પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

એક સાસુની ડાયરી..6 December 27, 2007

અન્યના અનુભવમાંથી શીખીશું ?

તારો સાથ ને
મારી સમજણ
વિસ્તરતી ક્ષિતિજો…

બેટા, તારા કુમકુમ પગલાની છાપ હજુ આંગણામાં ને અંતરમાં અકબંધ છે. લગ્નની શરણાઇ ગૂંજવાને તો હજુ એક વરસનો સમય બાકી છે. પ્રતીક્ષાનો, વિરહનો લાંબો પંથ કાપવાનો બાકી છે.

અહીં ઘરમાં વહુરાણીના ઝાંઝરનો મીઠો રણકાર સાંભળવાની પ્રતીક્ષા માં દિવસો દોડતા રહે છે. બેટા, સમયની ગતિ બહુ ધીમી લાગે છે ને ? પણ એનો સીધો સંબંધ માનવીના મન સાથે છે. બાકી સમય તો બધાથી અલિપ્ત..બધાથી બેખબર, અને છતાં બધા સાથે સંકળાઇને રેતીની જેમ સરકતો રહે છે.

બેટા જૂઇ, આવનાર દિવસોમાં આપણે કયાં..કયારે..કેટલું..કેવી રીતે સાથે રહીશું..તેની આ પળે તો કંઇ જ ખબર નથી. તારા મીઠા શબ્દો આજે તો મનને ભીંજવતા રહે છે. વાણી અને વર્તનનો સુમેળ જીવનમાં સધાય તો જીવન સ્વર્ગ સમાન બની રહે. અને મને તારામાં વિશ્વાસ છે ..મારામાં શ્રધ્ધા છે અને આપણામાં આસ્થા છે ! શ્રધ્ધા, વિશ્વાસ અને આસ્થા દિલની મંગલ ભાવનાના પ્રતીક છે. જેમાં કયાંય કોઇ કચાશ, ઓછપ ન રહે એ પ્રાર્થના અંતરમાં થી સરતી રહે છે. કોઇ કહે છે. ’ અત્યારથી હરખાઇ ન જાવ..એ તો નીવડે વખાણ…અત્યારે તો બધા સારા જ દેખાય. એ તો હમેશ સાથે રહો તો..અને ત્યારે જ સાચી જાણ થાય….’ કહેવાવાળાને કોઇ રોકી શકયું છે ? મને કોઇ અસર નથી થતી. મનમાં કોઇ આશંકા હું રાખવા નથી માગતી. કોઇ પૂર્વગ્રહની દીવાલો વિના મારી વહુને મારે દિલથી અમારા ઘરમાં આવકારવી છે. એવું મારી જાતને હું કહેતી રહું છું. સાસુ વહુના સંબંધો વિશે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે, જોયું છે. પરંતુ જાતે અનુભવ્યું નથી. સ્વામી વિવેકાનંદે કહેલ એક વાકય મનમાં ડોકિયુ કરી જાય છે. દુનિયામાં ત્રણ પ્રકારના માણસો હોય છે.

1..) જે પોતાને જાતે અનુભવ થાય ત્યારે જ શીખે.
2 ) જે બીજાના અનુભવમાંથી શીખે

3 ) જે પોતાના કે બીજા કોઇના અનુભવમાંથી શીખે જ નહીં.
હકીકતે જે બીજાના અનુભવમાંથી શીખીને અમલ કરી શકે તે જ સાચો માણસ.
દરેક અનુભવ જીવનમાં જાતે થવા જરૂરી નથી.

આપણી બાજુમાં રહેતા આશા બહેન અને તેની વહુ અનિતા લગભગ રોજ આપણે ઘેર આવીને પોતપોતાના મનનો ઉભરો ઠાલવતા રહે છે. બંનેની વાત મારે સાંભળવી પડે છે. સાંભળી ને હું સમજતી રહું છું. અને મારી સમજ મુજબ તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરતી રહું છું. બંને વચ્ચે નું અંતર કેમ ઘટે.. બંને એકબીજાની કેમ નજીક આવે તે માટે બનતી કોશિશ કરતી રહું છું. બીજાઓના પણ આવા તો કેટલાયે અનુભવો આસપાસમાંથી…સમાજમાંથી કાને અથડાતા રહે છે. અને હું તો ખાસ ધ્યાન દઇને એ સાંભળું છું.સમજવાનો પ્રયત્ન કરતી રહું છું. એમાંથી નીરક્ષીર તારવતી રહું છું. કેમકે મારે બીજાના અનુભવમાંથી શીખવું છે, ઘડાવું છે. વહુ શું વિચારે છે અને સાસુ શું વિચારે છે તે બંને વાત સાંભળી બંનેની દ્રષ્ટિ સમજવાનો પ્રયત્ન ખુલ્લી આંખે કરતી રહું છું. કોઇ અનુભવ જીવનમાં કયારેય નકામો જતો નથી.

ત્યારે મને વિચાર આવે છે..આ બધા અનુભવો હું મારી ડાયરીના પાનાઓમાં ટાંકતી રહું.. કયારેક તેમાંથી કંઇક હાર્દ પકડવાનો પ્રયત્ન કરી રહીશ. કયારેક કોઇ અનુભવ મારે માટે જીવનપાથેય બની રહે એવી શકયતા નકારી કેમ શકાય ? ભાવિની ભીતરમાં શું છૂપાયેલું છે તે કોણ કહી શકે ?

જો કે દરેકના અનુભવો જુદા, સંજોગો જુદા, સ્વભાવ જુદા..છતાં મને લાગે છે.દરેકનો મુખ્ય સૂર તો એક જ છે.

“ મને કોઇ સમજતું નથી..મારા માટે કોઇ ને લાગણી નથી.. “

વહુને લાગે છે દીકરો મા નો પક્ષ જ લે છે. અને મા ને લાગે છે દીકરો વહુનો થઇ ગયો છે. અને પરિણામ….?

પ્રેમ અને આનંદ મેળવવાની માણસની મૂળભૂત ઝંખના છે. એના વિના જીવન અપૂર્ણ છે. આજે સંયુકત કુટુંબો ઘણાં કારણો ને લીધે ઓછા થતાં જાય છે. વિભકત કુટુંબોના પ્રશ્નો વધતા જાય છે. મૂળે માનવી સામાજિક પ્રાણી છે. એ એકલો રહી નથી શકતો ને સારી રીતે સાથે રહેતાં એને આવડતું નથી. એકલતા એને પીડે છે. અને એકાંત માણવું એને અઘરું લાગે છે.કોઇ પણ તહેવાર ,ઉત્સવ આવે એટલે એ કોઇની કંપની..કોઇ નો સાથ ઝંખે છે. સગાવહાલાઓ ન મળે તો એ મિત્રોમાં ફરતો રહે છે. દુ;ખ કે આનંદ..દરેક પ્રસંગે એને કોઇનો સાથ જોઇએ છે.

” એકલ ફરવું , એકલ રમવું,
એકલ વિચરવું, કરમ કદી ન લખીશ..”

આવું કયાંક વાંચેલ…કેટલું સાચું છે. !
સાંપ્રત સમયમાં આપણે ઘણાં પાસેથી સાંભળીએ છીએ..’સગા કરતાં તો મિત્રો સારા..કોઇ ટેન્સન નહીં..સાચું ખોટું લાગવાનો કોઇ પ્રશ્ન નહીં..સંબંધનો કોઇ ભાર નહીં..”

આંશિક રીતે આ વાત સાચી પણ લાગે છે. છતાં કયારેક એક પ્રશ્ન જરૂર જાગે છે. મિત્રતા સાચવવા..જાળવી રાખવા આપણે જે ધ્યાન રાખીએ છીએ,પ્રયત્નો કરીએ છીએ. તેટલા પ્રયત્નો સગાસ્નેહીઓને જાળવી રાખવા કરીએ છીએ ખરા ? કોઇ પૂર્વગ્રહની ગ્રંથિ… એકાદ કટુ અનુભવ, કોઇના બે કડવા શબ્દો.નો ભાર આપણે જીવનભર વહ્યા કરીએ છીએ તેવું નથી લાગતું ? જેટલું મિત્રોમાં let go..કરીએ છીએ..તેટલું સગાઓમાં કરીએ છીએ ખરા ? જવાબની કોઇ અપેક્ષા નથી..દરેકનો જવાબ અલગ જ હોય. આ તો ફકત એક વિચાર છે.સર્વગુણસંપન્ન આ દુનિયામાં કોણ છે ?

કહેવાનો મતલબ એટલો જ કે દરેક સંબંધને નિભાવતા શીખવું પડે છે. સંબંધને માંજીમાંજી ને ચળકાવતા રહેવું પડે છે. વધુ નહીં તો થોડો સ્વાર્થ જતો કરવો પડે છે. સમાધાન કરતા રહેવું પડે છે. એક આંખ મીંચેલી રાખવી પડે છે…ત્યારે સંબંધો જાળવી શકાય છે.
કોઇ પણ સંબંધ માટે આ સનાતન સત્ય છે. ફકત સાસુ વહુ જ નહીં..પતિ પત્ની, માતા પુત્ર, ભાઇ બહેન..કે મિત્રો… !

હા, ઘણીવાર કોઇ સંબંધોનું સાચું સૌન્દર્ય પ્રગટતું હોય છે. અને જીવન મઘમઘી ઉઠે છે. એવા નશીબદારની સંખ્યા જોકે બહું ઓછી હોય છે. એક્વાર જો સંબંધોનું સૌન્દર્ય ખીલી શકે તો જીવન સુરભિત બની જાય. બેટા, આપણે સંબંધોના એ સૌન્દર્ય ને એક ઉંચાઇએ પહોંચાડવા સદા જાગૃત રહીશું ? અન્યના અનુભવમાંથી આપણે કંઇ શીખીશું ?

