વસંતરાય કોરી ધાકોર આંખે પત્નીની નનામી જતી જોઇ રહ્યા. કાન્ધ દેવા ગયા ત્યાં ચક્કર આવતા લથડિયુ ખાઇ ગયા.તેથી અંતિમ સહારો પણ ન આપી શકયા. સૂઇ જવું પડયું.
‘આટલા વરસોનો સહવાસ..! અસર તો થાય ને ? વસંતરાય સાવ ભાંગી પડયા છે.આ ઉમરે તો હૂંફની ખાસ જરૂર પડે. એકલતા કોને કહેવાય તે આ ઉમરે જ સમજાય. ‘ ‘ બિચારા સાવ શૂન્ય જેવા..જડ જેવા થઇ ગયા છે. પત્નીને કાંધ સુધ્ધાં ન આપી શકયા. ‘
‘ આપણે બધા તો ચાર દિ..પછી આ ઉમરે તેઓ એકલા થઇ જશે. ‘ ઉમંગને સમજાવવો પડશે..સાસુ વહુને જે વાંધો હોય તે પણ હવે વસંતરાય એકલા રહે અને દીકરો ગામમાં હોવા છતાં આમ જુદો રહે એ કંઇ સારું લાગે ? ….’! વસંતરાયને ઘરનું માણસ હતું ત્યાં સુધી વાત અલગ હતી.’
’ઘરનું માણસ..! ‘ વસંતરાયે રજાઇ માથા સુધી ખેંચી.
વસંતરાય આંખો બંધ કરી ગયા. તેની ચમકતી આંખોની લિપિ કોઇ ઉકેલી લે તો ? પડયાં પડયાં સગાસ્નેહીઓના મંતવ્ય મૌન બની સાંભળી રહ્યા. કશું બોલી શકાય તેવું હતું જ કયાં ? મુઠ્ઠી બંધ રહે એમાં જ તેની શોભા..
ઘરમાં વિધિઓની પરંપરા ચાલી રહી હતી. ગીતાપાઠ..અને ગરુડપુરાણ વંચાતા હતા. ધૂપ,દીપ અને સુખડના હારથી વિલાસબહેન મહેકી રહ્યા હતા.મર્યા પછી મહેકી શકયા ખરા..! વસંતરાયે જોશથી માથું ધૂણાવ્યું. મૃત વ્યક્તિ વિશે ખરાબ બોલાય નહીં..ખરાબ વિચારાય નહીં..ગાંધીજીના પેલા ત્રણ વાંદરાની વાત બિલકુલ સાચી રીતે તો ફકત મૃત વ્યક્તિને જ લાગુ પડતી હશે.
વિચારોથી બચવા વસંતરાયે જોશથી પાંપણો ભીડી દીધી..પરંતુ….
‘ વિલાસબહેન નશીબદાર ખરા હોં..! ચૂડી ચાંદલા સાથે જઇ શકયા.’ કોઇના શબ્દો કાને અથડાયા… હા, નશીબદાર તો ખરા જ…પોતાના જેવો ઝગડાનો કાયર, એક રીતે કહીએ તો ભીરુ કહી શકાય તેવો પતિ મળ્યો હતો. તે નસીબદાર નહીં તો બીજું શું ? પોતાની જગ્યાએ બીજો કોઇ હોત તો કદાચ વિલાસ આટલી હદે મનમાની કરી શકી હોત ?
વસંતરાયના મનમાં વિચારોનો પ્રવાહ… વસંતરાયને અચાનક આ પળે પતા રમવાનું મન થઇ આવ્યું. પોતાના જીવનનો એક્માત્ર શોખ. પરંતુ વિલાસને પતાની બહુ ચીડ..અને તેને ન ગમે તે કરવાની હિંમત પોતે કયારેય કેળવી શકયા નહીં. સાવ કાયર.. ભીરું માણસ. કજિયાનું મોં કાળું..એમ કહીને હમેશા….
હવે તો વિલાસ નથી. પતા રમી શકાય ? જે શોખ કયારેય પૂરો નથી થઇ શકયો તે હવે પૂરો કરી શકાય ? ના..ના, થોડો સમય તો સંયમ રાખવો પડશે. તેમણે ફરીથી આંખો જોશથી બંધ કરી. કોઇ જોઇ જાય તે સારું નહીં
ત્યાં અચાનક આંખ ખૂલી ગઇ.પુત્રીનો વત્સલ હાથ તેમના માથા પર ફરી રહ્યો હતો.
