‘ દીદી..દીદી..’ બગીચાના ઝાંપામાંથી દોડતી..હાંફતી ઝિલના અવાજનો પડઘો ત્યાંના એક એક પર્ણ,પુષ્પ અને વૃક્ષમાંથી પ્રગટીને દિગંતમાં રેલાઇ રહ્યો. અને આ સાદે જીવનના સાત દાયકા વીતાવી ચૂકેલી ઇશાના ચહેરા પર એક મધુર સ્મિતનો ઉજાસ ઉઘડયો.
‘ તો ઝિલ આવી પહોંચી ! ખાત્રી હતી જ. ઝિલ દેખાવી જ જોઇએ. પોતાની માંદગીના સમાચાર અહીંથી કોઇએ આપ્યા જ હશે.
ઇશાની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં…
’ દીદી, તમારી કીટ્ટા…જાવ…આટલા દિવસે મને ખબર પડે ? ‘
દોડતી આવેલ ઝિલે ઇશાના ખોળામાં સીધું પડતું મૂકયું. આજે તો પોતાની આ વહાલી દીદીને પ્રણામ કરવાનું પણ પહેલાં ન સૂઝયું. પહેલાં ફરિયાદ..પછી બીજું બધું…દીદી ઉપર તેનો બધો અધિકાર હતો. સ્નેહે દીધેલ અધિકાર ….કેટલાક સંબંધોમાં આપોઆપ ઉગતા અધિકારની આ સ્નેહાસિક્ત ફરિયાદ આગળ ઇશા શું બોલે ? શું જવાબ આપે ?
દીદીએ તેને જણાવ્યું નહીં..એ રોષથી ઝિલની આંખો છલકી રહી. ઇશાએ તેના આંસુ લૂછતાં કહ્યું
’ અરે, પણ ખાસ કશું નહોતું.. અને, હજુ તું તો એવી ને એવી જ રહી. આટલી મોટી થઇ તો પણ….! હવે તો તું પોતે એક દીકરીની મા થઇ. અને મને કશું વધારે નહોતું. જરાક અમથું………‘
’ અને ખાસ હતું કે નહીં એ તમારે નક્કી કરવાનું ? અને કેટલું હોય તો ઝિલને સાદ પડાય ? એનું કોઇ માપ રાખ્યું છે ? ‘
રોષથી મોં ફૂલાવી ઝિલ વચ્ચે જ બોલી ઉઠી. તેની આંખો ફરી છલકી ઉઠી. કીકીમાં તરલ વાદળો…..અને શરીરના અણુએ અણુમાંથી છલકતો સ્નેહ…
ઇશા શું બોલે ? મૌન બની ચૂપચાપ ઝિલનો ઠપકો સાંભળી લેવામાં જ ભલાઇ હતી તે પોતે કયાં નહોતી જાણતી ?
ઇશાના દુર્બળ બનેલ હાથ ધીમેધીમે ઝિલના આંસુ લૂછી રહ્યા. એક મૌન સમાધિ…!
કયો સંબંધ હતો આ ? અહીં કોઇ સંબંધને નામ કયાં હતું ? એવી કોઇ જરૂર પણ કયાં હતી ?
‘ દીદી, હવે આ ક્ષણથી તમે મારા ચાર્જમાં…’
’ હા, મને ખબર છે. હવે તારી દાદાગીરી મારી ઉપર ચાલવાની. ‘
‘ તે ચાલે જ ને ? બસ..હવે કશું બોલ્યા સિવાય સૂવાનું છે. કમ્પલીટ રેસ્ટ..’
ઉઠવાનો પ્રયત્ન કરતી ઇશાને ફરીથી ધીમે રહી સૂવડાવતા ઝિલ બોલી.
’ પણ ઝિલ, તને તો ખબર છે..આ તો આપણો પ્રાર્થનાનો સમય..અને એમાં હું કયારેય……’
’ ઇશા વાકય પૂરું કરે તે પહેલાં જ તેના મોં પર આંગળી મૂકી ઝિલ બોલી, પ્રાર્થનામાં હું જાઉં છું. અને અમારો અવાજ અહીં સૂતા સૂતા તમને સંભળાશે. અને now no argument..ok ? ‘
ઇશા મૌન. ઝિલ પાસે પોતાનું કશું ચાલવાનું નથી તેની જાણ પોતાને કયાં નહોતી ? ઇશાને ધીમેથી સૂવડાવી..ઓઢાડી..ચારે તરફ એક નજર નાખી બધું બરાબર છે તે પાક્કુ કરી લઇ ઝિલ હળવેથી રૂમની બહાર નીકળી..પ્રાર્થનામાં તો જવું જ પડશે એની જાણ હોવાથી તે ગઇ. બાકી આજે દીદીને છોડી કયાંય જવું તેને ન ગમે…પણ સાંજની આ પ્રાર્થના તો દીદીનો પ્રાણ હતી. અને દીદી પોતાનો પ્રાણ. અને કેમ ન હોય ? આસપાસ દરેક વૃક્ષને મનભરીને નીરખતી…શ્વાસમાં અહીંની હવાની તાજગી ભરતી ઝિલ ધીમે ધીમે ચાલી રહી હતી. તેના અંતરમાં અતીતના દ્રશ્યો અનાયાસે ઉઘડી રહ્યા. મનમાં વિચારોની હારમાળા…. અને નજર સમક્ષ કેટલાયે દ્રશ્યો…..
સાત વરસની અનાથ હંસાને દીદી પોતાને ઘેર લાવ્યા હતા. અને હંસામાંથી પોતે ‘ ઝિલ ‘ બની હતી. પૂરા એક વરસ સુધી તો દીદીના સ્નેહની અધિકારિણી પોતે એકલી જ રહી હતી. પછી તેના જેવી જ બીજી બે છોકરીઓ આવી હતી. વનશ્રી અને જલશ્રી..દીદી બધાના નામ પણ કેવા સરસ પાડતા હતા. એક નવી પહેચાન..નવું વ્યક્તિત્વ અહીં બધા પામતા. અને પછી પાંચ છોકરીઓ. પછી સાત….અને વહેતા સમય સાથે પાંગરતી આ સંસ્થા….જોકે સંસ્થા કેમ કહેવાય ? આ તો એક સંયુકત કુટુંબ હતુ. એક મોટો પરિવાર હતો. દીદીએ આ ઘરનું નામ “ ઝિલમિલ “ રાખ્યું હતું. પોતે ઝિલ અને પોતાના ઘરનું નામ ઝિલમિલ…પોતે જાણે અહીંની માલિક…! આ ઘર..સંસ્થા જે કહો તે પોતાની નજર સમક્ષ પાંગર્યું હતું.
છતાં..કયારે.. કેમ..થયું હતું એની પૂરી સમજણ કયાં પડી હતી ? શરૂઆતમાં તો દીદી જ એકલે હાથે બધું સંભાળતા..પછી ધીમે ધીમે જરૂરિયાત વધતાં અન્ય વ્યક્તિઓ પણ જોડાઇ. પૂરા સમર્પણ સાથે….પૂરી નિષ્ઠા સાથે. સારા કાર્યમાં સારી વ્યક્તિઓનો સહકાર મળી જ રહેતો હોય છે. આ બધું કંઇ રાતોરાત નહોતું થયું. પૂરા સમર્પણ સાથે દીદીએ તેના તન, મન ,ધન..વરસો વાવ્યા હતા. જોકે “ઝિલમિલ “ ને સંસ્થા કહેવી તે તો તેનું અપમાન હતું. પોતાનું ઘર..કુટુંબ મોટું હોય..સહિયારું..સંયુકત હોય તો એને કોઇ સંસ્થા કેમ કહી શકે ? અહીં સંસ્થા જેવા કોઇ નીતિ નિયમો થોડા હતા ? અહીં તો એક વિશાળ પરિવાર અને તેની હૂંફ હતા. એક મોટા ઘરમાં દીદી તેમની દીકરીઓ સાથે રહેતા હતા. તે વહાલસોયી દીદી હતા.. વત્સલ મા હતા…પ્રેમાળ મિત્ર હતા.. કે નિષ્ઠાવાન ગુરુ હતા..બધી છોકરીઓના સર્વસ્વ હતા.
એક ઘરમાં જેટલા કાયદા કાનૂન હોય..જે શિષ્ત હોય..જે નિયમો હોય..બસ..તેટલા જ નિયમો અહીં હતા. સાચા અર્થમાં એક સંયુકત કુટુંબની ભાવના હતી. તેવું જ વાતાવરણ હતું. મોટું ઘર હોવાને લીધે જે વ્યવસ્થા જાળવવાની હોય તે જાળવવી પડતી. પણ સ્નેહની સુવાસ સતત સૌ અનુભવી રહેતા. સંયુકત કુટુંબની માફક પ્રશ્નો અહીં પણ આવતા રહેતા.. અને ઉકેલાતા રહેતા. “ઝિલમિલ “ માં ઉઠતા દરેક પ્રશ્નો અહીં સૌની હાજરીમાં ચર્ચાતા. અને ઉકેલ પામતા. સ્નેહની સરવાણી જયાં વહેતી હોય ત્યાં કોઇ પ્રશ્નના ઉકેલ બહું અઘરા કયારેય નથી હોતા.
આળસને અહીં સ્થાન નહોતું. ઝિલમિલમાં કોઇ છોકરી નવરી હોય જ નહીં. જાતજાતની વાનગીઓ બનાવતા પણ અહીં છોકરીઓ હોંશે હોંશે શીખતી. દરેક વિષયના નિષ્ણાત લોકો અહીં શીખડાવવામાં ગૌરવ અનુભવતા. કોઇ એક છોકરી માંદી પડે તો આખી ઝિલમિલ તેની સેવા કરવા તત્પર… માનવસહજ પ્રશ્નો ઉઠતા….કયારેક છોકરીઓમાં ઝગડા થતા…માલિકીભાવના, ટીન એઇજની સમશ્યાઓ. કે યૌવનને ઉંબરે ઉભેલ તરુણીઓની સમશ્યા..દરેક ઘરમાં આવતા પ્રશ્નો અહીં બાકાત કેમ રહી શકે ? પણ એકંદરે પ્રશ્નોનું પ્રમાણ ઓછું જ રહેતું. કેમકે દીદી પાસે જાણે જાદુઇ છડી હતી. પ્રેમની..સમજણની…ધીરજની છડી. અને તેથી પ્રશ્નો આસાનીથી હલ થઇ શકતા.
અને સજા થતી તો કોઇ નવો છોડ વાવવાની,..તેને ઉછેરવાની જવાબદારીની… કે પછી દીદી કહે તે પુસ્તક વાંચવાની અને તેના વિશે ટૂંકમાં લખીને પ્રાર્થનામાં સૌ સમક્ષ વાંચવાનું. દીદીની સજાઓ પણ હમેશા નવીન જ રહેતી. અહીં ચીલાચાલુ તો કયાં કશું હતું ?
પોતે અનાથ છે તેવી ભાવના તો અહીંની કોઇ પણ છોકરી કયારેય અનુભવી શકે નહીં. પ્રાર્થનાસ્થળ સુધી પહોંચતા તો ઝિલના મન:ચક્ષુ સમક્ષ એક એક દ્રશ્યો ઉઘડી રહ્યા.
