ષા કેમ અંતરમાં પડઘાયા કરે છે ? પોતે પોતા ને પણ સમજવા આજે કેમ અસર્મથતા અનુભવે છે ? આ પળે દરેકને આવી જ કોઇ અનુભૂતિ થતી હશે ?

અચાનક પોતાની અંદરથી કંઇક છૂટું પડયાનો એહસાસ….બંધ આંખો..ઘોર તિમિર..કોઇક ન સમજાતા અસ્ફૂટ અવાજો..તીવ્ર વેદનાની પરાકાષ્ઠા…. અનાયાસે સરી પડતા ઉંહકારા, સખત ભીડાયેલી મુઠ્ઠી…એક ..એક પળ……

એક પરમ શાંતિ. અને…અને એકાએક બધું ઝળાહળા…!! કાનમાં આ કયું સંગીત ગૂંજી ઉઠયું ? આટલી મધુર સરગમ તો કયારેય નથી સાંભળી ? દિગંતમાંથી આવતો આવતો આ કોનો સ્વર તેના અસ્તિત્વને ઝકઝોરી રહ્યો છે ?

આ શું ? બાજુમાં ગોરી ગોરી, નાનકડી નવજાત બાળકી….? આ તેનો સાન્ધ્યદીપ ? આ ઝળાહળા જયોતિ તેની ? આ સૂરીલું સંગીત તેનું હતું ? શૈશવમાં કલ્પેલી..વાંચેલી, શમણામાં જોયેલી તે આ સોનપરી કે નીલપરી ? ઇશાએ આંખો ખોલ બંધ કરી. પરિસ્થિતિને જાણવા, સમજવા તે મથી રહી.

ઓહ…! અર્થાત્ તે..તે મા બની ચૂકી હતી ? “ મા…” .આવડા મોટા શબ્દની તે સ્વામીની બની છે.! અરે, પણ હજુ તો એ કોલેજમાં ભણતી હતી. પોતે મા..મા પોકારતી હતી. અને આજે…? આજે કોઇ તેને મા કહી પોકારી રહ્યું હતું ? તેની ચંચળતા કઇ હવામાં ઓગળી ગઇ ? આજે આ ક્ષણે તે મા છે ! એક પૂર્ણ સ્ત્રી. આ એનું પોતાનું સંતાન છે ? એના અસ્તિત્વનો નાજુક અંશ છે ? આ..આ મારી દીકરી છે ? આ મારો તુલસીકયારો ? ખરેખર ? હ્રદયમાં ઉઠતી લાગણીઓ આજે તેને કેમ સમજાતી નથી ? પૂનમની રાત્રે દરિયામાં ઉઠતી ભરતીના મોજા પોતાની અંદર કેમ ઉછળી રહ્યા છે ? ખડક વીંધીને વહેતા ઝરણાં ઓ પોતાની અંદર કેમ વહી રહ્યા છે ? આ કઇ લાગણીઓના ફુવારા ઉછળીને સંગીતની દિવ્ય સૂરાવલિ રેલાવી રહ્યા છે ? આ કયો ઉજાસ તેનામાં પ્રગટી ગયો ? તેના અંગેઅંગમાં આ કયા સ્પદંનો ઉમટી ને હિલોળા લઇ રહ્યા છે ? આ કઇ અજ્ઞાત અનુભૂતિથી તે છલકી ઉઠી છે ?

અચાનક કોઇ નર્સ આવી ને સૂચના આપી ગઇ. આને દૂધ પીવડાવજો. કહી બેબીને પડખામાં મૂકી ગઇ. અને અચાનક ઇશાને ભાન આવ્યું.પોતાની છાતીમાંથી આ દૂધની ધારા વહી રહી છે કે સ્નેહની અમૃતસરવાણી ફૂટી રહી છે ?

આ સ્પર્શ…!! ઓહ..આ અસહય..અકથ્ય આનંદની અનૂભુતિ અંગેઅંગમાં કયાંથી છલકાઇ ગઇ ? અસહ્ય આનંદથી પોતે કેમ ભીંસાઇ ઉઠી ? પેલી વેદના તો એક ક્ષણમાં કયાં વિસરાઇ ગઇ ? પોતાની વેદના વાંઝણી થૉડી હતી ? આનાથી મધુર..મીઠો સ્પર્શ દુનિયામાં બીજો કોઇ હોઇ શકે ખરો ? આનાથી વધુ સુખ બીજું કોઇ હોઇ શકે ખરું ? સંપૂર્ણ સુખ એટલે શું ? એ પુરુષને કયારેય સમજાઇ ન શકે. ઇશ્વરનો ઉપકાર છે કે તે સ્ત્રી છે. ને તેથી જ આ સ્પર્શની પરમ અનુભૂતિ તેને સાંપડી છે.

અને આ નાનકડી પરી તો જાણે બધું શીખીને આવી છે. મા ને કોઇ તકલીફ ન પડે માટે ? તેને દૂધ પીતા કોણે શીખડાવ્યું ? સુખ અને સંતોષથી..પૂર્ણ પરિતોષથી અસ્તિત્વ છલકાય છે. બે કાંઠે વહેતી નદીની જેમ આજે તે છલોછલ છે. કસ્તુરી મૃગની જેમ આ કેસરની સુગંધી કયારી તેની અંદર જ હતી ? અને પોતાને અણસાર સુધ્ધાં નહોતો ? ઇશાની બંધ આંખોમાં અનંત બ્રહ્માંડ ઉમટી આવ્યું.

જીવનનો આ પ્રથમ અનુભવ આવો આહલાદક હોતો હશે તેની તો કલ્પના યે કયાં હતી ? પોતાને તો કલ્પના હતી ફકત વેદનાની..પીડાની.. જે બધા પાસેથી સાંભળતી આવી હતી. આ રોમાંચની વાત તો કોઇએ કરી જ નહીં. પ્રસૂતિની સઘળી પીડા ક્ષણમાત્રમાં કયાં ઓગળી ગઇ ? આ પુનિત પાવક સ્પર્શ આગળ તો આવી અનંત વેદનાઓ તે સહન કરી શકે તેમ છે. હવે પછી કોઇ સ્ત્રીને તે પ્રસૂતિની પીડાની નહીં..આ પરમ સુખની અનુભૂતિની જ વાત કરશે.