‘પપ્પા, ગરમ ચા લઇ આવું ? થોડી પી લો..સારું લાગશે..’ વસંતરાયને થયું..કહી દઉં..
’સાથે બે ચાર ગાંઠિયા પણ…’
પરંતુ ટેવાયેલ ન હોવાથી શબ્દો બહાર ન નીકળી શકયા.
પણ દીકરી સમજદાર હતી. ચા સાથે ગાંઠિયા જાતે જ લઇ આવી.
’પપ્પા, કશું બોલ્યા સિવાય ચૂપચાપ ખાઇ લેવાના છે. ‘
પુત્રીનો હુકમ વસંતરાય કેમ ટાળી શકે ? તેમની પલકો ભીની બની. આંખમાં આભારની લાગણી છલકી રહી ગાંઠિયા તો બે જ ખાધા..પણ…પણ બહું સારું લાગ્યું. અત્યારે આ કસમયે ચા અને ગાંઠિયા.. વાહ..!
તેણે પુત્રી તરફ જોયું. પુત્રીના ચહેરા પર વસંતરાય જ સમજી શકે તેવા અદ્રશ્ય હાસ્યની રેખા ફરકી. તેનું માથુ હલ્યુ. પોતે સમજી હોવાનો મૌન સ્વીકાર.
ત્યાં ફરી કોઇ અવાજ.. ’ વસંતરાયની દયા આવે છે. આ ઉમરે પત્નીનો સાથ છૂટી ગયો..દીકરો વહુ તો પરણ્યાના એક મહિનામાં જુદો થઇ ગયો હતો. હવે વસંતરાયનું કોણ ? ‘
નીચે સગાઓ વચ્ચે ચાલતી ચર્ચાઓ…ટીકા..ટીપ્પણીઓ છેક ઉપર સુધી પડઘાતી રહી. રાતોરાત વસંતરાય દયાપાત્ર બની ગયા..કેવું વિચિત્ર..! જયારે ખરેખર દયાપાત્ર હતા..ત્યારે…..!
સગાઓ દીકરાને કહેતા હતા..સમજાવતા હતા ‘જો બેટા, તમારી મમ્મી હતી ત્યાં સુધી વાત અલગ હતી…હવે પપ્પાનું ધ્યાન તમારે જ રાખવાનું છે. હોં. ‘
’હા, ત્યાં સુધી વાત અલગ જ હતી ને ?
’પપ્પા, થોડીવાર ટી.વી.ચાલુ કરો..તમને ગમશે…સારું લાગશે. વિચારોમાંથી બહાર અવાશે…ખરું ને મામી ? ‘
ઉપર આવેલ મામીને દીકરી કહી રહી.
દીકરી પોતાની ધારણા કરતાં પણ વધુ સમજદાર હતી. ’હા, હા, હવે એવો શોક રાખવાનો હોય જ નહીં..ગયેલું માણસ થોડું પાછું આવી શકવાનું છે ? અને ભાભી તો લીલીવાડી મૂકીને ગયા છે સૌભાગ્ય સાથે..કોઇ પીડા વગર..આવુ મોત તો નશીબદારને મળે. હા, તમે એકલા થઇ ગયા…પણ બેટા, પ્રભુ ઇચ્છા પાસે કોનું ચાલ્યું છે ?
‘ પ્રભુઇચ્છા થોડી વહેલી થઇ હોત તો ?
‘ ના, ના..પાપ લાગે…આવું ન વિચારાય. લડ નહીં તો લડનારો દે.