ઝિલને આવેલ જોઇ સૌ ખુશખુશાલ થઇ ગયા. પ્રાર્થના પછી સૌ ઝિલને વીંટળાઇ રહ્યા. ઝિલ પણ સૌના સમાચાર પૂછતી રહી. ભૂમિદીદીએ ઇશાની તબિયતના સમાચાર વિગતવાર આપ્યા. તે પણ ઇશાની જેમ જ અહીં સમર્પિત હતા. અને અહીં જ મોટા થયા હતા. અને “ ઝિલમિલ “ છોડીને કયાંય જવાની ઇચ્છા તેમને નહોતી. તેથી અહીં જ રહ્યા હતા. નહીંતર છોકરીઓ મોટી થાય એટલે ઇશાદીદી તેમના લગ્ન માટે છોકરો શોધવા મથી રહેતા. એક કુટુંબમાં ઉંમરલાયક છોકરી માટે જે ચિંતા થાય તે જ ચિંતા અહીં ઇશાદીદી સૌ માટે કરતા. અને તેમના પ્રયત્નો કયારેય નિષ્ફળ નહોતા ગયા. જે રીતે પોતે અહીં આવનાર પ્રથમ છોકરી હતી. તેમ અહીંથી જનાર પણ પ્રથમ છોકરી બની હતી.
સૌ પ્રથમ તેના લગ્ન અહીં થયા હતા. એ દિવસની યાદોને જીવંત કરતી, વિચારના વમળમાં અટવાતી, આખું જીવન મનોમન ફરી એકવાર જીવી લઇ ઝિલ દીદી પાસે પહોંચી ત્યારે દીદી તેની પ્રતીક્ષા કરતા હોય તેમ બેઠા હતા.
’ મળી આવી બધા ને ? ‘
’ હા, અને બેઠા કેમ થયા હતા ? તમને સૂવાનું કહ્યુ હતું ને ? ‘
’ કેમ હું કંઇ જેલની કેદી છું ? ‘ મારાથી તારી રજા સિવાય હલાય નહીં ? ‘
’ જેલના નહીં.. મારા કેદી છો….હું કહું તેમ જ કરવાનું. અને તમે સાવ સાજા નહીં થાવ ત્યાં સુધી હું અહીંથી ખસવાની નથી. ‘
‘ આ સ્નેહ પાસે દીદી શું બોલી શકે ? ‘
અચાનક ઝિલ બોલી ઉઠી.
‘ દીદી, આજે તમારી પાસે એક વસ્તુ માગવી છે. આપશોને ? ‘
’ તને ના પાડવાની તાકાત મારામાં કયાં બચી છે ? બોલ, શું જોઇએ મારી ઝિલને ? ‘
’ ના, એમ નહીં..પહેલા પ્રોમીસ આપો. ‘
’ અરે, પ્રોમીસ આપવું પડે એવું તે વળી તું મારી પાસે શું માગવાની છે ? મારી પાસે જે છે બધા પર તારો પૂરો હક્ક છે. જોકે હવે તો મારી પાસે કશું આપવા જેવું બચ્યું પણ કયાં છે ? છતાં…તું કહે એ કર્યા સિવાય મારા માટે બીજો કોઇ વિકલ્પ નહીં હોય તેની પણ મને ખાત્રી છે. બોલ… શું જોઇએ તારે મારી પાસેથી ? ‘
’ જુઓ..દીદી.હું તમારી સૌથી પહેલી દીકરી…એટલે મારો હક્ક સૌથી વધારે ‘
’ કેમ મારી બીજી દીકરીઓ પણ મને એટલી જ વહાલી છે હોં. ‘ ’ હું કયાં એની ના પાડું છું ? પણ તમે વાત ઉડાવો નહીં. આજે મારે તમારી પાસેથી એક ગીફટ જોઇએ છે. બોલો આપશોને ? ‘ ઝિલ લાડથી બોલી
‘ હા, બસ..આપીશ..બોલ શું જોઇએ છે મારી દીકરીને મારી પાસેથી ? ‘
‘ પહેલા તો પ્રોમીસ..’
‘ ઓહ..એટલો બધો અવિશ્વાસ મારી પર ? ‘ થોડુ ખાંસતા ઇશા બોલી
ઝિલે દીદીને પાણી પીવડાવ્યું. ટેબ્લેટ ખવડાવી. ’ દીદી, કાલે વાત..આજે તમે શાંતિથી સૂઇ જાવ. મેં મૂરખની માફક તમને બોલબોલ કરાવ્યા કર્યું. ‘
ઝિલ થોડી ઢીલી પડી ગઇ. અને તેણે ધીમેથી દીદીને સૂવડાવ્યા.
’ ચિંતા ન કર..બોલ, શું માગતી હતી તું ? ‘
’ હવે કાલે વાત…’
’ કાલની કોને ખબર છે બેટા, તું યે પેલા યુધિસ્ઠિર જેવું બોલી. મારે ભીમની જેમ ઘંટ વગાડવો પડશે હોં..’
’ દીદી, મસ્તી નહીં. આજે તમે સૂઇ જાવ. ‘ ’ આજની વાત કાલ ઉપર નહીં છોડવાનું મેં જ તમને શીખવ્યું છે ને ? અને મને સારું છે..તું મારી ચિંતા કર્યા સિવાય બોલ..શું જોઇએ છે મારી દીકરીને આજે મારી પાસેથી ? ‘
’ દીદી, વરસોથી તમે એક ડાયરી રાખી છે…અને જીવની જેમ જાળવી છે તેની મને ખબર છે. આજે મારે એ ડાયરી જોઇએ છે. દીદી, મારે એ વાંચવી છે. તમે કયારેય કોઇને કશું તમારા વિશે કહ્યું નથી. દીદી, આજે મારે એ બધું જાણવું છે. કઇ વેદનામાંથી આ બધું તમે…..’
બોલતાં બોલતાં અચાનક ઝિલ મૌન..તેનું ધ્યાન દીદી પર ગયું. દીદીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો…..નીતરતા હતા.
’ સોરી..દીદી..મેં તમને દુ:ખ પહોંચાડયું ? નથી જોઇતી મારે એ ડાયરી..નથી જાણવું મારે કશું…..નથી વાંચવું મારે કશું. તમને દુ:ખ થાય એવું કશું મારે નથી કરવું. સોરી દીદી, મેં અઘટિત માગણી કરી . તમને દુ:ખ..વેદના થાય એવું તો હું કયારેય…’
ઝિલના અવાજમાં દીદીને દુ:ખ આપ્યાનો પસ્તાવો ઝલકતો હતો.
’ ના, બેટા, એવી કોઇ વાત નથી. તારો પૂરો હક્ક છે. મને હતું મારા શૈશવની એ વાત મારી સાથે જ……! પણ ના, આજે તેં માગી જ છે તો તારી ઇચ્છા હું જરૂર પૂરી કરીશ. પણ બેટા, એમાંથી દુ:ખ સિવાય કશું નહીં મળે તને.’
‘દીદી, મારે એ સિવાય કશું જોઇતું પણ નથી. મારે તમારી વેદનાના ભાગીદાર બનવું છે. ‘
બે પાંચ પળો મૌન… ’
જો સામે મારા કબાટમાં સૌથી નીચે એક ખાનુ છે. એમાં સફેદ રંગની એક ડાયરી દેખાશે. લઇ લે..અને અહીં જ બેસીને વાંચજે….’
એટલું બોલતા તો ઇશા હાંફી ગઇ.
દીદીને પાણી પીવડાવી..શાલ બરાબર ઓઢાડી ઝિલે કબાટનું ખાનુ ખોલ્યું. હાથમાં સફેદ ડાયરી હતી. એક ક્ષણ તે ડાયરી સામે જોઇ રહી.. પોતે નાની હતી ત્યારે આ ડાયરી દીદીના હાથમાં ઘણી વાર જોઇ હતી. ઇર્ષ્યા કરી હતી આ ડાયરીની તો. દીદી કેટલી સંભાળથી તેને પોતાની પાસે જ રાખતા. તેણે ડાયરી હાથમાં લીધી.. દીદીને બતાવી ’ઇશાએ મૌન રહીને જ હા પાડી.. એ જ..એ જ..’ અને તેણે આંખો બંધ કરી.
ઝિલે રૂમની લાઇટ બંધ કરી. ટેબલ પાસે રાખેલ નાનો રીડીંગ લેમ્પ ચાલુ કર્યો. દીદીની ઉંઘમાં ખલેલ ન પડે તેમ દીદીના પલંગ પાસે બેસી..ઝિલે ડાયરીના પાનાઓ ફેરવવાનું શરૂ કર્યું.
પચાસ વરસ પહેલાના અક્ષરો સ્વાભાવિક રીતે જ થોડા ઝાંખા પડી ગયા હતા.
તારીખ 2 જુન.
… ઇશા કે આઇશા..?
આજે આંખોમાં ઉંઘ નથી. કાલે મારો જન્મદિવસ છે. ઓગણીસ વરસ પૂરા કરી વીસમા વરસમાં પ્રવેશ. મમ્મી કહે છે તેમ મારી ટીન એઇજ પૂરી થઇ. ખરેખર પૂરી થઇ ? મને તો મારું શૈશવ કયારે આવ્યું કે કયારે સાતતાળી દઇ છટકી ગયું..એ પણ કયાં સમજાયું છે ? મારો જન્મદિવસ હમેશા ધામધૂમથી ઉજવાય છે. મમ્મી, પપ્પા કયારેય એમાં કોઇ કસર નથી છોડતા. હું બંનેને ખૂબ ખૂબ વહાલી છું..એમાં શંકાને કોઇ સ્થાન નથી. છતાં..છતાં શા માટે આ અજંપો ? શું ખૂટે છે જીવનમાં ?
આ ક્ષણે મારા મનમાં કાલના ઉત્સાહને બદલે ઉભરાય છે એક યાદ. નજર સમક્ષ ઉભરી રહ્યું છે એક ચિત્ર. ચાર વરસની એક ચંચળ છોકરી હસતી હસતી,નાચતી, કૂદતી સ્કૂલેથી આવી ને એક નિર્દોષ સવાલ પૂછે છે.
’ મમ્મી, હું ઇશા છું કે આઇશા ? ‘
મમ્મી જલદી જવાબ આપતી નથી. ફકત પુત્રીની આંખોમાં જોઇ રહે છે. પરંતુ ત્યાં તો નરી માસૂમિયત સિવાય કશું નથી.
‘ મમ્મી, જલદી કહે ને..મારી બહેનપણી આજે મને પૂછતી હતી..કે તારું સાચું નામ શું છે ? ઇશા કે આઇશા ? કેમકે સ્કૂલમાં મેડમ તો મને આઇશા જ કહે છે. મમ્મી, તું મને ઇશા જ કહે છે ને ? તો સ્કૂલમાં મને આઇશા કેમ કહે છે ? મમ્મી, મારું સાચું નામ શું છે ? ઇશા કે આઇશા ? ‘
એકી શ્વાસે પોતે કેટલું બોલી ગઇ હતી. બહેનપણીને બીજે દિવસે જવાબ આપવાનો હતો ને ?
પરંતુ ત્યારે કયાં જાણ હતી કે બીજે દિવસે બહેનપણીને તો નહીં……પરંતુ કયારેય પોતાની જાતને પણ જવાબ નહીં આપી શકે..!
