પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

અરૂપ શું બોલે ૵ 8.. May 4, 2008

Filed under: લઘુનવલ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 9:07 pm

લગ્ન અને હનીમુન…

“ ઉગમણા આભે વેદીમા પ્રગટયો અગ્નિ ભડભડ.
નભને બાજોઠ આવી બેઠુ પીઠી વરણું પ્રાગડ “

એક સવારે ઇતિના જીવનમાં પણ દરેક છોકરીની જેમ પીઠીવરણું પ્રાગડ અચાનક ઉઘડયું. લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે “ એ કદાચ સત્ય જ હશે. નહીંતર જેને કદી જોયો કે જાણ્યો નહોતો..જીવનના બાવીસ વરસો સુધી જે કયારેય ડોકાયેલ નહીં એ અરૂપ કયા પાતાળમાંથી અચાનક ફૂટી નીકળ્યો ? અને હજુ તો ઇતિ કંઇ સમજે..વિચારે તે પહેલાં તેની સાથે લગ્નના પડઘમ વાગવા લાગ્યા. બે વરસની ઉમરથી જેને જાણતી હતી…જે તેની ક્ષણેક્ષણમાં સમાયેલ હતો એ અનિકેત કયા આકાશમાં અદ્રશ્ય થઇ ગયો હતો. કાળદેવતાએ પણ તેની ભાળ ન જ આપી.

આ કઇ વેળા હતી..પાંદડું ખરવાની કે કૂંપળ ફૂટયાની ? એક પાંદડું ખર્યું કે એક કૂંપળ ફૂટી તે સમજવું..અનુભવવું ઇતિ માટે આસાન નહોતું. આછા અંધકાર અને આછા પ્રકાશ વચ્ચેની એ ક્ષણો હતી. નહીં ઉજાસ…નહીં અંધાર..! વાદળછાયો ગોરંભો ઇતિના મનમાં ઘૂંટાતો હતો. એક ગોપી પોતાનીયે જાણ બહાર અંતરમાં વહાલનું વૃન્દાવન સંગોપીને બેઠી હતી. આ ક્ષણે સાજનના સપનાએ અંતરકયારી તરબતર થઇ મહેકી ઉઠવી જોઇએ..આંખોમાં શમણાં અંજાવા જોઇતા હતા. પણ…પણ એ બધું અનુભવવાનો ..સમજવાનો સમય જ કયાં મળ્યો હતો ?

જલદી અમેરિકા જવાનું છે. એમ અરૂપે કહેવાથી લગ્ન તાત્કાલિક લેવા પડયા. ચટ્ મંગની..પટ્ટ વ્યાહ..! ખરીદી, તૈયારી, સગાવહાલાઓની ધમાલ..ઇતિને તો જાણે કશું સમજાતું જ નહોતું. કશું સ્પર્શતું નહોતું. બધા કહે તેમ તેણે કરવાનું હતું..એ જ એકમાત્ર સત્ય હતું. તે ઉદાસ નહોતી તો એવી ખાસ ખુશી પણ નહોતી અનુભવી શકાતી. એક દિવસ અનિકેતની બહેન સાસરે જતી હતી ત્યારે તેની જેવી જ તૈયાર થવાનું નક્કી કરતી ઇતિએ આજે સોળે શણગાર સજયા હતા. છતાં આયનામાં પોતે ફિક્કી કેમ લાગતી હતી..! તે તેને સમજાતું નહોતું. કશુંક બહાર આવવા મથી રહ્યું હતું. પરંતુ શું એ સમજી શકાય કે શોધી શકાય તેટલો સમય જ કયાં હતો ?
ઇતિના ઘરનાએ પણ આ પ્રસંગે અનિકેત અને તેના ઘરના હાજર રહી શકે તે માટે તેને શોધવાના ઘણાં નિષ્ફળ પ્રયત્નો કર્યા. અને અંતે એક દિવસ ઇતિના લગ્ન બહુ જલદીથી થઇ ગયા.અનિકેત વિના જ થઇ ગયા. એક મહિનામાં જેમ અનિકેત ગયો ત્યારે વિચારવાનો સમય નહોતો મળ્યો તેમ જ આ એક મહિનામાં ઇતિને કશું વિચારવાનો સમય જ ન મળ્યો. અને સગાઇ, લગ્ન બધું…મહિનામાં…પૂરું.

અને ઇતિ અરૂપની ગૃહલક્ષ્મી બનીને અરૂપને ઘેર આવી. સાસરે આવી..