અચાનક નાનકડી પરી એ આંખો ખોલી. હા, તે પરી જ રહેશે. ક્ષણમાત્રમાં નામ નક્કી થઇ ગયું. “ નીલપરી.” . પોતાની એકલીની નીલપરી. જેને શૈશવકાળથી પોતે ઓળખે છે. પુત્રી પોતાની ટચુકડી આંખો ખોલી ટગરટગર પોતાને જોઇ રહી છે કે શું ? મને ઓળખવા મથી રહી છે ? કશું કહી રહી છે એની આંખો મને ?

‘હવે દીકરીનો પાણો છે..બહેન..નશીબ બીજું શું ? ‘ સાસુ નો અવાજ સંભળાયો.

’ધીરજ રાખો..સૌ સારા વાના થશે..ભગવાન બીજીવાર દીકરો આવશે. મારા વાલાને ઘેર દેર છે ..અંધેર નથી. ‘

કોઇ તેને આશ્વાસન આપતું હતું. ઇશાને ચીસ પાડવાનું મન થઇ આવ્યું,

’ સૌ સારા વાના જ થયા છે. અને તમે પોતે સ્ત્રી છો એનું કંઇ નહીં ? ‘

પરંતુ એનો કોઇ અર્થ નહોતો. તેણે આશાભરી નજરે ઇશાન સામે જોયું. ઇશાન પુત્રી સામે એક નજર પણ નાખ્યા સિવાય ત્યાંથી ખસી ગયો. તેની પાછળ સાસુજી પણ બબડતા બબડતા..અફસોસ કરતાં કરતાં નીકળી ગયા. ઇશાએ નાનકડી દીકરી તરફ ત્રાંસી નજરે જોયું.કંઇ સાંભળી કે જોઇ તો નથી ગઇ ને ? કોઇએ તેનો સત્કાર સ્વાગત કરવાનું તો બાજુએ રહ્યું..અહીં તો …

’ના, બેટા, આજે તારા આગમનને આ લોકો ભલે વધાવી શકયા નથી..તું ઓછું ન આણીશ.એક દિવસ જરૂર આવશે જયારે……’

ઇશાની આંખો વરસી રહી. પુત્રી ને છાતી સરસી ચાંપી તે વાત્સલ્યના ઝરણામાં નહાઇ રહી.
ઘેર આવી ત્યારે કોઇ એ સામે જોવાની તકલીફ પણ ન લીધી. જાણે કોઇ અપરાધ કરીને આવી હોય તેમ..એકાદ ક્ષણ તે ઉભી રહી. ઘરમાં બધા હતા છતાં કોઇ નહોતું.

અને સમય સરતો રહ્યો..સરતો રહ્યો.ઇશાની કૂખ બીજીવાર ન ફળી તે ન જ ફળી. બધા ઉપાયો..બાધા આખડીઓ માનતાઓ નુસ્ખાઓ નકામા ગયા. પુત્રની આશા ન જ ફળી. તેટલો સિતમ વરસાવ્યા બાદ સાસુજી વહુની ફરિયાદ કરવા ઉપર સસરાજી પાસે પહોંચી ગયા.પુત્રીનું નામ તેણે હોંશથી નીલપરી પાડેલ. પતિ અને સાસુના તાપથી તેને બચાવતી રહી. ન સમજાતી વાતો હવે નીલપરીને સમજાવા લાગી હતી. પિતાની અવગણના..દાદીનો ગુસ્સો અને મા નું વહાલ બધુ તે સમજતી થઇ.માની સુરક્ષા ના અભેદ કવચમાં તે સુરક્ષિત હતી. માની મમતાનો પાલવ દરેક સમયે તેને માટે ઢાલ બની રહેતો.

આમે ય યશોદામા કંઇ એક જ થોડા હતા ? કઇ મા યશોદા નથી હોતી ?

” પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;
મૃદુ, મલિન મોં માં બ્રહ્માંડો અનંત અવલોકતી. “

નીલપરી ની દુનિયા વિસ્તરતી રહી.

સમય સાક્ષીભાવે બધું નીરખતો વહેતો રહ્યો. નીલપરી એક સફળ ડોકટર બની. અને સદા અવગણનાનું કેન્દ્ર બની રહેલ પુત્રીની સફળતાએ પિતાનો રોષ પણ અંતે ઉતારી દીધો. ઇશા ખુશખુશાલ. તેની તપસ્યા આખરે રંગ લાવી હતી. પિતાને કદાચ પોતાની ભૂલનો એહસાસ થયો હતો.જોકે એનો હવે બહુ અર્થ કયાં રહ્યો હતો ? પુત્રીની આ ઘરમાંથી વિદાય ના પડઘમ વાગી રહ્યા હતા.

નીલપરી હવે કળીમાંથી પુષ્પ બની ચૂકી હતી. અને ખીલતા પુષ્પની મહેકથી કોઇ ભ્રમર ન આકર્ષાય તેવું તો બને જ નહીં ને ? અને ત્યારે જ પુષ્પનું ખીલવું પણ સાર્થક બને ને ? અને ધામધૂમથી નીલપરીના લગ્ન લેવાયા. એક ધરામાંથી નીકળી બીજી ધરામાં ધરબાવા તેની વહાલસોયી પુત્રી જઇ રહી હતી. તેના આંગણનો તુલસીકયારો , હવે અન્યના આંગણમાં રોપાવાનો હતો. ત્યાં વળી બીજી કોઇ નીલપરી અવતરશે અને…..

