સખ્યજીવન…. March 2, 2008
શ્યામલ રજની પોતાનો સઘળો અસબાબ એકઠો કરી ધીમે પગલે ધરતીને અલવિદા કરી રહી હતી. સૂરજદાદાની યે પહેલાં જાગી ગયેલ પંખીઓ વહેલી સવારને પોતાના કલરવથી જીવંત બનાવી રહ્યા હતા. અને રોજીરોટીએ જવાની તૈયારી કરી રહ્યા હતા. સીઝનનું બાર માસનું અનાજ તેઓ થોડા ભરતા હતા ? રોજ કમાવું ને રોજ ખાવું. આજની વાતો આજે અને કાલની વાતો કાલે. વર્તમાનમાં જીવતાં આ પંખીડાઓ રોજ સવારે પોતાના ગુંજારવથી સમસ્ત સૃષ્ટિને જગાડી પોતાના નિત્ય ક્રમમાં પ્રવૃત થઇ જાય. એ તો રોજિંદા દાડિયા હતા. કાલની ચિંતાથી મુકત.
પરંતુ માનવ એમ કાલથી ચિંતાથી મુકત હઇ શકે છે ખરો ? અરે, મોટા સાધુ સન્યાસીઓ જે કાલની ફિકર કરવાની ના પાડે છે..ધાર્યું ધણીનું જ થાય…એ બધું કહે તો છે..પણ એ મુજબ કરી શકે છે ખરા ?
તો પછી દિશા તો સામાન્ય સ્ત્રી હતી. એ ચિંતા મુકત કેમ થઇ શકે ? આજે સવારના ન જાણે કેમ તેના મનમાં અનેક વિચારો ઉગી રહ્યા હતા. બારીમાંથી પંખીઓનો કલશોર તે સાંભળી રહી હતી. ઉઠવાની ઇચ્છા આજે નહોતી થતી. પણ ઉઠયા વિના છૂટકો યે કયાં હતો ? ચિનારનો સ્કૂલે જવાનો સમય હમણાં થઇ જશે. પતિનો ઓફિસે જવાનો સમય થશે. પોતાને કયાં કશે જવાનું હતું? પોતે તો કયાં કંઇ કરતી હતી ? બસ… માત્ર અને માત્ર હાઉસ વાઇફ….બધાના સમય સાચવવાના…. સગવડ સાચવવાની…બધાના મિજાજ નો..મૂડનો ખ્યાલ રાખવાનો.. એ મુજબ બધાને એડજસ્ટ થવાનું. પોતાનો તો કોઇ સમય નહીં..કોઇ સગવડ નહીં. કોઇ રવિવાર નહીં ..કોઇ સીક લીવ..કોઇ કેઝયુઅલ નહીં..પી.એલ. નહીં…કેમકે પોતે તો કંઇ કરતી જ નથી. પછી હક્કની વાત જ કેમ આવે ?
દિશા મનોમન અકળાઇ ગઇ. કાલે પાર્ટીમાં પેલી ચીબાવલી અનેરી કહેતી હતી ‘ તમારે તો જલસા છે. એ ય ને મન ફાવે ત્યારે ઉઠવાનું…મન ફાવે ત્યારે બધું કરવાનું.. ન બોસ ખીજાશે તેની ચિંતા..ન ફાઇલોની ચિંતા. અરે મારી બઇ. તારે તો ઓફિસમાં એક જ બોસ..અહીં અમારે તો ઘરમાં જેટલા માણસ એટલા બોસ. અમારે તો બધાની નોકરી.. અને એ પણ વગર પગારની..ને છતાં અમે કંઇ કરીએ છીએ કયાં ? એ મજાના ઘરમાં જલસા કરીએ છીએ. આવ, મારી બઇ, તું યે મારી જેમ જલસા કર..એવા આશીર્વાદ આપું છું.’
મનમાં ઉઠતાં વિચારના વંટૉળને પ્રયત્નપૂર્વક ખંખેરી તે ઉભી થઇ..થવું પડયું. આ ઘડિયાળ પણ સવારના કેટલી ફાસ્ટ ભાગે છે! બાજુમાં નજર કરી. પતિદેવ હજુ આરામથી નસકોરાનું સંગીત વગાડી રહ્યા હતા.એને તો દસ વાગે જવાનું હતું. અત્યારથી શા માટે ઉઠે ? ચિનારને સાત વાગ્યે સ્કૂલે મૂકવા જવાનું હતું. પહેલાં પોતે તૈયાર થઇ..પછી ચિનારને ઉઠાડી..જલ્દી જલ્દી તૈયાર કરી..તેનું લંચ બોક્ષ ભરી,,દૂધ પીવડાવી તેની સાથે દોડવાનું ચિનાર પણ કંઇ એમ સહેલાઇથી દૂધ થોડો પી લે છે ?
