“ આમ પૂછો તો કહી શકાય ના..
આમ જુઓ તો ભવભવનો નાતો…”
સંબંધોના જેમ અનેક સ્વરૂપો હોય છે. તેવી જ રીતે સંબંધોના પ્રકાર પણ અનેક હોય છે. જેમ કે અમુક સંબંધો આપોઆપ મળેલ…લોહીના સંબંધો હોય છે. જેમ કે માતા પિતા,સંતાનો, ભાઇ બહેનો, જુદા જુદા સગાઓ…વિગેરે સંબંધોમાં પસંદગીને કોઇ અવકાશ હોતો નથી.
તો મિત્રોની પસંદગી આપણે જાતે કરી શકતા હોઇએ છીએ….કોઇ સાથે ફાવી જાય..કોઇ સાથે ગમી જાય..કોઇ સાથે કોઇ વેવલેન્થ મેચ થઇ જાય..કોઇની અમુક વાત ગમી જાય ત્યારે તેની સાથે મિત્રતાનો સંબંધ જોડાય જાય છે. કયારેક વરસો સુધી જળવાઇ રહે છે. કયારેક થોડો સમય સાથ આપીને કોઇને કોઇ કારણસર છૂટી કે ઓછો પણ થતો હોય છે.
તો કોઇ સંબંધો કોઇ અગમ્ય કારણસર…અનાયાસે પ્રગટતો હોય છે. જેને આપણે ઋણાનુંબંધ…એવું નામ આપતા હોઇએ છીએ…આવા સંબંધોમાં આપોઆપ સહજ લાગણી પ્રગટતી હોય છે. જે બની શકે આપણી સમજણની ક્ષિતિજની બહાર હોય..
તો ઓફિસમાં બોસ સાથે કે ઘરની બાજુમાં રહેતા પડોશીઓ સાથે અલગ પ્રકારનો સંબંધ સેતુ રચાતો હોય છે. કોઇ સંબંધ ફકત વહેવાર સાચવવા પૂરતા હોય છે. તો કોઇ પ્રોફેશનલ સંબંધો જાળવવા પડતાં હોય છે. માનવી સામાજિક પ્રાણી છે. તેથી એક યા બીજી રીતે…એક કે બીજી વ્યક્તિ સાથે તે કોઇ પણ સ્વરૂપે જોડાતો રહે છે. સાવ અતડો ગણાતો…તદન અંતર્મુખી ગણાતી વ્યક્તિના દરવાજા પણ કયારેક કોઇ એકાદ જગ્યાએ તો ખૂલી જ જતા હોય છે.
ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ કે માનવી એકાકી રહી શકતો નથી. એકાકીપણુ એ કોઇ પણ માનવી માટે અભિશાપરોપ બની રહે છે. તેથી જ કોઇ કવિ આવા અર્થવાળુ ગાઇ ઉઠયા હશે..
” એકલ ખાવું, એકલ રમવું
એકલ વિચરવું, કદી ન લખીશ…”
અને તેમાંયે જીવનસંધ્યાએ જયારે એકલતા…એકાકીપણુ અનુભવવાનું આવે ત્યારે એ વેદના અનુભવ સિવાય સમજી ન શકાય. આજે આવી જ એક વાત ..સત્ય ઘટનાની વાત કરવી છે.
વાત આમ તો આપણા અમદાવાદની જ છે. માલાબહેનને પચાસ વરસની ઉમરે અચાનક પતિનો સાથ છૂટી ગયો. એક જ દીકરો હતો. જે પરણીને અમેરિકામાં સેટલ થયો હતો. પપ્પા અચાનક ન રહેવાથી પુત્રએ માતાને હમેશ માટે પોતાની સાથે આવી જવાનો આગ્રહ કર્યો. કાયદાના બધા કોઠાઓ પાર કરી..કાનૂની વિધિઓ પતાવી માલાબહેન અમેરિકા પહોંચ્યા. દીકરાને ત્યાં બે બાળકો હતા. માલાબહેન બાળકોના સ્નેહમાં માલાબહેનની જીવનનાવ ફરી એકવાર વહેતી થઇ. ઘરમાં ખાસ કોઇ પ્રશ્નો હતા નહીં. દીકરો વહુ બંને નોકરી કરતા હતા.અને હવે તો ઘરમાં બા હતા તેથી બાળકોની કોઇ ચિંતા રહી નહીં. અને બાને તો બધા માટે રસોઇ બનાવી રાખવાની પણ આદત હતી. આખા ઘરનું સુકાન માલાબહેને હોંશે હોંશે સંભાળી લીધું હતું. દીકરા વહુને નોકરી પરથી આવીને તૈયાર ગરમાગરમ જમવાનું મળતું હતું. કોઇ જવાબદારી નહીં. તેથી વહુ પણ ખુશ હતી. અને માલાબહેન તો પોતાના ઘરમાં કરે એ જ સ્વાભાવિકતાથી કરતા રહેતા. દીકરાનું ઘર એટલે પોતાનું જ ઘર કહેવાય ને ? અહીં થોડા પોતે મહેમાન હતા ?