ઇશાની આંખ સામે આથમતા સૂરજના રંગ ઉતર્યા હતા. જીવન પરમ સાર્થકતા, ધન્યતા અનુભવી રહ્યું હતું. જીવનસંધ્યા મેઘધનુષી રંગોથી ખીલી ઉઠી હતી. સાસરે વિદાય લેતી પુત્રીને ઇશા ભેટી પડી કે દીકરી મા ને વળગી રહી. એ સમજ ન પડી. મા દીકરીના ભાવવિશ્વની ગાંઠને ખોલવી કંઇ આસાન છે ? ઇશાની આંખમાં સાવન ભાદરવાના પૂર ઉમટયા હતા…ઉમટયા હતા….ઉમટયા હતા..

અને…અને ..આ શું ? શું હતું આ બધું ? ઇશા સફાળી ચોંકી ઉઠી. બારી બહાર જોતી આખી રાત બંધ આંખે તે બેઠી રહી હતી ? શું આ સ્વપ્ન હતું ? ના, આંખોમાં સાવન ભાદરવો તો અત્યારે યે મોજુદ હતા. આખો દરિયો આંખોમાં છલકતો હતો. પરિસ્થિતિ સમજવા તેણે હળવેથી બાજુમાં નજર કરી. તો ઇશાન ઘસઘસાટ ઉંઘતો હતો. પોતે એક રાતમાં આખું જીવન જીવી લીધું ?

અને ઇશાન..? ઇશાનને કયાં કંઇ ચિંતા હતી ? કયાં કોઇ પ્રશ્નો હતા? તેને તો હવે શાંતિ..નિરાંત થઇ ગઇ હતી. છેલ્લા દસ દિવસથી દલીલ કરતી..કોઇ રીતે ન માનતી..રોતી કકળતી પત્નીએ અંતે નાછૂટકે સમાધાન સ્વીકારી લીધું હતું. અને એબોર્શન કરાવવાની લીલી ઝંડી ફરકાવી દીધી હતી. ! પોતાના કૂળની પરંપરા કે..પ્રથમ તો દીકરો જ હોવો જોઇએ… એ પરંપરા જાળવવા એક સ્ત્રીએ પોતાના જ એક અંશનો.. નાશ કરવાની સંમતિ આપી દીધી હતી. અને કાલે સવારે તો એબોર્શન કરાવવા જવાનું હતું. પછી ઇશાનને શું ચિંતા હોય ?

પણ..ઇશાના કાનમાં આ કોના શબ્દો પડઘાતા હતા ? તેની ન જન્મેલ નીલપરીના..? તેની કૂખમાં ફરકી રહેલ વહાલના દરિયાના ? તેણે ધીમેથી પોતાના ઉપસેલા પેટ પર હાથ ફેરવ્યો. જાણે દીકરીને નાજુકાઇથી સ્પર્શી રહી..

ઇશાએ આંખના આંસુ લૂછયા. આંખ અને મનમાં છવાયેલ એક ગોરંભો સાફ થઇ ગયો . રજની પોતાની તિમિરલીલાની માયાજાળ, પોતાની રૂપેરી ટીપકીવાળી ભાતીગળ ઓઢણી સંકેલીને વિદાય લઇ રહી હતી. કયાંક દૂરથી પ્રાર્થનાનો સ્વર વાતાવરણમાં ગૂંજી દિગંતમાં રેલાઇ રહ્યો હતો.

“ એક જ દે ચિનગારી, મહાનલ, એક જ દે ચિનગારી…”

ક્ષિતિજે તેજના ટશિયા ફૂટી રહ્યા હતાં. વાદળાને વીંધીને વિશ્વને અજવાળવા સૂરજ આવી પહોંચ્યાની એંધાણી દૂરથી વર્તાઇ રહી હતી. પૂર્વાકાશમાં ઊગતા સૂરજની લાલાશ ઇશાની આંખોમાં ચિનગારી બની રહી. એ ચિનગારીના અજવાશમાં તેની નીલપરીની આંખો જાણે ચમકી રહી. તેણે બારી બહાર એક નજર કરી. પ્રભાતના પ્રથમ કિરણને પાંખમાં સમેટી ચકલીનું બચ્ચું મા પાસેથી ઉડતા શીખી રહ્યું હતું. બચ્ચાની પ્રતીક્ષા પૂરી થઇ હતી.

ઘરની બારસાખ પાસે ગોખમાં બળતા દીવાનું તેલ ખૂટવા આવ્યું હતું . ઇશાએ જલ્દી તેમાં તેલ પૂર્યું. બૂઝાવા આવેલ દીવો ફરી એકવાર ઝળહળી રહ્યો.

 

રોંગ નંબર…. May 30, 2008

જીવનની અંતિમ સાંજ…! બસ…હવે બહું થયું. આ જીવનનો કોઇ અર્થ નથી. કોઇને મારી પડી જ નથી. આખી જિંદગી શું બધાનું સાંભળ્યા કરવાનું અને સહન કર્યા કરવાનું ? કોઇને મારી જરૂર નથી. હું જાણે વધારાની થઇ ગઇ છું…નકામી..સાવ નકામી બની ગઇ છું ખાલી શીશીમા મેઘધનુશી સપના ઉછેરવાની રમત રમ્યા કરુ છુ. અર્થહીન જિંદગીની માફક અર્થહીન રમત……

આવા જીવન કરતાં તો…..

અને હવે આ નિર્ણયમાં કોઇ ફેરફર નહીં…. આમ પણ આ ચાર દિવસ એકલી છું. આવો મોકો બીજી વાર મળે ન મળે…બસ….જેને જે માનવું હોય,..જે વિચારવું હોય તે વિચારે. મર્યા પછી મને શો ફરક પડે છે ? દુનિયા આખી સ્વાર્થી છે. બે દિવસમાં બધું ભૂલી જશે..દિશા હોય કે ન હોય કોને ફરક પડે છે ? મારા એક વિના દુનિયા અટકી તો નથી પડવાની. અને હું નહીં હોઉં ત્યારે જ બધાને મારી કીંમત સમજાશે.