આપણે કોઇ ના પગલે ચાલવાને બદલે આપણી અલગ કેડી બનાવીશું ? સાસુ કે વહુ માટે પ્રેરણારૂપ પ્રેરણારૂપ બનીશું ?
હજુ તો મન વિચારોના ચગડોળે ઝૂલી રહ્યું હતું ત્યાં બાજુના ઘરમાંથી આશાબહેનનો મોટો અવાજ મારા કાને અથડાઇ રહ્યો.

“ અરે,અનિતા, હજુ મારા ઠાકોરજી માટે ભોગ તૈયાર નથી કર્યો ? મારા લાલાને ભૂખ્યો રાખવાનો છે ? ભગવાનનું કામ પણ સમયસર નથી થતું. ને ફૂલ, તુલસીની માળા બનાવી કે નહીં ? કે હજુ એનું પણ ઠેકાણું નથી ? અને આ ભગવાનના વાસણો પાછા કામવાળી ને સાફ કરવા ન આપી દેતી.! એ તો જાતે જ કરવા જોઇએ. ગમે તેનાથી એ વાસણ ને ન અડાય. અને લાલાના દૂધમાં સૂકો મેવો ને સાકર જરા સરખા નાખજે. કાલે સાવ ઓછા હતા. ઠાકોરજીના કામમાં જરાયે વેઠ કેમ ચલાવી લેવાય ?

અને સૂચનાઓનો વરસાદ વરસાવી આશાબહેન એકલાં એકલાં બોલતા રહ્યા. આજ કાલની વહુઓમાં કંઇ વેતા જ ન મળે ને ! ભગવાનનું કામ કરવામાં પણ આળસ..એટલું પણ સમયસર ન થઇ શકે ? આ તો હું છું તે ચાલે છે. બાકી મારી સાસુ જેવી સાસુ મળી હોત ને તો ખબર પડત ! અમારાથી જરાક મોડું થાય કે કોઇ ભૂલ ચુક થાય તો સાસુજી નો પારો સાતમે આસમાને જ હોય. બાકી આજકાલ તો હવે વહુ ને કંઇ કહેવાય છે જ કયાં ? જરાક કહ્યું નથી ને મોઢું બગડયું નથી..છોકરાઓ તો અમારે યે કયાં નહોતા ? આ તો જાણે નવી નવાઇના..!

જેવા નશીબ…બીજું શું ? મારે તો ચલાવવું જ રહ્યું ને બધું. આપણે તો રામ રાખીએ એમ રહીએ..મને તો જરાયે કચકચ કરવી ગમે જ નહીં ને..! એને ફાવે એમ કરે..મારે તો હું ભલી ને મારી માળા…મને તો બે ટાઇમ જમવા મળી જાય..એટલે બસ..માથું મારવું જ નહીં ને શેમાં યે…
હવે થોડું આપણું રાજ છે ? “
અને અનિતાની વાત..તેનો ઉભરો કાલે સાંભળવા મળશે જ. એની ખાતરી છે.

હું મૌન…તેમની આ રોજની રામાયણથી આમ તો આસપાસના સૌ પરિચિત છીએ.પરંતુ આજ સુધી મને કયારેય બહું સ્પર્શતું નહીં. હું કયાં સાસુ હતી ? કે મારે કયાં વહુ હતી ? પણ આજે..રેલો પગ નીચે આવવાનો સમય આવી ગયો હતો…હું તેમાંથી પાર ઉતરીશ ને ?
આજે આ લખતા લખતા મનમાં આ આશંકા શા માટે ? ના,ના, કોઇ પૂર્વગ્રહ વિના સંપૂર્ણ શ્રધ્ધાથી હું મારી વહુને આવકારીશ.

 

એક સાસુની ડાયરી..5 December 11, 2007

તારા આગમને છલકે ઉલ્લાસ…

નાનકડા આ
અમ વિશ્વને રાખજે તું
સદા લીલુછમ્મ…

બેટા જૂઇ,

આજે તમારી સગાઇ ને એક મહિનો પૂરો થયો. કોઇ પણ નવા સંબંધોને પામવા માટે, ઓળખવા માટે આ ગાળો ખૂબ ટૂંકો છે. ઘણીવખત આખી જિંદગી સાથે રહ્યા બાદ પણ માનવીને પામી શકાતો નથી હોતો. અને આપણે તો આ એક મહિનામાંથી ફકત દસ દિવસ જ સાથે રહ્યા છીએ. બાકી ફોનથી રોજ વાતો થતી રહે છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન કે સગાઇ થી ફકત બે વ્યક્તિ નહીં…બે કુટુંબ જોડાય છે.

ધીમે ધીમે સંબંધોની આપણી દુનિયા કેળવાતી જાય છે. પરિચયનો સેતુ વિકસતો જાય છે. મારે એટલું કહેવું જ રહ્યું..આ દસ દિવસમાં તેં ઘરમાં ઉત્સાહનું વાતાવરણ જરૂર ભરી દીધું. પ્રથમ દિવસે તું કદાચ એક ફફડાટમાં સવારે વહેલી ઉઠી ગઇ હતી. સાસરે તો વહેલું ઉઠવું પડે એવી એક વ્યાપક માન્યતા આપણા સમાજમાં છે જ. જાણ્યે અજાણ્યે તારા મનમાં પણ એવી કોઇ વાત હોય શકે. પરંતુ આપણા ઘરમાં એવું કોઇ બંધન નથી. તું આરામથી ઘરમાં ફરતી હતી. અનુજે હસતાં હસતાં તારી મશ્કરી કરી કે ‘ સાસરે આવી છે એ ખબર છે ને ? “

તેં આરામથી જવાબ આપ્યો, ‘ ના, હું તો મારે ઘેર આવી છું. મારી મમ્મી છે આ તો ! ‘ કહી મને લાડ કરીને પૂછયું,’ મમ્મી, બરાબર છે ને ? ‘ મેં હરખથી હા પાડી…અને તું મારા ખોળામાં માથું રાખી લાડથી સૂઇ ગઇ.

મારો હાથ અનાયાસે તારા વાળમાં ફરતો હતો. અને અંતરમાં સ્નેહની અમીધારા વહી રહી. તારું આ લાડથી બોલવું મને ખૂબ ગમ્યું. તું જે હક્કથી બોલી એ એક દીકરી જ બોલી શકે. તારા વર્તને મને દીકરીનો જ એહસાસ કરાવ્યો..વહુનો નહીં.

તું તારા ઘરની..પિયરની વાતો કરતી રહે છે. હું રસ લઇ ને સાંભળતી રહું છું. કેમકે મને જાણ છે જ કે તારા દિલમાં પિયરની યાદ છે જે પરોક્ષ રીતે અનાયાસે બહાર આવતી રહે છે. કોઇ પણ પુત્રી એ યાદોંથી વિમુખ ન થઇ શકે તે સ્વાભાવિક જ છે ને ? જયાં જીવનના બે દાયકાથી વધુ સમય લાડકોડમાં ખાસ કોઇ જવાબદારી વિના આનંદથી વીતાવ્યો હોય એ સમય ગાળો તેના અસ્તિત્વનું એક અવિભાજય અંગ બની ગયો હોય તે સહેજે સમજી શકાય તેમ છે.

હું પણ મારા મનની વાતો કરતી રહું છું. બેટા, અમને તો તમારો પ્રેમ, લાગણી જોઇએ..સામાન્ય સાસુ વહુ જેવા સંબંધો આપણી વચ્ચે હોય તેવું હું નથી ઇચ્છતી. હું કયારેક કંઇ કહું..કહેવાઇ જાય તો ખરાબ નહીં લગાડવાનું. એટલો વિશ્વાસ જરૂર રાખજે કે અમે તને દુ:ખી કયારેય નહીં થવા દઇએ. આપણી વચ્ચે મૈત્રીના સંબંધો વિકસે તેવી મારી અંતરની ઇચ્છા છે. અને એ કંઇ રાતોરાત નહીં થાય. એ માટે આપણે બંને એ સભાન રહી ને પ્રયત્ન કરતાં રહેવું પડશે. ..” અને હું જાણે નાનું એવું ભાષણ કરી નાખું છું. કદાચ તું મનમાં હસતી હઇશ કે મારી સાસુ અડધી…..!!

આજે મને અનાયાસે યાદ આવી ગઇ તે પહેલા દિવસની વાત. તે દિવસે હજુ તમારી સગાઇ પણ નહોતી થઇ. ફકત વાત થઇ હતી. તારા મમ્મી, પપ્પા પણ મળવા આવેલ. અને રાત્રે આપણે બધા સાથે બેઠા હતા..ત્યાં પપ્પાને અચાનક ન જાણે શું સૂઝયું. તને બહુ ગંભીરતાથી પાસે બોલાવી અને કહ્યું, ‘ જો બેટા, મારે તને સાચી વાત…આપણા ઘરના રીત રિવાજ ની વાત કરી દેવી જોઇએ….તને કદાચ અમે બધા મોર્ડન વિચારના લાગતા હશું. પરંતુ હકીકતે એવું નથી. અમારા ઘરમાં વહુ ડ્રેસ કે એવા કોઇ કપડા પહેરે તે મને પસંદ નથી. અમુક વાતમાં અમે બહુ જૂનવાણી છીએ. વહુ દીકરીના તફાવતની જાણ તો થવી જોઇએ ને ? ” તું કંઇ સમજી નહીં. તેથી પૂછયું, ‘ એટલે ? “