.વિલાસના આ સ્વભાવના ભોગ બાળકોને પણ કયાં નહોતું પડયું ? દીકરી ઉપર તો સાવકી માની માફક સતત કચકચ ચાલુ રાખેલી. સાસરે જઇશ ત્યારે આમ થશે ને તેમ ખબર પડશે કહીને દીકરીને આખો દિવસ કામે જોતરી રાખતી મા માટે દીકરીના મનમાં કઇ લાગણી હશે ? પોતાથી તો કશું બોલી શકાય તેમ જ કયાં હતું ? વિલાસની વાણીનો સૌથી વધુ માર તો પોતાને જ ભાગે આવતો ને ? મોટી થયા પછી દીકરી એ સમજતી. મમ્મી ન હોય ત્યારે છાનામાના પપ્પાનું ધ્યાન આ દીકરી જ રાખતી ને ? પુત્રી સાસરે ગઇ ત્યારે થયું પોતે ભલે અનાથ થઇ ગયા પણ પુત્રી તો છૂટી.. પુત્રના લગ્ન થયા ત્યારે તો પોતે જ પુત્રને એકબાજુ બોલાવી કહી દીધું હતું,
’ બેટા, તારી મમ્મીનો સ્વભાવ તું ઓળખે છે. આપણે બધા તો ટેવાઇ ગયા છીએ..ને ચલાવી લીધું છે. પણ આવનારને એ શાંતિથી રહેવા નહીં દે એની આપણને જાણ છે જ. તારે પૈસાની કોઇ ચિંતા નથી. તું તારે સુખેથી જુદો થઇ જા.અને જુદો રહીશ તો થોડી પણ માયા જળવાઇ રહેશે. સાથે રહીને રોજ ઝગડા કરવા અને અંતે એકબીજા તરફ નફરત થઇ જાય તેના કરતાં દૂર રહેવાય તો કદાચ……
પણ પપ્પા..પછી તમે…. બેટા, જેવા મારા નશીબ..હવે આ જનમે તો મારે ભોગવવું જ રહ્યું. બધા ઋણાનુબંધ આ જનમે જ પૂરા થઇ જાય…
પપ્પા… અવાજમાં શ્રાવણી ભીનાશ સાથે પુત્ર આગળ ન બોલી શકયો.
નહીંતર તો પુત્ર જુદો ન થાત. પરંતુ એક જ મહિનામાં તેની પત્ની સાથે વિલાસે જે ઝગડો શરૂ કર્યો તે પછી પપ્પાની સલાહ માનીને જુદા થવામાં જ સાર છે એમ માની તે જુદો રહેવા ગયો ત્યારે વિલાસે કરેલ તમાશો જોવાની પોતામાં હિમત નહોતી. એટલે હમેશની જેમ જ ચૂપચાપ માથે રજાઇ ખેંચી લીધી હતી.
લગ્ન થાય…સાસુ વહુને ન બને…. વહુ, દીકરો અલગ થાય એમાં તો નવું શું હતું ? બહું સહજતાથી ગામે..સમાજે અને કુટુંબે સ્વીકારી લીધું હતું. વસંતરાય અને ઉમંગ બંને મૌન. બિચારો ઉમંગ..અને વગર વાંકે વગોવાયેલ વહુ…
હવે ઘરમાં રહ્યા એકલા વસંતરાય..જે કયાંય જઇ શકે તેમ નહોતા.
કયારેક છાનામાના ઉમંગને ઘેર જઇ આવતા. ભાવતી વસ્તુ ખાઇ આવતા. ધોમધખતા રણમાં મીઠી વીરડીનો અહેસાસ થોડી ક્ષણો જીવતરનો થાક ઉતારી દેતો. વિલાસ જે વસ્તુની મનાઇ કરતી તે વસ્તુ દીકરાને ઘેર મળી રહેતી. સદનશીબે વહુ ખૂબ સમજદાર મળી હતી. તેથી મનને સંતોષ હતો.
મનમાં વિચારોની આવનજાવન ચાલુ જ રહી.
ઓરડામાં રાત ઉતરી આવી. અંદર તો સવારનો ઉજાસ… બધા થાકીને વહેલા સૂઇ ગયા હતા. વસંતરાયની આંખોમાં ઉંઘનું એકે કણસલું ફરકતું નહોતું.
પુત્રી નીચે નાનકડા દીકરાને સૂવડાવતી હતી. ત્યાં દીકરો , વહુ ઉપર આવ્યા. ’ પપ્પા, ઉંઘ આવે છે ? ‘ વસંતરાયે ડોકુ હલાવી ના પાડી. વહુના હાથમાં પતા હતા.
’ પપ્પા, આપણે થોડીવાર પતા રમીશું ? મન હળવું થશે.’