ચાર વરસની નાદાન ઉંમરે શરૂ થયેલ એ પ્રશ્ન આજે વીસ વરસે પણ અનુત્તર જ રહ્યો છે. હવે તો પ્રશ્ન પૂછવાનું પણ બંધ થઇ ગયું છે. એવી હિંમત ફરી કયારેય કરી નથી..થઇ શકી નથી.
કયાંથી થઇ શકે ? તે દિવસે ઘરમાં મમ્મી,પપ્પા વચ્ચે આ પ્રશ્નને લઇને શરૂ થયેલ મહાભારત આજે પણ કયાં પૂરું થયું છે તે દિવસે ચાર વરસની ઉમરે મારા મનમાં પેસી ગયેલ એક ફડક આજે પણ અકબંધ છે. મમ્મી, તને એની જાણ છે ? પપ્પા તમારી લાડકી કેટલી હિજરાય છે તેનો એહસાસ કયારેય તમને થઇ શકયો છે ખરો ?
તેં મારું ધ્યાન બીજે વાળવાના પ્રયત્નો કર્યા હતા. પણ હું નાદાન ..ત્યારે એ કેમ સમજી શકું ? હું તો મારી ધૂનમાં હતી….’ મમ્મી, જલદી કહે ને..કાલે મારે મારી બહેનપણીને કહેવાનું છે. મારો એ જ પ્રશ્ન વારંવાર સાંભળી કદાચ તને ખાત્રી થઇ હતી કે આજે આ છોકરીને પટાવી નહીં શકાય. અંતે એકાદ ક્ષણ થોભીને મમ્મીએ જવાબ આપ્યો હતો,
’ બેટા, તું ઇશા છે..મારી ઇશા…’ અને પછી તું કંઇક બબડતી હતી. પરંતુ ત્યારે મારે માટે તો..હું ઇશા છું..એ જ મારું સાચું નામ છે..એટલો જવાબ પૂરતો હતો. હાશ ! હવે કાલે બહેનપણી ને કહી શકાશે…
પરંતુ ત્યાં જ અચાનક આવી ચડેલ પપ્પા આ સાંભળી ગયા અને તેમણે તરત કહ્યું ,
’ ના, બેટા, તારું સાચું નામ આઇશા છે. ‘ મમ્મી વિરોધ કરવા ગઇ..
અને બસ…..પછી તો શરું થયું તમારું કુરુક્ષેત્ર..! અને હું સ્તબ્ધ…મૂક સાક્ષી બની કંઇ સમજયા સિવાય એક ખૂણામાં ઉભી ઉભી ધ્રૂજતી હતી.
ચાર વરસની છોકરીની એ ધ્રૂજારી આ ક્ષણે પણ મારી અંદર મોજુદ છે.
મમ્મી..પપ્પા, તમને બેમાંથી કોઇને જાણ છે એની ?
એ પ્રશ્ન પણ આજે મારી છાતીમાં ઢબૂરાઇને અકબંધ પડયો છે.
એનો ખ્યાલ તમને છે ખરો ?
હું ઇશા કે આઇશા ?
મેં એવો કયો મોટો પ્રશ્ન પૂછી નાખ્યો હતો..તે ત્યારે તો કયાંથી સમજાય ? મેં તો ફકત મારું સાચું નામ પૂછેલ
એમાં પપ્પા,મમ્મી કેમ આમ…. ?
મેં શું ભૂલ કરી ? કયાં ભૂલ કરી ? કોને પૂછું ?
મમ્મી રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઇ હતી.
પપ્પા ગુસ્સામાં ઘરની બહાર.
અને હું ચિત્રવત્ ઘરની વચ્ચે એકલી અટૂલી ઊભી હીબકા ભરતી હતી….!
આજે પણ એ એકલતા અંદર જીવંત છે.
ઇશા કે આઇશા ?
વરસોથી મારી છાતીમાં ધરબાયેલ આ પ્રશ્ન આંખમાં લઇ ને સૂતી છું..
કે જાગી છું ….?
તારીખ…3 જુન..
….જન્મદિવસ…
આજે સ્વાભાવિક રીતે જ આખો દિવસ ખૂબ ધમાલ, મસ્તીમાં વીત્યો. થોડીવાર બધું ભૂલી જવાયું. ખૂબ સારું લાગ્યું. સારી ક્ષણો કેટલી ઝડપથી પસાર થઇ જાય છે. અને કપરી ક્ષણો…..? આજે બધા મિત્રો આવેલ. અક્ષત, મોના, આબિદ, નેહા,રેહાના, લોપા, ફલક, અને બધા જ. મમ્મી, પપ્પાએ બીજા પણ ઘણાંને બોલાવેલ.
પાર્ટી ખૂબ સરસ રીતે પૂરી થઇ. ખૂબ એન્જોય કર્યું. બધાને ખૂબ મજા આવી. મને પણ. મમ્મી પપ્પાએ એઝ યુઝવલ…સરસ રીતે બધું મેનેજ કરેલ.
છેલ્લે અંતાક્ષરી રમવામાં તો બધાનો ઉત્સાહ છલકયો. અક્ષત અંતાક્ષરી રમાડવામાં માહેર છે. અક્ષત મને ગમે છે. કયારેક કોઇ અમારી મસ્તી પણ કરે છે. જોકે હકીકતે અમારી વચ્ચે એવું કંઇ જ નથી. એવી કોઇ વાત અમે કયારેય કરી નથી. પરંતુ અક્ષત મને ગમે છે. તે સાથે હોય તે પળો મને ગમે છે. એનો ઇન્કાર કેમ થઇ શકે ? હું અક્ષતને ગમતી હઇશ ? અક્ષત અને હું કયારેક….??
આજે ખૂબ થાકી ગઇ છું. આનંદનો પણ એક થાક હોય જ છે ને ? આંખોમાં ઉંઘ ઘેરાય છે.
હવે શમણાની સફર…અને….
તારીખ 4 જુન..
ફરી એ જ રફતાર…
કાલે રાત્રે બહું લેઇટ થઇ ગયેલ..અને મમ્મી, પપ્પા અને હું.. બધા ખૂબ થાકી પણ ગયા હતા. તેથી કોણે શું ગીફટ આપી છે એ પણ જોવાયું નહોતું. આજે એ બધા રંગીન બોક્ષ મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. સવારે જલદી જલદી એક બાળકની ઉત્સુકતાથી હરખાતા હૈયે એક પછી એક બોક્ષ ખોલતી ગઇ. મમ્મી, પપ્પા પણ બાજુમાં જ બેઠા હતા. મારી અધીરતા જોઇ મલકાતા હતા.
મોટે ભાગે બધાએ મારી પસંદગીને લક્ષમાં રાખી હતી. મમ્મી, પપ્પાએ તો કાલે જ ડાયમન્ડની વીંટી આપી હતી.
અને અક્ષતે…અક્ષતે આપી હતી..એક મૉટી મજાની દુલ્હનની જેમ શણગારેલી ઢીંગલી…! આ અક્ષત પણ ખરો છે. નીચે લખેલ હતું.
“ .ઇશા..! “
મમ્મી, પપ્પા તો આ જોઇને ખૂબ હસ્યા..અક્ષતના મસ્તીખોર સ્વભાવથી તેઓ કયાં અપરિચિત હતા ?
એક પછી એક પેકેટ ખૂલતા રહ્યા. ફલકે મારી પ્રિય જગજીતસિંહની ગઝલનો પૂરો સેટ આપ્યો હતો. હું રાજી રાજી..! અચાનક સાથેના કાર્ડમાં ધ્યાન ગયું તો નીચે લખેલ હતું.. “ પ્રિય આઇશાને……”
અને પછી તો મારું ધ્યાન વસ્તુ કરતાં નીચે શું લખેલ છે એ જોવામાં જ…
અને ફરી એકવાર.. ‘ પ્રિય ઇશા… ‘ અને ‘ પ્રિય આઇશા…’
અને ફરી એકવાર ગહન ઉદાસી ………અને અંતરમાં અપાર ઉથલપાથલ…!
મારું પૂરું જીવન શું ઇશા અને આઇશા વચ્ચે અટવાતું..ફંગોળાતું રહેશે ? કયારેય આ વેદનાનો અંત નહીં આવે ? મારા પ્રશ્નો હમેશા અનુત્તર જ રહેશે ? કોઇ પાસેથી તેનો જવાબ નહીં પામી શકું ?
ઇશા કે આઇશાનો અર્થ મારે માટે ફકત એટલો જ કે મમ્મી કે પપ્પા..? અને કમનશીબે મને જોઇએ છીએ.. મમ્મી અને પપ્પા બંને..અને કદાચ એટલે જ મારો આ પ્રશ્ન વિકટ બનતો રહ્યો છે.
લાખ પ્રયત્ન છતાં હું એમાંથી બહાર ન આવી શકી. અને બિચારા મમ્મી, પપ્પા તો સમજી જ ન શકયા..કે અચાનક હું કેમ ઉદાસ થઇ ગઇ ?
કાશ..! હું સમજાવી શકતી હોત..! કાશ.! તેઓ સમજી શકતા હોત…
તારીખ 9 જુન
ટગ ઓફ વોર…
વચ્ચે ચાર દિવસ એમ જ પસાર થઇ ગયા. રોજ સૂતા પહેલાં ડાયરી લખવી જ એવું નક્કી કરેલ.
પણ એ ક્રમ તૂટી ગયો.
ખાસ કંઇ આ ચાર દિવસોમાં બન્યું નહોતું.
માણસની જિંદગીમાં રોજ રોજ નવું શું બની શકે ?
આજે કોલેજમાં વાર્ષિક રમતોત્સવ હતો..
સવારથી કોલેજમાં મોજ.. મજાક અને મસ્તીનું વાતાવરણ હતું. ખાલી કલાસરૂમો અને ભરચક મેદાન.
બાસ્કેટ બોલમાં અમારી ટીમ જીતી. તેનો ઉત્સાહ મનમાં છલકતો હતો
કે પછી અક્ષતનો સાથ મનમાં ઉત્સાહ જગાવતો હતો ?
નેહા તો આવીને કહે,
‘ અરે, ઇશા, તું તો કલાસમાં શોભે..અહીં તો અમારા જેવા હોય. તું અને રમતના મેદાનમાં ? ‘ પછી જાણે અચાનક અક્ષત સામે નજર પડી હોય તેમ કહે,’ ઓહ..! અક્ષત પણ અહીં છે ..! હવે સમજાયું. ‘
જોકે અક્ષત કંઇ એમ છોડે તેમ કયાં છે ? તેણે તો બિન્દાસથી જવાબ આપ્યો,
’ જે સમજવાનું છે તેટલું જ સમજ તો ઘણું..વધારેની જરૂર નથી. તેનો મૂડ પારખી નેહા ત્યાંથી દૂર ભાગી. હું મનોમન ખુશ થઇ. આજે આખા કાર્યક્રમને અંતે છેલ્લી ગેઇમ ટગ ઓફ વોર..રસ્સાખેંચ હતી. બંને તરફ જબરી રસાકસી હતી. એક ટીમ આ તરફ ખેંચતી હતી.
અને બીજી ટીમ બીજી તરફ.
કોઇ જલદીથી મચક આપતા નહોતા.