એને મૂકીને આવીને પતિદેવનું ટિફિન તૈયાર કરવાનું..વચ્ચે જલ્દી જલ્દી ચા પી લેવાની. સવારે નિરાંતે નાસ્તો કરવાનો તો સમય જ કયાં મળે છે ? અને આજે તો પતિદેવનો ઓર્ડર હતો..ટિફિનમાં થોડું વધારે મૂકજે..આજે નિકેતની વાઇફ પિયર ગઇ છે. એણે તો જીભ હલાવી લીધી એટલે પૂરું. દોસ્તાર આગળ સારા પોતે દેખાશે..અને…! આમે ય..સકરમીની જીભ અને અકર્મીના પગ જ નહીં..હાથ ને હૈયું બેઉ બળે. બડબડાટ ગમે તેટલો કરે..પણ કર્યે તો છૂટકો જ ને ?
અને આજે તો થોડું મોડું થઇ ગયું હતું. દિશા એ જલ્દી હાથ હલાવ્યે જ છૂટકો. એના કરતાં પોતે નોકરી કરતી હોત તો કેવા જલસા. એ.સી. ઓફિસમાં બેસી ફાઇલો વચ્ચે ખોવાયેલ રહેવાનું. સાંજ પડે પર્સ ઝૂલાવતાં બહાર. કહેવાય કે હું પણ નોકરી કરું છું થાકી ને આવી છું.
પતિનું હમેશનું ધ્રુવ વાકય..તારે કયાં કંઇ કરવાનું છે ? ઘેર જલસા જ ને ? મન ફાવે ત્યારે કરો..છે કોઇ કહેવાવાળું ? ‘ એ સાંભળી સાંભળીને તે થાકી ગઇ હતી. હા, કોઇ કહેવાવાળું નથી..પણ વગર કહ્યે તમારા બધાના સમય સાચવું છું એ નથી દેખાતું? તેમાં કાલે અનેરીના શબ્દોએ જાણે બળતામાં ઘી હોમ્યું. પોતે ઘેર છે તો ધવલ આરામથી ઉંઘી શકે છે. ઓર્ડરો કરી શકે છે એ ભૂલી ગયો ? પોતે શું નોકરી નથી કરી શકતી ? કંઇ અભણ થોડી છે ?
બસ..દિશાના મગજમાં હવે નોકરીનું ભૂત બરાબર ભરાયું હતું. પોતે કંઇ નથી કરતી..એ તો કાઢયે જ છૂટકો..
અને રાત્રે દિશાએ ધવલ આગળ નોકરીની વાત કાઢી. પહેલાં તો ધવલે વાત હસી કાઢી. શું જરૂર છે નોકરી ની ? ઘર આરામથી ચાલે છે. અને બંને નોકરી કરશે તો પહેલો પ્રશ્ન તો ચિનારનો જ આવશે. એને કોણ સાચવશે ?
