અરૂપ શું બોલે ૵ 9….

મારે માટે એટલું ન કરી શકે ?

“ લાખ મોજા એ ઉપર ચાલી ગયા,
એક પગલું તોયે ભૂંસાતું નથી.”

સૂર્ય વાદળા પાછળ સંતાઇ ગયો હતો. જાણે દુનિયાના લોકોથી નારાજ થયો હોય અને પોતાના કિરણો તેને આપવા ન માગતો હોય તેમ જીદ કરીને વાદળની બહાર ન આવવા મથી રહ્યો હતો. નામ તો વાદળનું આવતું હતું કે તેણે સૂર્યને ઢાંકી દીધો હતો. પણ સાચી વાતની કોને જાણ હતી કે સૂર્ય ખુદ વાદળ પાછળ છૂપાઇ ગયો છે. આજે જાણે તેને વિશ્વને અજવાળવાની કોઇ તમન્ના નહોતી. આજે વિરામ…. તો જ વિશ્વને તેનું મહત્વ સમજાય…એવું વિચારતો હશે કે શું ?

સૂર્ય તો વિચારે કે નહીં..પણ ઇતિ તો આવું જ કંઇક વિચારતી હતી. ઇતિની અંદર પણ કોઇ સ્મૃતિએ વિરામ લીધો હતો..બહાર ન આવવાની જીદ પકડી હતી કે શું ? જે દરિયો મનની અંદર ઉછળતો રહ્યો હોય..એની જાણ હોય કે નહીં..પરંતુ એ કયારેય દૂર જઇ શકે ખરો ? ભલેને સવાર થઇ ગઇ હોય પરંતુ પાંપણને ખોલીને જોવું નથી એવી જાણે ઇતિના મનમાં એક જીદ પ્રગટી હતી કે શું ? પણ ઇતિ તો કયારેય જીદી નહોતી. અને છતાં આજે આમ કેમ ? પોતાની અંદર એક એક ક્ષણની છબી આજે દસ વરસ પછી પણ આટલી હદે જીવંત હતી ? અને પોતે બેખબર હતી ?

‘અનિકેત આવ્યો છે..’ આજે મમ્મીના આ એક વાકયે તેની સમગ્ર ચેતના જાગી ઉઠી હતી ? એક ચિનગારી પરની રાખ ઊડી રહી હતી કે શું ? મનની કિલ્લેબંદી તૂટી રહી હતી? એક શબ્દે કિલ્લાના કાંગરા ખરવા લાગ્યા હતા કે શું ? માટીની ઝાકળભીની ગંધ દિલની તિજોરીમા સચવાઇને પડી હતી ને તેનું ભાન પણ પોતાને નહોતું.

આ દસ વરસમાં તેના હોઠ પર કયારેય અનિકેતનું નામ સુધ્ધાં નથી આવ્યું.તે સંપૂર્ણ અરૂપમય બની રહી હતી. અરૂપ પણ તેનાથી ખુશ હતો.જીવન શાંત વહેતા પાણીની જેમ કોઇ અવાજ વિના વહેતું હતું કોઇ વમળ નહીં..કોઇ આન્દોલન નહીં. ઇતિ કદાચ પૂર્ણ સમર્પણની ગાથા હતી અરૂપનો શબ્દ ઇતિની ઇચ્છા બની રહેતો. ઇતિના જીવનની એક એક પળ અરૂપની હતી.ઇતિના અસ્તિત્વની આસપાસ સુખ સગવડનો એક અભેદ કિલ્લો અરૂપે ચણી દીધો હતો. જયાં અંદર તો સઘળુ મોજુદ હતું. ફકત કિલ્લાની બહાર એકલા કશું જોઇ શકાતું નહોતું. જોવાની જરૂર જ કયાં પડતી હતી ? ઇતિનો દરેક શબ્દ અરૂપ પ્રેમથી ઝિલતો. ઇતિ વિના તેને થોડી વાર પણ કયાં ચાલતું ? ‘ ઇતિ, ઇતિ ‘ કરતાં અરૂપ થાકતો નહીં. ઇતિ તેને માટે સર્વસ્વ હતી. ઇતિને ખુશ રાખવા તે સતત મથતો. જોકે તેની દ્રષ્ટિ અને દુનિયા અલગ હતી. ઇતિની દ્રષ્ટિથી તે કયારેય જોઇ ન શકતો..તે વાત અલગ હતી. પરંતુ હવે ઇતિની દ્રષ્ટિ કે દુનિયા પણ અલગ કયાં રહી હતી ?અરૂપ જેટલું તેને બતાવવા ઇચ્છતો તેટલું જ તે જોતી. અને ઇતિના વધુ પડતા સરળ સ્વભાવને લીધે ઇતિને કોઇ ફરિયાદ નહોતી. કોઇ અભાવ નહીં..બસ..જીવન જીવાતું જતું હતું.. કોઇ અવરોધ વિના.