હું તો હતી માત્ર પ્રેક્ષક.!
પૂરા જોશ સાથે બંને ટીમ પોતાની તરફ રસ્સીને ખેંચતા હતા.
બંનેને સ્વાભાવિક રીતે જીતવું હતું.
મારું ધ્યાન કોણ જીતે છે તે જોવાને બદલે..રસ્સીનું શું થાય છે તે જોવામાં કેમ જતું હતું ?
રસ્સીની જગ્યાએ મને મારી જાત કેમ દેખાતી હતી ? અને બંને ટીમની જગ્યાએ મમ્મી…પપ્પા…
દોરડું બિચારું ખેંચાતું હતું. અને….
અને બંને પક્ષ આનંદ માણતા હતા..! તેને પોતાની તરફ ખેંચવાનો. બિચારી રસ્સીનો વિચાર કોણ કરે ?
ગમે તે જીતે……એના નશીબમાં હતું ફકત ખેંચાવાનું .
ઘડીકમાં આ તરફ અને ઘડીકમાં પેલી તરફ..
શું આ જ તેની નિયતિ હતી ?
કદાચ મારી પણ….. મન ઉદાસ ઉદાસ…..!
મારી નજર સમક્ષ બંને તરફ ખેંચાતી રસ્સી જ દેખાય છે.
રસ્સી છે કે હું પોતે ?
તારીખ દસ જુલાઇ..
ખાનદાન ઘરની દીકરી…!
સમય આકાશમાંથી ક્ષણો સરતી રહે છે.
આ ક્ષણે કયાંકથી મારું પ્રિય ગીત સંભળાઇ રહ્યું છે. “ મધુબનમેં રાધિકા નાચી રે…”
મારા આ પ્રિય ગીત સાથે પણ મારી તો ઉદાસીની પળો જ સંકળાયેલ છે ને ?
વરસો પહેલાનો એ દિવસ મારી અંદર આજે પણ અકબંધ…!
ડાન્સ શીખવો મારો પ્રિય શોખ.. ..ડાન્સ કરવો મને ખૂબ ગમતો. અને તેથી પાંચ વરસની ઉંમરે જ મમ્મીએ મને ડાન્સ કલાસમાં મૂકેલ. અને એવી નાની વાતમાં પપ્પાને પૂછવાની જરૂર તેને નહીં લાગી હોય કે પછી હું થોડું શીખી જાઉં ત્યારે તેમને સરપ્રાઇઝ આપવાના ઇરાદો હોય..જે હોય તે..પરંતુ પપ્પાને મેં ડાંસ કલાસ જોઇન કર્યા તે જાણ નહોતી.
અને એક દિવસ આ ગીત પર હું ઘરમાં પ્રેકટીસ કરી રહી હતી. અઠવાડિયા પછીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે. ત્યાં પપ્પા આવ્યા. પગમાં ઘૂંઘરું પહેરી હું કેસેટના શબ્દો પર ઉત્સાહથી થિરકતી હતી. મમ્મી સામે બેઠી બેઠી સૂચના આપતી જતી હતી.
ત્યાં… ’રાધિકા, આ શું માંડયું છે ? આ ઘર છે કોઇ કોઠો નથી..આ કોઇ મુજરાનું સ્થળ નથી..’
’ અરે, રહીમ, દીકરી નૃત્ય શીખે છે. સ્કૂલના પ્રોગ્રામમાં ભાગ લીધો છે તેથી.’
’ કયારથી આ બધું તૂત ચાલુ કર્યું છે… મારી જાણ બહાર ?’
’ એક મહિનાથી જ આ કલાસ ચાલુ કર્યા છે. તમને સરપ્રાઇઝ આપવાના જ હતા. અમે મા દીકરી..’
‘ એક ખાનદાની મુસ્લીમ ઘરાનાની દીકરી ડાન્સ કલાસમાં ? તેના દાદાને જાણ થશે તો શું કહેશે ?
‘ અરે, કયા જમાનામાં તમે જીવો છે ? આજે ડાન્સ તો..’
વચ્ચે જ પપ્પાનો મોટો અવાજ આજે પણ મારા કાનમાં જ નહી મારા સમગ્ર અસ્તિત્વમાં પડઘાય છે.
‘ કોઇ દલીલ આ બાબતમાં મારે નથી સાંભળવી..મારી દીકરીને આવા નખરા ન શોભે. પછી મારી તરફ જોઇ પપ્પાએ બૂમ પાડી, ‘ જા, જલદી તેના પગમાંથી આ કાઢ..’
અને પપ્પાની એ અણધારી ચીસે હેબતાયેલી હું……. અને આંસુભરી આંખે મારા પગમાંથી ઘૂંઘરુ કાઢતી મમ્મી…!
બંને ચિત્ર મારા મનમાંથી આજે વરસો પછી પણ કયાં ભૂંસાઇ શકયા છે?
તે દિવસે તો વાત ત્યાં અટકી ગઇ. પરંતુ પછી મહાભારતનું યુધ્ધ ફરી એકવાર… ! આકાશમાં ઉડાન ભરવા મથતી હોંશભરી એક બાળકીની પાંખો કપાઇ ગઇ હતી.
અને મારા ડાન્સ કલાસ હમેશને માટે બંધ. સદીઓથી ચાલી આવતી પરંપરાની માફક સમાધાન કરવાનું સ્ત્રીને ભાગે આવ્યું હતું.
અને મારામાં તો કોઇ પ્રશ્ન પૂછવાની હિમત પણ કયાં બચી હતી ?
હું કયાં શું ભૂલ કરું છું.તે મને કયારેય સમજાતું નહીં. અને મહાભારતનું યુધ્ધ તો અવારનવાર છેડાતું રહેતું. મને એટલી સમજણ જરૂર પડતી કે જે પણ થાય છે તેના મૂળમાં હમેશ હું જ…મારા કોઇ વાંક ગુના વિના તમારા બંનેના યુધ્ધનું નિમિત હું અને માત્ર હું…..!
અને આ ભાન આવવાથી મારા પ્રશ્નો ઓછા થતાં ગયા..અને પાંચ વરસની એક નાદાન, અબૂધ બાળકી એકાન્તના કોચલામાં અભાનપણે સરકતી ગઇ. કાચબાની માફક અંગો….ઇચ્છાઓ સંકોરી જીવતી થઇ. એક ઊડતું પતંગિયુ સ્થિર..ડાહ્યું ડમરું બની ગયું.
આજે આ ગીત સંભળાતા હું ફરી એકવાર યાદોના એ અડાબીડ જંગલમાં એકલી અટૂલી…….
તારીખ વીસ જુલાઇ..
મેઘધનુષી સપના…
આજથી કોલેજમાં ચાર દિવસની વાંચવાની રજા છે. વાંચીવાંચીને થાકી હતી. ત્યાં જ અક્ષત આવ્યો.’ઇશા, ચાલ થોડી વાર બહાર આવવું છે ? ફ્રેશ થવા ? ‘ મેં મમ્મી સામે જોયું. તેની મૌન પરમીશન મળી. અને હું અક્ષત સાથે બહાર.
અક્ષતની બાઇક પવન સાથે શરત લગાવી હોય તેમ ઊડતી રહી. હું એક અકથ્ય આનંદ સાથે આ બેફામ સવારીનો આનંદ માણી રહી. અક્ષત પાછળ ફરી કયારેક પૂછતો, ’ ઇશા, ડર નથી લાગતો ને ?’ અક્ષત સાથે હોય ત્યારે મને કોઇ ડર કયારેય લાગતો નથી. પરંતુ મેં એવું કંઇ કહ્યું નહીં. એક મૌન,ધીમું હાસ્ય. અક્ષતની કમરને સ્પર્શી ને બેસેલ હું..
આ કયો રોમાંચ મારી અંદર ઉઠતો હતો. અક્ષતના સ્પર્શનો કેફ હતો આ ? અક્ષત પણ આવું કશું અનુભવતો હશે ?
અક્ષત હસતો હસતો વાતો કરતો જતો હતો. આટલી બધી વાતો કયાંથી ઊડીને તેની પાસે આવતી હશે ? મને તો વાતો કરવાની બહુ ઇચ્છા હોય તો પણ બે ચાર શબ્દોથી આગળ વાત કરતાં આવડતી જ નહીં. મનમાં તો અઢળક વાતો છલકતી..પણ શબ્દો બની બહાર આવે તે પહેલા ઝાકળની માફક…
કાશ ! મારી વણબોલાયેલ વાતો અક્ષત સાંભળી શકતો હોય તો…?
દરિયાકિનારે પહોંચી અક્ષતે બાઇક ઉભી રાખી. અને હું મારી તન્દ્રામાંથી ચોંકીને જાગી.
અક્ષત કેટલું યે બોલી રહ્યો હતો. અને મારે માટે તો તેનો દરેક શબ્દ એટલે જીવંત કવિતા !
ખડખડાટ હસતા અમે બંને ગોઠણ સમાણા પાણીમાં ઉભી મોજાની છાલકથી છલકતા હતા. પગ નીચેથી રેતી સરતી હતી કે સમય…? અક્ષત સાથે હોય ત્યારે સમયનું ભાન કયાં રહે છે ? અચાનક અક્ષતે જોશથી પાણીની છાલક મારા ચહેરા પર….અને હું આખી લથબથ…પાણીથી કે…?
કૃત્રિમ ગુસ્સાથી મેં અક્ષત સામે જોયું. તે ખડખડાટ હસતો હતો. અને હું તેના હાસ્યમાં…… પછી તો ડૂબતા સૂરજની સાખે, ઊછળતાં મોજાઓની સંગાથે, અમારો કિલ્લોલ દિગંતમાં રેલાઇ રહ્યો. સૂરજદાદાએ વેરેલ ગુલાલના છાંટણા પશ્વિમ આકાશમાં હજુ મોજુદ હતા..હું અને અક્ષત હાથ પકડી એ ગુલાલના રંગમાં રંગાતા હતા કે શું ?
અત્યારે તો રાતના દસ વાગ્યા છે. મારી અંદર આ ક્ષણે પણ તે ગુલાલના છાંટણા….અને તેનો મેઘધનુષી રંગ અકબંધ છે.
તારીખ..14 ઓગષ્ટ
…..ચકી લાવી ચોખા દાણો…
એક હતી ચકી..અને એક હતો ચકો.
ચકી લાવી ચોખા દાણો..અને ચકો લાવ્યો મગનો દાણો.
અને પછી બની ખીચડી.. આ વાર્તા શૈશવમાં કેટલીવાર સાંભળી હતી. કયા બાળકે નહીં સાંભળી હોય ? શૈશવનું સૌથી નજીકનું, સૌથી પરિચિત પાત્ર દરેક બાળક માટે કદાચ ચકી,ચકો જ હશે તેવું મને તો લાગે છે. આજે આ વાર્તાની યાદ મનમાં રમી રહી છે. મગ અને ચોખા તો જીવનમાં ખૂબ મળ્યા..પરંતુ મારે તો જોઇએ ખીચડી..મગ ચોખા અલગ નહીં…જે મને કયારેય મળી નહીં. મારી અતિ સંવેદના..ભાવુકતાને લીધે હું આજ સુધી ખીચડીની પ્રતીક્ષામાં ઝૂરી રહી છું. મગ ચોખાનું અલગપણું મને મંજૂર નથી..અને ખીચડી કદાચ મારા ભાગ્યમાં નથી.મારા ભાગ્યમાં છે ફકત એનો ઝૂરાપો…
આજે માળો બનાવતી ચકીને જોઇ મન ફરી એકવાર …. કાશ મમ્મી, પપ્પા સાચા અર્થમાં એક થઇ શકયા હોત !
