Posted by: nilam doshi | May 28, 2008

સંબંધસેતુ…11

“ શી રીતે સંબંધ જાળવવો હવે ?
હું સ્વમાની છું અને તું મગરૂર છે.”

સ્વમાન અને અભિમાન વચ્ચે બહું બારીક ભેદરેખા હોય છે. જો એ સમજી ન શકાય તો માનવી એની ભૂલભૂલામણીમાં જીવનભર અટવાતો રહે છે. અને સંબંધોમાં ગોથા ખાતો રહે છે. સ્ત્રી અને પુરુષ..જીવનરથના બે પૈડા…બંને ધરતી પર હોય તો જ રથ ચાલી શકે. સ્ત્રી ને પુરુષ વિના કે પુરુષને સ્ત્રી વિના ચાલતું નથી..કુદરતની આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. લગ્નસંસ્થાનું અસ્તિત્વ સ્ત્રી..પુરુષના સહજીવનને..સખ્યજીવનને હોંશે હોંશે આવકારે છે.

લગ્ન થવાના હોય ત્યારે બંને પક્ષે અગાઉથી કેટકેટલી તૈયારીઓ થતી રહેતી હોય છે. હોંશથી જાતજાતની ખરીદીઓ થતી રહે છે. શરીરની સાર સંભાળ લેવાતી રહે છે. છોકરીપક્ષે જાતજાતની બ્યુટી ટ્રીટમેન્ટ થતી રહે છે. સ્કીનને ચમકીલી બનાવવા કેટલાયે પ્રયત્નો તે કરતી રહે છે. ફેસિયલ,વેક્સીંગ,બ્લીચીંગ,બોડી મસાજ…હેરસ્ટાઇલ.મેઇકઅપ.મહેંદી….કોઇ કચાશ ન રહેવી જોઇએ….ઘરના લોકો પણ પોતપોતાની સગવડ અને શક્તિ મુજબ જરૂરી તૈયારીઓ કરતા રહે છે.કેટલાયે વહેવારો નિભાવાતા રહે છે. લગ્ન જેવો મોટો પ્રસંગ છે. તૈયારીઓ તો કરવી જ રહી ને ? અને આ તૈયારીઓ છોકરી અને છોકરા બંને પક્ષે ચાલતી રહે છે.

બહું સરસ વાત છે. આ પ્રસંગ કંઇ જીવનમાં વારંવાર નથી આવતો. પરંતુ કયારેક પ્રશ્ન થાય છે. બીજી બધી તૈયારીઓ તો થાય છે..થતી રહે છે અને થતી રહેશે. લગ્ન પછી આપણી સંસ્કૃતિ મુજબ..આપણી પરંપરા મુજબ છોકરીને છોકરાને ઘેર જવાનું હોય છે. પારકા ઘરને પોતાનું બનાવવાનું હોય છે. લગ્ન પછી એક છોકરીનું સ્ત્રીમાં રૂપાંતર થાય છે..થવાનું છે..તો એ માટેની માનસિક તૈયારી આમ તો બંને વ્યક્તિએ ..અરે, વ્યક્તિએ જ શા માટે ઘરના સૌએ એક બદલાવની તૈયારી કરવી જ રહી. પરંતુ એ તૈયારી ખરા અર્થમાં આપણે કરીએ છીએ ખરા ?

સહજીવનના રંગીન શમણા તો સ્વાભાવિક રીતે જ આંખોમાં અંજાતા રહે છે. કલ્પનાની દુનિયા સજાવાતી રહે છે.પરંતુ લગ્ન પછી ફકત કલ્પનાની રંગીન દુનિયા જ નથી હોતી..વાસ્તવિકતાની કઠોર ધરતી પણ હોય છે. અને એ ધરતીમાં ફકત ફૂલો જ નથી હોતા…કડવી મીઠી વાસ્તવિકતા પણ હોય છે. તેને માટે લગ્ન પહેલા કોઇ સજ્જ્તા કેળવાવી જોઇએ..કોઇ માનસિક તૈયારી થવી જોઇએ તેવું નથી લાગતું ?