વસંતરાય કશું બોલી શકયા નહીં. આવડું મોટું સુખ પોતાના નશીબમાં હતું ? આંખમાં અનેક પ્રશ્નો.. આજે આ સમયે પતા ? વહુને અત્યારે આ કેમ સૂઝયું ?
પપ્પા, એક વાત કહું? વગર કહ્યે સસરાની આંખનો પ્રશ્ન ઉકેલી તેણે હળવેથી કહ્યું.
ગયા અઠવાડિયે મમ્મી અમારે ઘેર આવેલ. ઘરમાં હું એકલી જ હતી. વસંતરાયે આંચકો અનુભવ્યો. મનમાં ફડકો પણ પેઠો. નક્કી ત્યાં પહોંચીને ઉધામા કરી આવી હશે. તેણે વહુ સામે નજર કરી.
’ પપ્પા, મા કહે… વહુ એક ક્ષણ થોભી.
’ મા ! ‘
વસંતરાયને આશ્ર્વર્ય થયું. પરંતુ કશું બોલ્યા નહીં.
મા કહે, ‘ હું ન હોઉં ત્યારે તમે પપ્પાનું ધ્યાન રાખજો હોં. જોકે મને ખબર છે કે તમે અત્યારે પણ ધ્યાન રાખો જ છો. પપ્પા કયારેક અહીં આવે ત્યારે તેમને ભાવતી વસ્તુઓ ખવડાવો છો..એનો મને આનંદ છે. ‘
વસંતરાય આંચકા સાથે બેઠા થઇ ગયા. પણ આંચકા પછીનો આફટરશોક હજુ પૂરો નહોતો થયો.
’ મારા ગયા પછી તમે ફરીથી એ ઘરમાં આવી જજો. પપ્પા તો મારી જેમ ઝગડા કે કચકચ કરે તેમ નથી. એની તમને ખબર છે. એ ભલા માણસ મરતાને મર કહે તેમ નથી. ‘
વિલાસ આવું બોલી ? ‘
’ હા, પપ્પા,..મને કહે……. ” મારો સ્વભાવ જ ન જાણે કેવો થઇ ગયો છે. લાખ નક્કી કરું તો પણ બોલાઇ જ જવાય છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ કહેવત કદાચ સાચી જ હશે. નાનપણથી અપરમાના મેણા ટોણા સાંભળીને મોટી થઇ છું. ઘરમાં ઝગડા સિવાય કશું જોવા જ નહોતી પામી. જબરાની પાંચશેરી ભારે એ એક વાત મગજમાં જડબેસલાક ફીટ થઇ ગઇ હતી.
પછી લગ્ન થયા અને સદનશીબે કે કમનશીબે…એ તો ખબર નથી. પણ તારા પપ્પાનો સ્વભાવ સાવ રાંક…એટલે મારો રોફ તેમની પર ચાલ્યો. વરસો સુધી અપરમાની ગુલામી કરેલ અને અહીં મળ્યો છૂટો દોર..
અહીં બધું મારું જ ચાલે છે જાણે કોઇને એ બતાવી દેવું હોય તેમ મેં મૂરખીએ…..
ખબર નહીં મારું મન કેમ આવું થઇ ગયું હતું. કયારેક સુધરવાની કોશિશ પણ કરી જોઇ..પણ બે ચાર દિવસમાં પાછી એ ની એ જ…બેટા, તમે કેમ જુદા થયા એ બધી મને ખબર છે. એમાં તમારો કોઇ દોષ નથી.
‘ વિલાસ…વિલાસ આવું બધું બોલી ? એ આવું બધું સમજી શકતી હતી ? ‘
’ હા, પપ્પા. મને લાગે છે કે આપણે કોઇ જ તેને સમજી કે ઓળખી ન શકયા. નાનપણથી તેનામાં કોઇએ વિશ્વાસ નહોતો રાખ્યો. સતત અવગણના, ઉપેક્ષા, નફરત કડવા શબ્દો, અને લડાઇ, ઝગડા વચ્ચે જ મા મોટા થયા. સાસરે આવ્યા બાદ સ્વતંત્રતા મળતા જાણે બદલો લેવો હોય તેમ સૌ કોઇ ઉપર મંડી રહ્યા. આપણે કોઇ પણ તેની એ ગ્રંથિ ઓળખી ન શક્યા અને તે ઝનૂનપૂર્વક….
