સંબંધસેતુ 12…..

” સંબન્ધોની રાખ દઝાડે છે
કયાંક હજી ચિનગારી છે.”

સમયની સાથે કેટલાક સંબંધો રાખ થઇ જતા હોય છે તો કોઇ નવા સંબંધો જન્મતા હોય છે. જીવનપથ પર કયારેક કોઇ મળે છે કયારેક કોઇ વિખૂટા પડી જાય છે. અને જયારે કશું ન સમજાય ત્યારે આપણે તેને ઋણાનુબંધ કે લેણદેણનું નામ આપીએ છીએ. અથવા પૂર્વજન્મના કર્મ…કહી મન મનાવીએ છીએ. પૂર્વજન્મ અને એ બધી વાતો નો જવાબ તો આજ સુધી ચોક્કસપણે કોઇ આપી શકયું નથી..પરંતુ આ જન્મ..અને આ ક્ષણ…એ તો આપણી સામે હાજરાહજૂર છે જ. જેનો ઉજળો હિસાબ કિતાબ આપણે આપી શકીએ તો આ જન્મની અને આવતા જન્મની ચિંતા પણ કદાચ ન રહે. આજે આવા જ કોઇ લેણદેણના સંબંધોની વાત અહીં કરવી છે.

ઘર ઘરકી કહાની ની જેમ કે પછી ઘેર ઘેર માટીના ચૂલા ની જેમ જાનકીબહેને પણ દીકરાના લગ્ન તો ધામધૂમથી ખૂબ હોંશથી કર્યા…પણ પછી વહુ સાથે કોઇ રીતે મેળ પડયો નહીં. અને વહુએ દીકરાની કાનભંભેરણી પણ એવી કરી કે દીકરાને પણ મા નો જ દોષ દેખાવા લાગ્યો.

કોઇ આશ્ર્વર્ય કે કશું નવું નથી લાગતું ને આમાં ? આજે આ બધી વાતોથી આપણે એટલી હદે ટેવાઇ ગયા છીએ..કે આ બધુ સામાન્ય લાગે છે. અને સામાન્ય વાતની જેમ જ વિધવા જાનકીબહેન એક દિવસ વ્રધ્ધાશ્રમમાં પહોંચી ગયા. થોડો સમય આંસુ સાર્યા…પોતાની જેવા અનેકની કથની ત્યાં સાંભળી..પ્રસંગો થોડા અલગ હતા..બાકી સાર તો બધી વાતો નો એક જ હતો.સંબંધો..લોહીના સંબંધો પાણીથી યે પાતળા બની ગયા હતા. બહાર લાખોના દાન આપતા દીકરાના માતા પિતા પણ અહીં હતા..જીવતી વાર્તાઓ ..અનેક વિવિધ પાત્રો અહીં હતા. દરેક પાસે પોતાની એક રામકહાણી હતી. કયાંક એક પક્ષનો વાંક હોય..કયાંક બીજા પક્ષનો…તો કયાંક બંને પક્ષ નો..પણ મૂળ વાત એ જ કે સંબંધોનું પોત ઝંખવાઇ ગયું

હતું.પૈસા..સ્વાર્થ,સંકુચિતતા..સ્વભાવ, સમજદારીનો અને સ્નેહનો અભાવ…બે પેઢી અને બે મન વચ્ચેની દૂરી… આ બધા મૂળ કારણો…! કયાંક સાવ નાની વાત હોય..કયાંક મોટી…બાકી કોઇ પોતાની ખુશીથી તો જીવનસંધ્યાએ ઘર ન જ છોડે..એ સ્વાભાવિક છે. જાનકીબહેને અહીં આવીને ઘણી વાતો ઘણાં પાસેથી સાંભળી.. તેઓ સંવેદનશીલ હતા..તે વિચારતા હતા..કે બસ..શું આમ જ રડતા રડતા..એક વલોપાતમાં..અફસોસમાં જ જીવન પસાર કરવાનું ? અને આમ જ આ સંસારની વિદાય લેવાની ?
આ વૃધ્ધાશ્રમની બાજુમાં જ નાના બાળકો માટેનું અનાથાશ્રમ હતું. તેમાં રમતા બાળકો ને જોઇ જાનકીબહેનને પુત્રના બાળકો યાદ આવી જતા. તેમને ખૂબ માયા હતી..બાળકોની..પણ…નશીબમાં એ સુખ પણ કયાં હતું ? બાળકોને વહુ કયારેય પોતાની પાસે ફરકવા પણ કયાં દેતી હતી ? પોતાની જૂનવાણી વાતો,વર્તન અને વિચારથી બાળકો બગડી જશે તેવો વહુને ડર હતો. તેથી ઇચ્છા છતાં પોતે કયારેય પૌત્ર,પૌત્રીને રમાડી શકતા નહીં.