હા. ખાસ કરીને છોકરીને સગાસ્નેહીઓ પાસેથી અમુક સલાહ સૂચનો મળતા રહે છે..પરંતુ એમાં કયારેક ફકત આદર્શની વાતો હોય કે કયારેક સાવધાન રહી બધા પર પોતાની ધાક કઇ રીતે જમાવવી..પતિ અને સાસુને કઇ રીતે વશમાં રાખવા એવી સલાહો હોય છે. અને એક છોકરીના મનમાં પૂર્વગ્રહના તાણાવાણાઓ બંધાતા રહે છે. જે ભવિષ્યમાં બંધાનાર સંબંધોમાં અસરકારક બની રહે છે. આજે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવતી થઇ છે. ઘરની અંદર રહેવાનો સમય તેને બહુ ઓછો મળ્યો હોય છે. ત્યારે ઘણી વાતોથી તે અજાણ રહી જતી હોય છે.

આવું જ કંઇક સંજનાની બાબતમાં પણ બનેલ. લગ્ન પહેલા બીજી ઘણી બધી તૈયારીઓ તો કરેલ..પણ માનસિક તૈયારીનો કદાચ અભાવ રહી ગયો હતો.. જેના પરિણામ સ્વરૂપ આજે ફરી એકવાર તે પિયરમાં આવી પહોંચી હતી. આ એક વરસમાં તે સાત વાર આવી ચૂકી હતી. નાની નાની વાતમાં તેને સાસુ સાથે વાંકુ પડી જતું.. અને પિયર નજીક હોવાથી તે કોઇને કશું કહ્યા સિવાય પિયર પહોંચી જતી. સાસરામાં પતિ સિવાય બધા તેને પારકા લાગતા. ઘરની જવાબદારી..વહેવારો નિભાવવા.. ઘરમાં કોઇનો સમય કે સગવડ સાચવવા.. એ બધું તેને ફાવતુ કે ગમતુ નહી.. સાસુ તેને કચકચિયા લાગતા.નણંદ તેને હરીફ જેવી લાગતી. તે પોતાના પિયર સાથે બધી વાતની સરખામણી મનોમન કર્યા કરતી.. આ ઘરમાં તેને બધી ખામીઓ જ દેખાતી.

”અમારે ત્યાં તો આવું ન હોય..” આ તેનું ધ્રુવ વાકય રહેતું. સમીર તેને સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન કરતો. ઘરમાં સાસુ,નણંદના સ્વભાવ પણ સારા હતા..પરંતુ જયાં કોઇ માનસિક સ્વીકાર ન થયો હોય..ત્યારે નાની વાત પણ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. સંજનાને તો જાણે બધી વાત નો એક જ ઉકેલ હોય તેમ તે પોતાને ન ગમતી કોઇ વાત થાય ત્યારે પિયર પહોંચી જતી.પછી બે ચાર દિવસે સમીર બધું ભૂલી ને તેને મનાવીને લઇ આવતો..આમ ગાડુ ગબડયા કરતું હતું. જોકે સમીર સમજદાર હતો.પણ હવે તે થાકયો હતો.

આજે ફરી એકવાર પુનરાવર્તન થયુ હતું..અને સંજના પિયર આવી હતી. બસ..હવે મમ્મી અને ભાભી પાસે પોતાની તકલીફના ગાણા ગાવાનું શરૂ થાય એટલી જ વાર હતી. તેના ઘરના બધા સમજદાર હતા..તેમને પણ પુત્રી આ રીતે વારંવાર પિયર આવતી રહે એ ગમતું નહોતું. પુત્રીના સાસરામાં બધા સારા જ હતા..સદનશીબે દીકરીનો વાંક તેઓ જોઇ શકતા હતા. પરંતુ લાડકોડે ઉછેરેલ દીકરીને વધારે કહી શકતા નહોતા. અને પુત્રીને જાકારો કેમ આપવો..? કયાંક આવેશમાં આવી ને કોઇ આડુઅવળુ પગલું ભરી બેસે તો ? તેથી અચકાતા હતા.

