વાંચનના શોખીન આપણા બાબુભાઇએ હમણાં એક જગ્યાએ કોઇ વર્તમાનપત્રમાં વાંચ્યું કે “ જીવનમાં પતિ પત્ની વચ્ચે હમેશાં પૂરી પારદર્શકતા હોવી જોઇએ. બંનેએ એકબીજાના અવગુણ નિખાલસતાથી એકબીજા સાથે ચર્ચી તે સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. મનમાં કોઇ પણ વાત છૂપાવ્યા સિવાય બંને એ એકબીજાની ન ગમતી બાબતોની મુકતમને ચર્ચા કરવી જોઇએ….” ( લેખક નું ઘર જરૂર આવા કોઇ પ્રયોગથી ભાંગેલ હશે જેથી બીજા પણ એ પરમ અનુભવથી વંચિત રહી ન જાય એવી ઉમદા હેતુથી જ આ લેખ લખ્યો હશે. ! )
અને બાબુભાઇ ગાંધીજીની જેમ રહ્યા પ્રયોગવીર..! બસ..વર્તમાનપત્રની સલાહ બાબુભાઇને ગળે તો શીરાની જેમ સડસડાટ ગળે ઉતરી ગઇ. ને મગજમાં ફેવીકોલથી જડબેસલાક ચોંટી ગઇ. બસ પતિ પત્ની વચ્ચે તો નિખાલસતા હોવી જ જોઇએ. આ સંબંધમાં યે પારદર્શકતા ન હોય તે કેમ ચાલે ? …કોઇ દંભ..કોઇ મહોરા આ પરમ પવિત્ર સંબંધમાં ન જ હોવા જોઇએ. ( વાસ્તવિકતા કર કાંટાળી ભલે ને હોય…! એ તો કાંટા લાગે પછી ની વાત છે ને ? અને હમેશા બીજાના અનુભવ પરથી શીખીએ એ કેમ ચાલે ? આપણા પોતાના અનુભવો..સ્વાનુભવોનું કોઇ મૂલ્ય ખરું કે નહીં ? ) બાબુભાઇએ તો તરત દાન અને મહાપુણ્ય…ની જેમ તરત પરમ આવેશમાં આવી ને બચીબહેનને એવા જોશથી બૂમ પાડી કે બચીબહેન રસોડામાંથી ચા નો કપ લઇ ને આવતા હતાં તે ધ્રૂજી ગયા. અને હાથમાંથી કપ છટકીને નીચે પડયો. કપ તો તૂટયો..પણ ગરમાગરમ ચા એ પોતાના દિલની ઉષ્માથી બચીબહેનને પણ સારા એવા ભીંજવી દીધા.
બચીબહેન ઘડીકમાં બાબુભાઇ સામે ને ઘડીકમાં તૂટેલા કપ સામે ને હાથની દાઝી ગયેલ..ગરમાગરમ આંગળીઓ સામે કરૂણાસભર નેત્રે..દયામણી દ્રષ્ટિએ જોઇ રહ્યા ને ત્રિશંકુની હાલતમાં ત્યાં જ ઉભા રહી ગયા. પહેલાં શું કરવું તે જલ્દી નક્કી ન કરી શકયા. અને હજુ કંઇ નક્કી કરે ત્યાં બાબુભાઇનો પ્રેમાળ, કદીન અનુભવેલ એવો મધમાં ઝબોળાયેલ મીઠો, મધુર,મૃદુ અવાજ બચીબહેનના કાનમાં કલરવ કરી ઉઠયો. રોજ કરતાં તદન જુદા આ અવાજે બચીબહેનને એક વધુ આઘાત આપ્યો. ‘અરે, કપ તૂટયો ..તો તૂટવા દે. એવી ક્ષણભંગુર,ક્ષુલ્લક વસ્તુઓનો અફસોસ ન હોય. એવા નાના મોટા છમકલાઓ તો જીવનમાં ચાલ્યા કરે. તું અહીં આવ…આજે આપણે સાથે બેસીને એક નવી જ વાત કરવાની છે. …’
બચીબહેન બાબુભાઇની આ નવી વાતથી ચમકયા તો નહીં. કેમકે બાબુભાઇને આવતા આવા આંચકાઓથી તે સુપરિચિત થઇ ગયા હોવાથી હવે તે ખમતીધર બની ગયા હતા. આજે કયો આંચકો..કયો પ્રયોગ હશે તેની કલ્પના જોકે તે કરી ન શકયા. બાબુભાઇના મગજમાં ગમે ત્યારે ગમે તે વાત ફીટ થઇ શકતી. તેથી વધુ કંઇ કલ્પના કર્યા સિવાય બચીબહેન સોફા પર ગોઠવાઇ ગયા.એમ તો પટલાણી હતા..કંઇ ગાંજયા થોડા જાય ?
