‘Happiness is the way of travel not the destination” એક ગીફ્ટ શોપમાં જ્યારે આ વાકય વાંચ્યુ ત્યારે હું અમેરીકાના ટેનેસી રાજ્યના પુર્વ છેડે આવેલી ઓકોઈ નામની નદીમાં સહેલ કરવા જવાનુ વિચારતી હતી. યાત્રા –વિહારનો આ આનંદ વહેંચવાથી વધે અને મારી સાથે મારા બે પ્રિય પાત્રો મારા પતિ અને મારી ઉત્તમ મિત્ર નીલમ હતા તેથી તે અનેક ગણો વધે તે સ્વાભાવિક છે. આ સહેલ જુદી હતી. માઈલો લાંબી તોફાની નદીના વહેણમાં તરાપા પર બેસીને હલેસાં મારવાના હતાં. તરાપો ઊંધો પણ વળી શકે અને માઈલો લાંબી આ નદીમાં ખડકો એટલાં બધા હતા કે ક્યાંય ભટકાઈ જવાય તો કંઇ પણ બની શકે. અરે કેડ સમાણા ખડકો પર ઊભા રહેવાના પ્રયત્નમાં જો પગ લપસીને ફસાયો તો પણ વેગ સાથે તણાતા શરીરથી છૂટો પડી જવાની શક્યતા પુરેપુરી. પાણીનો ડર હોય તે તેમાં જાય નહી અને જવા પણ ન દે. ખાસ પ્રકારે બનાવેલ આ પ્લાસ્ટીકના તરાપા પર છ વ્યક્તિ અને એક ગાઈડ એમ કુલ સાત વ્યક્તિઓ સફર કરવાની હતી.
અમે ટિકિટ તો લઈ લીધી પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા ! મારા પતિએ અને દીકરીએ મને આવો જોખમી પ્રવાસ ખેડવાની ના પાડી બંનેને પાણીમાં જવાનો ડર અને તેમની સામેની મારી હિંમતની લડાઈમાં પ્રથમ તો હું હારી ગઈ અને એમની લાગણી જીતી ગઈ પણ મન ટેકરીઓ અને તે પરના વૃક્ષો ની ઘટાઓ વચ્ચે વહેતી નદીમાં ઉછળતું શરીરને પણ સાદ કરતુ હતું અને પ્રેમની સામે પ્રેમથી જીત મેળવી મેં મારા પતિને ખાતરી આપી કે હું ડૂબીશ તો બાહોશ ગાઈડ મને બચાવી લેશે અને ખડક સાથે અથડાઈને જીવન તત્વ પાણીનો આનંદ લેતાં લેતા મરીશ તો મારી સદગતિ થશે પણ પ્રકૃતિને ખોળે રમવાનો આનંદ ડરને કારણે જતો કરવાની મારી જેમ મારી નીલમની પણ તૈયારી નહોતી. બાવન વર્ષની ઉંમર અને કમરની તકલીફ પણ ખરી એટલે થોડી ચિંતા છતાં રજા મળી. અને અમે તો બાળકની જેમ ઉત્સાહથી ફરી તૈયાર થયા.