અરૂપ ઓફિસે જાય ત્યારે ઇતિને કંટાળો આવતો. તે એકલી એકલી શું કરે ?કામ કરવા માટે ચોવીસ કલાકના કામવાળા ઘરમાં હતા. ઇતિને થયું પોતે નોકરી કરે..થોડી બહાર નીકળે..તો મજા આવે. તેણે અરૂપને વાત કરી જોઇ, અરૂપ તો જાણે કોઇ જોક સાંભળતો હોય તેમ ખડખડાટ હસવા લાગ્યો..’નોકરી..? મારી ઇતિરાણી નોકરી કરે ? અરે,તારે નોકરી કરવી પડે તો તો મારે ડૂબી મરવું જોઇએ..’’ ’ના, અરૂપ, એમ નહીં…પણ તું નથી હોતો ત્યારે આખો દિવસ ઘરમાં બોર થવાય છે. ‘ ’અરે, ટી,વી. જો..છાપા મેગેઝિનો વાંચ..ઘરમાં તારી બહેનપણીઓને બોલાવ..કોઇ કલબમાં જવું હોય તો જા. મારી ઇતિરાણી જલસા કરે એ જ મને ગમે. ‘ ’પણ…’ ’ઇતિ, મારે માટે તું એટલું ન કરી શકે ? ‘ અરૂપનું આ હમેશનું ધ્રુવ વાકય. ઇતિને કયારેક કોઇ વાત ન ગમે તો પણ અરૂપનું આ વાકય અને ઇતિ બધું ભૂલી અરૂપમય..તેના વિચારોમય બની રહે…

ઇતિને થયું પોતે ડાન્સ કલાસ ચાલુ કરે. એ બહાને પોતાને પણ થૉડી પ્રેકટીસ રહે અને પોતાનું મગમતું કામ કર્યાનો આનંદ અને સંતોષ પણ મળે.

પરંતુ ડાન્સ નું નામ તો અરૂપની કોર્ટમાં દાખલ થતાની સાથે જ રીજેકટ થઇ ગયું. ઇતિ, મને મારી પત્ની ડાન્સ કરે એ જરાયે ન ગમે. નાચવું એ કંઇ આપણા જેવા લોકોનું કામ છે ?

અને ઇતિ અરૂપ માટે એટલું તો કરી જ શકે ને ?

અને જીવન ચાલતું રહ્યું. અરૂપની રીતે જીવન જીવાતું ગયું. કોઇ ખાસ ફરિયાદ સિવાય…

હા, વચ્ચે વચ્ચે મનોઆકાશમાં અનિનો ..અનિની યાદનો એક ઝબકાર જરૂર ઉઠતો. પરંતુ બહાર કયારેય ડોકાતો સુધ્ધા નહીં. જીવન એટલે કલબ, પાર્ટી, પિકચર,પીકનીક, ઇતિ અને અરૂપ..!

ઇતિને પિયર નિરાંતે રોકાવાની કયારેક ઇચ્છા થાય પરંતુ અરૂપને ઇતિ વિના ગમે જ નહીં. તે પણ ઇતિ સાથે તેને ઘેર જાય અને બે દિવસમાં ઇતિને લઇ ને પાછો..! ઇતિના માતા પિતા જમાઇનો સ્નેહ જોઇ ખુશખુશાલ હતા. સૌ ખુશ હતા..કયાંય કશો પ્રશ્ન જ કયાં હતો ? ઇતિનું જીવન તો સાવ પ્રશ્નો વિનાનું, સીધા સપાટ મેદાનમાં વહેતી નદી જેવું. એક જ લક્ષ્ય..આડે અવળે કશે નજર નાખ્યા સિવાય સાગરમાં ભળવાનું.ઓગળી જવાનું પોતાની મીઠાશ સુધ્ધાં મિટાવી દેવાનું..ભૂલી જવાનું..પૂર્ણ સમર્પણ…!

તે દિવસે અરૂપની રાહ જોઇ જોઇને થાકેલી ઇતિ કંટાળતી બેઠી હતી. થોડીવાર મેગેઝિનના પાનાઓ ફેરવ્યા..પણ મજા ન આવી. ઘડિયાળનો કાંટો ખસતો જ નહોતો. ઊભા થઇ ટી.વી. ચાલુ કર્યું. આમતેમ ચેનલો બદલતી રહી. એક જગ્યાએ રામાયણની સીરીયલ આવતી દેખાઇ. બીજુ આડુઅવળું જોવાને બદલે તેણે તે ચેનલ ચાલુ રાખી.