નાનકડા પૌત્ર માટે તેઓ તડપતા રહેતા. આજે પણ મનમાં પૌત્રની યાદ સાથે ..મનમાં ઘૂમતા અનેક વિચારો સાથે તેઓ પોતાના રૂમની બારીમાંથી બહાર જોઇ રહ્યા હતા.અહીંથી અનાથશ્રમના કમ્પાઉન્ડમાં રમતા બાળકો સ્પષ્ટ જોઇ શકાતા, જાનકીબહેન ઘણીવાર આ રીતે તેમને જોઇ રહેતા. અને પોતાના બાળકોની યાદમાં આંસુ સારતા રહેતા.કે કયારેક તેમને જોઇ ખુશી અનુભવી રહેતા.કદાચ આ બાળકોમાં પોતાના વહાલા પૌત્રને જોવા મથતા રહેતા.

આજે પણ રમતા બાળકોને જોઇ તેઓ ખુશ થતા હતા. ત્યાં અચાનક એક બાળક પડી ગયું..અને તેના પગમાં લોહી નીકળતું હતું અને તે રડતુ હતું. જાનકીબહેન રૂમની બહાર નીકળ્યા…અને ત્યાં પહોંચી ગયા. ત્યાં કોઇનું ધ્યાન નહોતું. તેમણે બાળકને ઉભુ કર્યું..અને અંદર મૂકવા ગયા.આ અનાથ શિશુને જોઇ તેમના હૈયામાં હેતની સરવાણી ફૂટી રહી.

આ ઘટનાએ તેમના મનમાં એક નવા વિચારને જન્મ આપ્યો..એક બે બાળકની દાદીમા ન બની શકી તો શું થયુ ? આ અનેક શિશુઓની દાદીમા કેમ ન બની શકુ ? બસ…આમ પણ એકવાર મનમાં વિચાર આવે પછી તેનો અમલ કરતા જાનકીબહેનને વાર નહોતી લાગતી. બીજે જ દિવસે તેઓ અનાથાશ્રમના સંચાલિકાબહેનની રજા લઇ સાંજે ત્યાં રમતા બાળકો પાસે પહોંચી ગયા. થોડીવાર તેમની સાથે રમ્યા..પછી બધાને પોતાની પાસે બેસાડી સરસ વાર્તા કહી..ગીતો ગાયા અને ગવડાવ્યા. બાળકો ખુશખુશાલ.. અને પછી તો રોજ સાંજનો જાનકીબહેનનો એ ક્રમ બની ગયો. રોજ નવી નવી રમતો રમાડે..વાર્તાઓ કરે..ગીતો ગવડાવે ..બાળકો ખુશ થતા તેનાથી બમણી ખુશી જાનકીબહેનને મળતી.. અને અંતે એક દિવસ તેઓ વૃધ્ધાશ્રમ છોડીને બાળકો વચ્ચે અનાથશ્રમમાં જ હમેશ માટે રહી ગયા.બાળકોના વહાલા દાદીમા બની ને. પોતાની બધી ફરિયાદો..અફસોસ બધું ભૂલી ને આ અનાથ શિશુઓમાં તેમને જીવનની સાર્થકતા અનુભવાઇ. અને તેમનું જીવન સ્નેહથી છલોછલ બની રહ્યું.