સલામતી માટેના નિયમો સમજાવવા માટે અમને એક વર્ગમાં બેસાડ્યા જ્યાં એકસો થી ય વધુ લોકો હતા. મોટા ભાગના તરુણ ઉમરના વિદ્યાર્થીઓ હતાં ફકત બે ત્રણ કુટુંબો કુટુંબો કે જેમાના કેટલાંક અમારી માફક પ્રથમવાર હતા. અમારી છની ટુકડીમાં હું, નીલમ અને બે તરુણ બાળકો સાથેનુ એક અમેરીકન દંપતિ હતાં. તરાપાના પાછળના ભાગે ગાઈડ અને આગળના ભાગે આ બાપ અને દીકરાની ટુકડી પહેલી લાઈનમાં બીજી લાઈનમાં મારી મિત્ર અને એનલ(દીકરી) અને ગાઈડની આગળની લાઈનમાં તરાપાની ડાબી જમણી બાજુ હાથમાં હલેસાં સાથે હું તથા એનલની મા બેઠાં હતા. ગાઈડે ફરી એકવાર સૂચના આપી કે શરીરનું સમતોલન રાખવા માટે તે ક્હે ત્યારે અંદર તરફ નમવુ અને કહે તે દિશામા હલેસાં મારવા. અને અમારા તરાપાએ વહેણમાં ઝંપલાવ્યુ. નદીની ઉતાવળી ગતિ સાથે તરાપાએ પણ ઝડપ વધારી. હું અને નીલમ થોડા નર્વસ થયા. મારો ઉત્સાહ ઘણો હતો પણ નીલમની તબિયત થોડી નાજુક હોવાથી મને એની ચિંતા થઈ. મેં પૂછ્યુ કે પાછુ ફરવુ છે? વીર નર્મદને યાદ કરી નીલમ કહે ડગલુ ભરવુ કે ના હટવું. અને મેં કહ્યુ કે હિંમતે મર્દા તો મદદે ખુદા.
સામે નજર કરતાં નદી જાણે પ્રકૃતિને ખોળે રમતી હતી અને અમે નદીને ખોળે. અનંત અવકાશ નીચે ચારે બાજુ ફરતી વૃક્ષોથી આચ્છાદિત પર્વતો અને ટેકરીઓના ચરણ ચૂમતી જતી દોડતી જતી નદીનો પથરાળ પટ તેને વધુ વેગ આપતો હતો. પ્રથમ મોટા ખડકોની હાર પરથી નીચે સરતાં ધબકારા વધી ગયા પણ પછી ડર ઘટી ગયો. નાના મોટાં ખડક પરથી વહેતી ધારાઓને નીચે ઢાળમાં વધુ ને વધુ નાના મોટાં ખડકો માર્ગ આપીને ધન્ય થઈ સતત પલળતાં રહેતા હોવાથી સુંવાળા થતા જતા હતા. નદીના વેગ અને પત્થરની સુંવાળપ વચ્ચે સેવાળરુપે લીલુ અને લીસુ જીવન ફેલાતુ હતુ જેનો રંગ વહેણને પણ લીલાશ આપતો હતો. નીલમ ગાતી હતી….પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા…નદીમાં તરતાં એ એક લીલા પાનને પણ કદાચ વૃક્ષનો વિયોગ સાલતો હશે. પણ આ વિયોગમાં પણ યોગનો આનંદ અમારા હૈયાને શીતળતા આપતો હતો. જુલાઈ મહીનાની ભર બપોરે અમે વાયુની શીતળ લહેરીઓ સાથે ઝૂમતાં હતાં અને ગાઈડની સૂચનાઓ પ્રમાણે હલેસાંઓ મારતા હતાં.
તરાપાની નૃત્યગતિ હવે વધી હતી. અને સાથે સાથે અમારૂ ડોલન પણ. વચ્ચે ઢોળાવો આવે ત્યારે ગાઈડ અમને અગાઉથી જણાવતો અને તન મનમાં એક ઝણઝણાટી પ્રસરી ઉઠતી. સાવધાનીનો એ સંકેત થોડી જ વારમાં કલ્પિત ભયને અકલ્પય આનંદમાં ફેરવી નાખવા મદદરૂપ થતો. પથરાળ પ્રદેશ પર વહેતી આ નદી પર ખડકોનો વધતો ઓછો ભાગ જાણે પડકાર કરવા જ વારેવારે માથુ ઉચકતો હોય તેમ ઠેકઠેકાણે દેખા દેતો અમને ડરાવતો હતો. અને જે જોશથી નદી તેની સાથે અફળાતી હતી તેથી તો ડર વધતો હતો. પાણીના વેગ અને પત્થરની સ્થિરતા વચ્ચેથી માર્ગ કાઢવાની કુનેહ નદીની દોસ્તી વગર શકય જ નથી જ્યારે મારો તો આ પ્રથમ જ પરિચય. ગાઈડની દિશાસુઝ મારા ડરને આનંદમાં ફેરવીને હર્ષ અને રોમાંચથી ખળખળાવતી. કલાક પછી એક કાંઠે અમે પાંચ મિનિટ માટે થંભ્યા. બાજુમાં કાંઠા પરના વૃક્ષો ઝૂકીને જાણે નમન કરતા હતા. અને સામેના કાંઠે કેટલાક દેશોના ધ્વજ જાણે નદીને વંદન કરતા ઊભા હતા. આ દેશોએ 1996માં ઓલિમ્પીકની પાણીમાં રમાતી રમતોમાં ભાગ લીધેલો જે અહીં રમવામાં આવી હતી. વચ્ચે મધ્યમાંથી એક પછી એક ચાર તરાપાઓ પસાર થયા. તે જગ્યાએ વમળમાં તરાપો ગોળ ગોળ ફરતો નીચે સરતો હતો અને અંદર બેઠેલા લોકો રોમાંચ અને ભય તથા હર્ષમિશ્રિત ચિચિયારી કરતા હતા. ગાઈડે આ જગ્યાનુ નામ હોલીવુડ સ્પીન જણાવ્યું.
