પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

નાની નાની પણ મોટી વાતો.. June 9, 2007

એક દાદા છે. નામ એમનું રમણભાઇ.. એમનો મોટો સંયુક્ત પરિવાર. બહુ મજાની છે એમની વાતો. એમના ઘરમાં અમુક નિયમો છે. એક નિયમ એવો કે રોજ સવારમાં દીકરાએ પિતાને ભેટવાનું !! છે ને સોનાની વાત !! ભેટવાની અસર કેવી હોય એ ચકાસવું હોય તો ઘરમાં જેની સાથે ઝગડો થયો હોય એને ભેટી જોજો… અને ચમત્કાર જોજો !!! રમણદાદાનું કહેવું એમ છે કે જે ઘરમાં દીકરો રોજ બાપને ભેટે એ બાપને કદી હાર્ટએટેક ન આવે !!! તાણ અને ટેન્શનથી ભરપુર જીવનમાં આ ઉપાય અજમાવવા જેવો !! અરે ઘરમાં બધા જ એકબીજાને ભેટી લે તો કેવું રુડું !! પણ જોજો, એને ઇચ્છા પર નહીં છોડતા નહીંતર થઇ રહ્યું… નિયમ જ કરવો …ક્યારેક યાંત્રિક લાગે તો યે આ અપનાવવા જેવું છે.. નુકશાન કંઇ નહીં.. ફાયદા પાર વગરના….

બીજો નિયમ એમનો એવો છે રોજ સવારમાં ઉઠીને દરેક નાની વ્યક્તિ પોતાનાથી મોટાને પગે લાગે. પાંચ વર્ષની દીકરી હોય તો એણે છ વર્ષના ભાઇને પણ પગે લાગવાનું જ. બહુ શાણપણવાળી વાત છે. આમ કરવાથી એક બીજા માટે કંઇ પણ મનદુખ હોય તો પરસ્પર ભાવ બદલાય. ગુસ્સો ઓછો થઇ જાય અને મન પણ હળવા થાય. નાનાના મનમાં વિવેક અને મોટાના મનમાં ઉદારતા પ્રસરતી જાય.
આ જ કુટુંબની શ્રધ્ધા પણ એક મિસાલ જેવી છે….ધરતીકંપ વખતે દસ માળનું આખું બિલ્ડીંગ ખાલી થઇ ગયું હતું ત્યારે એ એક જ ઘર ભરેલું હતું… “મોતને કોઇ હાથતાળી દઇ શકતું નથી અને જીવન હોય તો ક્યાંય ઊની આંચ આવતી નથી. મરવાનું હશે તો રસ્તા ઉપર પણ બચી નહીં શકાય !!” ડહાપણની વાતો તો આપણે બધા કરીએ છીએ પણ આવો અમલ કરવા જેટલી મજબુત આપણી શ્રધ્ધા છે ખરી ???

બીજા એક અમારા મિત્ર દિનેશભાઇ છે. સવારમાં મોર્નિંગવૉકમાં નિકળે ત્યારે સામે મળતી દરેક વ્યક્તિને સ્માઇલ આપવાનો નિયમ એમણે રાખ્યો છે. જાણીતી હોય કે અજાણી, ઓળખવાની કોઇ જરુર નહીં… સામેવાળાને તો ફાયદો થાય કે ન થાય, આવું કરવાથી આપણું મન સવાર સવારમાં પ્રસન્નતાથી ભરાઇ જાય ખરું. દિનેશભાઇને લાફિંગ ક્લબમાં જવાની જરુર નહીં. સવારમાં મન આવી તાકાતથી ભરી પછી દિવસ આખો પોતાની ફેકટરીમાં ભરપુર કામ કર્યા રાખે !!
વર્ષો પહેલાંની વાત છે. કકુ અંગ્રેજીમાં ફેઇલ થઇ. રીઝલ્ટ લઇને ઘરે આવી. કકુનો જરા રમતિયાળ જીવ. બહુ ચિંતા કરવાનો સ્વભાવ નહીં. ફેઇલ થવાનું દુખ હતું પણ હવે શું થઇ શકે ?? પપ્પાને બતાવ્યું. પપ્પાએ પુછ્યું “બેટા કેમ આવું થયું ?” કકુએ જવાબ આપ્યો, “પપ્પા, મારી પાસે ઘડિયાળ નહોતી એટલે ટાઇમની ન ખબર પડી અને લખવાનું અધુરું છુટી ગયું.” કકુને એ જ દિવસે એના પપ્પાએ ઘડિયાળ ભેટમાં આપી. કકુબહેન પછી ઇંગ્લિશના પ્રોફેસર થયાં !! સલામ એમના પપ્પાને !!