અને પાંચ વરસ તો પલકારાની જેમ વીતી ગયા. બાળકો હવે મોટા થઇ ગયા હતા. સ્કૂલે જતા હતા. યુ.એસ..ની સ્વતંત્ર હવાનો પેસારો તેમનામાં આપોઆપ થવા લાગ્યો હતો. અને તેમાં માલાબહેન માંદા પડયા. ટાઇફોડની અસર લાંબી ચાલી. ઘરનં કામ કાજ કરવું અશકય બન્યું. અને જે દીકરા વહુ પાછળ રાત દિવસ જોયા સિવાય જાત ઘસી હતી…એ જ દીકરા વહુ માટે હવે બોજારૂપ બની ગયા.
એક દિવસ માલાબહેન સૂતા હતા ત્યાં વહુનો અવાજ કાને પડયો. કદાચ પોતાને સંભળાય તે માટે જ વહુ મોટેથી બોલતી હતી. “ મલય, જો હવે તને છેલ્લીવાર કહી દઉં છું. મમ્મીને હવે દેશમાં કયારે મોકલવાનો છે ? હવે હું તેમને સહન કરી શકું તેમ નથી. ‘
’ પણ, દીપા, આપણે જ તેને આગ્રહ કરીને અહીં લાવ્યા હતા. ‘
’ હા, ત્યારની વાત આલગ હતી..સંજોગો અલગ હતા….બાળકો નાના હતા અને આપણને તેમને બહર રાખવા આર્થિક રીતે પોસાય તેમ નહોતું. તેથી તેમની સંભાળ રાખવા માટે આટલા વરસો સાચવ્યા. હવે સંજોગો બદલાયા છે. અને માનવીએ સંજોગો મુજબ બદલાવું જ જોઇએ ને ? ‘
મલય કહી ન શકયો કે સંજોગો બદલાય તે રીતે વિચારો બદલાય….સંબંધો ન બદલાય…
પરંતુ તે જાણતો હતો કે બોલવાનો કોઇ અર્થ નહોતો. હવે તે દીપાને બરાબર ઓળખી ગયો હતો. સ્વાર્થ હતો ત્યારે આગ્રહ કરીને પોતે જ મોટીમોટી વાતો કરીને મમ્મીને બોલાવી લાવી હતી. ફકત જમવાનો જ ખર્ચ..! આ ભાવે કામ કરનાર અહીં કૉણ મળવાનું હતું ? દીપાને મન મમ્મીનું સ્થાન એક આયાથી વિશેષ કશું નહોતું. અને આ પ્રશ્ને હવે બંને વચ્ચે અવારનવાર ઝગડા થતાં રહેતા. હવે દીપાએ ધમકી આપી હતી. કે પોતે બાળકોને લઇને હમેશ માટે પિયર જતી રહેશે. અને દીપા પોતાનું ધાર્યું કરવાની જ. દીપાના જીદી સ્વભાવથી તે પૂરો પરિચિત હતો જ. તેને પોતાને મમ્મી માટે લાગણી નહોતી એવું નહોતું. પણ ઘરમાં રોહ થતા ઝગડાનો કાયર હતો. અને દીપા બાળકોને લ ઇને ચાલી જાય તે માટે તૈયાર નહોતો. બાળકોનો કયો દોષ ? કોઇએ સમાધાન કરવું જ રહ્યું ને ? પણ મમ્મીને કહેતાં તેની જીભ ઉપડતી નહોતી. કયા મોંએ તે માને કહે ? માએ પોતાના માટે કે પોતાના છોકરાઓ માટે શું નહોતું કર્યું ? પોતે એવો નાલાયક કેમ બની શકે ? અને દીપા પણ હવે છેલ્લે પાટલે બેસી ગઇ હતી. હવે તેને કોઇ પણ ઉપાયે માલાબહેનને દેશમાં મોકલીને પછી પોતાની મમ્મીને અહીં લાવવા હતા.
માલાબહેન દીકરાની અવઢવ સમજી ગયા હતા. વહુના વર્તનમાંથી પ્રગટતો સ્પષ્ટ જાકારો અનુભવી શકતા હતા. તેમણે સમેથી જ એક દિવસ દીકરાને કહ્યું, ‘ બેટા, મને દેશમાં મોકલવાની વ્યવસ્થા કરી આપ. ત્યાં આપણું જૂનું ઘર છે જ. હું ત્યાં રહી સકીશ. ‘ અને માલાબહેનની આંખો સજળ બની રહી.
