પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સંબંધસેતુ..14 June 19, 2008

“હૈયુ નર્યુ મુલાયમ,સામે બધા ય પથ્થર,
હળવે રહીને લખજો હૈયાના હસ્તાક્ષર…”

કવિએ આ એક પંક્તિમાં કેટલી સાચી વાત કહી દીધી છે. દરેક વ્યક્તિને પોતે હમેશા લાગણીશીલ અને અંદરથી મુલાયમ છે. અને બીજા પથ્થર જેવા કઠોર છે તેવું લાગતું હોય છે.પણ એ બીજા બધા પણ પોતે એવું જ માનતા હોય છે ને ? તેથી જ કોઇ કવિ આવું ગાઇ ઉઠ્યા હશે..

”હું કહું એ સાચું અને બીજા કહે એ ભૂલ,
એ બીજા બધા પણ “હું “ જ છે..
તો પછી જગતમાં કયાં ભૂલ છે ? “

કહેવાનો મતલબ એટલો જ દરેક વ્યક્તિ પોતા અંગે આવું જ માનતી હોય છે.અને ત્યારે દરેકે કઠોર બન્યા સિવાય જીવનકિતાબના પાના પર હળવે હાથે, મુલાયમ રીતે જ હસ્તાક્ષર કરવા રહ્યા. જેથી કોઇના યે હૈયાને ઠેસ ન પહોંચે.પણ જીવનમાં આવું કેટલા લોકો વિચારી શકે છે ? અને વિચારનાર..લખનાર કે બોલનાર પણ ખરેખર જીવનમાં તેનો અમલ કરી શકે છે ખરા ? જો કરી શકતા હોત તો આજે જે ઝડપથી સંબંધો તૂટી રહ્યા છે… ઝંખવાઇ રહ્યા છે..માનવ માનવ વચ્ચે તિરાડો પડતી જાય છે. અવિશ્વાસ વધતો જાય છે તે પરિસ્થિતિ હળવી ન થઇ શકત ? આજે સૌને અન્ય માટે ફરિયાદ છે..પણ ફકત ફરિયાદથી કોઇ વાતનો ઉકેલ કયારેય મળી શકે ખરો ? આજે કંઇક આવી જ વાત કરવી છે.

રોમિન અને રીનાની સગાઇને એક મહિનો થયો હતો. બંને ખુશખુશાલ હતા. જીવનના આ સોનેરી સમયને…ગોલ્ડન પીરીયડને મન ભરીને માણતા હતા. રીનાની દરેક વાત રોમિન હોંશેહોંશે સ્વીકારતો રહેતો. રીના ની આગળ પાછળ ફરતો રહેતો. તેનો પડયો બોલ ઝિલવા તત્પર રહેતો.બંને એક જ શહેરમાં હોવાથી રોજ સાંજે અચૂક મળતા. દિવસો ને..સમયને જાણે પાંખો આવી હોય તેમ લાગતું હતું.દિવસો સોનેરી તો રાતો અનેક શમણાઓથી રૂપેરી બની રહેતી..રીનાને પણ રોમિનની દરેક વાત અદભૂત લાગતી. સુંદર કપડામાં સજ્જ થઇ ..હાથમાં હાથ પરોવી બંને કલાકો સુધી ગુફતગુ કર્યા કરતા. એકબીજા પર સારી છાપ કેમ પડે..તે જોવા બંને પ્રયત્નશીલ હતા.

અને અંતે સપનાઓ સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી, રીના નવવધૂ બની રોમિનના ઘરમાં આવી. ઘરમાં પણ બંને એકલા જ હતા.સાસુ,સસરા બીજા શહેરમાં રહેતા હતા.અને રોમિનને નોકરીને લીધે અલગ જગ્યાએ રહેવાનું હતું.આમ પૂરી મોકળાશ સપનાને પાંગરવા મળી હતી.