દીકરા, વહુની આંખો ભીની ભીની…
વસંતરાય એકદમ બેઠા થઇ ગયા.
’ પછી ?
જાણે કોઇ વાર્તા સાંભળતા હોય તેમ નાના બાળકની માફક વિલાસરાય પૂછી રહ્યા.
અમારે ઘેર આવ્યા ત્યારે સતત તમારી જ ચિંતા કરતા હતા.કહે,
’ ખબર નહીં..પણ મને લાગે છે કે હવે હું વધારે કાઢવાની નથી.. તારા પપ્પાને મેં બહું દૂભવ્યા છે. ભગવાન મને માફ નહીં કરે..એ ભલા જીવને મેં શાંતિ નથી આપી. હું જઇશ ત્યારે જ એ મારાથી છૂટી શકશે. મને ખબર છે હું જઇશ પછી તમે ઘેર આવી જ જશો. તેથી એમની એવી ચિંતા તો નથી.
અને હા, આવી કોઇ વાત પપ્પાને ન કરતા. નાહકના દુ:ખી ન કરશો.. જીવતા તો એ ભલા માણસને સુખ નથી આપી શકી. મરીને કદાચ ચપટી સુખ આપી શકુ. મારા જવાથી એ રાહતનો શ્વાસ લેશે. મારે એ છિનવવો નથી. અને લો, આ પત્તા..મારા ગયા પછી તમે સાથે રહો ત્યારે રોજ એમની સાથે પતા રમજો. મેં કયારેય એમને નિરાંતે રમવા નથી દીધા. મારી અપરમા પાના રમવાની ખૂબ શોખીન હતી…! કહેતા કહેતા મા રડી પડયા હતા. મેં કહ્યું,
‘ મા, અમે હમણાં જ ભેગા આવી જઇએ.બધા સાથે મળીને કિલ્લોલ કરીશું.’
’બેટા, હવે એ શકય નથી. આજે તને આ બધું કહું છું. પણ ઘેર જતાં જ મારો મૂળ સ્વભાવ પાછો આવી જ જવાનો. એના કરતાં આટલા વરસો ચાલ્યું છે તો થોડું વધારે. મને અંદરથી ઉગી ગયું છે હવે હું થોડા સમયની જ મહેમાન છું. જતાં પહેલા એકવાર કોઇ આગળ દિલની વાત કરવાનું મન હતું. દીકરી આઘી છે. તેથી તારી પાસે….
માએ તો મને આ બધું ન કહેવાના સમ આપ્યા હતા. પરંતુ મા પ્રત્યેની નફરત તમારી આંખમાં હું ન જોઇ શકી. તેથી….. આ પતા પણ મા જ આપી ગયા હતા…કહેતા વહુએ પત્તા ચીપ્યા.
વસંતરાયની કોરી ધાકોર આંખો હવે વરસી રહી.
( બુધ્ધિપ્રકાશ..જાન્યુઆરી 2012માં પ્રકાશિત વાર્તા )
સરસ વાર્તા..ઘણી વાર માણસને કબુલાતો કરવી હોય છે.પણ કશુંક અટકાવે છે…સૂક્ષ્મ લાગણીઓ વાર્તામાં પ્રગટ થાય ત્યારે વાર્તા વાંચ્યા પછી મન ક્યાંક ખોવાઈ જાય છે…વાહ..નીલમબેન…
well wondefull story ; BUT there is one techinical mistake when there is gEEtapath; Garudpurn is not there , eithwer of one at a time , otherwise story is well knitted , touchy , may be I am not criti , but why I am wriuting like critic i do not know……………………………..with prem n om
sundar varta
Very nice story ma’m, gr8!
good one
Lata
It’s very good story. My grandpa also always say ‘PRAN & PRAKRUTI SATHE J JAY CHHE.’ This story is very good exampal for this. Some time all we know we have to change our some behaviour, but we couldn’t change it.
વાર્તા સારી છે . ના એ હકીકત પણ હોઈ શકે ઘણા માટે.. એમાં માણસની નબળાઈ ને સુંદર રીતે રજુ કરી છે
૧. દરેક વ્યક્તિ નું ઘડતર તેના ભૂતકાળ પર અવલંબિત હોય છે. ઊંડે ઊંડે દબાયેલી લાગણી ફરી ભયાનક રૂપ ધારણ કરી જન્મ લે છે.
