રીંગા રીંગા રોઝીસ
આજે સ્કૂલમાં અમે કેટલી બધી પોએમ્સ ગાઇ. ટીચર કહે,
‘ જૂઇ સૌથી સરસ ગાય છે. ને એક પણ ભૂલ નથી પડી.
જોની જોની..યસ પપ્પા..
પછી બા બા બ્લેક શીપ
વન ટુ..બકલ માઇ શૂ..
હમ્ટી ડમ્ટી ..
મને હવે ઘણી બધી પોએમસ આવડે છે. ગાવાની મજા તો આવી..પણ મને એ બધાના અર્થની ખબર નથી પડતી. ઘરમાં ફૈબા , મમ્મી કે દાદીમા ગાય છે એમાં વધારે મજા આવે છે. પણ એવું બધું કંઇ સ્કૂલમાં ન ગવાય. ત્યાં તો ટીચર કહે એ જ ગાવાનું.. અને એટલી વાર જ ગાવાનું..આપણને મન પડે કે આપણને ગમે એવું કંઇ ત્યાં નહીં કરવાનું. આવી સ્કૂલ કેમ ગમે ? આપણને ગમે એવી સ્કૂલ નહીં હોતી હોય ? બધું ટીચર કહે એમ જ કરવાનું.. ઘેર મોટાઓ કહે એમ અને સ્કૂલમાં ટીચર કહે એમ કરવાનું..
તો પછી અમને ગમે એમ કયારે કરવાનું ? કોણે કરવાનું ? મને કંઇ સમજાતું નથી. બહું પૂછું કોઇને તો કહેશે
‘ બાપ રે જૂઇથી તો તોબા… પ્રશ્નોમાંથી ઉંચી જ ન આવે. એને જાતજાતનું પૂછવા જોઇએ. એના મનમાં ન જાણે કેવા કેવા પ્રશ્નો આવે છે. આપણને શું જવાબ આપવો એ યે ન સમજાય.’
લો..મોટાઓને ન સમજાય એવું વળી હું શું પૂછતી હોઉં છું ? મને ખબર ન પડતી હોય એ મોટાઓને ન પૂછું તો કોને પૂછવું ? જોકે ફૈબા તો હું ગમે તે પૂછું તો યે જવાબ આપે જ. એ કયારેય એવું નથી કહેતા અને એટલે જ મને એ સૌથી વધારે ગમે છે. પણ ફૈબા કંઇ આખો દિવસ ઘરમાં ન હોય.
આજે સ્કૂલમાં પાર્થ અને માનસી બંને ઝગડયા. બંને એકબીજાને મારતા હતા. ટીચરે બંનેને છૂટા પાડયા. ને પૂછયું કે પહેલા મારવાની શરૂઆત કોણે કરી હતી ? પાર્થ કહે માનસીએ અને માનસી કહે પાર્થે..
પછી ટીચરે બીજા બધાને પૂછ્યું.તો બધાએ જુદું જૂદું કહ્યું..કોઇએ પાર્થનું નામ લીધું તો કોઇએ માનસીનું. હું તો ચૂપચાપ ઉભી હતી. ટીચરે મને બોલાવીને પૂછ્યું,
’જૂઇ, તું કહે સૌથી પહેલા કોણે માર્યું હતું ? પાર્થે કે માનસીએ ? હવે મને તો ખબર જ નહોતી કે કોણે માર્યું હતું કે કયારે માર્યું હતું ? હું શું કહું ? હું મૌન ઉભી રહી. ફૈબાએ કહ્યું હતું કે સાચી વાતની ખબર ન હોય ત્યારે ચૂપ રહેવાનું. એટલે હું ચૂપ રહી.
તો ટીચર મને ખીજાયા. જોકે અંગ્રેજીમાં બોલતા હતા જેનો અર્થ મને ન સમજાયો. પણ મને ગુસ્સો કરીને ખીજાયા હતા એટલી સમજ મને પડી ગઇ હતી. મારો શું વાંક હતો ? મેં પાર્થ કે માનસી કોઇને નહોતું માર્યું. પણ ટીચર સમજે તો ને ? આ મોટા લોકોને બહું ખબર પડતી હોય એવું મને તો નથી લાગતું. ટીચર માનસી અને પાર્થને ખીજાવા ગયા કે હવે બંનેને જુદા બેસાડી દેશે. પણ ત્યાં માનસી અને પાર્થ તો બંને સાથે બેસીને રમતા હતા. અને એકબીજાને પોતાની કલર પેન્સિલ બતાવતા હતા. માનસીએ પાર્થને પોતાના કલર આપ્યા હત આને બંને મોટેથી હસતા હતા. અમે બધા પણ તેમની સાથે હસવા લાગ્યા..ટીચર તો સાવ બાઘાની જેમ અમને બધાને જોતા ઉભા રહી ગયા. અને શું બોલવું તે કદાચ તેમને સમજ નહીં પડી હોય તેથી મોટેથી કહે
ચાલો, બધા સાથે રીંગા રીંગા રોઝીસ ગાવ..
ટીચર ભૂલી ગયા કે એ પોએમ તો હમણાં થોડી વાર પહેલાં જ અમે બધાએ ગાઇ લીધી હતી. તો યે અમે બધા તો મોટેથી ગાવા માંડયા.. રીંગા રીંગા રોઝીસ.. અને અચાનક અમને બધાને ન જાણે શું સૂઝયું કે અમે બધા એકી સાથે ઉભા થઇને ..બધાનો હાથ પકડીને ગોળ ગોળ ફરવા લાગ્યા અને ગાતા રહ્યા. ટીચર બિચારા એકલા ઉભા ઉભા બૂમો પાડતા હતા.. પરંતુ આજે તેનું કોઇ સાંભળતું નહોતું. કયારેક તો અમે અમને ગમે એમ કરી જ શકીએ ને ? દરેક વખતે કંઇ મોટાઓ કહે એમ જ કરતા રહેવાનું ? નાના છીએ તો શું થયું ?
મોટા થઇએ પછી તો રોજ અમને ગમે એમ કરી શકીશુંને ?
( જનસત્તા..લોકસત્તામાં પ્રગટ થતી શ્રેણી )