પપ્પા કહે, ’ એટલે બીજું કશું નહીં…પરંતુ તારે લગ્ન પછી કે સગાઇ પછી જયારે પણ અહીં આવે ત્યારે સાડી જ પહેરવી પડશે..અને લગ્ન પછી કયારેક માથે પણ ઓઢવું પડે. પાછળથી તને એમ ન થવું જોઇએ કે આ તો મને જાણ નહોતી. પહેલેથી સ્પષ્ટતા કરી લેવી સારી. તું ગમે તેટલી ભણેલી હોય પણ અહીં ઘરમાં તો તું એક વહુ જ છે ને ? ‘ તને થોડું આશ્ર્વર્ય થયું, તેં ધીમેથી કહ્યું, ‘ પણ મમ્મી તો સાડી નથી પહેરતા. ‘

પપ્પા કહે,’ મમ્મી તો હવે લગ્નના આટલા વરસો બાદ આ બધું પહેરે છે ! એટલા વરસો પછી તારે પણ જે પહેરવું હોય તે પહેરજે કે જે કરવું હોય તે કરજે. પણ અત્યારે તો અમારા ઘરનો આ રિવાજ છે. હજુ કંઇ આપણે નક્કી નથી કરી નાખ્યું. તને વિચારવાની પૂરી છૂટ છે. ‘ તેં થોડું મૂંઝાઇને તારા મમ્મી, પપ્પા સામે જોયું, તો તેઓએ કહ્યું, ‘ એ તો આ લોકો કહે તેમ તારે કરવું રહ્યું. તારી ઇચ્છા. ‘ તું કંઇ બોલ્યા સિવાય અંદર ગઇ. અને સાડી પહેરી બહાર આવી અને પપ્પાને પગે લાગી.
હવે મારાથી રહેવાયું નહીં. અને હું ખડખડાટ હસી પડી…અને પપ્પા ને ખીજાણી કે બિચારી ને અત્યારથી કેમ હેરાન કરો છો ? જા, બેટા, પપ્પા તો તારી મસ્તી કરે છે.! એવું કશું જ નથી આપણા ઘરમાં….’
તું મોટેથી બોલી ઉઠી..’ પપ્પા…’

અને પછી તો ઘરમાં હાસ્યના મોજા ઊછળતા રહ્યા. અને તું અંદર જઇને હવે તો જીન્સ પહેરીને આવી ગઇ. પણ એ થોડી પળો તો કેવી ગંભીર બની ગઇ હતી. !

આજે પણ એ વાત યાદ આવે છે ને આપણે બધા કેવા હસીએ છીએ. હા, બેટા, સમાજે દીકરી અને વહુ માટે અલગ ધોરણો જરૂર બનાવ્યા છે. પરંતુ આપણા ઘરમાં એવા કોઇ તફાવત નહીં જ હોય. અને આમે ય સંસ્કાર વાણી અને વર્તનથી આવે છે. કપડાંથી નહીં જ. કપડા તો માનવીનું બાહ્ય કલેવર છે. અંતરમાં સન્માન,આદર, મર્યાદા સંસ્કાર, અને વાણીમાં મધુરતા હોય તો બીજું બધું આપોઆપ ગૌણ બની જાય છે. હાસ્યથી સભર દિવસો કેવાં ઝડપથી દોડી જાય છે. તને અને અનુજને સાથે જોઇને અમે હરખાતા રહીએ છીએ…છલકાતા રહીએ છીએ. આપણે બંને પણ કેટકેટલી વાતો કરતાં રહીએ છીએ. અનુજને જોઇને તારી આંખોમાં એક ચમક અનાયાસે ઉપસે છે. જે સ્વાભાવિક છે. અલગ વાતાવરણથી હવે તું ટેવાતી જાય છે. કોઇ બે ઘરની, બે કુટુંબની બધી વાતો..આદતો , ખોરાકની આદતો, રહેણી કરણી સમાન ન હોય તે સ્વાભાવિક જ છે ને ?

આજે સ્નેહા ઘેર આવી હતી. તેના લગ્ન થયે બે વરસ થયા છે. આર્થિક રીતે સુખી છે. પતિ તરફથી પન કોઇ ફરિયાદ નથી. જે ફરિયાદ છે તે સાસુ માટે છે. ઘર ઘરકી કહાની..! વહુને સાસુ માટે અને સાસુને વહુ માટે..! કયારેય આવી શકશે આ લડાઇનો અંત ?

સ્નેહા કહે,’આંટી, અમારા ઘરમાં કોઇ વાતની કમી નથી. પણ મારા સાસુની કચકચથી હું થાકી જાઉ છું. દરેક વાતમાં સલાહ સૂચન ઊભા જ હોય.આમ આટલો ગેસ ન બળાય. આટલો સાબુ વપરાઇ ગયો ? તેલ થોડું ઓછું વાપરજે.

વિગેરે..વિગેરે..આંટી, એના કંજૂસાઇનો પાર નથી. ઘરમાં કયાં તાણ છે ? પરંતુ એની કરકસર કરવાની સલાહો નો કોઇ અંત જ નહી ! “ સ્નેહા ઉભરો ઠાલવે છે. હું તેને શાંતિથી સાંભળું છું. પછી પૂછું છું ‘બાકી બીજો કોઇ પ્રશ્ન નથી ને ?’ સ્નેહા આમ તો પ્રામાણિક છે. તરત કહે છે, ’ ના, બીજું તો શું હોય ? પણ આ રોજની કરકસર કરવાની તેમની કથાથી હું થાકી જાઉ છું અને પછી મને ગુસ્સો આવે છે અને મારાથી પણ તેમની સામે બોલાઇ જવાય છે. એવી જરૂરિયાત હોય તો બરાબર છે. પણ આ તો……’ હું ધીમેથી તેને પૂછું છું. ‘ સ્નેહા, માણસનો સ્વભાવ જલદી બદલાઇ શકે ? તને કોઇ આદત પડી હોય તો બદલવી અઘરી પડે કે નહીં ? ‘ સ્નેહા કહે ‘હા, પણ કોશિશ તો કરવી જોઇએ ને ? ‘

‘તેં કેમ માની લીધું ? કે તેઓ કોશિશ કરતા નથી ? હા, કદાચ સફલ ન થતા હોય તેવું બની શકે. પણ સ્નેહા, તું તો આ ઘરમાં બે વરસથી આવી છો. અને હવે ઇશ્વરની કૃપાથી આર્થિક પરિસ્થિતિ સારી છે. પરંતુ તને જાણ છે..જયારે તમારા ઘરની અર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે આ તારા સાસુએ કેટલી કરકસર કરીને.. રાત દિવસ લોકોના કપડા સીવી સીવીને તારા વરને..અલયને મોટો કર્યો છે અને આટલું ભણાવ્યો છે ? તેણે એ દિવસો જોયા છે. સહન કર્યા છે તેથી તારે માટે પાંચ જ રૂપિયા છે પરંતુ તેને માટે એ પાંચ..રૂપિયા સો રૂપિયા જેવા છે. તેને બદલાતા સમય લાગશે.પણ ત્યાં સુધી તું તેને સાચવી લે તો ? તું તો આટલી હોંશિયાર છે,સમજુ છે. બે પેઢી વચ્ચે વિચારોનો થોડો તફાવત તો રહેવાનો જ ને ? તું તારા વીસ વરસના વિચારો નથી છોડી શકતી તો તેમના પચાસ વરસના વિચારો એમ આસાનીથી થોડા છૂટી શકે ? મારી વાત સમજાય છે તને ?’ સ્નેહા વિચારમાં તો જરૂર પડી.’સારું આંટી, હું પછી નિરાંતે આવીશ.બની શકે તમારી વાત સાચી પણ હોય. ‘ સ્નેહા તો ચાલી ગઇ.પણ મને વિચારોના વમળમાં જરૂર નાખતી ગઇ.

હું પણ ઘણીવાર તને કહેતી હોઉં છું..તું પણ મારા વિશે આવું જ કંઇક વિચારતી હઇશને ? અને અત્યારે ન બોલે પણ લગ્ન પછી…
ના, ના, જરૂર મુજબ હું મારા વિચારોમાં પરિવર્તન કરીશ. તને સમજવાનો પ્રયત્ન કરીશ.પણ બેટા, કયારેક તું પણ મને સમજવાનો પ્રયાસ કરીશ ને ?

 

એક સાસુની ડાયરી…4 November 18, 2007

શિશુને ભોગે થતી પૂજા ઇશ્વર ને પહોંચે ખરી ?

મુઠ્ઠી જેવડા મનના ઉધામા પણ ગજબ હોય છે. ક્ષણમાં પ્રસન્ન..ક્ષણમાં ઉદાસ. મને તો કયારેક શેખચલ્લી જેવો વિચાર પણ આવે.. આ મન હકીકતે છે શું ? કયાં છે ? શરીરમાં તો એક હ્રદય સિવાય બીજુ કંઇ નથી..એમ ડોકટરો કહે છે..વિજ્ઞાન કહે છે.

મન…અંતર તો કોઇ એ જોયું છે કયાં ?

જવાબ પણ હું જ આપી રહું છું. જે ન દેખાતું હોય તેનું અસ્તિત્વ નથી એમ કેમ કહી શકાય ? એમ તો આપણે ઇશ્વરને પણ કયાં જોયો છે..તેથી તેના અસ્તિત્વને નકારી શકાશે ? આ બધા વિચારો પણ મન કરે છે કે હ્રદય ?