અને હમેશા જેમ બનતું આવ્યું છે તેમ શરૂઆતનો થોડો સમય તો ખૂબ સરસ રીતે એકમેકમાં ખોવાઇને….ખૂબ ઝડપથી પસાર થઇ ગયો. પરંતુ શરૂઆતની રોમાંચકતા, ઉન્માદ..ધીમે ધીમે ઓસરવા લાગ્યા..પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ હમેશ વધારે જ હોય છે. હવે તો રોજના થયા..ધીમેધીમે બંને એક બીજા પ્રત્યે થોડા બેદરકાર થવા લાગ્યા.રીના જે રોજ સાંજે સરસ તૈયાર થઇ રોમિનની પ્રતીક્ષા કરતી હતી..તે રોજ ઘરમાં શું તૈયાર થવાનું હોય…માની એમ જ બેસી રહેતી. અને રોમિન પણ પહેલાની માફક ફરીથી મિત્રોમાં ફરવા લાગ્યો. બંનેને એક્બીજા માટે લાગણી નહોતી..એવું નહોતું. પરંતુ કદાચ બંનેએ એકબીજાને “ ટેઇકન ફોર ગ્રાન્ટેડ “ લઇ લીધા હતા. અને સંબંધોમાં બેદરકારી પ્રવેશતા જ ઘરમાં નાની નાની વાતોમાં મતભેદ થવા લાગ્યા..કયારેક બોલાચાલી..તો કયારેક અબોલા..એકબીજા પર આક્ષેપો…તને મારી પડી નથી…એવા રુટિન ડાયલોગો ચાલુ થયા..જે સામાન્ય રીતે અંતહીન અને અર્થહીન હોય છે. જીવનમાં કંટાળો પ્રવેશવા લાગ્યો.. લગ્ન અને સગાઇ વચ્ચેના સમય ગાળામાં સ્વાભાવિક રીતે જ બંને એકબીજાને ખુશ રાખવાના પ્રયત્નો સતત કરતા રહેતા.સરસ તૈયાર થઇને એકબીજાને મળતા રહેતા.ભવિષ્યના સપનાઓ સાથે જોવાતા રહેતા. એકમેકના ગુણો જ દેખાતા..બંને એકબીજા પર સારી છાપ પાડવા સ્વાભાવિક રીતે જ આતુર રહેતા. હવે નજીક આવતા..હમેશ માટે સાથે રહેવાનું થતા…એકબીજાના દોષ..આદતો..વિગેરે થી પરિચિત થવા લાગ્યા. અને જીવનમાં કંઇ ફકત સપનાઓ જ નથી હોતા..અને હકીકત સપનાઓની માફક રંગીન થોડી જ હોય છે ? અને હવે શરૂ થઇ સંબંધોની કસોટી.. રોમિન અને રીના બંને એકબીજા પર આક્ષેપો કરવા લાગ્યા..’તને મારી પડી નથી….’ રોમિન કહેતો..અને બમણા જોશથી રીના કહેતી,’લગ્ન પહેલા તું કેવી મોટી મોટી વાતો કરતો હતો…આવી ખબર હોત તો….’

’તો શું કરત ? લગ્ન ન કરત..એમ જ ને ? તો તારા વિના અહીં કોણ કુવારું રહી જતું હતું. અને હવે તો પડી ને ? તારે જે કરવું હોય તે છૂટ છે. હું તો આમ પણ થાકયો છું હમેશની આ કચકચથી…’’

’એટલે..? તું મારાથી છૂટવા માગે છે ? હું જ ખરાબ છું? બધો દોષ મારો જ છે ? ‘ અને અંતહીન આક્ષેપબાજી ચાલુ રહેતી. અને રીના આંસુ સારતી અને રોમિન ગુસ્સે થઇ બહાર ચાલ્યો જતો. વળી મનામણા થતાં..થોડા દિવસો ફરી બધું સરખુ ચાલતું..અને પડયુ પાનુ નિભાવવાની વૃતિથી બંને છૂટા તો ન પડતા..પરંતુ જીવન રગશિયા ગાડાની જેમ ચાલતુ રહેતુ.ઉત્સાહના અભાવે જીવનની મજા અદ્રશ્ય થવા લાગી.

