જિયા… તુમ જિયો હજારોં સાલ..

તુમ જિયો હજારો સાલ ....

વરસોથી સાંભળતી આવી હતી..લખતી આવી હતી..કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગતું હોય છે.
પણ એ વાકય લખવા ખાતર જ કદાચ લખાતું હતું.. એને કદી પામી નહોતું શકાયું..
પણ..હવે આ વાકય પૂરા અહેસાસ સાથે લખી રહી છું.. ગયા વરસે..આજ દિવસે નાનકડી જિયાના આગમને આ વાકયની યથાર્થતાની મીઠી અનુભૂતિ કરાવી… ઊર્મિતંત્રમાં એક મન્જુલ રણકાર..
આજે એ નાનકડી પરી એક વરસની થઇ ચૂકી છે. એના પહેલા જન્મદિવસની વધાઇ આપવા માટે મારી પાસે કોઇ શબ્દો નથી.. કોઇ પણ શબ્દ અધૂરો લાગે છે.ભીતરની સંવેદનાને વ્યક્ત કરવા આજે શબ્દોનો પનો જાણે ટૂંકો પડી ગયો છે.
કાલ સુધી દીકરીને જન્મદિનની શુભેચ્છા પાઠવતી હતી..આજે જાણે દીકરી પાછળ રહી ગઇ છે..અને એની નાનકડી ઢીંગલીએ એનું સ્થાન લઇ લીધું છે. આ એક વરસમાં . દીકરીએ ઘણીવાર મીઠી ફરિયાદ કરી છે. મમ્મી, તું હવે મારું તો કંઇ પૂછતી જ નથી. ખાલી જિયા અને જિયાની વાત જ કરે છે..અને પૂછે છે ! બેટા, તારી આ ફરિયાદમાં પૂરું તથ્ય છે. હવે આપણી વાતોનું કેન્દ્ર જિયા અને માત્ર જિયા બની ચૂકી છે.

આજે તેના જન્મદિને ખૂબ ખૂબ વધાઇ.અંતરના આશીર્વાદ… અઢળક અઢળક .મબલખ ..મબલખ શુભેચ્છાઓ.. બસ….આજે આટલું જ..
.

મારા રવીન્દ્રનાથ..16

’રતનકુઠિ’ અને બીજા આવાસ

મેં કહ્યું ‘અમે ઊપડ્યાં’; અમે એટલે અમારો કાફલો : મારી સાથે મક્ષીરાણી ઉપરાંત નાનકડી (પણ હવે નાની નહીં એવી) દીકરી, અને એનાથીયે નાનેરી બાળકી, ને તેની સંભાળ રાખનારી એક છોકરી. આ કન્યા તો અમારી પણ સારસંભાળ રાખતી. અમારી છત્રીઓ કોઇ મુસાફર ઉઠાવી ન જાય તેની ચિંતા એ કર્યા કરતી, પાછા ફરતી વેળા અમારી ચીજવસ્તુઓ ગણીવીણીને ભેગી કરવાની એની ચીકાશભરી કાળજી મને અકળાવતી. સાહિત્યકાર અને તર્કચતુર મિત્ર જ્યોતિર્મય રાય પણ પ્રવાસમાં જોડાયા હતા. વાતકળા જેમની ઉપર રીઝી છે એવા એ સાથીએ અમારી એક પણ મિનિટ પર મૌન કે કંટાળાને સવાર થવા ન દીધાં. અમે સવારની ગાડી પકડેલી, પણ બોલપુર પહોંચતાં તો ગરમી ઊતરી આવી હતી. ગાડી બહાર નંદબાબુનાં દૃષ્યચિત્રણો જાણે અમારી આંખ સામેથી પસાર થતાં રહ્યાં.

બોલપુર ઊતર્યાં ત્યારે મધબપોરનો સૂરજ તપતો હતો. શાન્તિનિકેતનના અતિથિગૃહ-મૅનેજર અમને લેવા આવેલા. સ્ટેશન પર ટૅક્સી ન મળે. થોડી મોટરગાડીઓ પડેલી, પણ બધી બગડેલી. વીસ મિનિટની તપશ્ચર્યા પછી એક ખખડધજ ગાડી આવી. અમે એમાં ગોઠવાયાં. જ્યોતિર્મયબાબુએ અમને એક ગાડીની વાત કરેલી જેના હૉર્ન સિવાયના બધા ભાગ અવાજ કરતા હતા. આ ગાડી જરાક જુદી હતી : આનું હૉર્ન પણ ભૂંક્યા કરતું હતું. ગાડી શાન્તિનિકેતનમાં ‘રતનકુઠિ’ની સામે જઇ ઊભી રહી. સુધાકરબાબુનો હસતો ચહેરો અમને આવકાર ધરતો હતો. ‘શ્યામલી’ની સ્થિતિ ઠીકઠાક નહોતી તેથી અમને આ આધુનિક સુવિધાભર્યા અતિથિઘરમાં ઉતાર્યાં હતાં. એક મોટા ખંડમાં અમારો પરિવાર ગોઠવાયો, અમારા સાથી જ્યોતિર્મયબાબુને બાજુનો નાનો ખંડ મળ્યો. મનોહારી રચનાવાળા એ રૂમમાં અમે ભાગ્યે જ રહેતા; ઘણોખરો સમય ખુલ્લા વરંડામાં ગાળતા. ‘રતનકુઠિ’ના દક્ષિણમુખે ખુલ્લાં મેદાન હતાં. બીજી બે બાજુ પીળી પૃથ્વી પથરાયેલી જેના ખોવાઇ -વહેળાઓમાં વહેતી ઉષ્ણ જળસેરો મારગ કોરતી હતી. સુદૂરે તાલ વૃક્ષોનું ઝુંડ ઝૂલતું હતું. ઓતરાદો સીમાડો ઢાંકતાં હરિયાળાં તરુઓ પહાડોની યાદ આપતાં હતાં. એ ભૂલી પડેલી વૃક્ષ-વિજોગણ ભોમકા ઉપર સૂરજના આકરા તાપ ત્રાટકતા. વેરાનોની વેદના જાણે વર્ષાગાન ગાઇને આરઝૂ પોકારતી હતી : ‘આવો, વર્ષારાણી, વરસો, તરસી આ ધરાને ભીંજવો!’ ઉત્તર-પશ્ચિમ ખૂણે દોડતી નજરના મારગમાં આવાગઢનો રાજમહેલ એકલવાયો ઊભો હતો. ખુલ્લા ભૂમિપટની વચ્ચોવચ ખડી એ મહેલાત પવનદેવે કંડારેલી કૃતિ-શી ભાસતી હતી. અતિથિગૃહમાં દક્ષિણે આંખ-ઠારતાં આદિમ વૃક્ષો ડોલતાં હતાં. એ તરુઓનાં હૈયે પ્રત્યેક પ્રભાતે ને ગોધૂલિટાણે પંખીઓના કલશોર મચતા. એ પીળી ભૂખર ભૂમિમાં શાન્તિનિકેતન નામે હરિયાળો દ્વીપ કૉળ્યો હતો.

અમારા આવાસની ચોતરફ રવીન્દ્રનાથનાં કેટલાંય કાવ્યોની કર્તૃત્વભૂમિ વિસ્તરેલી. ‘રતનકુઠિ’ની રચના એવી હતી કે તેની પૂર્વ પાંખમાંનો દરેક ખંડ દક્ષિણ અને પૂર્વ તરફ ઊઘડતો હતો. દરેક રૂમને સ્વતંત્ર વરંડા મળતો. નવાઇની વાત છે કે જૂનું અતિથિઘર, ‘ઉદયન’ અને ‘રતનકુઠિ’ – એ સિવાય શાન્તિનિકેતનનાં કોઇ મકાનની બાંધણી ગરમીનો સામનો કરે એવી નથી. આ ત્રણ ઘરમાં છત ઊંચી છે, રૂમ મોટા છે. નાનકાં, મઢૂલી-શાં નમણાં ઘર ચોપાસના ધરતીપટ સાથે લયવંતાં ને રૂપાળાં જરૂર છે, નીચી છત અને નાના ખંડો ઘરોને સોહામણાં બનાવે છે ખરાં, પણ એ આ ભૂમિની ગરમી સામે ઝીંક ઝીલી શકે તેવાં નથી. આવાં ઘર તો પહાડોમાં વધુ અનુકૂળ ગણાય.