પુત્રની આંખે પણ આંસુના તોરણ તો બંધાયા. જીવન માટે આ સમાધાન કરવું જ પડશે ? તે મનોમન વિચારી રહ્યો. શું બોલવું તે તેને સમજાયું નહીં.
પણ માએ એ દ્વિધામાંથી પણ તેને ઉગારી લીધો, ‘ બેટા, તારે કંઇ કહેવાની જરૂર નથી. હું બધું સમજું છું…તું મને રાખી પણ નથી શકતો અને જાકારો પણ નથી આપી શકતો. તારી મજબૂરીનો મને ખ્યાલ છે. બેટા, તું મારી ચિંતા કરીશ નહીં…કોઇ સાથે લાગણી પરાણે જોડી શકાતી નથી. મારા નશીબમાં જે હશે તે હું સ્વીકારીશ.તું તારું જીવન કે બાળકોનું જીવન બગાડીશ નહીં. ‘ અને માલાબહેનનો અવાજ અને આંખો છ્લકી રહી.
મલય ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો. તેના મોંમાંથી કોઇ શબ્દો ન નીકળી શકયા. પુત્રના માથમાં એક મા નો વત્સ્લ હાથ ફરી રહ્યો
અને થોડા દિવસો પછી માતાને એરપોર્ટ પર મૂકવા જતાં પુત્ર કહી રહ્યો હતો, ‘ મમ્મી, તું કશી ચિંતા કરીશ નહીં. મેં ત્યાં મારા મિત્ર શશાંકને કહી દીધું છે. તે તારી બધી સંભાળ રાખશે. ઘરનું કામ વ્યવસ્થિત કરાવી દીધું છે. તને કોઇ તકલીફ નહીં પડવા દઉ. મમ્મી, હું તને વનવાસ આપી રહ્યો છું ને ? નાનપણમાં રામાયણની વાર્તા તેં સંભળાવી હતી. પણ હું તારો રામ ન બની શકયો…” કહેતાં મલયનું હૈયુ ભરાઇ આવ્યું. માલાબહેન શું બોલે ?
અને આજે માલાબહેન દેશમાં આરામથી રહે છે. પોતાની આસપાસ બીજા અનેકના ઉદાહરણ જુએ છે ત્યારે વિચારે છે…આ બધા જેટલું દુ:ખ તો મારે નથી જ. વહુ મારી ન થ ઇ શકી પરંતુ દીકરો તો દૂર હોવા છતાં દિલથી મારો રહ્યો જ છે ને ? દીકરો કયારેય પૈસાની તકલીફ પડવા નથી દેતો..પુત્રના મિત્રો અવારનવાર તેમની પાસે આવતા રહે છે. પુત્ર ફોનથી ખબરઅંતર પૂછતો રહ એછે. કદાચ દીપાની જાણ બહાર બધું કરે છે. પણ પોતાને ભૂલ્યો નથી.એમ મન મનાવી માલાબહેન આનંદથી રહે છે. અને અનાથ મહિલાઓ માટેની એક સંસ્થામાં સેવા આપી પોતાની જાતને વ્યસ્ત રાખે છે.
જિંદગીમાં માનવીએ કેવા કેવા સમાધાનો કરવાના આવતા રહે છે. સંબંધનો સેતુ કોઇ પણ રીતે જળવાઇ રહ્યો છે..એ આશ્વાસન પણ કંઇ ઓછું તો નથી જ ને ? “ મળ્યું છે તે માણો જીવન કચવાટે શીદ વહો ? “
માલાબહેન જેવી અનેક વ્યક્તિઓ સમાજમાં જોવા મળે જ છે..જેમણે વધારે ફરિયાદો કર્યા સિવાય પોતાની જાતને સમજાવી લીધી છે. સંજોગોને અનુકૂળ બનાવી લીધી છે. અને જીવનનાવ બીજે રસ્તે વાળી લીધી છે. અને એકલા અને આનંદથી રહે છે.
સંબંધોનો રસ્તો હમેશા સરળ…સીધો નથી હોતો,. કયારેક વાંકોચૂકો..કયારેક સાંકડી કેડી સમ પણ બની રહેતો હોય છે. ત્યારે તેમાંથી પણ ગૌરવપૂર્વક…વધારે પડતી ફરિયાદ કર્યા સિવાય પસાર થવું જ રહ્યું ને ?