બાબુભાઇએ તેને પ્રેમથી પેલા છાપાની લાઇનો પોતાના સુમધુર અવાજે વાંચી સંભળાવી. ને ઉમેર્યું, ‘ જો, તું યે ઘણીવાર મારા સ્વભાવની ઘણી ફરિયાદો છૂટક છૂટક હપ્તાવાર કરતી રહે છે.અને એમ મને યે તારી ઘણી નાની મોટી વાતો નો રંજ રહ્યા કરતો હોય છે.હા, એ જુદી વાત છે કે હું તારી જેમ એ કહેતો ન હોઉં..કહી ન શકતો હોઉં… એ અલગ વાત છે. ! પણ ટૂંકમાં આપણે કોઇ સર્વગુણસંપન્ન નથી. બરાબર ? દુનિયામાં કોઇ ન હોઇ શકે…આપણી ખામીઓનો આપણે નિખાલસતાથી સ્વીકાર કરી શકીએ તો જ સુધારી શકાય..અને સંસાર હર્યોભર્યો બની શકે. અને પતિ પત્ની તો એક રથના બે પૈડા જેવા..તેમની વચ્ચે તો પૂરી પારદર્શકતા હોવી જ જોઇએ તો જ જીવનરથ સીધો ચાલી શકે.’ બાબુભાઇએ બગાસા ખાતાં ખાતાં એક નાનુ સરખુ ભાષણ જ ..માઇક વિના કરી નાખ્યું.
બચીબહેન કહે, ‘ઝાઝી વાતે ગાડા ભરાય..હવે મારે કરવાનું શું છે ? એ સીધુ કહો તો સમજણ પડે. ‘ બાબુભાઇએ મંદ મંદ મુસ્કાતા વાત આગળ ચલાવી. ’ એટલે એમ કે આજે આપણે બંને એ નિખાલસતાથી એકબીજાની બધી ખામીઓ..દિલ ખોલીને..છાતી ફાડીને કે છાતી ઠોકીને…એક બીજાને કહેવાની છે. અને પછી એનો સ્વીકાર કરીને એ ખામીઓ દૂર કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરવાનો છે. જેથી આપણું દામ્પત્યજીવન એક ઉમદા..ઉદાહરણરૂપ બની શકે. અને આપણે એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ. ચાલ, લેડીઝ ફર્સ્ટ. પહેલાં તું મને મારે ખામીઓ..જો કોઇ હોય તો..ફટાફટ કહી દે. અને હું પૂરી પ્રામાણિકતાથી એને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. બસ ? અને પછી હું તારી દરેક ખામીઓ તને જણાવીશ..અને એ તારે સુધારવાનો પ્રયત્ન કરવાનો.બસ…અને પછી આપણે બની જશું..એક આદર્શ ઉગલ.એક સર્વગુણ સંપન્ન દંપતી જેમાં કોઇને એકબીજાથી કોઇ અસંતોષ મનમાં યે નહીં હોય..વાહ ! શું આદર્શ કલ્પના છે. ! બચુભાઇ જાણે બંધ આંખે પોતાના આદર્શ દામ્પત્યનું સ્વપ્ન જોઇ રહ્યા હોય તેમ બોલતા ગયા.
બચીબહેન કહે, ‘ અરે, રહેવા દો..એ છાપાવાળા તો ગમે તેમ લખ્યા કરે. એમ છાપાની બધી વાતુ માનીને જીવનમાં એના અખતરા કરવાના ન હોય.! (ગમે તેમ તો યે બચીબહેન હતા દુનિયાદારીના માણસ.તેથી એટલી સમજણ તો તેમનામાં હતી જ. ! ) આપણે જે છીએ..તે બરાબર છે. એવું કંઇ કરવાની જરૂર નથી.
