એની મા પણ જીવે છે.!

આયનાના લગ્ન થયે સાત વરસ થયા હતા. આમ તો ઘરમાં કોઇ મોટા પ્રોબ્લેમ નહોતા..પણ આયના અને અર્ણવના વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. બંનેના કુટુંબની રહેણીકરણી.. વિચારો, વર્તન , માન્યતાઓ..બધું સાવ અલગ.. આયના આધુનિક વિચારસરણીવાળા ઘરમાં મુક્ત રીતે ઉછરી હતી. તેમના ઘરમાં દીકરા કે દીકરી વચ્ચે કોઇ ભેદભાવ નહોતા.

પણ સાસરે થોડું અલગ વાતાવરણ હતું. વહુ માટે ચોક્કસ નીતિનિયમો હતા. અર્ણવ પણ એમાં અપવાદ નહોતો..એની જાણ તો લગ્ન પછી જ થઇ શકી. કેમકે લગ્ન પહેલાં બહું મળવાનું શકય નહોતું બન્યું. થોડું અલપઝલપ જ મળી શકાયું હતું..એથી આયનાને અર્ણવ વિશે કે તેના વિચારો કે માન્યતાઓ વિશે જાણવાની ..તેને સમજવાની બહું તક મળી નહોતી. છતાં લગ્ન પછી જે સંજોગો સામે આવ્યા તે એણે હસીને સ્વીકારી લીધા હતા. મન સાથે, ઘર સાથે, સમાધાન કરી લીધું હતું. ખાસ કોઇ ફરિયાદ સિવાય. જીવનમાં બધાને વત્તે ઓછે અંશે સમાધાન કરવાનું આવતું જ હોય છે ને ? એવું વિચારી મન મનાવી લીધું હતું.
પહેલીવાર મા બનવાના એંધાણ વરતાયા ત્યારે ઘરમાં બધા ખુશ થયા. આયનાના સાસુ કહે, વરસો પછી…અર્ણવ પછી આટલા વરસે ઘરમાં રાજકુંવર આવશે.ને ઘર ભરાઇ જશે. આયના હસીને સહજતાથી કહે,

‘ ને રાજકુંવરી આવશે તો ? રાજકુંવર જ આવશે એવી કોઇ ખાત્રી થોડી જ હોય ? ‘ ખાત્રી તો આપણે કરી લેશું ને ?’

’ એટલે ? ‘ આયના ચોંકી ઉઠી.

‘ એટલે એમ જ કે મારી જ એક બહેનપણી ડોકટર છે..આપણે આવતે અઠવાડિયે જ એની પાસે જઇને ચેક કરાવી લેશું..’

‘ અને દીકરી હશે તો ? ‘ આયના બોલી ઉઠી.તેના અવાજમાં એક કંપ હતો.

‘ તો શું ? એબોર્શન.. એમાં વાર કેટલી ? આપણા કુટુંબમાં પહેલો તો દીકરો જ જોઇએ.. દીકરીની લપ આપણે જોઇએ જ નહીં.. છતાં બીજી વાર દીકરી હશે તો જોઇશું. મને તો દીકરો જ જોઇએ..’

સોરી..મમ્મી, હું એમાં નથી માનતી.. મારે મન મારી દીકરી હોય કે દીકરો બધું સરખું જ છે.
તારે મન જે હોય તે..આ ઘરમાં આ ઘરના રીતરિવાજ મુજબ જ થશે.

આવી વાતમાં કોઇ નિયમ થોડા જ હોય ? આયનાએ પણ આ વખતે નમતું ન જોખવાનો નિર્ણય કરી લીધો હતો. આટલા સમય સુધી બધું સમાધાન તે એકલીજ કરતી આવી હતી..પણ હવે આ વાતમાં તો સમાધાન નહીં જ કરે. પોતના સંતાનને ફકત દીકરી હોવાને લીધે તે મરવા નહીં જ દે.. પોતે પણ કોઇની દીકરી છે જ ને ? સાસુ પોતે પણ શું કોઇની દીકરી નથી ? એ કેમ આવી રી તે વિચારતા હશે ? દીકરી આટલી બધી અળખામણી કેમ હોતી હશે ? આયના મનોમન વિચારી રહી.

અને સાસુ અને પતિના લાખ સમજાવવા છતાં.. ધાક, ધમકી કોઇને વશ થયા સિવાય તે મક્કમ રહી. તે તપાસ કરાવવા જ નહીં જાય.. દીકરો કે દીકરી જે હશે તે..

‘ તમને ન પોસાય તો હું મારે પિયર જતી રહીશ.. હમેશ માટે આ ઘર છોડવા તૈયાર છું. પણ આ વાતમાં હું તમારા કોઇનું નહીં જ માનું. સદનસીબે આયના ઘર છોડીને જાય એ કોઇને કબૂલ નહોતું. અને આયનાની મક્કમતા જોઇને અંતે બધાએ નમતું જોખ્યું. સાસુજીએ દીકરો જ આવે એ માટે અનેક માનતાઓ લીધી હતી. એમાં આયનાને કોઇ વાંધો નહોતો. એ લોકોને જે કરવું હોય તે કરે. એમાં કોઇ જયોતિષીએ કહ્યું, કે વહુના પેટમાં દીકરો જ છે ત્યારથી તો સાસુ સાવ શાંત બની ગયા હતા અને હરખાઇને દીકરીની રાહ જોતા રહ્યા.
પણ.. આયનાએ દીકરીને જન્મ આપ્યો. ત્યારે બધાના મોઢા બગડયા હતા. પણ આયનાએ..એક માએ તો દીકરીને હૈયાન હેતથી આવકારી હતી. બેટા, તારી પાસે કોઇ હોય કે ન હોય..હું તારી મા તો છું જ..મને કમને બધાએ ધીમે ધીમે સ્વીકારી લીધું હતું. અને હવે પછી દીકરો જ આવશે એવી આશા રાખી રહ્યા હતા.