આજે ફરી એકવાર એ અકલ ઉદાસીનું આવરણ મારા તન મનમાં છવાઇ ગયું છે.
સામે કાચના કોર્નર પર બેસીને અક્ષતે આપેલ “ ઇશા” મારી સામે મંદ સ્મિત વેરી રહે છે. તો બાજુમાં ‘ પ્રિય આઇશાને..’ લખેલ એક પુસ્તક મારી સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિ દોડાવતું રહે છે.
તે દિવસે સ્કૂલમાં બહેનપણીને મારું સાચું નામ કયું છે તેનો સ્પષ્ટ જવાબ કયાં આપી શકી હતી ? કંઇક ન પૂછવાનું પોતે પૂછી નાખ્યું હતું. અને તેને લીધે મમ્મી, પપ્પા વચ્ચે દિવસો સુધી ઝગડો રહ્યો હતો અને હું ગુનાહિત લાગણી અનુભવતી એક ખૂણામાં જાતને ઢબૂરીને ચૂપચાપ બેસી ગઇ હતી… આજે પણ..એ ખૂણો કયાં છૂટી શકયો છે ?
આજે કારણોની તો જાણ છે મને….પરંતુ મમ્મી, પપ્પા માટે આટલો પ્રેમ, લાગણી છતાં…કયારેક તે બંનેને ઝકઝોરી નાખવાનું મન થઇ આવે છે. તેમને હચમચાવીને પૂછવાનું મન થઇ આવે છે..’તમે બંને તમારો ધર્મ છોડી નહોતા શકવાના..તો શા માટે એક થયા ? પોતાના ધર્મ પ્રત્યે જો આટલી મમત હતી તો શા માટે..જીવનભર માટે જોડાણા ? શા માટે મને જન્મ આપ્યો ? શા માટે મને ફકત મુસ્લીમ કે ફકત હિન્દુ ન બનવા દીધી ?
શા માટે મને બંને વચ્ચે ત્રિશંકુની માફક લટકતી રાખી ? શા માટે મારું..એક નાનકડી બાળકીનું….તેની લાગણીઓનું વિભાજન કરતા રહ્યા ? એ અણસમજુ ઉમરે શા માટે મારા મનમાં અનેક અનુત્તર પ્રશ્નો જગાવતા રહ્યા ? જે પ્રશ્નોના જવાબ તમે નહોતા આપી શકવાના તે પ્રશ્નો મારા મનમાં શા માટે જગાવ્યા ? ઇશા કે આઇશા એ સમાધાન તમે જિંદગી આખી ન કરી શકયા..તેનો ઓથાર મારી પર શા માટે ? કયા ગુનાની આ સજા મને મળી રહી છે ?
આજે આ ચકલીના માળાને જોઇ ફરી એકવાર હૈયુ વલોવાઇ રહ્યું છે. એક અજંપો પ્રાણમાં ઉમટયો છે.. મારો કોઇ અલગ માળો કયારેય બની શકશે ખરો ? કે પછી માળો બનાવવા જતાં મારે પણ જીવનભરનો હિજરાટ…! અને કોઇ બીજી ઇશા.. આઇશાનો જન્મ ? અને… …અને ફરી એકવાર .. અંદરથી જાણે કોઇ ચીખી ચીખીને મને પૂછી રહ્યું છે…કોણ છે તું ? ઇશા કે આઇશા ?
એ જ સદાના સાથી..સંગી..અનુત્તર પ્રશ્નો…!
તારીખ 24 ઓગષ્ટ
શા માટે ? આખરે શા માટે ?
આજે પપ્પા ઓફિસના કામે બહારગામ ગયા હતા. મમ્મીએ ઘરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા રાખી હતી. કદાચ પપ્પા નહોતા તે તક મમ્મીએ ઝડપી લીધી હતી. નાનપણથી હું જોતી આવી છું.. મમ્મી આવું બધું પપ્પાની ગેરહાજરીમાં જ કરી લે છે. પપ્પાને આવું કશું પસંદ નથી. મનમાં એક પ્રશ્ન પણ જાગે છે..આટલું ભણ્યા પછી પણ માનવી પોતાના સંકુચિતતાના વાડામાંથી કેમ બહાર નહીં આવી શકતો હોય ? આધુનિકતાની વાતો કરતો માનવી પોતાના પગ નીચે રેલો આવે ત્યારે…. અને આ પળે બીજો એક વિચાર પણ આવે છે. અને મનમાં વિદ્રોહની એક ભાવના ઉઠે છે. બધું પપ્પાને ગમે તેમ જ કરવું જોઇએ બધાએ ? કયારેક મારે પણ…કોઇની ઇચ્છા મુજબ મારી જિંદગી જીવવાની આવશે ?
પપ્પા ઇદ ઉપર રોજા રાખે છે. હમણાં સુધી મને પણ કયારેક રખાવતા. પરંતુ હવે એવો કોઇ આગ્રહ નથી રાખતા. જોકે હું સામેથી રાખું તો એ બહું ખુશ થાય છે. પરંતુ મમ્મીને બહું ગમતું નથી. એ કહેતી તો કશું નથી. પણ ઘણી વાતો કહ્યા સિવાય પણ સમજાઇ જતી હોય છે. પપ્પા રોજા રાખે..મમ્મી અગિયારસ રાખે છે. અને હું…?
ખેર! હા, આજે કથામાં મજા આવી. મને તો તેની પૂજા કરાવે એ બહું ગમે. એ ષ્લોકો સાંભળવા મને ખૂબ ગમે છે. આંખો બંધ કરી હું બેસી રહું છું. ત્યારે મનનો બધો પરિતાપ શમી જાય છે. મનમાં ઉઠતાં પ્રશ્નોની ઉથલપાથલ શાંત થઇ જાય છે. જોકે નમાજ પઢતા પણ મને પપ્પાએ શીખડાવી છે. અને મને તો એમાં યે કોઇ વિરોધ કયાં છે ? પણ ખબર નહીં… મમ્મી જે ભજન..આરતી વિગેરે ગાય છે..એ કદાચ વધારે ગમે છે…મારા મનને એ વધુ સ્પર્શે છે. કદાચ નાનપણથી મમ્મી સાથે રહેવાનું વધું થયું છે તેથી હશે ?પપ્પા તો સવારે જાય અને સાંજે આવે…જોકે પપ્પા ઘરમાં હોય તેટલી વાર તેમનો બધો સમય મારે માટે જ હોય.મારી સાથે રમે, જમે, લાડ કરે..મારી દરેક ફરમાઇશ અચૂક પૂરી થાય જ. આવા પ્રેમાળ પપ્પા ધર્મની વાત આવે ત્યારે…?
નાની હતી ત્યારે વેકેશનમાં પપ્પા હમેશા ફરવા લઇ જતા. પણ કોઇ જગ્યાએ મંદિર હોય ત્યાં જવાની વાત આવે એટલે….. જોકે મમ્મીને મંદિરમાં જવાની ના ન પાડતા..પરંતુ મમ્મી મને સાથે લઇ જાય તે સામે વિરોધ કર્યા સિવાય રહી શકતા નહીં. હું જાઉં એ પપ્પાને જરાયે ન ગમતું.
ધર્મમાં આવા ભેદભાવ કોણે કર્યા હશે ?
દાદાને ત્યાં જતી ત્યારે દાદા હમેશા ભારત,પાકિસ્તાનના ભાગલા સમયે હિંદુઓ વડે થયેલ અત્યાચારની વાતો..તેને લીધે પોતાના કુટુંબને કેટલું સહન કરવું પડયું હતું.. તે વ્યથાની વાતો અચૂક કરે જ.
એક ઝનૂની હિંદુ ટોળાએ કઇ રીતે તેમની બહેન પર….! કેટલી દારૂણ વ્યથામાંથી તેમને પસાર થવાનું આવ્યું હતું..વિગેરે વાત કરતાં ત્યારે તેમની આંખોમાં ભીનાશ તરી આવતી હતી.
પરંતુ એ જ ભીનાશ નાનાજીની વાતોમાં પણ કયાં નહોતી જોઇ ?
કઇ રીતે..મુસ્લીમોએ તેમના ઘર સળગાવેલ અને કેટલી વ્યથાઓ વેઠી ને તેઓ ભાગી છૂટયા હતા…આ બધી વાતો અનેકવાર સાંભળી છે. પોતપોતાની રીતે બંને સાચા છે. છતાં બંને ખોટા છે..કયાંક ભૂલ કરે છે એમ કહેવાની ઇચ્છા થઇ આવે છે. ત્યારે એ સમય અને સંજોગોના ચક્કરમાં હજારો હિંદુઓ અને મુસ્લીમોએ એકબીજાના અત્યાચારો સહન કર્યા હતા. પરંતુ એ બીજ આજ સુધી જીવંત રાખી ને..તેને નવી પેઢીને વારસામાં આપતા રહેવાનો કોઇ અર્થ ખરો ?
આમાં મારા જેવા કેટલા નિર્દોષ લોકો આજ સુધી જાણ્યે અજાણ્યે સહન કરી રહ્યા હશે..તેમનો કોઇ અંદાજ કયારેય કોઇને આવી શક્તો હશે ખરો ?
અતીતની મરુભૂમિમાંથી બહાર આવવાના પ્રયત્નો માનવી કેમ નહીં કરી શકતો હોય ?
પપ્પા..મમ્મીએ તો આ કંઇ નજરે કયાં જોયું છે ? ફકત ઘરમાંથી બધાની વાતો સાંભળીને જ..વૈમનસ્યના આ બીજ આટલા ઊંડા ગયા હશે ને ? અને તેથી આટલા પ્રેમ છતાં ધર્મ માટે કોઇ સમાધાન કરવા તૈયાર નથી. નાનપણથી કટ્ટર વાતાવરણમાં મોટા થયા હશે ને ? બધા ધર્મ સમાન છે તેની વાતો કરી શકે છે. પણ…
મનમાં અગણિત વાતો આ ક્ષણે છલકી રહી છે. મારે તો અણસમજુ અવસ્થાથી જ કેટકેટલા પ્રસંગોએ આ વાત માટે શોષાવું પડયું છે. તેને કલ્પના પણ કયાં કોઇને છે ? આજે હું…જેને એ બધા સાથે કોઇ સીધી નિસ્બત નથી..છતાં વિભાજન વખતની એ વ્યથાના ફળ ભોગવી રહી છું ?
રોજ રાત પડે..ડાયરી હાથમાં લઉં…અને આખો દિવસ જાત પર ઓઢેલ અંચળા..મહોરા અનાયાસે ખરી પડે અને મારી સંવેદનાઓ શબ્દો બની આ પાનાઓમાં છલકાતી રહે છે. એનો કોઇ અંત…આરો કે ઓવારો..કોઇ કિનારો..કોઇ માઝી હશે કે નહીં ? કે આમ જ મઝધારમાં…. પ્રશ્નો…સતત પ્રશ્નો…..અનુત્તર પ્રશ્નો…
તારીખચોવીસસમ્ટેમ્બર
મનનો માળો…
હવે ડાયરી લખવાનું બિલકુલ અનિયમિત થઇ ગયું છે. બસ.. કયારેક મન થાય છે ત્યારે અનાયાસે હાથમાં લેવાઇ જાય છે. જોકે આજે પ્રથમ વાર કદાચ આ પાનાઓમાં ઉલ્લાસ..રોમાંચ,આનંદના શબ્દો છલકશે. આજ બધું એ જ છતાં બધું જ નવું..