પણ આજે દિશા લડી લેવાના મૂડમાં હતી. ‘ એ કંઇ મારી એકલીનો પ્રશ્ન છે ? ચિનારની જવાબદારી મારી એકલીની છે ? અને મારે નોકરી કરવી હોય તો તમારી રજા લેવી પડે એવું શા માટે ? હું યે સ્વતંત્ર વ્યક્તિ છું. મારે પણ મારી ઇચ્છાઓ હોય ..સ્ત્રી છું તે શું બધી વાતમાં મારે તમારી મંજૂરીની મહોર લગાવવાની ? તમારે જે કરવું હોય તેમાં મારી રજા લો છો ? જયારે મિત્રોને બોલાવવા હોય કે કંઇ પણ કરવું હોય ત્યારે મારી સગવડતા..અનુકૂળતા પૂછો છો ? તમને બધી છૂટ..બંધનો બધા અમારે ? કેમ ? સ્ત્રી છીએ એટલે ? અમારું સ્વતંત્ર અસ્તિત્વ શું કંઇ નથી ? ‘ દિશા આજે બરાબર વિફરી હતી. વાત રહી ચિનારની..તો દુનિયામાં આટલી સ્ત્રીઓ નોકરી કરે છે. શું બધાને છોકરાં નહીં હોય ? ’
અને આમે ય દલીલોનો તો કયાં કયારેય અંત હોય છે ? કંટાળીને ધવલે કહી દીધું, ‘ ઠીક છે..તારે કરવું હોય તેમ કર. મેનેજ તારે કરવાનું છે. ‘
‘ કેમ મારે મેનેજ કરવાનું છે એટલે ? તમારી કોઇ જવાબદારી નથી ? ચિનારને સ્કૂલે મૂકવા જવા તમે પણ જઇ શકો. કે એની વોટર બોટલ તમે પણ કેમ ન ભરી શકો ? અને હું તેનું લંચ બોક્ષ ભરું ત્યાં સુધીમાં તેને બૂટ, મોજા પણ પહેરાવી જ શકાય ને?’
અંતે મને કમને ધવલે સંમતિ આપવી પડી. તેને થયું કે દિશા કંઇ કરતી નથી..એવું કહ્યા કરીને પોતે મોટી ભૂલ કરી નાખી છે. પણ હવે શું થાય ? હાથના કર્યા હૈયે વાગે જ ને ? અને વારે વારે કોઇને ઘેર જમવા બોલાવવાની કે કોઇના માટે ટિફિન લઇ જવાની શી જરૂર હતી ? નકામી દિશાને ઉશ્કેરી. પણ તીર કમાનમાંથી છૂટી ચૂકયું હતું. હવે કોઇએ વીંધાયે જ છૂટકો.
અને દિશા હોંશિયાર તો હતી જ. નોકરી મળતાં સમય ન લાગ્યો. ચિનાર ને સાચવવા માટે આખા દિવસના એક બહેન પણ શોધી લીધા.
હવે ધવલ ને પણ રોજ સવારે વહેલું ઉઠી જવું પડતું. ચિનારને તૈયાર કરવામાં મદદ કરવી પડતી. દિશા બંનેની રસોઇ બનાવી ટિફિન ભરે ત્યાં સુધીમાં નાના, મોટા કેટલાયે કામોની જવાબદારી તેની પર આવી ગઇ. નિરાંતે જલસાથી ઊઠી, કલાક સુધી છાપુ હાથમાં લઇ, ચા પીવાની આદત ભૂલવી પડી. ફોન પર રોજ સવારે મિત્રો સાથે ગપાટા મારવાનો તો સમય જ કયાં બચતો હતો ? “ તે હિ નો દિવસો ગતા: “ યાદો જ બાકી રહી ગઇ.
દિશા પણ પહેલાં આરામથી..શાંતિથી રસોઇ બનાવતી હતી. હવે ઉતાવળ કરવી જ રહી. બપોરે ઘરમાં ટી.વી. જોતાં જોતાં નિરાંતે ગરમ ગરમ જમવા પામતી હતી. તેને બદલે હવે ટિફિનનું ઠંડું થઇ ગયેલ તેને જમવું પડતું હતુ. અને મગજ પર સતત ચિનારનું ટેન્સન તો રહેતું જ. ચિનારનો સ્કૂલેથી આવવાનો સમય થઇ ગયો. કામવાળી બરાબર સમયસર તેડવા પહોંચી ગઇ હશે ને ? બરાબર જમાડયો હશે ને ? અને એ ટેન્શનમાં ફાઇલોમાં કેટલી યે ભૂલો રહી જતી. અને બોસનો ઠપકો ‘ સોરી ’ કહીને સાંભળી લેવો પડતો.
ઘેર જાય ત્યાં ચિનાર મમ્મી..કરતો તેને વળગી પડે. સાંજે બાઇ તો તેની રાહ જોઇને જ બેઠી હોય. તેને પણ ઘેર જવાની ઉતાવળ હોય. તેથી દિશા આવે એટલે તે તરત ચાલી જાય.. ધવલ ને તો રાત્રે આવવામાં હમેશ મોડું થતું. તેની નોકરી જ એવી હતી કે તેમાં દિશા કંઇ કહી શકે તેમ નહોતી. અને બાકી રહેલ કામ પતાવી દિશાએ બીજા દિવસની તૈયારી પણ ત્યારે જ કરવી પડતી. ધવલ આવે ત્યારે જલ્દી જમી લેવું પડતું..ચિનાર વાર્તા કરવાની જીદ કરતો..પણ થાકેલ દિશાએ કયારેક તેને ફોસલાવીને તો કયારેક ખીજાઇને સૂવડાવી દેવો પડતો. સવારે વહેલાં ઉઠવાની ચિંતા માથે સવાર હોય જ. જાણે બધું બેલેન્સ ખોરવાઇ ગયું હતું.