આજે સવારે હજુ તો અગિયાર વાગ્યા હતા..ત્યાં બાજુમાં રહેતા માલાબહેન ગુસ્સાથી ધમધમતા આવ્યા.’ છોકરાં તો અમારે પણ હતા…એને કંઇ નવી નવાઇ ના છે ? એક કામ સમયસર નથી થતું ..’ તેમને થોડા શાંત પાડી વિગત પૂછતાં કહે, ‘ તમને તો ખબર છે. વરસોથી રોજ સવારે હું સેવા પૂજા કરું છું. ‘ ’ હા, તો એનું શું છે ? ‘ ’ અરે, વહુ આવ્યા પછી એ પણ ટાઇમે નથી થતી. ‘ ’કેમ ? ભગવાનની પૂજાને અને વહુને શો સંબંધ છે ? ‘ ’અરે, ટાઇમે કયારેય કશું તૈયાર હોય જ નહીં ને ? તુલસીપત્ર કે ફૂલ બગીચામાંથી તોડી લાવવામાં..અને એક માળા ગૂંથવામાં કેટલી વાર ? ન માળા તૈયાર હોય ..ન પ્રસાદ તૈયાર હોય…ભગવાનનું કામ કરવામાં પણ કેટલીવાર કહેવું પડે…અને કહીએ એટલે જવાબ તૈયાર હોય જ..’ મારે છોકરાને સ્કૂલની રીક્ષા હમણાં આવી જશે. તેને નાસ્તાનું મોડું થાય છે. તમારા ભગવાન કયાંય ભાગી નહીં જાય..’ ’બોલો, આવા જવાબ આપી દે..આ ભણેલા હોય તો શું થઇ ગયું ? સંસ્કાર શીખ્યા હોય તો ને ? …” નમિતાબહેન ન જાણે કેટકેટલું બોલતા રહ્યા..થોડા શાંત થયા ત્યારે મેં તો હિમત કરીને ધીમેથી પૂછી જ લીધું. ‘હેં માલાબહેન, નમિતા નહોતી ત્યારે આ બધું કોણ કરતું હતું ? ‘ ’કોણ કરે ત્યારે ? મારા સિવાય કોઇ હતું ઘરમાં ? પણ હવે વહુ આવી છે તો એટલી આશા તો થાય ને…’ કહી ધૂંધવાતા માલાબહેન ઉભરો ઠાલવી હું કઇ વધારે કહું એ પહેલાં ચાલતા થયા.

તેઓ તો ગયા..પરંતુ મને વિચારમાં ડૂબાડતા ગયા..જે કામ જાતે થઇ શકે તે માટે બીજાની..વહુની આશા પણ શા માટે રાખવી ? હા, કયારેક ઉમરના કોઇ પડાવે આવી ને સ્ત્રી ને પણ રીટાયર થવાની ઝંખના જાગે એ સ્વાભાવિક છે. ઘરના કામ..જવાબદારી આટલા વરસો તેણે વહન કરી છે. તો હવે બાકીની જિંદગીમાં પોતાને મનગમતી પ્રવૃતિ કરે કે રસોઇ વિગેરે જવાબદારીમાંથી મુકત થવાનું ઇચ્છે તો એ માટે કોઇને વાંધો ન હોવો જોઇએ..સાસુ કંઇ કરાવતા નથી..એવી ભાવના વહુ એ શા માટે રાખવી ? પોતે પણ એક દિવસ મોટી થશે. ત્યારે તેને પણ એ રુટીન કામો નો કંટાળો કે થાક લાગે એવું બનવાનું જ છે. અત્યારે યુવાન છે ત્યારે કામનો કંટાળો શા માટે ? કસરત કરવા માટે બહાર જવાની જરૂર જ ન રહે એ ફાયદો છે એમ પણ વિચારી શકાય ને ? સાસુનો ભાવનાત્મક અણગમો એ સમજી શકે..વિચારી શકે તો..?

એ જ વહુ પોતાને ઘેર હમેશ કહેતી હોય છે.. ‘ મમ્મી, હવે તેં ઘણુ કર્યુ હોં. હવે આરામ કરતા શીખ..ભાભી સંભાળી લેશે..’
આ ડબલ ધોરણો શા માટે ?

જોકે સામે પક્ષે એ વાત પણ એટલી જ સાચી છે. રસોઇ કે એવા કોઇ મહેનતના કામ સાસુ કદાચ ન કરે કે ન કરી શકે..પરંતુ પૂજા કરવા માટે ફૂલ તોડવા કે માળા બનાવવી,પ્રસાદ સુધારવો…એવા નાના કામો તો એ જરૂર કરી શકે..અને કરવા જ જોઇએ પહેલી પસંદગી તો નાના બાળકને જ મળવી જોઇએ. ઇશ્વર પણ તો જ રાજી રહે. કોઇ બાળક હેરાન થતું હોય તો ઇશ્વર કયારેય પ્રસન્ન ન જ થઇ શકે. શિશુના ભોગે થતી સેવા પૂજાનો કોઇ અર્થ નથી જ..એ સત્ય સાસુએ સમજીને સ્વીકારવું જ જોઇએ. વહુને બાળકો નાના હોય તો પ્રેમથી એની સંભાળ લઇ શકાય. નાના નાના આવા તો કેટલાયે કામો જરૂર થઇ શકે. વહુ યુવાન છે. તેને હરવા ફરવાની હોંશ સ્વાભાવિક રીતે જ હોય.. એ સમજતા અને સ્વીકારતા પણ શીખવું જ રહ્યું. દીકરો જ નહી… વહુ પણ પોતાની છે એ લાગણી અંતરમાં કેમ ન રાખી શકે ? અને દીકરો ઘરમાં વહુને કંઇ મદદ કરાવે તો ખુશ થતાં શીખવું જોઇએ.તેને બદલે ‘ મને તો કયારેય નહોતો કરાવતો..મા કરતી હતી..ત્યારે તો …’ આવા વ્યંગ્યો ઉચ્ચારવાથી બચી કેમ ન શકાય ? સમય પ્રમાણે વિચાર અને આચાર માં પરિવર્તન લાવે તો જ માનવી સુખી થઇ શકે અને કરી શકે.

આજે મનમાં આવી અનેક વાતો ઉભરાઇ રહી છે. ભવિષ્યમાં હું આ બધી વાતો અમલ કરી શકું એવી આસ્થા સાથે અત્યારે તો અહીં જ અટકું ? વિચારમાં હશે તો કયારેક અમલમાં જરૂરથી આવી શકે ને ? અને કદાચ ત્યારે પૂરો અમલ ન થઇ શકે તો આ ડાયરીના પાનાઓ મારું ધ્યાન દોરી મારા પથદર્શક બનશે.

બાકી સો વાતની એક વાત તો સાચી જ લાગે છે.. થોડી અપેક્ષાઓ ઓછી કરી શકશે..સાસુ વહુ બંને ..તો સુખ કયારેય ગેરહાજર નહીં રહે..

કાલે આ જ વાત તેમની વહુ, નમિતા આવી ને આ જ વાત મને તેની દ્રષ્ટિએ કહેશે..એ વાતનો મને અંદાજ છે. સાસુ વહુ બંનેની વાત માં થોડું તથ્ય જરૂર હોય છે. પોતપોતાની દ્રષ્ટિએ કદાચ બંને સાચા હોઇ શકે.. હમેશા બીજાની દ્રષ્ટિથી વિચારી શકવું કંઇ આસાન તો નથી જ ને ?

પરંતુ એ ન થઇ શકે તો પણ થોડી વાર ઉભરો ઠાલવી ફરી પાછા સામાન્ય બની શકાય..કોઇ પૂર્વગ્રહ રાખ્યા સિવાય..એ વાત ભૂલી શકાય તો પણ ઘણું છે.

જીવનમાં આમે ય કેટલું બધું ભૂલી જવા જેવું હોય છે.

કાલે ડાયરીના પાનાઓમાં મળીશું ને ?

 

આપણી મૂળભૂત ઝંખના… October 23, 2007

એક સાસુની ડાયરી…3

વહુના કુમકુમ પગલાની છાપ હજુ આંગણામાં ને અંતરમાં અકબંધ છે. લગ્નની શરણાઇ ગૂંજવાને તો હજુ એક વરસનો સમય બાકી છે. પ્રતીક્ષાનો, વિરહનો લાંબો પંથ કાપવાનો બાકી છે.
અહીં ઘરમાં વહુરાણીના ઝાંઝરનો મીઠો રણકાર સાંભળવાની પ્રતીક્ષા માં દિવસો દોડતા રહે છે. બેટા, સમયની ગતિ બહુ ધીમી લાગે છે ને ? પણ એનો સીધો સંબંધ માનવીના મન સાથે છે. બાકી સમય તો બધાથી અલિપ્ત..બધાથી બેખબર, ને છતાં બધા સાથે સંકળાઇને રેતીની જેમ સરકતો રહે છે.
બેટા જૂઇ, આવનાર દિવસોમાં આપણે કયાં..કયારે..કેટલું..કેવી રીતે સાથે રહીશું..તેની આ પળે તો કંઇ જ ખબર નથી. તારા મીઠા શબ્દો આજે તો મનને ભીંજવતા રહે છે. વાણી ને વર્તનનો સુમેળ જીવનમાં સધાય તો જીવન સ્વર્ગ સમાન બની રહે. અને મને તારામાં વિશ્વાસ છે ..મારામાં શ્રધ્ધા છે અને આપણામાં આસ્થા છે ! શ્રધ્ધા, વિશ્વાસ અને આસ્થા દિલની મંગલ ભાવનાના પ્રતીક છે. જેમાં કયાંય કોઇ કચાશ, ઓછપ ન રહે એ પ્રાર્થના અંતરમાં થી સરતી રહે છે. કોઇ કહે છે. ’ અત્યારથી હરખાઇ ન જાવ..એ તો નીવડે વખાણ…અત્યારે તો બધા સારા જ દેખાય. એ તો હમેશ સાથે રહો તો..અને ત્યારે જ સાચી જાણ થાય….’ કહેવાવાળાને કોઇ રોકી શકયું છે ? મને કોઇ અસર નથી થતી. મનમાં કોઇ આશંકા હું રાખવા નથી માગતી. કોઇ પૂર્વગ્રહની દીવાલો વિના મારી વહુને મારે દિલથી અમારા ઘરમાં આવકારવી છે. એવું મારી જાતને હું કહેતી રહું છું. સાસુ વહુના સંબંધો વિશે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે, જોયું છે. પરંતુ જાતે અનુભવ્યું નથી. સ્વામી વિવેકાનંદે કહેલ એક વાકય મનમાં ડોકિયુ કરી જાય છે. “ જે બીજાના અનુભવમાંથી શીખે તે સાચો માનવ. “
દરેક અનુભવ જીવનમાં જાતે થવા જરૂરી નથી.
આપણી બાજુમાં રહેતા માલા બહેન અને તેની વહુ નમિતા લગભગ રોજ આપણે ઘેર આવીને પોતપોતાના મનનો ઉભરો ઠાલવતા રહે છે. બંને નીવાત મારે સાંભળવી પડે છે. સાંભળી ને હું સમજતી રહું છું. અને મારી સમજ મુજબ તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરતી રહું છું. બંને વચ્ચે નું અંતર કેમ ઘટે.. બંને એકબીજાની કેમ નજીક આવે તે માટે બનતી કોશિશ કરતી રહું છું. બીજાઓના પણ આવા તો કેટલાયે અનુભવો આસપાસમાંથી…સમાજમાંથી કાને અથડાતા રહે છે. ત્યારે મને વિચાર આવે છે..આ બધા અનુભવો હું મારી ડાયરીના પાનાઓમાં ટાંકતી રહું.. કયારેક તેમાંથી કંઇક હાર્દ પકડવાનો પ્રયત્ન કરી રહીશ. દરેકના અનુભવો જુદા, સંજોગો જુદા, સ્વભાવ જુદા..છતાં સૂર તો એક જ રહે છે..” મને કોઇ સમજતું નથી..મારા માટે કોઇ ને લાગણી નથી..વહુને લાગે છે દીકરો મા નો પક્ષ જ લે છે. અને મા ને લાગે છે દીકરો વહુનો થઇ ગયો છે. “ અને પરિણામ….??

