દાનવીર ! July 12, 2008
રથિનભાઇ વરસોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. અને ખૂબ કમાયા હતા. હવે તો પૈસા કયાં વાપરવા એ જ પ્રશ્ન હતો. વરસમાં એકવાર તે દેશમાં આવતા હતા.અને દર વરસે અઢળક દાન જુદાજુદા મંદિરોમાં કરી જતા હતા. અને ચારે તરફ રથિનભાઇની વાહ વાહ બોલી જતી.અને આ “વાહ વાહ “નો તેમને નશો ચડતો.જે એકાદ વરસ સુધી રહેતો.અને પછી પાછા એ દેશમાં આવતા.
આ વખતે તેઓ કોલક્ત્તા આવ્યા હતા.ત્યાં તેમના એક મિત્ર રહેતા હતા. બંને વરસો પછી મળ્યા. જૂની વાતો યાદ કરી. મિત્ર તો હજુ સાધારણ સ્થિતિ માં જ હતા. રથિનભાઇનો ઠાઠ જોઇ તે થોડા અંજાઇ ગયા. તે મિત્રને જલારામ બાપામાં ખૂબ શ્રધ્ધા હતી. તેમને થયું કે જો રથિનભાઇ જલારામ બાપાના મંદિરમાં દાન આપે તો મંદિરનો થોડો વિકાસ થઇ શકે. તેમણે અચકાતા અચકાતા વાત કરી.
રથિનભાઇ ખડખડાટ હસી પડયા. અરે, એમાં શું મોટી વાત છે ? બોલ, કેટલાનો ચેક લખી આપું ? અરે, કંઇક સમારંભ કે એવું કંઇ ધામધૂમથી ગોઠવીએ. પૈસાની ચિંતા ન કર. અરે,પૈસો તો હાથ નો મેલ છે. હું તો ખાસ દાન આપવા માટે જ અહીં દેશમાં આવું છું. બાકી અહીં આ ગંદકીમાં આવવાનું મન પણ ન થાય. ! મિત્રને વાત ખૂંચી તો ખરી..પણ મંદિરમાં પૈસાની જરૂર હતી એટલે કંઇ બોલ્યા નહીં.
અને પછી તો રથિનભાઇએ દાન આપવા માટે એક મોટું ફંકશન ગોઠવાવ્યું. ખૂબ ધામધૂમથી દાન આપવાની ઉજવણી થઇ. મોટા મોટા લોકોએ મંચ પર આવી ને ભાષણો કર્યા. રથિનભાઇ કેવા દાનવીર છે તેની યશોગાથા મેઘધનુષી રંગો પૂરીને કહેવાઇ. અને પછી પૂરી નમ્રતાથી, સંકોચથી, શરમાળ, દાનવીર રથિનભાઇએ મોટી રકમનો ચેક આપ્યો. રંગેચંગે ઉજવણી પૂરી થઇ. દાન આપ્યાનો સંતોષ લેવાયો.
બીજે દિવસે રથિનભાઇએ મિત્રને પૂછયું,’ હજુ તમારે ત્યાં પેલી સાઇકલ રીક્ષા ચાલે છે કે શું ? એમાં બેસવાની મજા આવે હોં..! હું તો વરસો પહેલાં નાનો હતો ને ફરવા આવેલ ત્યારે બેસેલ.’ ’ હા, હજુ ચાલે છે ‘ મિત્રે જવાબ આપ્યો.
‘ ચાલ, આજે થોડો સમય છે તો એમાં એકાદ કલાક આંટો મારીએ. ગાડીમાં તો રોજ જતા હોઇએ. આજે થોડો ચેન્જ લઇએ.’ અને બંને મિત્રો સાઇકલ રીક્ષામાં બેઠા. રથિનભાઇનું ભારે શરીર માંડ માંડ રીક્ષામાં સમાયું. અને રીક્ષાવાળાને કહ્યું..એકાદ કલાક ફરવું છે. અને ભવાનીપુર, હાઝરા રોડ, અને ડોવર રોડથી કરી છેક ગરિયાહાટ સુધી નિરાંતે શહેર જોતા જોતા કંઇક ટીપપ્ણી કરતાં કરતાં બંનેએ મોજ કરી. હાંફતા રીક્ષાવાળાએ પૂરા દોઢ કલાકે તેમને ઉતાર્યા ત્યારે તે પરસેવાથી નાહી રહ્યો હતો. આ એન.આર.આઇ.પાસેથી સારા પૈસા મળવાની આશાએ તેણે હોંશથી ફેરવ્યા હતા. આટલા બધાના આમેય સામાન્ય રીતે પચાસથી સાઠ રૂપિયા તો સહેજે થાય. પણ ઘણીવાર ઘણાં આવા લોકો તેને 100 રૂપિયા આપી દેતા અને બાકીના પૈસા પાછા કયારેય ન માગતા..
અને તેથી રથિનભાઇ જયારે પૂછ્યું ‘ કેટલા આપું ?’ ત્યારે પણ તેણે એમ જ કહ્યું,’ શેઠ જે ઠીક લાગે તે આપો ને ‘
રથિનભાઇએ વીસ રૂપિયાની નોટ કાઢી..તેને આપી. રીક્ષાવાળો જોઇ રહ્યો. તેનો મિજાજ ગયો તેણે પૂછયું, ’શેઠ, શું ભીખ આપો છો ? કાળી મજૂરી કરી છે. ‘ ’ તો કેટલા હોય ? શું લૂંટવા બેઠો છે ? પૈસાવાળા જોઇને ? બહારના જોઇ ને દાદાગીરી કરે છે ? લેવા હોય તે લે..વધારે નહીં મળે…’ અને પછી તો બંને વચ્ચે ઝગડો થયો. મિત્ર પૈસા આપવા ગયા ત્યાં રથિનભાઇએ તેને પણ અટકાવ્યો., ’ અરે, આ બધા સમજે છે શું ? પૈસાવાળા જોયા એટલે બસ….’ અને અંતે માંડ માંડ ઝગડો પચાસ રૂપિયામાં “સેટલ “થયો.
અને રીક્ષાવાળાએ વધારે પડાવીને તેમને છેતરી લીધા દાનવીર રથિનભાઇનો એ બડબડાટ તેનો મિત્ર મૂંગા મોં એ સાંભળી રહ્યો.
