પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

દાનવીર ! July 12, 2008

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:50 am

રથિનભાઇ વરસોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. અને ખૂબ કમાયા હતા. હવે તો પૈસા કયાં વાપરવા એ જ પ્રશ્ન હતો. વરસમાં એકવાર તે દેશમાં આવતા હતા.અને દર વરસે અઢળક દાન જુદાજુદા મંદિરોમાં કરી જતા હતા. અને ચારે તરફ રથિનભાઇની વાહ વાહ બોલી જતી.અને આ “વાહ વાહ “નો તેમને નશો ચડતો.જે એકાદ વરસ સુધી રહેતો.અને પછી પાછા એ દેશમાં આવતા.
આ વખતે તેઓ કોલક્ત્તા આવ્યા હતા.ત્યાં તેમના એક મિત્ર રહેતા હતા. બંને વરસો પછી મળ્યા. જૂની વાતો યાદ કરી. મિત્ર તો હજુ સાધારણ સ્થિતિ માં જ હતા. રથિનભાઇનો ઠાઠ જોઇ તે થોડા અંજાઇ ગયા. તે મિત્રને જલારામ બાપામાં ખૂબ શ્રધ્ધા હતી. તેમને થયું કે જો રથિનભાઇ જલારામ બાપાના મંદિરમાં દાન આપે તો મંદિરનો થોડો વિકાસ થઇ શકે. તેમણે અચકાતા અચકાતા વાત કરી.
રથિનભાઇ ખડખડાટ હસી પડયા. અરે, એમાં શું મોટી વાત છે ? બોલ, કેટલાનો ચેક લખી આપું ? અરે, કંઇક સમારંભ કે એવું કંઇ ધામધૂમથી ગોઠવીએ. પૈસાની ચિંતા ન કર. અરે,પૈસો તો હાથ નો મેલ છે. હું તો ખાસ દાન આપવા માટે જ અહીં દેશમાં આવું છું. બાકી અહીં આ ગંદકીમાં આવવાનું મન પણ ન થાય. ! મિત્રને વાત ખૂંચી તો ખરી..પણ મંદિરમાં પૈસાની જરૂર હતી એટલે કંઇ બોલ્યા નહીં.

અને પછી તો રથિનભાઇએ દાન આપવા માટે એક મોટું ફંકશન ગોઠવાવ્યું. ખૂબ ધામધૂમથી દાન આપવાની ઉજવણી થઇ. મોટા મોટા લોકોએ મંચ પર આવી ને ભાષણો કર્યા. રથિનભાઇ કેવા દાનવીર છે તેની યશોગાથા મેઘધનુષી રંગો પૂરીને કહેવાઇ. અને પછી પૂરી નમ્રતાથી, સંકોચથી, શરમાળ, દાનવીર રથિનભાઇએ મોટી રકમનો ચેક આપ્યો. રંગેચંગે ઉજવણી પૂરી થઇ. દાન આપ્યાનો સંતોષ લેવાયો.

બીજે દિવસે રથિનભાઇએ મિત્રને પૂછયું,’ હજુ તમારે ત્યાં પેલી સાઇકલ રીક્ષા ચાલે છે કે શું ? એમાં બેસવાની મજા આવે હોં..! હું તો વરસો પહેલાં નાનો હતો ને ફરવા આવેલ ત્યારે બેસેલ.’ ’ હા, હજુ ચાલે છે ‘ મિત્રે જવાબ આપ્યો.

‘ ચાલ, આજે થોડો સમય છે તો એમાં એકાદ કલાક આંટો મારીએ. ગાડીમાં તો રોજ જતા હોઇએ. આજે થોડો ચેન્જ લઇએ.’ અને બંને મિત્રો સાઇકલ રીક્ષામાં બેઠા. રથિનભાઇનું ભારે શરીર માંડ માંડ રીક્ષામાં સમાયું. અને રીક્ષાવાળાને કહ્યું..એકાદ કલાક ફરવું છે. અને ભવાનીપુર, હાઝરા રોડ, અને ડોવર રોડથી કરી છેક ગરિયાહાટ સુધી નિરાંતે શહેર જોતા જોતા કંઇક ટીપપ્ણી કરતાં કરતાં બંનેએ મોજ કરી. હાંફતા રીક્ષાવાળાએ પૂરા દોઢ કલાકે તેમને ઉતાર્યા ત્યારે તે પરસેવાથી નાહી રહ્યો હતો. આ એન.આર.આઇ.પાસેથી સારા પૈસા મળવાની આશાએ તેણે હોંશથી ફેરવ્યા હતા. આટલા બધાના આમેય સામાન્ય રીતે પચાસથી સાઠ રૂપિયા તો સહેજે થાય. પણ ઘણીવાર ઘણાં આવા લોકો તેને 100 રૂપિયા આપી દેતા અને બાકીના પૈસા પાછા કયારેય ન માગતા..