હાથમાં ફિનાઇલની આખી બોટલ સાથે બેસેલ દિશાની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં જ બાજુમાં ટીપોય પર રહેલ ફોન રણકયો. દિશાએ કંટાળાથી ફોન તરફ જોયું. આને પણ છેલ્લી ઘડીએ રણકવું છે ? નથી ઉપાડવો..હવે ઉપાડીને કામ પણ શું છે ? ભલે વાગતો….મારે હવે આ બધી બાબતો સાથે કોઇ નિસ્બત ખરી ?

પણ ફોન કરનાર જાણે જિદે ભરાયું હોય તેમ રણકવાનું બંધ જ નહોતું થતું..કંટાળીને કે ગુસ્સાથી દિશાએ ફોન ઉપાડયો.’ લાવ, જોઉં તો ખરી.. મારા નશીબમાં અંતિમ વાત કોની સાથે કરવાની લખાઇ છે ..’

‘હલ્લો…’ ’વિરલ છે ?

‘ કોણ વિરલ ? ‘ વિરલ…વિરલ શાહ..’ સોરી..રોંગ નંબર…અહીં કોઇ વિરલ રહેતો નથી. ‘

તો કોણ રહે છે ત્યાં ?

’તમારે મતલબ ? ‘દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.

પૂછવાનો અર્થ એ હતો કે આપ કોણ બોલો છો ?

‘ હું વિરલ તો નથી જ બોલતી…એટલું પૂરતું નથી ? ‘

’એ તો સમજાઇ ગયું..આ અવાજ વિરલનો નથી.પણ..પ્લીઝ કોઇ ગેરસમજ ન કરશો. આ તો જસ્ટ તમારો અવાજ ખૂબ સરસ.. બહું મીઠો લાગ્યો તેથી પૂછાઇ ગયું. સોરી..કંઇ ખરાબ લાગ્યું હોય તો…. ‘

દિશાનો ગુસ્સો થોડો શાંત થયો.. એકાદ પળ મૌન રહી તેણે જવાબ આપ્યો. ’હું દિશા બોલુ છું. આઇ મીન…મારું નામ દિશા છે. ‘

ઓહ. .! ગ્રેટ.. જીવનમાં બધાને ગાઇડ કરનાર…દિશા બતાવનાર….વાહ..! ‘
’ સોરી…હું કોઇને ગાઇડ કરતી નથી. ‘
’અગેઇન સોરી …આઇ વોઝ જસ્ટ જોકીંગ.. ‘
’અજાણ્યાઓ સાથે જોક કરવાની તમને આદત છે ? ‘
’ના, પણ તમે અજાણ્યા લાગ્યા જ નથી..એનું શું ? ‘
’વાત કરવામાં તો સ્માર્ટ લાગો છો. ‘
’ખાલી વાત કરવામાં ? હું આખ્ખો સ્માર્ટ છું. ‘
’તમારી જાત વિશે બહું ઊંચી માન્યતા ધરાવતા લાગો છો. ‘
પોતાની જાત વિશે માન હોવું એ કંઇ ખરાબ બાબત તો મારા ખ્યાલ મુજબ નથી જ. જાતની અવગણના શા માટે ?
લેખક છો ?’
લેખક થવાના સ્વપ્નો જોઉં છું ખરો..’
’સ્વપ્નો જોવા કંઇ ખરાબ વાત નથી જ.. પણ દિવાસ્વપ્નોમાં રાચો છો કે પછી મહેનત પણ કરો છો? ‘
દિશા અજાણપણે વાતમાં ગૂંથાતી જતી હતી.

’આ અત્યારે શું કરી રહ્યો છું ? મહેનત જ ને ? દિશા નામની કોઇ સુંદર છોકરીને પટાવવાની…’
’વોટ ? હવે દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.

‘સોરી..સોરી..મીઠાશની સાથે તીખાશ પણ છે કે નહીં તે જરા ચકાસતો હતો.એકલી મીઠાશ બહું સારી નહીં. ડાયાબીટીશ થઇ જાય. મને રોગીઓ પ્રત્યે બહુ માન નથી જ. પણ તમારે વાંધો નથી..મીઠાશ..તીખાશ બંને છે તમારામાં. ‘ બોલતા મસ્કા મારતા સારું આવડે છે…’

થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ..તમારા જેવી સુંદર યુવતીઓની શુભેચ્છાઓ ની મહેરબાની હમેશા મારી ઉપર રહી છે. ‘
હું સુંદર છું ..એમ કોણે કહ્યું ? ‘

યુવતીઓને હું સુંદર જ ગણુ છું. આમ પણ સુંદરતા તો દ્રષ્ટિમાં છે…અને મારી દ્રષ્ટિ સુંદર છે જ. તેથી મને વિશ્વમાં કશું અસુંદર દેખાતું જ નથી. હું તો સીધો કવિ કલાપીનો વંશજ..

‘સૌન્દર્ય પામતા પહેલાં સૌન્દર્ય બનવું પડે..’ એટલે હું સૌન્દર્ય જ બની ગયો છું. અને તેથી હવે બધેથી સૌન્દર્ય પામી રહ્યો છું. ‘

’જાતે સુંદર બની જવાનો તમારો આ આઇડીયા સારો છે. પેલા દલા તરવાડીની વાર્તા વાંચી લાગે છે.’

’તમે બધા નાહક દલા તરવાડીને વગોવો છો..તેણે બિચારાએ તો આપણને કેટલી બધી સગવડ કરી આપી છે. ‘

’ઓહ..! તમને દલા તરવાડી માટે પક્ષપાત લાગે છે..કે પછી એના પણ વંશજ છો ? એની વે……તમારી સેન્સ ઓફ હ્યુમર સારી લાગે છે. ‘

નહોતું હસવું તો પણ દિશાના ચહેરા પર એક મંદ સ્મિતની લહેરખી તો ફરી જ વળી. બાકી આત્મહત્યાની અંતિમ પળે વળી હાસ્ય કેવું ? જીવનમાં હાસ્યની પળો નિર્માણી હોત તો તો આવો વિચાર જ ….