લગ્ન પછી તુરત અમેરિકા જવાનું છે એમ કહી લગ્નની ઉતાવળ તો અરૂપે કરાવી. પરંતુ લગ્ન પછી તેનો નિર્ણય બદલાઇ ગયો. લગ્ન પછી અરૂપે અમેરિકા જવાને બદલે દેશમાં જ હમેશ માટે રહેવાનું નક્કી કર્યું. ઇતિના મમ્મી,પપ્પા તો દીકરી દૂર નહીં જાય એ વિચારે ખુશ થયા. ઇતિને તો હજુ સુધી પૂરી ખબર જ નહોતી પડતી. જેમ બધા કહે તેમ તે કરતી ગઇ હતી. વિચારવાની શક્તિ જાણે તે ખોઇ બેઠી હતી. એક ધરામાંથી ઉખેડેલ તુલસીકયારો બીજી ધરામાં ધરબાઇ રહ્યો હતો. હવે તેને ત્યાં જ વિકસવાનું હતું. ફૂલવાફાલવાનું હતું.

હનીમુન માટે કેરાલાની રમ્ય વનરાજિમાં અરૂપ સાથે ઘૂમતા ઇતિના મનોપ્રદેશમાં વીજળીની જેમ અનિકેત કયારેક ચમકી જતો.કયાં હશે એ ?નાળિયેરીના ઝૂંડમાંથી ચળાઇને આવતા સૂર્યના કિરણોના પ્રકાશ કે પાંદડાઓમાંથી ટપકતા વરસાદના પાણીના ટીપાઓની સાથે કયારેક અનિકેતની યાદ મહેકી ઉઠતી. કેરાલાના રમણીય સાગર કિનારે તેને પ્રસન્નતા અર્પી. આમ પણ દરિયો તો તેનો શૈશવનો સાથીદાર. તેની ભીની રેતી કે ઊછળતા મોજા સાથે તે કલાકો સુધી વાતો કરી શકતી. અને આમ પણ અરૂપ તેને ખુશ કરવાના સઘળા પ્રયત્નો કરતો. ઇતિ માટે તેની આંખોમાં સ્નેહ છલકતો રહેતો. પહેલી જ નજરે ઇતિને જોઇ ત્યારથી જ તેને ઇતિ ગમી ગઇ હતી. અને હવે ઇતિ તેની હતી..તેના એકલાની..તેથી તે સ્વાભાવિક રીતે જ ખુશખુશાલ હતો. યૌવનનો ઉન્માદ, મનગમતો સાથી..પ્રકૃતિનું અનુપમ સૌન્દર્ય.. અને પોતાનો પ્રેમ..અરૂપના મનમાં કોયલના ટહુકાર..અને મોરના કેકારવ…!

અરૂપ પોતાના શૈશવની અગણિત વાતો કરતો રહેતો. અને ઇતિને પણ તેની શૈશવની વાતો પૂછતો. ઇતિ અથાહ ઉત્સાહથી વાતો કરતાં થાકતી નહીં. અને ઇતિના શૈશવની વાતો અનિકેત સિવાય તો થઇ જ કેવી રીતે શકે ? તેની એક એક વાતમાં ઇતિ ઇચ્છે કે ન ઇચ્છે અનિકેતની હાજરી ડોકિયા કરતી રહે એ સ્વાભાવિક જ હતું ને ! અરૂપ કહેતો,’હું તારી વાત પૂછું છું. અને તારી વાતમાં તારા કરતાં તો આ અનિકેતની વાતો જ વધારે હોય છે. એ સિવાય કોઇ વાત નથી તારી પાસે ? ‘
તેના અવાજમાં અનિચ્છાએ પણ એક ચીડ ભળી જતી.

’પણ અરૂપ, અમે સાથે જ મોટા થયા..સાથે જ સ્કૂલે જતા આવતા..સાથે જ…’
’બસ,..બીજું શું શું સાથે કરતા ? ‘

’અરે, બધું …બધું જ તો સાથે કરતાં હું ને અનિકેત…અને એટલે જ મારી વાતમાં અનિકેતની વાત આવે જ ને ? ’ નિર્દોષતાથી ઇતિ ચહેકી ઉઠતી. તેની વિશાળ આંખોમાં એક ચમક પ્રગટતી. તેને થતું તે વાતો..અનિકેતની વાતો કર્યા કરે…અને અંતરના દ્વાર ખોલી નાખે. અને પછી અરૂપમય બની રહે.

પણ… ’તો નથી સાંભળવી મારે તારા અનિકેતની વાત..’

પોતે અનિકેતની વાત કયાં કરતી હતી ? તે તો પોતાની વાત કરતી હતી.