“ આજ મદહોશ હુઆ જાયે રે… મેરા મન….” આજે અચાનક આ કયું પૂર ઉમટયું છે મારા અસ્તિત્વમાં ? પ્રાણમાં આ કઇ ખુશી ઉમટી રહી છે ?
ગઇ કાલે મઝધારમાં ગોથા ખાતી હતી. અને આજે….. ? સમયની વામન ક્ષણમાં વિરાટ શકયતાઓ ભરેલી હોય છે એનો એહસાસ આ ક્ષણે કરી રહી છું. આજે તો મનના નાનકડા માળામાં માનસરોવરના નિર્મળ ખળખળ વહેતા નીર…કેમ સમાવું ? કયાં સમાવું ? મૂંઝવણનો પ્રકાર એક રાતમાં બદલાઇ શકે ?
આજે સવારે ઉઠી ત્યારે સૂર્ય તો રોજની જેમ જ ઉગ્યો હતો. પરંતુ આજે એના દેદીપ્યમાન કિરણો મારા માટે કોઇ નવો સંદેશ લઇ ને આવ્યા હતા તેની જાણકારી તો છેક આથમતા કિરણોએ જ વિદાય લેતી વખતે આપી.
જીવનમાં કઇ પળ ટર્નીગ પોઇન્ટ બનીને આવે છે એ કોણ જાણી શકયું છે ? આજે મારા જીવનમાં પણ આ પળ કોઇ બદલાવ..સુખદ બદલાવ લાવી છે ? આજે બધું સુંદર સુંદર…. યૌવનનો ઉન્માદ…રોમાંચ એટલે શું ? એ એહસાસ અક્ષતની હાજરી અચૂક કરાવી જાય છે. હું મીણની પૂતળી સમ ઓગળી રહું છું એ ક્ષણોમાં કે પછી અક્ષતમાં ? આ પ્રેમ હશે ? શું અક્ષત પણ મને…? ગઇ કાલ સુધી શંકા હતી..પ્રશ્ન હતો.આજે અક્ષતના પ્રસ્તાવે એના પર મંજૂરીની મહોર લગાવી દીધી.. અને અક્ષત અને હું….હું અને અક્ષત….! બસ..દુનિયામાં અન્ય કોઇનું અસ્તિત્વ રહ્યું છે ખરું ?
મને તો હતું. વિધાત્રી મારા હાથમાં સુખની કોઇ લકીર આંકતા ભૂલી ગઇ છે. પણ કાલે રાતે તેણે કદાચ પોતાની એ ભૂલ સુધારી લીધી છે. અને રાતોરાત ….. મારી હથેળી તો ઝગમગ.. ઝગમગ…એક રાતમાં હથેળી બદલાઇ ગઇ કે શું ?
અક્ષતને તો મારા ફેમીલીની બધી માહિતી છે જ.
અક્ષતે આજે સાંજે મૂકેલ લગ્નનો પ્રસ્તાવ..તે કહે,
‘ઇશા, હું તારા જવાબની રાહ જોઇશ..
‘ અરે, જે પળની પ્રતીક્ષામાં હું….તે પળની હજુ રાહ જોવાની ? ‘
ડૂબતા સૂરજની સાક્ષીએ,ઊછળતા મોજાના ઘૂઘવાટની હાજરીમાં હાથમાં હાથ પરોવી હુ અને અક્ષત એકબીજાના હાથમાં હાથ પરોવી એકમેકની આંખોમાં પડતા પ્રતિબિંબને…….જીવન કેટલું અદભૂત છે…ઠંડી હવા, ઝૂમતા વૃક્ષો,પંખીના ટહુકા, મોરનો કેકારવ…પારિજાતનો પમરાટ…આ બધું વાતાવરણમાં કે મારી છાતીમાં ?
આજથી ઇશા બદલાશે….મારા અનુત્તર પ્રશ્નોનો ઉત્તર મને સાંપડશે….કે કદાચ એ ઉત્તરશોધવાની આવશ્યકતા જ નહીં રહે… મારા માટે તો દરેક પ્રશ્નનો ઉત્તર હશે અક્ષત….મારો અક્ષત..” .મારા “ શબ્દ સાથે આટલો…..આવો રોમાંચ સંકળાયેલ હોય છે એની તો મને જાણ પણ કયાં હતી ? ઇશા કે આઇશા..મમ્મી કે પપ્પા..? આ બધા ચક્કરમાં ગોળગોળ દિશાહીન ઘૂમતી હું……આજે મને દિશા જ નહીં ..મંઝિલ મળી ગઇ છે ? ખરેખર આ સત્ય ? પરમ સૌભાગ્યની આ પળે મનમાં આશંકા શા માટે ? ઇશ્વર કે અલ્લાહ મેં તો તમને બંને મારા માન્યા છે એના સાક્ષી તમે છો જ. પપ્પા સાથે ભાવથી નમાજ પઢી છે તો મમ્મી સાથે એ જ શ્રધ્ધાથી મંદિરની આરતી પણ કરી જ છે ને ? આજે આ ક્ષણે એટલું જ કહીશ…મારા આ ઉત્સાહને અખંડ રાખજો… જીવનની શરૂઆતમાં જ હું થાકી ગઇ છું. હવે મને..મારા અજંપ મનને વિસામો આપશોને ?
આજે આ ડાયરીના પાના પણ જાણે હરખાઇ ઉઠયા છે. કદાચ આજે એને યે પહેલીવાર ઉલ્લાસના અક્ષરો સાંપડી રહ્યા છે.
બસ…હવે જીવન આમ જ…દિવસો સોનેરી અને રાતો રૂપેરી..શમણાઓ મેઘધનુષી. અને દરેક ક્ષણ સુરભિત સુરભિત…….થનગનતી એક ખિસકોલી મારામાં પ્રવેશી ગઇ છે કે શું ? આ કઇ ચંચળતા ? આજે રાત્રે ઘેર આવે ત્યારે ઘરમાં વિનાકારણ મારે ઉડાઉડ જોઇ મમ્મી કહે, ‘ શું છે ઇશા ? આજે તું બદલાયેલી કેમ લાગે છે ? ‘ મમ્મી કંઇ પામી ગઇ છે કે શું ? માની આંખો…માની દ્રષ્ટિને દીકરીનો બદલાવ પારખતા વાર કેટલી ?મારા પ્રત્યેક અણુમાંથી છલકતા હરખને કે પછી મારામાંથી ઉઠતા અક્ષતના નામના પોકારને તે સાંભળી ગઇ છે કે શું ? કે પછી મારી ઉછળકૂદે ચુગલી કરી દીધી ?
ઘરમાં થોડા દિવસ પછી કહેવાનું અક્ષતે કહ્યું છે. તે પોતાને ઘેર વાત કરી લે પછી મારે કહેવાનું છે. કેમકે મારે ઘેર તો કોઇ વિરોધ નડવાનો નથી તેની અમને જાણ છે. મમ્મી પપ્પાને અચાનક સરપ્રાઇઝ આપીશ ત્યારે …?
કાલે ગમગીનીના ઓથારમાં નીંદરરાણી પાસે નહોતા ફરકતા…અને આજે ખુશીના સૈલાબમાં….!
તારીખ 5 ઓકટોબર..
પ્રતીક્ષાની કયારી…
હવે મારા અણુએ અણુમાં અક્ષતે અડ્ડો જમાવ્યો છે. હમણાં રોજ સાંજે હું ને અક્ષત સાથે જ હોઇએ છીએ…એ થોડા સમયમાં જાણે યુગો સમાઇ જાય છે. ખળખળ વહેવાનું પણ ભૂલી ગયેલ એક નદીએ સાગર ભણી દોટ મૂકી છે. એને દિશા મળી ગઇ છે. હવે તો મંઝિલે પહોંચવાની જ વાર છે. સાગરનો દૂરથી આવતો ઘેરો રવ કાનમાં જ નહી તેના સમગ્ર અસ્તિત્વમાં પડઘાય છે. દસે દિશાઓથી એક જ સાદ ઉઠે છે…”અક્ષત..” આ કયો પોકાર છે ? આ કઇ યુગો જૂની પ્યાસ છે ? કે પછી સહરાની તરસ છે.
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે..’ આવું કયાંક વાંચેલુ મનમાં અથડાઇ રહ્યું છે. મમ્મી જાણશે ત્યારે ખાસ ખુશ થશે કેમકે અક્ષત હિંદુ છે. પપ્પાને બહું ગમશે નહીં… પણ મારી ખુશીને માથે જરૂર ચડાવશે. અક્ષત મુસ્લીમ હોત તો પણ મને કોઇ ફરક નહોતો પડવાનો. અક્ષત હિંદુ છે એ મારે માટે એક સંયોગ જ છે. પપ્પા કદાચ આ માટે મમ્મીને જવાબદાર ઠેરવે એવું પણ બને..અને તો…તો ફરી એકવાર મહાભારત….મારા નિમિત્તે…
એવું કશું ન બને એ માટે પપ્પાને પહેલા સમજાવવા પડશે..હવે હું નાની નથી. પપ્પાને જરૂર કહી શકીશ. મમ્મીએ મારે માટે ઘણું વેઠયું છે. બસ,..હવે નહીં..મારી એકલતાના કોચલામાંથી હમણાં બહાર નીકળી શકી છું. તેથી જ આવો વિચાર આવી શકે છે. વાદળછાયો ગોરંભો ધોવાઇ જતાં આકાશની જેમ મન પણ સ્ફટિક જેવું નિર્મળ બની ગયું છે.જે વાત અત્યાર સુધી નહોતી જોઇ શકાતી તે આજે દીવા જેવી સ્પષ્ટ….આંખ અને મન સમક્ષ એક ઉજાસ ઉઘડતો જાય છે.
કાલે અક્ષત તેના ઘરમાં મારી વાત કરવાનો છે. અમારા પ્રેમની વાત કરવાનો છે. લગ્નની વાત કરવાનો છે. અને પછી…? બસ..પછી..શરણાઇના સૂર..સપ્તપદીના સાત પગલા…આ આસમાને પણ રૂપેરી ઓઢણી ઓઢી લીધી છે. અને કેવુ મલકી રહ્યું છે. બારીમાંથી દેખાતુ આ સૌન્દર્ય આજ સુધી કેમ મારી સમક્ષ અગોચર જ રહ્યું? દ્રષ્ટિનો અભાવ કે બીજુ કશું ? વરસો સુધી મારી એકલતાના કોચલામાં બંધ રહ્યા બાદ…સતત એક વલોપાતમાં જાત સાથે ઝઝૂમ્યા બાદ આજે જાણે સઘળો સંતાપ અદ્રશ્ય થઇ રહ્યો છે. અને અંતર એક નવી જિંદગીને આવકારવા અધીર બન્યું છે. એક મીઠી પ્રતીક્ષા….નવી દિશા..નવી,..વિસ્તરતી ક્ષિતિજો….કોઇ પ્રશ્નો નહીં..સઘળી વ્યથાઓનો અંત. બસ..હું અને અક્ષત….અક્ષત અને હું…..! નવો ઉલ્લાસ….નવી આશા..નવા ઉમંગો…અને…..અને…..વિશ્વ આટલું સુંદર છે..માણવાલાયક છે..ચાહવાલાયક છે તેની જાણ આજે જ થવા પામી છે કે શું ?