પ્રેમ અને આનંદ મેળવવાની માણસની મૂળભૂત ઝંખના છે. એના વિના જીવન અપૂર્ણ છે. આજે સંયુકત કુટુંબો ઘણાં કારણો ને લીધે ઓછા થતાં જાય છે. વિભકત કુટુંબોના પ્રશ્નો વધતા જાય છે. મૂળે માનવી સામાજિક પ્રાણી છે. એ એકલો રહી નથી શકતો ને સારી રીતે સાથે રહેતાં એને આવડતું નથી. એકલતા એને પીડે છે. અને એકાંત માણવું એને અઘરું લાગે છે.કોઇ પણ તહેવાર ,ઉત્સવ આવે એટલે એ કોઇની કંપની..કોઇ નો સાથ ઝંખે છે. સગાવહાલાઓ ન મળે તો એ મિત્રોમાં ફરતો રહે છે. દુ;ખ કે આનંદ..દરેક પ્રસંગે એને કોઇનો સાથ જોઇએ છે.

” એકલ ફરવું , એકલ રમવું,
એકલ વિચરવું, કરમ કદી ન લખીશ..”

આવું કયાંક વાંચેલ…કેટલું સાચું છે. ! સાંપ્રત સમયમાં આપણે ઘણાં પાસેથી સાંભળીએ છીએ..’સગા કરતાં તો મિત્રો સારા..કોઇ ટેન્સન નહીં..સાચું ખોટું લાગવાનો કોઇ પ્રશ્ન નહીં..સંબંધનો કોઇ ભાર નહીં..”
આંશિક રીતે આ વાત સાચી પણ લાગે છે. છતાં કયારેક એક પ્રશ્ન જરૂર જાગે છે. મિત્રતા સાચવવા..જાળવી રાખવા આપણે જે ધ્યાન રાખીએ છીએ એટલું સગાસ્નેહીઓને જાળવી રાખવા કરીએ છીએ ખરા ? કોઇ પૂર્વગ્રહની ગ્રંથિ… એકાદ કટુ અનુભવ, કોઇના બે કડવા શબ્દો.નો ભાર આપણે જીવનભર વહ્યા કરીએ છીએ તેવું નથી લાગતું ? જેટલું મિત્રોમાં let go..કરીએ છીએ..તેટલું સગાઓમાં કરીએ છીએ ખરા ? જવાબની કોઇ અપેક્ષા નથી..દરેકનો જવાબ અલગ જ હોય. આ તો ફકત એક વિચાર છે.
કહેવાનો મતલબ એટલો જ કે દરેક સંબંધને નિભાવતા શીખવું પડે છે. સંબંધને માંજીમાંજી ને ચળકાવતા રહેવું પડે છે. વધુ નહીં તો થોડો સ્વાર્થ જતો કરવો પડે છે. સમાધાન કરતા રહેવું પડે છે. એક આંખ મીંચેલી રાખવી પડે છે…ત્યારે સંબંધો જાળવી શકાય છે. કોઇ પણ સંબંધ માટે આ સનાતન સત્ય છે. ફકત સાસુ વહુ જ નહીં..પતિ પત્ની, માતા પુત્ર, ભાઇ બહેન..કે મિત્રો… !

હા, ઘણીવાર કોઇ સંબંધોનું સાચું સૌન્દર્ય પ્રગટતું હોય છે. અને જીવન મઘમઘી ઉઠે છે. એવા નશીબદારની સંખ્યા જોકે બહું ઓછી હોય છે. એક્વાર જો સંબંધોનું સૌન્દર્ય ખીલી શકે તો જીવન સુરભિત બની જાય. બેટા, આપણે સંબંધોના એ સૌન્દર્ય ને એક ઉંચાઇએ પહોંચાડવા સદા જાગૃત રહીશું ? અન્યના અનુભવમાંથી આપણે કંઇ શીખીશું ?
આપણે કોઇ ના પગલે ચાલવાને બદલે આપણી અલગ કેડી બનાવીશું ? બીજાને પ્રેરણારૂપ બનીશું ? તારામાં પૂર્ણ આસ્થા સાથે… કાલે ફરી આ પાનાઓમાં મળીશું ને ?

 

એક સાસુની ડાયરી… October 17, 2007

સાસુ, વહુના વહાલની ભીની યાત્રા…

પારકુ પંખી,
ઉજાળી રહે અમ
આંગણ સ્નેહે.

બેટા, જૂઇ,
આજે આપણા સાસુ, વહુની આ સહિયારી યાત્રાનો પ્રથમ દસકો પૂરો થાય છે. અનુભવે આપણને બંને ને સતત ઘડયા છે. મને સાસુ તરીકે અને તને વહુ તરીકે. ! પરિવર્તન એ તો સમયની માગ છે. અને સદનશીબે આપણે બંને સતત પરિવર્તન પામી શકયા છીએ.. અને એકબીજાને અનુકૂળ થતા રહ્યા છીએ એનો આનંદ છે..કયારેક પ્રેમથી, કયારેક ગુસ્સાથી, લાડથી, રિસાઇને,ખીજાઇને…બધા જ ભાવોની ભરતી ઓટમાં સતત ભીંજાતા રહ્યા છીએ.પણ એ બધા ભાવોની પાછળ સતત વહાલનું એક ઝરણું વહેતું રહ્યું છે. આપણા બે માંથી કોઇના પક્ષે એ સૂકાયું નથી.. આપણું ભાવવિશ્વ વિકસતું રહ્યું છે. લીલુછમ્મ રહી શકયું છે. તેનો આનંદ અનન્ય છે.