પાર્થનાં લગ્ન વિશાખા સાથે થયાં. વિશાખાના કુટુંબમાં સૌ કહેતાં તો ખરાં કે પાર્થની બહુ હેન્ડસમ પર્સનાલિટી છે. વળી એ બધામાં ખૂબ ભળી જાય. હસમુખો સ્વભાવ એટલે સૌને ગમે. વિશાખાના દાદીમાએ પ્રેમથી કહી દીધું, “પાર્થ, તમે બહુ વહાલા લાગો છો !!!” સામાન્ય રીતે જમાઇ સાથે થોડું અંતર રાખીને જ વર્તાય એવું આપણા સમાજમાં મનાય છે. એક ઘરડા દાદીમા પોતાની પૌત્રીના વરને આમ નિખાલસતાથી વહાલની અભિવ્યક્તિ કરી દે એ કેવું સરસ !!!

નિસર્ગ હજી પાંચમા ધોરણમાં ભણતો ત્યારની વાત. નાનાજીના જન્મદિને સહુ મળવા ગયા ત્યાં એણે પોતાના દફતરમાં સંતાડીને રાખેલી ફાઇલ કાઢી. “બાપુજી, આ તમારી બર્થડે ગીફ્ટ !!” ના પાડવા છતાં દફતર સાથે શું કામ લે છે ?? એ ત્યારે મમ્મીને સમજાયું… હંમેશા કામમાં રહેતા બાપુજીને ગિફ્ટમાં શું આપી શકાય એ એણે બરાબર પારખ્યું !!
બંગલાઓમાં ઘરકામ કરતા લાલજીને કોઇએ પૂછ્યું, “આ ઉપરવાળાની દિકરીને દુબઇ લઇ જવા માટે નોકર જોઇએ છે. તારા યે જાણીતા લોકો છે. તને તારી વહુ સાથે લઇ જાય તો જતો રહે, પૈસા સારા મળશે !!” લાલજીનો જવાબ હતો, “ના મારે નથી જવું. પછી મારા ઘરડા મા-બાપનું કોણ કરે ??” કહેવું પડે લાલજી…..

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કોલમ..”સેતુ”

લતા હિરાણી

 

વ્યથા અલી ડોસાની.. February 12, 2007

પટેલ સાહેબ પાસે રજા લેવા જવી એટલે ભલભલા દસ વાર વિચાર કરે.અને માવજી તો પટાવાળો હતો.સ્વાભાવિક જ ધ્રૂજતો હતો.રજા સાહેબ નહીં જ આપે તેની ખાત્રી હતી.અને છતાં આજે પ્રયત્ન કર્યા સિવાય છૂટકો નહોતો.ઘણાં દિવસની માંદી પુત્રીને આજે દવાખાને લઇ ગયા વિના ચાલે તેમ નહોતું.તે ડરતા ડરતા સાહેબ ની ઓફિસમાં ગયો.

પટેલ સાહેબે બોલ્યા સિવાય તેની સામે જોયું.અને માવજી એ હિમત કરી એકી શ્વાસે કહી જ નાખ્યું,” સાહેબ,મારી દીકરી બહુ બીમાર છે.આજે તેને દવાખાને લઇ જવાની છે. મારે થોડું વહેલું જવું છે.અડધા દિવસની રજા જોઇએ છે.”અને તે આશાભરી નજરે સાહેબ સામે જોઇ રહ્યો.
સાહેબ એક મિનિટ મૌન રહી ધીમેથી બોલ્યા,”ઠીક છે..તું જઇ આવ અને તારી દીકરી ને બતાવી આવ.ને અડધી રજા મૂકવાની જરૂર નથી.ચાલશે.”

માવજી સ્તબ્ધ થઇ ગયો.તેને કંઇ સમજાયું નહીં.

અને સમજાય પણ કયાંથી?તેને કયાં ખબર હતી..હમણાં જ સાહેબને તેના એમ.ડી.એ રજાની ના પાડી દીધી હતી.અને સાહેબની દીકરીનું કાલે ઓપરેશન હતું.પણ તેમના ચેરમેન આવવાના હોવાથી સાહેબની રજા નામંજૂર થઇ હતી.!!