તારીખ 15 ઓકટોબર..
ઉત્સાહના ઓસરતા પૂર..
ભાવિના ગર્ભમાં શું છૂપાયેલું છે તેનો પાર કોઇ પામી શકયું છે ખરું ? ઉત્સાહનું ક્ષણિક પૂર ઓસરી ગયું. અને આંખો સામે ફરી એ જ અંધાર.. બધું પૂરુ થઇ ગયું. એક તોફાન…એક ઝંઝાવાત…વાવાઝોડુ ..ધરતીકંપ..જે કહો તે સઘળુ એકી સાથે જીવન પર ત્રાટકે ત્યારે….? અક્ષત….કદી ભૂંસાઇ ન શકે તેવું એક નામ…….કયાં ..કેવી રીતે..કયારે અદ્રશ્ય થઇ ગયું ?
તે દિવસે કેવી ઉત્સાહથી સરસ તૈયાર થઇ હતી..અભિસારિકાની માફક શણગાર સજીને અક્ષતને મળવા…આતુર…અધીર બનીને ગઇ હતી. આજે અક્ષતે તેના ઘેર વાત કરી હશે…અને કદાચ તે આજે મને પોતાને ઘેર લઇ જશે..તેના મમ્મી, પપ્પાને મળવા…હું શું વાત કરીશ ? કેમ કરીશ ? કલ્પના માત્રથી લજ્જાનું મીઠુ આવરણ અસ્તિત્વને ઘેરી વળ્યું હતું.
હમેશની અમારી જગ્યાએ અક્ષત મારી પ્રતીક્ષામાં ઉભો હતો.દૂરથી જ તેને જોઇ હું જાણે નવવધૂના ડગલા ભરતી દુલ્હન… મારી ચાલ ધીમી..ને અંતર ઉતાવળુ….
અક્ષતની લગોલગ પહોંચી ત્યારે મારા હૈયાના ધબકારા વધી ગયા હતા. મારા શ્વાસોછ્શ્વાસની ઉષ્મા અક્ષત સુધી જરૂર પહોંચી હશે. સુરભિત શ્વાસની એ સુગંધે અક્ષત પણ મૌન થઇ ગયો..? હું મનોમન ગાંડાઘેલા કાઢતી રહી…અક્ષતને વીંટળાઇ રહી. વૃક્ષ અને વેલીનો સંબંધ કદાચ જીવનમાં પ્રથમ વાર સમજાયો હતો…અનુભવાયો હતો. બે ચાર મૌન ક્ષણો….હું અક્ષતમાં ઓગળતી હતી કે શું ?
અચાનક ભાન આવ્યું…અક્ષત આમ મૌન કેમ ? કેમ કશુંક ખૂટતું લાગે છે ? મેં અક્ષત સામે જોયું. એક અસમંજસ તેની આંખોમાં કયાંથી ઉભરી આવી હતી ? મેં પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. તે એકાદ ક્ષણ એમ જ મૌન બેસી રહ્યો…અને એ મૌન તૂટયું ત્યારે…..
’ ઇશા, આમ તો ખાસ કોઇ પ્રશ્ન નથી..પણ ….’
’ પણ શું અક્ષત ? ‘
’ મમ્મી, પપ્પા પૂછતા હતા……’
અક્ષત કદાચ જરા અચકાયો. હતો..કે પછી મને એવું લાગ્યું હતું..? મનમાં એક આશંકાનો ઓથાર..ભયના વાદળો…..આવનાર આન્ધીની અમંગળ એંધાણીઓ..અને પ્રાણમાં વ્યાકુળતા… છતાં સઘળુ અવગણી..મેં પૂછયું હતું..
’ શું…શું કહે છે તારા મમ્મી..પપ્પા ? ‘
’ આમ તો ખાસ કશું નહીં…પણ…’
અને એકાદ ક્ષણ થાક ખાવા રોકાઇ અક્ષતે એકીશ્વાસે વાકય પૂરુ કર્યું…
’ કે લગ્ન પછી ઇશા…અર્થાત તું કયો ધર્મ અપનાવીશ ? કેમકે તારા પપ્પા મુસ્લીમ છે..તેથી પહેલેથી સ્પશ્ટતા કરી લેવી સારી…એમ મારા મમ્મી પપ્પા માને છે..જેથી ભવિશ્યમાં કોઇ પ્રશ્નો ઊભા ન થાય….’
’ પ્રશ્નો..કેવા પ્રશ્નો ? મને જરા ફોડપાડીશ ? આનો અર્થ સમજાવીશ ? ‘
’ મમ્મીને ડર છે કે લગ્ન પછી તારા પપ્પા સાથે તારો સંબંધ ચાલુ રહે તો તારા મનમાં તેના સંસ્કારો..મુસ્લીમ સંસ્કારોની છાયા પડતી રહે અને…..
અક્ષતના ન બોલાયેલ શબ્દો પણ મારા મનમાં પડઘાઇ રહ્યા….
’ અને આમ પણ મારા ઘરમાં મમ્મી..પપ્પા બધા મુસ્લીમ વિરોધી છે. તેઓ કટ્ટર હિંદુ છે… આ તો મારા માટે થઇને તેમણે…….
‘ અને તું ? તું કેવો છે ? તેં કોના માટે થઇ ને ? ‘
‘હિંદુ તો હું પણ છું..અને મારામાં પણ એ જ હિન્દુ સંસ્કાર છે.. પણ હું એવો કોઇ જડ નથી…માનવમાત્ર સમાન છે એવું હું માનુ છું. અને મને કોઇ પ્રોબ્લેમ નથી. હું તો વરસોથી તારા ઘરમાં આવ જા કરતો રહ્યો છું. અંકલ માટે મને માન છે…..પણ..’
‘ તો પછી આ પણ નો અર્થ ? ‘
‘ ઇશા. લગ્નથી ફકત યુવક કે યુવતી જ નહીં… બે કુટુંબ જોડાય છે. અને જયારે બે કુટુંબ વચ્ચે મીઠા સંબંધો જળવાઇ ન શકે ત્યારે પ્રશ્નો સર્જાતા રહે છે..અને….’
મને ખ્યાલ આવ્યો…એ પળે અક્ષત તેની મમ્મીની વાણી બોલી રહ્યો હતો….
પછી તો અક્ષતે મને ઘણું સમજાવી…જેનો સાર ફકત એટલો જ…મારે અક્ષતને પામવો હોય તો પપ્પાને હમેશ માટે ગુમાવવાની તૈયારી રાખવાની છે. મારે મારા જન્મદાતાને ભૂલી જવાના છે. …. હું એ શરત કઇ રીતે સ્વીકારું ? કઇ રીતે ? હું લાચાર હતી અને અક્ષત મજબૂર…!
નદીના બે સામા કિનારા કયારેય મળી શકયા છે ખરા ?
બસ…… દસ દિવસ પસાર થઇ ગયા છે…આજે તો આ વાતને …આજે થોડી કળ વળતા ડાયરી હાથમાં લીધી છે. વચ્ચે એકાદ વાર અક્ષતને મળવા પ્રયત્ન કરેલ..પણ જાણવા મળ્યું કે તેમણે આ શહેર છોડી દીધું છે. ! કયાં ગયા છે તે કોઇને જાણ નથી…
જતાં પહેલા મિત્રદાવે પણ એકવાર મળવાની ઇચ્છા અક્ષતને ન થઇ ? હું પરાણે તેની સાથે પરણી જવાની હતી ? તેને મજબૂર કરવાની હતી ? એકવાર બાય કહેવા પણ ન આવ્યો ? હું મિત્ર પણ મટી ગઇ ?
સારું થયું હજુ મમ્મી, પપ્પાને મેં અક્ષત વિશે આવી કોઇ વાત નહોતી કરી.
ફરી એકવાર હું અંદરથી છિન્નભિન્ન..વેરવિખેર….મારા અસ્તિત્વના લાખ લાખ ટુકડા..જે કયારેય….. મારો ખાસ મિત્ર…પણ જો મને સમજી નથી શકયો કે સ્વીકારી નથી શકયો તો પછી……
ચાર વરસને ઉમરે ઉદભવેલ પ્રશ્નથી મારો પીછો શું જીવનભર નહીં છૂટે ?
ઉદાસીનું આવરણ….મમ્મી,…પપ્પા પૂછતા રહે છે. મને ખુશ કરવાના પ્રયત્નો તેમની રીતે કરતા રહે છે…. કાશ..! કોઇ શિશુ હિંદુ કે મુસ્લીમ નહીં..પણ ફકત..માનવ જ રહી શકતું હોત તો ? મારી જેમ કેટલાયે બાળકોને આ પ્રશ્નોમાંથી પસાર થવું પડતું હશે ને ? માતા પિતા તો પ્રેમના આવેશમા ધર્મની સરહદો થોડો સમય પૂરતા ઓળંગી જતા હશે.. પણ પછી એ જ ધર્મ દીવાલ બનીને તેમના કે તેમના બાળકોના જીવનમાં…..જીવનભર નડતર બની રહે છે તેનો ખ્યાલ કોઇને આવી શકતો હશે ?
મનમાં વિચારોની આવનજાવન… તુમુલ યુધ્ધ..અવિરામ સંઘર્ષ….આરો કે ઓવારો કયાં ? મારા જીવનસાગરનો કોઇ કિનારો કયાં ? મારે આંગણ કોઇ નહીં આવે ? હું રિકત…? સાવ રિકત ?
હવે કયારેય આ ડાયરી નહી..કોઇ શબ્દો નહી..મારી વ્યથાને ક્યારેય વાચા નહીં મળે….જીવન કાલે કઇ તરફ ફંટાશે જાણ નથી…. સુકાની વિનાની જીવનનૌકા કઇ તરફ ઘસડાશે… કયા પ્રવાહમાં..કયા વમળોમાં ઘેરાશે….જાણતી નથી. કયા અગોચર ભાવિમાં મારા પગરણ હશે ? જીવનનો આ થાક કયારેય ઉતરશે ખરો ? હૈયા સાથે જડાયેલી આ વેદનાનો સંગાથ કયારેય છૂટશે ખરો ? મારી મંઝિલ કઇ ? જીવન સાર્થક કે સભર બની શકશે ખરું ?
પ્રશ્નો..પ્રશ્નો….અનુત્તર પ્રશ્નો………….
ડાયરીના પછીના પાના કોરા જ રહ્યા હતા.