અને આજે હવે આપણા બનેના મનમાં કોઇ શંકા , કુશંકા, પ્રશ્નો નથી. બંને પક્ષે એક પૂર્ણ શ્રધ્ધા,વિશ્વાસ પ્રગટી શકયા છે એ શું ઓછી વાત છે ? એક સાસુ, વહુનું સાચા અર્થમાં મિત્રોમાં રૂપાંતર થઇ શકયું છે. એથી વિશેષ રૂડી વાત બીજી કઇ હોઇ શકે ? ગુણવંત શાહના કહ્યા મુજબ આપણે મૈત્રીયુગમાં પ્રવેશી શકયા છીએ એનું મહત્વ, આનંદ ઓછો નથી જ.આજે મારી ટીકા કે જરાક પણ ખરાબ કોઇ બોલે તો તું સહન નથી કરી શકતી..મારી પર ગુસ્સો આવ્યો હોય ત્યારે પણ.! અને એવું જ મારા પક્ષે છે. તારી કોઇ ભૂલ થઇ હોય તો પણ ખીજાવાનો હક્ક તો ખાલી મારી એકલીનો જ હોં.! કોઇની તાકાત છે મારી લાડકી વહુરાણી ને ખીજાઇ શકે ? કે બે શબ્દ તેના વિશે ગમે તેમ બોલી શકે ?
આજે મારી ડાયરીના પાછલા પાનાઓ સહેજે ફેરવવાની ઇચ્છા જાગે છે. એક દાયકા પહેલાના એ અતીતની ખાટી મીઠી યાદોંની ગલીઓમાં ફરી એકવાર ….. પણ અતીતની એ કુંજગલીઓના દરવાજા ખોલું તે પહેલાં બે ચાર વાતો આજે મનમાં જાગે છે.
વહુને દીકરી માનવી જોઇએ…એવું દીકરાના લગ્ન સમયે બધા કહેતાં આવ્યા છે. પણ વ્યવહારમાં જૂજ અપવાદ સિવાય એ શકય બની શકે છે ખરું ? જવાબ ઘણું કરી ને “ના” માં આવશે. કારણૉ ઘણાં છે. બંને પક્ષે છે.
દીકરીનો મા સાથેનો નાળસંબંધ છે. એના અસ્તિત્વનો એક અંશ છે.મા એ પોતાનું દૂધ પીવડાવી એને ઉછેરી છે. એના શૈશવની એક એક ક્ષણ ની એ સાક્ષી છે. એક એક ક્ષણ તેણે માણી છે, સંવારી છે. સ્વીકારી છે.. જયારે વહુને હજુ જાણવાની, સમજવાની બાકી છે. એ અલગ માહોલમાં ઉછરીને આવી છે. એની દરેક વાત તમારે માટે અજાણી છે. દીકરી કોઇ ભૂલ કરે તો મા વિચારે છે કે મારા જ ઉછેરમાં કોઇ ખામી રહી ગઇ હશે. મારી જ કયાંક ભૂલ થઇ હશે. હું જ તેને શીખડાવી ન શકી.! આમ દીકરીના દોષનો ટોપલો પણ મા પોતાના શિરે લઇ શકે છે.
જયારે વહુની બાબતમાં આ શકય નથી બનતું. વહુના મા બાપે તેને કંઇ શીખડાવ્યું નથી..સંસ્કાર નથી આપ્યા..એ વિચાર તરત જાણ્યે અજાણ્યે બિલાડીના ટોપની જેમ મનમાં ઊગી જાય છે. મનમાં સતત એક શંકા, કુશંકા રહે છે. જીવનસંધ્યાએ આ છોકરી અમને સાચવશે ? સ્નેહ આપી શક્શે ? મારા દીકરાને મારાથી દૂર તો નહીં કરી દે ને ? સમાજમાં એવા અસંખ્ય ઉદાહરણો તેણે નજરે જોયેલ છે. સાંભળેલ છે. સદીઓથી સાસુ વહુના સંબંધો સમાજ માટે એક પ્રશ્નચિન્હ બની રહ્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ એક મા ના દિલમાં આવા અનેક પ્રશ્નો ઉઠે..અને હોંશે હોંશે ઘરમાં લાવેલ એક દીકરીને તે અલગ દ્રષ્ટિથી જુએ છે. તેના દરેક વર્તનને જાણ્યે અજાણ્યે તેનું મન કસોટીની એરણે ચડાવતું રહે છે. તર્કના ત્રાજવે તોલતું રહે છે. કયારેક કોઇ પાસે વહુના વખાણ કરે તો તરત સાંભળવા મળે છે…’ એ તો નીવડે વખાણ..! બહું માથે ચડાવશો તો પસ્તાવાનો વારો આવશે. બહું છૂટ આપશો તો તેનો દુરુપયોગ કરશે.આ આજકાલની છોકરીઓ આમે ય સ્વતંત્ર મિજાજની હોય જ છે. અને તમારી તો પાછી ભણેલ ગણેલ…તમારો કાંકરો કાઢી નાખતાં વાર નહીં લાગે. પહેલેથી સાવચેત રહેજો. દીકરાને યે બદલી નાખતાં વાર નહીં લાગે….’ અને પછી તો આસપાસના, પરિચિતોના અનેક ઉદાહરણોનો રસથાળ વગર માગ્યે પીરસાઇ જાય.
આ અને આવા કેટલાયે સલાહ સૂચનોથી સાસુનું મન અનાયાસે શંકા કુશંકાઓના વિષચક્રમાં ઘેરાતું રહે છે. ને જાણ્યે અજાણ્યે દરેક વાતમાં તેના એ માનસનો પડઘો પડતો રહે છે.
સામે પક્ષે પણ સ્થિતિ કંઇક એવી જ હોય છે. છોકરી નાની હોય ત્યારથી જ તેના માસૂમ મનમાં સાસુ નામના પ્રાણીનો એક અદ્રશ્ય ‘ હાઉ ‘ ઊભો કરાયેલ હોય છે. સાસરે જશો ત્યારે ખબર પડશે..સાસુ ધોકો લેશે..ત્યાં મા નહીં હોય….’ આમ સાસુ કોઇ ખરાબ પ્રાણી છે. મા જેવી તો નથી જ. એ પૂર્વગ્રહની એક ગ્રંથિ બંધાતી રહે છે.તેને સમયાંતરે ખાતર પાણી પણ મળતા રહે છે..અને એ ગ્રંથિ મજબૂત બનતી રહે છે. કદાચ છોકરીની યે જાણ બહાર.
અને સગાઇ પછી કે લગ્ન સમયે પણ જાતજાતની સલાહો બિનઅનુભવી પુત્રીને મળતી રહે છે. ‘ જો..વરને તારો કરી રાખજે હોં.! એ આપણો હોય પછી કોઇ ચિંતા નહીં. તારી સાસુ તો જબરી લાગે છે ! પહેલેથી ધ્યાન રાખજે હોં..’ અને દીકરી મા ની સલાહ બરાબર યાદ રાખે છે.
બિન અનુભવી દીકરી ઘરની નાની નાની વાત મા ને કહે છે. અને મા તેનું અર્થઘટન..પોતાની સમજણ મુજબ..પોતાના અનુભવોને આધારે કરતી અને કહેતી રહે છે. અને દીકરીને શિખામણ આપતી રહે છે. અને તેમાં સામાન્ય રીતે સાસુથી સાવચેત રહેવાની વાત જ વધારે હોય છે. ભણેલ ગણેલ દીકરી પણ એ વાત ભૂલી જાય છે કે જે ઘરની વાત એ કરે છે તે ઘર જ પોતાનું છે. પોતાના ઘરની જ વાત પોતે કરે છે.! કદાચ દીકરીએ વરને જ પોતાનો માન્યો છે. ઘરને સાચા અર્થમાં પોતાનું માન્યું હોય તે દીકરી સાસરાના ઘરની નાની કે મોટી કોઇ વાત કયારેય પિયરમાં કરતી નથી. હા, કોઇ મોટી વાત હોય..મોટો પ્રશ્ન હોય અને માર્ગદર્શનની જરૂર હોય્ ત્યારે દીકરી મા ને વાત ન કરે તો કોને કરે ? એ સમજાય તેવી વાત છે. પણ….
અને સાસુની જેમ વહુના મનમાં પણ શંકા, કુશંકા થતી રહે છે. મા ગમે તેટલું ખીજાય તો વાંધો નહીં. સાસુ કંઇ કહે તો સાસુ જબરી ગણાય.!

આમ સાસુ અને વહુ બંનેના માનસમાં રોપાયેલ પેલી પૂર્વગ્રહની ગ્રંથિને ખાતર પાણી મળતા રહે છે. અને સંબંધોની મીઠાશ, ગરિમા,લાગણી, સ્નેહ આદર બધું સૂકાઇ જાય છે. અને શરૂ થાય છે રાજકારણના આટાપાટા. સાસુ વહુના સામસામા મોરચા. એકતા કપૂરની સીરિયલની જેમ.! એક જ ઘરમાં મંડાય છે બે મોરચા. બંને પોતાના ત્રાજવે એક્બીજાના વર્તનને તોલ્યા કરે છે..અને બંને વચ્ચે જનરેશન ગેપ તો કુદરતી છે જ. બંનેના વિચારમાં..વાતાવરણમાં થોડો ઘણો તફાવત તો રહેવાનો જ ને ? અને દ્રષ્ટિ બદલાવાથી ઘણું બધું બદલાય છે એ તો સત્ય છે જ. દરેક વાતને નેગેટીવ કે પોઝીટીવ કઇ રીતે મૂલવીએ છીએ તેના પર જ બધો આધાર છે ને ? સાસુ કે વહુ એકવાર જો પોઝીટીવ દ્રષ્ટિ છોડીને નેગેટીવ રીતે વિચારવાનું શરૂ કરે તો પછી તેનો કયાંય આરો કે ઓવારો નથી.

અને સંબંધોના આ આટાપાટા વચ્ચે સેન્ડવીચ થઇ ને ભીંસાતો રહે છે બિચારો છોકરો. એક તરફ જેણે જન્મ આપ્યો છે તે જનેતા છે. જેણે પોતાના જીવનના શ્રેષ્ઠ પચ્ચીસ થી વધારે વરસો પુત્ર પાછળ ખર્ચ્યા છે. અને બીજી તરફ બધું છોડીને તેની સાથે આવનાર સ્ત્રી છે. બંને તેના પ્રેમના અધિકારી છે..બંને માટે તેને લાગણી છે. બંને તરફ તેનું કર્તવ્ય છે. અને ત્યારે કોઇ પણ સંવેદનશીલ યુવક ગૂંગળાઇ જાય તે સ્વાભાવિક છે. અને આશ્ર્વર્યની વાત તો એ છે કે સાસુ અને વહુ બંને ને પતિ કે દીકરા માટે તો પ્રેમ જ છે. અને છતાં….
આમ સાસુ વહુના સંબંધો કદાચ ઇશ્વરની યે સમજની બહારની વાત છે..પણ્ જો થોડી સમજણ કેળવવામાં આવે બંને પક્ષે..બંને પોઝીટીવ દ્રષ્ટિ રાખી વિચારી શકે તો હકીકતે કોઇ પ્રશ્ન હોતા જ નથી. બંને નું એક ચોક્કસ સ્થાન છે. સાસુ વહુ કંઇ હરીફ નથી જ.
સાસુ વિચારે કે આની જગ્યાએ મારી દીકરી હોત તો હું શું કરત ? અને વહુ વિચારે કે આની જગ્યાએ મારી મમ્મી એ મને ગુસ્સે થઇ ને કંઇ કહ્યું હોત તો હું શું કરત ? કે મારી ભાભી મારી મમ્મી સાથે આવું વર્તન કરે તો ? બસ…આટલું જ જો વિચારી શકાય તો ઘણાં પ્રશ્નો સોલ્વ થઇ શકે. ધૂમકેતુએ સાચું જ કહ્યું છે. “ માનવી પોતાની દ્રષ્ટિ છોડી,,બીજાની દ્રષ્ટિથી જોતા શીખે તો અડધું જગત શાંત થઇ જાય. “ અને તો પૂર્વગ્રહની ગ્રંથિ તૂટી શકે અને સ્નેહ, લાગણી આપોઆપ અનુભવી શકાય.
પુત્રીના માતા પિતા આમાં ઘણો ફાળો ભજાવી શકે છે. સારી કે ખરાબ બંને રીતે..! હકીકતે દીકરી પોતાના ઘરની કોઇ નબળી વાત કરે ત્યારે સમજુ માબાપ દીકરીને પોઝીટીવ વાત જ કરે તો દીકરીને એ સ્વીકારતા વાર ન લાગે કેમકે મા બાપ પર સ્વાભાવિક રીતે જ કોઇ પણ દીકરીને એક વિશ્વાસ હોય છે. કે તેઓ પોતાનું કયારેય અહિત ન જ કરે. એટલે જ પુત્રીના માતા પિતાનું કર્તવ્ય વધી જાય છે. પણ આજે તો મોટે ભાગે દરેક મા બાપ ખોટી રીતે પણ દીકરીનો પક્ષ લઇ તેને પોતાના જ ઘરથી અજાણતા વિમુખ કરે છે. હકીકતે કોઇ મોટી વાત ન હોય ત્યારે પુત્રીના મા બાપે તેના સંસારથી થોડા દૂર જ રહેવું જોઇએ.