( શાન્તિનિકેતન નજીકનું રેલવે-સ્ટેશન.
શાન્તિનિકેતન આસપાસની કાંકરાળ જમીનમાં વરસાદી વહેણોએ કોરેલી ભૂરચના ખોવાઇ કહેવાય છે. આ કુદરતી કોતરકામ તસ્વીરકારોને આકર્ષે એવું કલાત્મક હોય છે. આપણા નગીનદાસ પારેખ 1925માં ત્યાં વિદ્યાર્થી હતા ત્યારે આ ખોવાઇમાં ઘૂમવા નીકળી પડતા.)

( અનુવાદ..શ્રી જયંત મેઘાણી..ઉદ્દેશમાં પ્રકાશિત લેખમાળા )

મારા રવીંદ્રનાથ..15

એ ચાર દિવસ અમે કવિ-પરિવારની અતુલ્ય મહેમાનગતીમાં ઝબોળાઇને કોલકાતા પાછા ફર્યાં. આ પરિવારે જે ગરવું આતિથ્ય અમારે માટે રચ્યું એ આપણા દેશમાં અન્યત્ર ભાગ્યે જ જોવા મળે. જેમાં કાંકરો પણ ન હોય એવી પૂર્ણ પરોણાગત પાથરવી અને જાણે કાંઇ કર્યું નથી એવો ભાવ સેવવો – આવું ભાગ્યે જ જોવા મળે. અમારી ખાતરબરદાસમાં ઝીણામાં ઝીણી બાબતમાં ક્યાંય છિદ્ર ન રહે એટલી કાળજી, છતાં અમારાથી અંતર જાળવવાની સંસ્કારિતા. મહેમાનગતીની ધાંધલધમાલથી આગંતુકને આતિથ્ય પરત્વે ઉદાસીન કરી મૂકવાની એક કટેવ આપણે ત્યાં જોવા મળે છે; ના, એવું કશું જ નહીં. પૂર્વ અને પશ્ચિમના સંસ્કારોનું સુભગ સંમ્મિલન એ તો ઠાકુર પરિવારની ખાસિયત છે. આ કુળે બંગાળી સંસ્કારિતાના ઘડતરમાં મહદ ભાગ ભજવ્યો છે. તેનામાં ભારતીય અને અંગ્રેજી રસમોનું સંમિશ્રણ સધાયું છે. એમના આતિથ્યમાં આગવી ભાત છે : મહેમાનની પ્રત્યેક સગવડ પ્રયોજીને પછી એને પોતીકાં એકાંત અને નિરાંત રચી લેવા દે છે. અહીં એનો અનુભવ થયો – જાણે ઘર છોડીને બીજા ઘરમાં રહેવા ગયા હોઇએ એવો અનુભવ. આતિથ્યના અતિરેકમાં આપણે અતિથિને ‘આપણા’ બનાવી લેવા અધીર હોઇએ છીએ, યજમાન-મહેમાન વચ્ચે અંતર નથી રાખતા. આવનારની અંગતતાનો આદર કરવો એ પશ્ચિમી જીવનવિવેક છે અને બેઉ પક્ષને સંતોષભાવ આપે છે. રવીન્દ્રનાથના કુટુંબનો અમને આવો અનુભવ થયો. આમાં ક્યાંય સ્નેહનો અભાવ ન જણાય. કોલકાતાનો અમારો પંથ ટૂંકો જ હતો, ને રસ્તામાં કાંઇ ખાવાની જરૂર પડવાની નહોતી. પણ પ્રતિમાદેવીએ વિદાય વખતે જાતજાતનો નાસ્તો બંધાવ્યો. તેની જરૂર નહોતી, પણ જરૂરિયાત ન હોય છતાં જે આવે છે તેનું માધુર્ય ઑર હોય. સાચું કહું તો, આ બિનજરૂરી ભાતાને કારણે અમને જરાય મનબોજ ન થયો. આમ તો નાસ્તાનો એ ડબરો અમારી નાની પુત્રી ખાતે જ હતો, પણ, રસ્તામાં વર્દ્ધમાન સ્ટેશને દીકરીનાં માતા-પિતાએ પણ એની મૉજ લીધી. અને ત્યારે ખ્યાલ આવ્યો કે દીકરીને નામે પ્રતિમાદેવીએ બંધાવેલું ભાતું અમારે માટે પણ હતું. શાન્તિનિકેતન પહોંચ્યા પછીની સવારે અમને રાજવી ઢબની જે મિજબાની મળેલી તેનો સિલસિલો આમ વર્દ્ધમાન સ્ટેશન સુધી ચાલ્યો! અને પછી દોડતી રેલગાડીમાંથી એ મ્લાન સંધ્યાને દિગંતને ખોળે સમાઇ જતી હું જોઇ રહેલો.

ને અમે [1941માં] ફરીવાર શાન્તિનિકેતનનું પરિયાણ વિચાર્યું ત્યારે જૂની સાંભરણો ચિત્તને તીરે ટોળે વળી. ગઇ મુલાકાત વખતે બીરભૂમ જિલ્લાની ધરતી પર આગ વરસી રહી હતી. આ વેળા પણ એવે સમયે જ જવાનું ગોઠવાયું, ગરમીનો અમને વિચાર પણ ન આવ્યો. અમે કાંઇ સહેલગાહે કે હવાફેરે નહોતાં જતાં, અમે તો એક કવિના સાન્નિધ્યને પામવા જવાનાં હતાં. કોલકાતામાં પણ ઠંડક તો નહોતી જ. અમે કવિવરને અમારી મુલાકાતની યોજના જણાવી. જવાબ આવ્યો કે આ વખતે તો કવિવરની મઢૂલી ‘શ્યામલી’માં અમારો આવાસ રહેશે. આમ, કેટલાક લોકો પહાડોમાં ઘૂમવા અને દરિયાકાંઠે મહાલવા જવાનાં હતાં ત્યારે નવ્વાણું માઇલ દૂર વસેલા શાન્તિનિકેતન તરફ અમે ઊપડ્યાં.

( અન્નદાશંકર રાય. આ જાણીતા બંગાળી સાહિત્યકારે કવિવરને ‘ઍન આર્ટીસ્ટ ઇન લાઇફ’ કહ્યા છે.
વિષ્ણુ દે : બુદ્ધદેવ જેવા જ નવકવિ જેમણે પણ રવીન્દ્રનાથનો કવિતામાર્ગ ચાતર્યો હતો.
ગુરુદેવના એક નિકટજન; યુરોપ-પ્રવાસના સાથીદાર.
કવિ-પુત્ર રથીન્દ્રનાથનાં પત્ની, ચિત્રકાર. )
( અનુવાદ..શ્રી જયંત મેઘાણી..ઉદ્દેશમાં પ્રકાશિત લેખમાળા )

મારા રવીન્દ્રનાથ..14

રવીન્દ્રનાથે સહુ પહેલી વાત તો એ કરી : “નિશાચર હોવાનો દંડ તમારે આપવો પડ્યો એ ઠીક થયું. રાતભરનો તમારો ઉપવાસ કેવો રહ્યો? આ મુલાકાત વિશે તમે ક્યારેય કાંઇ લખો તો આ પ્રસંગ ન સંભારતા.”