પણ કુદરતને કંઇક બીજું જ મંજૂર હતું. એક દિવસ અર્ણવને પહેલી જ વાર હાર્ટે એટેક આવ્યો.અને કોઇ કશું કરી શકે તે પહેલાં તેનો પ્રાણ નીકળી ગયો.

આયના સ્તબ્ધ બની ગઇ. એ આઘાતની કળ વળે તે પહેલાં જ સાસુએ કહી દીધું,
‘ દીકરો હોત તો વાત જુદી હતી. તો અમે સાચવી લેત..પણ દીકરી વાળી વિધવા વહુને સાચવવાનું અમારું ગજુ નહીં..’ કહીને આયનાને હમેશ માટે પિયર મોકલી દીધી.
આયના દીકરી સાથે પિયર આવી. સદનસીબે તેણે બી.એડ. કર્યું હતું. તેથી તેને એક સ્કૂલમાં નોકરી મળી ગઇ. અને જીવન વહેતું રહ્યું.

એવામાં સમાજના એક શ્રીમંત ઘરમાંથી આયના માટે સામેથી માગુ આવ્યું . થોડી આનાકાની પછી આયના તૈયાર થઇ. એ આશાએ કે દીકરીને પિતાનો સ્નેહ પણ મળી શકે.દીકરી હજુ પાંચ જ વરસની હતી એથી સેટ થઇ શકે. એમ વિચારી આયનાએ હા પાડી. વિનીત પણ તેની જેમ વિધુર હતો. વિનીતને ચાર વરસનો એક દીકરો હતો. તો આયનાને પાંચ વરસની દીકરી હતી.

બંને શિક્ષિત હતા. આયના દેખાવે અતિ સુંદર હતી.કદાચ આયનાના દેખાવથી આકર્ષાઇને જ વિનીતે આયના વિધવા હોવા છતાં તેની સાથે લગ્ન કરવાની તત્પરતા બતાવી હતી. નહીંતર પૈસાને લીધે તેને તો કદાચ કોઇ કુંવારી છોકરી પણ મળી શકે તેમ હતી.
બંનેની મુલાકાત ગોઠવાઇ. આયના ખાસ તો દીકરી પિતાના પ્રેમથી વંચિત ન રહે એ માટે જ લગ્ન માટે સંમત થઇ હતી. એ ખ્યાલ તેના મનમાં વધારે હતો.

પણ વિનીતને મળી ત્યારે તેની શરત સાંભળી તે ડઘાઇ ગઇ.

હું તમને સ્વીકારવા તૈયાર છું.. પણ કોઇની દીકરીને સ્વીકારી શકું તેમ નથી. એને પિયર રાખી શકો કે કોઇ સારી બોર્ડીંગમાં મૂકીને આવી શકો તો જ.. અલબત્ત એનો ખર્ચો આપવા હું તૈયાર છું. એનો મને કોઇ વાંધો નથી.

પણ તમારે પણ એક દીકરો છે જ ને ? એનું શું ?

કેમ એનું શું એટલે ?

એટલે એમ જ કે એને પણ તમે કોઇ બોર્ડીગમાં મૂકશો ને ?

કેમ એને શા માટે મૂકવો પડે ? એનો બાપ જીવતો બેઠો છે.

તો મારી દીકરી પણ કંઇ અનાથ નથી.મીસ્ટર વિનીત, એની પણ મા હજુ જીવતી બેઠી છે. મને તમારી શરત મંજૂર નથી. હું તમારા દીકરાને અપનાવી શકું તો તમે મારી દીકરીને કેમ નહીં ? તમે પુરૂષ છો અને હું સ્ત્રી છું એટલે ? સોરી.. મને આ શરત કે આ સંબંધ કશું કબૂલ નથી.

કહેતા આયના સડસડાટ ઉભી થઇ અને ગૌરવથી ચાલવા લાગી.

( સંદેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની ” )

3 thoughts on “એની મા પણ જીવે છે.!

  1. સુપ્રભાતમ નિલમ બહેન..ખૂબ જ સુન્દર કૃતિ છે. સાપ્રંત સમાજના માપદંડ્ કહો કે ત્રાજવાં તોલવાના અલગ અલગ હોય છે..સ્ત્રી એ માત્ર અને માત્ર સેકંડરી છે..પ્રાયમરી નહીં..એટલે જ એને પુરૂષપ્રધાન કહીએ છીએ પરંતુ તેને તેવો બનાવવામાં સ્ત્રીઓનો જ ફાળો એટલો જ કે તે મૂંગે મોંએ તે સહન કરી લે છે…સમાજમાં એવું પ્રવધાન હોવું જોઈએ જ્યાં સમાનતા અને ન્યાય સ્ત્રીને મળે..અને ન બને તો તેને ખુદ પોતાનું મૂલ્ય સમજવાનો સમય પાકી ગયો છે..અસ્તુ ૐ શાંતિ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s