છતાં બે મહિના તો જીદમાં ને જીદમાં દિશાએ બધું ચલાવ્યું. ધવલ પણ મૌન રહીને પોતાથી થાય તે સહકાર આપતો હતો. પણ ન જાણે કેમ મજા નહોતી આવતી. કદી ન રડનાર ચિનાર પણ રોતલ અને જીદી બની ગયો હતો. જીવનમાંથી જાણે કંઇક ખૂટી ગયું હોય તેવું અનુભવાતું હતું. અને નોકરીનો ડુંગર દૂરથી જેટલો રળિયામણો લાગતો હતો તે નજીક જતાં છેતરામણો લાગ્યો. ઘણીવાર કોઇ વાંક વિના પણ અપમાન, અવહેલના સહન કરવા પડતાં હતાં. અને તે પણ મૌન રહી ને. પતિ, પત્ની વચ્ચે ની પેલી મીઠી નોકઝોક તો હવે કયાંય અદ્ર્શ્ય થઇ ગઇ હતી. રવિવાર વધારાના કામ નિપટાવવામાં અને થોડો આરામ કરવામાં કે ચિનારને બાકી રહી ગયેલું લેશન કરાવવામાં જ પૂરો થઇ જતો હતો.
કદાચ બંને ને પોતાની ભૂલનો એહસાસ થઇ ગયો હતો. પણ એકરારની પહેલ કોણ કરે ? એવામાં એક દિવસ રાત્રે ચિનારને તાવ આવ્યો હતો. બાઇ રજા લઇ ને ગઇ હતી. ધવલ ઓફિસના કામે બહારગામ ગયો હતો. દિશાને પણ બીજે દિવસે ઓફિસમાં ઓડીટર આવવાના હોવાથી જવું પડે તેમ હતું. આખરે નોકરી હતી. કોઇ મોં જોઇને કંઇ પૈસા થોડા આપતા હતા ? કાલે સવારે શું કરવું તે વિચારતી દિશાની આંખમાં ઉંઘ નહોતી. એક અસમંજસમાં આખી રાત તે અટવાતી રહી.
સવારે પણ ચિનારનું શરીર તાવથી ધીખતું હતું તેને સ્કૂલે મોકલવો શકય નહોતો. હવે ? ત્યાં પાંચ વરસના ચિનારે પૂછયું, ‘ મમ્મી, તારે ઓફિસે જવાનું છે ? તું મારી પાસે રહીશ આજે ? “
દિશાની આંખો ભરાઇ આવી. તેણે ધીમેથી માથું હલાવ્યું. પુત્રના ધખતા કપાળે હાથ ફેરવ્યો. અને હળવે હૈયે ઉભી થઇ એક મિત્રને ફોન જોડયો. કે ઓફિસે જાય ત્યારે તેના રાજીનામાનો પત્ર લેતી જાય.
બે દિવસ પછી ધવલ આવ્યો ત્યારે દિશા ચિનારને વાર્તા સંભળાવતી હતી. અને મા દીકરો ખડખડાટ હસતા હતા. અને આશ્ર્વર્ય તો દિશાને ત્યારે થયું કે બીજે દિવસે સવારે દિશાને નોકરી નથી જવાનું તે જાણતો હોવા છતાં ધવલ તેની સાથે જ ઉઠી ને ચિનારને તૈયાર કરવામાં મદદ કરવા હોંશે હોંશે લાગી ગયો. દ્રષ્ટિ બદલાતાં હવે શરૂ થયું હતું તેમનું નવજીવન..સહજીવન..સખ્યજીવન.
અને પૂર્વાકાશે બાલરવિ તેના મૃદુકિરણો વેરી ધરતીને અજવાળી રહ્યો. અને ઉષારાણી વાતાવરણમાં અબીલગુલાલના છાંટણા છાંટી રહી..