કવિ બીમારીમાંથી હજુ બેઠા થયા હતા, પણ માંદગીનાં કોઇ ચિહ્નો એમના ચહેરા પર હતાં નહીં. હમેશ માફક ઝળકતી રેખાઓ મુખને શોભાવતી હતી. એમનાં રતુંબડાં, ઊજળાં નેત્રપલ્લવો તેને દીપ્તિવંત બનાવતાં હતાં; અને વિશાળ ભાલ થકી કવિ ગરવાઇ ધારણ કરતા હતા. કોઇ મુગલ શહેનશાહ જેવા ચક્ષુઓ એમને કવિ કરતા રાજવીની મુદ્રા અર્પતા હતા. એમની આંખમાં આંખ પરોવતા ડર લાગે. વાતો કરતી વખતે એ ભાગ્યે જ શ્રોતાઓની સામે જુએ, પણ આંખો મેળવે ત્યારે આપણી દૃષ્ટિ નીચું જોઇ જવા ઇચ્છે. એમ થાય કે હમણા આ નજર આપણા આત્માને વીંધીને આરપાર નીકળી જશે, તો એમનું સ્મિત મીઠપથી ઊભરાતું હોય; શ્વેત દાઢીની પછીતેથી જાણે એ મલકાટ સોળે કળાએ ખીલી ઊઠે, નયનમાંથી સ્નેહ ઝરે.

પણ, ના, રવીન્દ્રનાથના બાહ્ય દેખાવને આ રીતે મૂલવવો બરાબર નહીં ગણાય. એમનું સ્વરૂપ સોહામણું છે ખરું, પણ એ એમનાં આકાર-દેખાવ-અંગભંગિઓને લીધે નહીં, એમની ઊંચી, પ્રભાવક કાયાને કારણે પણ નહીં. ખરેખર તો એમનું સૌંદર્ય સુંદર દેખાવમાં સમાપ્ત નથી થતું, પણ એમની પ્રતિભા થકી પણ ઝળકે છે. રવીન્દ્રનાથ અસાધારણ રૂપરાશિના સ્વામી હશે, પણ એ સૌંદર્ય સમયજીવી સુંદરતાથી અધિક છે – એવું સૌંદર્ય જેની મીમાંસા સૌંદર્યશાસ્ત્રનો વિષય બને. કવિવરે જ ક્યાંક કહ્યું છે કે એમના ખંડમાં બીથોવનની તસ્વીર છે તેમાંનો ચહેરો સૌંદર્યના પ્રચલિત માપદંડો પ્રમાણે ભાગ્યે જ સુંદર કહી શકાય. પણ જોનારને એ ચહેરો ઝાલી રાખે છે, જ્યારે બીજા સેંકડો સોહામણા ચહેરાઓ તરફ કોઇનું ધ્યાન પણ જતું નથી. બીથોવન કદરૂપા હતા છતાં સુંદર હતા. રવીન્દ્રનાથનું સૌંદર્ય એ પ્રકારનું છે. એ ચહેરેમહોરે કુરૂપ હોત તો પણ એમનું સૌંદર્ય ઝંખવાત નહીં, કારણ એમનાં પરિધાન–વાતકલા–ઢબછબમાં, રોજિંદા જીવનની ઝીણીમોટી બાબતોમાં, નાનામાં નાના વર્તનમાં – આ સર્વમાં એ એક કલાધર છે, સર્જક છે. કદાચ અન્નદાશંકરે એમને ‘જીવનના કલાધર’ કહ્યા છે એમાં ઔચિત્ય છે. એમના મુખ ઉપર ઝળકઝળક થાય છે એ એમની પ્રતિભા છે. કેવળ ઊજળી ત્વચા અને ધારદાર મુખમરોડો થકી સૌંદર્ય નથી પ્રગટતું. એમનું સકલ જીવન એક કળાકૃતિ છે. જીવન અને કળાને એમણે નોખાં નથી ગણ્યાં, પણ બેઉનું અજબ સંયોજન નિપજાવ્યું છે. એમનું જીવન એમની કળા સાથે જ ખીલ્યું છે, અને જીવન થકી જ એમની કળા પાંગરી છે. કળાના તરસ્યા જીવ માટે, એક કળાકાર માટે એ અદમ્ય આકર્ષણનું પાત્ર છે. નેપોલિયન માટે જર્મન કવિ ગેટેએ કહેલું : ‘આ એક પરિપૂર્ણ મનુષ્ય છે’. એ જ ઉક્તિ રવીન્દ્રનાથ માટે પણ વાપરી શકાય. તમામ થોથાંઓ વાંચી નાખ્યા પછી, સચરાચર ફરી વળ્યા પછી, કોઇ જ્ઞાની રવીન્દ્રનાથની નજીક આવશે તો કહેશે કે ‘એક સંપૂર્ણ માનવકૃતિ જોવા મળી’. કવિએ ‘પ્રાન્તિક’ કાવ્યસંગ્રહ હજુ પૂરો જ કર્યો હતો, અને બંગાળી કવિતા વિશે એક પુસ્તક લખી રહ્યા હતા. એમના ટેબલ પર કાવ્યસંગ્રહો પડ્યા હતા એમાં મારા જેવા આધુનિક કવિઓના પણ કેટલાક હતા. આધુનિક કવિઓ પૈકી વિષ્ણુ દેની કવિતા વિશે કવિ કહે,
“મને તેનો અર્થ સમજાવી દ્યો તો ઇનામ આપું.” હું મૌન રહ્યો. પણ અમારી સાથે હતા એ પ્રશાંત મહાલનોબીસને આધુનિક કવિતા વિશેની ચર્ચામાં બહુ રસ હતો. એક સાંજે પ્રતિમાદેવીના સ્ટુડીઓમાં પ્રલંબ ચર્ચા ચાલી. એ રમ્ય જગ્યામાં, એના તિમિરમાં જાણે વૃક્ષ પર ફળ લટકતાં હોય એવા વીજળી-દીવા આછો ઉજાસ પ્રસરાવતા હતા, નીચી છત પર તારાલોક ચીતરાયો હતો. વૈશાખની એ સલૂણી સંધ્યાએ કવિતાની ચર્ચા નહીં, કવિતા-પઠન વધુ શોભે. એ સાંજે ચર્ચા ચાલી તેનો હું શ્રોતા જ રહ્યો.

( બુદ્ધદેવે પત્ની પ્રતિભાનું આ હુલામણું નામ રવીન્દ્રનાથની નવલકથા ‘ઘરે-બાહિરે’ના એક પાત્ર મક્ષીરાણી પરથી અપનાવેલું. (શબ્દાર્થ : વડી મધમાખી.) બંગાળી સાહિત્યમાં પ્રતિભા બસુનું પોતીકું સ્થાન છે. )

( અનુવાદ: શ્રી જયંત મેઘાણી.. ઉદ્દેશમાં પ્રકાશિત લેખમાળા )