‘મારી સેન્સ ઓફ હ્યુમર માટે મિત્રોને માન છે. ‘
’તમારા મિત્રોને હ્યુમર એટલે શું ? એ ખબર નહીં હોય ‘
કેમ તમને હ્યુમરમાં ખબર નથી પડતી ? ‘
’હું તમારી મિત્ર થોડી છું ? ‘

’નથી ? હું તો ભ્રમમાં હતો કે તમે મારા મિત્ર બની જ ગયા છો. રોંગ નંબર સાથે કોઇ આટલી વાત થોડી જ કરે ? ‘

દિશાએ ધડ દઇને ફોન કાપી નાખ્યો..સમજે છે શું એના મનમાં ?

બે પાંચ મિનિટ એમ જ પસાર થઇ. ત્યાં વળી ફોન રણકયો. ન જાણે કેમ પણ દિશાથી આ વખતે ફોન તુરત ઉપાડાઇ ગયો. નક્કી એ જ..! એમ સહેલાઇથી પીછો છોડે તેમ નથી લાગતું. જરા ખખડાવવો પડશે. સમજે છે શું પોતાની જાત ને ?

’ હેલ્લો…’ દિશા સાચી હતી. સામેથી ફરી એ જ અવાજ..

’ સોરી દિશાજી , મારો ઇરાદો તમને હર્ટ કરવાનો નહોતો. આ તો મને એમ કે જીવનની અંતિમ પળે કઇ નશીબદાર વ્યક્તિ સાથે વાત કરીને હું સંસારને અલવિદા કરીશ ? એ જાણવાના લોભમાં….

દિશા ચમકી..આ પણ કોઇ પોતાના જેવું સમદુખિયુ છે કે શું ? નહોતું બોલવું તો યે મોં માંથી નીકળી જ ગયું.

’ એટલે ? તમે યે મારી જેમ…? ‘
સામે છેડે એકાદ ક્ષણ મૌન…

’ મારી જેમ એટલે ? તમે પણ…? ‘

’ હા, મારી પણ આ અંતિમ સાંજની અંતિમ વાત છે. આપણી મુલાકાત કંઇક અનોખી નથી લાગતી ? ‘

’ અનોખી છે જ. અંતિમ પળના સાથીદાર નહીં ? ‘

‘ પણ તમે તો પુરુષ છો..તમારે વળી આત્મહત્યાનું શા માટે વિચારવું પડે ? ‘? એકાદ બે ક્ષણના મૌન પછી .. ’ કેમ પુરુષને કોઇ તકલીફ ન હોય એવો કોઇ નિયમ છે ? ‘

દિશા ગૂંચવાઇ….’ ના, ના, નિયમ તો નથી..પણ સામાન્ય રીતે આપણો સમાજ પુરુષપ્રધાન છે તેથી જે સહન કરવાનું આવે તે મોટે ભાગે સ્ત્રીઓને જ ફાળે આવે છે ને ?’

’ એ તમારો ભ્રમ છે. ..તમારી અંતિમ સાંજે હવે કહીને કે એ ભ્રમ તોડીને શું ફાયદો ? નહીંતર જરૂર કહેત. જતાં પહેલા કદાચ દિલ હળવું કરવાની એક તક …..પણ,,ના જવા દો…અંતિમ સાંજે દિલ હળવું થાય કે નહીં..શો ફરક પડે છે ખરું ને ? ‘

’હા….ના.. સાવ એવું તો નહીં….કોઇ સહ્રદયી વાત સાંભળનાર મળે તો જરૂર ગમે. હસતા હસતા દુનિયાને અલવિદા કહેવાનું સદનશીબ બધા પાસે નથી હોતું. ‘

’ તમે તો ફિલસૂફની માફક વાત કરવા લાગ્યા..’ ’ અંતિમ પળે કદાચ દરેક માનવી ફિલસૂફની અવસ્થાએ આપોઆપ પહોંચી જતો હશે. નહીં ?

દિશા અનાયાસે વાતોના પ્રવાહમાં ખેંચાઇ. આમ તો પોતાની વાતો સાંભળવાનો સમય કોઇની પાસે હતો જ કયાં ?

‘ બની શકે તમે સાચા હો… પણ મને તો આ પળે મોત જેવું બીજું કોઇ સુખ દેખાતું નથી. ‘

સામે છેડેથી નિરાશ અવાજ સંભળાયો ’ ના, ના, સાવ એવું નથી.. તમે તો પુરુષ થઇને પણ સાવ હિમત હારી ગયા. આમ સાવ નિરાશાવાદી થવું તમને બરાબર લાગે છે ? ‘

’ મને તો કશું જ બરાબર નથી લાગતું…બરાબર લાગતું હોત તો મરવાનો વિચાર જ શા માટે આવત ? ‘ દિશા અનાયાસે જાણે કાઉન્સેલરની ભૂમિકામાં આવી ગઇ.

’ બધું બરાબર હોય ત્યારે તો સૌ કોઇ જીવે..મરવું તો બહું આસાન છે. બની શકે તમે જીવવાનો પૂરતો પ્રયત્ન જ ન કર્યો હોય ? ‘
’ બની શકે..બધું બની શકે…પણ હવે એક વાર નિર્ણય લેવાઇ ગયો એમાં ફેરફાર કરવાની મને કોઇ ઇચ્છા નથી. ‘

’ જીવનમાં કેટલીયે વાર આપણે આપણા નિર્ણયો ફેરવતા નથી હોતા ? દ્રષ્ટિ થોડી બદલીએ..થોડા પોઝીટીવ થઇએ તો બની શકે દુનિયા કંઇક અલગ પણ દેખાય. ‘

‘ કદાચ તમારી વાત સાચી હશે..’ ’ કદાચ નહીં..સો ટકા સાચી જ છે. ‘

દિશા જાણે એક ઝનૂનમાં આવી ગઇ. ’ હશે..પણ મારે હવે એવું કશું વિચારવું નથી. જીવવા માટે આટલા બધા સમાધાન કરવાના હોય …ડગલે ને પગલે આપણે જ….’ સામે છેડેથી શબ્દો અધૂરા જ રહ્યા.