આજે તો આ વાતને દસ વરસો વીતી ગયા છે. જાનકીબહેન આજે આશ્રમનો પર્યાય બની ગયા છે. સૌ બાળકોના વહાલા દાદીમા બની ગયા છે. હવે આ બાળકો જ તેમને માટે સર્વસ્વ છે. તેમના વહાલમાં તેમનું મન અનન્ય સંતોષ અનુભવી રહ્યું છે. હવે તો તેમની પાસે કોઇ ફરિયાદ કરવાનો સમય પણ કયાં છે ? આજે અહીં તેમનું માનભર્યું સ્થાન છે. તેઓ સૌના આદરપાત્ર બની ચૂકયા છે. બાળકોને તેમના વિના ચાલતું નથી. સૌનો સ્નેહ મેળવી જાનકીબહેનને જીવન ધન્ય લાગે છે. અને ઇશ્વરના આભાર સાથે જીવનની સાર્થકતા અનુભવી રહે છે.

કોઇ સંબંધો જયારે જાકારો આપે કે ઠોકર મારે..લોહીના સંબંધોને ઝાંખપ લાગે..કોઇ ઋણાનુબંધ પૂરા થતા અનુભવાય ત્યારે વધારે અફસોસ કર્યા સિવાય માનવી બીજી દિશામાં વિચારવાનું શરૂ કરે તો રસ્તો મળી જ રહે છે. આમ પણ કહ્યું જ છે ને “ઇશ્વર એક દરવાજો બંધ કરે ત્યારે બીજો અચૂક ખૂલે છે. “.જરૂર હોય છે ફકત એ ખુલ્લા દરવાજા તરફ નજર નાખવાની…! કરવું છે તેને કામ મળી જ રહે છે. આજે જાનકીબહેન જેવા અનેક બહેનો….અને અનેક સંબંધો જીવનમાં છે. જો દ્રષ્ટિ બદલી તેઓ હકારાત્મક અભિગમ અપનાવી સમાજ માટે પોતાથી જે શકય હોય તે કરી છૂટવાની ભાવના ધરાવે તો સમાજને તો ફાયદો થાય જ,અને સાથે પોતાનું જીવન પણ સાર્થક બનતું લાગે.આજે વૃધ્ધાશ્રમમાં કે ઘરમાં ઘણી જગ્યાએ લોકો સતત ફરિયાદ કરતા જીવનના બાકી રહેલ વરસો પૂરા કરતા રહે છે. આયખુ ટૂંકુ કરતા રહે છે. તેમનો પૂરો સમય બધાની ફરિયાદમાં કે આંસુ સારવામાં કે અન્યની પાસે પોતાનું દુ:ખ રડવામાં…સહાનુભૂતિ મેળવવામાં જાય છે. પરંતુ જીવનનું એ સત્ય તેઓ ભૂલી જાય છે. સ્નેહ કે લાગણી પરાણે કયારેય મેળવી શકાતા નથી. અને અન્યની પાસે રોદણા રડવાથી ..કે દુ:ખની વાતો..ફરિયાદ કરવાથી કોઇ તેમનું દુ:ખ લઇ શકતું નથી. કે સાચી સહાનુભૂતિ પણ મેળવી શકાતી નથી. અને એવી ઉછીની સહાનુભૂતિનો કોઇ અર્થ હોતો નથી. તેને બદલે જે પણ પરિસ્થિતિ હોય તેમાંથી સારો ઉકેલ કઇ રીતે શોધી શકાય તે વિચારી તે દિશામાં પોતાથી શકય હોય તે કરી શકાય તો ઘણી ફરિયાદો..ઘણાં અભાવો જીવનમાં ઓછા થઇ જાય. આપણાથી પણ વધારે દુ:ખી લોકોની દુનિયામાં ખોટ નથી જ. તેમને મદદરૂપ બનવાનો એક પ્રયત્ન તો કરીએ. બની શકે અન્યનું દુ:ખ દૂર કરતા કરતા આપણું પોતાનું દુ:ખ હળવું થઇ જાય. અન્યને રોશની આપનાર પોતે કયારેય તે રોશનીથી વંચિત રહે ખરો ?