મારા રવીન્દ્રનાથ..13

જૂની સાંભરણો

‘શાન્તિનિકેતન? આવી ગરમીમાં? ભાનમાં છો? અતિથિગૃહ બંધ છે. પાણી સુકાઇ ગયાં છે. ધોમ ધખે છે’ : અમારી ઉપર આવા પ્રતિભાવોની ઝડી વરસી. રવીન્દ્રનાથ બીમાર હતા; એ અમને મળી શકશે કે નહીં તેનો સંશય હતો. ગરમી કે પાણીની ખેંચની અમને પરવા નહોતી. અમારે તો કવિવરને મળવું હતું. અગાઉ મળ્યાં તેને ઘણો સમય વીત્યો હતો. એ તો 1938ની વાત. કવિ બીમારીમાંથી હજુ ઊભા થયા હતા. અમારો ઉતારો ‘પુનશ્ચ’માં હતો. રવીન્દ્રનાથનો નિવાસ ત્યારે ‘શ્યામલી’ માં હતો. દરરોજ સવારે ‘શ્યામલી’ની પછીતે આંબાની છાયામાં નેતરની ખુરસી પર એ બેઠા હોય. નાના ટેબલ પર ટપાલનો ઢગલો હોય, ત્યારે અમે ત્યાં જઇને બેસતાં. એ કાળે સમર સેન ત્યાં હતા, કામાક્ષીપ્રસાદ ચટ્ટોપાધ્યાય પણ હતા. બેઉની સોબત દિવસભર રહેતી. અમે શાન્તિનિકેતન પહોંચ્યાં ત્યારે મધરાત થઇ ગયેલી. મહેમાનઘરની સામે ટેક્સી ઊભી રહી કે તરત પહેલા મજલે એક બારી ખુલી. કામાક્ષીપ્રસાદની ઝાંખી આકૃતિ દેખાણી, અને પછી દાદર પર પગરવ સંભળાયો. એમના હાથમાં ફાનસ હતું. અરધે દાદરે સમરબાબુ મળ્યા. ઉપરને મજલે એમના ખંડમાં અમે પહોંચ્યાં. મિત્રો સાથેના મિલનની એ મધુર ક્ષણો હજુ સાંભરે છે. જીવનની મોટી ઘટનાઓ સ્મરણમાંથી સરી જતી હોય, પણ આવી એકાકી ક્ષણો થકી જીવનપથે જાદુ પથરાતું હોય છે.

એ સ્તબ્ધ રાત્રિમાં આછા ઉજાસ નીચે છાયાચિત્રો-શાં વૃક્ષો ચોમેર ઊભાં હતાં. ચન્દ્રતેજના કૅફ્માં પંખીઓ જે કલશોર કરતાં હતાં તેનાથી અમારાં નગરવાસી કાન ટેવાયેલા નહોતા. સૃષ્ટિ પર પંખીનાં ગીતો ગુંજી શકે એ તો અમે જાણે વીસરી જ ગયેલાં. પણ પેટની ભૂખ કંઇ ભુલાતી હશે? મૅનેજરને પૂછ્યું, ‘પેટપૂજા થઇ શકે?’ એમણે નકારનું માથું ધુણાવ્યું, પણ થોડીવાર પછી ચા આવી. ખુલ્લી અગાશીમાં ચાંદની રેલાતી હતી ત્યારે ચાનો આહ્¬લાદ ઑર હતો. અને, એ એવી ક્ષણો હતી જ્યારે અમારા ચિત્ત પર કોઇ અજબ પ્રાપ્તિના ભાવનો છંટકાવ થઇ રહ્યો હતો; ભોજન ગુમાવવાનું થયું એ નગણ્ય વાત બની. સમરબાબુ કહે, “ગુરુદેવે તમારા નિવાસ માટે ‘પુનશ્ચ’માં ગોઠવણ રખાવેલી; ગઇકાલે દિવસભર તમારી રાહ જોતા રહ્યા. ન તમે આવ્યા, ન તમારા વાવડ. કદાચ નારાજ થયા છે. તમારે તાર તો કરવો હતો!” હા, વાત સાચી હતી : અમારે સંદેશો મોકલવો જોઇતો હતો. પણ અહીં આવ્યાનો આનંદ એટલો બધો હતો કે મારી એ કસૂર બદલ પૂરી દિલગીરી પણ વ્યક્ત ન થઇ શકી. પછી અમે પંખી-ગાનને કાનમાં ભરીને નીંદરખોળે સમાયાં.

સવારે ચાનો ઘૂંટ લઇને બહાર નીકળવા જતાં હતાં ત્યાં ‘ઉત્તરાયન’ માંથી એક ભાઇ આવ્યા ને સફેદ કપડાથી ઢાંકેલો ખૂમચો ટેબલ ઉપર એમણે ગોઠવ્યો. ઢાંકણ ઊંચું કરીને જોયું તો જાતજાતની વાનગીઓથી ભરેલી એ ટ્રે હતી. રાત્રે અમે ભોજન વિના સૂઇ ગયેલા એ વાત પ્રભાત થતાં જ કવિવરને પહોંચી ગયેલી ને અમારી ક્ષુધા નિવારવાની આ મધુર વ્યવસ્થા એમણે કરી હતી! આશ્ચર્ય હતું, તેમ આનંદ પણ હતો. વાનગી પીરસાય પછી રાહ જોવાનું મારા સ્વભાવમાં નથી, એટલે હું તો ભૂખને તરત તાબે થયો; મારાં સાથીઓ પણ એમાં પાછા પડે તેમ નહોતા. મક્ષીરાણી ને મેં સાદ તો કર્યો પણ સન્નારી સ્નાનવ્યસ્ત હતાં; પછી થોડો સમય એમણે ટાપટીપમાં વીતાવ્યો. અને બન્યું એવું કે સંદેશનો એક ટુકડો જ એમને ભાગે બચ્યો; મારા મિત્રો પણ એમનું સ્ત્રીદાક્ષિણ્ય ચૂક્યા હતા! મક્ષીરાણીનો ખોરાક સાથેનો નાતો કૈંક વિચિત્ર : સરસ વાનગીઓ એમને ભાવે ખરી, પણ બને એવું કે ભોજન પીરસાય ત્યારે જ એ કોઇ કામકાજમાં અટવાઇ જાય, ચાના સમયે જ એ કાપડના ફેરિયાને બોલાવે, થાળીઓ ગોઠવાય ત્યારે જ એમને સીવણકામ સૂઝે! અધીર પુરુષની વિનંતીઓ જ નહીં પણ સુસ્વાદુ વાનગીઓ માણવાના લોભ પરત્વે પણ એ સાવ ઉદાસીન! અને પછી કટાણે જ્યારે ભૂખ પ્રદીપ્ત થાય ત્યારે ઘરમાં એમની ખાદ્ય-ખોજ ભોંઠી પડે! ખાવાની બાબતમાં પુરુષો આદિમ પ્રાણીઓ છીએ : ભૂખ લાગે ત્યારે ભોજન ઉપર દુકાળિયાની જેમ તૂટી પડીએ, પેટ ના પાડે પછી જ અટકીએ; અને પછીના ભોજનનો સમય ઘડિયાળ બતાવે નહીં ત્યાં સુધી ખાવાની જરૂર ન પડે. પણ મક્ષીરાણી તો પોતાનાં અનુકૂળ સમયે અને ગતિએ જ ખાવાનું પસંદ કરે, અને સાવ અચાનક – ભોજનનો સમય ન હોય ત્યારે પણ – એમને ગમે તે ચીજ ખાવાનું મન થાય : ફળ, મીઠાઇ, અરે, અથાણું પણ ખાઇ લે! અચ્છા, તો એ સવારના જાદુઇ નાસ્તાનો થોડો ભાગ જ એ પામ્યાં. આ ઘટનાએ બીજી એ પ્રતીતિ કરાવી કે કવિઓને પણ સુસ્વાદુ ભોજનની કદર હોય છે ખરી. જો કે સહુ પહેલા નાસ્તા ઉપર ઢાંકેલું કપડું ઊંચું કર્યું ત્યારે તો મને એમ જ થયેલું કે, ‘ઓહો, આટલું બધું કોણ ખાશે?’ પણ છેવટે ટુકડો ય ન વધ્યો.

પછી અમારો આવાસ ‘ઉત્તરાયન’માં ગોઠવાયો.