ધૂમકેતુના અલી ડોસાની વ્યથા અનુભવ સિવાય થોડી સમજાય છે?

                                                                       નીલમ દોશી.

 

માણવું ગમશે? October 27, 2006

1) એક રાજા કેદીઓથી ભરેલું જહાજ જોવા ગયા.તેણે દરેક કેદીને પૂછ્યું,”તને આ સજા કેમ મળી?” દરેક કેદી એ કહ્યું કે પોતાને ખોટી સજા કરવામાં આવી છે. પરંતુ એક કેદીએ કહ્યું કે,”મને પૈસાની ખૂબ જરૂર હતી..તેથી લાચારીથી મેં ચોરી કરી હતી.તેથી મને સજા મળે તે સ્વાભાવિક છે.” રાજા ચૂપચાપ થોડી વાર તેની સામે જોઇ રહ્યાઅને પછી કહ્યું,”તું એવો ચોર છે…જેને માટે આ બધા નિર્દોષ માણસો વચ્ચે રહેવું યોગ્ય નથી.” કહી તેમણે તેને મુકત કર્યો!!!!!!! સાર કંઇ કહેવા જેવો છે ખરો?

2) એક ધનિક વૃધ્ધાએ સાંભળવાનું યંત્ર લીધું.તે એટલું નાનું હતું કે કોઇની નજરે ન પડે.થોડા દિવસો પછી તે સ્ત્રી દુકાનદાર ને ધન્યવાદ આપવા ગઇ.દુકાનદારે પૂછ્યું,”તમારા ઘરનાને પણ તે પસંદ પડયું ને?” જવાબ મળ્યો,”અરે,એ લોકો ને તો ખબર પણ નથી કે હવે હું સાંભળી શકું છું.તેથી મારી હાજરીમાં પણ એ લોકોની અંગત વાતો ચાલુ હોય છે.જે સાંભળીને આ એક અઠવાડિયામાં મેં ત્રણ વાર મારું વસિયતનામું બદલી નાખ્યું છે.”. !!!

 

નવી પેઢી.. September 22, 2006

વ્યક્તિના પહેરવેશ પરથી ઘણીવાર આપણે તેના વ્યક્તિત્વ વિષે અનુમાન કરતા હોઇએ છીએ.પણ દરેક વખતે તે સાચું જ હોય તે જરૂરી નથી.થોડા સમય પહેલાં આવો જ એક અનુભવ થયો.
ઓખાથી બોમ્બે જતા સૌરાષ્ટ્ર મેઇલમાં હું મુસાફરી કરી રહી હતી.મારી સામેની બર્થમાંએક 20કે 21 વરસની અલ્લડ દેખાતી  છોકરી બેઠી હતી.21મી સદીની બિન્દાસ..મોડર્ન…જીન્સાને સ્લીવલેસ ટોપ..ઉંચી હીલ ના સેન્ડલ.મોબાઇલ,ગોગલ્સ,ખુબ સુંદર પર્સ…અને દેખાવે પણ ખૂબ સરસ હતી.સ્ટેશને તેને મૂકવા કોઇ છોકરો આવેલ..જે તેનો મિત્ર હોવાનું જણાઇ આવતું હતું બનેં અંગ્રેજીમાં હસી મજાક કરતા હતા.હું મનમાં વિચારતી હતી ..કેટલી  બિન્દાસ છે આ નવી પેઢી!!!

ત્યાં દ્વારકાથી એક આખો યાત્રાનો સંઘ ..લગભગ 30 થી 35જણાં જેમાંના લગભગ બધા મોટી ઉમરના હતા.પહેલા બે-ચાર માજી ચડયા.અને પછી સામાનની વણઝાર!નીચેથી કોઇ સામાન આપતું જતુ હતું .પણ આ સ્ત્રીઓ જલ્દીથી અંદર લઇ શકતી નહોતી.ત્યાં પેલી અલ્લડ લાગતી છોકરી ઉભી થઇ ને માજી ને તેમની જગ્યાએ બેસાડી પોતે ફટાફટ બધો સામાન લેવા માંડી.ધીમે ધીમે બધા ચડી ગયા.પેલી છોકરી તો બધાનો સામાન ઉંચકી ઉંચકીને અંદર જયાં તેમની જગ્યા હતી ત્યાં મૂકી આવી.ને બધું ગોઠવી પાછી પોતાની જગ્યાએ બેસી ગઇ.
પછી તો અમારા બનેની ઓળખાણ થઇ ને વાતો ચાલી.મેં તેને પૂછયું,આટલો બધો સામાન ઉંચકી ને થાકી નથી ગઇ?તેણે હસીને જવાબ આપ્યો,ના,આન્ટી,હું તો યંગ છું..એમાં થાકી શું જવાય?મારા મમ્મી પપ્પા હોત તો હું ન કરત?હું કયાં એમાં ઘસાઇ ગઇ? ઉલ્ટુ થોડી એક્ષરસાઇઝ થઇ ગઇ.