દીદી…. આપની દરેક વાર્તા કે લેખમાંથી કંઇ ને કંઇ પ્રેરણા રૂપ તત્વ વાંચવા મળે છે.. ખરેખર આ વાતના સાર માં રહેલું તત્વ પણ દરેકે જીવનમા અપનાવવા જેવું છે .. !. બધા માટે સરળ તો નથી જ છતાં પણ કોશીશ થાય તો પણ સારુ ને..? જો આવુ થાય તો જીવન જીવવાનો અભિગમ જ બદલાઇ જાય..!
નીલમ દીદી ંમારુ દ્રઢ પણે માનવુ છે કે દીકરા વહુ અલગ થાય કે માતા ને દીકરો કોઇ કારણ સર અલગ કરે એમાં દીકરા ની મુક સંમતી હોય છે..એ પણ એવુ જ ઈચ્છતો હોય છે કે એકલા રહીયે .અને નામ આવે છે ખાલી વહુનું….જો દીકરો ન ચાહે તો કોઇ વહુ ની તાકાત નથી કે એ સાસુ સસરા ભેગી ન રહે…
પણ દીકરાનું કામ અને વહુનું નામ….
દીકરીને ગાય દોરે ત્યાં જાય! હવે કહેવત થોડો મરોડ લીધો હોય એવું ભાસે છે..
દીકરોને વહુ…સાસુને (મા..ને) દોરે ત્યાં જાય!!બધા કેઈસમાં આવું ના પણ બને..
પરિસ્થિતી ને આધિન રહી જિંદગી જીવવું..!એમાંજ તો મજા છે..
એક તો તો તમારો સેતુ શબ્દ બહુ ગમે છે.
પૂ.મોરારીબાપૂએ તો તેની આખી સપ્તાહ કરી હતી!
ફરિયાદ મેચ્યોરીટી (તેને ઉમર સાથે સંબંધ નથી!)
આવે બાદ ઓછી થઈ જાય છે.
તમારો પરિસ્થિતીને આધીન પ્રેરણા દાયક વિચાર ગમ્યો.
આવા નાના લેખો દ્વારા સમાજને સારી સમજ આપી શકાય છે
ધન્યવાદ.
તમારી રચનાઓ ગમતીજ હોય છે પણ ફક્ત ગમતીજ નથી હોતી વીચારવાને મજબુર પણ કરતી હોય છે કે આવું પણ બનતું હોય છે
વિચારવા લાયક વાત. નીતાબેનની વાત સાચી છે.
સ્વાનુભવનો પડઘો તો નથી જ ને બહેના ?
આરંભ ને અંત રસિક છે જ ! અભિનંદન !
આપના આ લેખે મને વિચારવા પર મજબૂર કરી દીધો છે. ઘણીવાર માણસ પોતાની હોંશ મા ને હોંશ મા, જીવન ના મૂળભૂત સત્યોને પાછળ મૂકી દેતો હોય છે. પોતાનું કરીયર, પૈસો, સ્ટેટસ અને તમામ ભૌતિક સગવડો મેળવવા માટે ઍવો તો ગાંડો થઈ જાય છે કે જેણે ઍને આ બધા લાયક બનાવ્યો હોય છે ઍને જ ભૂલી જાય છે. ખરું કહું તો મારા મત મુજબ, જીવન નું આ ચક્ર દરેક પેઢી ઍ રિપીટ થતું હોય ઍમ લાગે છે. કાલે ઉઠીને ઍના બંને બાળકો ઍનૂ કોઈ માન નથી જાળવવાના, ઍ તો સ્પષ્ટ છે. આ વહુ ને ઍ વાત ત્યારે સમઝાશે પણ ત્યારે મોડું થઈ ગયું હશે. હું મારા નજર સમક્ષ ના ઉદાહરણો જોઈને બોલું છું કે અહીં ૯૦% લોકો પોતાના મા-બાપ ને બેબી સિટ્ટિંગ માટે જ બોલાવે છે. હું આપનો આ લેખ યાદ રાખીશ અને પ્રભુ ને પ્રાર્થના કરીશ કે મને આવી સિચુયેશન માં ક્યારે ના મૂકે.
મારા લેખની સાર્થકતા અનુભવાઇ.લખવાની મારી મહેનત વસૂલ છે. જો કોઇ એકાદ બે ને પણ સ્પર્શી શકે તો એથી રૂડું બીજું શું હોઇ શકે ? આપે આટલું વિચાર્યું એ બદલ ધન્યવાદ. સારું વાંચીએ તેનો શકય તેટલો અમલ કરી શકીએ તો જીવન સાર્થક બની શકે.
આપના જેવા ભાવકો અમને લખતા રાખે છે.
આભાર…