હકીકતે દરેક યુવક,યુવતીએ સમજવું રહ્યું કે લગ્ન પછી પહેલાની રોમાંચકતા જાળવવી બહું અઘરી છે. લગ્ન પહેલા સંસારની…ઘર ચલાવવાની કોઇ જવાબદારી નથી હોતી. કાંદા..બટાટાના ભાવોની ચર્ચા કે સામાજિક વ્યવહારો જાળવવાની ચર્ચા એ સમયમાં નથી થતી હોતી. એ બધું તો લગ્ન પછી જ શરૂ થાય છે. અને એકમેકની નજીક આવતા જ સામી વ્યક્તિના દોષ દેખાવાની શરૂઆત થાય છે. ત્યારે જો સમજણનો સેતુ વિકસેલ ન હોય તો સેતુમાં તિરાડ પડતા સમય નથી લાગતો.. અને “.stich in time,saves nine..” ની જેમ સમયસર જો એ તિરાડ સંધાય નહીં તો સમય જતાં એ તિરાડોને મોટું સ્વરૂપ ધારણ કરતાં વાર નથી લાગતી. અને સતત સાથે રહેવાનું થાય ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં નાની તિરાડો..નાના નાના મતભેદો તો થતા જ રહેવાના….એમાંથી બહાર કેમ નીકળવું એ કલા જો સાધ્ય ન કરી હોય તો…પરિણામ ખરાબ જ આવવાનું. હકીકતે લગ્ન પહેલા જેટલી શારીરિક તૈયારીઓ.. ફેસિયલ,વેક્સીંગ,બ્લીચીંગ.મહેંદી, વિગેરે થાય છે. વહેવારની તૈયારીઓ થાય છે.તેટલી જ માનસિક તૈયારીઓ થાય..તો ઘણાં પ્રશ્નો ભવિશ્યમાં સોલ્વ થઇ શકે.એકમેકના પ્રેમ વડે સંસારસાગર આસાનીથી તરી શકાય છે. પરંતુ એકમેક પ્રત્યે જો નફરત ઉભી થઇ તો….પરિસ્થિતિ સંભાળવી બહું કઠિન બની જાય છે.
ખલિલ જિબ્રાને એક જગ્યાએ સરસ વાત કહી છે.

તેઓ કહે છે..”પ્રેમને વશ થજો..તેમાં શ્રધ્ધા રાખજો..પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી..અને પોતા સિવાય બીજુ કશું લેતો નથી..”

સ્નેહમાં હમેશા સમર્પણ જ હોય. દામ્પત્યજીવન એ “હું” માંથી “અમે “ તરફ જવાની શરૂઆત છે.વિસ્તારયાત્રા છે. જોકે સદનશીબે રોમા અને રોમિનના જીવનમાં ભંગાણ ન પડયું. શરૂઆતમાં થોડા મતભેદો જરૂર થયા..પણ અંતે એક્બીજાને માટે પ્રેમ હોવાથી ધીમે ધીમે પરિપકવતા આવવાથી એકબીજાનો સ્વીકાર..થવાથી મોટા પ્રશ્નો ઉભા ન થયા. વ્યક્તિ જેવી છે તેવી મારી છે…સંપૂર્ણ કોણ હોય શકે ? “ આ ભાવના જો એકવાર દિલમાં ઉગે તો દોષ રાઇ જેવડા બની જાય છે. અને જીવન વિકસી રહે છે.