અને આખે રસ્તે તેના હેલ્પીંગ અને હસમુખા સ્વભાવ નો પરિચય થતો રહ્યો.તેની વાતો અને વર્તનમાં જીવનથી છલકાતું સભર વ્યક્તિત્વ દેખાતું હતું.મને થયું..નવી પેઢીના પોષાક પરથી તેના વિષે અનુમાન બાંધી લેવું કેટલું ખોટું છે!!આપણે ધારીએ છીએ તેવી છીછરી નવી પેઢી નથી જ.સાચી દિશા મળે તો આ જનરેશન ઘણું કરી શકે.

                                                                                                  નીલમ દોશી.

 

કામ તો ગમે ત્યાં થાય… August 24, 2006

Filed under: દ્રષ્ટાંતોની મહેફિલ — nilam doshi @ 3:22 pm

 

આઇંસ્ટાઇનના એક વૈજ્ઞાનિક  મિત્ર બર્લિનના તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.વાતચીત દરમ્યાન તેમણે પોટ્સડેમ પુલ પાસે આવેલી એક વેધશાળા જોવા જવાનું નક્કી કર્યું.તેનો દિવસ અને સમય નક્કી કર્યા,અને પુલના એક છેડે મળવું એમ નક્કી થયું.મિત્ર બર્લિન ના અજાણ્યા હતા.પોતાની મુશ્કેલી જણાવતાં તેમણે કહ્યું:કદાચ હું સમયસર ન પહોંચી શકું તો?આઇંસ્ટાઇને જવાબ આપ્યો:અરે,તેમાં શું ફરક પડવાનો હતો?તમારી રાહ જોતો હું પુલ પાસે ઉભો રહીશ.
મિત્રને સંકોચ થયો:એમ તો તમારો ઘણો સમય બગડે.આઇંસ્ટાઇન કહે:મારા સમયની ચિંતા ન કરો.જે કામ હું રોજ કરું છું,તે હું ગમે ત્યાં કરી શકું તેમ છું.એ જવાબથી પણ મિત્રને સંતોષ ન થયો. વિવેક ખાતર આઇંસ્ટાઇન આમ કહેતા હશે એમ માની તેમણે પૂછ્યું; ત્યં પૂલને છેડે ઉભા ઉભા તમારું રોજિંદું કામ કેવી રીતે કરી શકો, તે મને સમજાતું નથી !
આઇંસ્ટાઇને હસતાં હસતાં કહ્યું; અરે એ તો સાવ સહેલું છે. અભ્યાસખંડમાં બેસીને જો હું ચિંતન કરી શકતો હોઉં, તો પોટ્સડેમ પુલને છેડે ઉભો ઉભો એ જાતનું ચિંતન કરવાને હું ઓછો શક્તિમાન છું એમ તમે શા માટે માનો છો ?
મને સમય નથી એમ કહેવામાં કેટલાક લોકો ગર્વ લે છે પણ આઇંસ્ટાઇન તો મને હંમેશા સમય મળી રહે છે- એમ કહેવામાં ગર્વ અનુભવતા.

 