કોઇ તૂટેલ સંબંધને જોડી ન જ શકાય તેમ હોય તો તેનો વધારે અફસોસ કર્યા સિવાય અન્ય સંબંધોમાં મન પરોવી શકાય. સમાજમાં આપણાથી દુ:ખી અનેક લોકો છે જ. જેમને આપણા લંબાવેલા હાથની જરૂર છે.અને એક દીપથી અનેક દીપ લઈ શકે છે તે સત્યથી આપણે સૌ કયાં અપરિચિત છીએ ? આવો..એક દીપ જલાવીશું ? નવા સંબંધોને આવકારીશું ? આપણા કોઇ કવિએ સાચું જ કહ્યું છે ને ?

“ મળ્યું છે તો માણો..જીવન કચવાટે શીદ વહો ?
જીવો આયુ એવું ક્ષણમહીં ભરી કોટિક યુગો..”

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

9 Comments

  1. 1
    neeta Says:

    સ્નેહ કે લાગણી પરાણે કયારેય મેળવી શકાતા નથી. અને અન્યની પાસે રોદણા રડવાથી ..કે દુ:ખની વાતો..ફરિયાદ કરવાથી કોઇ તેમનું દુ:ખ લઇ શકતું નથી. કે સાચી સહાનુભૂતિ પણ મેળવી શકાતી નથી. અને એવી ઉછીની સહાનુભૂતિનો કોઇ અર્થ હોતો નથી.

    sachchI vat che..ane aavu karvathi loko ek pachi ek j potana hoy e pan dur java lage…

  2. 2
    pragnaju Says:

    સંબન્ધો અંગે ૧૨મો હપ્તો સુંદર્
    “ મળ્યું છે તો માણો..જીવન કચવાટે શીદ વહો ?
    જીવો આયુ એવું ક્ષણમહીં ભરી કોટિક યુગો..”
    કેટલી સાચી વાત!
    અન્યની પાસે રોદણા રડવાથી…
    તુલસી પરઘર જાઈકે દુઃખ ન અપના રોય
    ાપના ભરમ ગુમાવીએ, હરિ કરેસો હોઈ

  3. 3

    “ઇશ્વર એક દરવાજો બંધ કરે ત્યારે બીજો અચૂક ખૂલે છે. “.
    એકદમ સાચ્ચી વાત. હું માનનીય શ્રી. રતિલાલ ચંદરયાની જીવનઝાંખી લખી રહ્યો હતો, ત્યારે મેં તેમને પોતાનો જીવનસંદેશ આપવા વીનંતી કરી. એ તેમના જ શબ્દોમાં વાંચો –
    http://gujpratibha.wordpress.com/2006/09/04/ratilal_chandaraya/

    પણ આવા સંજોગોમાં આપણી તૈયારી એકડે એકથી શરુઆત કરવાની હોવી જોઈએ. માણસ ભાંગી પડ્યું હોય ત્યારે તો આ બહુ જ મુશ્કેલ કાર્ય બની જતું હોય છે. પણ એ દીશામાં પહેલું પગલું મુકવાની હીમ્મત અને તૈયારી હોવી જોઈએ. જાનકીબેનની જેમ એ ડગલું ભરો અને પછી બીજાં ડગલાં સુઝતાં જશે. અને નવી સંરચના, નવો આનંદ, જીવનની નવી સાર્થકતા હાથવગાં થઈ જશે.
    માટે બધો જ આધાર આપણા અભીગમ ઉપર હોય છે. નજર બદલો અને દુનીયા બદલાઈ જશે.

    જોકે, આમ કહેવું બહુ સહેલું હોય છે !!

  4. 4

    જૈન મુનીશ્રી બંધુ ત્રીપુટીના એક પ્રવચનમાં એમણે સરસ વાત કહી હતી સચોટ કે પરીસ્થીતી નહીં બદલાય મનસ્થીએતી બદલવી પડશે એજ મનસ્થીતી બદલતી સરસ વાર્તા

  5. 5
    pankajdabhi Says:

    સ્રરસ ઉદાહરણ…..આવા જાનકીબહેનોની સંખ્યા વધતી રહે તો સમાજમાં ઘનું પરિવર્તન આવી શકે…ઉપર જયેશભાઇએ કહ્યું છે તેમ પરિસ્થિતિ નહી બદલાય..મનસ્થિતિ બદલવી પડશે.. ખૂબ સાચી વાત..