અમારા તરાપાએ એમાં ઝંપલાવ્યુ. ખૂબ મજા આવી. પાણીની છાલકોથી નદીમાતાએ જાણે વહાલથી નવડાવ્યા. ચિચિયારીઓ સ્વાભાવિક બની ગઈ. અમારી સાથેનુ અમેરિકન કુટુંબ અમારી ખૂબ કાળજી રાખતુ હતુ. હું કે નીલમ બીજી બાજુ નમી જઈએ તો તરત જ અંદર તરફ ખેંચી લે અને વધુ પડતાં અંદર નમી જઈએ તો ટેકો આપીને સરખા બેસવામાં મદદ કરે. હવે નદીનો મધ્યભાગ શરૂ થયો હતો. આમ તો ત્રેવીસ માઈલ લાંબી હિવાસી નામની નદીમાં પાંચ માઈલના મધ્ય ભાગ(ઓકોઈ)માં જ અમારી સફર હતી. પાણીના વહેણ અહીં પ્રમાણમાં ઓછા વેગવાન હતાં. વેગની ગતિ પ્રમાણે પાંચ વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યુ છે.પાંચેમાં સૌથી સરળ એવા પ્રથમ વર્ગની સફરની અમારી હિંમતને પણ અમે જ દાદ દેતાં હતાં. તરવાના કૌશલ્યને અભાવે જ તો ! અમેરીકન ગાઈડ કે જેનુ નામ નીલ હતુ તે બહુ આનંદી હતો. અમે વાતોએ વળગ્યા. નીલમે પણ ગીત ગણગણવાનુ મૂકીને વાતોમાં રસ લીધો. નીલમ કહે આ નદીની સફરને સમયની મર્યાદા ન હોય તો કેવુ સારૂ! આ સાંભળી તેને સાથે લાવ્યાનો મને ખૂબ આનંદ થયો.
નદી એના પેટાળમાં પત્થર, માટી અને બીજુ પણ ઘણુ સમાવીને એ ઉછળતી કૂદતી વૃક્ષો અને માનવીઓને જીવનનો આનંદ અર્પે છે. જીવન પણ આ વહેતી નદી જેવુ અનંત છે કિનારાઓની મર્યાદા વચ્ચે પણ એ સતત વહે છે. વાતો વાતોમાં મેં નીલને પુછ્યુ કે અહીં ઘણા લોકો એક જ બેઠકનો નાનો તરાપો લઈને નીકળી પડ્યા છે તો એ કુશળતા પ્રાપ્ત કરવા માટે કેટલા પાઠ લેવા પડે? એણે જવાબ આપ્યો કે “મહત્વ નદીને ઓળખીને એના વહેણ અને માર્ગના પરિચયનુ છે અને એ કૌશલ્ય તો નદીની દોસ્તીથી જ કેળવી શકાય અને મને એટલે જ આ નોકરી બહુ ગમે છે. હું નાનો હતો ત્યારથી આ નદીને ખોળે જ મોટો થયો છું. અહીંના એક એક પત્થરને હું ઓળખુ છું. “ તેણે સૌને થોડીવાર આસપાસ તરવાની મજા લેવાની છૂટ આપી. એનલ તેનો ભાઈ સ્કોટ અને તેના પિતા ટોમે પાણીમાં હર્ષથી ઝંપલાવ્યુ. અને અમે આજુબાજુના સૌંદયનુ પાન કરતા તૃપ્તિ અનુભવવા લાગ્યા. નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી અને આજુબાજુના બંને કાંઠે તેમ જ સામેના વળાંકોને કાંઠે વૃક્ષોની હારમાળાઓ ઉન્નત અને ઉન્નત થતી જતી હતી. અને આ આખા ય દ્ર્ષ્યની આકાશ સાથેની એકરૂપતા મન અને હ્રદયને એક વિશાળતા અર્પતી હતી. આ વિશાળતાને સમયમાં સમેટવા નીલે તરાપો આગળ ચલાવવાની તૈયારી આરંભી.