’ જો, બચી, તારું આ જ દુ:ખ છે. તું કોઇ નવી વાત સ્વીકારવા જલ્દી તૈયાર જ નથી થતી. અને મારા બધા ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દે મને ટાઢોબોળ કરી દે છે.અરે, આપણે ફકત વાત જ કરવાની છે. એમાં કંઇ ગુમાવવાનું તો નથી જ. કદાચ તારી બહુ ભૂલો હોય ને તું બધી કદાચ સુધારવા અસમર્થ હોય તોયે થોડો ફાયદો તો જરૂર થવાનો જ ને ? આ તો એમકે ઘણીવાર આપણને આપણી કોઇ ભૂલ ને દેખાતી હોય..અને બીજા એ જોઇ શકતા હોય..અને આપણને નિખાલસતાથી કહે તો..આપણને સ્વસુધારની એક અણમોલ તક મળે..તું સમજતી કેમ નથી ? આમાં કોઇ મોટી વાત જ કયાં છે ?
બચીબહેને હજુ યે સમજાવવાની એક છેલ્લી નાકામિયાબ કોશિશ કરી જોઇ. જોકે મનમાં તો સમજતા હતા કે હવે આ બધું નકામું છે. એકવાર બાબુભાઇના મગજમાં કોઇ વાત ફીટ થઇ જાય પછી…..છતાં છેલ્લો પ્રયત્ન તો કરવો જ રહ્યો ને ?
’ જુઓ, એ બધી વાતમાં કોઇ માલ નથી. એવા આખતરાઓ હમેશાં ખતરા જ ઉભા કરે.પોતાની ભૂલ સાંભળવી..ને સ્વીકારવી..એ બોલવું જ સહેલું છે. બાકી ઉશ્કેરાઇ જતાં વાર ન લાગે. માટે મારી વાત માનો..ને આ બૈલ મુઝે માર..કરવું રહેવા દો..લપ બધી પડતી મૂકોને હું બીજી ગરમાગરમ ચા બનાવી આવું છું.. એ પી ને શાંતિથી છાપા ઉથલાવ્યા કરો. એમાં માથા ઉથલાવવા જેવું નથી.’
બચીબહેને લાખ રૂપિયાની વાત કહી. પણ…બાબુભાઇ જેનું નામ !
‘અરે, હું આટલી મહત્વની વાત કરું છું..સ્વસુધારણાની…અને તને ચા જેવી વાહિયાત વસ્તુ અત્યારે..આ પરમ પળે સૂઝે છે ? અને હું તને વચન આપું છું કે તારી કોઇ વાતથી હું નહીં ઉશ્કેરાઉં..આમ તો જોકે મને ખ્યાલ છે જ કે મારામાં કોઇ એવી મોટી ખામીઓ નથી જ. છતાં કોઇ નાનું એવું કંઇ સુધારવા જેવું હશે તો હું તે હસતા મોં એ સ્વીકારીને સુધારીશ. મારી જાતને ઓળખવાનો..સમજવાનો ને સુધારવાનો મોકો મળ્યો એમ માનીશ. આ મારું વચન છે બસ ?
“ રઘુકૂલ રીતિ સદા ચલી આઇ, પ્રાણ જાય, વચન ન જાય. “
તો ચાલ, આજે તો… મન મૂકી ને હળવા થઇએ..
હળવા થઇ ને હેતે વરસીએ
ને પ્રેમથી થોડા છલકીએ.
બાબુભાઇ તો જાણે કવિતાના રંગમાં રંગાઇ ગયા. બચીબહેને જોયું, ‘અરે, હવે તો આને કવિતા યે ચડી. હવે બચવાનો…છૂટવાનો..છટકવાનો કોઇ આરો કે ઓવારો નથી. કોઇ કિનારો નથી. માટે હથિયાર હેઠા મૂકી શરણાગતિ સિવાય કોઇ છૂટકારો નથી. જીદે ચડેલા મમતા કે સોનિયાને સમજાવવા સહેલા..પણ બાબુભાઇના દિમાગમાં ચડેલ ભૂત ઉતારવું અશકય.. આમ વિચારી થાકી ને હારી ને કે કંટાળીને બચીબહેને સોફામાં નિરાંતે જમાવી.