એકીશ્વાસે વાંચી રહેલ ઝિલની આંખે આંસુના તોરણ બંધાયા હતા.. ઝિલની આંખે..હૈયામાં એક ડૂમો….આંસુઓને રોકવાના..લૂછવાના સાન ભાન પણ કયાં રહ્યા હતા ? તેની આ દીદી હૈયામાં આટલી વેદના સંઘરીને વરસોથી બેઠી હતી ? અને હમેશાં બધાને હસાવતી રહી હતી ? અક્ષત નામનું કોઇ પાત્ર તેમના જીવનમાં કયારેય પ્રવેશવા પામ્યું હતું..તેનો અણસાર સુધ્ધાં કોઇને ……
ડાયરીના હવે પછીના પાનાઓ કોરા હતા. પણ એ પછીનો ઇતિહાસ તો પોતાને કયાં ખબર નહોતી ? ઘણીવાર પોતાના કે અન્યના અગણિત પ્રશ્નોના જવાબ પ્રેમની જબરજસ્તીથી આપવા પડે ત્યારે દીદી તૂટક તૂટક વાત કરતા. જે ટુકડાઓ પોતે જોડતી રહેતી. જે મુજબ દીદીના મમ્મી,પપ્પા એક કાર અકસ્માતમાં અચાનક જ ……
અને પચ્ચીસ વરસની વયે દીદી સાવ એકલા અટૂલા….! પોતાના અનુત્તર પ્રશ્નો સાથે..
દાદા દાદી,નાના નાની કોઇ જ રહ્યા નહોતા. અઢળક સંપત્તિ જરૂર હતી. જેના એકમાત્ર વારસદાર દીદી હતા. દીદી એકાદ વરસ સુધી મૂઢ જેવા થઇ ગયા હતા. અને મૂઢતાનું કવચ તૂટતાં ખાસ્સો સમય લાગ્યો હતો. કોઇ દિશા નહોતી સૂઝતી. અને કશુંક કરવાનું સૂઝયું…મન થયું ત્યારે દીદી ઘણાં આશ્રમોમાં ફર્યા. “ જનસેવા એ જ પ્રભુસેવા “ …એ આદર્શ લઇ કશું નક્કર કરવાના પ્રયત્નો કરી જોયા. પરંતુ દરેક જગ્યાએ તેમને ખોખલા અનુભવો જ મળ્યા. વાણી કે વર્તનમાં કયાંય સમાનતા જોઇ શકાઇ નહીં. તેમના મનને કયાંય શાંતિનો એહસાસ ન થયો.
અને પછી અચાનક તેના જીવનમાં પોતાનો..એક અનાથ બાળકીનો પ્રવેશ….દીદીના હૈયાની કરૂણા જાગી ઉઠી..જાણે એક નવો પ્રકાશ…નવી દિશા…દીદીના અંતરનો સઘળો સ્નેહ પોતા પર ઢળ્યો… અને પછી તો એ સ્નેહની અધિકારિણી કેટલીયે બાળકીઓ બની….અને દીદી સામે જાણે પથ ઉઘડતો રહ્યો. અપાર પરિશ્રમ અને દિલની સચ્ચાઇભરી નિષ્ઠા….અને તેનું પરિણામ એટલે આ
“ ઝિલમિલ “
ઝિલને આજે સમજાયું કે અહીં શા માટે કોઇ ઇશ્વર નથી…રામ કે રહીમ નથી……આજે અચાનક સઘળા સત્યો અનાવૃત થઇને ઝિલની નજર સમક્ષ…ન સમજાતી કેટલીયે વાતો…ન સમજાતા કેટલાયે રહસ્યો આજે તેની સામે ઉઘડી રહ્યા.
ઝિલની આંખો જ નહીં હૈયુ પણ છલકી રહ્યું. કેટકેટલું દીદીએ વેઠયું હતું ? અને કઇ ઉમરે ? જે શૈશવની મસ્તી, ધમાલ સૌ કોઇ ફરીથી ઝંખતા હોય…એ સોનેરી દિવસો ફરી એક્વાર પામવાની.. તમન્ના રાખતા હોય, એ વરસો ફરીથી જીવી લેવા માટે ઉત્સુક હોય..
“ લેવા હોય તો લાખ લે..પણ મારું બચપણ પાછું દે…”
એ દિવસો માણવાને બદલે તેની ઇશાદીદી સતત એક અજંપામાં…એક ઝૂરાપામાં જીવીને મનમાં જાગેલ પ્રશ્નો ઉકેલ શોધવા મથતા રહ્યા. પ્રેમાળ માતા પિતાની વચ્ચે પણ એક બાળકી જીવનભર ઝૂરતી રહી. અને કોઇને એનો અહેસાસ પણ ન આવ્યો ?
ઇશાના સઘળા પ્રશ્નો આજે જાણે ઝિલની આંખોમાં ઉમટયા હતા. તેણે ઇશાની સામે જોયું. ઇશાની આંખો બંધ હતી. પરંતુ તેના ચહેરા પર એક સંતોષની રેખા હતી. પોતાનું વસિયતનામુ કોઇ અતિ વિશ્વાસુ વ્યક્તિને સોંપી દઇને માનવી જે નિરાંત અનુભવે તે નિરાંત આ પળે ઇશાના ચહેરા પર વંચાતી હતી. ઝિલે દીદીને માથે હાથ ફેરવ્યો. દીદીએ આંખ ખોલી. ઝિલ સામે જોયું. એકાદ મિનિટ બંનેની દ્રષ્ટિ મળી. એક તારામૈત્રક રચાયું. મૌન રહીને કેટલીયે વાતો એ થોડી ક્ષણોમાં થઇ ગઇ. સમાધિની એ પરમ ક્ષણમાં ઝિલના હાથમાં તેની વહાલી દીદીનો હાથ હતો. તેણે પ્રેમથી દીદીનો હાથ દબાવ્યો. …..
“ સ્પર્શથી કહેવું હતું એ કહેવાઇ ગયું
ના થયો બીજો કશો સંવાદ કૈ “
ઝિલની આંખમાંથી છલકતા આંસુ ઇશાના હાથને ભીંજવી રહ્યા
ઝિલે ટેબલ લેમ્પની સ્વીચ બંધ કરી. તે ત્યાં જ દીદીના પલંગમાં જ તેની પાસે થોડી જગ્યામાં આડી પડી. આજે તે એક મિનિટ પણ તે દીદીથી દૂર જવા નહોતી માગતી કે પછી દીદીને એકલા મૂકવા નહોતી ઇચ્છતી. બારીમાંથી ચન્દ્રનો પ્રકાશ રેલાઇ રહ્યો. એકાદ નાનકડા તારલિયાએ પણ ભાવસમાધિની આ પરમ પળના સાક્ષી બનવા ધીમેથી ડોકિયુ કરી લીધું. કાળદેવતાને આજે અહીંથી ખસવાનું મન તો નહોતું થતું. પણ……
ધીમે ધીમે રાત સરતી રહી.
અંધકારને હડસેલીને ખળખળ થતું ઝાંખુ પાંખુ અજવાળુ અચાનક ઝિલની આંખોમાં પ્રવેશ્યું. ઓહ..પોતે હજુ સૂતી હતી…! વૃક્ષ પરથી પંખીઓના કલરવ , બહાર તુલસીકયારે ઝગમગ થતા દીપનો ઉજાસ , પૂરી થઇ રહેલ ધૂપસળીની ભીની ખુશ્બુ અને સવારની પ્રાર્થનાના સૂર “ઝિલમિલ” માં પડઘાઇ રહ્યા હતાં.
અને આશ્ર્વર્ય…! એ પ્રાર્થનાના સૂરે પણ દીદી જાગ્યા નહોતા.! તેણે દીદી સામે નજર કરી. પરમ શાંતિ..એક દિવ્યતા દીદીના ચહેરા પર સાફ ઝલકતી હતી. જાણે હવે તેના કોઇ પ્રશ્નો અનુત્તર નહોતા રહ્યા. તેણે ધીમેથી દીદીને સાદ દીધો. પણ દીદીના ચહેરા પરની એક રેખા સુધ્ધાં ન બદલી. તેને નવાઇ લાગી. દીદીની ઉંઘથી તે પૂરી પરિચિત હતી. એક નાનો સરખો અવાજ થાય તો પણ દીદી જાગી જ ગયા હોય. તેણે ફરીથી દીદીને સાદ દીધો..એક વાર..બે વાર..ધીમેથી મોટેથી…મનમાં એક આશંકા..ભયનો ઓથાર કેમ ઊગી રહ્યો ? તેણે દીદીનો હાથ હલાવ્યો…અને…. ઝિલના હાથમાં ઇશાનો હાથ ઢળી પડયો…
ઝિલના કાનમાં કવિવર ટાગોરના શબ્દો ગૂંજી રહ્યા..
“ હે પૃથિવી, હું તારા રળિયામણા તટ પર ઉપર ઉતર્યો ત્યારે આગંતુક હતો,
તારા સદનમા રોકાયો અતિથિ બનીને , આજે તારુ સખ્ય પામીને વિદાય લઉ છુ. “
ઝિલની દ્રષ્ટિ તુલસીકયારા પાસે જલતા દીવા પર પડી. દીપ ઓલવાયો હતો. પણ તેની જયોતિ અખંડ રહી હતી.
( ” અહા જિન્દગી ” માર્ચ 2009માં પ્રકાશિત લઘુનવલ )
me to aha jindgi ma j vachi lidhi hati..ane sache aam radvu aavi gayu hatu…tamari vato etle nilam did sachche khub saras hoy che..sidhu hraday ne sparshe…
[...] ઝિલમિલ.. [...]
Congratulation for such a good novel.
નીલમબેન,
ખૂબ જ સુંદર અને ભાવવાહી રજૂઆત. અત્યારે ક્યા શબ્દોમાં તમારા દ્વારા રચાયેલા આ ‘ભાવવિશ્વ’ને બિરદાવું એ ખબર નથી પડતી.
મેં તો તમારા બ્લોગની ફીડ ગુગલ રીડરમાં સ્ટોર કરી દીધી છે એટલે આપની દરેક ફૃતિઓ ચૂક્યા વગર વાંચી શકાય છે.
ખૂબ સુંદર વાર્તા આંટી… ઘણા વખતે નેટ પર આટલું લાંબુ ગદ્ય વાંચ્યું… મજા આવી… અભિનંદન.
Nilam aunty,
I was really in tears reading this lekh. Hats off to you! i really enjoy reading your articles.
Gati Desai, Bharuch.
ખૂબ સુંદર
રવિન્દ્રનાથની ઘણી પંક્તીઓ યાદ આવી
આ જીવન તો સાગરખેપ છે;
આપણે એક નૌકામાં હમસફર કરીએ છીએ.
મૃત્યું આરે પહોંચીશું અને
સહુ પોતપોતાના મુકામની વાટ લેશું.
હું તને મારા આવાસમાં નથી બોલાવતો.
અંતઃસ્તલની અનંત એકલતામાં આવ પ્રિયે!
હે પ્રભુ, ફૂલો અને સૂર્યકિરણોમા ઝળકતા
તારા નમણા ઉદગારના મર્મ હું પામ્યો છું.
હવે મને વેદના અને મૃત્યુંની તારી વાણી સમજાવ.
હે પૃથ્વી, હું તારા રળિયામણા તટ
ઉપર ઊતર્યો ત્યારે આંગતુક હતો;
તારા સદનમાં રોકાયો અતિથિ બનીને,
આજે તારું સખ્ય પામીને વિદાય લઉં છું
After read this article,just want to say “This is one of the Awesome Article.”
– Sasan Gir
Will share it with other friends also.