‘ મુશ્કેલીઓથી હારીને રણમેદાન છોડી દેવું..એ તો કાયરતા કહેવાય.. ઇશ્વરે આવું અણમોલ જીવન આપ્યું છે તે આમ વેડફી દઇએ તો એના ગુનેગાર ન ગણાઇએ ? ઘણીવાત સાવ નાની વાતમાં આપણે આવેશમાં આવી જતા હોઇએ એવું પણ બને. ‘ ’ હા, બની તો બધું શકે…આમ તો કોઇએ કહ્યું જ છે ને કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો આપોઆપ ખૂલે છે. ફકત આપણી દ્રષ્ટિ જ એ ખુલ્લા દરવાજા તરફ બદલવાની જરૂર હોય છે.

એમ તો કોઇ કવિએ ગાયું જ છે ને કે ..

.” આગલા વળાંકે વાટ જુએ છે વસંતો….”

અરે, વાહ.! તમે તો કવિતાના શોખીન લાગો છો ? ‘

’ કવિતા ? સારું છે તમારું નામ કવિતા નથી.
સમજાયું નહીં…’

‘ મને પણ પૂરું કયાં સમજાયું છે ? આમ પણ આપણે બધી વાત સમજીને જ બોલીએ છીએ એવું થોડું છે ? સમજયા વિના પણ જીવનમાં કેટકેટલું થતું હોય છે..કરતા હોઇએ છીએ..

‘’ તમે તો સારું એવું વાંચ્યું લાગે છે …અભ્યાસી છો..’ ’ થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ… પણ વાંચેલું બધું અમલમાં થોડું મૂકી શકાય છે ? એ બધું તો પોથીમાના રીંગણ જેવું. બીજાને કહેવું આસાન છે..બાકી પોતાની ઉપર થોડા પ્રોબ્લેમ આવે ત્યારે માણસ પોતે બધું ભૂલી જાય છે. જુઓ કોઇ હૈયાફૂટો લેખક શું કહે છે ?

“ ફૂલે નિસાસો નાખ્યો હાય…મારુ ઝાકળબિન્દુ સૂકાઇ ગયુ.. પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઇગયો હતો.”

લેખકોને તો ઠીક છે લખી નાખવું છે. ‘

‘ ના, ના, સાવ એવું તો નથી. ઘણાં પુસ્તકોએ અનેકની દુનિયા બદલી નાખી હોય એવા ઉદાહરણોની ખોટ નથી જ.

‘ તમારી વાત વિચારવા લાયક તો ખરી જ. અને સાચું કહું તો કયારેક એવો વિચાર પણ આવે છે કે હું તો આત્મહત્યા કરીને છૂટી જઇશ..મારે તો પછી કંઇ જોવાનું રહેતું નથી…પણ એટલો સ્વાર્થી હું થઇ શકું ? કદાચ આપણા જવાથી દુનિયાને ખસ કોઇ ફરક ન પડે..પણ…પણ એકાદ બે વ્યક્તિ તો કયાંક હોવાની જ ..જેમને આપણા જવાથી ખરેખર દુ:ખ થાય. અને તેથી જ આટલા સમય સુધી વિચારતો હતો. ‘

’ તે વિચારી વિચારીને અંતે તો આવું નેગેટીવ જ વિચાર્યુંને ? ‘

‘ શું કરું ? આદત સે મજબૂર…’

’ ના, ના, એમ કહીને છૂટી જવાનો કોઇ હક્ક નથી આપણને..આપણી અત્યાર સુધીની જિંદગીમાં કેટલાયે લોકોનો ફાળો હશે જ. માતા પિતા, સગા વહાલાઓ. મિત્રો..કોઇક તો હશે જ જેમણે આપણા માટે…

બોલતા બોલતા દિશા અચાનક અટકી ગઇ. પોતે આમ વાતોના પ્રવાહમાં આવીને કોઇ અપરિચિત વ્યક્તિ સાથે આ બધું શું બોલી રહી છે ? અને પોતે પણ જયારે મરવાનું નક્કી કરી લીધું છે ત્યારે આવી કોઇ દલીલો પોતાને શોભે ખરી ? પણ ના, પોતાની દલીલોથી કોઇનું જીવન બચી શકતું હોય તો….’

’ કેમ , તમે પણ બોલતા બંધ થઇ ગયા ને ? પોતાની વાત આવે એટલે બધા આમ જ..બીજાને ઉપદેશ આપવો કે મોટી મૉટી વાતો કરવી જ આસાન છે. અમલ આસાન થોડો જ છે ? જીવન અણમોલ છે. અને આપણા જીવન પર કેટલાનો અધિકાર છે..અરે, સમાજમાં આપણાથી વધારે દુ:ખી અગણિત લોકો છે..હશે..તેમના તરફ દ્રષ્ટિ રાખીએ ત્યારે જ સમજાય કે ઇશ્વરે આપણને કેટલું આપ્યું છે…! ‘

’ આવું જ કંઇક કહેવું છે ને તમારે ? અરે, મેડમ..આવું ઘણું બધું હું સાંભળી ચૂકયો છું…અને મને હવે એની કોઇ અસર નથી થતી.’
દિશાને થોડો ગુસ્સો ચડયો. બધું જાણવા છતાં જેને સમજવું જ
નથી..એને કોણ સમજાવી શકે ?

છતાં…જાણ્યા પછી કોઇને આમ મરવા થોડા દેવાય ? જિંદગી કંઇ આમ ફેંકી દેવા માટે થોડી જ છે ?

