હસતું ગાતું ઘર
અમે કેટલી બધી વાર ચગડોળમાં ફર્યા. પછી નાનકડી કારમાં બેઠા. હું ને જય એકબીજા સાથે કાર ભટકાડતા રહ્યા અને હસતા રહ્યા. કેવી મજા આવી ગઇ.
પછી પપ્પાએ મને ને જયને ફુગ્ગા લઇ આપ્યા. વાહ..
મમ્મી તો કેવી હસતી હતી. મને બહું જ ગમ્યું.
અમે કેટલું બધું ફર્યા. પછી પપ્પા કહે,
‘ ચાલો હવે આજે કયાં જમવા જશું ? આજે નિશા, તારી પસંદગી..
મમ્મી કહે, ‘ ના..તમે કહો ત્યાં જશું. ‘ પછી અમે હોટેલમાં ગયા. ત્યાં મેં ને જયે ઢોસા મગાવ્યા.
પપા કહે, નિશા, આપણે શું મગાવીશું ?
મમ્મી કહે, ના..આજે એમ નહીં ચાલે. આજે તારી પસંદગીનું.. વરસો પછી કદાચ હું…
પપા કશુંક બોલવા ગયા પણ પછી અટકી ગયા ને મને કહે,
જૂઇ, ઢોસો ખાશે ને ? અને જય શું ખાશે ?
મેં હા પાડી..
જય કહે, ના ઢોસો તો મારે ખાવાનો છે.
પપ્પા હસી પડયા..ઓકે..તમે બંને ઢોસો ખાજો ઓકે..
પછી મમ્મીને કહે,
અને મેડમ, હવે તમારો વારો..બોલો આપ શું લેશો ? ‘ મમ્મી હસી પડી. એ કહે,
તમે જે મંગાવો એ ચાલશે. નો મેડમ, ચલાવવાનું નથી. ઘણાં વરસો ચલાવ્યું જ છે ને ? હવે નહીં. ખેર ! જાગ્યા ત્યાંથી સવાર.
ઓકે..તો આપણે સીઝલર ખાશું ?
ઓહ..ગુડ..
જોકે સીઝલર એટલે શું ? એની તો મને ખબર ન પડી.
પણ થોડીવારમાં અમારા ઢોસા આવ્યા અને મમ્મી..પપ્પાનું સીઝલર..કંઇક ગરમ ગરમ હતું. પપ્પાએ મને પૂછયું,
‘ જૂઇ, તું સીઝલર ખાશે ? ‘
મેં ના પાડી. મારે તો મારો ઢોસો ખાવો હતો.
મમ્મી, પપ્પા વાત કરતા રહ્યા. અને હું ને જય મસ્તી કરતા કરતા ખાતા રહ્યા. જયે તો કેટલું બધું ઢોળ્યું હતું.
અમે જમી લીધું ત્યાં એક અંકલ વાટકામાં પાણી લઇને આવ્યા. મારા ગ્લાસમાં તો પાણી હતું..એટલે મેં ન પીધું. પણ જય તો સીધો પીવા લાગ્યો.
ત્યાં પપ્પા કહે,
જય એ પાણી પીવાનું નથી. એ હાથ ધોવાનું છે. જો આ રીતે.. અને પપાએ વાટકામાં પોતાના હાથ બોળ્યા. એ જોઇને મેં ને જયે પણ વાટકામાં હાથ બોળ્યા. પણી થોડું ગરમ હતું. મને મજા આવી. આમ હાથ ધોવાય એની મને તો ખબર જ નહોતી. ઘરમાં તો રોજ અમે આ રીતે હાથ નથી ધોતા. અહીં આમ ધોવાતા હશે ? કદાચ અમારા ઘરમાં હાથ ધોવાનું બેઝિન છે એવું અહીં નહીં હોય..એટલે બધાને આમ વાટકામાં પાણી આપતા હશે. જે હોય તે..પણ મને મજા તો આવી.
જમીને અમે જતા હતા ત્યાં પપ્પા કહે,
‘ જૂઇ, પાન ખાવું છે ? ‘
મને સમજ ન પડી. પપ્પાએ મમ્મીને પૂછયું.
‘ નિશા, જૂઇએ કે જયે કયારેય પાન ખાધું છે ? ‘ મને તો આજ સુધી એમની કોઇ વાતની કંઇ ખબર જ નથી પડી..
કહેતા પપ્પાનો અવાજ જાણે રડવા જેવો થઇ ગયો હોય એવું મને કેમ લાગ્યું ? મમ્મી કહે,
’ જવા દો..જો બીત ગઇ સો બાત ગઇ.’ અને હા, હજુ સુધી તો છોકરાઓએ કદી પાન નથી ખાધું. એવો કોઇ મોકો જ નથી મળ્યો.
‘ ચાલ, આજે આપણે એમને પાન ખવડાવીશું ?
‘ એમ કહો ને કે તમારે ખાવું છે ?
‘ એ તો એવું જ હોય..છોકરાઓનું નામ અને માબાપનું કામ.’ કહેતા પપ્પા મોટેથી હસી પડયા.
પપ્પાએ પાન લીધા.મને આપ્યું. હું હાથમાં લેવા જતી હતી..ત્યાં પપ્પા કહે,
‘ જૂઇ, એમ નહીં..તારા કપડાં ખરાબ થશે.. ચાલ, મોં ખોલ ‘
મેં મોઢું ફાડયું. પપ્પાએ મારા મોઢામાં પાન મૂકયું.
મને ભાવ્યું. મજા આવી. મમ્મી કહે,
‘ આજે બહું મોડું થઇ ગયું છે.. હવે ઘેર જઇએ. ‘
અમે બધા ઘેર આવ્યા. અચાનક મારું ધ્યાન અરીસામાં ગયું તો મારું મોઢું લાલ લાલ… મેં જીભ કાઢી તો એ પણ લાલ લાલ.. મને થયું મને લોહી નીકળ્યું છે. એકવાર મને પગમાં લાગ્યું હતું ત્યારે લાલ લોહી નીકળ્યું હતું. જોકે આજે મને જીભમાં દુખતું નહોતું. મેં દોડીને મમ્મીને જીભ બતાવી. ને કહ્યું.. ’ લોહી લોહી..’
મમ્મી તો મને દવા લગાવી દેવાને બદલે હસી પડી. મેં જોયું તો જયની જીભ પણ લાલ લાલ..ત્યાં તો પપ્પાએ તેમની જીભ પણ બતાવી. અરે..આ તો બહ્દાની જીભ કેમ લાલ ? રેડ રેડ ? મને સમજાયું નહીં.
ત્યાં મમ્મી કહે, જૂઇ, તેં આજે પાન ખાધું હતું ને ? પાન ખાઇએ એટલે બધાની જીભ લાલ થાય.
ઓહ… હવે મને સમજાયું.. આવું પાન તો રોજ ખાવાની મજા આવે.
પપ્પા , મમ્મી જ નહીં આજે તો જાણે આખ્ખું ઘર હસતું..ગાતું હતું.
અને હસતું..ગાતું ઘર કોને ન ગમે ?
આજે તો મને સપનામાં પણ હસતું ગાતું ઘર દેખાતું હતું.
( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )
here is family gathering ; which is now missing day by day ………….any way good story by u ………………………with prem n om