મધ્યમાં ધીમી પડેલી નદીની ગતિ ફરીથી વધતી જતી હતી. દોડતી નદી હવે જાણે કુદતી હતી. નીલે તરાપો થોડીવાર ગોળગોળ ફેરવ્યો, આનંદ માટે જ તો ! અમે બધાં પૂરેપૂરાં પલળી ચૂકયા હતા. પત્થર સાથે માથુ ન અફળાય અને ડૂબી ન જવાય તે માટે હેલમેટ અને જેકેટ પહેરાવ્યા હતા તો પણ કપડાં પલળ્યા હતા એટલો જળાભિષેક થયો હતો. આનંદથી અમે તરબોળ હતા. નીલે અમને ગ્રાન્ડ ફનાલી માટે તૈયાર થવા કહ્યુ. સામે એક મોટો ખડક નદીની બરાબર વચ્ચે ચોકીદારની અદાથી અણી તાકીને ઉભો હતો તેની આસપાસ બંને બાજુથી પાણી પ્રચંડ વેગથી નીચે તરફ ધસતુ હતુ. એને ઝૂકીને અમે બાજુમાંથી પસાર થયા કે નીચે તરફ વેગથી ઘસડાયા અને તરાપો બંને બાજુ હાલકડોલક થઈ કાટખૂણા રચતો હતો અમને ઝૂલાવતો હતો અને અમે શીતળ પાણીની છાલકોથી સરિતાનુ વહાલ પીતા હતા. ગાઈડ નીલે થોડી મહેનતે તરાપાને આ વમળની બહાર કાઢ્યો.
ફરી એ જ સુન્દર આકાશ, નિર્ઝરિણી અને વૃક્ષોની ઘટાઓ મનને મંત્રમુગ્ધ કરવા લાગી. ફરી એકવાર ભયે મને આનંદસમાધિમાંથી જાગૃત કરી. પળ બે પળ અને વળી આનંદનો અતિરેક! સફરની શરૂઆત કરી ત્યાંથી અમે એકસો સિંતેર ફૂટ નીચે સુધી આવી ચૂક્યા હતા. છેલ્લાં વધુ એક વમળમાં નીરની પ્રેમાળ છાલકોનો ભયરહિત આનંદ માણી અમે કિનારે નાંગર્યા. કિનારો કાંકરાઓથી ભરપૂર હતો અને પાણી ગોઠણ સમાણા હતા. આથી તરાપામાથી ઉતર્યા પછી પણ સરિતાનો પાલવ મૂકવાનુ મન નહોતુ થતુ. અમારા પગ પાણીથી બંધાયેલા હતા. બહાર નીકળ્યા ત્યારે મારા આખા અસ્તિત્વમાંથી આનંદ પાણી સ્વરૂપે નીતરતો હતો.
એક જ વસ્તુ …એક જ વાતના અલગ અલગ સ્વરૂપો પણ હોઇ શકે ને આ જ અનુભવ મિત્ર રેખાની દ્રષ્ટિએ……
રેખા સિન્ધલ…(ટેનેસી.યુ.એસ્. એ. )
( White water rafting..in ocoee river…on 3/7/2008..)