આજે સંજના આવી ત્યારે ઘરમાં ભાભી બહાર જવાની તૈયારી કરતા હતા. અને મમ્મીને થોડુ ઠીક નહોતું તેથી સૂતા હતા. ‘સંજનાબહેન, તમે જમી લેજો..મારે બહાર જવાનું છે.. ‘ કહી બીજી કશી પૂછપરછ કર્યા સિવાય ભાભી બહાર નીકળી ગયા..સંજનાને અપમાન જેવુ લાગ્યું.
મમ્મીને કહેતા તેણે રુક્ષ સ્વરે જવાબ આપ્યો,

’ બેટા, હવે આ ઘર તેનું છે..મારું શું ચાલે ? રોજ ઝગડા થોડા કરાય છે ? અને તે પિયર ચાલી જાય તો અહીં મારાથી તો હવે બહુ થતું નથી..તેથી જેમ ચાલે તેમ હું તો ચાલવા દઉં છું..બીજું શું થાય ?

કહી તે માથે ઓઢી સૂઇ ગયા. સંજના મનમાં તો સમસમી ગઇ. છતાં તેને થયું કે સાંજે ભાઇ આવશે ત્યારે પોતે કહેશે. પોતે ભાઇની લાડલી હતી. સાંજે ભાઇ આવ્યો..ત્યારે તેને સંજના સાથે ખાસ વાત કરવાનો સમય જ નહોતો. તે ફોનમાં બીઝી હતો અને તેને સવારે વહેલા જવાનું હતું તેથી થાકી ગયો છું..કહી સૂઇ ગયો. ભાભી તો જાણે આ વખતે સાવ બદલાઇ ગયા હતા. સંજનાને ઓછું આવી ગયું. અહીં કોઇને તેને માટે સમય નહોતો. બીજે દિવસે પણ બધાનું વર્તન એવું જ શુષ્ક રહ્યું. તે ઊઠી ત્યારે બધાએ નાસ્તો કરી લીધો હતો.અને ભાઇ તો બહાર નીકળી ગયો હતો. નહીતર તે આવતી ત્યારે બધા સાથે નાસ્તો કરતા..વાતો કરતા..હસી મજાક ચાલુ રહેતા..અને આ વખતે..? ભાભી તો કેવા પ્રેમાળ હતા. પણ આજે ભાભી…!! અને મમ્મીને આ વખતે તબિયત સારી ન હોવાથી તે રૂમમાંથી બહુ બહાર નીકળતી નહોતી. સંજના ભાભીને કશું કહેવા ગઇ ત્યાં ભાભી તરત બોલી ઉઠયા,

’ અહીં અમારા ઘરમાં તમારે માથુ મારવુ નહીં…તમારી રીત અહીં ચલાવવાની જરૂર નથી…’ સંજના સ્તબ્ધ..! આ ઘર પોતાનું નથી..? આવું અપમાન ?

તે આખો દિવસ સંજના વિચારોમાં ડૂબેલી રહી..જાણે એક સત્ય નજર સમક્ષ ઉજાગર થતું હતું. બીજે દિવસે તે સમીર પાસે જવા નીકળી..જેમ ચૂપચાપ આવી હતી..તેમ જ તે હવે સાસરે નહીં..પરંતુ પોતાને ઘેર જઇ રહી હતી…ઘરનો અર્થ કદાચ હવે તેને સમજાઇ રહ્યો હતો. અને ત્યારે સંજનાની ભાભી સમીરને ફોન કરી રહી હતી..અને નણંદ ત્યાં આવવા નીકળી છે તેવા સમાચાર આપી રહી હતી.અને તેની મમ્મી બાજુમાં બેઠા બેઠા પોતાની વહુની સમજદારી જોઇ મરકી રહી હતી. પુત્રીને સમજાવવા કરેલ નાટક સફળ થયું હતું. હવે સંજના નાની નાની વાતમાં પિયર નહી દોડી આવે તેવી શ્રધ્ધા જાગી હતી.

આમ અહીં તો કોઇની સમજદારીથી એક સરસ સંબંધ તૂટતો બચી ગયો હતો.. એક ઘર અને બે જિંદગી બરબાદ થતાં રહી ગયા હતા.પરંતુ જો સંજના ના ઘરના એ પુત્રીનો પક્ષ લઇ તેને ઉત્તેજન આપ્યું હોત તો..? તો આ સંબંધ કયારેય ટકી ન શક્ત.