( કવિવર નિત્યનૂતન નિવાસરસિયા હતા. ‘ઉદયન’, ‘કોણાર્ક’, ‘શ્યામલી’, ‘પુનશ્ચ’, ‘ઉદિચી’ અને ‘ઉત્તરાયન’ એ એમના વિવિધ આવાસોનાં નામ છે.
સમર સેન : કવિ અને પત્રકાર. એ અને કામાક્ષીપ્રસાદ ચટ્ટોપાધ્યાય બુદ્ધદેવ બસુના અંતરંગ સાથીદારો હતા.

એ કાળે અતિથિઘર; પછી કવિવરનું આખરી નિવાસસ્થાન )

( અનુવાદ..શ્રી જયંત મેઘાણી..ઉદ્દેશમાં પ્રકાશિત લેખમાળા.. )

મારા રવીન્દ્રનાથ..12

મેં એમનું યુવાસ્વરૂપ નહોતું જોયું; આયુષ્યના મધ્યાહ્ને કવિ પહોંચ્યા ત્યારે હું જન્મ્યો. વીતેલા યુગની વાતો અમે મોટેરાઓ પાસેથી ધરાઇને સાંભળેલી. એક પ્રજા તરીકે આપણે જીવનકથાઓ અને આત્મકથાઓ લખવાની બાબતમાં ઉદાસીન છીએ, પણ સદ્‌ભાગ્યે રવીન્દ્રનાથની જીવન-કથનીના અંશો એમનાં કેટલાંક પુસ્તકોમાં સચવાયા છે. એવો સમય આવશે કે જ્યારે એમની જીવનઝાંખી મેળવવા માટે લોકો ધબકતાં હૈયે આ કથાનકોનાં પૃષ્ઠો પર ફરી વળશે. એમની જીવનકથાના ટુકડાઓ એકત્ર કરીને, તેને ગોઠવીને તેમાંથી જે કવિછબિ ઊપસશે એ ભાવિ પેઢીઓના સંસ્કારવારસાનો એક ભાગ બનશે. પણ અમે તો એમને પ્રત્યક્ષ જોયા-જાણ્યા છે, એમના ચરણે બેસીને ગોષ્ઠિના ગુલાલ ઉડાડ્યા છે એ લહાવો તો અનન્ય છે. અમે તો એમની મહાનતાનો, કહો કે, કૅફ માણ્યો છે.

શાન્તિનિકેતનથી વિદાય થવાના દિવસે અમે વંદના કરવા ગયાં ત્યારે કવિને પથારીમાં પડેલા દીઠા. એ ઢળતી બપોરે નભ અને થલ પર જ્યારે પ્રકાશના પુંજ પથરાયા હતા એ સમયે અમે કવિવરના બંધ ખંડમાં પ્રવેશ કર્યો. જાણે રાત હોય એવો અંધકાર ખંડને ઘેરતો હતો. ખૂણામાં નાના લૅમ્પનો આછો પ્રકાશ ઝરતો હતો. કવિ આંખો મીંચીને પથારીમાં સ્થિર પડ્યા હતા. અમારા આગમનની જાણ થઇ ત્યારે એમણે પાંપણો અરધી ઊંચકી અને થોડા શબ્દો ગણગણ્યા. આશિષ આપવા બન્ને હાથ ઊંચા કરવા ઉપાડ્યા ખરા, પણ અધવચ્ચેથી પાછા નમાવી લેવા પડ્યા.

એ મારી ક્ષણોની કથની કહેવા શબ્દો પાછા પડે. હૃદય પર અચાનક એક પ્રહાર પડ્યો હોય, સંવેદનતંત્ર બહેર મારી ગયું હોય એવા અનુભવથી મારો કંઠ રુંધાયો. હું એ અર્ધચેતન અવસ્થામાં કવિની પૂર્ણ આકૃતિ પણ આંખોમાં ભરી લેવા ન પામ્યો. ખંડની બહાર આવ્યા પછી જ મુક્ત શ્વાસ લઇ શક્યો. અમર કવિને આ સૃષ્ટિ પર પથરાયેલા સોનવરણા પ્રકાશ સાથે પ્રગાઢ સખ્ય હતું, પણ આજે તો એ માનવી ઉજાસવિહીન ખંડમાં માટીનો ચેતનાહાર્યો ઢગલો થઇને પડ્યો હતો.
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍
[બંગાળી પાઠ]

હે નૂતન, દેખા દિક આર-બાર જન્મેર પ્રથમ શુભક્ષણ.
તોમાર પ્રકાશ હોક કુહેલિકા કરિ ઉદ્¬¬ઘાટન
સૂર્યેર મતન.
રિક્તતાર વક્ષ ભેદિ આપનારે કરો ઉન્મોચન. વ્યક્ત હોક તોમા-માઝે અસીમેર ચિરવિસ્મય ઉદયદિગન્તે શંખ બાજે, મોર ચિત્ત-માઝે ચિરનૂતનેર દિલ ડાક પંચિશે વૈશાખ.

[એંશીમા અને અંતિમ જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓના આગ્રહથી રચેલું કાવ્ય, 1941. ‘ગીતપંચશતી’, પા. 355]

[અનુવાદ]

હે નિત્યનૂતન,
મમ જન્મ તણી ક્ષણ મંગલ ફરી લાવો, ફરી ફરી લાવો!
ધુમ્મસ-ભેદંતા રવિતેજ બની તમે આવો!
આ રિક્ત સૃષ્ટિને વીંધી નવ નવ રૂપે પ્રગટો,
ને જીવનકુંજે મુદિત મંગલ ગાઓ!
નિજમાં સંચિત વિશ્વ તણાં વિસ્મય સઘળાં ખોલો,
પ્રાચી-દ્વારે શંખઘોષ ગજાવો!
પચીસમે વૈશાખ-પ્રભાતે*,
હે નિત્યનવલ,
આ જીવનખોળે નવલા જનમ તમે અવતારો!

* બંગાળી સંવત મુજબ વૈશાખની 25મી તિથિએ કવિવરની વરસગાંઠ.

[અનુવાદ શ્રી જયંત મેઘાણી ‘ઉદ્દેશ’, મે 2010]