નાનીવાતને મોટું સ્વરૂપ આપવાની ભૂલ કયારેય ન થવી જોઇએ. સમાધાન એ જ ઘરના સુખની ચાવી છે. સારા પુસ્તકોનું વાંચન ઘણીવાર ઉપયોગી નીવડે છે..અને જીવનને તૂટતું બચાવી લે છે.દરેક માણસની એક મર્યાદા હોય છે. અન્યની સાથે સરખામણી કરવાની ભૂલ દામ્પત્યજીવનમાં કયારેય કરવી નહીં. તમને બીજાની પત્ની કે બીજાનો પતિ સારો લાગતો હોય તો એ ખરેખર સારો જ છે તેવું માનવાની જરૂર નથી કેમકે ડુંગરા દૂરથી જ રળિયામણા લાગતા હોય છે. અને “ માંહ્યલા ગુણ તો મહાદેવજી જ જાણે..” તે વાત સાચી છે જ. બની શકે તમારી બહેનપણીને તમારો પતિ સારો લાગતો હોય કે તમારા મિત્રને તમારી પત્ની સુંદર લાગતી હોય.પારકે ભાણે હમેશા લાડુ મોટો જ લાગવાનો. માટે એવા કોઇ ભ્રમમાં રહ્યા સિવાય જે આપણી વ્યક્તિ છે તેનો પ્રેમપૂર્વક સ્વીકાર એ જ સુખી થવાની ગુરુચાવી છે. દરેકના જીવનમાં કયારેક તો સંબંધોની કસોટી થતી જ રહે છે. જીવનમાં ચડાવ ઉતરાણ તો આવવાના જ.જીવન કંઇ સપાટ મેદાનમાં વહેતી નદી નથી. એ તો ખડકો વચ્ચેથી રસ્તો કરતું વાંકુચુકુ પણ સતત વહેતું ઝરણુ છે.એ ઝરણાના સંગીતને સાંભળવાની શક્તિ કેળવી શકીએ..તો સંબંધોમાં કયારેય તિરાડ ન પડે..અને સંબંધોનો સેતુ જળવાઇ રહે એનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે ?

સહજીવનને સખ્યજીવન પ્રેમથી જ બનાવી શકાય ને ?

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

11 Responses to “સંબંધસેતુ..14”

  1. pragnaju Says:

    “મતભેદો જરૂર થયા..પણ અંતે એક્બીજાને માટે પ્રેમ હોવાથી ધીમે ધીમે પરિપકવતા આવવાથી એકબીજાનો સ્વીકાર..થવાથી મોટા પ્રશ્નો ઉભા ન થયા. વ્યક્તિ જેવી છે તેવી મારી છે…સંપૂર્ણ કોણ હોય શકે ? “ આ ભાવના જો એકવાર દિલમાં ઉગે તો દોષ રાઇ જેવડા બની જાય છે…
    સનાતન સત્યનું સુંદર નીરુપણ.
    આમાનાં કોઈને કોઈ દોષ તો દરેકમાં હોય જ-મનના -અવિવેક દોષ,યશોવાંછા દોષ, લાભવાંછા દોષ,, ગર્વ દોષ, ભય દોષ, નિદાન દોષ, સંશય દોષ, રોષ દોષ, અવિનય દોષ અને અબહુમાન દોષ.
    વચનના કુવચન દોષ,સહસાકર દોષ,સ્વચ્છંદ દોષ,સંક્ષેપ દોષ, કલેહ દોષ, વિકથા દોષ, હાસ્ય દોષ, અશુધ્ધ દોષ, નિરપેક્ષ દોષ,મુમ્મુણ દોષ કે
    કાયાના - કુઆસન દોષ, ચલાસન દોષ,ચલદ્રષ્ટિ દોષ,સાવધ ક્રિયા દોષ., આલંબન દોષ
    આકુચન પ્રસારણ દોષ,આળસ દોષ,મોટન દોષ, મલ દોષ,વિમાસ્ના દોષ, નિંદ્રા દોષ, વૈયાવૃત્ત દોષ
    બસ બીજામાં એ દોષ રાઇ જેવડા કરાય તો !

  2. manvantpatel Says:

    દોષ પરાયે દેખકર,ચલે હસંત હસંત;
    અપને યાદ ન આવઇ…જિનકા આદ ન અંત !