સંઘર્ષ…એક આશીર્વાદ August 8, 2006

Filed under: દ્રષ્ટાંતોની મહેફિલ — nilam doshi @ 6:08 pm

એક માણસ એક કોશેટો ઘેર લઇ આવ્યો.કોશેટામાંથી પતંગિયુ કેમ બને છે તે એને જોવું હતું.એક દિવસ તેને કોશેટામાં નાનું છિદ્ર દેખાયું.એ છિદ્રમાંથી પતંગિયું પોતાના શરીર ને બહાર લાવવા આકરો સંઘર્ષ કરી રહ્યું હતું.
ઘણીવાર સુધી પતંગિયાની આ મહેનત જોઇની માણસ ને લાગ્યું કે પતંગિયું કોશેટાની કેદમાંથી કદી મુક્ત નહીં થઇ શકે.તેથી તેને મદદ કરવાની ભાવનાથી તેણે ઉભા થઇ ને કાતર વડે કોશેટાના બાકી ના આવરણ હળવેથી કાપી નાખ્યા.
પતંગિયુ તો બહાર આવી ગયું.પણ તેનું શરીર એકદમ નબળુ અને ક્ષીણ હતું.તેની પાંખો ચીમળાયેલી હતી.તે પોતાના નબળા,ક્ષીણ શરીર અને ચીમળાયેલી પાંખો સાથે જમીન પર ફક્ત ઢસડાયા જ કરે છે.અને ક્યારેય ઉડી શકતું નથી. પેલો માણસ દયા ખાવાની ઉતાવળમાં સમજ્યો નહીં કે નાનકડા છિદ્ર દ્વારા બહાર આવવા માટે પંતંગિયા એ સંઘર્ષ કરવો જરૂરી હતો.
આઝાદી અને ઉડ્ડયન  સંઘર્ષ,અવરોધ વિના પ્રાપ્ત થઇ શકે ખરા?

                                                    રાજુ અંધારિયા.

 

નાનકડી જિંદગી માં August 5, 2006

Filed under: દ્રષ્ટાંતોની મહેફિલ — nilam doshi @ 1:52 pm

                                         કેટલાક વરસો પહેલાં અમેરિકા ના સીએટલ શહેર માં એક વિશેષ પ્રકાર ની ઓલિમ્પિક સ્પર્ધા નું આયોજન થયું હતું.એક દિવસ નવ સ્પર્ધકો દોડ ની સ્પર્ધા માટે ઉભા થઇ ગયા.તે નવે નવ જણ જન્મથી જ શારીરિક કે માનસિક મંદત્વ ના શિકાર બનેલા હતાં.તેમ છતાં તે નવ ભાઇ-બહેન એકસો મીટર ની દોડ માટે એક  કતાર માં ઉભા રહી ગયા હતાં.પિસ્તોલ નો અવાજ સાંભળી બધાએ દોડવાનું શરૂ કર્યું,દોડવાનું તો શું,…..લથડતા પગે બીજા છેડે પહોંચવા માટે બધા નીકળી પડયા(.તે સ્પર્ધા માં કોણ પહેલું આવે છે તે જોવાનું  હતું.)  
             બધા ધીરે ધીરે આગળ વધતા હતા.પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો.તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરી ને બધાની સાથે ચાલ્યો,પણ પછી લથડી ને વચ્ચે જ પડી ગયો.નાનો હતો,રોવા લાગ્યો.
 
            બીજા આઠ  જેઓ થોડાક આગળ નીકળી ચૂકયા હતા,એમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો એટલે પોતાના ગતિ ધીમી કરી નાખીઅને પાછળ ફરી ને જોયું પછી એ બધા પાછા ફરી ગયા અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડયા.તે આઠ માં એક છોકરી હતી,જે પોતે પણ બૌધ્ધિક મંદત્વ ની શિકાર હતી.પેલા છોકરા પાસે આવી ને તેણે નીચે નમી ને તેનો હાથ પકડયો ,તેને બેઠો કરી દીધો,અને પ્રેમથી તેને ચૂમી લેતાં એ બોલી,
ચાલ, હવે તને કશો  વાંધો નહીં આવે. 
               ત્યાર બાદ ફરી એ બધા નવ સ્પર્ધકો એક્બીજા ના હાથ પકડી ને દોડ ના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યા અને બધાએ સાથે મળી ને એક સાથે એ દોરડું પાર કર્યું.
   તે વખતે ત્યાં જેટલા યે દર્શકો હાજર હતા,એમનાથી એ દ્રશ્ય  ભૂલ્યું ભૂલાતું નથી.કેમકે પોતપોતાના હદય ના ઉંડાણ માં આપણે  બધા એક વાત ની બરાબર અનુભૂતિ કરતા રહીએ છીએ કે આ નાનકડી જિંદગી માં કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતા રહેવાનું પૂરતું નથી.જરૂર છે તેની કે આપણે સહુ આ જિંદગી માં બીજા ને જિતાડવા માં પણ સહાયક બનીએ,પછી ભલે ને તેમ કરતાં આપણી પોતાની ગતિ થોડી ધીમી કરવી પડે અથવા આપણે આપણી રાહ થોડી બદલવી પડે.