સામાન્ય રીતે કોઇ છોકરી કયારેય નક્કી કરીને નથી આવતી કે સાસરે જઇ ને સાસુને કે કોઇને હેરાન કરીશ. કે કોઇ પણ સાસુ એમ નક્કી નથી કરતી હોતી કે વહુ આવશે એટલે તેને હું આમ હેરાન કરીશ. અને છતાં પ્રશ્નો સર્જાતા રહે છે. વાતાવરણ કલુષિત થતું રહે છે. મોરચા મંડાતા રહે છે.. અને ઘરનું કુરૂક્ષેત્રમાં રૂપાંતર થતું રહે છે.

અપવાદ રૂપે સમાજમાં એવા ઉદાહરણો પણ છે જ કે જયાં સાસુ વહુ વચ્ચે મીઠાશનો, સ્નેહનો સમંદર છલક્તો હોય. બંને વચ્ચે સમજણનો સેતુ હોય..ઉદાર પોઝીટીવ દ્રષ્ટિ હોય..પણ આ બધાનું પ્રમાણ કેટલું ? ઘણીવાર ઉપરછલ્લા સારા સંબંધો દેખાતા હોય..મોટી મોટી વાતો થતી હોય અને અંદર લાગણીની ગેરહાજરી હોય. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે છોકરાની હાજરીમાં સાસુ, વહુ બંને નું વર્તન અલગ હોય અને તેની ગેરહાજરીમાં અલગ હોય..અને છોકરાને બિચારાને કયારેય જાણ થતી નથી કે કોણ સાચું ? અને કોણ ખોટું ? આમે ય સ્ત્રીને સમજવી કંઇ આસાન તો નથી જ.

પણ બેટા, આ તો સામાન્ય પ્રસ્તાવના થઇ. સામાન્ય વાત થઇ. આપણા સંબંધને આજે પૂરા દસ વર્ષ વીતી ગયા છે. અને આપણૉ સંબંધ બધી કસોટીઓમાંથી પાર ઉતરીને નીખરી ચૂકયો છે. જેનું આપણને બંનેને ગૌરવ છે. આનંદ છે. સંતોષ છે. હવે એમાં કોઇ દરાર પાડી શકે તેમ નથી.
બેટા, એ માટે હું તને ધન્યવાદ આપું છું. મારી એકલીથી કંઇ જ ન થઇ શકયું હોત. તારા સહકાર અને સમજણથી જ આપણૉ સંબંધ સુરભિત બની શકયો છે. તારા જેવી વહુ મળવા બદાલ હું ગૌરવ અનુભવું છું. તારા નામ જૂઇને તેં સાર્થક કરી બતાવ્યું છે. જૂઇની મહેકથી તેં અમારા ઘરને મહેકાવ્યું છે.

“ ગીત જેવું ઘર અને વહાલના લય તાલ;
કોણ પછી મંજિરા લે, કોણ લે કરતાલ ? “

વરસો પહેલાં આ પંક્તિ આપણા ઘરની દીવાલો પર મેં લખી હતી. ત્યારે તારો પ્રવેશ હજુ ઘરમાં નહોતો થયો. ત્યારે વિચારતી હતી..કે આટલા વરસો સુધી અમે આ ઘરને ગૂંજતું રાખ્યું છે. વહુ આવશે ત્યારે એ રહી શકશે ખરું ? મનમાં આવા વિચારો..શંકાઓ ઉઠતા રહેતા. આજે મને સંતોષ છે કે આપણું ઘર ગૂંજતું રહી શકયું છે. આપણા કિલ્લોલતા કુટુંબને તેં લાગણીઓથી લીલુછમ્મ રાખ્યું છે. એકસૂત્રે બાંધ્યું છે. એ તારે માટે પણ ગૌરવની વાત છે. અમારા દિલના આશીર્વાદ છે. તને પણ તારા જેવી જ સમજણવાળી વહુ મળે. અને અમારા જેવો જ સંતોષ પ્રાપ્ત થાય.
બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય..પેલી કથા વાર્તની જેમ કે જેવા અમને અમારા જૂઇરાણી ફળ્યા તેવા તમારા વહુરાણી તમને ફળે. દરેક સાસુ પોતાની વહુને આ જ આશીર્વાદ આપે અને તે વાત જ સાચી પડતી હોય તો ? તો કદાચ દરેક સાસુ વહુનું વર્તન આપોઆપ બદલાઇ ન જાય ? આપોઆપ પરિવર્તન ન આવે ?

” મુજ વીતી તુજ વીતશે..” એવું શા માટે કહેવું ? “ મેં માણ્યું તું માણશે..” એમ કેમ ન કહી શકાય ?

બેટા, તારો અમારા ઘરમાં પ્રવેશ થયો તે ક્ષણથી મેં એક ડાયરી લખવાની શરૂઆત કરી હતી. એ આસ્થા સાથે કે સમય મળ્યે હું મારી લાગણીઓને શબ્દદેહ આપીશ તો સારી રીતે સમજી શકીશ. તને કોઇ અન્યાય કરતી હોઇશ તો મારી જાતને ટકોરી શકીશ અને તું કોઇ ભૂલ કરતી હોઇશ તો નિખાલસતાથી તને મારા મનની વાત કહી શકીશ.
“ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે..”

તેની જેમ જ સાસુ વહુના સંબંધોમાં પણ સ્નેહ અને મૈત્રીભાવનું ઝરણું નિરંતર વહી શકે એ સ્વસ્થ સમાજ માટે અતિ આવશ્યક છે.

અને મને ખુશી છે કે મારા આ પ્રયોગમાં હું સફળ થઇ છું. અને આજે આપણી વચ્ચે અનેક વાર ખાટી મીઠી તકરાર થવા છતાં સ્નેહનું ઝરણું અકબંધ રહી શકયું છે. એક સાસુ વહુ વચ્ચેના સંબંધોની આ વિકાસ યાત્રા છે. જે અન્યને પણ પ્રેરણાદાયી બની શકશે. એ ભાવના સાથે…કાલથી અતીતના વૃન્દાવનની કુંજગલીઓમાં સહિયારી યાત્રા નો ગુલાલ કરીને વહેંચીશું ? કેમકે આપણા સાંઇ કવિ શ્રી મકરંદ દવે એ કહ્યું છે ને

“ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ..”
તો કાલથી ગમતાનો ગુલાલ કરીશું ને ?

 

ડાયરીના પાનાઓમાં છલકતું સાસુ વહુનું ભાવવિશ્વ… October 13, 2007


અપેક્ષાઓની અવરજવર ઓછી કરી શકીશું ?

અન્યનો તુલસી કયારો,
મહોરી રહે અમ આંગણ.
સદા રહે લીલોછમ્મ..

બેટા જૂઇ,

આજે મારા વહાલા દીકરા…અનુજની સગાઇ થઇ. મારી વહુની સગાઇ થઇ..એમ કહેવું વિચિત્ર લાગે છે. આજે એક દીકરીને સાસરે વળાવી.અને અન્યની દીકરીને ઘરમાં લાવી. દીકરી વળાવ્યાનો આનંદ અને લાવ્યાનો અતિ આનંદ ! દીકરીને વળાવતી વખતે એ આનંદમાં વિદાય અને ઉદાસીની એક આંસુભીની છાંટ પણ હોય છે..વિરહની એક રેખા જાણ્યે ,અજાણ્યે ઉપસતી હોય છે. જયારે અન્યની દીકરી ને આવકારતી વખતે એક નર્યો, નીતરતો ,નિર્ભેળ આનંદ માત્ર.! જીવનનો કેવો વિરોધાભાસ છે ! જોકે મારા મતે આને વિરોધાભાસ કહેવાને બદલે જીવનનો એક શાશ્વત ક્રમ કહી શકાય. દરેક મા એક દીકરીને વળાવે છે. અને અન્યની દીકરીને પોતાને આંગણે લાવે છે. અને આમ સંસારચક્ર ચાલતું રહે છે.