સુવર્ણમૃગ પાછળ ગયેલ રામની બૂમ સંભળાતા સીતા લક્ષ્મણને રામની મદદે જવા વિનવતી હતી. લક્ષ્મણ જવા તૈયાર નહોતો થતો. અંતે સીતાજીની જીદને લીધે જવા તૈયાર થયો . જતાં પહેલાં તેણે સીતાજીને લક્ષ્મણરેખા દોરી આપી હતી..અને તેની બહાર નીકળવાની મનાઇ કરીને ગયો હતો.

પોતાની આસપાસ પણ શું આવી કોઇ અદ્રશ્ય લક્ષ્મણરેખા દોરાયેલી છે કે શું ? અરૂપે દોરેલી લક્ષ્મણરેખા…! જેના દાયરામાં તે….બંધ હતી. એક કેન્દ્રની આસપાસ પરિઘની મર્યાદિત ત્રિજયામાં તે ઘૂમતી રહી હતી કે શું ? અને ક્યાંકથી અનિકેતની ચીસો તેને સંભળાતી હતી ? તે ઇતિને પોકારી રહ્યો હતો કે શું ? આજે આ વ્યાકુળતા શા માટે ?

નાનપણમાં તેના ઘરની સામે એક ભરવાડનું કુટુંબ રહેતું હતું. તેના ઘરમાં તેણે ઘણી બકરીઓ પાળી હતી. આ બકરીઓના પગમાં એક દોરી બાંધી હોય..અને દોરીનો બીજો છેડો દૂર કોઇ મોટા પથ્થર સાથે બાંધેલ હોય. કોઇની દોરી થોડી નાની હોય ..કોઇની થોડી મોટી. બકરી તે સીમિત દાયરામાં ફરતી રહેતી. અને સ્વતંત્રતાનો એહસાસ કદાચ કરતી રહેતી. પોતે પણ શું આવી જ કોઇ….
અને દોરી અરૂપના હાથમાં….!

શૈશવમાં જોયેલો પેલો કઠપૂતળીનો ખેલ આજે કેમ યાદ આવે છે..! ત્યાં તો રાજાને હુકમ કરતી મહારાણી તેણે જોઇ હતી. આજે એ મહારાણી શું કોઇ એકદંડિયા મહેલમાં…! ઇતિ ચોંકી ઉઠી…આજે પોતાને આવા ગાંડા ઘેલા વિચારો કેમ આવે છે ?

( દિવ્ય ભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ )

3 Comments

  1. 1
    Dhwani Says:

    ’નોકરી..? મારી ઇતિરાણી નોકરી કરે ? અરે,તારે નોકરી કરવી પડે તો તો મારે ડૂબી મરવું જોઇએ..’’ ..!!!???

    sachhe, aaje pan aavi vaat sambhalva ane jova male j chhe.. aapna sudhare samaj ni sudhareli vaato..!! 1 stri nokri fakta jaruriyaat mate nahi, pan potana shokh ane ichha mate pan kari shake , e vaat sarv swikrut kyare banshe.!!

  2. 2
    Viren Shah Says:

    Are you the one who is doing Gujarati Programs on 700 AM Radio in DFW (Dallas, Texas)? I was curious to know if the programmer and the author here are the same person.

    Thanks, Viren, Dallas, Texas.

  3. 3
    pragnaju Says:

    અરૂપે દોરેલી લક્ષ્મણરેખા…! જેના દાયરામાં તે….બંધ હતી. એક કેન્દ્રની આસપાસ પરિઘની મર્યાદિત ત્રિજયામાં તે ઘૂમતી રહી હતી કે શું ?
    -વાંચતા કશીશ.તેનો ભ્રમ કે એકલતા હવે પાછલે પગે ભાગી ગઇ છે.હવે સુખી છે.
    યાદ આવી બાઇબલની વાત- કુટુંબીજનોમાં હેત રાખવા સામે ઇશુ ખ્રિસ્તે કેવા કડક શબ્દો વાપર્યા છે.’Indeed, a Man’s enemies will be presons of his own household. He that has greater affection for father or mother then for me is not worthy of me, and he that has greater affection for son or daughter than for me is not worthy of me.’Matthew.
    આપણા ધર્મ રક્ષકો પણ બોલી ઉઠે છે-લક્ષ્મણરેખાની અંદર રહેવામાં શીલનું રક્ષણ થાય, સંસ્કૃતિનું રક્ષણ થાય -વ્યક્તિ, સમાજ અને દેશની અસ્મિતા વધે. આમ થાય તો સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ફૂલે-ફાલે અને સમાજમાં સ્ત્રીના હોદ્દાનું ગૌરવ જળવાય.
    અને લાગે છે-સ્તબ્ધતાનું કાળું ડિમ્મ વાદળ એના અસ્તિત્વની ફરતે વીંટળાઇ રહ્યું છે!

RSS Feed for this entry

Leave a Comment