                           -ડેનિયલ માઝગાંવકર. 

                                                                                           

                                                       

 

આત્મશિસ્ત. August 3, 2006

Filed under: દ્રષ્ટાંતોની મહેફિલ — nilam doshi @ 7:39 am

પાયથાગોરસ અને તેના પ્રમેય ને આપણે જાણીએ છીએ.પણ તેના વિષે આ કદાચ તમે ન પણ જાણતા હો.
તેણે અને તેના અનુયાયીઓએ એક નિયમ બનાવ્યો હતો.દર થોડા થોડા દિવસે તેઓ બધા સાથે બેસે,,,પાર્ટી ગોઠવે…ખૂબ સરસ ભાવતા ભોજન ,મિષ્ટાન બનાવે…થાળીઓ પીરસે,એક એક વસ્તુ ના વખાણ કરે,જુએ….પણ ખાવાનું કશું નહીં…મોં માં પાણી છૂટે,પણ હાથ ન લંબાવાય!!છેલ્લે ભોજન ને હાથ પણ અડાડયા વિના ભૂખ્યે પેટે ઉઠે.પેટ ને ખોરાક ન મળ્યો,પણ મન ને પોષણ તો મળ્યું ને?
                          અમુક આફ્રિકન કોમ માં યુવાન ઉમરલાયક થાય ત્યારે વિધિપૂર્વક એને સમાજ માં પ્રવેશ આપતા પહેલા તેની કસોટી બોધક રીતે કરવામાં આવે છે.
તેને તીરકામઠું આપી ને એકલો જંગલ માં અઠવાડિયા સુધી રખડતો મૂકે છે..શરત બસ એટલી જ કે તીર નો તેણે જરા પણ ઉપયોગ નહીં કરવાનો…!હવે એ રહ્યો સ્વભાવે શિકારી,જરાક હરણ કૂદયું કે તીર ઉડયું જ સમજો!પણ આ આઠ દિવસ હરણ ને શિયાળ,શાહમ્રુગ,જિરાફ,વાઘ,સિંહ…બધા દેખા દેશે…હાથ સ્વભાવગત રીતે તીર પર જશે…તીર ને કામઠા ઉપર ચડાવશે…..પણ મન હાથ ને રોકી રાખશે.બીક લાગે કે ભૂખ લાગે…પણ હાથ ન ઉપડે …આટલો સંયમ એ યુવાન બતાવી શકે તો જ ગામ ના પુરુષો માં ખપવાનો એને અધિકાર મળે.
                      આ પ્રચંડ ઇચ્છાશક્તિ વિષેનો ફાધર વાલેસ નો એક સુંદર લેખ કાલે.
અસ્તુ.

 