અને તેથી રથિનભાઇ જયારે પૂછ્યું ‘ કેટલા આપું ?’ ત્યારે પણ તેણે એમ જ કહ્યું,’ શેઠ જે ઠીક લાગે તે આપો ને ‘

રથિનભાઇએ વીસ રૂપિયાની નોટ કાઢી..તેને આપી. રીક્ષાવાળો જોઇ રહ્યો. તેનો મિજાજ ગયો તેણે પૂછયું, ’શેઠ, શું ભીખ આપો છો ? કાળી મજૂરી કરી છે. ‘ ’ તો કેટલા હોય ? શું લૂંટવા બેઠો છે ? પૈસાવાળા જોઇને ? બહારના જોઇ ને દાદાગીરી કરે છે ? લેવા હોય તે લે..વધારે નહીં મળે…’ અને પછી તો બંને વચ્ચે ઝગડો થયો. મિત્ર પૈસા આપવા ગયા ત્યાં રથિનભાઇએ તેને પણ અટકાવ્યો., ’ અરે, આ બધા સમજે છે શું ? પૈસાવાળા જોયા એટલે બસ….’ અને અંતે માંડ માંડ ઝગડો પચાસ રૂપિયામાં “સેટલ “થયો.

અને રીક્ષાવાળાએ વધારે પડાવીને તેમને છેતરી લીધા દાનવીર રથિનભાઇનો એ બડબડાટ તેનો મિત્ર મૂંગા મોં એ સાંભળી રહ્યો.

 

5 Responses to “દાનવીર !”

  1. kirit Says:

    Nilamben - very good article - Rathinbhai jevo kisso amara jivan ma banyo che - gujarat na nankda gam ma janmel vyakti varso pachi america thi ave ne em kahe ke kirit taaru india to jo dirty and backward che - tyare ekaj sawal - ke taaro janm kya thayelo te tu bhuli gayo

  2. અક્ષયપાત્ર Says:

    જગતમાં આવા લોકો ઘણા છે. સાચા દાનવીરોને ઓળખવા અઘરા છે. સરસ બોધ.

  3. pragnaju Says:

    “રીક્ષાવાળાએ વધારે પડાવીને તેમને છેતરી લીધા દાનવીર રથિનભાઇનો એ બડબડાટ તેનો મિત્ર મૂંગા મોં એ સાંભળી રહ્યો.—”આમાં કદાચ રથિનભાઇ એવાં ન પણ હોય! ઘણી પરિસ્થિતીમા એન આર આઈને યોગ્ય દોરવણી આપતાં ગેરસમજ દૂર થાય છે.
    ‘આજે ગરીબ અને મહેનતકશ માનવીને ધનિકોની ઉદારતા-જનરોસિટી ખપે છે-ધર્માદો નહીં. તમારા નાનામોટા કર્મચારીને ઉદાર હાથે પગાર આપો, પણ ધનિકોને ધર્માદો કરતાં આવડે છે, ઉદાર થતા નહીં.’ આલ્બેર કામૂએ આવું કહેલું- ‘આજકાલ લોકોએ ઉદારતાને અભરાઈએ મૂકી છે અને ધર્માદો પણ એક ધંધો થઈ ગયો છે.’ ‘ધ ન્યુ સાઈન્ટિસ્ટે’ તેના અંકમાં પર્યાવરણશાસ્ત્રી લીન હેટનો લેખ છાપ્યો છે. તેણે લખ્યું છે કે સાચા દાનવીરો તો માત્ર જંતુઓ, પશુ અને પંખીઓ છે. ગાય મર્યા પછી પણ હાડ-ચામડાં આપી દે છે. જીવવિજ્ઞાની રિચર્ડ ડોકિન્સ કહે છે, તમે કીડીઓને જુઓ. તે એકબીજાને મદદ કરે છે.

  4. સુરેશ જાની Says:

    સાવ સાચી વાત. લોકોનાં દંભી મુલ્યોનું સરસ અવલોકન.

  5. Harsukh Thanki Says:

    સાચું દાન તો એ કહેવાય કે જમણો હાથ આપે એ ડાબા હાથને પણ ખબર ન પડે, રથિનભાઇ જેવા માણસોને મન દાન એટલે પ્રસિદ્ધિ મેળવવાનો રસ્તો. સુંદર વાર્તા.

Leave a Reply