મારા રવીંદ્રનાથ..11


તેમ છતાં, રવીન્દ્રનાથનું આ બંદીજીવન બીથોવનની બધિરાવસ્થાથી ઓછી દારુણ કરુણિકા નહોતી. સૃષ્ટિને અવલોકવી એ એમની પ્રિય પ્રવૃત્તિ હતી. એકવાર કહેલું, ‘હવે હું કાંઈ કરતો નથી. બસ, ચોપાસ નીરખવાનો આનંદ લઉં છું’. કાળઝાળ ગરમીમાં શાન્તિનિકેતનની વસતી બધી બંધ બારણે જંપી ગઇ હોય ત્યારે કવિ ખુલ્લા વરંડામાં બેસીને સીમાડા સુધી પથરાતા ધરતીપટને ધરાઇને લોચનમાં ભરી રહેતા. અંધકારના ગર્ભમાંથી અવતરતા ગુલાબી પ્રભાતનું પાન કરતા, કે વર્ષા-તરબોળ રાત્રિના તિમિરમાં ખોવાઇ જતા, કે પૂર્ણ ચંદ્રના તેજને ઝીલ્યા કરતા, પોતાના પ્યારા સૃષ્ટિલોકમાં ખોવાયેલા રહેતા. પણ હવે? ઠારેલા બંધ ખંડમાં બંદીવાન બનેલા કવિ અચાનક નીંદરમાંથી ઝબકીને જાગી જતા ત્યારે એમણે પૂછવું પડતું, ‘અત્યારે દિવસ છે કે રાત?’ એ માહોલમાં ચંદ્રનો પ્રકાશ એક પડછાયાથી વિશેષ કશું નહોતો, કવિ વાદળાં જોવા પામતા નહોતા, દિવસ-રાત્રિના અને ઋતુચક્રના રંગપલટા અદૃષ્ય થયેલા. શાન્તિનિકેતનનાં આદિવૃક્ષોની ડાળેડાળે ગુંજતાં પંખીકૂજન હવે કવિને કાને પડતાં નહોતાં. વર્ષાની ઝરમરના તાલ અને પર્ણોના મર્મરધ્વનિ કવિની શાંતિમાં ભંગ નહોતા પાડતા. નિસર્ગની લીલા હવે સાવ ઝાંખા રૂપે, કલ્પનાપટ પર જ કવિ પાસે પહોંચતી હતી. જીવનના વૈવિધ્યને આકંઠ ચાહનાર આ જીવ : કોઇ એક જગ્યાએ ઠરીઠામ થઇને રહેવાનું એણે જાણ્યું નહોતું, એક જ ઘરમાં એમનો કદી વાસ નહોતો. ધામેધામના આ નિત્ય-પ્રવાસી માટે આજે બાજુના ખંડમાં જવું મુશ્કેલ હતું. આ કારાગારમાં એમનું મન કદાચ મુલકમુલકનાં ભૂમિપટ, નગરો, ને નદીઓને ઝંખતું હશે, પોતાની પ્રિય સરિતા-સખી પદ્માની સાંભરણો અંતરને તીરે ટોળે વળતી હશે, છેલ્લી વાર તેનો સંગ માણવા દોડી જવાનું દિલ થતું હશે. પોતે પદ્માથી દૂર ફેંકાઇ ગયા હતા તેનું દર્દ હશે. સાગરતીરે જવાની વાંછના પણ હશે. પણ, અફસોસ, પદ્મા દૂર હતી, દરિયો એથીય આઘો હતો. ખેર, પોતાની ચાર દીવાલોની અંદર એમણે વૈવિધ્ય રચવાની મથામણ કરી. નાનકડા ખંડની રચના અને ગોઠવણ દરરોજ નવી નવી કરાવતા, બેઠકની દિશા દર પ્રભાતે બદલાતી. સાહિત્યનો આ કળાધર જીવનમાં પણ સૌંદર્ય રેડતો. જીવનને કલામંડિત બનાવેલું એમ નહીં, રોજિંદા જીવનને પણ કલાકૃતિની ગરવાઇ એણે આપી હતી.

બીમારી આવી પછી રવીન્દ્રનાથની નિદ્રા ખળભળી ગઇ હતી. તરેહતરેહનાં સપનાં આવતાં, અને ઊંઘમાં પણ એ વાતો કરતા. પરોઢે બે વાગતાં જાગી જતા, ને પછી નીંદર ફરી આવવાનું નામ ન લેતી. પછી વાતો કરતા અથવા કોઇ સાહિત્યકૃતિ લખાવતા. એક દિવસ મેં ઇતિહાસ અને સાહિત્યના સંબંધ વિશે એક પ્રશ્ન લખીને મોકલેલો. થોડા શબ્દોથી વિશેષ જવાબની મારી અપેક્ષા નહોતી, પણ સવારે એમણે મારા હાથમાં મસઆખો નિબંધ જ મૂક્યો! રાત્રે જાગીને એમણે લખાવવાનું શરૂ કરેલું ને અમે જાગ્યાં ત્યારે લખાણ તૈયાર હતું! બે દિવસ પછી એ લખાણ એમને અધૂરું લાગ્યું અને એક પુરવણી તેમાં જોડી દીધી! કોઇ એક નાની અપેક્ષા વ્યક્ત કરે તો કદી ‘ના’ તો કહે જ નહીં. કોઇ બાબત અશક્ય હોય તો પણ એમ જ કહે કે ‘વિચારીશ’, અને એક નરવા સ્મિતની ભેટ તો આપે જ. કોઇ એવો સવાલ નહોતો જેનો એમની પાસે કશો જવાબ ન હોય, એવો કોઇ વિષય ન હોય જે વિશે વાત કરવા ઉત્કંઠ ન હોય. આ એક એવો મનુષ્ય હતો જેને સકલ સચરાચરમાં સદાકાળ ઉત્કટ રસ હતો, જ્ઞાનના કોઇ ક્ષેત્ર માટે એને નીરસભાવ નહોતો. અને અપ્રતિમ ઉદ્યમ અને પારાવાર ફુરસદનું એમણે સાધેલું સંયોજન અચંબો પમાડતું. એક અર્થમાં એમને માટે પ્રત્યેક દિવસ રજાનો હતો, અને બીજી બાજુ એમનું ચિત્તતંત્ર એક કલાક પણ વિરામ નહોતું લેતું.

( અનુવાદ..શ્રી જયંત મેઘાણી )

મારા રવીન્દ્રનાથ..10

જેમની કલમમાંથી લાખો શબ્દો અવતર્યા, એ સાહિત્યસ્વામી આજે એમના આખરી દિનોમાં લેખણ પકડી શકવા અશક્ત હતા, સહી પણ માંડ પાડી શકતા હતા. અને છતાં શબ્દધારા અણખૂટ વહેતી રહી, અવસાન પહેલાના મહિનાઓ દરમિયાન બહાર પડેલા ‘જન્મદિને’ નામના સંગ્રહ સુધીનાં બધાં કાવ્યો પોતાના પ્રિય મરોડેમઢ્યા હસ્તાક્ષરે લખેલાં. પછી આંગળાં થીજી ગયાં ત્યારે નાછૂટકે કોઇની પાસે લખાવતા થયા હતા.

પોતાના સાહિત્યસર્જન પરત્વે એમણે જે વિનમ્રભાવ સેવેલો એ નવાઇ પમાડે તેવો હતો. દેહનું દર્દ ગમે તેટલું હોય, પણ ખુદના લખાણ અંગે રજમાત્ર સમાધાન એમને પાલવતું નહીં. ‘ગલ્પ-શલ્પ’ નામે બાળકો માટેનું એક પુસ્તક પોતાના સુંદર હસ્તાક્ષરમાં હજુ હમણા જ બહાર પાડ્યું હતું એ એક કલાકૃતિ-શું હતું. હમણાની એમની કૃતિઓ પરત્વે સમીક્ષકોએ મુરબ્બીવટ સેવીને એમના લેખનની પ્રસંશા કરવાનું રાખેલું, એમ સમજીને કે આ વૃદ્ધ સર્જકને ખરાબ તબિયતમાં સાચવી લેવા. આવો કૃપાભાવ સાહિત્યનું અપમાન તો હતું જ, કવિની પણ અવમાનના બનતી હતી. અન્યો પ્રત્યે એ ઉદાર હતા, પણ પોતાના સાહિત્ય-સર્જન પરત્વે આકરો સમીક્ષાભાવ સેવતા. સંભવ છે કે આખરી સર્જનોએ એમને પૂરો સંતોષ આપ્યો ન હોય. પોતાની કૃતિઓનાં વિવેચનો બરાબર સાંભળતા. પણ એમને અધકચરા અને મિથ્યા પ્રસંશાશબ્દો કે અહોભાવ પણ નહોતા ખપતા. પોતે જે કાંઇ લખશે તેને પ્રજા ઝીલી લેશે એવા ખ્યાલથી દૂર હતા. પોતાની ખ્યાતિને સહજ સ્થાપિત ગણતા નહીં, પણ પ્રત્યેક નવી કૃતિમાં એક નવોદિત લેખકનો નૂતન ઉન્મેષ રેડતા. પ્રત્યેક નવા પુસ્તકના પ્રકટન સાથે એ નવજન્મ પામતા અને નવી ખ્યાતિ એમને વરતી. પોતાના વિદ્યાર્થીઓની ઇચ્છાને માન આપીને આખરી વરસગાંઠે એમણે જે ગીત રચ્યું તેમાં પણ નૂતન જન્મનો મહિમા ગાયો:
‘હે નૂતન, દેખા દિક આર-બાર જન્મેર પ્રથમ શુભક્ષણ’ :

‘હે નિત્યનૂતન, મમ જન્મ તણી ક્ષણ મંગલ ફરી લાવો, ફરી ફરી લાવો!’
આ કોઇ ઊભરાયેલી અભિવ્યક્તિ નહોતી, એમના સાહિત્યજીવનનું પ્રથમ સૂત્ર હતું : નિત્યનૂતન, નિત્યનવલ.