અરૂપ શા માટે ગુસ્સે થતો…એ ઇતિની સમજમાં કેમે ય ન આવતું. અને શૈશવની જ નહીં તેની ડાન્સની કે તેની કોલેજની..કે તેની કોઇ પણ ક્ષણની વાત કરે ત્યારે અનિકેતને તેમાંથી બાકાત રાખવો એ ઇતિ માટે કયાં શકય હતું ? જોકે અરૂપનો ગુસ્સો કંઇ લાંબો ચાલતો નહીં. ઇતિને તે ખૂબ પ્રેમ કરતો. ઇતિ તેને માટે સર્વસ્વ હતી. પણ….

ઇતિ હોંશથી અનિકેતની અને પોતાની વાત અરૂપને કરતી રહી. કેવી રીતે અનિકેતે તેના આરંગેત્રમની તૈયારીઓ કરી હતી.કેટલો હેરાન થયો હતો દિવસો સુધી..! અરૂપે એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય બધી વાતો સાંભળી હતી. ઇતિની આંખમાં અનિકેતના નામના ઉચ્ચાર સાથે પ્રગટતી એક સ્વાભાવિક ચમક અરૂપે જોઇ હતી..અનુભવી હતી..પણ સમજી નહોતી.

અને ઇતિ પાસે તો અનિકેતની વાતોનો વણખૂટયો ખજાનો હતો..ઇતિએ અનુભવ્યું કે અનિકેતની વાત આવે છે અને અરૂપ તુરત વાત બદલાવી નાખે છે.

અને બે ચાર વાર અરૂપનો ગુસ્સો જોઇ ધીમે ધીમે કાચબો અંગો સંકોરી લે તેમ ઇતિએ પોતાની વાતો સંકોરી લીધી. અરૂપને અનિકેતની વાત નથી ગમતી એ તો સમજાયું..પરંતુ શા માટે નથી ગમતી ? એ ઇતિની સમજ બહાર જ રહ્યું. ઇતિની વાતો બહાર આવતી બંધ થઇ ગઇ. ઇતિએ જાણે એ દરવાજો બંધ કરી દીધો હતો.જેને એ પોતે પણ હવે કદાચ ખોલવા નહોતી માગતી. દિલના અતલ ઊંડાણમાં અનિકેતની સ્મૃતિ ધરબાઇ રહી. અને ધીમે ધીમે ઇતિની જિંદગીમાં અનિકેત નામે કોઇ પાત્ર હતું એ પણ ભૂલાતું ગયું કે પછી ….
કાળદેવતા ઇતિ સામે કયારેક હસી લેતા એટલું જ. તેને એકને જ કદાચ ખ્યાલ હતો કે ઇતિ જાતને છેતરી રહી છે..અનિકેત તો આ બેઠો તેના દિલના તળિયે… પણ કોઇ વાત ફોડ પાડીને કહેવા કાળદેવતા થોડા રોકાય છે ? સમય સમય નું કામ કરશે અને એક દિવસ ….! અને સમય સરતો રહ્યો…સરતો રહ્યો…

અરૂપના સ્નેહમાં કોઇ કમી કયાં હતી ? ઇતિ જીવનમાં ગોઠવાતી ગઇ. કોઇ અફસોસ વિના..હજારો લાખો સ્ત્રીની માફક..તદન સહજતાથી..સરળતાથી..! કેટલાક સત્યો વરસો પછી પણ એની એ જ કુમાશ,મુગ્ધતા અને ઋજુતા સાથે જીવતા હોય છે એ સત્યથી ઇતિ કદાચ અજાણ હતી.

લગ્ન પછી અરૂપને બાળકની ખૂબ ઉતાવળ હતી. પણ પિતા બનવાની તેની હોંશ લગ્નજીવનના આટલા વરસો બાદ પણ પૂરી ન થઇ. ઇતિ પણ શિશુને આવકારવા ઉત્સુક હતી. પણ…! આમ તો બંનેના બધા રીપોર્ટ નોર્મલ આવતા હતા. અને તેથી નશીબ સિવાય કોને દોષ આપી શકાય ? અને ત્યારે ઇતિએ એકવાર કોઇ શિશુને દત્તક લેવાની વાત અરૂપ પાસે મૂકી જોઇ. પરંતુ અરૂપને એ વાત ગળે ઉતરી નહીં. બાળક હોય તો આપણું પોતાનું જ…નહીંતર બાળક વિના પણ ચાલશે. તેને માટે તો ઇતિ સર્વસ્વ હતી અને રહેશે. અને સરળ ઇતિને સમજાવવી…મનાવવી કંઇ બહું અઘરી વાત નહોતી જ.

ઇતિ અરૂપ માટે એટલું તો કરી જ શકે ને ?
ઇતિ કહે તેમ તો અનિકેતે કરવાનું હતું. અને અરૂપ કહે તેમ ઇતિએ…

જીવનના તાણવાણા કોણ ઉકેલી શકયું છે ?