    દ્રષ્ટિ બદલાય તો દુનિયા આપોઆપ બદલાય…

    અને લેખકોનું કર્તવ્ય છે..આવા ઉદાહરણરૂપ દાખલા..ભલે કદાચ કાલ્પનિક હોય તો પણ શું …કોઇ એ વાંચીને એ દિશામા કશુ વિચારી શકે તો….

    હકારાત્મક અભિગમ બદલ નીલમબેન અભિનનદન્…

  6. 6
    pragnaju Says:

    “પૈસા..સ્વાર્થ,સંકુચિતતા..સ્વભાવ, સમજદારીનો અને સ્નેહનો અભાવ…બે પેઢી અને બે મન વચ્ચેની દૂરી… આ બધા મૂળ કારણો…”
    મારી માન્યતા છે કે કોઇમાં કોઇ દોષ દેખાય કે હોય તો પણ તેને છોડી દેવાની જરૂર નથી.પણ મોટું પેટ રાખીને દોષને ગળી જવામાં જ બુદ્ધિમાની છે.આ રીતે જ સંસાર ચાલી શકશે.તે ઉપરાંત કોઇના વિશે કોઇ શંકા થાય તો તેનો ખુલાસો તે માણસ પાસેથી જ મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ.તેનો પ્રચાર કરીને તેને નિંદાનું સ્વરૂપ ના આપવું જોઇએ.એક બીજી યાદ રાખવાની વાત એ છે કે મહાનતા કે શ્રેષ્ઠતા કોઇ એક માણસનો જ ઇજારો નથી.તે સર્વનો અધિકાર છે. જ્યાં સુધી નમ્રતા જાગી નથી, ને દોષદૃષ્ટિ, ંકુચિતતા, ઇર્ષ્યા અને અહંતા ભાગી નથી
    ત્યાં સુધી -
    “મળ્યું છે તો માણો..જીવન કચવાટે શીદ વહો ?
    જીવો આયુ એવું ક્ષણમહીં ભરી કોટિક યુગો..”
    સમજવાનું અશક્ય છે.

  7. 7

    Aunty,
    ”કોઇ તૂટેલ સંબંધને જોડી ન જ શકાય તેમ હોય તો તેનો વધારે અફસોસ કર્યા સિવાય અન્ય સંબંધોમાં મન પરોવી શકાય.” સાવ સાચી અને સરસ વાત કરી આપે..કહે છે ને..કે દરેક વખતે સગા હોય છે એ વ્હાલા નથી હોતા અને વ્હાલા હોય એ સગા નથી હોતા.. એવું જ કાંઇક બનતું રહે છે..!! પણ અફસોસ ની વાત એ છે કે કેટલાક લોકો એમના મા-બાપ પણ અવા જ કોઇ અણગમા નો શિકાર બને છે..!! એ જ માતા-પિતા કે જેમના થકી પોતાનુ અસ્તિત્વ છે, એ જ એમને ભાર રુપ લાગે છે! આવા એક-બે ‘દાદા-દાદી ‘ ની વાત અહિં-લંડન માં- જોઇ,સાંભળી ને.. ત્યારે હ્રદય ભરાવી આવ્યું.. સાથે એમના દિકરા-વહુ પ્રત્યે ગુસ્સો પણ આવી ગયો.. પણ આખરે એ મા-બાપ નું દિલ હતું ને.. હું કાંઇ બોલું એ પહેલા જ કહે..”હશે, અમારો જ વાંક હશે..ભલે, એ એમની જિંદગી માં હમેંશા ખુશ રહે, સુખી થાય એ જ પ્રાર્થના..”…!!!!

  8. 8
    Rekha Sindhal Says:

    અગાઉના અભિપ્રાયમાં ભુલથી ઘણા ને બદલે ધણા લખાયુ છે. તે માટે સાહિત્યપ્રેમીઓની ક્ષમા ચાહુ છું. ગુજરાની ટાઇપ શિખવાની હજુ શરુઆત છે વાંચનાર નિલમની જેમ મોટુ દિલ રાખશે તેવી આશા.

  9. 9
    usha sanghvi Says:

    aapna man ni vyatha,avar ne ras ni katha,itar na kai tatha.Kids got Dadi and Dadi got kids.Nice presentation.


RSS Feed for this entry

Leave a Comment