અમે શાન્તિનિકેતન પહોંચ્યાં ત્યારે રવિબાબુએ એક ટૂંકી વાર્તા હજુ પૂરી જ કરી હતી. અવનવા પ્રકાર-પ્રયોગવાળી, નૂતન કથાનકો ધરાવતી ઘણી નવી વાર્તાઓ એ લખી શક્યા હોત – જો ચિત્તે ઠરેલું બધું આપોઆપ શબ્દદેહ પામી જાય એવી કોઇ જુક્તિ હોત. ‘યોગાયોગ’ નવલકથાનો બીજો ભાગ ચિત્તસ્તલમાં હતો. એમના સ્વમુખેથી એની કથા સાંભળીને અમે હર્ષાવેશ અનુભવ્યો. અફસોસ કે એ મહાન નવલકથા અધૂરી જ રહી ગઇ. મહત્ત્વાકાંક્ષી લેખન હાથ ધરી શકાય એમ ન રહ્યું એટલે પછી બાલ-કાવ્યો અને જોડકણાં, કાવ્યો-ગીતો, અને નિબંધો લખવાનું રાખ્યું. કોઇ વાર્તા અચાનક સ્ફુરી આવે, કે યુદ્ધ-પાગલ જગત-જીવન પરનો પ્રકોપ નિબંધરૂપે ધસમસતો આવે. બસ, આ રીતે અભિવ્યક્તિ અવતરણ પામતી. કવિના જીવનના આ છેલ્લા મહિનાઓમાં શરીર અને મિજાજ, વિચાર અને વાસ્તવ, કલ્પના અને હકીકત વચ્ચે તુમુલ વિરોધલીલા ખેલાઇ એ ખરું, પણ એમના વર્તનવહેવારની સપાટી ઉપર એમાંનું કાંઇ કળાયું નહીં. જીવન સાથેનો એમનો નિત્યમધુર નાતો અખંડ જળવાયો. કર્ણેંદ્રિય ગુમાવી બેઠેલા બીથોવનની વિનાશક વ્યથા કવિને ન સ્પર્શી શકી. રાજ્યસત્તાના અન્યાયો સામે વિરોધ પોકાર્યા વિના ન રહી શકનાર એ સર્જકચેતના ખુદની પીડાનો ઊંહકારો કર્યા વિના ગરવી સહનશીલતા ધારણ કરતી. કદી ફરિયાદનાં ગાણાં નહીં, નિસાસાનો હરફ નહીં. ક્યારેક બાલસહજ વિનોદથી, હળવીફૂલ નજાકતથી પોતાની નબળી તબિયતનો ઉલ્લેખ કરી લેતા, બસ, એટલું જ. હૃદયની વેદના હૃદયની મંજૂષામાં જ ગોપિત રહેતી.
( translated by shri jayant meghani.. published in uddesh )

મારા રવીન્દ્રનાથ..9

1941નો મે મહિનો હતો. રવીન્દ્રનાથની એંશીમી વરસગાંઠનો હર્ષોત્સવ હજુ હમણા બંગાળ આખામાં ઊજવાયો હતો. પણ ખુદ કવિ પર તો ગંભીર માંદગીની શ્યામ છાયા ઝળુંબતી હતી. સાંભળેલું કે કવિવરનો દેહ ખૂબ કષ્ટાતો હતો, એમની ચેતના ક્ષીણ થતી જતી હતી. અમે એમને કેવી હાલતમાં જોવા પામશું તેનો અંદાજ નહોતો. મેં ધારેલું કે તેઓ થોડા શબ્દો માંડ બોલી શકશે, અને એમની નજીક બેસીને એમની સહજ સોબતનો લાભ આ વેળા નહીં લઇ શકાય. પણ આ ધારણાઓ અવળી પડી. શાન્તિનિકેતન પહોંચીને સાંજ ઢળ્યે અમે એમને મળવા ગયા ત્યારે એ એમના પુત્ર રથીન્દ્રનાથના આવાસની ખુલ્લી ઓસરીમાં બેઠા હતા, થાકેલા, જીર્ણકાય. સંચરતી રાત્રિનું આછું અંધારું એમના ચહેરા પર ઝાંખપ પાથરતું હતું. બીજે દિવસે પ્રભાતે ફરી એમને જોયા ત્યારે એમની બેઠક દક્ષિણમુખી બંધ વરંડામાં હતી. મહેકતાં પુષ્પોની છાબ સમીપ હતી. ચહેરો સુકાયેલો હતો, લાલી ઊડી ગઇ હતી. પણ એમના ભવ્ય, પુષ્ટ દેહનો આભાસ અછતો નહોતો. સિંહની કેશવાળી સરીખાં ગરદન-પહોંચતાં વાંકડિયાં જુલ્ફાં હવે લુપ્ત થયેલાં, પણ મસ્તક હજુ મધ્યમાં સેંથો પાડેલા શ્વેત કેશથી વિભૂષિત હતું. આરપાર જોઇ શકતી આંખોનું તેજ સુકાયું હતું; એમની નજર કોઇની ઉપર ઠરતી ત્યારે તેમાં એક મ્લાન કુમાશ દેખાતી હતી. શહેનશાહ જેવો એમનો દમામ ગાયબ હતો; વૃદ્ધાવસ્થામાં ઘેરાયેલા તૉલ્સ્તૉયની છબિનો અણસાર આપતો એ ચહેરો હતો. પણ, ઓહો, રવીન્દ્રનાથનું દેહલાલિત્ય આટલું સોહામણું તો કદી નહોતું! કદાચ એવું હતું કે વધેલી ઉંમર અને વ્યાધિદીધા દર્દને કારણે જ એમનું સ્વરૂપ આટલું સોહતું હતું. કિશોરાવસ્થાથી માંડીને વરસોવરસની એમની તસ્વીરમાલા બતાવતી કે વધતી વય સાથે એ ઉત્તરોત્તર વધુ દેખાવડા ભાસતા. હજુ થોડાં વરસ પહેલાની જ વાત : કોઇ સમુદાયમાં એમનું આગમન થાય ત્યારે એમના ઝળાંહળાં વ્યક્તિત્વ પાસે બીજા તમામ ચહેરા નૂરવિહોણા દીસતા.

એ વખતે તો કવિવર સુંદર લાગતા જ, અત્યારે સંધ્યાના આછા તિમિરમાં એ સૌંદર્ય-નિખાર શિખરે હતો, બેશક હતો.

કોણ કહી શકે કે કવિ માંદગીને બિછાને હતા? અમે પ્રવેશ કર્યો ને એમનું વાણી-વહેણ વહેવા લાગ્યું. અવાજ ક્ષીણ હતો, પણ વાતો તો હમેશ જેવી અદ્‌ભુત.