‘ જુઓ મીસ્ટર, તમે જે હો તે…પણ …લેટ મી ટેલ યુ વન થીંગ…. તમે નિર્ણય ભલે કરી લીધો પણ એક કામ કરો..તમે વધારે નહીં તો એક દિવસ માટે તમારો આ વિચાર મુલતવી રાખી ન શકો ? આત્મહત્યા કરવી જ હોય તો આવતીકાલે કરો તો પણ ચાલે ને ? ‘
‘ એક દિવસમાં શું ફરક પડી જવાનો ? ‘

’ એ તો મને યે નથી ખબર…પણ કદાચ તમે આ પગલું કોઇ ક્ષણિક આવેશમાં લીધું હોય…બની શકે આવતી કાલનો સૂરજ તમારે માટે કોઇ શુભ સંદેશ લઇને પણ ઊગે….તમારા કારણોની તો મને જાણ નથી..પણ બની શકે કાલે તમને જિંદગી જીવવાલાયક પણ લાગે…’

’દલીલ પૂરતી તમારી વાત સાચી છે. તમને લોકોને સમજાવતા સારું આવડે છે. કોઇ કવિની એક પંક્તિ યાદ આવે છે..

“ બારણુ ખોલીને મે જોયુ નહી એક રસ્તો ઘર સુધી આવ્યો હતો… “ બોલવા માટે..લખવા માટે બહું સરસ છે નહીં ? ખેર..! પણ તમે
એક કામ કરો ને.. એક કાઉન્સેલીંગ સર્વીસ ખોલી નાખો..સારી ચાલશે. ‘

’ તમારી ઉપર મારા કાઉન્સેલીંગની કોઇ અસર થતી નથી તો મારી સર્વીસ સારી ચાલશે એમ કેમ કહી શકાય ? ‘

’કોણે કહ્યું ? અસર નથી થઇ ? ‘

’ એટલે ? તમે…તમે મારી વાત સ્વીકારી ? ‘

’ આ પળે તો લાગે છે એક વધુ દિવસ રાહ જોવાનું તમારું સૂચન કંઇ ખોટું તો નથી જ. વિચારવાલાયક તો ખરું જ. ‘

’ ફકત વિચારવાલાયક જ નહીં..અમલમાં મૂકવાલાયક પણ ખરું જ..’ દિશાએ ભારપૂર્વક પોતાની વાત દોહરાવી.

‘ ઓકે..મેડમ..તમે જીત્યા…અને હું હાર્યો…તમારી વાત સ્વીકારી હું આજનો દિવસ..મરવાનો મારો કાર્યક્રમ મુલતવી રાખુ છું. બની શકે આપ મારા માટે ખરા અર્થમાં દિશાસૂચક બનો…ખૂબ ખૂબ આભાર..સો નાઇસ ઓફ યુ…’

અને રોંગ નંબર કપાઇ ગયો.

દિશાના કાનમાં પોતાના શબ્દો જ પડઘાઇ રહ્યા…

બે પાંચ મિનિટ મૌન પસાર થઇ ગઇ. તેના મનમાં આખી વાતચીત પડઘાતી રહી.
અને થોડીવારે તેણે હાથમાં રહેલી ફિનાઇલની બોટલનો ઘા કર્યો.

અને રોંગ નંબર ત્યારે ખુશખુશાલ થતો પિકચર જોવા જતો હતો.

બાજુમાં બેસેલ તેનો મિત્ર પૂછતો હતો…’ શું હતું આ બધું ? આ આત્મહત્યાની વાતો કોની સાથે કરતો હતો ?

‘ હું જરા જોક કરવાના મૂડમાં હતો….અને સામે સાચેસાચ….

કોઇ દિશા નામની સ્ત્રી હતી…આત્મહત્યા કરવાના વિચારોમાં અટવાયેલી હતી. મેં મારી સાયકોલોજી કામે લગાડી. બની શકે તેણે તેનો વિચાર પડતો મૂકયો હોય ‘

અને રોંગ નંબરે ખુશ થઇ મોઢેથી વ્હીસલ વગાડી..

 

મુક્તિપળ…… March 31, 2008

એક ઘેરી સ્તબ્ધતા…અકળ સન્નાટો..કીકીઓમાં ચકળવિકળતા..સમસ્ત પ્રાણમાં જાગી ઉઠેલ વિહ્વવળતા..ક્ષણમાં આકળવિકળ અસ્તિત્વ…આંખોમાં ન ઓળખાતા અજાણ્યા ભાવોનું ઉભરાતું પૂર.. કાનમાં અથડાતાં, પણ ન સંભળાતા.. ન સમજાતા આ શબ્દો.. કયા દિગંતમાંથી રેલાઇ રહ્યા છે ? પોતે આ શું સાંભળ્યું ? મોક્ષાએ જોશથી આંખો ચોળી..ઉઘાડ બંધ કરી..શમણું ? સત્ય ? ત્યાં એ જ અર્ધબોલાયેલ..થીજી ગયેલ શબ્દો ફરીથી કાનમાં પડઘાયા. એ શબ્દોનો અર્થ સમજવા તે મથી રહી. આંખોની પૂતળીઓ સ્થિર..અસ્તિત્વ સ્થિર..!

દિલમાં કેમ અપેક્ષિત ઉથલપાથલ નથી મચતી ? વિશ્વ કેમ ખળભળી નથી ઉઠતું ? અંતરમાંથી આક્રન્દ કેમ નથી પ્રગટતું? આંખો કોરીધાકોર કેમ બની રહી ? અત્યારે તો આંખોમાંથી સમંદર નીતરતો હોવો જોઇએ..સાવન ભાદરવો વહેવો જોઇએ. તેને બદલે પોતાની અંદર આ શું થઇ રહ્યું છે ?
મોક્ષા ડરી ગઇ. ધીમે ધીમે બધાના બોલવાનો અર્થ સ્પષ્ટ થતો હતો. એક પળ…ફકત એક પળ..ધ્રૂજારીની એક લહેરખી અણુ અણુમાં ફરી વળી…અચાનક પોતાની આંખો ખુલ્લી છે..એ અહેસાસ થયો. અને તેને ડર લાગ્યો..કોઇ તેની આંખો વાંચી લેશે તો ? આંખોની જે લિપિ હજુ તો પોતે પણ ઉકેલી કે સમજી શકી નથી..એ કોઇ જાણી જશે તો ?