  3. Jignesh Adhyaru Says:

    સાવ સાચી સરસ અને સરળ વાત….પણ એ જેટલી વાંચવામાં સરળ લાગે છે એટલી આચરણ માં નથી હોતી…..

  4. vijayshah Says:

    ..”પ્રેમને વશ થજો..તેમાં શ્રધ્ધા રાખજો..પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી..અને પોતા સિવાય બીજુ કશું લેતો નથી..”

    maza aavi gayi
    Sundar sakhya jivan etale premanI paripakavata…
    abhinandan

  5. Harsukh Thanki Says:

    અંતે તો અનુકૂલન જ સહજીવનની ચાવી છે. તમે સાચું જ કહ્યું છે, દામ્પત્યજીવન એ “હું” માંથી “અમે “ તરફ જવાની શરૂઆત છે. વિસ્તારયાત્રા છે. સુંદર લેખ.

  6. Dipak Thaker Says:

    સાચી વાત એ છે કે … જ્યારે માણસ ને અધિકારત્મક્તા સામ્પડે છે ત્યારે તેનો મહદ્ન્શે ઉપયોગ તેની સમ્ઉપયોગીતા કરતા તેની સ્વીક્રુતિ જાળવવામા વધારે થતો જોવા મળ્યો છે.. !! શબ્દો ઉપરની સવારી ગમે તેટ્લી સારી હોય છતા આજતો મનુશ્યની લાક્ષણિક્તા છે …. તેને આજ સ્વરુપમા સ્વીકારવી રહી….. વૈકલ્પિક રીતે લગ્ન જે એક આપણા સમાજનુ એક જરુરી પ્રસ્થાન્ છે તેના વિકલ્પો શોધવા રહ્યા…..કે જેથી પતિ - પત્ની વચ્ચે સમ્વાદિતા જળવાઈ રહે….

  7. Dhwani joshi Says:

    સાવ સાચી વાત કરી આપે.. ઘણા ને કહેતા સાંભળ્યા કે..”હવે તો લગ્ન થઇ ગયા..” કે ”હવે તો લગન ને ૨ વર્ષ થઇ ગયા.. હવે શું”..!! મને થયા કરે કે લોકો કેમ આમ બોલતા હશે.!! અને એક નહી..ઘણા ઘણા..!!

    પણ કહ્યું છે ને.. કે ”સફળતા મળવી એ મોટી વાત જરુર હશે, પણ એને ટકાવી રાખવી એ એના કરતા પણ જરુરી અને અઘરી બાબત છે..!!” જે વ્યક્તિ ને પામવા ની ઝંખના આપણે આટલા વર્ષો થી કરતા હોઇએ,એને માટે સાવ એક-બે ક્ષણ માં જ પ્રેમ ઓસરી નથી જ જતો.. પણ કદાચ પ્રેમ ખુબ જ હોય પણ સમજણ અપરિપક્વ હોય એના આ બધા પરિણામ હોઇ શકે..! લગ્ન પહેલા..એક બીજા ને ઓળખવા,નવી નવી વાતો કરવા રાતો ની રાતો જાગ્યા હોય, અને લગ્ન પછી,કે જેને સંપુર્ણ જાણે છે, તેને “ ટેઇકન ફોર ગ્રાન્ટેડ “ લઇ , જાણે-અજાણે દિલ દુખાવી ફરીથી આંખો માં ઉજાગરા આંજતા હોય છે..!

  8. neetakotecha Says:

    badha sambandh ma tirad padti hoy che,
    jagde to ma ane dikri pan che.
    pan nilam didi tame j sambandho ni undan thi bhareli vato kaho cho enathi ketla problem to ema thi j sudhri jay che…
    potani bhul dekhava lage ema e khash to sasu vahu ni vato…
    jetlo aabhar maniye etlo oocho che tamaro…

  9. Ashok Says:

    saras……….

  10. chikimiki Says:

    Bahu saras…

  11. harish Says:

    eક્ષ્cellent

Leave a Reply