થોડીથોડી વારે વાક્‌પ્રવાહ અટકતો ખરો, પણ શબ્દ શોધવા માટે નહીં. જોઇતો શબ્દ જિહ્‌વા પર હાજરાહજૂર રહેતો. વાતો વહેતી ત્યારે એમની દૃષ્ટિ સન્મુખે મંડાયેલી રહેતી, પણ પાછો શ્રોતાઓ સાથે પણ નેત્ર-સમાગમ સધાતો રહેતો. આમ થતું તેમાં એક શબ્દ પણ ખોડંગાતો નહીં. ચિત્રકળા અને સંગીત, જીવન અને સાહિત્ય, હાસ્ય અને નજાકત – એવા વિવિધવિષયરંગી, સુગઠિત વાક્‌-પ્રપાતનો અમે જાણે અભિષેક માણ્યો. આવી ઝળકતી બુદ્ધિપ્રભા, સૃષ્ટિની ઝીણીમોટી બાબતોમાં સજીવ રસ, અને ભાષા પરનું પ્રભુત્વ – ના, ના, આ ચેતના શીર્ણ થઇ ન કહેવાય. છતાં, કવિવર વ્યાધિગ્રસ્ત હતા એ હકીકત હતી. એ વ્યાધિ દેહને યાતના આપી રહ્યો હતો એટલું જ નહીં, નાનાંનાનાં કેટલાય અસુખ પણ લઇને આવ્યો હતો. સામાન્ય તેમજ મહાન, જ્ઞાનીઓ પણ, બધાં માટીનાં માનવીઓ, દેહની વિપતથી હારીને પોતાની પીડાના વિચાર-પથારા ચિત્તમાં કર્યે જતા હોય છે. પણ કવિવરની ચેતનાનું પદ્મ લેશમાત્ર કરમાયું નહોતું, હીરાના પાસા ઘસાયા નહોતા. એમના હોઠેથી બીમારીનો ઉલ્લેખ કદી સરી પડતો નહોતો. કોઇવાર કહેતા ખરા, ‘થાક્યો છું’, કે ‘આ ખોળિયું જર્જરિત થયું લાગે છે’. વિચારોમાં, વર્તનમાં, રોજિંદા વહેવારમાં ક્યાંય શૈથિલ્ય નહીં, કશું જરીક પણ ખરબચડું નહીં, કઠોર નહીં. સુશ્રુષા માટે સેવકો હાજર રહેતા. પોતાનાં કામ બીજાઓ કરે એ વિચાર જ એમને કદી રુચતો નહીં. પણ સેવા લીધા વિના છૂટકો નહોતો. ત્રીસ વરસ જૂના એક અંતેવાસીએ અમને કહ્યું કે કવિવરને એમણે બે વાર જ ગુસ્સે થતાં જોયા હતા : એકવાર ભોજનની થાળી ચોખ્ખી નહોતી ત્યારે અકળાયા હતા, અને એક શિક્ષકને વિદ્યાર્થીઓ પાસે માલીસ કરાવતા જોયા ત્યારે એમનો પિત્તો ગયેલો. લાંબા કાળથી ઘર કરી ગયેલા હઠીલા દરદ પાસે ઝૂક્યા વિના એમણે સંવેદનફલકને ભીનું રાખેલું. અસહ્ય વેદના ભોગવતા હોય ત્યારે કે મિજાજ પર ગમગીનીનું વાદળ છવાયું હોય એ સમયે પણ એમના તેજીલા વિનોદ-ફુવારાની છોળો અટકતી નહીં. પથારીમાં પડ્યા રહેવાના કાયર કવિને નીંદરને ખોળે જવા ફોસલાવવા પડતા. ’હવે સૂઇ જાઓ’ એમ કહેવામાં આવે ત્યારે આંખો મીંચી દેતા ખરા, પણ એમના પગ આમતેમ હલતા રહેતા. વધુ કડક સૂચના આવતી ત્યારે પછી કહેતા,

‘ભલે ત્યારે, વિચાર કરતો પડ્યો રહીશ. ચાહે તે કરો, મને વિચાર કરતો તો રોકી નહીં શકો’.

( અનુવાદ શ્રી જયંત મેઘાણી..” ઉદ્દેશ 2010માં પ્રકાશિત..)

મારા રવીન્દ્રનાથ.. 8

આ વિચાર પૂરો સમજવા માટે મારે ભારે પ્રયત્ન કરવો પડ્યો હતો. હવે હું એ ‘મિરાલરીઓ’ની તરુછાયામાં, રૂપાળાં ફૂલોની સમીપે નહોતી બેઠી. હું જ્યાં હતી એ સાન ઇસીદ્રોથી ખૂબ દૂર અંગ્રેજભૂમિ હતી. એ નવેમ્બર માસ હતો જ્યારે અમે ત્રણ – કવિ, એમહર્સ્ટ, અને હું – સાન ઇસીદ્રોમાં હતાં. પણ, બત્રીસ વરસ પછી ગુરુદેવ નહોતા, અમે બે મિત્રો જ ઇંગ્લન્ડમાં સાથે હતાં. સાન ઇસીદ્રોના એ નવેમ્બરમાં વસંત હતી, આ નવેમ્બરમાં ઇંગ્લન્ડમાં શિયાળો બેસી રહ્યો હતો.

ઋતુ તો ગમગીનીની હતી, પણ હું ઉદાસ નહોતી – હમણાં જ વાંચ્યા એ શબ્દો ગ્લાનિદાયક હતા છતાં. આ શબ્દો જે કહી ગયા એ મેં ચોપડીઓમાં વાંચેલી વાત નહોતી રહી, પણ હવે અનુભવની તાવણીમાં પાકેલી સમજ બની હતી. ત્યારે હું યૌવનની સર્વ સંપદાની સ્વામિની હતી, અને છતાં મારા હાથ એ જ સંપતના બંદી હતા. ત્યારે હું અકથ્ય પીડામાં ઝલાઇ ગઇ હતી. એ કાળે ‘ગીતાંજલિ’ના વાચને મને અશ્રુભીની મુક્તિ અપાવી હતી. શું ગઇકાલે, શું આજે, ‘જીવનની બધી જફાઓ – કુટિલતાઓ, કપટો, વિક્ષેપો, વિરોધો – ને પેલે પાર, અસ્તિત્વના ગહનતમ હેતુની સિદ્ધિ ભણી મારો પરમ પથદર્શક મને લઇ જઇ રહ્યો છે’ : ટાગોરના એ શબ્દોનો મર્મ મારે માટે તો હજુ ધૂંધળો છે, છતાં, મારા જીવનનો રહસ્યમય અર્થ હું ઉકેલી શકું નહીં તો પણ હતાશાને અને વિષાદને તો છાંડી શકું છું. આ શાણપણ – મારી બાબતમાં તો શાણપણ પણ નહીં, માત્ર લાગણી અને અંતરપ્રેરણા – મારા પંડમાં ક્યાંથી આવ્યાં? તો કહું કે ગાંધીજી અને ગુરુદેવ, સંસ્કૃતિઓના સીમાડા પારની એ બે વિભૂતિઓની મને એ દેણ છે. એકને મેં માત્ર એકવાર જોયા-સાંભળ્યા છે; બીજાની સાથે થોડાં ડગલાં માંડવાનું મારું
સદ્‌ભાગ્ય હતું.

એ બે મહાન હસ્તીઓ વિશે કાંઇ કહેવા માટે હું અતિ અલ્પ છું. મારી પાસે તો, ટાગોરના શબ્દોમાં, માત્ર ઊર્મિના ઉદ્ગારો છે; મારામાં કવિતાકલા હોત તો મારાં અશ્રુ અને મારા મલકાટ કાવ્યરચનામાં ગૂંથાઇને આવત.
પણ કાવ્યવિહીન છું તેથી આંસુ નયનજળ જ રહે છે, સ્મિત ઓષ્ઠે જ ઠરી રહે છે.

સાન ઇસીદ્રોના નિવાસ દરમિયાન ગુરુદેવે મને થોડા બંગાળી શબ્દો શીખવેલા. મને એક જ શબ્દ યાદ છે – ભાલોબાશા (પ્રેમ). એ ઉદ્ગાર હું ભારતભૂમિને ધરું છું : ભા લો બા શા.

( અનુવાદ..શ્રી જયંત મેઘાણી )
આવતા અંકે ભાગ 2..