મૂંગા મંતર હોઠ તો મારા, પણ બોલકી આ આંખોનું શું ? “

અને ભયના એક ઓથાર સાથે તે દોડી..આકળવિકળ થઇ ને દોડી. કોઇ રોકે..કંઇ કહે, કંઇ સમજે તે પહેલાં દોડી…તેના પગના ઝાંઝર તેના દોડવાની ચાડી ખાતાં રણકી ઉઠયા. જાણે તેણે તેની ફરજ બજાવી લીધી હતી. એક ક્ષણ..એક ક્ષણ તે અટકી. ઝાંઝર સામે જોયું. એ નજરમાં ઝાંઝર માટે નર્યો તિરસ્કાર કેમ છલકતો હતો ? તેણે એક ઝાટકે પગના ઝાંઝર ઉતાર્યા..એક આવેશથી ઘા કરી પાછળ કોઇ ભૂત પડયું હોય તેમ ભાગીને સીધી દાદર ચડી ગઇ.. કયાંય એક નજર સુધ્ધાં નાખ્યા સિવાય. રૂમ માં…પોતાના રૂમ માં પહોંચી તેણે જોશથી ધડાધડ બારણું બંધ કરી દીધું. તેની છાતી ધમણની જેમ હાંફતી હતી…ઉછળતી હતી. શું થતું હતું..તે તો આ ક્ષણે પોતાને પણ કયાં સમજાતું હતું ?

ડરતાં ડરતાં… બીકણ સસલી વાઘના ભયથી આસપાસ જોઇ રહે તેમ રૂમમાં ચારે તરફ નજર કરી. કોઇ આસપાસમાં છૂપાયું તો નથી ને ? કોઇના ભણકારા..પડઘા કેમ મનમાં પડે છે ? વરસોની આદતને લીધે ? બહાવરી બની તે ચારે તરફ જોઇ રહી. વિશ્વાસ નહોતો આવતો. પલંગ નીચે, કબાટ પાછળ, બારણા પાછળ, પલંગ ની ચાદર નીચે,..કયાંય કોઇ દેખાયું નહીં.

ખરેખર ? માન્યામાં કેમ નથી આવતું ? અને છતાં આ સત્ય હતું..આ ક્ષણે તો સત્ય જ હતું.. આ રૂમમાં તે એકલી હતી. નિતાંત એકલી…કોઇના દ્રશ્ય કે અદ્રશ્ય ચોકી પહેરા સિવાય… કોઇ નો અણસાર કે ઓછાયો નહીં.. પોતાનો પડછાયો પણ નહીં.

હાંફતી છાતીને સંયમિત કરવાં તેણે ખાસ્સા પ્રયત્ન કરવા પડયા. નીચેથી ઘણાં બધાના અવાજો આવતા હતા. પણ આ પળે તેને એ બધા સાથે કોઇ નિસ્બત નહોતી. અંતરમાં એક નીરવતા હતી. તોફાન પછી ની કે પહેલાની નીરવતા..?

આ પળની કલ્પના યે તેણે કયાં કદી કરી હતી ? કે આ પળની ઝંખના પણ કયારેય દિલમાં કયાં ઉગી હતી ? પ્રતીક્ષા પણ નહોતી કરી…અરે, આવું કંઇ બની શકે એવો અણસાર આઘે આઘે પણ તેના અંતરમાં કદી ઉઘડયો નહોતો. પોતાની નિયતિ માની દરેક પરિસ્થિતિનો કોઇ ફરિયાદ વિના મૌન સ્વીકાર કરી આયખાના દિવસો ખૂટાડી રહી હતી.

પરંતુ….અત્યારે.. આ પળે તેની અંદર શું ખળભળી રહ્યું છે ? એક પછી એક આ કઇ ભરતીના મોજા મનના મહાસાગરમાં કયાંથી ધસી આવી ને ઉછાળા મારી રહ્યા છે ? કંઇ ખબર નથી પડતી. આ ખુશી નથી..તો ગમ પણ નથી, હાસ્ય નથી તો રૂદન પણ નથી.. મનની ક્ષિતિજે આ કઇ અજ્ઞાત સંવેદના ઉગી રહી છે ?

મોક્ષાએ ધીમેથી બારી ખોલી. વરસોથી જાણે કોઇના એક ધક્કાની જ પ્રતીક્ષામાં હોય તેમ ફટાક બારી ખૂલી ગઇ. અને..અને ઓહ..! આ સુરભિત વાયરો કેવા યે જોશથી આવી ને મોક્ષાને આલિંગી રહ્યો… વીંટળાઇ રહ્યો. અને મોક્ષા તો સુગંધ…સુગંધ…! સામે ઊગમણા આકાશી ઝરૂખે વીજળીનો એક ચમકાર મોક્ષાની આંખોમાં તેજના ટશિયા ભરી ગયો. આ કોરુંધાકોર આકાશ એકાએક રંગીન કાં લાગે ? વૃક્ષોની ડાળી ઓ કેમ હરખુડી થઇ ને ડોલી રહી હતી ? આ આટઆટલા પુષ્પો એકી સાથે કેમ ખીલી ઉઠયા ? પીઠીવરણી કુંવારી કન્યાની જેમ કંકાવટીમાં કુમકુમ ઘોળી ને સંધ્યા દસે દિશાઓમાં અબીલ ગુલાલના છાંટણા કેમ છાંટી રહી ? આ સાંધ્યદીપો સહસ્ત્રગણા તેજે ઝળહળી ઉઠયા કે શું ? છાતીમાં ધરબાયેલ સદાબહાર પાનખરમાં આ કઇ લીલી કૂંપળૉ અનાયાસે ફૂટી રહી હતી ? સાંધ્યઆરતી ગાતા પંખીઓનો મીઠો કલરવ તેના અસ્તિત્વમાં કેમ ગૂંજી રહ્યો ? આ કંઇ ખુશીની પળ નહોતી જ. પરમ વિષાદની આ પળે આ કયો એહસાસ તેને બહેકાવી રહ્યો છે ? ભટકાવી રહ્યો છે ? ભાન ભૂલાવી રહ્યો છ