આજે તમે બંને પહેલીવાર સાથે પગે લાગ્યા. અને અંતરમાંથી આનંદની હેલી ની સાથે સાથે આશીર્વાદની અમીધારા પણ વહી રહી. બેટા, ખૂબ ખૂબ સુખી થાવ…ખુશ રહો…અમારા નાનકડા સંસારમાં..અમારા અંતરમાં તારું સ્વાગત છે. મારા દીકરાનું તું પ્રિય પાત્ર છે. અમારી પણ પ્રિયપાત્ર બની રહો. “ દૂધો નહાઓ..પૂતો ફલો…” એવા આશીર્વાદ આપવાને ને તો હજુ વાર છે. જો કે હું તો “ પૂતી નહાઓ…” એવા જ આશીર્વાદ આપીશ. કેમકે હું હમેશા પુત્રીની પક્ષપાતી રહી છું..એ જગજાહેર વાત છે. દીકરી એટલે નિરંતર વહેતું વહાલનું ઝરણુ. તું પણ કોઇની દીકરી છે..વહાલનું ઝરણુ છે. આજે આ ઝરણુ અમારે આંગણે..અમારા ઘરને વહાલના વારિથી ભીંજવવા હોંશે હોંશે આવેલ છે. ત્યારે એનો ક્લરવ…એનો ખળખળ નાદ સદા અખંડ રહે…એ જ પ્રાર્થના.

તારા કુમકુમ પગલાની છાપથી ઘરનું ને અંતરનું બંને આંગણ મેઘધનુષી રંગોથી રંગાઇ ગયા. તારા રણકતા ઝાંઝરના રણકારે ઘર ગૂંજી ઉઠયું. દીકરીના રણકતા ઝાંઝરમાં વિદાયના ભણકારા હોય છે. જયારે વહુના ઝાંઝરના રણકારમાં આગમનનો ઉલ્લાસ છલકે છે..રણકે છે. એ ઉલ્લાસ અખંડ રહેશે એ આસ્થા સાથે બેટા, આજે તને આવકારું છું.

વહુનું સ્વાગત, સત્કાર તો દરેક ઘરમાં હોંશે હોંશે થતા રહે છે. વહુના કુમકુમ પગલાં કરાવાય છે. એ પછી સમયના વહેતા પ્રવાહની સાથે સાથે સાસુ વહુ એકબીજાના સંપર્કમાં..વધારે પરિચયમાં આવે છે. અને કયારે..કઇ પળે બંને વચ્ચે ના સંબંધોના સમીકરણોમાં બદલાવ આવે છે..કયું રસાયણ..કયું તત્વ કામ કરી જાય છે..એ સમજની બહાર લાગે છે. શરૂઆતનો રોમાંચ, લાગણી દરેક સંબંધની જેમ અહીં પણ બંને પક્ષે ઓછા થતાં જાય છે. અને કોઇ દુર્ભાગી ક્ષણે એક નેગેટીવ તત્વ બંનેના માનસમાં પ્રવેશી જાય છે. કઇ અકળ હરિફાઇ બંનેના અજ્ઞાત મનના કોઇ ખૂણેથી જીવનમાં પ્રવેશી જાય છે. તે કદાચ સમજણના ક્ષેત્રની બહાર છે. નાની નાની વાતો ને મૂલવવાની દ્રષ્ટિ બંને પક્ષે બદલાય છે. શરૂઆતનો રોમાંચ અદ્રશ્ય થતો રહે છે. અપેક્ષાઓની અવરજવર વધતી રહે છે. અને જયારે એ સંતોષાય નહીં ત્યારે ગેરસમજણના વાદળો ઘેરાતા રહે છે. ત્યારે હરીન્દ્ર દવેની આ લાઇન જરૂર યાદ કરવી રહી.

“કોઇનો સ્નેહ કયારેય ઓછો નથી હોતો. ફકત આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. “

બાકી સાવ અપેક્ષારહિત તો માનવી થઇ શકે નહીં. માણસ માટે એ શક્ય નથી.

કોઇ મને ચાહે ને સમજે માણસનો એક જ અભિલાષ..”

બીજી કોઇ અપેક્ષાઓ કદાચ છોડીએ તો પણ આ અપેક્ષાથી છૂટવું આસાન નથી જ. એક સામાન્ય ઉદાહરણ આપું ?
અનિતાબહેન ના દીકરાના નવા નવા લગ્ન થયા હતા. વહુનો સ્વભાવ પણ સારો હતો. અનિતાબહેનને વરસોથી સવારે ઉઠીને પહેલાં ચા પીવા જોઇએ. પછી જ તેમની ગાડી પાટા પર ચડે. સાત વાગે તેમની ચા પીવાઇ જ જાય. મનમાં હતું કે વરસોથી જાતે બનાવીને ચા પીધી છે. હવે તો વહુ આવી એટલે નિરાંત. તૈયાર ચા મળશે. અને શરૂઆતમાં થોડો સમય તો વહુએ પણ હોંશે હોંશે ચા બનાવી આપી. પરંતુ પછી ઘણીવાર એવું થાય કે રાત્રે સૂવામાં મોડું થયું હોય કે કોઇ પણ કારણસર સવારે વહુથી સમયસર ઉઠી ન શકાય. અને અનિતાબહેને જાતે ચા બનાવી લેવી પડે ત્યારે મનમાં ધૂન્ધવાય..અને અંતે એ ધૂન્ધવાટ જુદા જુદા સ્વરૂપે બહાર આવે. એક ચા પણ વહુના રાજ્યમાં સમયસર નથી મળતી.. !

અને વહુ વિચારે કે કયારેક ઉઠી ન શકાય તો મમ્મી જાતે એક ચા ન બનાવી શકે ? પછી તો બધું હું જ કરું છું ને ? એક છૂપો અણગમો ઉગતો રહે છે. અને આવી નેગેટીવ લાગણીઓને ખાતર પાણી મળતા સમય નથી જ લાગતો. અને પરિણામ ? માનસિક જુદાઇની શરૂઆત.

તેને બદલે અનિતાબહેન વરસોથી ચા બનાવતા હતા. અને આજે યે એવી કોઇ શારીરિક તકલીફ પણ નહોતી કે જાતે ન બનાવી શકે ત્યારે વહુની અપેક્ષા આવી નાની વાતમાં કેમ છોડી ન શકાય ? સામે થી વહુને કેમ કહી ન શકે કે બેટા, તું તારે મારી ચિંતા કરતી નહીં. હું એટલું કરી લઇશ તો કંઇ ઘસાઇ નહીં જાઉં. “ અને વહુ પણ સાસુના સારાપણાનો ગેરલાભ લેવાને બદલે પછી બીજી વાતોમાં સાસુને ઓછું ન આવે એનો ખ્યાલ રાખે તો કયાંય કોઇ અસંતોષ ન રહે.. પણ અહીં તો સાવ સામાન્ય વાતમાં મોરચા મંડાતા રહે છે. વહુ પિયરમાં જાય છે ત્યારે કે ફોનમાં પોતાની મમ્મીને કહે છે..’મારી સાસુ તો જાતે એક ચા પણ નથી બનાવતા. ‘ અને મા ને મોટે ભાગે કયારેય દીકરીની વાત ખોટી લાગતી જ નથી. અને પરિણામ ? આજે અનિતાબહેન અને તેની વહુ વચ્ચે સતત ચણભણ ચાલતી રહે છે, મોરચા મંડાતા રહે છે. અને એક ચિનગારી કયારે આગનું રૂપ લે તે કોણ કહી શકે ?

બેટા, આપણા સબંધોમાં કોઇ દરાર ન પડે તેનો ખ્યાલ આપણે રાખીશું ને ? હું તારી લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીશ અને બેટા, તું મને સમજવાનો પ્રયત્ન કરીશ ને ?
મારા સાસુની કઇ કઇ વાત મને નહોતી ગમતી.. મારા એ અનુભવો યાદ રાખીને એ વસ્તુ અજાણતા યે હું તારી સાથે ન કરી બેસું તે માટે હું સદા જાગૃત રહીશ. બહાર, વહુ ને દીકરીની જેમ રાખવી જોઇએ..તેવા મોટા ભાષણો કરતી સ્ત્રી પણ ઘરમાં પ્રવેશે છે ત્યારે એ બધું ભૂલી જાય છે. ના, બેટા, હું તારી માતા બની શકીશ કે નહીં એ આ પળે તો ખબર નથી. પણ એક સારી સાસુ..સારી વ્યક્તિ બનવાનો પ્રામાણિક પ્રયત્ન તો જરૂર કરીશ. અને એમાંથી જ કોઇ સુખદ પળે આપણી વચ્ચે સાચા અર્થમાં મા દીકરીનો સંબંધ મહોરી ઉઠશે.

અને ત્યારે તું મને કહેવા ખાતર…રિવાજ ખાતર મમ્મી નહીં..પણ સાચા અર્થમાં મમ્મી માનીશ અને હું તને સાચા અર્થમાં દીકરીનું સ્થાન આપી શકીશ અને હૈયાના હેતથી આપણે ભીના થઇ શકીશું. રાતો રાત તું મને તારી મમ્મી નું સ્થાન નહીં જ આપી શકે તેનો મને ખ્યાલ છે. અને હું પણ કયાં રાતોરાત તને દીકરીનું સ્થાન આપી શકીશ ? મમ્મી સંબોધનથી મમ્મીની લાગણી વહુના હૈયામાં જન્મી શક્તી નથી કે દીકરી કહેવાથી દીકરીની લાગણી સાસુ અનુભવી શકાતી નથી. એ વાસ્તવિકતા છે. સાસુ વહુના સંબંધો તો બીજા દરેક સંબંધ કરતાં વધારે માવજત..વધારે કાળજી માગે છે. વાસણ જેમ ઘસી ઘસીને ચળકી શકે છે. તેમ આપણા સંબંધોને આપણે રોજિન્દા વ્યવહારમાં ઉજાળવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો. આપણી વચ્ચે ગેરસમજણના વાદળૉ ઘેરાવા નહીં દઇએ. અને આમાં મને તારો સાથ અને સહકાર જોઇશે. બેટા, મળશે ને ? આપણે સાથે મળીને એક નવી સમજ વિક્સાવીશું ને અંતરના દ્વાર ઉઘાડા રાખીશું ને ?