૨. આપણે સત્ય કહી શકતા નથી અને સહન પણ કરી શકતા નથી. યોગ્ય સમયનો ઇન્તજાર કરીએ છે . ઘણું મોડું થયી જાય .
“નીલમ” મારી દીકરીનું નામ! મૂળ-” નીલી”"પરમ સમીપે…” ane “Paramujas” પણ ગમ્યું..
એક સંગ્રહ એને મળતા નામે આકાર લઇ રહ્યો છે તેમાંથી…”કંઈક”
< ખુશી-આનંદ પુલકભાવો ઉછળ્યા દોમ-દોમ અનંત,સ્વર્ગની જાણે કરે મન-તન-ઝેહન સહલ અ-તરંગ!
<પ્રાણ-તેજ શક્તિ બની વિલસું, ચોતરફ,મુક્ત આનંદ.સંભોગ ઉત્કટ ક્ષણોનો, પરમની ઉપલબ્ધિ આનંદ.
આમ,“કંઈક”,સદાય સંવેદનશીલ કાઠું ધરાવતા, ઊર્મિની મનોભૂમિ પર વિહરતા ,સર્જનમાં ઊંડો રસ ધરાવતા,નિવૃત હોવા છતાં
પોતાની અંગત પ્રવ્રુતિઓમાં વ્યસ્ત રહીને , એકાંતને માણતા…નિજાનંદમાં રાચે છે.
વાત મુક્તિપર્વની ગમે તેવી જ છે!
હોય છતાં ભોગાવવાનું લખ્યું હોય કર્મની પરીપાટીમાં તોજ માણવા મળે!ખરું?
La’Kant/20-2-12
નીલમ,
આ લ્યો, કંઈક નું થોડુંક વધુ શેર કરું છું…પ્રેરક બન્યા તમે…
૧.- હે આત્મન ,
” તું મારો આયનો છે, “પુષ્પા’, મારા ખુશીના વાનાં ક્યાં છે છાનાં ?
એના ન હોય કરાર કોઈ ,દીધું, કર્યું, માણ્યું એ જ આનંદ-વાનાં !
સદનસીબી છે,મારી કે તુજ સુધી પહોંચવા શબ્દો મળ્યા મઝાના,
ઉજાળ્યો છે, સમૃદ્ધ કર્યો છે, મને અનેક રીતે, ‘ઑ’ જાન-એ-જાના’,
આ જે ચમક છે,મારા અનોખા વ્યક્તિત્વની,છે તારા જ કારનામા,
ખુદને તપાવી, કથીરમાંથી સુવર્ણ-મુદ્રા ઉપસાવી,’જાન-એ-જાના’.
જ્યારથી સંબંધાયો સંગ તુજ , ભાળું સઘળે તું, તું ને તું જ જાના,
તું આવીને વસી તો જો , આ આહલાદક અજબગજબ માહોલમાં,
“હું છુ માત્ર”નો એહસાસ કઇંક જીવંત થઈ ગયો, હવે ક્ષણે ક્ષણમાં.
છુટ્ટા છેડાનો અનંત વ્યાપ, પ્રસરતો રહ્યો, તો પમાયું ક્ષણમાત્રમાં.”
શબ્દસમીપે…કંઈક…પરમ આનંદ…
સરલ છે માર્ગ પરમ સુધી પહોંચવાના, ક્યારેક આવે વળાંકો, આવે યાત્રાની મઝા…
ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે!
કેમ કરીને રોકું?કો’ “હું” કાર હાંવી છે,
અસીમ અંતરે આરત અકળ જાગીછે !
‘ચેતન’-સળવળ મહીં અનહદ જાણી છે!
અકળની કળતર બહુ સઘન માણી છે.
‘પરમ’નો પાવન પારસ-સ્પર્શ કરતો હું!
“ હું” ની જ પ્રદક્ષિણા ફરીફરી કરતો હું!
માત્ર “અહં બ્રહ્માસ્મિ” વારંવાર રટતો હું!
કોઈ કરે સતત રટણ ‘હું શુદ્ધાત્મા છું’નું!
એજ વાત મારી ભાષા-શૈલીમાં કરતો હું!