સહુ ચલો જીતવા જંગ, યાહોમ કરી ને ફતેહ છે આગે.. આમ નર્મદને યાદ કરીને બચીબહેન સોફામાં ગોઠવાયા.
‘લો કરો શરું..’
બાબુભાઇ કહે , ‘ના લેડીઝ ફર્સ્ટ… તું પહેલાં મને મારી ખામીઓની વાત કર. તારું દિલ હળવું કર..તું હળવી થઇશ ને એ હળવાશની હેલી મારા હૈયા સુધી પહોંચીને મને યે ભીંજવશે. અને આમે ય મારી ખામીઓ બહુ ન હોય એટલે જલ્દી પતી જાય..’ ’એટલે મારી ખામીઓ શું વધારે છે એમ કહેવા માગો છો ? ‘ ’ અરે, હજુ તો મેં કંઇ કહ્યું પણ નથી ને..તું આમ…..ઉકળી જઇશ તો આપણે આગળ કેમ વધીશું ? ‘ ’ તો આગળ વધવાની જરૂર જ કયાં છે ? આપણે જે છીએ..જેવા છીએ..તેવા જ સારા છીએ. ‘
’ના હવે તો ડગલું ભર્યું કે ના હટવું..ના હટવું…’
બચીબહેન હવે જાણે મેદાનમાં ઉતરી આવ્યા. હળવેથી તેમણે પહેલી સીક્ષર મારી…’ જુઓ, પહેલી વાત તો મને આ તમારા અવનવા તુક્કાઓની…અખતરાઓની..ચિત્રવિચિત્ર તરંગોની જ વાત નથી ગમતી. જે કંઇક આડુ અવળું ગમે તે કયાંકથી વાંચી લો એટલે કંઇ વિચાર્યા સિવાય અખતરાઓ ચાલુ કરી દો છો…અને એમાં કેટલીયે વાર મિત્રો વચ્ચે પણ હાસ્યાસ્પદ બનો છો.. એની તમને યે ખબર નથી પડતી…! ‘
’ અરે, અત્યારે તારે મારી ખામીઓ કહેવાની છે. આ તો મારી ખૂબી છે.માનવીમાં સમય પ્રમાણે પરિવર્તન તો આવવું જ રહ્યું ને ? નવું નવું વાંચવું..અને એનો અમલ ન કરીએ તો પોથીમાના રીંગણની જેમ બધું નકામું .વાંચીએ પણ અમલ ન કરીએ તો શા કામનું બધું ? ‘ વાંચે પણ કરે નહીં વિચાર…’ કવિ દલપતરામ અમસ્તા થોડા કહી ગયા હશે ? એટલે તારે કરવી હોય..તને કોઇ દેખાતી હોય તો મારી ખામીઓની વાત કર..મારી ખૂબીઓ તો હું જાણું જ છું. દરેક વ્યક્તિ કંઇ મારી જેમ બધી વાતનો અમલ ન કરી શકે..સામાન્ય માનવીનું એ ગજુ નહીં..એ તો મારા જેવી કોઇ વિરલ વ્યક્તિ જ કરી શકે..’ બાબુભાઇએ એકી શ્વાસે સરસ મજાનું ભાષણ પૂરું કર્યું.