બે કેળા નું મૂલ્ય. August 2, 2006

Filed under: દ્રષ્ટાંતોની મહેફિલ — nilam doshi @ 12:50 pm

 અમદાવાદ લાયોનેસ કલબ તરફથી દર મહિને સિવિલ હોસ્પીટલ માં ફળ વિતરણ કરાય છે.એમાં મંત્રી બન્યા પછી હું પણ બધા ની સાથે એ માટે ગઇ.હું જાણે કોઇ મહાન કાર્ય કરવા જઇ રહી છું તેવો મન માં ભાવ અને પગ માં થનગનાટ હતો.આજુબાજુના વાતાવરણે એ ભાવ ને જરા વધારે ઉંચાઇએ પહોંચાડયો.ને મારા શરીર માં જાણે મધર ટેરેસા પ્રવેશતા હોય એવું હું અનુભવવા લાગી.હાથ માં થેલાનું ખાસ્સું વજન હતું.પણ થેલા માં જાણે કેળા નહીં,સોનામહોરો ભરી હતી.ઉપાડી ને ચાલતા પરસેવો વળતો હતો.પણ મહાન થવું સહેલું થોડું છે?હું હવે સિવિલ હોસ્પીટલ ના નહીં,મહાનતાની સીડી ના પગથિયા ચડી રહી હતી.
                                  અમે વોર્ડ માં પહોચ્યા.ખૂબ નમ્રતાથી હું પહેલા ખાટલા પાસે ગઇ.દર્દી ના બંને પગે પ્લાસ્ટર હતું.પૂરા વિવેકથી એના ટેબલ પર બે કેળા મૂકવા ગઇ.એની સાથે રહેલા બહેને હાથ લંબાવ્યો.બહું સંકોચથી એમના હાથ માં મેં બે કેળા મૂકયા.અને એમની સામે નજર માંડી.કેળા હાથ માં લઇ ને ખોળા માં મૂકતાવેંત એમના બે હાથ મારી સામે જોડાઇ ગયા.એમની આંખો માં જાણે મેં અડધું રાજપાટ આપી દીધું હોય એટલી બધી આભારવશતા છવાઇઅ ગઇ.મારાથી એ નજર નો ભાર ન ઉંચકાયો.અને મારા મન ની ઉંચાઇ અડધી થઇ ગઇ.
                      બીજા ખાટલે પહોંચી.દસેક વરસ નો બાળક હતો.આ વખતે કેળા ટેબલ પર મૂકવાને બદલે સીધા તેની મા ના હાથ માં મૂકયા,જેથી તેને હાથ લંબાવવો ન પડે.મા સામે જોવાની હિમત ઘટી ગઇ હતી.આથી સીધું બાળક સામે જોયું.મારી અને બાળક ની નજર મળે ત્યાં સુધી માં તો મા એ કેળુ છોલી ને બાળકને ખવડાવવાનું શરૂ કરી દીધુ હતું.બાળક ની આંખો માં મેં કેળાનો સ્વાદ છલકતો જોયો.અને મને કંઇક રાહત ની લાગણી થઇ.પણ મારા મન ની ઉંચાઇ હવે કેળા ની છાલ પરથી લપસી ને એના પગ સાથે બાંધેલી,જમીનથી જરાક જ અધ્ધર લટકતી ઇંટ સુધી પહોંચી ગઇ.
                          ત્રીજા ખાટલા પર કોઇ બહેન હતી.બાજુ માં એની ઘરડી મા બેઠી હતી.મેં નીચી નજરે કેળા એના ખોળા માં મૂકયા,ને મને  એ મા બે હાથ જોડી બોલી,”બહેન,જેશ્રીક્રુષ્ણ,ભગવાન તારા દીકરા જીવતા રાખે.”હવે છલકાવાનો વારો મારો હતો.બહં સંયમ રાખ્યો ને બે ટીપાથી વધું આંસુ આંખમા થી બહાર ન જાય તેનું ધ્યાન રાખ્યું.પણ એ બે ટીપા એ મારી મહાનતા ને સાવ ધોઇ નાખી.ઇંટથી જમીન સુધી નું બે વેંત નું અંતર બાકી ના ખાટલે ફરતા જ ખતમ થઇ ગયું.માત્ર બે કેળા મળતા જોડાતા બે હાથો,તેમની આંખો માં છવાઇ રહેતી આભારવશતા કે દયનીયતાથી હું ભોંયભેગી થઇ ગઇ.વોર્ડ માં ફરતા ફરતા એ આભાર વશ નજરોથી મન નો અહમ ઓગળીસાવ તુચ્છ કરી મૂકતો હતો.વોર્ડ માં થી બહાર નીકળી  ત્યારે હાથ માં કેળા નો ભાર ન હતો,હૈયા પર પેલી દંભી ઉંચાઇ નો ભાર હતો.
                    ફળવિતરણ નું કામ પૂરુ થયું ને મન વેતરવાનું શરું થયું.માત્ર બે કેળા આપી ને મેં એમને એવું તે શું આપી દીધું કે એમની આંખો માં,વાણી માં આટલો આભાર છવાઇ ગયો?અત્યારસુધી માં આના કરતા અનેકગણો તો ઘર માં બગાડ થયો હશે!અને જો બે કેળા આટલા કિંમતી હોય તો મેં આટલી જિંદગી કર્યું શું?મારા આયુષ્ય ના આટલા વરસો મેં ફકત મારા માટે જ ગાળ્યા?મેં ખાધું ને મારા પરિવાર ને ખવડાવ્યું.!તે દિવસે ઘેર આવી ને કોળિયો ગળે ઉતારી શકી નહી.
                   ત્યાર પછી મેં મારી જાત ને એક લાખ વાર સવાલ પૂછયો કે માત્ર બે કેળા કે એક સફરજન આપી ને યે હું કોઇની આટલી મદદ કરી શકું એટલું સમજતા મને આટલા બધા વરસો લાગ્યા?હવે મારી ઉંચાઇ ધરતા પર પડેલા રજકણ બરાબર રહી છે.

                                                          લતા હીરાણી.