પિયરમાં હવે કોઇ પોતાનું નથી..ત્યાં પહેલા જેવો આવકાર નથી મળવાનો…હવે એ ઘર પોતાનું નથી..એ ખાત્રી થતાં સંજનાની માનસિકતા આપોઆપ બદલાઇ…અને હવે આ ઘર જ પોતાનું છે એ અહેસાસ તેને થયો..અને એ સમજે તેનામાં સુખદ પરિવર્તન આવ્યું. અને ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.

અને પછી તો પિયરથી કેટલા ફોન આવ્ય ત્યાર પછી તે પિયરમાં સમીર સાથે ગઇ ત્યારે તેને પહેલા જેવા જ સ્નેહાળ ભાઇ, ભાભી મળ્યા. ઘણીવાર સંબંધો જાળવવા આવી કોઇ યુકતિનો સહારો પણ લેવો પડે તો તેમાં કશું અજુગતુ નથી જ ને ? સીધી આંગળીએ ઘી ન નીકળે તેમ હોય તો આંગળી ટેઢી કરવી જ રહી ને ? બાકી કઇ માને દીકરી વહાલી ન હોય ? પરંતુ જેમ સોનાની કટારીને પેટમાં ન મરાય તેમ દીકરીની ખોટી વાતો ને ઉત્તેજન આપી તેની જિંદગી ન બગાડાય. અને ઘણીવાર કેટલીયે સલાહ સૂચનો જે કામ નથી કરી શકતા..તે કામ પરોક્ષ રીતે કરવામાં આવે તો આસાનાથી થઇ જતું હોય છે. સો શબ્દો કરતા એક નાનકડું વર્તન ઘણીવાર વધુ અસરકારક નીવડે છે. અને સંબંધો સચવાઇ જાય છે. જરૂર પડયે દીકરીને કડવી દવા આપવી જ રહી.. અગણિત સંબંધો જીવનમાં તૂટતા રહે છે …ત્યારે આવી નાની સમજદારી કોઇ એક પક્ષ દાખવે ત્યારે શકય છે સંબંધો જળવાઇ રહે..અને સંબંધો જળવાઇ શકે એનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે ?

( સ્ત્રી સાપ્તાહિકમાં પ્રકાશિત કોલમ )

Responses

નીલમબેન
કોઇ પણ સંબધ જેમ છે એમ ના ધોરણે નથી ચાલતો એને નિભાવવા નીષ્ઠાપુર્વકના પ્રયત્નો માંગી લે છે તમારું આવલોકન ગમ્યું

“સો શબ્દો કરતા એક નાનકડું વર્તન ઘણીવાર વધુ અસરકારક નીવડે છે અને સંબંધો સચવાઇ જાય છે.” એકદમ સાચી વાત્.
“…સંજનાની માનસિકતા આપોઆપ બદલાઇ.”
કાવ્યો દ્વારા માનસીક ઉપચાર થઈ શકે છે!
વિવેક કહે છે
જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
ઊર્મિનો કલરવ
આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.
તો અજ્ઞાતની
સંબંધ વિશે શું કહું યાર !
અહીં ક્યાં બધા માટે એક
સરખું જીવાય છે…. !
ત્યારે ડી…
સંબંધની
બટકણી ડાળ પરથી
ખરતાં રહ્યાં
મારાં સપનાઓ
એક પછી એક…
હવે
થાક લાગે છે
નવા ફળદ્રુપ પ્રદેશની શોધમાં
ભટકવાનો…

સંબંધોને સાચવવા (કશુક મેળવવા કરતાં)આપવું પડતું હોય છે..જતું કરવું પડતું હોય છે. સમજદારી સાથેનું વર્તન જરુરી છે. સરસ સંદેશ આપતી વાર્તા.

Nilamben, I wish people read and not always blame ‘Sasu, Sasara or
Husband.’ In rare case this thing happens. I remember my mom,’You are married behave in sucha manner so we donot have to look down.’

bov saras samjavyu. tame mari mom pan mane aavuj samjave k ek vakhat sasare gaya pachhi ej maru ghar 6.

yes..yr mom is right and never forget that. all he best..

Leave a response

Your response:

Categories