બચીબહેન કંઇ એમ ગભરાઇ થોડા જાય ? ;પણ તમારી આ ખૂબી કે જે કહો તે મારે માટે તો ખામી જ બની જાય છે એનું શું ? ’ એટલે તું કહેવા શું માગે છે ? આ ગામડાના ભોથાઓ કંઇ સમજે જ નહીં ને ! અરે, હવે તું ગામડામાં નથી રહેતી..ગામડાની બચી નથી..હવે તું મીસીસ બચીબહેન બાબુભાઇ છે..સમજી ? જરા સુધર..સમજ અને નવી દુનિયાના રંગઢંગ શીખ..અજે એકવીસમી સદીમાં દુનિયા કયાંની કયાં પહોંચી ગઇ છે..ખબર છે ? ‘ બાબુભાઇ ફરીથી એક નાની સરખી તક ઝડપી લીધી..વગર માઇકે જાહેરાત કરવાની… ’
દુનિયા જયાં પહોંચી હોય ત્યાં…તમારા આ બધા ધખારાથી હું તો થાકી…રોજ ઉઠીને મનમાં શેખચલ્લીની જેમ કંઇક તુક્કા આવ્યા જ કરે ને તમે થઇ જાવ ચાલુ….! અરે, તમારા દોસ્તો પણ બધા પાછળથી કેટલી મશ્કરી કરે છે તમારી એ તમને ખબર છે ? ‘
’ અરે, પાછળથી તો લોકોએ રાજા રામને યે નહોતા છોડયા. ગામને મોઢે કંઇ ગરણા બાંધવા થોડા જવાય છે ? મારા મહાન વિચારોને..આદર્શોને..મારા પ્રયોગોને પામર સમાજ સમજી ન શકે તે સ્વાભાવિક છે. તેથી વાતો કરે..પણ તું સમજી શકે તો પણ મારે તો ઘણું છે. હવે ભગવાને બે પૈસા આપ્યા છે અને સમય મળ્યો છે તો આવા મહાન વિચારો કરી ને તેનો અમલ કરીએ તો જીવન ધન્ય બની જાય..’
’ આના કરતાં તો બે પૈસા ઓછા હતા.. તે વધારે સારું હતું. પૈસા કમાવા સિવાય બીજા કંઇ ઉધામા તો નહોતા. ‘ ’ તને નહીં સુધારી શકાય. તું મારા મહાન વિચારોને નહીં સમજી શકે. હું તો આપણા બંનેની ખામીઓ જાણી, સ્વીકારી , સુધારી મહાન બનવાનો પ્રબળ પુરુષાર્થ કરી રહ્યો હતો. પણ…..દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે..પણ રે નશીબ….હું કયારેય….’
’ એટલે ? હવે હું તમારે માટે યોગ્ય નથી રહી ? ભૂલી ગયા એ દિવસો ? જયારે તમને કોઇ છોકરી આપતું નહોતું ત્યારે મારા બાપે દયા ખાઇને..ભાઇબંધના દીકરા સારું થઇ ને મારા લગન તમારી હારે કર્યા’તા ? નહીંતર તે દિવસે તમારી પાસે હતું શું ? લક્ષ્મી તો મારે પગલે આવી છે સમજયા ? ‘ ’જરાયે નહીં..તારે પગલે નહીં..મારી મહેનત અને હોંશિયારીથી લક્ષ્મી આવી છે સમજી ? પણ તને ગામડાની ગમારને એ લક્ષ્મીને લાયક બનવાની પણ કયાં ભાન છે ?
અને ગુસ્સાથી ધમધમતા બાબુભાઇએ ત્યાં રહેલ બીજા કપનો યે છૂટો ઘા કર્યો…
અને કાચના કપના આત્મવિલોપનના એ અવાજમાં બંનેના ઝગડાની શરણાઇના સૂર વહેતા રહ્યા.
hahahaaa.. sachche j maja no lekh chhe.. pan aava Babu bhai jeva manas ane aava bas thoda-ghana lekh hoy, to to Roj Yuddh naa bhankaara vagyaa j samjo..:-)..!!!
વાહ … મજા આવી ગઈ.
સરસ બહુજ સરસ મજા પડી
રોજની રામાયણની રસભરી રજુઆત- ઝગડાની શરણાઇના સૂરથી વાતાવરણ જીવંત લાગ્યું!
ગુલાલ ઊડી રહ્યો છે લોહીમાં શરણાઇ વાગે છે,
નવું કૈં આપણા જીવતરમાં અવતરવાની ઉંમર છે.
રમુજ પડી
fantastic style of writing.avu ne avu nitnavu manva male evi asha rakhiye ne? too good…
maja padi !!
An Excellent story which is practical in life in many couples..
Hope you Good luck
With regards..
Ajit